Dampatyma baadbaki ke bhagakaar in Gujarati Philosophy by Ravi bhatt books and stories PDF | દાંપત્યમાં બાદબાકી કે ભાગાકાર થાય ત્યારે શેષ કશું નથી વધુતું...

Featured Books
Categories
Share

દાંપત્યમાં બાદબાકી કે ભાગાકાર થાય ત્યારે શેષ કશું નથી વધુતું...

દાંપત્યમાં બાદબાકી કે ભાગાકાર થાય ત્યારે શેષ કશું નથી વધુતું...

કૈસૈ કહ દું કિ મુઝે છોડી દિયા હૈ ઉસ ને

બાત તો સચ હૈ મગર બાત હૈ રુસ્વાઈ કી

કાવ્યાને સતત એવી ફરિયાદ રહેતી કે, માનવ મારું ધ્યાન નથી રાખતો. તેને મારી લાગણીઓની કાંઈ પડી જ નથી. તેને તો માત્ર લગ્ન કરવામાં રસ હતો અને હવે પોતાની રીતે પોતાની જિંદગી જીવે છે. તેનામાં લાગણી જેવું કશું રહ્યું જ નથી. એ જ રોજિંદો ક્રમ, સવારે તૈયાર થવાનું, નાસ્તો કરીને ટિફીન લઈને ઓફિસ જવાનું, સાંજે પાછા આવીને જમવાનું ન મળે ત્યાં સુધી ટીવી જોવાનું. જમીને સુઈ જવાનું. અઠવાડિયે પંદર દિવસે એકાદવાર સેક્સ માણવાનું. માત્ર ઈચ્છાઓના શમન માટે સહવાસ માણતો હોય તેમ આવીને ચાલ્યા જવાનું. કાવ્યા આ જિંદગીથી કંટાળી ગઈ હતી. તેને આંમાથી બહાર આવવું હતું. તે કોઈક રીતે રસ્તો શોધતી હતી કે તેની આ નિરસ જિંદગીમાં કંઈક નવું થાય.

આ વાત માત્ર કાવ્યા નથી. દાંપત્યનો દાયકો વિતાવી ચૂકેલા ઘણા દંપતીઓ આવી ફરિયાદ કરતા હોય છે. લગ્ન કર્યા છતાં એકાકી હોવાની તેમની લાગણી હોય છે. તેમને સતત એમ લાગ્યા કરતું હોય છે કે, મારા પતિએ અથવા તો મારી પત્નીએ તેના જીવનમાંથી મારી બાદબાકી કરી નાખી છે. મારી લાગણીઓ અને મારી ઈચ્છાઓના સતત ભાગાકાર થતા રહે છે. લગ્નના આ સંબંધના સમીકરણ કોઈપણ રીતે ગોઠવાતા નથી.

આપણા જ જીવનસાથી જ્યારે આપણી બાદબાકી કરી નાખે ત્યારે સ્થિતિ અત્યંત વિકટ હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે આ સ્થિતિ વધારે ગંભીર બનતી હોય છે. એક જ ઘરમાં રહેવાનું, સાથે બેસીને જમવાનું, એક જ બેડ પર સુઈ જવાનું, સેક્સ માણવાનું પણ લાગણી વગરનું, સંવેદના વગરનું, એક જ ટીવી સાથે રહીને જોવાનું, એક જ સંતાનના મા-બાપ તરીકે રહેવાનું... અને છતાં એકલતા અનુભવવાની. તમે વાત કરો પણ તેમાં ક્યાંય લાગણીની ભીનાશ ન હોય, તમે વાત કરો પણ તેમાં સંવાદ કરતા ઔપચારિકતા વધારે હોય. તમે સાથે જ એક જ છત નીચે જીવો છતાં તેમાં જિંદગીનો અનુભવ ન હોય તો પછી આ જિંદગી શું કામની. વાત સાચી છે પણ આપણે આ સ્થિતિનો ઉકેલ લાવવા માટે સંપૂર્ણ રીતે સક્રિય થતા નથી.

વ્યક્તિ સાવ એકલી હોય અને એવો અનુભવ થાય તે સ્વાભાવિક છે પણ પોતાનાઓની વચ્ચે રહીને એકલતાનો અનુભવ થાય તે વધારે ગંભીર હોય છે. મોટાભાગે લોકો એમ વિચારતા હોય છે કે, લગ્ન કરવાથી તમામ પ્રકારના એકાંતને ખાળી શકાશે. વાત સો ટકા સાચી છે પણ જો લગ્ન પછી જીવનમાં એકલતા પ્રવેશે ત્યારે વ્યક્તિ સાવ નિઃસહાય થઈ જાય છે.

આપણા સમાજમાં બીજી સમસ્યા એ છે કે, જે બે લોકોને તકલીફ હોય તેઓ સીધી રીતે કે સામસામે બેસીને વાત કરતા જ નથી હોતા. તેઓ બીજાની સલાહ લે છે અને બીજાના માધ્યમથી પોતાની સમસ્યાઓની આપ-લે કરતા હોય છે. દાંપત્યમાં સમસ્યા છે, વિખવાદ છે, મતભેદ છે તો તેનો ઉકેલ પતિ અને પત્ની સિવાય અન્ય કોઈ સારી રીતે લાવી શકે જ નહીં. આપણે ત્યાં સમસ્યા એ છે કે, સ્ત્રીને કાયમ સહન કરતા શીખવવામાં આવે છે. તે ક્યારેય પોતાની ફરિયાદો વિશે કોઈને કશું કહેતી જ નથી. તેને સમસ્યા હોય તો સતત મનમાં ધરબી રાખે છે. સ્ત્રીઓને મુક્ત મને પુરુષ સાથે વાત કરવાનું શીખવવામાં આવતું જ નથી. આમન્યાના નામે સહન કરતા શીખવવામાં આવે છે જે સુખી અને સફળ દાંપત્ય માટે જોખમી છે. ખરેખર જો મારે સમસ્યા છે તો પછી તેનું નિવારણ મારે જ લાવવું પડશે તેવી માનસિકતા આપણે કેળવવી જ પડશે.

એકલતાની જ્યારે પણ વાત આવે છે ત્યારે તેના ખુલાસા બહુ મોડા મોડા થતા હોય છે. મોટાભાગે લગ્નના બે-ત્રણ દાયકા બાદ નિવૃત્તિની કગારે પહોંચેલા દંપતીઓ આ વાતો કરતા હોય છે. ખાસ કરીને આધેડ ઉંમરે પહોંચલા આવેલી સ્ત્રીઓને આ તકલીફ વધારે નડતી હોય છે. બીજી તરફ સતત વ્યસ્ત રહેતા લોકોમાં આ સમસ્યા કદાચ વહેલી આકાર પામે છે જેવી કાવ્યાના જીવનમાં બની. આની પાછળ સામેની વ્યક્તિ કરતા આપણે પોતે પણ જવાબદાર હોઈએ તેવું બની શકે. આપણે સામેની વ્યક્તિનો દોષ જોવા કરતા કે સમસ્યા જોવા કરતા તેનો ઉકેલ કેવી રીતે આવે તે જોઈશું તો વધારે સારી રીતે જીવી શકીશું.

દાંપત્યમાં જન્મ લેતી આ એકલતા કેન્સર જેવી છે. તે ધીમે ધીમે તમારી અંદર રહેલી લાગણીઓને કોરી ખાય છે. તમને પહેલા સ્ટેજમાં ખ્યાલ આવી જાય તો ઠીક છે બાકી મોટાભાગે લાસ્ટ સ્ટેજ પર જ તેની જાણ થતી હોય છે. આ સમયે બહુ જ મોડું થઈ ગયું હોય છે. આ સમયે સારવાર કરવાની તૈયારી કરીએ તો પણ ખાસ કોઈ ફરક પડતો નથી. ગમે તેટલી સંવેદનાઓની દવાઓ કે પછી બાહ્ય મદદની કિમોથેરાપી આ દાંપત્યને લાંબું ટકાવી શકતી નથી. આ સમયે ઓપરેશન પણ થાય તેવું નથી હોતું. શરીર હોય તો અંગ દાન દ્વારા કંઈક બદલી શકાય, પણ લાગણીઓમાં જ ખોટ હોય ત્યાં શું બદલવું.

સમયાંતરે પોતાના સંબંધોની ચકાસણી કરતા રહેવું પડે છે. દાંપત્યનું સમયાંતરે સ્કેનિંગ કરતા રહેવું પડે છે. જો ક્યાંય પણ રોગના લક્ષણો દેખાય તો તેનો તાત્કાલિક નિકાલ કરવો પડે છે. લાગણીઓની સારવારમાં સહેજ પણ ચૂક થાય તો રોગ તરત જ ઘર કરી જાય છે. ત્યાર પછી એકલતા, કંટાળો, પીડા, દુઃખ બધું જ ધીમે ધીમે સમગ્ર સંબંધે કોરી ખાવાનું શરૂ કરે છે. દાંપત્યમાં જો જીવનસાથી જ આપણી બાદબાકી શરૂ કરી દે અને ઉષ્માભરી લાગણીઓનો ભાગાકાર થવા લાગે ત્યારે જીવનમાં પાછળ કશું જ શેષ રહેતું નથી. અલગ થઈને સમીકરણ સરખું થઈ જાય છે પણ તાળો મેળવવા બેસીએ ત્યારે લાગે કે સાલું બધું જ ગુમાવી દીધું છે.