Ek kadam prem taraf - 12 in Gujarati Fiction Stories by Gopi Kukadiya books and stories PDF | એક કદમ પ્રેમ તરફ - 12

Featured Books
Categories
Share

એક કદમ પ્રેમ તરફ - 12

એક કદમ પ્રેમ તરફ – 12

(ફ્રેન્ડ્સ, આગળના ભાગમાં આપણે જોયું કે વિધિને છોકરો જોવા આવે છે અને વિધિના પપ્પાને તે છોકરો જય ગમી જાય છે, વિધિને મળવા જય ફરીવાર ઘરે આવવાનો હોય છે પણ વિધિને નથી મળવુ આથી મોહિની બધાને એક પ્લાન કહે છે….

જો તમે આગળના ભાગ ના વાંચ્યા હોય તો જરૂરથી વાંચશો..)

હવે આગળ…

વિધિ કોલેજથી ઘરે આવી તેના મમ્મીને કામમાં થોડી મદદ કરાવે છે અને પછી જયના આવવાનો ટાઈમ થતા સુંદર રીતે તૈયાર થઈ જાય છે.

વિધિને કઈ બોલ્યા વગર તૈયાર થયેલી જોઈને તેના મમ્મી પપ્પાને રાહત થાય છે કે વિધિ લગ્ન માટે માની જશે પણ તેમને ખબર નથી કે વિધિના મનમાં કઈ બીજું જ ચાલે છે, તે તો મોહિનીના પ્લાન પ્રમાણે વર્તી રહી છે.

થોડીવારમાં જય આવી જાય છે, તે પાણી લઈને જયને આપવા જાય છે, સુંદર રીતે તૈયાર થયેલી વિધિને જોઈને જયની નજર થોડીવાર વિધિ પર જ અટકી જાય છે, થોડી ક્ષણ તેને નિહાળ્યા બાદ પરિસ્થિતિનું ભાન થતા તે નજર હટાવી લે છે.

થોડીવાર બાદ નાસ્તાનો દોર શરૂ થાય છે, જય વિધિના પપ્પા સાથે વાતો કરતો હોય છે જ્યારે વિધિ તેના આગળના પ્લાનને કઈ રીતે અમલમાં મુકવો તે વિચારતી હોય છે.

એ જ સમયે જય વિધિના પપ્પાની પરમિશન માંગતા પૂછે છે, “અંકલ… જો તમને કોઈ પ્રૉબ્લેમ ના હોય તો હું વિધિને બહાર લઈ જાવ? એ રીતે અમે મળીને એકબીજાને સારી રીતે જાણી શકીશું…”

જયની વાત સાંભળી વિધિ ખુશ થઈ જાય છે કે જયે જાતે જ તેની મુશ્કેલી દૂર કરી નાખી કારણકે તે પણ જયને એકલા મળવા માંગતી હતી.

વિધિના પપ્પા પણ તેમને પરમિશન આપી દે છે આથી બન્ને બહાર આવવા નીકળે છે, ગાડીમાં બેસીને વિધિ જયને થેંક્યું કહે છે.

“થેંક્યું શા માટે?” જય સવાલ કરે છે.

“પપ્પાને બહાર મળવાનું કહેવા માટે, હું પણ એ જ વિચારતી હતી કે આપણે ક્યાંક બહાર મળીએ… મારી ફ્રેન્ડને પણ તમને મળવું હતું.”

“ok…. તો ક્યાં જઇશું?”

“ કોફી શોપ..”

વિધિ સાહિલને મેસેજ કરી દે છે કે તે જયને લઈને આવી રહી છે, વિધિ જયને લઈને કોફી શોપ પર આવે છે જ્યાં પહેલેથી જ મોહિની, સાહિલ અને વિવાન હાજર હોય છે.

વિધિ જયને લઈને તેમની પાસે જાય છે અને બધા સાથે જયની ઓળખાણ કરાવે છે પણ વિવાનને જોઈને જય તેની સાથે હાથ મિલાવતાં પૂછે છે,” હેય બ્રો… તું અહીંયા?”

“ ઓહહ હાય બ્રો.. હું અહીંયા સ્ટડી માટે આવ્યો છું.” વિવાન પણ સામે હાથ મિલાવીને કહે છે.

“ઓહહ ગ્રેટ…”

“વિવાન તું આમને કઈ રીતે ઓળખે છે?” મોહિની વિવાન અને જય એકબીજાને ઓળખે છે એ જાણીને પૂછે છે.

“અમે એક સ્કૂલમાં હતા લંડનમાં પણ પછી તે અમેરિકા જતો રહ્યો..”

બધા એક ટેબલ પર બેસે છે અને કોફી ઓર્ડર કરી વાત કરવાની શરૂઆત કરે છે.

વિધિ અસમંજસમાં છે આથી વિવાન જ વાતની શરૂઆત કરે છે,” જય… અમે તને અહીં એક વાત કરવા માટે બોલાવ્યો છે… અમારે તારી મદદની જરૂર છે.”

“કેવી મદદ…??”

વિવાન આગળ કઈ બોલે તે પહેલાં વિધિ તેને અટકાવે છે,” હું વાત કરું છું.”

વિધિ થોડી હિંમત કરીને જયને કહેવાનું શરૂ કરે છે,” જુઓ તમે મને જોવા આવ્યા અને મને પસંદ કરી, મારા પપ્પાને પણ તમે પસંદ આવ્યા છો પણ મારે હમણાં લગ્ન નથી કરવા…”

“તો વાંધો નહિ આપણે તમે કહેશો ત્યારે લગ્ન કરશું…”

“પછી લગ્ન કરવાની વાત નથી, વાત એમ છે કે હું તમારી સાથે લગ્ન કરી શકું એમ નથી…. હું સાહિલને પ્રેમ કરું છું….” વિધિ એકી શ્વાસે બોલી જાય છે.

“હા… અમે બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ.. પણ વિધિના ઘરે કોઈ આ વાત માનવા તૈયાર નથી આથી જ અમારે તમારી મદદની જરૂર છે..” સાહિલ જયને કહે છે.

“જો તમે મદદ કરશો તો અમે વિધિના પરિવારને સમજાવી શકીશું…” મોહિની પણ જયને વિનંતી કરે છે.

“ ઓહહ… તો એમ વાત છે… પણ હું કઈ રીતે મદદ કરી શકું??” જય વિધિને પૂછે છે.

“જો તમે મારી સાથે લગ્ન કરવાની ના પાડી દેશો તો અમે પપ્પાને સમજાવી શકીશું…” વિધિ જવાબ આપતા કહે છે.

જય થોડીવાર વિચારીને કહે છે,” સારું.. હું ના પાડી દઈશ પણ તમે બધા સાથે જ ચાલો…”

“પણ બધાનું ત્યાં શું કામ છે ભાઈ… ના તો તારે પડવાની છે?” વિવાન જયની વાત ના સમજાતા પૂછે છે.

“ ના તો મારે જ પાડવાની છે પણ એ બહાને વિધિનું ફેમિલી સાહિલને મળી લેશે… તો તેઓ પણ જલ્દી માની જશે.”

જયનો વિચાર બધાને ગમી જાય છે, સાહિલ અને વિધિ જયને થેંક્યું કહે છે.

“ અરે એમા થેંક્યું ના કહેવાનું હોય, હું પ્રેમની વિરુદ્ધ નથી હું તમારી સ્થિતિ સમજી શકું છું.”

ત્યારબાદ બધા વિધિના ઘરે જાય છે, વિધિ અને જય સાથે બીજા બધાને જોઈને વિધિના મમ્મી પપ્પા આશ્ચર્ય પામે છે.

વિધિના મમ્મી બધાને આવકાર આપે છે, વિધિ તેના ફ્રેન્ડ્સની તેના મમ્મી પપ્પા સાથે ઓળખાણ કરાવે છે.

જય વિધિના પપ્પા સાથે વાત કરવાની શરૂઆત કરતા કહે છે,” સોરી અંકલ… પણ હું વિધિ સાથે લગ્ન નહીં કરી શકું?”

“પણ અચાનક શું થયું? અત્યાર સુધી તો તમારી હા જ હતી!!” વિધિના પપ્પા ચિંતિત સ્વરે પૂછે છે.

“હા એટલા માટે હતી કે મને ખબર નહોતી કે વિધિ કોઈ બીજાને પ્રેમ કરે છે..”

“એ પણ હવે માની ગઈ છે તમારી સાથે લગ્ન કરવા માટે…”

“કદાચ એ તમારી ઈચ્છા સામે ઝૂકી જશે અને મારી સાથે લગ્ન કરી લેશે પણ એ મારી સાથે ક્યારેય ખુશ નહીં રહી શકે, શું તમે એવું જોઈ શકશો કે લગ્ન પછી વિધિ દુઃખી રહે?”

આ વાત સાંભળીને વિધિના પપ્પા ઘડીભર વિધિ સામે જોઈ રહે છે, જય પોતાની વાત ફરી આગળ વધારે છે,” વિધિ અને સાહિલ એકબીજાને પ્રેમ કરે છે, અને સાહિલ પણ સારો છોકરો છે વિધિ એની સાથે વધુ ખુશ રહેશે…તમે પણ એવું જ ઇચ્છતા હશો કે વિધિ જ્યાં પણ રહે હંમેશા ખુશ રહે… મારાથી તમને વધુ કઈ કહેવાય ગયું હોય તો માફ કરજો..”

આટલી વાત કરી જય ત્યાંથી જતો રહે છે, વિધિના પપ્પા ચૂપ બેઠા હોય છે, વિધિ તેના પપ્પા પાસે આવે છે અને ચૂપચાપ તેમના પગ પાસે આવીને બેસી જાય છે.

સાહિલ પણ વિધિ પાસે આવે છે અને તેની બાજુમાં બેસીને તેના પપ્પાને કહે છે,”અંકલ હું વિધિને ખૂબ જ પ્રેમ કરું છું અને હંમેશા તેની સાથે જ રહેવા માંગુ છું, પરંતુ હું તમારી મરજી વિરુદ્ધ જઈને કઈ કરવા નથી માંગતો, જો તમે હા પાડશો તો જ અમે લગ્ન કરીશું નહીં તો હું વિધિથી દૂર જતો રહીશ, હું એના જીવનમાં ક્યારેય મુશ્કેલી નહીં આવવા દઉં…” એટલું કહીને સાહિલ વિધિના પપ્પાને પગે લાગી ઘરની બહાર નીકળવા લાગે છે.

સાહિલને જતો જોઈ વિધિના આંખમાંથી આંસુ ટપકે છે અને તેના પપ્પાના પગ પર પડે છે, આ જોઈ વિધિના પપ્પા વિધિ સામું જુએ છે અને વિધિની આંખમાં તેમને સાહિલને રોકી લેવાની વિનંતી દેખાય છે, અને તેઓ તરત સાહિલને રોકી લે છે, આખિર તે પણ વિધિની ખુશી જ ઇચ્છતા હતા ને.

તે સાહિલને ગળે લગાવે છે અને વિધિનો હાથ સાહિલના હાથમાં આપી કહે છે,”વિધિને હંમેશા ખુશ રાખજે..”

“હું વચન આપું છું વિધિને ક્યારેય દુઃખી નહીં કરું…”

વિધિ ખુશીથી તેના પપ્પાને ગળે વળગી જાય છે, વિધિના પપ્પા સાહિલને કહે છે,”મારે તારા ફેમિલીને મળવું છે”

“હા તમે જ્યારે કહેશો ત્યારે મળવાનું રાખશું”

“રવિવારે મળીયે…”

“સારું હું ઘરે વાત કરી લઈશ..”

મોહિની વિધિના પપ્પા પાસે બહાર જવાની પરમિશન માંગે છે,” અંકલ અમે સેલિબ્રેશન કરવા બહાર જઈએ??”

વિધિના પપ્પા હા પાડે છે તેથી બધા બહાર જાય છે, સાહિલ અને વિધિ ખૂબ જ ખુશ હોય છે, તેઓ જમવા માટે એક રેસ્ટોરન્ટમાં જાય છે.

બન્ને ને ખુશ જોઈ મોહિની વિવાનને કહે છે,” વિધિ કેટલી ખુશ દેખાય છે હે ને?”

“હા…” વિવાન મોહિનીને જવાબ તો આપે છે પણ તે એ વિચારે છે કે તે કઈ રીતે મોહિનીના પપ્પાને મનાવશે.

જમતા જમતા બધા વાતો કરતા હોય છે ત્યારે વિવાન સાહિલને પૂછે છે,” સાહિલ… તે વિધિના પપ્પાને તો મનાવી લીધા પણ તે તારા ઘરે વાત કરી છે?”

“અરે અત્યારે તો મારે ઘરે કઈ કહેવાય એમ જ નથી… જ્યાં સુધી ભણવાનું પૂરું નહિ થાય ત્યાં સુધી તો નહીં જ..”

“પણ તો તું રવિવારે શું કરીશ, કઈ રીતે તેમને મળાવીશ??” વિધિ સાહિલની વાત સાંભળી ચિંતામાં આવી જાય છે.

“જોઈએ કઈક કરીશ..”

“સાહિલ… તું શું કરીશ… જો તેઓ નહિ માને તો??” વિધિ લગભગ રડવા જેવી થઈ જાય છે.

“અરે અરે હું તો મજાક કરું છું, તું તો રડવા લાગી” સાહિલ વિધિને સાંત્વના આપતા કહે છે.

“ તું શું કરવાનો છે એ તો કહે…” મોહિની પણ સાહિલને ચિંતિત સ્વરે પૂછે છે.

ત્યારબાદ સાહિલ જે કહે છે એ સાંભળીને બધાની આંખો આશ્ચર્યથી પોહળી થઈ જાય છે……

(ક્રમશઃ)

ફ્રેન્ડ્સ, સાહિલે તો વિધિના પપ્પાને મનાવી લીધા પણ વિવાન શું કરશે?? સાહિલે એવુ તો શું કહ્યું કે બધાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ?? બન્ને પરિવારની મુલાકાત કેવી રહેશે???

આ દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ…..

આપના પ્રતિભાવ મારા માટે મૂલ્યવાન છે તો સ્ટોરી વાંચીને આપના પ્રતિભાવ જરૂરથી આપશો..

Thank you.

-Gopi kukadiya