સ્યુસાઈડ-એક સાઈકોલોજીકલ હોરર થ્રીલર
રાત ના દસ વાગી ગયા હતા. મેં ઉભા થઇ ને ફ્રીજ ખોલ્યું અને ઠંડા પાણીની બોટલ કાઢીને એક જ શ્વાસમાં હું પી ગયો. બહારના શોરબકોરથી કંટાળીને મેં ઉભા થઈને કાચની સ્લાઇડર બારી બંધ કરી દીધી. મારા ફ્લેટના ડ્રોઈંગરૂમ માં હવે નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. એવીજ શાંતિ કે જે કૈક અણગમો પણ લાવે અને કૈંક વિચિત્ર થવાનું હોય એવો અહેસાસ પણ આપે. મેં રૂમના દીવાલ પર લાગેલા લાઈફ સાઈઝના દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. વિખરાયેલા વાળ, આંખો નીચે કાળા કુંડાળા, દસ દિવસની વધેલી દાઢી, પુરતી ઊંઘ ના મળવાથી થયેલી લાલ આંખો- હું મારા દેદાર જોઈ જ રહ્યો. માનવ શર્મા, કોલેજનો મોસ્ટ હેન્ડસમ હંક, એના આવા દેદાર ?! હું દર્પણ પાસેજ બેસી ગયો અને મેં આમ તેમ ફંફોળીને એક બીયરની બોટલ હાથમાં લીધી અને મોટા મોટા ઘૂંટડા માર્યા ! અચાનક દર્પણમાં રિયાનો ચહેરો દેખાયો. મારી આંખો ફાટી ગયી ! રિયાનો સુંદર ચહેરો, રિયા દેસાઈ, અમારા કોલેજની બ્યુટી ક્વીન, એની સુંદર મોટી મોટી આંખો મને દર્પણમાં થી જોઈ રહી હતી, એનો અડધો ચહેરો એના લાંબા કાળા ભરાવદાર કેશથી ઢંકાયેલો હતો. એ મારી સામે જોઈ રહી હતી. એની આંખોમાં મને છલકતો પ્રેમ દેખાયો. એણે મારી સામે સ્મિત કર્યું. મેં મારો હાથ લંબાવ્યો અને એના અડધા ચહેરા પર છવાયેલા કેશ દૂર કર્યા અને એક ભયાનક ચીસ હું પાડી ઉઠ્યો ! એનો અડધો ચહેરો બળેલો હતો. એની એક આંખ બહાર આવી ગઈ હતી, એના અડધા ચહેરાની ચામડી તદ્દન તતડી ગઈ હતી, એના અડધા હોઠ પણ બળીને લબડી ગયા હતા, મારી આંખો ફાટી ગઈ, એના અડધા બળેલા હોઠો વચ્ચેથી એના લાલ લાલ દાંત બહાર ડોકાતા હતા, એણે એક ભયાવહ પણ માંરકણું સ્મિત મારી સામે કર્યું ! મારી હાલત ખરાબ થઇ ગઈ, હું એના અર્ધ સુંદર અને અર્ધ બળેલા ચહેરાને જોઈ જ રહ્યો, મારી અંદરનું રુદન ધરબાઈ ગયું અને મેં નાના છોકરાઓ રડતા પહેલા હીબકા ભરે એમ ધીરે ધીરે રડવાનું શરુ કર્યું. મેં આંખો મીચી દીધી અને થોડીવાર ત્યાજ બેસી રહ્યો. ખબર નહિ કેટલો સમય હું ત્યાં બેઠો હઈશ, હિંમત કરીને હવે મેં આંખો ખોલીને દર્પણમાં જોયુંતો રિયા હજી પણ ઉદાસ ચહેરે ત્યાં હતી અને મારી સામે જોઈ રહી હતી. હવે એનો ભયાવહ ચહેરો ગાયબ હતો અને મેં એને કોલેજમાં પહેલા દિવસે જોયેલી એવોજ ચહેરો હવે દેખાતો હતો, સુંદર અને સંપૂર્ણ ! મેં ધ્રુજતા હાથે બીયરની બોટલ ઊંચકી, રીયાએ દર્પણમાંથી જ આંખો મોટી કરી અને મેં બિયર નીચે મૂકી દીધો. રિયા ઓહ મારી રિયા, આ તને શું થઇ ગયું ? હું ગુસ્સામાં ઉભો થયો અને બાથરૂમમાં પડેલી એસીડની બોટલ મેં ધ્રુજતા હાથે ટોઇલેટમાં વહાવી દીધી. એસીડ, આહ ! એસીડ, આણેજ મારી રિયાનો ચહેરો બગાડી દીધો હતો. હું બાથરૂમમાં ફરીથી ધ્રુસકે અને ધ્રુસકે રડી પડ્યો. અચાનક મારા નાકમાં ચામડી બળવાની તીવ્ર વાસ ધુસી ગઈ. સાથે સાથે હોસ્પીટલમાં વપરાતા તીવ્ર ફિનાઈલની પણ. મને ઉબકા આવ્યા અને મેં જોરથી ઉલટી કરી !
ખબર નહિ કેટલો સમય હું બાથરૂમમાં ચત્તો પડ્યો હોઈશ પણ એકાએક મારી આંખો ઉઘડી ગઈ. મારી આંખોમાં ખુન્નસ ધસી આવ્યું અને મેં બે હાથની મુઠ્ઠીઓ વાળી અને હું ડ્રોઈંગરૂમ માં આવ્યો અને મેં ત્યાં ખુણામાં પડેલા ખાટલાની ચાદર ખેંચી કાઢી. હવે મેં ઉપર ધીમે ફરતા પંખા સામે જોયું અને ફરીથી મારી ચીસ નીકળી ગયી. પંખો જાણેકે રિયાના ઊંધા ચહેરામાં બદલાઈ ગયો હતો અને એના પાંખીયાની જગ્યાએ રિયા એના હાથ લાંબા કરીને ગોળ ગોળ ફરી રહી હોય એવું લાગતું હતું, એ સતત મારી સામે જોઈ રહી હતી, એની આંખોમાં અનેક પ્રશ્નો હતા. હવે એણે ફરવાની સ્પીડ વધારી અને મારાથી આ સહન નાં થયું અને હું આંખો પર હથેળી ઢાંકીને નીચે ફસડાઈ પડ્યો.
ફરીથી મેં બીતા બીતા આંખો ખોલી અને પંખા સામે જોયું ! હાશ ! પંખો જ હતો અને એ ધીમે ધીમે ફરી રહ્યો હતો. અચાનક મારાથી સામેની દીવાલ પર જોવાઈ ગયું, ત્યાં એક ગરોળી બેઠી હતી. જાડી, કાબરચીતરી, એ જાણે કે મારી સામે જોઈ રહી હોય એવું મને લાગ્યું. અચાનક એ ગરોળી પણ રિયાના શરીરમાં પલટાઈ ગયી. રિયા સામે દીવાલ પર ચોંટીને બેઠી હતી અને એના લાલ લાલ હોઠો વચ્ચેથી એની લાંબી લાંબી જીભ બહાર કાઢી ને મારી સામે જોઈ રહી હતી. મને ફરીથી ઉબકા આવ્યા અને મેં આંખો બંધ કરી દીધી.
દાંત ભીસીને મેં મન મક્કમ કર્યું અને ઉભો થયો, સામેની દીવાલ પર જોવાનું ટાળ્યું અને પંખો બંધ કર્યો. હાથમાં લીધેલી ચાદરનો ગાળિયો બનાવ્યો અને એક નાનકડા સ્ટુલ પર ઉભા થઇને પંખે લટકાવ્યો. બે ત્રણ વાર એની મજબૂતી ચેક કરી. “વાહ માનવ વાહ ! મસ્ત, એકદમ ઝકાસ ! હવે થોડીવાર માં બંદા આ દુનિયામાંથી ફના !!!” હું હસ્યો. કેવું લાગશે નહિ ? મેં મનમાં જ મારી જાતને પંખે લટકતી ઈમેજીન કરી. હું માનવ શર્મા, કોલેજનો હેન્ડસમ યુવાન, પોતાના ફ્લેટમાં પંખે લટકી રહ્યો છું. મારા ડોળા ફાટીને બહાર આવી ગયા છે, મારા હોઠના ખૂણેથી થુંક બહાર આવી ગયું છે. મારા પગ આમ તેમ લટકી રહ્યા છે. છેલ્લે છેલ્લે હું બહુ છટપટ્યો હોઈશ, મારું ગળું ભીંસાઈ ગયું હશે, ગળાના હાડકા પર અત્યંત પ્રેશર આવ્યું હશે, અરે ! અરે ! આ શું, મારું તો પેન્ટ પણ ભીનું થઇ ગયું છે તરફડવામાં, પેશાબ છૂટી ગયો ! હા હા હા !!! બસ, થોડી વધારે વેદના થોડું વધારે પેઈન, થોડુંકજ વધારે, હાડકું બટકવાનું જ છે, હિંમત રાખ માનવ, આહ ! કડાક ! આ થયો એક કડાકો અને બસ, પતી ગયું ! ગુડ બોય માનવ, ગુડ બોય, પહેલીવારમાં જ ફતેહ ! પણ ઉભો રહે ! થોડીકવાર લટકતો રહે ! જો, જરા પણ પ્રાણ બાકી હોય તો ? પછી શું પાછી મહેનત કરવાની ? ઉભો રહે રે, ઉભો રહે, પાંચ મિનીટ રાહ તો જો, પછી જ કન્ફર્મ થાય કે આ માનવ છે કે એની લાશ ! મુવીમાં જોયું નથી ? ફાંસીના કેદીને કેવી રીતે થોડીવાર લટકાવી રાખે છે ? હું મનમાં હસ્યો. અહીતો હું જ જેલર, હું જ ફાંસી આપનાર જલ્લાદ, હું જ કેદી અને હું જ લાશ ! હા હા હા !!! બોસ ! કહેવું પડે, મલ્ટીટેલેન્ટ પર્સનાલીટી છે ભાઈ ! કહેવું પડે ! મારા મુખ પર એક સ્મિત આવી ગયું. ચાલો ત્યારે, એ મેરે પ્યારે વતન, અલવિદા, ઓ ગરોળી- બાય બાય, ઓ સ્ટૂલ, ઓ પંખા, ઓ ખાટલા, ઓ બિયરની બોટલો, ઓ દર્પણ, ઓ ટીવી, ઓ ઘરમાં પડેલી બધી વસ્તુઓ, બાય બાય, અને હા, હત્ત તેરે કી, મેઈન વસ્તુતો ભૂલીજ ગયો, ઓ ટોઇલેટમાં પડેલી એસિડની બોટલ, તને તો ખાસ બાય ! હવે હું જાઉં છું. બધા ધ્યાન રાખજો એક બીજાનું હો ? હું સ્ટુલ પર ચડ્યો.
ડીંગ ડોંગ ! ડીંગ ડોંગ ! ડીંગ ડોંગ !
ડોરબેલ રણકી ઉઠી ! અલા, અત્યારે કોણ છે ? કોઈ શાંતિથી મરવા પણ નથી દેતું યાર ! હું બગડ્યો !
કંટાળીને હું નીચે ઉતર્યો અને મેં ધ્રુજતા હાથે બારણું ખોલ્યું અને હું ચોંકી ઉઠ્યો ! સામે રિયા ઉભી હતી ! રિયા દેસાઈ ! સાક્ષાત ! ઓહ ! હું આંખો ફાડીને જોઈ જ રહ્યો !
“એ, આમ શું જુવે છે ? ભૂત છું હું ? ચલ આઘો ખસ ! ઘેર લાઈટ ગઈ છે અને પાપા-મમ્મી બહાર ગયા છે, બાજુ વાળા અંકલ ટ્રાય કરે છે, ફ્યુઝ ઉડી ગયો છે, કંટાળી, એટલે એમને ચાવી આપીને અહી આવી, ચલ અંદર તો આવા દે” રિયા મને હડસેલીને અંદર આવી ગઈ.
“ઓ હો હો હો, આ શું માંડ્યું છે બધું ? આટલું અસ્તવ્યસ્ત ઘર ? અને આ પંખો સાફ કરવા આમ સ્ટુલ મૂકીને ચાદર બાંધી છે તે લા ?” રિયા ખડખડાટ હસી પડી !
“એ તો, એ તો, બસ, જૂની ચાદર હતી એટલે,,,,” મેં લવારા કર્યા.
“આહા ! બિયર, છે એક પણ કે બધી પી ગયો તું ? મોઢા પરથી તો ચડેલીમાં લાગે છે” રિયાએ મને પૂછ્યું.
“છે ને, ફ્રિજમાં છે, ઉભી રહે આપુ” મેં ફ્રિજમાંથી એક બીયર કાઢીને એને પકડાવી.
રિયા ખાલી બોટલો હડસેલીને આરામથી સોફા પર બેઠી અને મારી સામે ચિયર્સ કરતો હોય એમ ઈશારો કરીને એક મોટો ઘૂંટડો બીયરનો ભરી ગઈ ! “હાશ ! ઠંડક થઇ ભેજામાં હવે !” માનવ, થેન્ક્સ યાર ! બહુ ટેન્શન છે ! સાલો પંડિત માનતો જ નોતો. કેટલા મેસેજ કર્યા, કોલ કર્યા, હાથ જોડ્યા, હવે લાઈન પર આવ્યા છે ભાઈ, બધું જ સેટ છે, થેન્ક્સ તને પણ યાર, તે બહુ મહેનત કરી સેટિંગ કરાવામાં ! એ નાં મળ્યો હોત તો હું મરી જ જાત યાર ! પછી અહી ચુડેલ થઇને ભટકત ! હા હા હા !” રિયા વિચિત્ર રીતે હસી પડી ! હું ફાટી આંખે એને જોઈ જ રહ્યો ! “સાલો ! કીર્તન પંડીત ! મારું ઝૂંટવી ને મારા હાથેજ કોળીયો ભરાવડાવ્યો એના મોઢા માં !” મેં દાંત ભીંસ્યા !
“ઓ ભાઈ, શું જુવે છે ? હજી હું જીવું છું હો ? ચુડેલ નથી થઇ ગઈ, અને ડોન્ટ વરી યાર ! થઈશ તો પણ તને નહિ હેરાન કરું, તું તો મારો જીગરી છે” રિયા આગળ વધી અને મને ભેંટી પડી. હું એની પીઠ પસવારતો પસવારતો એના પગ સામે જોઈ રહ્યો ! ક્યાંક ઉલટા તો નથી થઇ ગયા ને ? આ ચુડેલો અને ડાકણોના ભરોસા નહિ ! પગ તો સીધા જ હતા ! હાશ !
રિયામાંથી મદહોશ કરતી પરફ્યુમની સુવાસ, એના મોઢામાં થી આવતી બીયરની ખાટી ખાટી વાસ ! આહ ! મેં જોરથી એને પાછી મારી છાતી સાથે દબાવી !
“ઓયે ! બસ હવે ! ખબર છે તું પણ બહુ ખુશ છે ! બસ હવે અહી થી અમને ભગાડવાનો પ્લાન કરવાનો છે ! મને ખબર છે કે એમાં પણ માસ્ટર માઈન્ડ માનવ પાછા નહિ પડે, કેમ ?” રિયાએ મને હડસેલીને પૂછ્યું. જવાબમાં મેં ડોકું ધુણાવ્યું. રિયા પાછી સોફા પર બેસી ગયી. “એક બીજી બિયર આપ ને યાર, જલ્દી, હમણાં પાપા-મમ્મી આવી જશે.”
મેં એને એક બીજી બિયર આપી. એણે પીતા પીતા ટીવી ચાલુ કર્યું.
હું પણ સોફાની કિનારીએ ઉભડક બેસીને એને જોઈ રહ્યો.
અચાનક રિયાનો મોબાઈલ રણકી ઉઠ્યો ! “બાપ રે ! પાપા લોકો નીચે આવી ગયા લાગે છે, ચાલો હું ભાગું છું, બાય, એન્ડ થેન્ક્સ ફોર ધ બીયર, ઓ માય ડીયર” રિયા ઉતાવળમાં ઉભી થઇ અને મને ગાલ પર એક કિસ કરીને ફટાફટ બારણું ખોલીને જતી રહી. હું એને જતી જોઈજ રહ્યો.
ભારે પગે હું ઉભો થયો અને દરવાજો બંધ કર્યો. હું પંખે લટકતી ચાદર સામે જોઈજ રહ્યો. ધીમેથી હું સોફા પાસે બેઠો અને રીયાએ એંઠી મુકેલી બીયર મેં હોઠે મૂકી અને એના પર જીભ ફેરવી અને એક ઘૂંટડે પી ગયો.
અચાનક મારું ધ્યાન ટીવીમાં આવતા સમાચારોમાં ગયું. એમાં અમારી સોસાઈટી જોઇને હું ચમક્યો અને મેં રિમોટથી ટીવીની અવાજ વધારે કર્યો.
સમાચાર માં રિયાનો ફ્લેટ આવી રહ્યો હતો. “કાલે રાત્રે એલ્ફીન્સન કોલેજમાં બીજા વર્ષમાં ભણતી યુવતી રિયા દેસાઈનું અત્યંત ક્રુરતાપૂર્વક એસીડ છાંટીને કરાયેલું કતલ ! આજે બપોરે રિયા એ હોસ્પીટલમાં દમ તોડી દીધો ! સુત્રોના અહેવાલો મુજબ રિયાને કોઈ એક તરફી પ્રેમીએ એસીડ છાંટીને ઉપરથી નીચે ફેંકી દીધેલી ! હજુ સુધી પોલીસને કોઈ સૂત્ર હાથ લાગ્યા નથી, તપાસ ચાલુ છે” !!!
“વ્હોટ ! ઓહ માઈ ગોડ ! આ શું ? રિયા આજે બપોરે મરી ગઈ ?! તો અહી કોણ આવ્યું હતું ?” મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું ! મારી આંખો ફાટી ગઈ હતી ! હું ગાંડાની જેમ ફલેટનો દરવાજો ખોલીને બહાર ભાગ્યો અને સામે આવેલા રિયાના ફ્લેટ ભણી દોડ્યો. જેવો હું ચોથા માળે પહોંચ્યો કે મેં જોયું કે ત્યાં ભીડ હતી, અંદરથી રિયાના મમ્મીનું હૃદય ચીરી નાખે એવું આક્રંદ સંભળાતું હતું. મેં ભીડમાં જઈને અંદર ડોકિયું કાઢ્યું તો નીચે રિયાનો સફેદ કપડામાં ઢંકાયેલો મૃતદેહ પડ્યો હતો. આજુ બાજુ પોલીસવાળા પણ ઉભા હતા. મારો શ્વાસ થંભી ગયો, મને ચીસ પાડીને બધાને કહેવાનું મન થઇ ગયું કે હમણાંતો રિયા જીવતી હતી, એ મારે ઘેર આવેલી, મારી સાથે બેઠેલી, મારી સાથે વાતો પણ કરેલી ! અને અત્યારે આ, આમ, અહી !!! મારો શ્વાસ રૂંધાતો હોય એવું મને લાગ્યું, મારા ગાળામાં સોસ પડતો હોય એમ મને થયું, મેં એક હાથે ગળું પકડ્યું અને હું પાછો મારા ઘર તરફ ભાગ્યો.
જેમ તેમ કરીને હાંફતો હાંફતો હું મારે ઘેર પહોંચ્યો, હવે મારા ગળાનું પેઈન વધી ગયું હતું, કોઈ મારું ગળું દબાવતું હોય એવું લાગતું હતું, હું મેઈન ડોરમાં ફસડાઈ પડ્યો, મારી આંખો આગળ કાળા કુંડાળા ફરવા લાગ્યા, મારે ચીસ પાડવી તી પણ મારા ગળામાંથી અવાજ જ નહોતો નીકળતો. ઓહ ઓહ ઓહ ! આ ભીંસ વધતી જાય છે, મારું ગળું દબાઈ રહ્યું છે ! મેં હતું એટલું જોર એકઠું કરીને દરવાજાને ધક્કો માર્યો અને ઉપર જોયું તો મારી આંખો ફાટી ગઈ અને મારી જીભ બહાર નીકળી ગઈ !
સામે પંખા પર માનવ શર્મા લટકતો હતો, હા, હું મારી જાતને સામે પંખે લટકતી જોઈ રહ્યો હતો. મારી આંખોના ડોળા ફાટીને બહાર આવી ગયા હતા, મારું પેન્ટ ભીનું થઇ ગયું હતું. મારું માથું લટકી ગયું હતું, હું ફાટી આંખે મારી લાશને લટકતી જોઈ રહ્યો ! અચાનક મારા ગળાના ભાગે એક કડાકો થયો અને મારા ડોળા ફાટી પડ્યા, મારી જીભ બહાર લટકી પડી, મારું માથું એક બાજુ નમી ગયું.