Manojkumar Pandey in Gujarati Detective stories by Mansi Vaghela books and stories PDF | મનોજકુમાર પાંડે (પરમવીર ચક્ર)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મનોજકુમાર પાંડે (પરમવીર ચક્ર)

મનોજકુમાર પાંડે

માનસી વાઘેલા

મનોજકુમાર પાંડે, એક એવું વ્યક્તિત્વ જેના સાહસ, પરાક્રમ અને વીરતાના ઉદાહરણો તો સૈનિક સ્કૂલમાંપણ અપાવવા લાગ્યા હતા. તેનો પ્રથમ પરચો સર્વિસેસ સિલેકશન બોર્ડના પસંદગીકર્તાને થયો હતો.

૬ જુન ૧૯૯૭, જે સમયે રાષ્ટ્રીય રક્ષા એકેડેમી ( N.D.A ) ના પસંદવાળા ફોર્મની કોલમમાં એ લખવાનું હોય છે કે તેઓ જીવનમાં શું બનવા કે મેળવવા માંગે છે. ત્યાં બધા લખી રહ્યા હતાં કે, કોઈને ચીફ ઓફ આર્મી સ્ટાફ બનવું છે, તો કોઈ લખી રહ્યું હતું કે તેમને વિદેશમાં પોસ્ટીંગ જોઈએ છે, વગેરે... વગેરે... એ ફોર્મ પર ભારત દેશના આ બહાદુર દીકરાએ બહુ જ ગર્વથી એ ફોર્મ પર સુવર્ણ અક્ષ્રરોથી લખ્યું હતું કે,

“હું માત્રને માત્ર પરમવીર ચક્ર મેળવવા ઈચ્છું છું.”

ત્યારે તો એ વાતને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી. કારણકે આ સન્માન ત્યાર સુધીમાં માત્ર સત્તર વીરોને જ મળ્યું હતું. જો કે હકીકતમાં પરમવીર ચક્ર જીતનારા જાંબાઝોમાં અઢારમું નામ મનોજકુમાર પાંડેનું હતું. મનોજકુમાર પાંડે આપણી ભારતીય સેનાનો એક વીર. જેના વિશે ઘણાં જ ઓછા લોકો જાણતા હશે. જે ખુબ જ ઓછી ઉમરે મૃત્યું પામ્યા હતાં. એમની ઉંમર ઓછી હશે પણ એમની બહાદુરી જરાય ઓછી ઉતરતી નહોતી. તેમને પોતાની બહાદુરીથી ના તો માત્ર પોતાના પરિવારનું પણ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ઉજ્વળ કર્યું હતું.

મનોજકુમાર પાંડેનો જન્મ ૨૫ જુન ૧૯૭૫માં ઉત્તરપ્રદેશના સીતાપુર જીલ્લાના રુંધા ગામમાં થયો હતો. જે લખ્નૌઉથી લગભગ ૬૦ કિલોમીટર દુર આવેલું છે. મનોજકુમાર એક નેપાળી ક્ષેત્રી પરિવારમાં પેદા થયાં હતાં. મનોજકુમારના પિતાનું નામ ગોપીચન્દ્ર પાંડે હતું. જયારે મોહિની પાંડે તેમના માતા હતાં. નાનકડા ગામમાં ભણવાની સારી સુવિધા ઉપલબ્ધ ના હોવાને કારણે મનોજના પિતાએ મનોજના ઉજ્જવળ ભવિષ્ય માટે લખ્નૌઉ જવાનું યોગ્ય લાગ્યું. ગોપીચન્દ્ર પાંડે તેમની પત્ની મોહિની પાંડે અને પુત્ર મનોજ સાથે સીતાપુરથી સ્થળાંતરીત થઈને લખનૌઉમાં આવીને વસી ગયા. મનોજે પોતાનો અભ્યાસ સૈનિક સ્કુલ ઓફ લખનૌઉથી પૂરો કર્યો. જ્યાંથી તેમનામાં અનુશાસન તેમજ દેશ માટે પ્રેમની ભાવના જાગૃત થઇ. અહીં જ તેમણે દેશનું સન્માન જાળવતા શીખ્યું. નાનપણથી જ એમના માતા મોહિની પાંડે તેમને વીરતા અને સદ્ચરિત્રની વાર્તાઓ સંભળાવતા હતાં અને મનોજનો જુસ્સો વધારતા હતાં. જેથી કરીને મનોજ જીવનના કોઈ પણ સંઘર્સ કે મુશીબતના સમયે ગભરાય નહિ . મનોજે તેમના પિતા ગોપીચન્દ્ર પાંડે પાસેથી પોતાનું અને દેશનું સન્માન અને યશ જાળવતા શીખ્યું હતું.

લખનૌઉથી પ્રારંભીક અભ્યાસ પૂર્ણ કર્યા પછી મનોજ પુણેમાં સ્થિત ખડકવાસલામાં આવેલ રાષ્ટ્રીય રક્ષા એકેડેમીમાં ભરતી થઇ ગયા. જ્યાં મનોજએ ભારતીય સેના દલમાં જોડાયા. મનોજએ રાષ્ટ્રીય રક્ષા એકેડેમીમાંથી આર્મીનું પ્રશિક્ષણ પૂર્ણ કર્યું. અહીંથી પ્રશિક્ષણ પૂરું કર્યા પછી મનોજકુમારની માતાના આશીર્વાદ તથા મનોજની અથાગ મહેનતને કારણે તેમનું સપનું પૂર્ણ થયું. મનોજકુમાર પાંડે ૧૧ ગોરખા રાયફલ રેજીમેન્ટની પેહલી ટુકડીના અધિકારી બન્યા. આ એ દિવસ હતો જેના પછી દેશના એ સપૂતએ કદી પાછળ ફરીને જોયું નહિ. આ બટાલિયનની વિશ્વભરમાં ખ્યાતી રહી છે અને તેનું બીજું નામ બહાદુરી પણ છે. તેની બહાદુરી અને નામના એટલી બધી ફેલાયેલી હતી કે ત્યાં સુધી કે હિટલરએ પણ કહેલું છે કે જો મને ગુરખા બટાલિયન મળી જાય તો હું સમગ્ર દુનિયા પર રાજ કરી શકુ. દુનિયાના આ મોટા તાનાશાહના કથનથી જ આ બટાલિયનની ખ્યાતીનો અંદાજ લગાવી શકાય છે, આ બટાલિયનના સિપાહી થવું એ અગ્નિપરિક્ષા પાર કરવા જેટલું મુસ્કેલ છે. તેઓ એકલા જ હજારો લોકોને ભારે પડે તેવી હિમાયતી ધરાવતા હતા. એટલે જ તો તેમને જ્યાં પાકિસ્તાનીઓની બાજ નજર હતી એ કુકરથાગ ચોકી પર ફતેહ કરવાની જવાબદારી સોપવામાં આવી હતી.

ત્યારબાદ મનોજની પોસ્ટીંગ શ્રીનગરમાં કશ્મીરની ઘાટીમાં થઇ. આ વિસ્તાર આતંકવાદીઓ અને તેમની ગતિવિધિઓના હિસાબે સમગ્ર ભારતનો સૌથી ભયાનક અને ખતરનાક વિસ્તાર માનવામાં આવતો હતો. એકવાર મનોજને એમની ટુકડીને લઈને ગસ્ત માટે મોકલવામાં આવ્યા. પરંતુ તેમને પાછા ફરવામાં બહુ જ મોડું થઇ ગયું. જેથી બધાને તેમની ખુબ જ ચિંતા થવા લાગી. જયારે મનોજ એમના કાર્યક્રમમાંથી ૨ દિવસનું મોડું કરીને પાછા આવ્યા ત્યારે તેમના કમાન્ડીંગ ઓફિસરે તેમને મોડું થવાનું કારણ પૂછ્યું. ત્યારે મનોજએ જવાબ આપ્યો કે, અમને અમારી ગસ્તમાં ઉગ્રવાદીઓ મળ્યા જ નહિ. એમને શોધવા માટે અમે બધા આગળ ચાલવા લાગ્યા, જયા સુધી અમારો સામનો ઉગ્રવાદીઓ સાથે ના થઇ ગયો. ઉગ્રવાદીઓનો સામનો કર્યા બાદ જ અમે પાછા ફર્યા.

એવી જ રીતે જયારે મનોજની બટાલીયનની પોસ્ટીંગ સિયાચીનમાં થવાની હતી, ત્યારે મનોજ યુવાન ઓફિસરોની એક ટ્રેનીંગ પર ગયા હતાં. ત્યારે મનોજ એઙ વાતથી પરેશાન હતા કે આ ટ્રેનીંગના કારણે તેઓ સિયાચીન નહિ જઈ શકે. જયારે એ ટુકડીનો મુશ્કેલી ભર્યા કામ કરવાનો વારો આવ્યો, ત્યારે મનોજએ તેમના કમાન્ડીંગ ઓફિસરને પત્ર લખ્યો કે જો એમની ટુકડી ઉત્તરી ગ્લેશિયરની તરફ જઈ રહી હોય તો એમને ‘બાના ચોકી ’ આપવામાં આવે. અને જો તેમની કુચ સેન્ટ્રલ ગ્લોશીયરની તરફ હોય તો એમને ‘પહેલવાઔન ચોકી ’ આપવામાં આવે. આ બંને પ્રકારની ચોકીઓ ખરેખરમાં બહુ જ મુશ્કેલીભરી અને હિંમત માંગી લે તેવી હોય છે. જે મનોજ ઈચ્છતા હતાં. એટલા બધા પ્રયત્નો પછી છેવટે તેમના ઓફિસરોની સતત મહેનત અને દેશ પ્રત્યેના સમર્પણને ધ્યાનમાં રાખીને મનોજને લાંબા સમય માટે ૧૯૭૦૦ ફુટ ઉંચાઈ પર આવેલી મિલિટ્રી બેસ કેમ્પ સિયાચીન કમાન્ડો ટ્રેનીગ માટે મોકલી દેવામાં આવ્યા. ત્યાનું તાપમાન સામાન્ય તાપમાન કરતા માઈનસ ૪૦ સેલ્સિયસ નીચું રહેતું હોય છે. ત્યાં મનોજને ‘ પહેલવાન ચોકી ’ પર રેહવાનો મોકો મળ્યો. જ્યાં તેમને પૂરી હિમ્મત અને જોશ સાથે કામ કર્યું.

મનોજકુમાર પાંડેની ટુકડી સિયાચિનની ચોકીથી પાછી આવી જ હતી અને ત્યારે જ ૩ મેં ૧૯૯૯માં કારગિલ યુદ્ધના સંકેત મળી ગયા હતા. પાકિસ્તાનની સામેનું કારગિલ યુદ્ધ બહુ બધા કારણોથી વિશેષ માનવામાં આવે છે. એક કારણ તો એ કે આ યુદ્ધ બહુ જ મુશ્કેલ અને ઉંચી ચોટીઓ પર લડાયું હતું. જે બરફથી ઢંકાયેલી હતી અને એ ચોટીઓ તદ્દન દુર્ગમ હતી. તેની સાથે જ આ કારગીલનું યુદ્ધ પાકિસ્તાનની લાંબી તૈયારીનું પરિણામ હતું. જેની યોજના તેમના મનમાં વર્ષોથી ચાલી રહી હતી. આ સિવાય પણ બીજા અનેક કારણોથી આ યુદ્ધ ભારત અને પાકિસ્તાનના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. કારણકે આ કારગીલના યુદ્ધમાં બંને દેશોએ પોતાના અનેક બહાદુર સૈનિકોને ખોયા હતા. ત્યારે આ વીર યોદ્ધા આરામને ભૂલીને ફરી તૈયાર થઇ ગયો દુશ્મનોને ધૂળ ચટાડવા માટે. લેફ્ટનન્ટ મનોજ પાંડે જ એ પેહલા ઓફીસર હતા જેમણે પોતે આગળ વધીને સૌથી પહેલા આ યુધ્ધમાં જોડાવા માટે પોતાનું નામ સેનામાં પોતાના સીનીયર ઓફિસરોને મોકલ્યું હતું. જો મનોજ ઇચ્છતા તો તેમને રજા મળી શકતી હતી. કેમકે તેમની યુનિટ હમણાં હમણાં જ સિયાચિનથી પાછી આવી હતી. જેને આરામની પણ સખત જરૂર હતી. પરંતુ આ વીર સિપાહીએ આરામ કરવાના બદલે દેશની રક્ષા માટે પોતાના જીવની બાજી લગાવી વધારે જરૂરી સમજ્યું. દેશપ્રેમનો જુસ્સો એમના લોહીમાં ભળેલો હતો એટલા માટે તેઓ આગળ આવ્યા અને પોતાના જીવનના સૌથી નિર્ણાયક યુદ્ધ માટે નીકળી પડ્યા. ત્યારે મનોજ પોતે પણ એ વાતથી અજાણ હશે કે આ એમના જીવનનું છેલ્લું યુદ્ધ હશે. ત્યારબાદ મનોજ રજા લીધા વગર પહોચી ગયા કારગિલ સેક્ટર.

૪ મેં ૧૯૯૯, આખરે એ દિવસ આવી જ ગયો જેની રાહ દેશનો દરેક વીર સિપાહી જોતો હોય છે. જે દિવસ માટે દરેક બહાદુર સિપાહી રોજ જીવતો હોય છે. દેશના માન, સંમ્માન અને ગૌરવની રક્ષા કરવાનો દિવસ. દુશ્મનોની સખત કિલ્લેબંધી અને અટપટ્ટા રસ્તાને લીધે મંઝીલ પર પહોચવું અસંભવ બરાબર હતું. પણ જે ખુદ મોતનું તાંડવ બનીને મેદાનમાં ઉતર્યા હોય તે થોડા કોઈનાથી ડરે.

આ યુદ્ધ દરમિયાન એમને પોતાની ૧/૧૧ ગુરખા રાયફલની "બી યુનિટ" સાથે પહેલી જીમ્મેદારી મળી ખાલુબરને જીતવાની. કારગિલ યુદ્ધ દરમિયાન જ લેફ્ટીનન્ટ મનોજકુમાર પાંડેને પ્રમોશન આપવામાં આવ્યું હતું. જે મુજબ તેઓ લેફ્ટનન્ટમાંથી કેપ્ટન મનોજકુમાર પાંડે બનાવી દેવામાં આવ્યા. એ દરમિયાન જ આ વીર સિપાહીએ શરું કરી દીધું હતું કારગિલ સેક્ટરમાં દુશ્મનોના ગોળા, બારૂદ અને તોપનો સામનો કરવાનું. જયારે બીજી તરફ દુશ્મન ઉંચી ચોટી પર છુપાઈને બેઠા હતા કે ક્યારે ભારતીય સૈનિક દેખાય અને તેમને મોતના ઘાટ ઉતારી દે. પણ આ બહાદુર સિપાહી નીડર બની પોતાની ટુકડી સાથે આગળ વધતો ગયો. મનોજએ એક એક પાકિસ્તાની ઘુસપેઠીયાઓનો સફાયો ખુબ જ બહાદુરીથી કર્યો. તેમની આખી સૈનિક ટુકડીએ બહાદુરીથી દરેક દુશ્મનોનો મુકાબલો કર્યો.

મનોજકુમાર પાંડેના પિતાએ જણાવ્યું કે એ સમયએ પાકિસ્તાન સામે એમનો દીકરો યુદ્ધ કરી રહ્યો હતો. એમને સમાચાર મળી રહ્યા હતાં પણ એક મહિના પેહલા ફોન આવાના બંધ થઇ ગયા હતા. હા, એટલું જરૂર હતું કે પત્રોના માધ્યમથી વાતચીત થઇ જતી હતી. પત્રો મારફતે મનોજના માતાપિતા તેમને કહેતા રહેતા હતાં કે, અમારી ભગવાનને બસ એક જ પ્રાર્થના છે કે અમારો દીકરો ક્યારેય પાછળ ફરીને ના જોવે, હંમેશા દુશ્મનોનો સામનો કરે અને આગળ વધે. મનોજકુમારની માતાએ જણાવ્યું કે મનોજનો છેલ્લો ફોન ૨૬ મેં ૧૯૯૯માં આવ્યો હતો. તેમને આગળ જણાવ્યું કે એપ્રિલથી લઈને મે સુધીના સમયગાળામાં મનોજના ચાર ફોન આવ્યા હતા. મનોજ આમતો દર એક એક અઠવાડિયે ફોન કરતા રહેતા, પણ યુદ્ધના સમય દરમિયાન ફોન બંધ થઈ ગયા હતા. એમનો પત્ર ૨૩ જુનએ મળ્યો હતો. જેમાં મનોજએ લખ્યું હતું કે ત્યાં ખુબ જ ભયંકર લડાઈ ચાલી રહી છે. જેના કારણે તેઓ ક્યાંય આવી કે જઈ શકતા નથી. હજુ આ યુદ્ધ લગભગ ૧ મહિના સુધી ચાલશે. એ ઉપરાંત એમને પત્રમાં લખ્યું હતું કે મમ્મી પપ્પા તમે ભગવાન પર ભરોસો રાખજો અને પ્રાર્થના કરજો કે અમને કામયાબી આપે.

મે મહિનામાં શરુ થયેલું કારગિલનું યુદ્ધ જુલાઈમાં નિર્ણાયક બની રહ્યું હતું. ૨ જુલાઈ ૧૯૯૯ ની અડધી રાતે કેપ્ટન મનોજકુમાર પાંડે અને તેમની યુનિટ એક એક કરીને દુશ્મનોનો સફાયો કરતા કારગિલ સેક્ટરની એક ચોટી ખાલૂબાર હિલ પર પહોચ્યા જેને પ્રાપ્ત કરવાની ચુનૌતી સૌથી મુશ્કેલ અને જોખમી હતી. આ દરમિયાન તેમને ખાલૂબારની પાસેના ત્રણ વિસ્તારોને દુશ્મનથી ખાલી કરાવ્યા. અને ત્યાં રહેલા બધા જ દુશ્મનોને મારી ભગાડ્યા.

૩ જુલાઈ ૧૯૯૯ પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધના મુશ્કેલ મોરચા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં એક મોરચો ખાલૂબારનો હતો. આ યુદ્ધને ઓપરેશન વિજય તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને જીતવા માટે મનોજએ પોતાની પૂરી હિંમત અને બધી જ તાકાત લગાવી અને પોતાની ૧/૧૧ ગોરખા રાઈફલની આગેવાની કરતા તેઓ દુશ્મન સામે ભીડી ગયા. મનોજકુમાર પાંચમાં નંબરની ટુકડીના કમાન્ડર હતા. જેમ તેઓ આગળ વધ્યા એમની ટુકડીએ બંને તરફના બરફ આચ્છાદિત પહાડીઓના જબરજસ્ત હુમલાઓનો સામનો કરવો પડ્યો. ત્યાં જ દુશ્મનોના બંકર બનાવેલા હતા. હવે મનોજનું પેહલું કામ એ બંકરોને ખતમ કરવાનું હતું. મનોજએ તરત જ હવાલદાર ભીમ બહાદુરની ટુકડીને આદેશ આપ્યો કે તેઓ જમણી બાજુનાં બે બંકર પર હુમલો કરીને તેમને નાકામ કરી દે. જયારે મનોજકુમાર પોતે ડાબી તરફના ચાર બંકરોનો નાશ કરવાનો બેડો ઉપાડીને એ તરફ ચાલી નીકળ્યા. મનોજકુમારએ નીડરતાની સાથે દુશ્મનની પહેલી જગ્યા પર હુમલો કરી બે દુશ્મનોને ચિત્ત કરી નાખ્યા. મનોજએ જાતે જઈને બીજી જગ્યા પર પણ હુમલો કર્યો અને દુશ્મનોને ધૂળ ચટાડી. સતત માથા પર વરસતી ગોળીઓના વરસાદ છતાં પણ તેમણે ત્રીજી જગ્યા પણ ખાલી કર્યા પછી ચોથી જગ્યા તરફ આગળ વધ્યા. પરંતુ ત્યાં સુધી દેશના આ બહાદુર સિપાહીના ખભા અને ઘુટણમાં ગોળી વાગી ચુકી હતી. તે છતા પણ દેશના આ બહાદુર દીકરાએ હાર નહોતી માની કે ના તો પાછળ હટ્યો. એ સતત આગળ વધતો રહ્યો. ભારતીય ટુકડી બસ હવે ખાલુબાર ટેકરી વિજયથી બે જ કદમ દુર હતા. આખરે ખાલૂબારના છેલ્લા વિસ્તારને પણ દુશ્મનોથી ખાલી કરવા માટે તેઓ આગળ વધ્યા. ત્યાં જ દગાબાજ પાકિસ્તાનીઓએ મનોજ પર ઘેરો બનાવી દીધો. મનોજકુમાર પાંડે સામે મોત ઉભું હતું. હવે તેમનામાં હોશ નહોતો પણ જોશ પુરેપુરો હતો. ત્યારે જ દુશ્મનની મીડીયમ મશીન ગનથી છુટેલી એક ગોળીએ તેમની છાતીને વીંધી નાંખી. એ છતાં પણ એ બહાદુર સિપાહીએ ધેર્યના ખોયું. છેલ્લે ગ્રેનેટ ફેકીને છેલ્લો વિસ્તાર પણ દુશ્મનોથી ખાલી કરાવ્યો. અંતે તેઓ જીતીને જ માન્યા. એકલપંડે તેમણે દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દીધા અને વિજય મેળવ્યો. પરંતુ આ કોશિશમાં મનોજએ પોતાનો જીવ ગુમાવ્યો. વિજય મેળવ્યા છતાં પણ તેઓ સલામત ભારતને જોઈ ના શક્યા. મનોજકુમારની આગેવાની હેઠળ થયેલા આ હુમલામાં પાકિસ્તાની દુશ્મનોના ૧૧ સિપાહી મૃત્યુ પામ્યા. અને એ સાથે જ છ બંકર ભારતની એ ટુકડીના હાથમાં આવી ગયા. તેની સાથે જ ગોળીઓ અને હથિયારોનું એક મોટો જખીરા પણ મનોજકુમારની ટુકડીના કબજામાં આવી ગયો.મનોજકુમાર પાંડેના જુસ્સાએ તેમની ટુકડીના સિપાહીઓમાં એટલું જોમ પૂરી દીધું કે બધા જ સિપાહી દ્રઢતા અને બહાદુરીથી દુશ્મનો પર તૂટી પડ્યા. દુશ્મનોનો સફાયો કરવાની સાથે જ દેશના આ બહાદુર દીકરાએ પોતાના જીવનના છેલ્લા શ્વાસ લેતા લેતા ૩ જુલાઈ ૧૯૯૯એ આ દેશ અને દુનિયાને છોડી દીધી. માત્ર ૨૪ વર્ષની ઉમરે મનોજ સમગ્ર ભારત દેશને વીરતા અને હિંમતનું ઉદાહરણ આપી ગયા.

૭ જુલાઈ ૧૯૯૯ની સાંજે દેશના આ બહાદુર સિપાહીના પાર્થિવ શરીરને ભારત સરકારએ એક ખાસ વિમાન દ્વારા લખનૌઉ મોકલ્યું.

૮ જુલાઈ ૧૯૯૯એ મનોજકુમાર પાંડેના પાર્થિવ શરીરને તેમના પરિવારના અંતિમ દર્શન માટે સોપી દેવામાં આવ્યું.

એ સવારે સમગ્ર લખનૌઉએ અને તમામ ભારત દેશે પોતાની આંખોમાં આંસુ સાથે પોતાના સૌથી બહાદુર દીકરાને અંતિમ વિદાઈ આપી. એ સાથે જ દેશના આ બહાદુર દીકરાએ પોતાની જીવનલીલાને સમાપ્ત કરી લીધી. મનોજકુમાર હમેશા માટે પોતાની માતૃભુમી છોડીને જતા રહ્યા પરંતુ તેની પાછળ ભારત વાસિયો માટે પોતાની વીરગાથાઓની એક વીરલ કહાની મુકતા ગયા.

મનોજના જીવન પર વર્ષ ૨૦૦૩માં એક હિન્દી ફિલ્મ ‘ LOC કારગિલ ’ બની હતી. જેમાં અજય દેવગણ, મનોજ પાંડેની ભૂમિકા નિભાવી રહ્યા હતાં. દેશવાસીઓ માત્ર સ્વતંત્ર દિન અને પ્રજાસત્તાકદિન જેવા રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે અને ફિલ્મોને જોઈને પોતાની દેશ ભક્તિ વ્યક્ત કરતા હોય છે પરંતુ આ ભારત માતાના આ મહાન સપૂતે દેશની સરહદે દુશ્મનોના દાત ખાટા કરી પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો.

કારગિલ યુદ્ધમાં મનોજની અસાધારણ બહાદુરી માટે તેમને ભારતીય સેનાનો સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર ભારત દેશ તેમની બહાદુરીને પ્રણામ કરે છે.

મનોજકુમાર પાંડેની બહાદુરી, અજેય હિમ્મત, ફરજ પ્રત્યેની સાદર નિષ્ઠા અને ભારતીય સેનાની પરંપરાઓમાં આપેલું સર્વોચ્ચ બલિદાન ભારતના જવાનોમાં સદાકાળ જોશની મશાલ બનીને પ્રગટતી રેહશે.

લેખક : માનસી વાઘેલા.