Technologino vidhyarthi jivanma upyog - 3 in Gujarati Human Science by Goyani Zankrut books and stories PDF | ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 3

Featured Books
Categories
Share

ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 3

એસેસરીઝ

એસેસરીઝ એટલે એવી વસ્તુઓ કે જે તમારા સાધનની રક્ષા, કાર્યક્ષમતા અને બીજી આડકતરી રીતે મદદરૂપ થશે. એક વ્યવહારુ ઉદાહરણ આપું તો આપણે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર ગાડીઓણે ઢાંકવાના કવર લેતા હોઈએ છીએ, કેમ? ગાડીને તડકાથી અને બાળકો તેને હાની ના પહોચાડે તેમજ તેના પર ધુળ ના લાગે એટલા માટે. આ ઢાંકવાનું કવર એ એક પ્રેકારની એસેસરીઝ જ છે. આવી કેટલીક ઉપયોગી એસેસરીઝ વિશે હું તમને અહી જણાવીશ.

સ્માર્ટફોન માટેની એસેસરીઝ

હવે આપણે બધા સ્માર્ટફોન તો વાપરતા જ હોઈએ છીએ અને તેની એસેસરીઝ પણ આપણે જાણીએ જ છીએ તો હું તમને અહી બોર ના કરતાં ફક્ત તેના નામ જ આપું છું.

૧. રક્ષણ માટે કવર

૨. ઈયરફોન/હેડફોન

૩. સ્ટાઇલસ (જો સપોર્ટ કરતી હોઈ તો)

૪. કેમેરા લેન્સ કીટ (જો કે હવે મારા ખ્યાલ મુજબ જરૂર નથી કેમ કે બજેટ સ્માર્ટફોનના કેમેરા પણ સારું રીઝલ્ટ આપે છે)

૫. પાવરબેંક (૧૦૦૦૦ એમએએચ સુધીની, વધારે કેપેસીટીવાળી પાવરબેંકનો વાજણ પણ વધુ હોય છે જે સાચવામાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે)

૬. સ્ક્રીન ગાર્ડ

ટેબ્લેટ માટેની એસેસરીઝ

ટેબ્લેટ માટે ઘણી એસેસરીઝ બજારમાં ઉપલબ્ધ છે અને તેની ઘણી એસેસરીઝ સ્માર્ટફોનની એસેસરીઝ સાથે સામ્યતા ધરાવે છે. ટેબ્લેટ માટે ઉપયોગી એસેસરીઝ નીચે મુજબ છે.

  • રક્ષણ માટે કવર
  • ટેબ્લેટમાં ઘણા પ્રકારના કવર આવે છે, પરંતુ તે બધામાં અલગ અલગ રીતે ટેબ્લેટને ગોઠવી શકાય તે પ્રકારનું કવર ઘણું જ ઉપયોગી થશે. જેના દ્વારા ટેબ્લેટને ઉપયોગમાં લેવું સરળ બનશે તેમજ તમારૂ કામ ઝડપથી થશે. આ ઉપરાંત તમે આ કવરનો ઉપયોગ ઘણા કામોમાં પણ કરી શકશો. આ કવરમાં તમે તમારી સ્ટાઇલસ પેન, કાર્ડ્સ વગેરેને સાચવી શકશો. આ પ્રકારના કવર રક્ષણનું કાર્ય તો કરશે જ પરંતુ તે એક પ્રકારના બેગ તરીકે પણ કામ કરી શકાશે.

  • સ્ટાઇલસ પેન
  • સ્ટાઇલસ પેન એ ટેબ્લેટ માટે ખુબ જ જરૂરી અને વિદ્યાર્થી માટે ખુબ જ ઉપયોગી એસેસરી છે. જો તમારી પાસે કવર અને સ્ટાઇલસ પેન હોય એટલે તમે તમારા ટેબ્લેટનો ખુબ જ સારી રીતે ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થીઓ ઘણા અભ્યાસ માટેના પુસ્તકો વાંચતા હોય છે અને તેમાંથી (નોટ્સ) બનાવતા હોય છે, આ નોટ્સ મોટાભાગે હાથે લખેલી હોય છે અને મોટાભાગે એક વિદ્યાર્થી નોટ બનાવે અને બીજા તેમાંથી કોપી (આપણે તેને ઝેરોક્ષ કહીએ છીએ) કરાવતા હોય છે. આ બધામાં ઘણી વખત જેણે નોટ બનાવી હોય તેની નોટ એ ખોવાઈ પણ જતી હોય છે. જો આ નોટ્સ ટેબ્લેટમાં બનાવેલી હોય તો તેને ટેબ્લેટમાં તેમજ કલાઉડમાં સ્ટોર કરી શકાતી હોય છે જેને સરળતાથી શેર પણ કરી શકાતી હોય છે અને ખોવાઈ જવાનો ભય પણ રહેતો નથી.

  • બ્લુટુથ કીબોર્ડ અને માઉસ
  • ટેબ્લેટ મોટાભાગે બ્લુટુથ કીબોર્ડ અને માઉસ જોડે કનેક્ટ થઇ શકતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ ટેબ્લેટ અને લેપટોપ ખરીદી શકતા નથી તો તેમના માટે આ એક ખુબ જ ઉપયોગી એસેસરીઝ છે. બ્લુટુથ કીબોર્ડ અને માઉસનો ઉપયોગ દ્વારા તમે ટેબ્લેટનો ઉપયોગ એક લેપટોપ તરીકે પણ કરી શકો છો. કીબોર્ડ દ્વારા તમે ટાઈપ કરી શકો છો જે લાંબા ટાઈપીંગ કામોમાં ઉપયોગી થઇ શકે છે અને બિલ્ટ-ઇન ટચ કીબોર્ડ કરતાં ઝડપથી કામ પૂર્ણ કરી શકાય છે.

    બ્લુટુથ માઉસ ટેબ્લેટ સાથે કનેક્ટ થતા ટેબ્લેટમાં માઉસ પોઈન્ટરમાં આવી જાય છે અને તેના દ્વારા તમે કમ્યુટરની જેમ ટેબ્લેટનો ઉપયોગ કરી શકાય છે.

  • ઈયરફોન
  • ઈયરફોનની જરૂરિયાત ટેબ્લેટના ઉપયોગ લગભગ હોતી નથી, કારણ કે ટેબ્લેટમાં એક કરતાં વધુ સ્પીકર હોય છે અને તેનું આઉટપુટ પણ સ્માર્ટફોનની સરખામણીમાં ઘણું સારું હોય છે. હળવા ઘોંઘાટવાળા પર્યાવરણમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. ઈયરફોનની જરૂરિયાત વિદ્યાર્થી માટે જરૂરી બને છે કારણ કે ઘોંઘાટ ક્યારે થાય એ નક્કી નથી હોતું અને જો વિદ્યાર્થી ઓડિયો બુક સંભાળતો હોય તો જ તેનો ઉપયોગ જરૂરી છે. એટલે હું ઈયરફોન/હેડફોન ટેબ્લેટ માટે સૂચવતો નથી.

  • બેગ
  • મોટી સાઈઝના ટેબ્લેટને હાથમાં લઈને હેરફેર કરવા ખુબ જ મુશ્કેલ હોય છે, જેથી તેના માટે એક બેગ હોઈ તો ઘણી સરળ રીતે તેની હેરફેર કરી શકાય છે, હાલમાં બજારમાં મળતા ચાર્જીગ બેગનો ઉપયોગ કરી શકાય. આ બેગ ફકત ઇલેક્ટ્રોનીક્સ સાધનો માટે જ ડીઝાઇન કરવામાં આવ્યા છે. આ બેગમાં અલગ અલગ ખાનાઓ હોય છે, જેમાં અલગ અલગ એસેસરીઝ સરળતાથી ગોઠવી શકાય છે. આ ઉપરાંત આ બેગની ચેઈન છુપાયેલી હોઈ છે જેના લીધે, જ્યાં સુધી બેગ ખભા હોઈ ત્યાં સુધી બેગમાંથી સામાન ચોરી થવાનો ભય રહેતો નથી.

  • પાવરબેંક
  • પાવરબેંકની જરૂરિયાત સામાન્ય રીતે ટેબ્લેટમાં હોતી નથી કારણ કે ટેબ્લેટની બેટરી ક્ષમતા સ્માર્ટફોનની સરખામણીમાં ઘણી વધારે હોય છે. જેથી તેનો એકધારો ૮-૯ કલાક ઉપયોગ કરી શકાય છે (સ્ક્રીન મોટી હોવા છતાં પણ સ્માર્ટફોનની સરખામણીમાં ૩-૪ કલાક વધુ ઉપયોગ કરી શકાય).

    લેપટોપ માટેની એસેસરીઝ

  • બેગ
  • લેપટોપને વિદ્યાર્થીઓ કોલેજ પણ લઇ જઈ શકતા હોય છે. જેના માટે લેપટોપ સમાઈ શકે તેવી બેગ હોવી જરૂરી છે. હાલના સમયમાં મળતી ચાર્જીંગ બેગ તેના માટે ખુબ જ ઉપયોગી છે. આ બેગમાં લેપટોપ, પાવરબેંક, ઈયરફોન, હેડફોન, ચાર્જર, હાર્ડડિસ્ક, માઉસ વગેરે એસેસરીઝ માટેના અલગ અલગ પોકેટસ હોય છે. આ ઉપરાંત આ બેગની બહારની બાજુએ યુએસબી પોર્ટ હોય છે જેને અંદરની બાજુએથી પાવરબેંક સાથે જોડાયેલ હોય છે અને બહારની બાજુએ મોબાઈલ/ટેબ્લેટ સાથે યુએસબી કેબલથી જોડી ચાર્જ કરી શકાય છે.

  • યુએસબી વાઈ-ફાઈ એડેપ્ટર
  • ઘણી વખત લેપટોપ બરાબર ચાલતું હોય છે પરંતુ તેના વાઈ-ફાઈ હાર્ડવેરમાં ખરાબી આવતા વાઈ-ફાઈનો ઉપયોગ કરી શકતો નથી. જેના ઉપાય તરીકે આ એડેપ્ટરનો ઉપયોગ કરી શકાય છે. આ એડેપ્ટર બજારમાં રૂ.૩૦૦થી રૂ.૮૦૦ની વચ્ચે અલગ અપલોડ અને ડાઉનલોડ સ્પિડની ક્ષમતાવાળા સરળતાથી મળી રહે છે. જેથી નવું લેપટોપ ખરીદવાની જરૂર રહેતી નથી.

  • યુએસબી કુલીંગ ડેસ્ક
  • ઘણી વખત લેપટોપમાં ઓવરહિટીંગનો પ્રોબ્લેમ આવતો હોઈ છે. આ પ્રોબ્લેમને લેપટોપના સીપીયુ ફેનની સફાઈ દ્વારા મોટાભાગે નિવારી શકાતો હોય છે. આ પ્રોબ્લેમના લાંબા સમયના નિવારણ માટે લેપટોપનો ઉપયોગ ટેબલ/સખત લીસી સપાટી પર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. મોટાભાગે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોઈ છે જેઓ લેપટોપનો ઉપયોગ મોટાભાગે પલંગ પર કરતાં હોઈ છે જેના કારણે હિટીંગના પ્રોબ્લેમ આવતા હોઈ છે. જેના નિવારણ માટે યુએસબી કુલીંગ ડેસ્ક ખુબ જ ઉપયોગી થાય છે. જે લેપટોપના યુએસબી પોર્ટ દ્વારા પાવર મેળવી લેપટોપને ઠંડુ રાખે છે. આ કુલીંગ ડેસ્ક પર બેથી ત્રણ યુએસબી પોર્ટ આવેલા હોય છે જેનો ઉપયોગ અલગ અલગ યુએસબી ડિવાઈસણે લેપટોપ સાથે કનેક્ટ કરી શકાય છે.

  • એક્સટર્નલ/યુએસબી હાર્ડ ડિસ્ક
  • ક્મ્પ્યુટરમાં સ્ટોર કરેલા મહત્વના ડેટાનો બેકઅપ લેવા માટે એક્સટર્નલ/યુએસબી હાર્ડ ડિસ્કની જરૂરિયાત ખુબ જ વધી જાય છે. ઘણી વખત કમ્પ્યુટરમાં કોઈ ખરાબી સર્જાતા ડેટા પાછો મેળવી શકતો નથી. તેથી સમયસર યુએસબી હાર્ડ ડિસ્કમાં લેવો ખુબ જ જરૂરી છે. પરંપરાગત વધુ ડેટા સંગ્રહ ક્ષમતા ધરાવતી હાર્ડ ડિસ્ક લેવાના બદલે તેટલી જ કિંમતમાં મળતી સોલીડ સ્ટેટ ડિસ્ક (SSD) લેવાનો આગ્રહ રાખવો જોઈએ. SSDમાં કોઈ મુવિંગ પાર્ટ્સ ના હોવાના લીધે તેનું આયુષ્ય ઘણું વઘારે હોય છે તેમજ તેની ડેટા સ્ટોર કરવાની ઝડપ ઘણી વધુ હોય છે. તેથી મુવીઝ, ગીતો વગેરેનો સંગ્રહ ન કરતાં SSD વસાવી તેમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ, પીડીએફ, સોફ્ટવેર વગેરેનો સંગ્રહ કરવો જોઈએ.

  • પેન ડ્રાઈવ
  • જેમ જેમ ટેકનોલોજીમાં સંશોધનો થતા ગયા તેમ તેમ ડેટા સ્ટોરેજ માટે ઘણા વિકલ્પો મળતા ગયા. હાલમાં પેન ડ્રાઈવ એક મહત્વનું ડેટા સ્ટોરેજ અને ડેટા ટ્રાન્સફર માટેનું હાથવગું સાધન છે. પેન ડ્રાઈવ હાલમાં ૪જીબી થી લઈને ૨૫૬જીબી સુધીની સ્ટોરેજ ક્ષમતા ધરાવતી બજારમાં મળે છે. હું એક વિદ્યાર્થી તરીકે એક વિદ્યાર્થીને ૩૨જીબી સ્ટોરેજ ધરાવતી પેન ડ્રાઈવ લેવાની સલાહ આપીશ. વિદ્યાર્થીઓને સોફ્ટવેર, ફોટાઓ, અભ્યાસ માટેનું મટીરીયલ વગેરે બીજા વિદ્યાર્થીઓ અને શિક્ષકો – પ્રાધ્યાપકો પાસેથી લેવા માટે પેન ડ્રાઈવ ખુબ જ ઉપયોગી બને છે. પેન ડ્રાઈવ સાઈઝમાં હળવી, સસ્તી, વધુ સ્ટોરેજ ક્ષમતા ધરાવતી, સરળતાથી હેરફેર કરી શકાય તેવું સાધન છે.

  • યુએસબી કીબોર્ડ લેમ્પ
  • યુએસબી કીબોર્ડ લેમ્પ હોસ્ટેલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. હોસ્ટેલમાં રૂમ બે/ત્રણ વિદ્યાર્થીઓ રહેતા હોય છે અને તેમની સુવાની આદતો અલગ અલગ હોઈ છે. ઘણા રૂમમાં ટ્યુબલાઈટ ચાલુ હોય ત્યાં સુધી સુઈ શકતા નથી તો ઘણા વિદ્યાર્થીઓને મોડી રાત સુધી લેપટોપ પર કામ કરવાની ટેવ હોય છે. મોડી રાત સુધી લેપટોપ પર કામ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે આ યુએસબી કીબોર્ડ લેમ્પ ખુબ જ ઉપયોગી બને છે. જેને તમેં લેપટોપના યુસેબી પોર્ટ સાથે કનેક્ટ કરતાં તે પ્રકાશ આપવાનું શરુ કરે છે અને તેને યુસેબી પોર્ટમાંથી બહાર કાઢતા તે પ્રકાશ આપવાનું બંધ કરે છે. આ ઉપરાંત તેને તમે તમારી જરૂરિયાત મુજબ ગોઠવી શકો છો.

  • માઉસ
  • ઘણા વખત લેપટોપના ટચપેડના ગેસ્ચર ખબર ના હોવાથી વિદ્યાર્થીઓને કામ કરવામાં ખુબ જ મુશ્કેલીઓ આવતી હોય છે. તે સમયે એક્સ્ટર્નલ માઉસ ઉપયોગી થાય છે. બજારમાં યુએસબી અને વાયરલેસ એમ બે પ્રકારના માઉસ મળતા હોય છે. જેથી તમારી જરૂરીયાતને સમજી યોગ્ય માઉસની પસંદગી કરવી જોઈએ. આ માઉસનો ઉપયોગ લેપટોપનું ટચપેડ ખરાબ થાય ત્યારે પણ કરી શકાય છે અને લેપટોપ બદલવાની જરૂરિયાત રહેતી નથી.

    મને જે એસેસરીઝ જરૂરી લાગી તે એસેસરીઝનું મેં અહી વર્ણન કર્યું છે. આ સિવાય ઘણી એસેસરીઝ બજારમાં ઉપલબ્ધ છે જેનો ઉપયોગ તમે તમારી જરૂરિયાત મુજબ કરી શકો છે. મેં અહી જે એસેસરીઝ બતાવી છે એક વિદ્યાર્થી તરીકે જે ઉપયોગી બને તેવી છે એજ બતાવી છે બાકી આ સિવાય પણ ઘણી એસેસરીઝ પણ આવે છે જેનો ઉપયોગ ખુબ જ ઓછો થાય છે અને મારા ખ્યાલથી તે બહુ જરૂરી પણ નથી. જેમ કે ડીજીટલ પેડ(ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવતી વખતે જેના પર આપણે સહી કરીએ છીએ તે), જેને કમ્પ્યુટર જોડે કનેકટ કરીને હાથથી લખી કમ્પ્યુટર પર સ્ટોર કરી શકાય છે.

    સાધનોની વાત અહી પૂર્ણ થઇ હવે આપણે આગળ કમ્યુટરનો એક વિદ્યાર્થી ગેમ રમવા, મુવી જોવા, ગીતો સંભાળવા સિવાય કેવી રીતે કરી શકે તેના વિશે વાત કરીશું.