આસક્તિ ભાગ -3
“તમને ડોક્ટર બોલાવે છે, પેશન્ટનો રિપોર્ટ આવી ગયો છે“ નર્સે આવીને સુરેશભાઈ ને કહ્યું
સુરેશભાઈ ભારે મૂંઝવણમાં ઉભા થયા. તેમને ધારીણીની ચિંતા હતી
“બેસો” ડોક્ટર નીરજ રીપોર્ટ જોઈ રહ્યા હતા.
“કઈ ચિંતા જનક નથી ને ડોક્ટર ?” સુરેશભાઈ એ પૂછ્યું
“ના અંદરથી કોઈ ઈજા નથી થઇ તમારી દીકરીને પણ મને લાગે છે મારે થોડું તેનું કાઉન્સેલિંગ કરવું પડશે. તે થોડી ડીપ્રેશનમાં લાગે છે “ ડોક્ટર બોલ્યા.
“જી અમને કોઈ વાંધો નથી “ સુરેશભાઈ એટલું જ બોલી શક્યા.
**************
ધારીણીને હજી પણ ખબર નહતી કે આ પ્રેમ હતો, આકર્ષણ હતું કે બીજું કઈક . તેને નીલ સાથે રેહવું ગમતું. નીલની બાહોમાં તે એક જાતની સલામતી મેહસૂસ કરતી. પણ આજે તો નીલ આવું કહીને જતો રહ્યો. તો શું તે હવે મને પ્રેમ નહિ કરતો હોઈ? તેને ખાલી શારીરિક આકર્ષણ જ હશે? શું તે હવે બીજા કોઈ સાથે હશે? કે પછી સાચે તેના ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ હશે?” એકસાથે આટલા બધા સવાલ અને સામે જવાબ - કઈ નહિ. તેની પાસે જવાબ હતો તો એ જ કે તારે શું કરવું તે હું તારા પર છોડું છુ. ધારીણી આજે વિચારી વિચારીને હેરાન થઇ ગઈ હતી. તેનું મન આજે ડાન્સ શીખવાડવામાં પણ નહતું. આજે તેણે બધાને વેહલી રજા આપી દીધી હતી અને ક્યારની વિચારી રહી હતી કે હકીકત શું હોઈ શકે?
તે નીલને કેહવાનું પણ ભૂલી ગઈ કે બે દિવસ પછી તેણે ઓર્ગેનાઇઝ કરેલી એક ડાન્સની ઇવેન્ટ છે. તેના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેવાના છે. તેણે આ દિવસ માટે ખુબ તૈયારી કરી છે. પણ નીલ ઉભો થઈને જતો જ રહ્યો. કેમ આવું વર્તન કર્યું હશે? એક સમયે તેનો હાથ મારા હાથમાં હતો. એ પળ કેમ ભૂલાય જેમાં અમે એકબીજાને અખૂટ પ્રેમ કર્યો! તેની આંખ ફરી ભરાય આવી.
બસ આવા જ વિચાર કરતી કરતી તે આજે પોતાના સ્કુટર પર જઈ રહી હતી અને અચાનક તેની સામે ક્યારે બસ આવી ગઈ અને તે ક્યારે અથડાઈ તેની તેને જ ખબર ન પડી. બસ લોકોનો અવાજ સંભળાયો તેને અને પછી બધું શાંત થઇ ગયું. લોકોએ ભેગા થઇ તેને હોસ્પીટલમાં પહોચાડી અને લાઇસન્સમાંથી નંબર જોઈ તેના ઘરે ફોન કરી જાણ કરી.
********************
“મેં તેની સાથે સમય પસાર કરવા મિત્રતા નહતી કરી ડોક્ટર. મને તે ગમતો. તે બહુ ઓછી વાત કરતો. મારું મન માનવા તૈયાર નથી કે આટલી હદે લોકો બદલાય શકે. જે લોકો તમારી સાથે લાગણી અને ભાવનાથી જોડાયેલા હોય તે જ લોકો તમને દુર કરી શકે. તેની એ નજર કેવી રીતે હું ભૂલું જેમાંથી પ્રેમ જ નીતરતો હતો અને અચાનક તે જ નજરમાં અવગણના કેમ સહન કરી શકું હું !!મને ખબર જ નથી કે મારી ક્યાં ભૂલ થઇ ! મેં તેને મારી નજીકની વ્યક્તિ માન્યો હતો. અને લાગણીની બાબતમાં મને તેની પર આધારિત રેહવું નથી ગમતું પણ હું તેના વિચારો માંથી મુક્ત જ નથી થઇ શકતી. મને ખ્યાલ નહતો કે મારી તેની માટેની આસક્તિ આટલી બધી વધી જશે ! ” ધારીણી એક શ્વાસે બોલી ગઈ. તે હજી બારીની બહાર જોઈ રહી હતી. આજે ડોકટર નીરજે તેની સાથે કાઉન્સેલિંગ કરવાનું શરુ કર્યું હતું. ડોક્ટર નીરજ એક એવા ડોક્ટર હતા જે તેના પેશન્ટને માનસિક રીતે પણ સ્વસ્થ જોવા માંગતા તેમને ખબર હતી ધારીણી કઈક વિચારોમાં ખોવાયેલી છે. એક ડોક્ટર તરીકે ધારીણીનો અકસ્માત જે માનસિક હાલતમાં થયો હતો તે હાલત જાણવી જરૂરી હતી.
“ તમને કોણ કહે છે કે તમે ભૂલી જાવ. બસ તેનો પ્રેમ યાદ રાખો તેની અવગણના વાળી એ નજર ભૂલી જાવ. તમારા મગજમાંથી એ નજર જ કાઢી નાખો. ખામી તમારામાં છે એ વાત કેમ વિચારો છો? સમય બરાબર નથી અથવા સંજોગ એવા છે કે તે કદાચ તમને કહી ન શકતો હોય. પ્રેમમાં કોઈ એક વ્યક્તિને બાંધી નથી શકાતા ધારીણી. એ વ્યક્તિની યાદોને અને એ વ્યક્તિને તમારા વિચારોમાંથી મુક્ત કરી દો. તમને પોતાને હળવાશ લાગશે. એક વાર તેના વિચારોને તમારા મગજમાંથી મુક્ત કરશો પછી આપોઆપ તમે પોતે મુક્ત છો તેનાથી એવું ફિલ કરશો.
આ બધું કેહવું સેહલુ છે કરવું સેહલું નથી તે જાણું છુ. તમારી પરિસ્થિતિ સમજી શકું છુ પણ તમારી પાસે ભવિષ્ય વિષે વિચારવા સિવાય કોઈ બીજો ઓપ્શન નથી. તેને મુક્ત કરી દો હવે. તેને પકડી રાખશો કે તેના વિચારોને પકડી રાખશો તો તે તમારો નહિ થઇ જાય. તો શા માટે આવી રસાકસી કરવી ?! જેમ સમયને બાંધી નથી શકાતો તેમ પ્રેમને પણ બાંધી નથી શકાતો. કોઈની માટે આસક્તિ હોવી ખોટી વાત નથી. પણ તે દુર રહીને પણ હોય શકે. આપણે દરેક વ્યક્તિ માટે એક સરખી લાગણી નથી અનુભવી શકતા.” ડોક્ટર નીરજ બોલ્યા “તમે ગમે ત્યારે મારી પાસે વાત કરવા કે મને મળવા આવી શકો છો. શારીરિક તકલીફ કરતા માનસિક તકલીફ વધુ દર્દ આપે છે તે હું ખુબ સારી રીતે જાણું છુ એટલે તેને અવગણતા નહિ મારે એ ધારીણીને મળવું છે જે દરેક વાત માટે કોઈના પર આધારિત નથી. એ ધારીણીતો અહિયાં આવ્યા પછી મને દેખાતી જ નથી ” ડોક્ટર આટલું બોલી ધારીણીને એકલી રૂમમાં મૂકી ને બહાર નીકળી ગયા. તેઓ ઈચ્છતા હતા કે ધારીણી પોતાની જાતે એકલી વિચારે. તેમણે બહાર આવીને પણ તેના મમ્મી પપ્પાને કહ્યું કે તેને થોડીવાર એકલી રેહવા દો. તમે તેને દરેક વાતમાં સહારો ન આપશો. માનસિક રીતે તે સ્વતંત્ર વિચારે તે જરૂરી છે
******************
“અરે વાહ તમે તો પગભર થઇ ગયા” ડોક્ટર બોલ્યા
ધારીણી આજે ઘણા દિવસે પોતાના પગ માંડી ને ચાલી શકતી હતી. તે હસી. ઘણા દિવસે આજે ખુલીને હસી. ડોક્ટરને સંતોષ થયો. એક પેશન્ટને માનસિક અને શારીરિક બંને રીતે સાજા કરવાનો ! તે આજે ઘરે જવાની હતી. તેના પગમાં વાગવાને લીધે તે ડાન્સ કરવા માટે હજી ઘણો સમય લાગવાનો હતો. સૌથી વધુ દુઃખ તેને એ જ વાત નું હતું કે તેણે ઓર્ગેનાઇઝ કરેલી ઇવેન્ટ તેના અકસ્માતને લીધે થઇ નહતી શકી. એક વ્યક્તિની અવગણનાને કારણે તે પોતે કેટલું સહન કરી રહી હતી. તેણે નીલ નો કોન્ટેક્ટ કરવાનું છોડી દીધુ. તેની પાછળ ભાગવાનું છોડી દીધું. તે એટલી મજબુત થઇ ગઈ હતી.
****************
તે તેના ડાન્સ ક્લાસમાં ડાન્સ શીખવાડી રહી હતી અને અચાનક નીલનો ફોન આવ્યો. તેણે નામ જોયું. આ એ જ નીલ જે પોતાના ફોન નહતો ઉપાડતો. જે તેને જવાબ નહતો આપતો. ધારીણીને મન તો થયું કે તે પણ નીલની જેમ જ કોઈ રીપ્લાય ન આપે. પણ તે એવું કરી ન શકી.
“હલ્લો “ તેણે ફોન ઉપાડ્યો
“ધારીણી મારે તને મળવું છે તારો અકસ્માત થયો હતો અને તે મને કહ્યું પણ નહિ ?” નીલ બોલ્યો
ધારીણી ને ખુબ મન થયું કે નીલ ને બધું કહી દે. પણ તેને લાગ્યું આ એ ક્ષણ હતી જેમાં તેને નબળા નહતું પડવાનું
ખુબ સંયમ રાખી તે બોલી “સોરી નીલ, તું તારા ફેમીલીના પ્રોબ્લેમમાં હતો તો તને ડીસ્ટર્બ નહતો કરવા માંગતી. કેમ છે તું ? “ ધારીણી બિલકુલ આવેશમાં આવ્યા વગર કે ભાવનામાં વહ્યા વગર વાત કરી રહી હતી અને તેને પોતાને નવાઈ લાગી રહી હતી.
“કેમ આવું બોલે છે ધારીણી ?” નીલ સમજી ન શક્યો કે ધારીણી નો અવાજ કેમ આટલો ભાવવિહીન છે
“ નીલ મારે કામના લીધે હું તને મળી શકું તેમ નથી. હા તને એક વાત કેહવા માંગીશ કે આપણે બંને આકર્ષણ અને પ્રેમ વચ્ચેની ભેદરેખા સમજી લઈએ તો બંને માટે સારું રેહશે. હું પોતે લગ્ન વિષે વિચારવા નથી માંગતી અને લગ્ન કરીશ કે નહિ તે પણ મને નથી ખબર. મારી તારા માટેની આસક્તિ એટલી જ રેહશે હંમેશા પણ તે હવે મારા સુધી સીમિત રાખવા માંગું છુ. હું તને સમય આપવા માંગું છુ અને પોતે પણ સમય લેવા માંગું છુ અને ભવિષ્યમાં શું થાય છે તે કોને ખબર છે નીલ ! તારે શું કરવું તે હું તારા પર છોડું છુ.“ આટલું બોલી તેણે ફોન કટ કર્યો. તેને લાગ્યું એક નવી શરૂઆત હવે થઇ રહી છે પોતાના માટે જીવવાની !!! પણ તે પોતે જ જાણતી હતી કે તેણે આ વાત શીખવા માટે કેટલી મોટી કિમત ચૂકવી છે !!!
સમાપ્ત