ક્ષિતિજ
ભાગ-3
હર્ષવદન ભાઇ ઉભાં થઇ ને હજું એક ડગલું ચાલ્યા ત્યા જ બહારથી આશ્રમનો સીકયોરીટી ગાર્ડ હું ભેર દોડતો આવ્યો..
“સાઇબ… ઓ સાઇબ હાલો ઝલદી.. બાઇરે બોવ ઘમાલ મંડાણી સે.ને હમઝાતુ નથી કે હું સે..બસ તમે ઝટ હાલો..”
હેમંતભાઈ અને હર્ષવદન ભાઇ તરતજ ગાર્ડ સાથે મેઇન ગેઇટ તરફ દોડી ગયા. મેઇન ગેઇટ પર એક 70 વર્ષ ના બાપા સાથે બે ત્રણ લોકો હતા.તેઓ એ વૃધ્ધ ને લઇને આવેલાં. હેમંતભાઈ એ ત્યા પહોંચતા વેંત જ થોડાં મોટેથી ભારે અવાજ માં કહ્યુ.
“ અરે...અરે..! શું છે ? કેમ આ સમયે અહિં આટલી બૂમાબૂમ માંડી છે...વાત શું છે?”
હેમંતભાઈ નો અવાજ સાંભળી ને બધાં થોડી ક્ષણ ચુપ થઈ ગયાં. પછી થોડું ધીમા અવાજે હેમંતભાઈ એ સિકયોરિટી ગાર્ડ ને પુછ્યુ.
“ રવજીભાઇ વાત શું છે ? મને જણાવશો? આ લોકો અહીયાં..”
રવજીભાઈ એ હાથમાં રહેલી લાકડી ને જરા ઉંચી કરતાં કહ્યુ.
“ વાત...?વાત..તો સાઇબ હું સે મને નઇ ખબર પણ આ બે તણ જણ જલારામ ની જઇગા માથી આયવા સે. આ બાપા ને મુકવા. હવે બાપા ઘમપસાડા કરે છે .ઇમને અહી રેવુ નહી.”
“ ઓહ તો વાત એમ છે...”
હેમંતભાઈ એ જરા નજર નીચી કરી.. પછી ફરી કહ્યુ
“ ભાઇ તમે બધાં અંદર આવો . પછી બેસીને વાત કરીએ.”
બધાં આશ્રમમાં અંદર આવ્યા. હેમંતભાઈ એ ઓફિસમાં બધાને બેસાડ્યા. હર્ષવદનભાઇ પણ ત્યા સાથેજ બેઠાં હતાં.
“ બોલો હવે વાત શું છે.? “
હેમંતભાઈ બોલ્યા. વૃધ્ધ ની સાથે આવેલાં એ બે ત્રણ પુરુષો માથી એક ત્રીસેક વર્ષ નો યુવક બોલ્યો.
“ સાહેબ અમે વિરપુર થી આવ્યા છીએ. વિરપુર મંદિર પાસે અમારી દુકાન છે. મારે કપડા અને ચપ્પલ ની આમને આમ પુજાપા ની. બે દિવસ પહેલાં વાત એમ બની કે સાંજે આરતી સમયે આ ભાઇના દિકરો વહુ અને એમનાં બે બાળકો બધાં દર્શન કરવાં આવેલાં. આવ્યા એ વખતે તેઓ ખુબ પ્રેમ થી દાદા ને લાવ્યા હતા. જલાબાપા દર્શન કરાવ્યાં. અને આરતી નો સમય થયો છે એટલે અંદર ખુબ ગિરદી થશે. અને તમે એટલી બધી વાર ઉભા ન રહી શકો એમ કહી ને મારી દુકાન ના પાટીએ બેસાડી ગયાં. મને પણ કહેતાં ગયાં કે ભાઇ મારા બાપુજી નું ધ્યાન રાખજો આરતીના દર્શન કરીને અમે એમને લઇજઇશુ ..પણ..પણ.. પછી એ આવ્યા જ નહીં . “
થોડીવાર માટે તો બધાં સ્તબ્ધ થઈ ગયા..હ્રદય ને હચમચાવી નાખે એવી વાત હતી. યુવકે ફરી વાત શરું કરી.
“ આરતી પછી જયારે બે કલાક પછી પણ એ લોકો લેવા ન આવ્યા અને દાદા થોડાં વિહવળ થવાં લાગ્યા અમે શોધવાનું શરું કર્યું. પણ પછી એમનાં કહ્યા પ્રમાણે અમે પાર્કિંગ માં ગાડી પણ ગોતી પણ ન તો ગાડી મલી ન તો એમનાં દિકરો વહુ. હા પાર્કિંગ મા દાદા નો સામાન પડયો હતો. બસ બધાં સમજી ગયાં . એ લોકો દાદા ને રસ્તે મુકી ને નીકળી ગયાં..”
યુવક બોલતાં બોલતાં રડી પડ્યો. એ સીવાય પણ બધાં ની આંખોમાં પાણી હતાં. હર્ષવદન ભાઇ ને મનોમન થઈ રહ્યુ હતું કે ભગવાને એટલો તો મહેર રાખી કે દિકરો આવો નથી પાક્યો કે આમ અંતરીયાળ છોડી ને ભાગી જાય.
“ સાહેબ દાદા એતો રડારોળ કરી મુકી હતી.કેટલુંય સમજાયવુ પણ માનવા તૈયાર જ નોતા.અરે એ તો મારી દુકાન ના પાટીએ આખી રાત બેસી રહ્યા. અમે એમને જમાડયા પણ ખુબ મહેનતે. બે દિવસ થી એ ત્યા મારી દુકાન ના પાટીએ બેસીને રડ્યા રાખે છે અને એકજ વાત કે મારો દિકરો આવશે અને મને અહીંયા નહીં જોવે તો ચિંતા કરશે. અમારું તો હૈયું કંપી ગ્યું છે. એટલેજ બપોરે અમે બધાએ ભેગાં મળીને નક્કી કર્યું કે એમને અહીં મુકી જવાં પહેલાં તો ખોટું બોલ્યા કે તમારા દિકરા પાસે લઇ જઇએ છીએ. પણ અહિ પહોંચ્યા તો એ જીદ કરવા લાગ્યા ,રડવા લાગ્યા..મારે અહીંયા નથી રહેવું..અરે છેલ્લે તો આજીજી કરવા લાગ્યા કે હું દુકાન ના કામ કરીશ પણ મને અહીંયા રહેવા દો. અંતે અમારે પરાણે... એમને અહીં મુકવા ...હવે તમેજ કહો અમે શું કરી એ..? “
બધા હવે સાવ ચુપ હતાં. એક બાજુ આવા સંતાનો પર ગુસ્સો આવે ને બીજી બાજુ એ વૃધ્ધ પર દયા. હર્ષવદન ભાઇ ખોંખારો ખાઈ બોલ્યા.
“ પણ ભાઇ એમને તમે પુછયું એમનું એડ્રેસ કે કોઇ ફોન નંબર હોય..?”
“ અરે ..હા..એ વાત બરાબર”
હેમંતભાઈ એ સહમતી દર્શાવી..
“ ના સાહેબ અમે એવું તો કંઈ નથી પુછ્યુ. પણ હવે તમારે આશરે દાદા ને મુકીને જવાની સંમતિ આપો તો અમે રજા લઇએ.. “
પેલા યુવકે આટલું બોલતાં હેમંતભાઈ ના હાથ જોડ્યા.
“ હા...એ તો..ઠીક પણ એ તમને જવા દે એવું કંઈ કરવું પડે “
હેમંતભાઈ એ કહ્યુ.
“ વાંધો ન હોય તો હું એમને મારી સાથે મારા રૂમમાં લઇ જઉં..? “ હર્ષવદન ભાઇ એ પુછ્યુ.
“ હા..તમે એમને લઇ જાવ. “
હેમંતભાઈ એ કહ્યુ.
હર્ષવદન ભાઇ ઓફીસ માથી બહાર આવ્યા. જયાં બહાર એ વૃધ્ધ બેઠેલાં હતા એમને જઇને પોતાની સાથે આવવા કહ્યુ. એ ધીમે ધીમે એમની સાથે ચાલતાં થયાં..પરિસ્થિતિ તો એ સમજી જ ગયાં હતા એટલે એમને કંઈ સમજાવવા જેવું હતું નહી ખુબ દુખી ભાવે એમણે સાથે આવેલાં બધાનો આભાર માન્યો. અને બધું અંતે થાળે પડ્યું. હર્ષવદન ભાઇ એ વૃધ્ધ ને લઇને પોતાના રુમમાં ગયાં. એમને પલંગ પર બેસાડીને પાણી આપ્યુ. બાજુંમાં જ બીજો બેડ નાખવાનું કહેલું એટલે વ્યવસ્થા થાય ત્યા સુધી કંઈ વાત કરવાનું જ વધુ અનુકુળ લાગ્યુ. હર્ષવદન ભાઇએ પુછ્યુ.
“ વડિલ આપનું નામ? “
એકદમ જાણે ભયંકર સપનું જોતાં ઊંઘ ઉંડી હોય એમ સામું જોતા એ બોલ્યા..
“ ના..આ...મમ..? શુ કરશો જાણી ને ? “
“ અરે ..હવે નવા મિત્ર નું નામ તો જાણવું જ પડે ને..”
હર્ષવદન ભાઇ વાતાવરણ ને હળવું કરવાં બોલ્યા..
“ નામ.. ? નામ તો ખુબ મોટું હતું જ્ઞાતિ મા ભાઇ..મારું નામ ..”
આટલું બોલતા જ એ હર્ષવદન ભાઇ ને વળગી ને ડુસકું મુકી ગયાં. હર્ષવદન ભાઇ એમની અપાર વેદના સમજી શકે તેમ હતાં. કેમકે થોડા કલાકો પહેલાં પોતેજે અનુભવી રહ્યા હતાં એના કરતાં તો ખુબ વધું મોટું દુખ હતું. એટલે થોડીવાર તો એમને રડીને મન હળવું કરી લેવા દીધું. એ થોડા શાંત થયા પછી એમણે સામેથી જ વાત કરવા નું શરૂ કર્યું.
“ મારુ નામ મોહન પટેલ છે. હું મુળ ગોમટા નો.મારા બાપુ ને અમારા ઘરના ખેતર અને વાડી. બાપુ ને મને ભણાવવાની ઇચ્છા હતી એટલે હું એ વખતે મેટ્રીક પાસ..થયો પછી ખેતીવાડી માટે માણસો રાખી ને મે જેતપુરમાં કાપડની પ્રીન્ટીંગ નુ કામ ચાલું કર્યું ખુબ સારું ચાલ્યુ અને પૈસા પણ ખુબ કમાણો. એક દિકરો અને એક દિકરી હતાં. દિકરી ને ચૌદ વર્ષની વયે ઝેરી કમળો થવાથી એને ખોઇ બેઠા પછી એક માત્ર આધાર દિકરો હતો. ખુબ પ્રેમ થી મોટો કર્યો. ભણવા ફોરેન જવું હતું.પણ એની માં ના પાડતી હતી..મેં એને માંડ માંડ મનાવી ને એને ભણવા પણ મોકલ્યો બધું સારું હતું..ત્યા જઈને એ ફરી ગ્યો. એને પાછાં આવવું નહતું. અમે એ પણ સ્વીકાર્યું. છોકરી પણ અમારી નાત ની. પણ ત્યા જ મોટી થયેલી લગન પછી એક વાર આયવા ને ..પછી.. ..પછી.. “
વાત કરતાં કરતાં ફરી એમના ગળાં મા ડૂમો ભરાઇ ગયો. જાણે બોલતાં બોલતાં એ પોતાની આખી જીંદગી રીવાઇન્ડ કરી ને એક ફિલ્મ ની જેમ જોઇ રહ્યા હોય. એ ફરી જીવી રહ્યા હોય એમ. એમની નજરો સામે બધું તરવરી રહ્યુ હતું..વળી આંખો ના ખુણા લૂછતાં વાત આગળ ચલાવી.
“ બંને એકવાર ફક્ત પગે લાગવા આવ્યા. બસ પછી સીધા હમણા આવ્યા 2 અઠવાડિયા પહેલાં. અને મારી દશા તો તમે જોઇ રહયાં છો. “
મોહનભાઈ નતમસ્તક બેસી રહ્યા . હવે આગળ કંઈ બોલી શકે એમ પણ ન હતાં. હર્ષવદન ભાઇ એમના ખભા પર હાથ મુકી એમને સાંત્વના આપી. હવે આશ્રમમાં થી માણસ આવીને રુમમાં બીજો પલંગ પણ નાખી ગયો હતો. અને રાત્રે મોડુ પણ થયું હતું.ઉંઘ તો આવે તેમ હતી નહીં બંન્ને માથી કોઈ ને. પણ છતાં ઉઘ માત્ર એક ઢોંગ ની જેમ ઓઢીને બંને પડી રહયાં. અને પછી અમુક કલાકો ની નિરાશા પછી ફરી જીવન ને આનંદમય બનાવવાં ની તક ભગવાને આપી.પરોઢ થઈ. મોહનભાઈ ઉઠીને નાહીને તૈયાર હતાં. હર્ષવદન ભાઇ પણ ઉઠીને તૈયાર થઈ ગયા. નિયમ પ્રમાણે સવારે આઠેક વાગે ડાઇનિંગ હોલ મા સવારનો નાસ્તો પીરસાય જતો . એ પહેલાં યોગ કલાસ અને મંદિર મા આરતી થતી. પણ હર્ષવદન ભાઇ એ પહેલાં સવારે ગાર્ડનમાં વોક કરતાં એટલે મોહનભાઈ ને પણ સાથે લઇ ગયાં . મોહનભાઈ એ પણ હવે હકીકત સ્વિકારી લીધી હતી. પણ હજુ અંતરનો ઘાવ ભરાતા વર્ષો નિકળી જાય એમ હતું. બંને જણાં વોક કરીને યોગ માટે ગયાં અને ત્યાથી આરતીમાં.. પછી સવારે ડાઇનીંગ હોલ મા હેમંતભાઈ એ આશ્રમનાં બીજા સભ્યો સાથે એમની ઓળખાણ કરાવી. પછી બધાં છૂટા પડ્યા. મોહનભાઈ એમજ બહાર ગાર્ડનમાં બાંકડા પર બેઠાં હતાં. હર્ષવદન ભાઇ ફરી એમની બાજુમાં જઇ ને બેઠાં અને પોતાનાં મોબાઇલમાં જોઇ રહ્યા હતાં.
“ કેમ...કોઈ ના ફોનની રાહ જોઇ રહ્યા છો?..”
સહેજ નજર ત્રાંસી કરતા મોહનભાઈ એ પુછ્યુ..
“ હે...! ..હ.હહ.. આઆ..”
થોડો ધીમેથી હર્ષવદન ભાઇ એ જવાબ આપ્યો .
“ કોના ફોન ની ? કોઈ ઘરનું? “
મોહનભાઈ એ ફરી સવાલ કર્યો.
“ આ..મ તો બે વ્યક્તિ ના ફોન ની રાહ જોઉં છું.. કોઈ એક નો ફોન આવે તો પણ..”
“ ઓ હો...તો હજું તમારી જીંદગી મા બે વ્યક્તિ એવી છે જેમના ફોન ની રાહ રહે ? “
મોહનભાઈ એ થોડા આશ્ચર્ય થી પુછ્યુ.
“ હા..આમતો પહેલા એકજ હતું પણ ગઈકાલ થી બે છે..”
હર્ષવદન ભાઇ હસતા હસતા કહ્યું
“ કંઈ ..સમજાયું નહી..”
“ સમજવાં જેવું છે પણ નહી બહુ સરળ છે. હું થોડા દિવસ પહેલાં અહી આવ્યો ત્યારે ખુબજ દુખી હતો. મને પણ મારો દિકરો જ અહીં મુકી ગયો છે . “
“ અહહહ .. મારી જેમજ ને? “
મોહનભાઈ નિસાસો નાખતાં બોલ્યા.
“ ના.. ના જરાપણ નહી. “
આશ્રમ આવ્યા પછી પહેલી વાર હર્ષવદન ભાઇને દિકરા માટે થોડું માન થયું હતું. કે ગમેતે હોય પણ મારો દિકરો આમ અંતરીયાળ તો મને નથી મુકી ગયો. એ ફરી બોલ્યા..
“ ના ..મારો દિકરો તો ખુદ મને અહીંયા મુકી ગયો છે. વળી મારી મીલ્કત નો એક રૂપીયો એણે લીધો નથી.હંમેશા કહેતો ક પપ્પા તમે મને ભણાવ્યો એજ મોટુ સુખ મારે બીજું કાંઈ ના જોઈએ. છતાં અહી આવ્યા પછી મેં અહી લોકોને બહુ હેરાન કર્યા છે . પણ ગઇકાલે એક છોકરીએ મારી સાન બરાબર ઠેકાણે લાવી. ..અંતે છેલ્લે જતાં જતાં એ મારી દોસ્ત બની ..આમતો એ બપોર પછી આવે છે પણ મે એને મારો નંબર આપ્યો હતો તો કદાચ મારા દિકરા સિવાય એ પણ ફોન કરી શકે..દિકરો તો રોજ એકવાર ફોન કરે છે. પણ હવે આ દિકરી ના ફોનની પણ....”
આટલું બોલીને એ અચાનક અટકી ગયાં મોહનભાઈ એકદમ શૂન્યમનસ્ક એમને જોઈ રહયાં હતાં..
“ મોહનભાઈ શું થયું? “
“ કંઈ નહી ભાઇ બસ કંઈ યાદ આવીગયુ . બાર દિવસ પહેલાં મારો દિકરો વહુ આવ્યા એમના દિકરા અને દિકરી ને લઇને. મને થતું મારા થી વધુ નસીબદાર કોઈ નહી હોય મોડી પણ દિકરા ને લાગણી તો થઇ. પત્ની ગુજરી એને ચાર વર્ષ થયાં. હું એકલો જ હતો. પણ અચાનક એમને બાપ માટે લાગણી જન્મી અને બંને પોતાનાં બાળકો સાથે આવ્યા મને ખુબ પ્રેમ આપ્યો. વહુ દિકરો પપ્પા..પપ્પા કહેતા થાકતા નહી.પછી મને સાથે યુએસએ લઇ જવા મનાવ્યો. મકાનનો સોદો કર્યો. પાંચ..પુરા પાંચ કરોડ આવ્યા એ મકાનનાં..રાજકોટ ગોંડલ રોડ પર મે એ બંગલો લીધેલો. છેલ્લા વર્ષોમાં હુ ને મારી પત્ની ત્યા રહેતાં હતાં. મેં મૂર્ખાઈ કરી એમનો ઇરાદો હું..જાણી ન શકયો..ગઇ કાલે રાતની ફ્લાઇટ હતી અમારી .છેલ્લે જતા પહેલાં બાપા ના દર્શન કરતાં જઇએ એવું કહીને મને બાપા ના ભરોસે મુકી ને નીકળી ગયાં..અરે એકવાર કીધું હોત ને કે પપ્પા મકાન વેંચી ને પૈસા અમને આપી દો તો હું આપી દેત પણ આટલી મોટો ઘાવ ઉંમરના આ પડાવમાં એ આપતો ગયો. “..
મોહનભાઈ ની આંખો ફરી ભીની થઈ ગઈ.
“ અરે... છોડો એ બધાંને ગોળી મારો ..ભગવાન નો પાળ માનો કે આ ઉમરે પણ આપણને છેક સુધી સાથ નિભાવનારા મિત્રો મળ્યાં.. આપણે તો હવે એકબીજાં સાથે રહેવાનું અને મોજ કરવાની...”
હર્ષવદન ભાઇ જાણે આજે કંઈ અલગ જ રંગમાં આવી ગયા હતાં. લાગતું નહોતું કે ગઇકાલ સુધી દિકરા ને મળવાં જે નાટકો રચ્યા હતા એજ હર્ષવદન ભાઇ છે.
આશ્રમની રોજીંદી પ્રવૃતિ જાણવા માટે બંન્ને મિત્રો હેમંતભાઈ ની ઓફિસ માં પહોંચ્યા ત્યા થતી અન્ય પ્રવૃતિઓ જાણી..અને પછી આશ્રમ ના બીજા લોકો સાથે પ્રવૃતિ મા લાગી ગયાં . બપોરે જમવાના સમયે ડાઇનીંગ હોલ મા વ્યવસ્થા મા પણ મદદ કરી .જમી નવરા થયાં પછી બપોરે આરામ ના સમય માં બંને ફરી રુમમાં આરામ કરવા ગયાં..હર્ષવદનભાઇ મોબાઇલ ટેબલ પર મુકી ને હમણા આવું એટલું કહીને બહાર ગયાં. એટલામાં જ એમનો મોબાઇલ રણકયો. પહેલા તો મોહનભાઈ એ ફોન ઉપાડ્યો નહી. પણ પછી જયારે બીજીવાર ફોન આવ્યો ત્યારે એમણે ફોન રીસીવ કર્યો.
“ હ....હહલોઓ.. કો..ઓ.ણ?? .”
એ દબાતા અવાજે બોલ્યા.