Prernano dhodh - Captain Anuj Nayyar in Gujarati Detective stories by Bhavik Radadiya books and stories PDF | પ્રેરણાનો ધોધ : કેપ્ટન અનુજ નય્યર

Featured Books
Categories
Share

પ્રેરણાનો ધોધ : કેપ્ટન અનુજ નય્યર

પ્રેરણાનો ધોધ : કેપ્ટન અનુજ નય્યર

ભાવિક એસ. રાદડિયા (પ્રિયભ)

પાકિસ્તાન સાથે સૌથી ભિષણ અને એક તરફથી ઇતિહાસમાં ઘટેલું સૌથી મુશ્કેલ યુદ્ધોમાં કારગીલનું યુદ્ધ પોતાની પાછળ ભારતીય સેનાના અવર્ણનીય શોર્યની એવી અનેક કથાઓ મુકીને ગયું છે, જેનું ઋણ કદાચ કોઈ ક્યારેય પણ ચૂકવી નહી શકે. આજથી બરોબર ૧૯ વર્ષ પહેલાં ભારતીય સેનાએ અદ્વિતિય શૌર્ય અને સાહસનો પરિચય આપતા ૬૦ દિવસ લાંબી ચાલેલી આ લડાઈમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. પરમાણુ તાકાત હાંસલ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલાં કારગિલ યુદ્ધ (ઓપરેશન વિજય) માં શહીદ થયેલાં સૈનિકોની હિંમતનાં ગૌરવપૂર્ણ કિસ્સા આજે સન્માનથી યાદ કરવામાં આવે છે. દેશ માટે, પોતાની મા ભોમકા ના રક્ષણ કાજે પોતાનો જીવ સમર્પીત કરી દેનારા વીરોની ગાથા આજે પણ સમગ્ર દુનિયામાં કહેવા અને સાંભળવામાં આવે છે. કારગીલના આ યુદ્ધમાં પાકિસ્તાનની નાપાક હરકતનો ભારતીય સેનાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે એમના સૈનિક રણક્ષેત્ર છોડીને ભાગી ગયા. આ જીત ભારતને ઘણા બધા બહાદુર સૈનિકોના બલીદાન પછી મળી છે. દેશને સૌથી પહેલું સ્થાન અપાવવા વાળા શહીદોની જેટલી પણ ચર્ચા કરવામાં આવે એટલી ઓછી છે. દેશ માટે જીવ કુરબાન કરી દેતા આ વીર સપૂતોની વીર ગાથાઓ આજે પણ લોકોની છાતી ગર્વથી પહોળી કરી દે છે. એમાંના જ એક વીર સિપાહી હતા શ્રી કેપ્ટન અનુજ નય્યર. જેમણે માત્ર ૨૪ વર્ષની ઉમરમાં જ પોતાની જાતને દેશ માટે કુરબાન કરી દીધી! કારગીલના યુદ્ધ પછી ઔશ્રીમાન કેપ્ટન અનુજને "મહાવીર ચક્ર" થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમનો જન્મ ૨8 મી ઓગષ્ટ, ૧૯૭૫ ના રોજ દિલ્હી ખાતે થયો હતો. તેમના પિતા શ્રી એસ. કે. નય્યર "દિલ્હી સ્કુલ ઓફ ઇકોનોમિકસ" માં વિઝીટીંગ પ્રોફેસર હતા. તેમના માતા શ્રીમતી મીના એસ. નય્યર સાઉથ કેમ્પસ વિશ્વ વિધાલયની લાઈબ્રેરીમાં લાઈબ્રેરિયનનું કામ કરતા હતા. આ કારણથી જ તેમના ઘરમાં ભણવાને લઈને સારો માહોલ હતો. એ ઉપરાંત કેપ્ટન અનુજ પહેલેથી જ ભણવામાં ખુબ જ કુશાગ્ર હતા. પારીવારીક સપોર્ટ અને ઘરમાં જ્ઞાન તથા સમજણનો સારો એવો માહોલ હોવાથી અભ્યાસ દરમિયાન તેમને કોઈ મુશ્કેલી નથી આવી. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ધોલાકુવાની આર્મી પબ્લિક સ્કુલમાંથી લીધું હતું. ત્યાના શિક્ષકો જણાવે છે કે, "અનુજ નય્યર એનર્જીનું પેકેટ હતા. તેઓ હંમેશા ઉર્જાથી ભરેલા રહેતા." અનુજમાં ગજબની સ્ફૂર્તિ હતી. જો કે તેમના શિક્ષકો પણ અનુજની ધમાલ મસ્તીથી થાકી ગયા હતા. અનુજ જેટલા હોંશિયાર હતાં, એટલા જ મસ્તીખોર પણ હતાં. એક દિવસ તો એમના એક શિક્ષકે ગુસ્સામાં આવીને બ્લેક બોર્ડ પર લખી નાખ્યું કે, “મને અનુજ જોઈએ, જીવતો અથવા મરેલો.”

અનુજ ત્યારે બાળપણમાં ભણવામાં ખુબ જ મેઘાવી હતા. અનુજના પિતા માટે અનુજ બહુ જ નટખટ, મસ્તીખોર હતા. અવારનવાર તેમના પિતા આના માટે તેમને લડતા. તેની સાથે સાથે અનુજ રમત ગમતમાં પણ એટલા જ આગળ હતા. એ પુરા જોશ સાથે રમતના મેદાનમાં ઉતરતા, પૂરી એકાગ્રતા અને તાકાતથી જીત હાંસલ કરતા. તેમની એક ખૂબી હતી: તેઓ ક્યારેય નાસીપાસ ન થતા અને કોયપણ કામને અશક્ય નહોતા માનતા.

એમનો એક કિસ્સો બહુ જ મશહુર છે. જ્યારે એમની ઉંમર ૧૬ વર્ષની હતી એ વખતે કોઈઔ રમત દરમિયાન એક દુર્ઘટનામાં અનુજના પગમાં ગંભીર ઈજા થઇ હતી. ડોક્ટરે અનુજને તાત્કાલિક ટાંકા લેવડાવાની સલાહ આપી. કોઈ મેડીકલ કારણસર અનુજને એનેસ્થેટીક ઇન્જેક્શન આપી શકાય એમ નહોતું. એવામાં અનુજે ૨૨ ટાંકાનું દર્દ સહન કર્યું હતું. ઇન્જેક્શનની દવા વગર! જે કોઈ પણ વ્યક્તિ માટે સહન કરવું સહેલી બાબત નથી. ત્યાર બાદ એમને પૂછવામાં આવ્યું કે તમને ટાંકા લેતા સમયે દર્દ નહોતું થતું? ત્યારે તેમને જવાબ આપ્યો કે, “દર્દ મગજમાં હોય છે. પગમાં નહિ.” ૧૬ વર્ષની ઉમરમાં જ તેમનું શૌર્ય દેખાઈ જતું હતું.

અનુજ દરેક બાબતમાં મેઘાવી હતા. પછી એ સ્કૂલમાં ભણવાનું હોય કે પછી આર્મીમાં જોડાવાની વાત હોય. તેઓ ઇચ્છતા તો ડોક્ટર કે એન્જીનીયર બની શકતા હતા. પરંતુ એમણે દેશની સેવા કરવું પસંદ કર્યું. અનુજના પિતાએ પણ તેમના આ નિર્ણયનું સન્માન કર્યું. તેમના પિતાનું માનવું હતું કે અનુજ દેશની સેવાના મિશન પર જવા માંગે છે. તેમણે પોતાના દીકરાની માત્ર મદદ જ કરી હતી. યોગ્ય સમય આવવા પર અનુજે પોતાની ઈચ્છા પુરી કરી. અનુજને સ્કુલ સમયથી જ આર્મીમાં રૂચી હોવાના કારણે તેઓ NDA (નેશનલ ડિફેન્સ એકેડમી) ની પરીક્ષામા પાસ થઇ ગયા. અને ત્યાં જ NDA માં ભરતી થઇ ગયા. ટ્રેઈનીગમાં બોલવામાં આવતા તેઓ આઈ.એમ.એ પહોચ્યા. અને પછી ૧૯૯૭માં અનુજ નય્યર ૧૭મી જાટ બટાલિયનનો એક ભાગ બની ગયા. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૨ વર્ષ હતી!

અનુજને એક વાર સવાલ કરવામાં આવ્યો કે તેઓ આર્મીમાં કેમ જોડાવા માંગે છે? ત્યારે એમના જવાબે બધાને હેરાનીમાં મૂકી દીધા હતા. એમણે કહ્યું કે, “અસલમાં એ સિયાચીન જવા માંગતા હતા. અને તે એ બાબતની ખાતરી કરવા માંગતા હતા કે સિયાચીન વધારે મજબુત છે કે તેઓ પોતે વધારે મજબુત છે!”

૧૯૭૫માં દિલ્હીમાં જન્મેલ અનુજ હવે લેફ્ટનન્ટ અનુજ નય્યર બની ગયા હતા. જે આગળ જઈને કેપ્ટન અનુજ નય્યર બન્યા. અનુજ નય્યરને તેના ૨ વર્ષ પછી ૧૯૯૯માં ઇન્ડિયન આર્મીને કારગીલ સેક્ટરમાં 'થોડા' પાકિસ્તાની ઘુસણખોરો વિશે માહિતી મળી. બસ ત્યાંથી જ કારગીલ યુદ્ધની શરુઆત થઇ. મેં મહિનામાં શરુ થયેલી ઘુસણખોરોની મામુલી ખબર પછી ભારત – પાકિસ્તાન વચ્ચે એક ઐતિહાસિક યુદ્ધ લડાઈ ગયું. જે પછીથી કારગીલના યુદ્ધ તરીકે ઓળખાયું. એ લોહિયાળ યુદ્ધ ભારત શાનથી જીતી ગયું અને પાકિસ્તાનને તેની મેલી મુરાદનો ઠાવકાઈથી વળતો જવાબ આપ્યો. પરંતુ જીત અને સફળતાની પણ કંઈક તો કિંમત ચૂકવવી જ પડે, એ હિસાબે ભારત માતાના બહાદુર સંતાનોએ દેશ માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દિધો! એ શૂરવીરોની યાદીમાં શ્રી કેપ્ટન અનુજ નય્યરનું નામ મોખરે હતું.

જુલાઈ મહિનામાં કેપ્ટન અનુજ નય્યરને ટાઈગર હિલના પશ્ચિમી પોઈન્ટ ૪૮૭૫ને ખાલી કરવાનું કામ સોપવામાં આવ્યું. જે પાકિસ્તાની ઘુસણખોરોના કબજામાં હતું. ત્યારે અનુજ નય્યર ૧૭મી જાટ બટાલીયનના જુનીયર કમાન્ડર હતા. આ સાથે જ અનુજ એ સમયના કારગીલના યુદ્ધમાં લાગેલા પચાસ હજાર જવાનોમાંના એક સિપાહી હતા. આ અનુજનું પેહલું જ મિશન હતું. ૪૮૭૫ને કબજે કરવાના મિશન પર જતા પહેલા અનુજે પોતાના સિનીયર અધિકારી તરફ આગળ વધ્યા અને તેમને કહ્યું કે, સર હું તમારી પાસેથી એક મદદ માંગું છું.

ત્યારે અનુજે પોતાના ખિસ્સામાંથી એક વીંટી નીકાળીને એમને આપતા કહ્યું, "આ વીંટી મેં મારી થવાવાળી પત્ની માટે લીધી હતી. હવે હું યુદ્ધમાં જઈ રહ્યો છું. એટલા માટે પાછો આવીશ કે નહિ એ વિશે કઈ જ કહી શકું તેમ નથી." આગળ બોલતા તેમણે કહ્યું કે, "હું નથી ઇચ્છતો કે આ વીંટી દુશ્મનોના હાથમાં આવી જાય. એટલા માટે તમે આને સુરક્ષિત રાખજો." એટલું કહીને કેપ્ટન અનુજ ઉતાવળથી પોતાના મિશન પર જતા રહ્યા.

પોઈન્ટ ૪૮૭૫ને જીતવું ખુબ જ જરૂરી હતું. કારણકે તે એવી જગ્યાએ આવેલું હતું કે જો તેને જીતવામાં આવે તો એ આખા યુદ્ધની સ્થિતિ બદલી શકે તેમ હતું. પરંતુ તેને જીતવું પણ એટલું જ મુશ્કેલ હતું. આ પોઈંટની ઉંચાઈ સમુદ્રના તળથી ૧૫૯૦૦ ફૂટ ઉંચી હતી! એ સાથે જ તે એક બહુ જ સીધો ઢોળાવ હતો. એવું કેહવાય છે કે જો એટલી ઉંચાઈ પરથી એક પત્થર પડે, તો એ ગોળીથી પણ વધુ ઝડપ પકડી લેય. ભારતીય એર ફોર્સની મદદ વગર આ જગ્યાને જીતવી ખુબ જ અઘરું કામ હતું. અઘરું જ નહી પરંતુ અશક્ય જ હતું.

પરંતુ ૬ જુલાઈ ૧૯૯૯માં કેપ્ટન અનુજ નય્યરની ટીમે કોઈની પણ મદદની રાહ જોયા વગર જ આ જગ્યાને ખાલી કરાવવા નીકળી પડ્યા. કેપ્ટન અનુજ નય્યર પોઈંટ ૪૮૭૫ની તરફ આગળ વધ્યા. શરૂઆતની લડાઈમાં જ અનુજ નય્યરની ટીમના કમાન્ડર જખમી થઇ ગયા. જેના કારણે એમની ટીમ બે ભાગમાં વેહચાઈ ગયી. એક ટીમને લઈને કેપ્ટન વિક્રમ બત્રા આગળ વધ્યા. જયારે બીજી ટીમની સાથે અનુજ નય્યર પોતે આગળ વધ્યા. નય્યર એમની ટીમના સાત લોકો સાથે ચોટી તરફ આગળ વધવા લાગ્યા. જ્યાં પાકિસ્તાની ઘુસણખોરોએ પોતાના અમુક બંકર બનાવી રાખ્યા હતા. (બંકર એટલે એવી જગ્યાં, જ્યાં દુશ્મનો સુરક્ષિત રીતે છુપાઈને દુશ્મનો પર ચાંપતી નજર રાખી શકે અને જરુરી હથિયારો પોતાની સાથે રાખી શકે.) એ છતાં પણ તેઓ અનુજ નય્યરના મજબુત ઈરાદાઓને ડગાવી શક્યા નહી. રસ્તામાં અનુજ અને તેમની ટીમને પાકિસ્તાની મિલિટરીનો સીધો સામનો કરવો પડ્યો. પાકિસ્તાની ઘુસણખોરોને તેમના આવવાની જાણકારી અગાઉથી મળી ગઈ હતી. તેમણે અનુજની ટીમ પર હૂમલો કરી દીધો. પરંતુ અનુજ અને તેમની ટીમ પાછળ ના હઠી. કેપ્ટન અનુજે ઉતાવળ ના દેખાડતા બરાબર તકની રાહ જોઈ અને પછી વળતો જવાબ આપ્યો. દુશ્મનોના દરેક હુમલાનો વળતો પ્રહાર તેમણે જુસ્સાથી આપ્યો. અનુજની યોજના કામ કરી ગઈ. જેના કારણે પાકિસ્તાની ઘુસણખોરોએ પાછળ હટવું પડ્યું. આ સમગ્ર મિશન દરમિયાન અનુજ નય્યરે ૯ પાકિસ્તાની સિપાહીને ખતમ કરી નાખ્યા. એ ઉપરાંત ૩ મશીનગન બંકર પણ ખતમ કરી નાંખ્યા. અનુજ અહીં રોકાયા નહિ એમને તો છેલ્લા બંકરને જીતીને સમગ્ર જગ્યા પર ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. પરંતુ અનુજ જ્યારે ચોથા બંકરને ખાલી કરાવી રહ્યા હતા અને ધીમેથી આગળ વધી રહ્યા હતાં. તે સમયએ દુશ્મનએ છુપાઈને ગ્રેનેડથી અનુજ પર હુમલો કરી દીધો. અનુજ આ છુપા હુમલાથી તદ્દન બેધ્યાન હતા. દુશ્મનનો એક ગ્રેનેડ સીધો અનુજ પર આવીને પડ્યો. પરંતુ કેપ્ટન અનુજ અહીં સુધી આવીને હાર માની લે એમાના નહોતા. અનુજ દુશ્મનના આ હુમલાથી ના બચી શક્યાં. એટલી ખરાબ રીતે ઘાયલ થયા હોવા છતાં પણ નય્યર પોતાની ટીમને લઈને આગળ વધ્યા. તેમના સાથીઓએ તેમને ત્યાં રોકાવા માટે કહ્યું. પણ જાણે હાર માનવાનું તો તેઓ તેમના જીવનમાં શીખ્યા જ નહોતા. ત્યારબાદ તેમણે દુશ્મનોના છેલ્લા બંકરને પણ ખાલી કરાવ્યો. છેલ્લું બંકર ખાલી કરાવીને પછી જ તેમને રાહતનો શ્વાસ લીધો. ઊંડો મોતનો શ્વાસ! ત્યારે જ એક ગ્રેનાઈટ બોમ્બ ફાટ્યો અને તેમાં કેપ્ટન અનુજ અને સાથે જ તેમની આખી ટીમ શહીદ થઇ ગઈ. માત્ર ૨૪ વર્ષની નાની ઉંમરે દેશનો આ જવાન શહીદ થઇ ગયો. નય્યરની ટીમ “ચાર્લી” નો એક પણ જવાન જીવતો બચ્યો નહોતો.

આ પછી ફરી પાકિસ્તાની ઘુસણખોરો ૪૮૭૫ પોઈંટ પર કબજો કરવા આવ્યા. પણ કેપ્ટન બત્રાની ટીમે બધા દુશ્મનોને પાછળ ધકેલી મુક્યા. પછીથી આ જ ૪૮૭૫ પોઈન્ટ, ટાઈગર હિલ પાછું જીતવા માટેનો રસ્તો બન્યું. છેવટે પાકિસ્તાની દુશ્મનો પાછા પોતાના વિસ્તારમાં જવા માટે મજબુર બન્યા.

દુર્ભાગ્યવશ આ યુદ્ધ પરથી અનુજ પાછા ના આવી શક્યાં. કહેવાય છે કે જયારે એમનું પાર્થિવ શરીર ઘરે લાવવામાં આવ્યું હતું ત્યારે ઘરના લોકો સિવાય પણ એક છોકરી હતી જે ખુબ જ રડી હતી.

ઘણીવાર અનુજ માટે એવું કેહવાયું છે કે તેઓ બહુ જ કઠોર દિલના વ્યક્તિ હતા. પણ અસલમાં એમના દિલમાં પણ કોઈકના માટે કુટી કુટીને પ્રેમ ભરેલો હતો.

અનુજ મનમાં ને મનમાં એમની બાળપણની મિત્ર સિમરનને પોતાનું દિલ આપી ચુક્યા હતા. અનુજ સિમરનને હંમેશા માટે પોતાની બનાવા ઇચ્છતા હતા. ઓગસ્ટ,૧૯૯૯માં અનુજ પોતાની બાળપણની પ્રેમિકાની સાથે સગાઇ કરવાની યોજના પણ બનાવી ચુક્યા હતા. તેમના પિતા પણ આ સગાઇ માટે ઘણા ઉત્સાહિત હતા. તેમને આ શુભ પ્રસંગ પર અનુજને આપવા માટે એક નવી કાર પણ બૂક કરાવી લીધી હતી. પરંતુ વિધાતાને કંઈક અલગ જ મંજુર હતું. અનુજ સગાઇ માટે રજા લઈને ઘરે આવે એ પેહલા જ જુલાઈ મહિનામાં પાકિસ્તાન સાથે કારગીલનું યુદ્ધ છેડાઈ ગયું. અને કેપ્ટન અનુજ નીકળી પડ્યા ૪૮૭૫ને જીતવા.

આ સાથે જ અનુજ અને સીમરનની પ્રેમ કહાનીનો પણ અંત આવી ગયો. અનુજ સિમરનને હંમેશ માટે પોતાની ના બનાવી શક્યા. આ પ્રેમ ગાથાને અહીં જ અધુરી છોડી એ વીર દેશ માટે શહીદ થઇ ગયો. અને પોતાના પ્રેમનું બલીદાન આપી દીધું.

ત્યારબાદ કેપ્ટન અનુજ નય્યરને “પોસથોમસ મહાવીર ચક્ર” આપવામાં આવ્યું. પોસથોમસ મતલબ મરણોપરાંત આપવામાં આવેલું મહાવીર ચક્ર. આજે પણ દિલ્હીની જનકપુરીમાં કેપ્ટન અનુજ નય્યરના નામ પરથી એક રસ્તાનું નામ રાખવામાં આવ્યું છે, 'કેપ્ટન અનુજ નય્યર માર્ગ.'

દિલ્હી વિશ્વવિધ્યાલયના સાઉથ કેમ્પસમાં પણ એક સ્ટડી હોલનું નામ , કેપ્ટન અનુજ નય્યર રાખવામાં આવ્યું છે.

જયારે કારગીલના યુદ્ધની એક લડાઈ પૂરી થઇ ત્યારે અનુજના પરિવાર સામે બીજી લડાઈ આવીને ઉભી રહી ગઈ. યુદ્ધ સમાપ્તિ બાદ અનુજ નય્યરના પરિવારને પેટ્રોલ પંપ આપવાની સુચના ભારતીય ગૃહ મંત્રાલયે એક પત્ર દ્વારા આપી હતી. પરંતુ અનુજની મા મીના નય્યરએ તેને લેવા માટે ના કહી દીધું. પરંતુ એ પછી એ સમયના તત્કાલીન જનરલ વી. પી. મલિકના સમજાવવા પર તેઓ માની ગયા હતા. વી. પી. મલિકએ સમજાવ્યું હતું કે , આ પેટ્રોલ પંપ અમે તમને નહીં પરંતુ તમારા દીકરાને આપી રહ્યા છીએ. પોતાના બહાદુર દીકરાને અને તેની બહાદુરીને લોકો વચ્ચે જીવતી રાખવા માટે અનુજના માતાપિતાએ આ પેટ્રોલ પંપ ઘણો સમજી વિચારીને પછી લેવાનો નિર્ણય કર્યો. જો કે આ ભ્રષ્ટ સીસ્ટમમાં બેઠેલા રિશ્વતખોર અધિકારીઓએ એક શહીદના પરિવારને પણ ના છોડ્યો. શ્રી અનુજ નય્યરના પરિવાર પાસેથી રિશ્વત માંગવામાં આવી. પરંતુ અનુજના પિતાએ રિશ્વત આપવા માટે ચોખ્ખી ના પાડી દીધી.

અનુજના પરિવારએ આ બાબત માટે સતત દોઢ વર્ષ સંઘર્ષ કર્યો. દોઢ વર્ષ પછી પેટ્રોલ પંપ માટે જમીન તો મળી પણ એ જમીન એમના ઘરથી ચાલીસ-પચાસ કિલોમીટર દુર હતી. એ છતાં પણ તેમને પોતાના દીકરાના હક માટે એ જમીન સ્વીકારી લીધી. અને એ પછી N.O.C (નોન ઓબ્જેક્શન સર્ટીફિકેટ) માટે ક્યારેક દિલ્હી પોલીસ તો ક્યારેક દિલ્હી નગરનિગમ જેવી જગ્યાઓના ચક્કર મારવાના શરુ કર્યા. બધી જ જગ્યાથી એમની પાસેથી રિશ્વતની માંગણી કરવામાં આવી. આ દરમિયાન સરકારી અધિકારીઓએ બધી જ સીમાઓને પાર કરીને ગુંડાઓ દ્વારા ધમકીઓ આપવાનું શરુ કરી દીધું.

અનુજ નય્યરના પરિવારએ છેવટે આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે એ સમયના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને પત્ર લખીને મદદ માંગી. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી વાજપેયીજી અનુજના પિતાને મળ્યા. આ મુલાકાતમાં તેમણે અનુજના પિતાને એવા ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાનો ભરોસો અપાવ્યો. ત્યારબાદ પ્રધાનમંત્રીના હસ્ત્ક્ષેપ પછી ૧૬ ભ્રષ્ટ અધિકારીઓને તરત જ સસ્પેન્ડ કરવામાં આવ્યા. આજે પણ દિલ્હીના વસુંધરા એન્કલેવમાં આ પેટ્રોલ પંપ સ્થિત છે. જેની બધી જ કમાણી એક ટ્રસ્ટને મળે છે જે ગરીબ બાળકોના અભ્યાસમાં મદદ કરે છે.

કેપ્ટન અનુજ ન્ય્યરને આ ભારત દેશ અને તેની ભૂમિ હંમેશા યાદ રાખશે. આ વાતમાં કોઈ બે મત નથી કે, દેશની સીમાઓની સુરક્ષા કરવાવાળા આવા અમર શહીદોનો આ દેશ હંમેશા કરજદાર રેહશે. આવા વીરોને સત સત નમન. વંદે માતરમ્.

(સમાપ્ત)

લેખક : ભાવિક એસ. રાદડિયા (પ્રિયભ)