Min Trushna in Gujarati Love Stories by Dr. Avni Ravi Changela books and stories PDF | મીન તૃષ્ણા

Featured Books
Categories
Share

મીન તૃષ્ણા


સમી સાંજનો એ સમય શહેરમાં ભીડ બનીને ઊભરાઈ રહ્યો હતો. તેવામાં પોતાની મોટી બહેન પ્રાપ્તિના રિસેપ્શનમાં આવેલી અસ્તિ આજે સૌના આકર્ષણનું કેન્દ્ર હતી. તેના અનકટ રીયલ ડાયમંડનો રોઝગોલ્ડપ્લેટેડ ચોકર અને ઇયરીન્ગ્સ સાથે હુબહુ મેચિંગ ડીઝાઇનર ગાઉન તેમજ એક્સપર્ટ મેકઅપ-આર્ટીસ્ટ દ્વારા કરાયેલ પરફેક્ટ મેકઅપથી ઉત્કૃષ્ઠ થયેલી સુંદરતાને કારણે આજે તે તેના પતિના પેઢીઓ જુના ‘ઝવેરી&ઝવેરી ડાયમંડ’ની બ્રાન્ડએમ્બેસેડર લાગતી હતી.
અસ્તિ માટે આમ પોતાની જાતને નવાજવું એ કઈ નવું ન હતું. શહેરના સૌથી ધનિક પરિવાર સાથે જોડાયેલી હોવાને લીધે તે હમેશા સામાજિક પ્રસંગો કે જાહેર સમારંભોમાં હાજરી આપતી વખતે પોતાની હાજરીની ગંભીરતાથી નોંધ લેવાય એ હેતુસર પોતાના ડ્રેસિંગ વિશે અત્યંગ સજાગ રહેતી. આમપણ ઝવેરી પરિવારની બધી જ ગૃહ્લક્ષ્મીઓને આ માટે જ ખાસ રંગ-રૂપ-કદના ક્રાઈટેરીયા નક્કી કરીને ચીવટપૂર્વક પસંદ કરવામાં આવી હતી અને બાદ આ માટે જાણે-અજાણે ટ્રેઈન્ડ પણ કરાઈ હતી.
છેલ્લા કેટલાક સમયથી ઝાકમઝોળમાં રહેવા ટેવાયેલી અસ્તીને સામાન્ય હોલમાં યોજાયેલ આ પ્રસંગ તથા સ્ટેજપર ઉભેલી સાધારણ પરિવેશમાં સજ્જ પોતાની બહેન પ્રાપ્તિ પણ ફિક્કી લાગી રહી હતી. ‘શું વિચારીને પ્રાપ્તિએ આના જોડે લગ્ન કર્યા હશે? તેની જોડે રહીને રોજબરોજ જોબ કરવા અને કમાયેલી સેલેરીથી પહેલા મકાન બાદ કાર અને બાળકોના એજ્યુકેશન માટે લીધેલી આવી અનેક લોનના ઈ.એમ.આઈ. ભરવા?’ તે વિચારી રહી, બાદ કશુક યાદ આવતા ‘આમ તો જે થયું એ સારું જ થયું, નહિ તો ખબર નહિ આજે હું ક્યાં હોત!’ મનોમન બોલીને તેણે પોતાના મનને વાળી લીધું. 
શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મધ્યમવર્ગીય ચંદ્રેશભાઈનો અમુલ્ય ખજાનો એટલે તેમની બે પુત્રીઓ ‘પ્રાપ્તિ’ અને ‘અસ્તિ’. બંને બહેનો દેખાવમાં સુંદરતાની મૂર્તિ સમી અત્યંત સોહામણી, ઉછેર સમાન હોવા છતાં પણ બંનેના શોખ અને દ્રષ્ટિકોણ તદ્દન ભિન્ન. પ્રાપ્તિ શ્રમ, સરળતા, સાદગી અને સામાજિક-આર્થિક સ્વાવલંબનની હિમાયતી. અને અસ્તિ તેનાથી બિલકુલ વિપરીત વિચારસરણી ધરાવતી છોકરી. 
તે સમયે શહેરના જાણીતા ડાયમન્ડ વેપારી શ્રીમાન ઝવેરીએ પોતાના પુત્ર ‘અહમ ઝવેરી’ માટે યોગ્ય કન્યા તરીકે ‘પ્રાપ્તિ’ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો. એન્જીનીયરીંગ કરેલી પ્રાપ્તિએ હાલમાં જ શરુ કરેલું એમ.બી.એ. પૂરું કરવાની ઈચ્છા દર્શાવી. જેના પ્રત્યુત્તરરૂપે શ્રીમાન ઝવેરીએ પોતાનો ટૂંકાક્ષરી સંદેશ મોકલાવ્યો કે ‘ઝવેરી પરિવારની આવતી અનેક પેઢીઓ સુધીની કુલવધુઓને ક્યાય નોકરી કરવાની જરૂર રહેતી નથી, તેઓની પર્સનલ કારનું મેન્ટેનન્સ અને શોફરનો પગાર મળીને  કોઈ સી.એ. ની સેલેરીની સમકક્ષ હોઈ છે.’ પ્રાપ્તિ તેમાં છુપાયેલી ‘એમ.બી.એ.ના સ્ટડી’ માટેની અસમંતિ સ્પષ્ટપણે જોઈ શકતી હતી.
“મોમાં સોનાની ચમચી લઈને જન્મેલા આ ઝવેરીઓ મારી આ સંઘર્ષની ફલશ્રુતિ સ્વરૂપે મળનારી સફળતા તથા સ્કીલનું મુલ્ય નહી સમજી શકે તો મારી સરળતા અને સાદગી કેમ સ્વીકારી શકશે? તેઓની વિચારસરણી સાચી હોઈ શકે પણ મને લાગે છે કે હું જ તેઓ માટે યોગ્ય નથી, તો આ વાત અહી જ અટકે તે શ્રેષ્ઠ રહેશે.” પોતાની દીકરીની સમજણ પર પૂર્ણ વિશ્વાસ ધરાવતા ચંદ્રેશભાઈ તેની સાથે સહમત થયા.
પ્રાપ્તિએ પોતાનું આ મંતવ્ય આપ્યા બાદ થોડાક જ દિવસોમાં બધું પૂર્વવત થઈ જવાનું હતું. પરંતુ તે સમયે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહેલી અસ્તીએ પોતાના મનમાં ખૂંચતી વાત પ્રાપ્તિને જણાવી, “છેલ્લા એક વર્ષથી તારા માટે કેટલા સારા સારા ઘરના છોકરાઓ માટે વાત આવી, પણ તું તો લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ચાલી જાય છે, મને લાગે છે કે આ સ્ટડીના ચક્કરમાં તારી આ લગ્નલાયક ઉમર જતી રહેશે, અને તારું તો ઠીક પણ મારું શું? તારી પહેલા મારા લગ્ન તો નહી જ લેવાય ને! મને લાગે છે કે હું પણ આમ જ ઘરડી થઈ જઈશ, કામવાળા અને રસોયાઓને ઓર્ડર આપતા આપતા મહેલ જેવા ઘરમાં રાજ કરી શકું તેવો ઘર અને વર મને મળવો મુશ્કેલ થઈ જશે.”
પ્રાપ્તિને લાગ્યું કે અસ્તિની વાત સાચી છે. આમ પણ પહેલેથી જ તેને કોઈ કરિયર બનાવવાને બદલે કે સ્વતંત્ર ઓળખ મેળવવાને બદલે એશ-આરામની જિંદગી વધુ આકર્ષિત કરતી હતી. આથી પ્રાપ્તિએ ખુબ માવજતથી ઝવેરીવાળી વાત પિતા સમક્ષ પુન: ખોલી અને આવડતપૂર્વક અસ્તિ તરફ વાળીને પોતાના મનના મનસુબા વ્યક્ત કરી પોતાના પિતાને અહં ઝવેરી માટે અસ્તિની વાત ચલાવવા મનાવ્યા. મધ્યસ્થી દ્વારા આ વાતને ઝવેરી સુધી પહોંચતી કરી. બાદ સૌએ “જોડીઓ તો સ્વર્ગમાં બને છે, હરિઈચ્છા બલિયસી” જેવા વાક્યોના અનુસંધાન ટાંકીને સર્વાનુમતિથી સગપણ નક્કી કર્યું અને ધામધુમથી અસ્તિ-અહંના લગ્ન લેવાયા.  
અસ્તિના લગ્નબાદ પ્રાપ્તિએ એમ.બી.એ. કર્યું. કેમ્પસ પ્લેસમેન્ટમાં જ તેને જોબ મળી ગઈ. જોબપ્લેસ પરનો તેનો એક કલીગ ‘પર્યાપ્ત’ તેનો ખાસ મિત્ર બની ગયો, પ્રણય સુધી વિસ્તરેલી તેની મિત્રતા આજે સવારે આર્યસમાજની લગ્નવિધિ દ્વારા જુજ લોકોની હાજરીમાં પરિણયમાં પ્રવેશી હતી.
‘પર્યાપ્ત’ વિશેના અભિપ્રાયમાં અસ્તિ સાચી હતી. સામાન્ય પરિવાર સાથે સંકળાયેલો સામાન્ય દેખાવ ધરાવતા આ છોકરામાં આકર્ષિત કરે તેવું કંઈ ખાસ નહોતું. છતાં પણ તેમાં કશુંક તો અસામાન્ય હતું જ, આફ્ટર ઓલ તે પ્રાપ્તિની પસંદ હતો. 
હોલમાં ઉપસ્થિત લગભગ બધા જ મહેમાનો હવે ભોજનને ન્યાય આપવા જઈ રહ્યા હતા. બધાના આશીર્વાદ-શુભેચ્છા થી અનુગ્રહિત નવયુગલ પણ હવે ભોજન લેવાની તૈયારીમાં હતું. અહંને અગત્યનું કામ હોવાથી તે શહેરની બહાર હોવાથી અહી અસ્તિ સાથે આવી શક્યો ન હતો. બધાના મુખેથી પ્રશંસાના બોલ સાંભળીને અસ્તિનો અહમ સંતુષ્ટ થયો હતો પણ પેટ તેના મુખમાં લાળરસ ઝરાવીને તેને કંઈક આરોગવાની સુચના ક્યારનુંય આપતું હતું. પ્લેટ લઈને તે આગળ ધપી અને વાનગીઓના રસથાળને જોઈ રહી. આમપણ તેને બધું જોઇને જ પોતાનું પેટ ભરવાનું હતું. છેલ્લા બે મહિનામાં વધેલા વજનને દુર કરવા તેના ડાયેટીશિયનએ આપેલી સૂચનાનું તેને સખત પાલન કરવાનું હતું. 
વજન વધવું કે ચહેરા પર કાળાશ- ઝાંય પડવાથી અસ્તિના જીવનમાં એક વિષમ ચક્ર શરુ થઈ જતું. હેવી વર્કઆઉટ, કોસ્મેટીક ટ્રીટમેન્ટ, ચુસ્ત પરેજીઓ તો તે પાળી લેતી પણ જ્યાં સુધી તે પેલા જેવી સુંદર ન થાય ત્યાં સુધી જાહેર સ્થળો- સમારંભોમાં તેને લઈને જવાનું ટાળવામાં આવતું. આ ઉપરાંત તે તેના પતિની ઉપેક્ષાનો પણ ભોગ બનતી. ફીટ એન્ડ ફાઈન રહેવું એ તેના માટે જીવન ટકાવવા જેટલુ જ અગત્યનું હતું. 
સૂપ અને સલાડથી ભરેલી પ્લેટ લઈને તે પોતાની બહેન-જીજુની સામે બેસી. એક થાળીમાં જમતા તે બંનેને જોઇને થોડા મજાકના સ્વરમાં તે બોલી, “કેમ જીજુ એક પ્લેટમાં જમો છો? એક પ્લેટના પૈસા બચાવવાનો વિચાર છે?”
પોતાની સાળીએ કરેલી મજાકને હળવાશથી લેતા પર્યાપ્ત બોલ્યો, “હા એ પણ, અને બીજું ઘણું બધું પણ. આજથી તારી બહેન મારી લાઈફપાર્ટનર બની છે તો મારી દરેક વસ્તુમાં મારે તેને પાર્ટનર બનાવવાની છે જેની ટેવ પાડું છું. અને લગ્નબાદ પણ આમ જ જમવું પડશે કેમકે તારી બહેનને ઓછી પ્લેટ ધોવી પડે એટલે એ એક જ પ્લેટ આપશે.”
તેને અવરોધતા પ્રાપ્તિ બોલી, “એમ..! તો તારે વાસણ ધોવામાં પણ પાર્ટનર બનવું પડશે.”
“અરે મેડમ, તમારા માટે તો કંઈ પણ.. તું મારી લાઈફમાં આવી એ જ મારા માટે મોટી વાત છે. ચલ હવે વાતો કરવામાં જમવાનું ન ભૂલી જા.” કહેતા કહેતા પર્યાપ્તે રસગુલ્લાનો એક મોટો ટુકડો પ્રાપ્તિને ખવડાવી દીધો. 
“પણ હું જાડી થઈ જઈશ’ 
“તો શું થયું, તો હું તને થોડો વધારે- તારા વજનના સમપ્રમાણમાં લવ કરીશ, ડોન્ટ વરી, હું તને લવ કરું છું માત્ર તારા શરીરને જ નહિ, તારી સારપ, સમજણ અને સરળતા મને તારી તરફ આકર્ષિત કરી રાખવા માટે પૂરતા છે” પર્યાપ્ત બોલ્યો.
બાદ અસ્તિ તરફ જોઇને ઉમેર્યું, “સાચે જ અસ્તિ, હું ખુબ જ નસીબદાર છું કે મને તારી આ બહેન લાઈફપાર્ટનરરૂપે મળી. તેની આવડત માવજત અને સમજણ મને દરરોજ તેના પ્રેમમાં પડવા અને તેના માટે કઈ પણ કરી છૂટવા પ્રેરે છે. હું મારા જીવનની દરેક સવાર તેની સાથે ઉગતી જોવા માંગું છું એટલે એક દિવસ માટે પણ ક્યાય પણ જવાનું હોય તો પણ તેને સાથે લઇ જવા હું ઈચ્છું. સી ઇસ જસ્ટ ધી અમેઝિંગ ગર્લ.” 
  અસ્તિ ઘડીભર પોતાની પ્લેટને તો ઘડીક એકબીજાને વખાણતા અને એકબીજામાં ઓતપ્રોત થતા આ યુગલને જોઈ રહી, કરોડના હીરા ડોકમાં પહેર્યા હોવા છતાં તે તેને ખાઈને પેટ ભરી શકતી નહોતી, અને જેનાથી તેનું પેટ ભરાય એ ખાઈ નહોતી શકતી. તેનું હૃદય આજે બળવો પોકારી રહ્યું. તેઓ કદાચ અડધી કમાણી લોન ભરવામાં કાઢશે, અબ્રોડ ફરવા નહી જઈ શકે, મોંઘા બંગલા-ગાડી નહી ખરીદી શકે. પણ એકબીજાને સંપૂર્ણપણે સ્વીકારીને તેઓ એકબીજાને કમાયા છે, દિલ ખોલીને કરેલા હાસ્ય- મસ્તીથી તેઓ અબ્રોડના લોકેશનની મજા તેના ટી-ટેબલ પર લાવ્યા છે. લોન ચૂકવીને સંપૂર્ણપણે પોતાના થયેલા ઘર-કારમાં તેઓ ભાગીદારીથી બંધાવેલા તાજમહાલ જેવી ગૌરવતા લાવ્યા છે. 
તેના મને આજે તેનો વૈભવ-સુખ ગણાવવાનું શરુ કર્યું. કિમતી આભૂષણો-કપડા, આલીશાન બંગલો- ગાડી, લીસ્ટ ઘણું લાંબુ હતું, પરંતુ કેટલીક જીવનજરૂરી ચીજવસ્તુઓની કમી હતી, બિનશરતી પ્રેમ, હુંફ, સાંત્વન, લાગણી, અનાયાસ આવેલું હાસ્ય. બીઝનેસડીલ કે અન્ય કામો માટે અવારનવાર બહાર રહેતા અહંને અસ્તિને સાથે લઈ જવું કે કોઈ બાબતમાં તેનો અભિપ્રાય લેવાનું પસંદ નહોતું તો અસ્તિ કે અન્ય સમક્ષ તેને આજસુધી કોઈ દિવસ અસ્તિની પ્રશંસા કરી ન હતી. અસ્તિ તેના માટે એક દોસ્ત નહિ પણ ડીવીડેંટ ફંડ હતી. બંને પૈસાનો ભરપુર ઉપયોગ કરીને પોતપોતાના શોખ-ઈચ્છા મુજબની બહારથી ઝાકમઝોળ ભરેલી ઝીંદગી જીવતા હતા. 
અસ્તિ અને પ્રાપ્તિ, બંનેની પોતપોતાની પસંદગી સાચી જ હતી. પણ દરેકની પસંદના બે પાસા હતા. “શું મેળવીને શું ગુમાવવું” એ તેમની પોતપોતાની સમજણ અને પસંદ હતી. 
અસ્તિએ સમુદ્રની વિશાળતા પસંદ કરી હતી. વિપુલતા-ભવ્યતા ની વચ્ચે પણ તે એક સુંદર માછલી બનીને રહી ગઈ હતી જે ખારું પાણી પીને તૃપ્ત પણ ના થઈ શકે અને સમુદ્રની બહાર પણ ન રહી શકે. અનેક પ્રચુરતાની સાથે આ તૃષ્ણા લઈને તેને જીવવાનું હતું. આ જ તેનું અસ્તિત્વ હતું જે તેણે મહદઅંશે  સ્વીકાર્ય હતું.
પ્રાપ્તિએ સમુદ્રની વિશાળતાને બદલે એક મીઠું ઝરણું પસંદ કર્યું હતું,  જેની સાથે હસી શકાય, રમી શકાય, રડી પણ શકાય. પણ માર્ગમાં વહેવાની સાથે અથાગ પરિશ્રમ અને સંઘર્ષો પણ આવવાના હતા. ક્યારેક પહાડો પરથી નીચે પડવાનું તો ક્યાંક શાંત વહેવાનું. ક્યારેક ખીલેલા વાસંતિક ઉપવનની વચ્ચે પસાર થઈને સુવાસિત જળથી મહાલવાનું. સતતનું સંતુલિત જળ ન હતું પણ સાથ-સહકાર, સમજણ, સન્માન હતું, સ્નેહનું શાશ્વત સાનિધ્ય હતું. પ્રાપ્તિને સુખેથી જીવવા માટે આટલું પર્યાપ્ત હતું.