અભિલાષાની ઘૃણા ડાભીથી છૂપી ન રહી. પારકી નારી સામે એકીટશે જોઈ રહેલા ASI શરમાયા. તેમણે કહ્યું, “મનીષાબેન કહે છે કે આરવીના મૃત્યુની આગલી રાત્રે તેમને માથું દુખતું હતું અને તેઓ આપના રૂમમાં આવ્યા હતા. તમે પણ આ કબૂલ્યું હતું, પણ... મનીષાબેને એક વાત કહી છે જે આપે નથી કહી. તેમણે આપના બેડરૂમના દરવાજા પર અંધારામાં ચમકે તેવું રેડિયમનું દિલ જોયું હતું. તે કોણે અને ક્યારે લગાવ્યું હતું ?”
“દિલ ? હું તો આ વિશે પહેલી વાર સાંભળું છું, મેં એવું કોઈ દિલ જોયું નથી.”
“ઉપર જઈએ.” ડાભીએ કહ્યું.
અભિલાષા તથા લલિત ડાભી સાથે ઉપલા મજલે ગયા. ડાભી તેમને તેમના બેડરૂમના દરવાજા પાસે લઈ ગયા. દરવાજો ખોલતા અલગ એંગલથી પડતા પ્રકાશમાં ડાઘ હજુ ય દેખાઈ રહ્યો હતો. આમેય ડાઘ કાઢવો મુશ્કેલ હોય છે, પછી તે દરવાજા પર પડ્યો હોય, કપડાં પર પડ્યો હોય કે ચરિત્ર પર પડ્યો હોય !
ડાભીએ ત્યાં આંગળી ચીંધીને કહ્યું, “અહીં કોઈએ રેડિયમનું દિલ લગાવ્યું હતું. કદાચ નિખિલે લગાવ્યું હોય.”
અભિલાષાએ નિખિલને બૂમ મારી. તે પગથિયાં ચડી ઉપર આવ્યો. “બેટા, તે અહીં કોઈ સ્ટીકર લગાવ્યું હતું ?”
“સ્ટીકર ? ના મમ્મા.”
“નિખિલ, તું અહીં દરવાજા પાસે ઊભો રહી જા.” ડાભીએ કહ્યું અને નિખિલ દરવાજા પાસે ઊભો રહી ગયો. ડાભીએ તેનો હાથ ઊંચો કરાવી જોયું તો ડાઘ તેની પહોંચથી ઉપર હતો.
ડાભી વિચારવા લાગ્યા, ‘એક વાત તો સ્પષ્ટ છે કે નિખિલે સ્ટીકર લગાવ્યું નથી. જો તેણે તે લગાવ્યું હોત તો ડાઘની આસપાસ તેની આંગળીઓના નિશાન મળ્યા હોત. પરંતુ, અહીં આ દરવાજા પર મનીષાબેન સિવાય ફક્ત આરવીની આંગળીઓના નિશાન મળ્યા છે. મનીષાબેનની ફિંગરપ્રિન્ટ્સ મળવાનું કારણ એ છે કે તેમણે તે સ્ટીકર ઉખેળ્યું હતું. પણ, આરવીની ફિંગરપ્રિન્ટ્સ શા માટે મળી ? શું તેણે તે સ્ટીકર ચોંટાડ્યુ હતું ? પણ, આરવી સ્ટીકર શા માટે ચોંટાડે ? અને એ પણ અભિલાષાના દરવાજા પર !’
“મનીષાબેને એ સ્ટીકર અહીંથી ઉખેળીને આરવીના દરવાજા પર લગાવ્યું હતું.” ડાભીએ મોટેથી કહ્યું.
“એક મિનિટ... તે દિવસે રાત્રે સાડા બારે હું આરવીના રૂમ પર ગઈ ત્યારે મેં તેના દરવાજા પર એક ચમકતી વસ્તુ જોઈ હતી. કદાચ તે દિલ આકારનું સ્ટીકર જ હતું. પણ, મેં તેના પર ખાસ ધ્યાન ન્હોતું આપ્યું.” અભિલાષાને યાદ આવ્યું.
“તમે તે ઉખેળ્યું હતું ?”
“ના. હું તેને અડી જ નથી.”
બાદમાં, ડાભીએ ઘરના બધા સભ્યોની પૂછપરછ કરી. કોઈને તે વિશે કશી ખબર ન હતી અથવા ખબર હોય તો તેઓ અજાણ્યા બનવાનો ડોળ કરી રહ્યા હતા. ડાભી ફરી બંગલો નંબર 11 તરફ ગયા.
****
બંગલોમાં પ્રવેશતાં ડાભીએ જોયું કે બાબુભાઈ ચોપડો ફંફોસતા કંઈક લખી રહ્યા છે. પોતાનું કામ બંધ કર્યા વગર તેમણે ડાભીને સોફા પર બેસવા ઇશારો કર્યો. થોડી વાર પછી બાબુભાઈએ ચોપડો બંધ કર્યો અને યાદીનો કાગળ ડાભીના હાથમાં મૂક્યો. તેમાં બે નામ લખ્યા હતા : મનસુખભાઈ અને પ્રકાશ. નામની સામે બંગલો નંબર અને ટેલિફોન નંબર પણ લખ્યા હતા.
મનસુખભાઈ પંચાવન વર્ષના જવાબદાર વ્યક્તિ હતા જેમને કોરુગેટેડ બોક્સ બનાવવાની ફેક્ટરી હતી, જયારે એક વર્ષ પહેલા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલો પ્રકાશ પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતો હતો. તે બંનેના મકાન બલર બંગલોની પાછળની બાજુએ આવતા હતા. તેમના ઘરથી બલર બંગલો સુધીની અવરજવરને ચોકીદાર જોઈ શકે તેમ ન હતો.
“હવે કોઈ છૂટી જતું નથી ને ?” ડાભીએ ખાતરી કરવા પૂછ્યું.
“ના.”
“આભાર, પરંતુ આપનું કામ હજુ પૂરું થયું નથી. આપ તે બંનેને અહીં આપના ઘરે બોલાવો. ઘરમાં દાખલ થતી વખતે તેઓ પોતાના બૂટ કે ચંપલ બહાર ઉતારશે અને અમને તેમની ફૂટપ્રિન્ટ્સ મળી જશે. પછી, આપ તેમને ચા-પાણી પીવડાવજો જેથી તેમણે પકડેલા પ્યાલા કે કપ પરથી તેમની ફિંગરપ્રિન્ટ્સ મેળવી શકાય. અમે તે પ્રિન્ટ્સને સ્પૉટ પર મળેલી પ્રિન્ટ્સ સાથે મેચ કરીશું એટલે સાચો હત્યારો પકડાઈ જશે.”
ડાભીની વાત સાંભળી બાબુભાઈ કુરુક્ષેત્રમાં ઊભેલા અર્જુનની જેમ મૂંઝાયા ; એક બાજુ સોસાયટીના જાણીતા સભ્યો હતા, તો બીજી બાજુ ગુનેગારને પકડવા મથી રહેલી પોલીસ. જોકે, બાબુભાઈ વહેવારુ માણસ હતા અને વહેવારુ માણસ ધર્મ-અધર્મનો પક્ષ લેવા કરતા તટસ્થ રહેવાનું પસંદ કરતો હોય છે !
“હું આમાં પડવા માંગતો નથી, મેં આપને થાય એટલી મદદ કરી દીધી છે.” બાબુભાઈએ સીધા શબ્દોમાં કહ્યું.
“આરવીની જગ્યાએ આપનો દીકરો કે દીકરી હોત તો ? શું આપ નથી ઇચ્છતા કે આરવીના હત્યારા પકડાય ? શું આપ નથી ઇચ્છતા કે વિધવા મનીષાબેનને ન્યાય મળે ?” ડાભીએ ફરી પ્રયત્ન કર્યો.
“તેમને ખબર પડે કે મેં તેમને દગો આપી પોલીસને મદદ કરી છે તો ? હું તો તેમના પરિવાર માટે વિલન બની જાઉં ને ?” ઉંમર વધતા માણસ બાળક જેવો બની જાય છે અને બાળકને મનાવવા સહેલા નથી હોતા. છતાં, બાબુભાઈની ‘ના’માં ‘હા’ તરફનો ઢોળાવ હતો.
“એવું નહીં થાય કારણ કે આપે આમાં કંઈ કરવાનું જ નથી. તેમને ચા-પાણી પિવડાવી રવાના જ કરવાના છે. વળી, તેઓ આવશે ત્યારે મારા બે માણસો અહીં હાજર રહેશે, જે તેમના ગયા પછી જરૂરી પ્રિન્ટ્સ મેળવીને રવાના થશે. પછી, અમને હત્યારા વિશે પાક્કી ખાતરી થશે ત્યારે અમે હત્યારાના નામનું વૉરન્ટ કઢાવી સીધી તેની ધરપકડ કરીશું. હત્યારો સમજી પણ નહીં શકે કે અમે તેને કેવી રીતે પકડ્યો છે ? હું વચન આપું છું કે આપનું નામ ક્યાંય નહીં આવે.” ડાભીએ ચૂંટણી-ઢંઢેરા જેવું પોલું વચન આપ્યું.
બાબુભાઈ કમને તૈયાર થયા. હવે, આગળ શું કરવું એ વિશે ડાભીએ તેમને સમજાવી દીધા.
બાબુભાઈએ પહેલો ફોન મનસુખભાઈને કર્યો. તેમણે ફોન પર કહ્યું કે તેમના એક મિત્રને કોરુગેટેડ બોક્સનો ઓર્ડર આપવો છે અને આજે રાત્રે તેઓ તેમના ઘરે આવવાના છે. આથી, મનસુખભાઈ નવથી સાડા નવની વચ્ચે હાજર રહેવા તૈયાર થયા.
બાદમાં, બાબુભાઈએ પ્રકાશ સાથે વાત કરીને કહ્યું કે તેમના સબંધીના છોકરાને ગ્રેજ્યુએશન પછી ભણવું કે જોબ કરવી એ બાબતે મૂંઝવણ છે તો તેનું માર્ગદર્શન જોઈએ છે. આ સાંભળી, સલાહ આપવામાં શૂરો ગુજરાતી રાત્રે સાડા આઠે ઘરે આવવા તૈયાર થઈ ગયો.
કામ પૂરું થતાં ડાભી ઘરની બહાર નીકળ્યા. તેમણે સુરપાલને ફોન કરી, ‘શું કરવાનું છે’ તે સમજાવી દીધું. સુરપાલ સાથે વાત ચાલતી હતી ત્યારે તેમના ફોનમાં કોઈનો ફોન આવ્યો. વાતચીત પતાવી ડાભીએ મિસ કૉલ થઈ ગયેલો નંબર જોયો, તેઓ મનમાં બબડ્યા, ‘હવે, અગત્યની માહિતી મળશે.’
****
મહાકાલ જ્યોતિષથી પાછા ફરેલા ઝાલા સ્ટેશને પહોંચ્યા કે હેમંતે કહ્યું, “સાહેબ, લલિત અને દુર્ગાચરણના કૉલ રેકૉર્ડ્સ આવી ગયા છે, દુર્ગાચરણના કેસમાં કંઈ શંકાસ્પદ નથી. લલિતના ઓગસ્ટ મહિનાના રેકૉર્ડ જોયા. તેણે આરવીને ફોન કરતા પહેલા દરેક વખતે એક મોબાઇલ નંબર પર ફોન કર્યો છે, તે રાજકોટના ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર પ્રબોધ મહેરાનો નંબર છે. બીજું એ કે હત્યાની રાત્રે જે નંબર પરથી આરવીને ફોન આવ્યો હતો તે વિશેષ વાસુના નામે રજિસ્ટર થયેલો છે.”
“હમ્મ. એક કામ કર. વિશેષના તે બીજા નંબરનો છેલ્લા ત્રણ મહિનાનો કોલ રેકોર્ડ્સ કઢાવ. કદાચ કોઈ કામની માહિતી મળી જાય. અને આ લિસ્ટ પકડ, તેમાં છેલ્લા છ મહિનામાં મહાકાલ જ્યોતિષમાં ગયેલા મુલાકાતીઓના નામ-નંબર છે. બારીકાઈથી તપાસ કર... કોઈની આરવી કે બલર પરિવાર સાથે લિંક નીકળે તો જાણ કર.” ઝાલાએ સ્ટેપલ કરેલ કાગળનું બંચ હેમંતને પકડાવ્યું અને પોતાની કૅબિનમાં ચાલ્યા ગયા.
ક્રમશ :