Mistari - Ek Rahashy - 1 in Gujarati Short Stories by Dr Sagar Ajmeri books and stories PDF | મીસ્ટરી - એક રહસ્ય

Featured Books
Categories
Share

મીસ્ટરી - એક રહસ્ય

મીસ્ટરી : એક રહસ્ય

હજુ ગઈ કાલે જ નવા ઘરમાં રહેવા આવેલા સ્નેહા અને સોહમ પોતાના દામ્પત્ય જીવનની દરેક પળ ખૂબ ખુશીથી જીવી રહ્યા હતા. સવાર થતાં જ સોહમ ઓફિસે જવા નીકળ્યો, ત્યારે પાછળ સ્નેહા નવા ઘરને વધુ સજાવવા લાગી ગઈ. હજુ તો સોહમ ઘરેથી નીકળ્યો કે સ્નેહા તેના પાછા આવવાની રાહ જોવા લાગી. સોહમને સૌથી વધુ પ્રિય એવા સ્નેહાના ઘૂંટણ સુધી પહોંચતા લાંબા વાળને સ્નેહા ગાર્ડનના હિંચકા પર બેસી ઓળી રહી હતી ત્યાં ઘરમાં કંઇક ખખડવાનો અવાજ થયો. સ્નેહાને લાગ્યું ઘરમાં કદાચ બિલાડી આવી હશે.! તેણે રામુકાકાને બૂમ પાડી. ઘરમાં ક્યાંય કોઇ બિલાડી મળી નહીં. સાંજે સોહમ આવતા બંને ફરી પ્રેમમય બની સાથે દરેક પળ માણતા રહ્યા.

મોડી રાત્રે સ્નેહાને કોઇના રડવાનો ધીમો ધીમો અવાજ આવતા તેની આંખ ઉઘડી ગઈ. તે બેડરૂમમાંથી બહાર આવી રડવાનો અવાજ ક્યાંથી આવે છે તે જોવા દરેક રૂમમાં ફરી વળી, પણ ક્યાંય કોઇ દેખાયું નહીં. હવે સ્નેહાને જરા બીક લાગવા લાગી, છતાં તે હિંમત કરી ઘરના ગાર્ડન તરફ આગળ વધી. ગાર્ડનમાં ક્યાંયથી ધુમાડો આવતાં બહારની લાઇટનું અજવાળું ઝાંખુ લાગતું હતું. સ્નેહાએ વિચાર્યું કદાચ ઠંડીને કારણે ક્યાંય કોઇએ તાપણી કરી હશે તેનો ધુમાડો ગાર્ડનમાં આવતો હશે. બહાર ઠંડીને કારણે સ્નેહાએ પહેરેલ કોટમાં પોતાના હાથ ઢાંક્યા. તે અવાજની દિશામાં આગળ વધી. તેને ધુમાડાથી થયેલા ઝાંખા પ્રકાશમાં ગાર્ડનના ખૂણામાં કોઇ સફેદ સાડી પહેરેલ કોઇ સ્ત્રી જેવું દેખાયું. પહેલા તો સ્નેહા ધ્રુજી ઊઠી, પણ એક શિક્ષિત મોર્ડન યુવતી આવા અંધવિશ્વાસમાં ના માને તે વિચારી તે હિંમતભેર આગળ વધી. તેણે દૂરથી પેલી સ્ત્રીને બૂમ પાડી, “કોણ છે ત્યાં..?” અચાનક પાછળ ઘરમાં કંઇક ખખડાટ થતાં સ્નેહા પાછળ ફરીએ ઘર તરફ જુએ છે. સ્નેહા જેવી ફરી પેલી સ્ત્રી તરફ જોવા કરે છે તો તેના આશ્ચર્ય સાથે ત્યાં કોઇ જ દેખાતું નથી..! હવે સ્નેહા બીકથી ઘરમાં દોડી જાય છે.

ઘરમાં જતાં જ તે સોહમને ઊઠાડી બધી વાત કરે છે. સોહમ તેની વાત સાંભળી ગાર્ડનમાં જાય છે પણ ગાર્ડનમાં કોઇ જ ના જોવા મળ્યું. આ બાબતે તે અને વૉચમેનને પણ પૂછે છે, પરંતુ વૉચમેન પણ તેણે કોઇને ગાર્ડન આસપાસ જોયા ના હોવાનું જણાવે છે. સોહમ તેને શાંત કરવા કરે છે, પણ સ્નેહા ખૂબ જ ગભરાયેલી હોય છે. સ્નેહાને પણ ખ્યાલ આવ્યો કે તેને આ કોઇ ભ્રમ થયો હશે..! બીજા દિવસે સવારે સોહમ પોતાની ઑફિસે ગયો. પાછળથી સ્નેહા ઘરકામમાં વ્યસ્ત હતી. અચાનક તેને કોઇ ના રડવાનો અવાજ ફરી આવ્યો. તે ગભરાઇ ગઈ. સ્નેહા અવાજની દિશામાં સ્ટોર રૂમ તરફ વળી. અવાજ વધુ મોટો આવતો જતો હતો. આ સાથે તેની ગભરામણ પણ વધતી જતી ગતી. એક એક ડગલે આગળ વધતી સ્નેહાના પગ ધ્રુજી રહ્યા હતા. તેનો ચહેરો પરસેવાથી નીતરતો હતો. પ્રત્યેક પળે સ્નેહાને સંભળાતા રડવાના અવાજ સાથે તેનો શ્વાસ વધતો જતો હતો. ઘડીભર તેણે સ્ટોર રૂમમાં જવાનું માંડી વાળવા વિચાર્યું, પણ રડવાના અવાજને આમ સહન કરવું તેના માટે મુશ્કેલ બન્યું હતું, તેથી સ્નેહા હિંમત કરી આગળ વધતી રહી..! હવે તે સ્ટોર રૂમની બરાબર સામે જ આવી ઊભી રહી. સ્ટોર રૂમ તેનાથી મત્ર ચાર પાંચ ડગલા જ દૂર હતા, છતાં તે ચાર પાંચ ડગલા આગળ વધવા સ્નેહા માટે બહુ મુશ્કેલ થઈ પડ્યા હતા..! સ્ટોર રૂમથી આવતા રડવાના તીણા અવાજથી સ્નેહા કાંપી ઊઠી. તેના મનમાં સેંકડો વિચારોનું વંટોળ ઊમટ્યું હતું. અંદર કોણ હશે..? કોણ આ રીતે રડતું હશે..? તેના ઘરના સ્ટોર રૂમમાં આ રીતે કોણ આવ્યું હશે..? તેના ઘરના સ્ટોર રૂમમાં આ કઈ રીતે આવ્યું હશે..? વગેરે કેટલાયે સવાલો દરેક પળે સ્નેહાના મનમાં તોફાન બની ઘેરાયા હતા. કેટલીયે અવઢવ સાથે સ્નેહા આગળ ડગલાં ભરી રહી હતી. સ્નેહા સ્ટોર રૂમના બંધ દરવાજાને સ્પર્શી ઊભી રહી ગઈ. રૂમમાંથી આવતા રડવાના તીણા અવાજને તેણે ફરી દરવાજાને કાન અડાડી ધ્યાનથી સાંભળવા કર્યું, જેથી તેને ખાતરી થાય કે આ વાસ્તવિકતામાં અવાજ આવે છે, તેને કોઇ ભ્રમ થયો નથી..!

સ્નેહાએ ધીમેથી સ્ટોર રૂમના દરવાજાને ધક્કો માર્યો. ઘણા સમયથી બંધ સ્ટોર રૂમ ધીમેથી ખૂલ્યો. તેના કરર અવાજથી વાતાવરણ વધુ ભયાનક લાગવા લાગ્યું. રૂમમાં ઘણું અંધારુ હતું. સ્ટોર રૂમ કેટલાયે સમયથી બંધ હોવાથી અંદર ઘણા જાળા બાઝ્યા હતા. સ્નેહા તેને હાથથી દૂર કરી ધીમે પગલે રૂમમાં આગળ વધી. સ્ટોર રૂમમાં રાખેલો બધો સામાન વેરવિખેર થઈ પડ્યો હતો. ધીમા પગલે ભરતા સ્નેહા આગળ વધી. તેને રૂમના ખૂણામાં સફેદ સાડી પહેરેલી કોઇ સ્ત્રી દેખાઇ. ગઈ રાત્રે તેણે આવી જ સફેદ સાડી પહેરેલી કોઇ સ્ત્રીને બહાર ગાર્ડનમાં રડતા જોઇ હતી. તે ધ્રુજતા પગલા ભરી પેલી સ્ત્રી તરફ આગળ વધી. તેણે કાંપતા અવાજે પેલી રડતી સ્ત્રીને પૂછ્યું, “ક...ક… ક… કોણ છો તમે...?” સામે કોઇ જ પ્રત્યુત્તર ના મળ્યો. માત્ર રડવાનો અવાજ જ આવતો રહ્યો. સ્નેહા પેલી ખૂણામાં બેઠેલી સ્ત્રીની નજીક પહોંચી. તે સ્ત્રી પોતાના બે પગ વચ્ચે માથુ નમાવી રાખી રડી રહી હતી. સ્નેહાએ ફરી પૂછ્યું, “ત...ત… તમે ગઈ ક...કાલે પણ બહાર ગાર્ડનમાં હતા..?” સ્નેહા આગળ કંઇ પૂછી શકતી નથી.

પેલી સ્ત્રી પોતાનું માથું ઊંચું કરે છે. તેનો ચહેરો લોહી નીતરતો હતો. ચહેરા પર કંઇક કેટલાંયે ઘા વાગ્યા હોય તેવા નિશાન દેખાતા હતા. તેની આંખ બીલકુલ સફેદ રંગની કીકી વગરની હતી. તેણે સ્નેહા તરફ જોઇ જરા માથુ નમાવ્યું. સ્નેહા ક્યાંય સુધી મોંથી અવાજ કાઢવા કરે છે, પણ તેના વધતા શ્વાસ સાથે જાણે તેનો અવાજ જ ચાલ્યો ગયો હોય તેમ તે કંઇ જ બોલી શકતી ના હતી. તેના વધતા હાંફ વચ્ચે તેનાથી ચીસ પડાઇ. તેના જકડાઇ ગયેલા પગ છૂટ્યા હોય તેમ તે દોટ મૂકી રૂમ બહાર દોડી ગઈ. તે ચીસો પાડતા ઘર બહારસુધી નીકળી ગઈ. તે દોડી તેના પડોશીના ઘરે ગઈ. હાંફતા હાંફતા તે બોલી રહી, “ત્યાં..… મ....મ.… મારા ઘરમાં..… સ્ટોર રૂમ...… પેલી કોઇ સ્ત્રી.… મ...મને બચાવી લો...!” આમ અચાનક દોડી આવેલી ચોધાર આંસુએ રડતી સ્નેહાની આવી હાલત જોઇ તેના પડોશીઓ ભેગા થઈ ગયા. સૌ કોઇને નવાઈ લાગી. બધાએ સ્નેહાને શાંત કરવા કર્યું. સોહમ તરત જ ઓફિસથી ઘરે આવ્યો. સોહમને જોઇ સ્નેહા તેની તરફ રડતાં રડતાં દોડી ગઈ. હજુ સુધી તે બીકથી ધ્રુજી રહી હતી..! સોહમે તેને શાંત કરી બધી વિગત જાણવા પૂછ્યું. સ્નેહાએ ગભરાતા સ્વરે બધી બાબત જણાવી. સોહમ પોતાના ઘરના સ્ટોર રૂમમાં ચેક કરવા જવા કરે છે, તો સ્નેહા તેને જતાં અટકાવે છે, પણ સાચી બાબત જાણવા સોહમ માંડમાંડ સ્નેહાને લઈને ઘરમાં જાય છે. તેની સાથે પડોશના બે ત્રણ યુવાનો પણ જાય છે.

સ્નેહા સોહમનો હાથ મજબૂત પકડી રાખી ઘરમાં પ્રવેશે છે. બધા સ્ટોર રૂમ આગળ આવી પહોંચ્યા. સ્નેહા અંદર જોયેલ બીહામણું દ્રશ્ય યાદ કરી ફરી કાંપી ઊઠે છે. તે સોહમને અંદર ના જવા વીનવે છે, પણ વાસ્તવિકતા જાણવા સોહમે અંદર જવું જ રહ્યું. સ્ટોર રૂમનો દરવાજો ‘કરરરર..’ અવાજ સાથે ખોલી બધા અંદર પ્રવેશે છે. સોહમ રૂમની લાઇટ ચાલુ કરી જુએ છે તો અંદર કોઇ જ ના હતું. રૂમમાં બધો સામાન વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો જ હતો. આ જોઇ સ્નેહાને પોતાની આંખો પર પણ વિશ્વાસ નહોતો આવતો..! વળી, જો સ્નેહા આ રૂમમાં આવી હોત તો દરવાજા આગળ બાઝેલા જાળા એમ જ જોવા ના મળત, જ્યારે અહીં રૂમની સ્થિતી જોઇ લાગતું હતું જાણે અહીં કોઇ આવ્યું જ ના હતું..! સ્નેહા પરિસ્થિતીને સમજી શકતી ના હતી. હજુ સુધી તે કાંપતી હતી. સોહમ તેને ડ્રોઇંગ રૂમમાં લાવ્યો. સ્નેહા સાવ ચૂપ થઈ બેઠી હતી. હવે તેને પોતાના પર જ વિશ્વાસ રહ્યો ના હતો. તેની સાથે આ બધું શું થઈ રહ્યું છે તે કાંઇ સમજી શકાતું ના હતું. હજુ સુધી તેણે સોહમનો હાથ પકડી રાખ્યો હતો. કંઇક વિમાસણભર્યા વિચાર કરતા કરતા તે સોફા પર બેઠાં બેઠાં જ સૂઇ ગઈ..!

સુરતની પ્રસિધ્ધ ડાઇમંડ કંપની મજમુદાર પ્રા.કંપનીના માલિક જયરામ મજમુદારની વિધવા પત્ની ચરૂલતાના એકમાત્ર સંતાન સ્નેહાને સોહમ સાથે કોલેજકાલથી જ પ્રેમ રહ્યો હતો. માતાની મરજી વિરુધ્ધ સોહમ સાથે સીવીલ મેરેજ કરી લેતા શરૂઆતમાં માતાએ સ્નેહા સાથે બધો સંબંધ તોડી નાખ્યો. પણ કરોડોની સંપત્તિના માલિક ચારૂલતા મજમુદાર પોતાની વધતી ઉંમર અને શ્વાસની અસાધ્ય બિમારીને કારણે પોતાની વહાલસોયી દીકરીને તેની માતા સોહમ સાથે સ્વીકારી પોતાના જ ઘર અને કંપનીમાં જોડીદાર તરીકે રાખ્યા. સોહમને ચારૂલતા મજમુદારના ઘરમાં માત્ર ઘરજમાઇ તરીકે જ નહીં, પણ તેમની કંપની બોર્ડમાં પણ માનભર્યું સ્થાન મળ્યું. ગયા વર્ષે જ પેરેલીસીસને કારણે પથારીવશ થયેલા ચારૂલતા મજમુદારે પોતાની તમામ મિલકતનું વીલ પોતાની દીકરી સ્નેહાના નામ પર કર્યું હતું. પગના ભાગે પેરેલાઇઝ્ડ થયેલા ચારૂલતા મજમુદારથી ઊભા થવું પણ મુશ્કેલ બની ગયું હતું. ડૉક્ટરના અથાગ પ્રયત્નોથી ચારૂલતા મજમુદારની તબિયત સુધારા પર આવવા લાગી હતી, પણ અચાનક જ શ્વાસ રૂંધાઇ જતાં ચારૂલતા મજમુદારનું મૃત્યુ થયું. હવે સ્નેહા કરોડોની સંપત્તિ અને કંપનીની માલિક બની હતી. તેણે પોતાના વતી સોહમને કંપનીનો બધો વહીવટ સોંપ્યો હતો. પિતાના મૃત્યુનો આઘાત સહેવો સ્નેહા માટે ઘણો મુશ્કેલ બન્યો હતો. પોતાના પિતાની યાદોમાં કાયમ ખોવાઈ રહેલી સ્નેહાની તબિયત સુધારવા સોહમ સ્નેહાને લઈને આ નવા ઘરમાં રહેવા આવ્યો, પણ અહીં આ નવી સમસ્યા ઊભી થઈ હતી..!

બીજી સવારે સ્નેહા થોડી સ્વસ્થ બની. આ બનાવના બે ત્રણ દિવસ વીતવાથી સ્નેહાના મનનો ડર હવે ઘણો ઘટ્યો હતો, પરંતુ તે જ રાત્રે સ્નેહા પાણી પીવા ઉઠી કિચનમાં ગઈ ત્યાં આછા ધુમાડાની આડશમાં તેની નજર સમક્ષ ફરી તે જ સફેદ સાડી પહેરેલી સ્ત્રી આવી ઊભી. તેના ચહેરા પરથી નીતરતા લોહીનાં ટીપાં કિચનની સફેદ ટાઇલ્સ પર ટપકતું રહ્યું. તેની સફેદ આંખો જોઇ સ્નેહાના પગ ત્યાં જ થંભી ગયા. તેના વેરવિખેર વાળ ચહેરા પર પથરાયેલા હતા. કિચનની બંધ બારી ધડાકાભેર ખુલી ગઈ. કિચનની ઝબકારા મારતી લાઇટના પ્રકાશમાં દ્રશ્ય વધુ ભયાવહ બની ગયું. સ્નેહાના મોંથી બૂમ પાડી જ શકાતી ના હતી. તેનો શ્વાસ ચઢતો જતો હતો. અલગ અવાજે રડતી પેલી સ્ત્રી સ્નેહા તરફ નજર કરી અચાનક રડતી બંધ થઈ ગઈ. તેણે ઘાથી ભરાયેલ લોહિયાળ હાથ સ્નેહા તરફ લંબાવી લાળ ટપકતા મોંથી સ્નેહાને કંઇક કહેવા કર્યું, ત્યાં જ જાણે સ્નેહાના જડ શરીરમાં ચેતના આવી હોય તેમ તે જોરજોરથી બૂમો પાડતી સોહમ તરફ દોડી ગઈ..!

સ્નેહાની બૂમ સાંભળી સોહમ તરત જાગી ગયો. બીકથી ધ્રુજતી સ્નેહા સોહમ આગળ કંઇ જ બોલી શકતી ના હતી. તેનો ચઢતો શ્વાસ ધીમો થવાનું નામ જ લેતો ના હતો. તેણે ધ્રુજતા હાથે સોહમને કિચન તરફ ઇશારો કર્યો. સોહમ તરત જ કિચનમાં દોડી ગયો. ત્યાં જુએ છે તો બધું જ નોર્મલ સીચ્યુએશન જ હતી..! તેની પાછળ છૂપાતી આવતી સ્નેહા પણ કિચનમા બધું નોર્મલ જોઇ સાવ દિગ્મૂઢ બની ગઈ. પેલી સ્ત્રીના શરીર પરથી જમીન પર ટપકેલાં લોહીના ટીપાં કે કિચનની ખુલ્લી બારી એવું કંઇ જ જોવા ના મળ્યું..! જાણે અહીં કાંઇ થયું જ ના હતું..! સ્નેહાને હવે પોતાના પર જ વિશ્વાસ રહ્યો નહીં. સોહમને લાગ્યું કે સ્નેહાને કોઇ સાઇકીયાટ્રીક પાસે લઈ જવાની જરૂર છે. બીજા દિવસે સોહમ સ્નેહાને શહેરના નામાંકિત સાઇકીયાટ્રીક ડૉ.સપના મિશ્રા પાસે લઈ ગયો. ડૉ.સપનાએ સ્નેહાની પૂછપરછ કરે અને તેને માત્ર આ એક વહેમ જ છે તેવી ખતરી આપવા પ્રયત્ન કર્યા, પણ સ્નેહાના મનમાંથી પેલી અજાણી બિહામણી સ્ત્રીની બીક દૂર થઈ ના હતી.

આ બનાવને બે ત્રણ દિવસ વીતી ગયા. હવે પરિસ્થિતિ નોર્મલ લાગવાથી સોહમ ફરી ઓફિસે જવા લાગ્યો. ઢળતી સાંજના સમયે સ્નેહા ઘરમાં એકલી બેસી ટી.વી. જોઇ રહી હતી, ત્યાં જ ટી.વી.માં ઝબકારા થવા લાગ્યા, રૂમની લાઇટ આપોઆપ ચાલુ - બંધ થવા લાગી. બહાર અંધારું ઘેરુ બનતું જતું હતું. સ્નેહા ઘણી ગભરાઇ ગઈ. તે સોફા પર પગ ચઢાવી બેસી ધ્રુજવા લાગી. અચાનક કેટલાક ભયાનક વિચિત્ર અવાજો આવવા લાગ્યા અને અચાનક ફૂંકાયેલ હવાથી રૂમની બારી ખોલ - બંધ થવા લાગી. રૂમની લાઇટ બંધ થઈ ગઈ. સ્નેહાએ ધીમેથી ઊભા થઈ રૂમ બહાર ભાગવા તૈયારી કરી, પણ અચાનક ‘ધડામ’ અવાજ સાથે રૂમનો દરવાજો બંધ થઈ ગયો..!

સ્નેહા ખૂબ ગભરાઇ ગઈ. સ્નેહા બૂમ પાડવા ઇચ્છે છે, પણ તેના મોંથી અવાજ પણ નીકળી શકતો નથી. તેનો શ્વાસ વધતો જતો હતો. અચાનક કોઇ સ્ત્રીની તીણી ચીસ સંભળાઇ અને રૂમમાં ક્યાંકથી ધુમાડો ફેલાવા લાગ્યો. ધુમાડાથી સ્નેહાને વધુ ગભરામણ થવા લાગી. ધુમાડાની આરપાર ઝાંખા પ્રકાશમાં ફરી એ જ સ્ત્રી સફેદ સાડીમાં તેની સામે ઊભેલી દેખાઇ. પેલી સ્ત્રી ધીમે ધીમે સ્નેહાની નજીક આવતી જતી હતી. અચાનક બારીમાંથી ફૂંકાયેલી હવાથી તે સ્ત્રીએ ચહેરા આગળ ઓઢી રાખેલ સાડી ખસી ગઈ અને તેનો બીહામણો ચહેરો સાફ દેખાયો. બીલકુલ સફેદ ચહેરા પર કેટલાયે વાગેલા ઘામાંથી લોહી ટપકતું હતું. તે સ્ત્રી લાલચોળ આંખથી સ્નેહાને તાકી રહી હતી. સ્નેહા બીકથી ધ્રુજી રહી હતી. તે સોફાથી ઉભી થઈ રૂમના ખૂણે સંતાઇ જવા નિરર્થક પ્રયત્નો કરે છે. પેલી સ્ત્રી સ્નેહા તરફ આગળ વધે છે. તે વિચિત્ર રીતે ખડખડાટ હસે છે ત્યારે તેના પીળા પડેલા દાંતમાંથી પરૂ બહાર નીતરતું હોય તેવું દેખાય છે. તે સ્નેહા તરફ પોતાનો હાથ કરી વિચિત્ર રીતે હસતી રહે છે, ત્યારે તેના લાંબા નખ જોઇ સ્નેહા કંપી ઊઠે છે. તે ધ્રુજતા ધ્રુજતા વધુ લપાઇ બેસે છે. તેનો શ્વાસ વધુ ચડતો જાય છે. હાંફતા સ્વરે સ્નેહા પેલી સ્ત્રીને ધીમેથી પૂછે છે, “ત....ત.… તમે.… ક… કોણ છો...? આમ મ… મને કેમ બીવડા..વો છો...? ત....તમારે શું જ..જો..ઇએ..?” પેલી સ્ત્રી કોઇ વિચિત્ર અવાજમાં સ્નેહાને જવાબ આપે છે, “હું આત્મા છું...તરસી આત્મા.....અને હું અહીં તને મારી સાથે જ લઈ જવા આવી છું.… .હું તારો જીવ લઈ લઈશ, તો જ મને શાંતિ મળશે.… તુ મને બચાવી શકે છે તારો જીવ મને આપીને....તારી આત્માને મારી ગુલામ બનાવીને..!” આટલું બોલી તે સ્ત્રી ખડખડાટ હસવા લાગી. સ્નેહા ધ્રુજતા રડવા લાગી. “મારે મરવું નથી...મને પ્લીઝ છોડી દો...મને કોઇ બચાવો....” પેલી સ્ત્રી વધુ નજીક આવતાં સ્નેહાના શબ્દો અટકી જાય છે. સ્નેહાનો હાંફભર્યો શ્વાસ જોરજોરથી ચાલવા લાગે છે અને સ્નેહાની આંખ આગળ ધીમે – ધીમે અંધારું છવાઇ જાય છે. ધડામ કરતા સ્નેહા જમીન પર પડી જાય છે..!

અહીં ઘણા સવાલ ઉભા થાય છે.....

  • શું સ્નેહાના જીવનનો આ અંત છે..?
  • પેલી પ્રેત સ્વરૂપે દેખાતી સ્ત્રી કોણ છે..?
  • શું પેલી સ્ત્રી સ્નેહાની આત્માને પોતાની ગુલામ બનાવી પોતાની સાથે લઈ જશે..?
  • વધુ જાણવા વાંચતા રહો.... મીસ્ટરી : રી લોડેડ

    coming soon...