ભાગ 4
કિર્તી ચૌધરીનુ નિધન
ઉપરોકત ઘટનાને દોઢેક મહિના જેટલો સમય વીતી ગયો. મને જયારે તે દિવસ યાદ આવતો ત્યારે હસવુ આવતુ. અંદરથી દરેક ભારતીયમાં હોય છે તેમ મને પણ મફતમાં તે પુસ્તકોની રોયલ્ટી મળી જાય તેઓ વિચાર આવતો. પણ પંડિતના કારનામા ! મને પાછો વાસ્તવિક જગત સાથે જોડી દેતા. જેમ સુમો પહેલવાન પોતાના પ્રતિસ્પર્ધી ને દબાવીને તેની તમામ તાકાત હણી લે છે. તેવુ જ મારી સાથે તે કરતો. અઠવાડિયાના મોટા ભાગના દિવસો તે મારી સાથે તેનુ વર્કિંગ ગોઠવતો. મારી નાની નાની ભુલોને પણ તે ૩૨૦ ની કલમ લગાડતો. આ પ્રેશરથી કંટાળીને નોકરી છોડવાની ઇચ્છા થતી પણ હું સારી રીતે જાણતો કે આ ઉંમરે બીજી નોકરી અને છોકરી શોધવી તે લોઢાના ચણા ચાવવા બરાબર છે.
રોજ સવારે હું ચા સાથે શાંતિ થી છાપુ વાંચુ છું. છાપાના દુ:ખદ સમાચાર મને સાંત્વન આપે છે કે આ જગતમાં મારાથી પણ વધુ દુ:ખી લોકો છે. આવી જ એક સવારે મેં છાપાના પ્રથમ પાને જ સમાચાર વાંચ્યા. -“ જાણીતા થ્રીલર રાઇટર કિર્તી ચૌધરીનુ નિધન”
મેં છાપુ ચશ્માની નજીક લઇ ઝડપથી વાંચ્યુ. તે સમાચારમાં તેમની બિમારી,તેમના મૃત્યુ,તેમના ચાહકોમાં પ્રવતતી શોકની લાગણી. તમામ વાતો મોજુદ હતી. નીચે બે-ત્રણ જાણીતા લેખકની કૉમેંટ હતી કે આ ઘટનાએ તેમનો નજીકનો સાથી ગુમાવ્યો છે. મરણનો સમય હતો રાતના બારેક વાગ્યાની આસપાસ ! મેં ઘડિયાળ માં સમય જોયો, અત્યારે બરાબર નવ વાગ્યા હતા. જો તેમના પત્ની અને પુત્ર આવી ગયા હશે તો તેમની સ્મશાનવિધી પણ ચાલતી હશે ! આખી દોઢેક મહિના પહેલાની વાત ફરી તાજી થઇ ગઇ. તેમણે મારી સાથે ડિલ કરી હતી-
‘ તેમની ચોપડીઓની રોયલ્ટી મને આપવાની ‘ તેઓ મને ભુલી જ ગયા હશે ! કે પછી કંઇ કેટલાયે ભાગવતો સાથે તે આવી ડિલ કરી હથેળીમાં ચાંદ બતાવતા હશે ? છટ્ટ ! મારે મારો સ્વાર્થ ના વિચારવો જોઇએ. ગમે તેમ તોય આજે સારા લેખકનુ અવસાન થયુ છે. હું મનોમન બબડયો. પછી મને યાદ આવ્યુ કે ‘મેં કયાં કોઇ લેખકની ચોપડી વાંચી છે, આપણા માટે બધા સરખા’.
એ દિવસે પણ હું દરરોજની જેમ કામમાં ગોઠવાયો. રાત્રે બરાબર આઠ વાગે GSTV પર તેમના પુત્રનુ ઇન્ટરવ્યુ ગોઠવાયેલુ હતુ. સફેદ કપડામાં સજજ એક ગોરો યુવાન ટીવી પર ગોઠવાયો. ઇન્ટરવ્યુ ની શરૂઆતમાં તેણે પોતાના પિતાના દરિયાદિલ સ્વભાવ ના વખાણ કર્યા. તેના પિતા દરેક નાના માણસની કિંમત સમજતા એટલે જ મર્યા પછી તેમણે છેક સુધી સેવા કરનાર તેમના નોકર ગોપીનાથ માટે વિલમાં બે લાખ મુકયા છે તેની વાત કરી. આપેલા દરેક સવાલ ના જવાબ તેણે એટલી સુંદર રીતે આપ્યા કે મને શંકા ગઇ કે કિર્તી ચૌધરીએ તે રાત્રે પોતાના પુત્રનુ રજુ કરેલુ ચિત્ર ખોટુ હતુ. છેલ્લે તે યુવાન જેનુ નામ અર્પણ ચૌધરી હતુ,તેને પ્રશ્ન પુછાયો-“ તમે તમારા પિતા વતી તેમના ફ્રેન્ડસ ને શુ સંદેશો આપવા માંગો છો ?”
“ વેલ મારા પિતા પુસ્તકોને ખુબ ચાહતા. તેમના નામની એક સુંદર લાયબ્રેરી બને. હું પ્રયત્ન કરીશ કે તેમની આ ઇચ્છા હું જલ્દીથી પુરી કરી શકુ. ”
આમ કહેતા તે નવયુવાને ટી. વી સામે બે હાથ જોડયા. પિતાની છેલ્લી ઇચ્છા પુરી કરવાની તૈયારી બતાવનાર આટલો પ્રેમાળ યુવક કઇ રીતે પિતાને દુ:ખ પહોંચાડી શકે. કદાચ તે રાત્રે કિર્તી ચૌધરી ખોટુ જ બોલ્યા હશે ! તે દિવસે આ ગડમથલ માં ઉંધ પણ પુરી ના આવી,અને રાત્રે વિચિત્ર સપનુ આવ્યુ. આ સપનામાં માછલી પકડવા માટેનો જેવો આંકડો હોય છે તેવા આંકડામાં માછલીની જગ્યાએ ચોપડીઓ ગોઠવેલી હતી. બીજા છેડેથી તે આંકડો કિર્તી ચૌધરીના હાથમાં હતો. આ આંકડો મારી ઉંચાઇ થી ખાસો ઉંચો રાખેલો હતો. હું તે પુસ્તકોને પકડવા જોર જોરથી કુદકા મારી રહ્યો હતો. મારો હાથ દરેક કુદકે થોડાક વેંત પુસ્તકોથી દુર રહેતો. હું નીચે પટકાતો અને ફરી પાછો તાકાત લગાવીને કુદકો મારતો. અને કિર્તી ચૌધરી મોટેથી બુમો પાડતા-‘ કમઓન ભાગવત ! વધુ એક વખત’
સવારના એર્લામે મારી આંખ ઉઘાડી. સાહિલ ક્રિકેટ ના કોંચીગ લઇ રહ્યો હતો. તેને મુકવા મારે વહેલા ઉઠવુ પડતુ. એ આખો દિવસ મને મારા સપના પર હસવુ આવ્યુ. વૈજ્ઞાનિકો કહે છે કે ઘણીવાર જે ઘટનાઓ બનવાની છે તેનો અણસાર આપણુ મન પહેલેથી જ આપણને આપી દેતુ હોય છે. આ સપનુ મારા માટે એવો જ એક અણસાર છે એનો ખ્યાલ બરાબર પંદર દિવસ પછી મારા મોબાઇલ પર આવેલા એક ફોને મને આપ્યો.
તે દિવસે બરાબર બે વાગે હું જયારે મારા જુના બાઇક પર એક કોલમાં જઇ રહ્યો હતો ત્યારે જ મારો મોબાઇલ રણકયો.
“ હલો ! હું શુ ગજેન્દ્ર ભાગવત સાથે વાત કરી રહ્યો છુ ?” – સામે છેડેથી અવાજ આવ્યો.
“ હા,હું જ ગજેન્દ્ર ભાગવત આપ કોણ ?”
“ તમે એ જ ગજેન્દ્ર ભાગવત છો જે વિઝન ફાર્માને અંદર સેલ્સ એકઝયુકટીવ છે. ”
“ તારે શુ કામ છે બોલને ભાઇ ? જો મારો કોઇ લોન કે ઇંન્સ્યોરન્સ લેવાનો દુર દુર સુધી વિચાર નથી. ” હું તેના પર બરાબર અકળાયો. કારણ કે ઘણીવાર આપણી પર્સનલ ડીટેઇલ ઇંન્સ્યોરન્સ કે બીજી કંપની પાસે પહોંચી જતી હોય છે. અને તેમના ફોન કાયમ ચાલુ રહે છે. ”
“ લોન કે ઇંન્સ્યોરન્સ વેચવાનો મારો પણ દુર દુર સુધી વિચાર નથી. વાસ્તવમાં હું કિર્તી ચૌધરીનો વકીલ બોલુ છુ. ” –સામે છેડેથી અવાજમાં મકકમતા આવી ગઇ.
“ કિર્તી ચૌધરીનો વકીલ મારા માટે ?” મારા મનમાં અનેક પ્રશ્ર્નો ઉઠવા માંડયા.
“ તમારે મરતા પહેલા એમની સાથે એમની ચોપડીઓ માટે વાત થઇ હતી ?”
“ હા ! સાહેબ હા હા ! કિર્તી ચૌધરીએ તેમની છેલ્લી બે ચોપડીઓની રોયલ્ટી મને આપવાની વાત કરી હતી. ”
“ બસ એ જ સંદર્ભે મારે તમને મળવુ છે. હું અહીંયા સેટેલાઇટ વિસ્તારમાં હોટલ શેરીડોન માં ઉતર્યો છુ. તમે મને આજે ચાર વાગે હોટલ પર મળી શકો?”
“ હા ! હા ! કેમ નહી ? સાહેબ હું ચોકકસ આવી જઇશ. ” હું એટલો ઉત્સાહમાં હતો કે મેં તેમનુ નામ કે રૂમ નંબર પણ ના પુછયા. પણ સામેથી માહિતી મળી.
“ મિ. ભાગવત ! તમારે અહીંયા હોટલ શેરીડોન માં રૂમ નંબર ૨૦૩ માં આવવુ. મારુ નામ છે અતુલ મજુમદાર”
“ ચોકકસ સર” મારા જવાબ સાથે સામે છેડેથી ફોન મુકાયો. અત્યારે ૨:૧૦ થઇ હતી. હું જયાં હતો ત્યાંથી આ હોટેલે ૨૦ મિનિટમાં પહોંચી શકાય એમ હતુ. આટલા સમયમાં મારે મારી જાતને માનસિક સ્વસ્થ કરવાની હતી. મને મારા કપડા,ટાઇ કે બુટ બધા પ્રત્યે ચીડ આવી. આજે જ્યારે હું આનાથી સારા કપડા પહેરી શકયો હોત ! તેલવાળા માથા પર પણ ગુસ્સો આવ્યો. એ વખતે તો એવુ જ ફીલ થયુ કે મારા દેખાવને કારણે મારી પાસેથી મારા પુસ્તકોની રોયલ્ટી ના છીનવાઇ જાય. ત્યાં જ મારો ફોન રણકયો. કોલ પંડિતનો હતો. આખો દિવસ તે ફોન પર માર્કેટ વિશે પ્રશ્ર્નો પુછી મારુ મગજ ખાતો.
“ આ હરામીને પણ અત્યારે જ ફોન કરવાનુ સુઝે છે ?”
આમ બબડતા મેં તે ફોન કાપી નાખ્યો. પણ ફોન થોડીવારમાં ફરી રણકયો. આજના દિવસે કદાચ મારુ ભાગ્ય ચમકી શકે એમ હતુ. અને મારા ભાગ્યની આડે આવતા પંડિત નામના ગ્રહણ ને મારે રોકવુ જ રહ્યુ. એ વિચારથી મેં ફોન ને ઘણીવાર રણકવા દીધો. જયારે એ રણકતો બંધ થયો મેં તરત જ ફોન ને સાઇલન્ટ મોડમાં મુકી ખિસ્સામાં સેરવી દીધો.
દર બે મિનિટે મારી નજર ખિસ્સામાં જતી. બે વખત તો કિટલીની ચા પણ પીધી. એક સમયે એવો વિચાર આવ્યો કે ઘરે જઇને કપડા બદલી દઉં. પણ મારુ ઘર આ વિસ્તારથી ઘણુ દુર હતુ. બાઇક પર અત્યારે આટલુ અંતર કાપવુ મને હિતાવહ ના લાગ્યુ. ત્રણ વાગતા સુધીમાં તો હું હોટલ શેરીડોન પહોંચી ગયો. ૧૫-૨૦ મિનિટ તો હોટલની બહાર જ ચકકર માર્યા. સેલ્સ લાઇનમાં ઉતરતા પહેલા મેં ઘણા ઇન્ટરવ્યુ આપેલા છે,પણ એકેય વખતે હું આટલો વિહવળ કયારેય નહોતો. સાડા ત્રણ વાગે તો હું હોટેલની અંદર દાખલ થઇ ગયો. રૂમ નંબર ૨૦૩ નુ લોકેશન બે-ત્રણ વખત પુછી ચેક કર્યુ. રિસેપ્શન ની સામેના સોફા પર બેસી હું સમય ની ઉંધી ગણતરી કરી રહ્યો હતો. આખરે ચાર વાગ્યા ! ચાર વાગતા જ હું ઝડપથી ઉભો થઇ ચાલવા લાગ્યો. સામાન્ય રીતે હું જયાં સુધી લિફટ હોય ત્યાં સુધી શરીરને શ્રમ આપવાનુ પસંદ નથી કરતો. આજના દિવસે લિફટ ની રાહ પણ મારાથી જોઇ શકાય તેમ ન હતી. હું ઝડપથી દાદર ચડીને રૂમ નંબર ૨૦૩ સુધી પહોંચ્યો. ભગવાનનુ નામ લઇ મેં ડોરબેલ વગાડી.
ક્રમશ :