Ganpati ne patra in Gujarati Short Stories by Vicky Trivedi books and stories PDF | ગણપતિ ને પત્ર.....

Featured Books
Categories
Share

ગણપતિ ને પત્ર.....

રાજુ ભાઈ નવા નવા અંબિકા રેસિડેન્સી માં રહેવા આવ્યા હતા. એમનો દીકરો કેતન આઠમાં ધોરણમાં ભણતો હતો. એ છેક શ્રાવન મહીનાથી ગણપતિ બાપાની રાહ જોતો હતો. અને આખરે ગણપતિ બાપાની મૂર્તિ લાવવા માટે સોસાયટીના લોકો ઘરે ઘરે ફરવા લાગ્યા. કોઈએ પચીસો આપ્યા તો કોઈએ અગિયારસો...... આખરે એ લોકો રાજુ ભાઈના ઘરે આવ્યા.....

" રાજુ ભાઈ...... "

" એ તો ઘરે નથી ભાઈ " કેતનની મમ્મીએ રસોડામાંથી અવાજ લગાવી...

" સારું ત્યારે તમે જ ગણપતિનો ફાળો આપી દો.... " આવનારા ટોળામાંથી પ્રમુખ બોલ્યો...

કેતનની મમ્મીએ કેતનને પચાસ ની એક નોટ અને એક રૂપિયો ખુલ્લો આપીને બહાર મુક્યો.... અને કેતન હરખાતો હરખાતો ગયો....

" લો અંકલ.... " કહી કેતને એકાવન રૂપિયા આપ્યા....

" એકાવન ન ચાલે " પેલે માણસે જોરથી કહ્યું.... કેતનનું હસતું મોઢું વિલું પડી ગયું....

એની રાડ સાંભળી સુશીલાબેન બહાર આવ્યા...

" ભાઈ છોકરાને આમ કેમ બોલો છો તમે ?" કેતનને પોતાની પાસે ખેંચી લઈને સુશીલાબેને ઠપકો આપતા કહ્યું....

" એકાવન રૂપિયા ના ચાલે બેન જેને પોતાનું મકાન હોય એને ઓછામાં ઓછા અગિયારસો અને જે ભાડે રહે એમને ઓછામાં ઓછામાં બસોને એકાવન આપવાના છે.... "

" ગણપતિ કેવા નથી આવ્યા આ બધું " સુશીલાબેનને ખરેખર ગુસ્સો આવ્યો....

" દેખો બેન લેડીઝ જોડે અમે માથા કુટ નથી કરતા કા તો પૈસા આપો નહિતર મહિનામાં ઘર ખાલી કરાવી દઈશું... "

રાજુ ભાઈ માંડ ઘર ચલાવતા હતા. એમને જૂનું મકાન વેચાઈ ગયું એટલે ખાલી કરીને અહીં નાનકડા મકાનમાં રહેવા આવ્યા હતા... ક્યાંય સસ્તું મકાન મળતું નહોતું. આ એક માંડ અહીં પંદરસો ભાડાંમાં ઉમિયા બેનની ઓળખાનથી મળ્યું હતું. સુશીલાબેન બિચારા ગભરાઈ ગયા. પૈસા તો હતા નહિ..... હમણાં જ રાજુભાઈના પથરીના ઓપરેશન માટે પણ પૈસા વપરાઈ ગયા હતા. કારીયાનું ખરીદવાના પણ હાલ તો ફાંફા હતા. આ નવા ઘરનું એડવાન્સ ભાડું પણ ઉમિયા બેને જ આપ્યું હતું.....

" હું સાંજે આપી દઈશ એના પપ્પા આવશે એટલે ભાઈ " બે હાથ જોડીને સુશીલાબેને કહ્યું. અને ચૌદસિયા ચાલ્યા ગયા...

કેતન નાનો હતો પણ સમજુ હતું. એ મમ્મીના ઉદાસ ચહેરાને સમજી ગયો. તરત ઘરમાં જઈને એણે ટીવી લાવવા માટે ભેગા કરેલા પૈસા નો ગલ્લો નીકળ્યો અને ગલ્લો ફોડી દીધો. અંદરથી રૂપિયા બે રુપિયા અને પંચના સિક્કા નીકળ્યા.... કેતને ગણતરી કરી તો અંદરથી એકસો નવ્વાણું રૂપિયા નીકળ્યા.....

બધા પૈસા ભેગા કરીને કેતને મમ્મીને કીધું " મમ્મી આ એકસો નવ્વાણું રૂપિયા છે અને એકાવન રૂપિયા તે આપ્યા હજુ એક રૂપિયો ખૂટે છે..... "

સુશીલાબેને કેતનને ગળે લગાવીને માથે ચુંબન કર્યું..... " તું કરોડોનો છે દીકરા મારો સમજુ દિકરો..... "

" એક મિનિટ મમ્મી..... " કહી કેતન દોડતો જયેશના ઘરે ગયો અને જયેશ પાસેથી એક રૂપિયો ઉછીનો લઈ આવ્યો....

" મમ્મી તું ચિંતા ન કર હવે પુરા પૈસા છે... ઘર ખાલી નઈ કરવું પડે આપણે. " હસીને મમ્મીના આંસુ લૂછતાં કેતન બોલ્યો.....

" પણ બેટા પ્રમુખ આ છુટ્ટા રૂપિયા નહિ લે.... તું એક કામ કર પેલા કારીયાના વાળા કાકાને આ બધા આપીને બંધુકા લઇ ને પછી પ્રમુખ ને આપજે.... "

" સારું મમ્મી.... " કહી કેતન ગયો..... કારીયાના વાળા કાકાને ચિલ્લર આપીને નોટો લઈ એ પ્રમુખને આપી આવ્યો....

સુશીલાબેન રસોડામાં સાજનું જમવાનું બનાવવા લાગ્યા અને કેતન એની બેગ લઈને રૂમમાં બેઠો.... કેતને એક નોટ અને પેન નીકાળી અને લખવાનું ચાલુ કર્યું......

" ગણપતિ બાપા.....

હું છેક શ્રાવણ થી તમારો ઉત્સવ મનાવવા માટે રાહ જોતો હતો. માન્યું કે મારા પપ્પા ગરીબ છે એટલે અમે તમારી મૂર્તિ લાવી શકતા નથી.... પણ મને ગયા વર્ષે શાળામાં પ્રથમ નંબર લાવવા માટે તમારી એક મૂર્તિ ની ભેટ મળી હતી.... મને તો નમ્બર કરતા તમારી મૂર્તિ મળ્યાનો આનંદ હતો.... અને મમ્મી પપ્પા પણ કહેતા હતા.... " કેતન તને તો ખુદ ગણપતિ બાપાએ પસંદ કર્યો છે નહિતર શાળા વાળા મેડલ કે સર્ટિફિકેટને બદલે આ મૂર્તિ જ કેમ આપોત ....? એતો બાપા તારી પાસે આવવા માંગતા હતા.... "

અને હું એ દિવસથી તમારી એ મૂર્તિને એક અગરબત્તી કરું છું.... કેમ કે મારે દસ વાળું પેકેટ દસ દિવસ ચલાવું પડે છે.... ગરીબ છું ને....!
તમે જીણી આંખે દુનિયા દેખો છો એવું મમ્મી કહે છે તો આજે તમે જોયું જ હશે ને ? મારા પપ્પા માંડ ઘર ચલાવે છે. એક દુઃખ જાય અને બીજું આવે છે... દુઃખ સામે તો અમે તમારા વિશ્વાસે લડી લઈએ છીએ... પણ બાપા આ બધા મોટા માણસો આગળ અમારું શુ ચાલે ? મારી મમ્મી આજે હારી ગઈ ને ? આવી દાદાગીરી કરવા વાળા સોસાયટીના પ્રમુખ પાસે બંગલો છે ગાડી છે કેમ કે એ તમારા નામે આવી રીતે પૈસા ખાય છે.... અને મારી મમ્મી તમારી પુરા હેત શ્રદ્ધાથી પૂજા કરે છે એને કાઈ નઈ ? આ ક્યાંનો ન્યાય છે..... ?

બધાના ઘરે ટીવી ફ્રિજ છે. મારે નથી પણ મારે નથી તોય મેં કદી તમને ફરિયાદ કરી ? ના નથી કરી મેં કોઈ ફરિયાદ. મને મમ્મી પપ્પાએ કીધું છે કે મહેનતનું ખાવાનું કોઈ પાસે માંગવાનું નઈ. એટલે ત્રણ મહિનાથી મમ્મી જે રૂપિયો કે બે રૂપિયા આપે છે એ પૈસા હું ગલ્લા માં ભેગા કરતો ..... ટીવી લાવવા માટે પણ એ પૈસા આજે મારે આપવા પડ્યા....
તમે દુનિયા ચલાવો છો એમ પપ્પા કહે છે તો તમે આવી દુનિયા જ ચલાવો છો ને ? મારી ગરીબ માં ને આવી રીતે કોઈ ધમકી આપીને જાય, મારા પપ્પાને હવે એ લોકો કેટ કેટલું કહેશે એ તો અલગ... જ ને ?
ગણપતિ બાપા હું પણ હવે તમને કહી દઉં છું કે આજથી હું તમારી ક્યારેય પૂજા નહિ કરું.... અને હા ખબર છે તમારા તો ઘણા ભક્તો છે દુનિયામાં મારા એક ના ન પૂજવાથી તમને શું ફરક પડે ? તમારી તો આજે મોટી મોટી મૂર્તિઓ ખરીદશે લોકો, ડી.જે. લાવશે, હાર, ફૂલ, તોરણ, કેટકેટલા સુશોભન કરશે.... છતાંય હવે મને તમારા ઉપર ભરોસો નથી રહ્યો.....
લી. તમારો એક ઓછો થયેલો ભક્ત....
કેતન...... "

પત્ર લખીને કેતન ક્યાંય સુધી બાજુના ઘરમાંથી આવતા ટી.વી.ના અવાજને સાંભળી ઉદાસ બેસી રહ્યો.... પછી કાગળ વાળીને શાળામાંથી મળેલી એ ગણપતિની મૂર્તિ નીચે મૂકી દીધો.... દરવાજો ખુલવાનો અવાજ આવ્યો એટલે કેતને ચહેરા ઉપર હસવાના ભાવ લાવી દીધા...
રાજુભાઇ આવ્યા ત્યાં સુધી જમવાનું બની ગયું હતું. બધાએ જમી લીધું એટલે રાજુભાઈએ સુધીલાબેનને વાત કહેવા માટે કેતન ને કહ્યું " કેતન બેટા તારા ગણપતિ બાપાની મૂર્તિ સોસાયટીમાં લાવી છે જા જયેશ જોડે જઈને રમ.... "

" પપ્પા મારે તો બૌ હોમવર્ક બાકી છે " કહી કેતન રૂમમાં ચાલ્યો ગયો....
રાજુભાઈ જ્યારે સોસાયટીમાં પ્રવેશ્યા કે તરત એમને પ્રમુખ અને બીજા ચૌદશીયાઓએ ધમકાવ્યા. સોસાયટીના લોકોએ કરેલી બદતમીજીની વાત પત્નીને કહેતા રાજુભાઇ રડી પડ્યા... કેતન આ બધું દરવાજે ઉભો સાંભળતો જ હતો... કેતન પથારીમાં જઈને ઓઢીને રડતો રડતો ક્યારે સુઈ ગયો એ ખબર પણ ન રહી.... રાજુ ભાઈ પણ દિવસના થાકથી સૂઈ ગયા... પણ સુશીલાબેનને મોડા સુધી ઊંઘ ન આવી.... ... ક્યાંથી આવે ઊંઘ ? એ વિચારોમાં જ હતા ત્યાં જ અચાનક કેતન રાડ પાડીને ઉભો થઇ ગયો.....

" શુ થયું બેટા ?" સુશીલા બેન દોડીને કેતન પાસે ગયા. રાજુ ભાઈ પણ જાગી ગયા...

" મમ્મી.... ગણપતિ..... " કેતન ગૂંગળાવા લાગ્યો હતો...

" ઉભો રહે બેટા પાણી પી ને બોલ " કહી સુશીલાબેન પાણી લઇ આવ્યા....

પાણી પીને કેતને કહ્યું " મમ્મી મને સપનામાં ગણપતિ આવ્યા.... "

" હે ? તો સારું કેવાય ને બેટા એમાં શું ડરે છે ગાંડા " સુશીલાબેન હસી પડ્યા...

" પણ મમ્મી એ મને કહેતા હતા કે તું નહિ આવે તો હું નહિ આવું.... મારે બીજા ભક્તોની જરૂર નથી.... એવા ભક્તો જે ડી.જે. માં હિન્દી ફિલ્મોના ગીત વગાડે છે, જે ભક્તો ફાળો ખાવા માટે મારુ આયોજન કરે છે, અને જે ભક્તો છોકરીઓ માટે આવીને નાચે છે , જે ભક્તો દારૂ પી ને ઝગડા કરે છે ત્યાં હું નથી જતો કેતન.... " કેતન એક જ શ્વાસમાં બધું બોલી ગયો....
રાજુભાઈને નવાઈ લાગી તેર વર્ષના બાળકને આવુ સપનું.... ! પણ એ કઈ બોલ્યા નહિ....

" પછી મને બાપાએ કીધું કે તે તારી ટી.વી. માટે ભેગા કરેલા પૈસા તો એમના એમ જ છે કદાચ હવે તો ગલ્લા માં પૈસા વધી ગયા હશે.... "
સુશીલા બેન અને રાજુભાઇ ગંભીર થઈને વાત સાંભળવા લાગયા.... સુશીલાબેનના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ....

" મને એમ પણ કહ્યું કે તું રોજ અહીં ચોકમાં આવજે બેટા આપણે નાચશો પણ તું વિસર્જનના દિવસે ન આવતો.... અને એટલું કહીને એ એક ચમકારા સાથે ગાયબ થઈ ગયા.... "

કેતન ઉભો થયો અને એનો ગલ્લો રાખતો એ કબાટ ખોલ્યું તો એમાં ગલ્લો તો એમને એમ હતો..... શુશીલા બેન અને રાજુભાઇ ફાટેલી આંખે જોતા રહી ગયા....

રાજુભાઈએ ગલ્લો ફોડ્યો તો અંદરથી બધી સો સો ની નોટો નીકળી.... શુશીલાબેને કેતન ને ઊંચકી લીધો " મેં કીધું હતું ને કે ગણપતિ તારી પાસે આવ્યા છે બેટા..... "

બીજા દિવસે રાજુભાઈએ કેતન માટે એ પૈસાની રંગીન ટી.વી. લાવી અને કેતન રોજ જઈને ચોકમાં ગણપતિ બાપા આગળ નાચતો... રાત્રે મોડા સુધી નાચતો......

દિવસો વીતતા ગયા અને આખરે વિસર્જન નું કામ આવ્યું ત્યારે શુશીલાબેનને સપના ની વાત યાદ આવી " પણ તું વિસર્જનમાં ન આવતો..... " એ શબ્દો યાદ આવ્યા એટલે કેતનને વિસર્જનમાં ન જાવા દિધો.... બાપા એ એવું કેમ કીધું હશે એના વિચારમાં જ માં દીકરો બેઠા હતા ત્યાં જ સોસાયટીમાં કોલાહલ થવા લાગ્યો..... બહાર જઈને જોયું તો લોકો નું ટોળું ઉભું હતું.....

શુશીલાબેને જઈને એક બે બૈરાં ને પૂછ્યું " શુ થયું બેન ?"

" આ વિસર્જનમાં ટ્રક ઊંઘી થઈ ગઈ..... "

" હે રામ...... " સુશીલા બેને કેતનને પકડીને નજીક ખેંચી લીધો..... તો શું બાપ એ એટલે કેતનને આવવા ની ના પાડી હશે ? મનમાં વિચાર થવા લાગ્યા.....

" તો તો ઘણા બાળકોને વાગ્યું હશે ને ? " શુશીલાબેને ફરી પૂછ્યું....

" ના રે બૈરાં અને નાના છોકરા ને આપણી સોસાયટીમાં કદી વિસર્જનમાં જાવા જ નથી દેતાં.... મુવા આ બધા આદમી જાય છે અને દારૂ ઢીંચે છે. મારા વાળો તો મુવો મરી જાય તો પાર આવે.... એક વાર રોઈને પાર કરું કાયમ નું તો ન રે ને એને રોવાનું.... " ભડકેલી એ દુખિયારી સ્ત્રી બોલી....
સુશીલા બેન વધારે કઇ પૂછ્યા વગર ઘરે ચાલ્યા ગયા.... બીજા દિવસે સમાચાર મળ્યા કે કોઈ જાન હાની થઈ નથી બસ પ્રમુખ નો એક પગ બે જગ્યાએથી ભાગ્યો છે અને બીજા અમુક લોકો ને હાથ પગ માં ફ્રેક્ચર થયા છે.

એ દિવસથી સુશીલાબેન બાપા ની બે ટાઈમ પૂજા કરે છે અને કેતન એક અગરબત્તી રોજ કરે છે...... હવે તો રાજુભાઈનો પગાર પણ વધ્યો છે અને કેતન તો વર્ષો વર્ષની જેમ જ પ્રથમ નંબરે આવે છે.... કેતન અને એના મમ્મી પપ્પા જ્યારે બાલ ગણેશ ફિલ્મ આવે છે ત્યારે તો બધા ભેગા મળીને અચૂક નવી ટીવી માં દેખે જ.... અને કેતન ફરી બાપા સપનામાં આવે એવી પ્રાર્થના કરે છે રોજ..... ખબર નઈ હવે ફરી બાપા એને ક્યારે મળશે......

વિકી ત્રિવેદી