નો રીટર્ન – ૨
ભાગ – ૨૪
એભલનાં હાથમાં પકડાયેલી નાનકડી ટોર્ચનો ઝાંખો અજવાશ નાનકડા એવા ગોળાકારમાં કોઇ ઝાંખા ચંદરવાની જેમ ઝરુખાની દિવાલે પથરાઇને અજીબ આભા વિખેરતો હતો. તેનાં ચહેરા પર પ્રોફેસરનો સવાલ સાંભળીને રહસ્યમય મુસ્કાન ઉભરી આવી હતી. આ ઝરુખાની જે ખાસીયત હતી એ બહું થોડાં માણસો જાણતાં હતાં, અને એ થોડાં માણસોમાં પોતે એક હતો તેનું અભિમાન અત્યારે તેને થતું હતું. “ મારી પાછળ હાલ્યા આવો, એ છોકરાને ક્યાં રાખ્યો છે એ તમને બતાવું. “ અંગ્રેજ સાહેબો, ખાસ કરીને પેલી ગોરી મેમ સામે છાકો પાડતાં તેનાં જીગરમાં હરખ સમાતો નહોતો. ટોર્ચનાં પ્રકાશનાં સહારે આગળ ચાલતો તે ઝરુખાનાં ચારેક ફૂટ જેટલાં ઉંચા ઓટલાની પશ્ચિમ દિવાલે આવ્યો અને અટકીને ઉભો રહ્યો. તેણે પ્રકાશનો શેરડો એ દિવાલની નીચેનાં ભાગે સ્થિર કર્યો. એ દરમ્યાન પ્રોફેસરો એભલની પાછળ આવીને ઉભા રહી ગયા હતાં. તેમની આંખો ઝાંખા પ્રકાશમાં રેળાતા ગોળાકાર ઉપર મંડાયેલી હતી. અને એકાએક... તેમની નજરો આશ્ચર્ય મિશ્રિત ભાવથી પહોળી થઇ. ઝરુખાનાં ઓટલાની દિવાલમાં એક દરવાજો દેખાતો હતો. માત્ર બે ફૂટ પહોળો, સિંગલ ફટકામાં ખુલતો એ દરવાજો કોઇ જાણભેદુને જ, અથવા તો બહું ધ્યાનથી જૂઓ તો જ દેખાય એવો, ઝરુખાની દિવાલમાં ભળી ગયો હોય એવા રંગનો હતો.
એભલ આગળ વધીને દરવાજા નજીક પહોંચ્યો અને અંધારામાં જ હાથ ફંફોસી ક્યાંક કશીક કરામાત કરી. “ ખટ્ટ.. “ કરતો એક ઝીણો અવાજ થયો અને દરવાજો આપમેળે જ થોડો ખૂલ્યો. એ રચનાં અજીબ હતી. ઝરુખાની નીચે એક ભોયરું બનેલું હતુ. એક નાનકડી અમથી રૂમ જ જોઇ લો. ઝરુખાનું નિર્માણ જે સમયમાં થયું હશે ત્યારે જ કદાચ આ ભોયરાં જેવી રૂમ બનાવવામાં આવી હશે. તેમાં કોઇક ગણતરી ચોક્કસ હોવી જોઇએ. વર્ષો પહેલાં જ્યારે આ ઝરુખો બનાવાયો હશે ત્યારે આ તરફનો સમગ્ર વિસ્તાર કદાચ જંગલ વિસ્તાર હશે. ઇન્દ્રગઢનાં રાજ પરીવારમાંથી અહીં સહેલગાહે અથવા શિકારે આવતાં રાજવીઓનાં રાત્રી રોકોણ માટે આ ભોયરાંનો ઉપયોગ થતો હશે, અથવા તેમનો વધારાનો સામાન આ ભંડકીયામાં મુકાતો હોવો જોઇએ. કોઇ નહોતું જાણતું કે આ ભોયરું ક્યા ઇરાદાથી બનાવાયું હતું. ખેર...એ જે પણ કારણ હોય, પરંતુ અત્યારે તો એભલે હોસ્પિટલેથી રાજનને ઉંચકી લાવીને આ ભંડકીયામાં પૂર્યો હતો, અને હવે તે અંગ્રેજ પ્રોફેસરોને અહીં લઇ આવ્યો હતો.
ભંડકીયાનો દરવાજો લંબાઇ અને પહોળાઇમાં માત્ર એક વ્યક્તિ જઇ શકે એટલો સાંકડો હતો. દરવાજો ખૂલતાં જ સીધા પગથીયા સ્ટાર્ટ થતાં. એભલે તેનું માથું નમાવ્યું અને ગોઠણેથી પગ વાળી સાવધાનીથી અધૂકડો થતાં અંદર ઘૂસ્યો. પછી બેટરીનો પ્રકાશ દરવાજા તરફ નાંખી પ્રોફેસર થોમ્પસનને અંદર આવવામાં મદદ કરી. થોડીવારમાં તે ચારેય વ્યક્તિઓ દાદર ઉતરીને ભોયરાંમાં પહોંચી ચૂકી હતી.
***
રાજનનું હદય ફફડતું હતું. તેનાં કાને પહેલાં કંઇક વિચીત્ર અવાજો સંભળાયા હતા. જાણે ઘણા બધાં માણસો એકસાથે તેની આસપાસ આવી ચડયા ન હોય એવા અવાજો..! પછી એકાએક નાનકડો પ્રકાશ પુંજ તેનાં ચહેરા ઉપર આવીને સ્થિર થયો. ઘણાં લાંબા સમયથી અંધકારમાં રહેલી તેની આંખો એ પ્રકાશ પુંજથી અંજાઇ ઉઠી. આપોઆપ જ તેનાં હાથ એ પ્રકાશને ખાળવા અધ્ધર ઉંચકાયા હતા અને ચહેરાની આડા ગોઠવાયા હતા. તે કઇ જગ્યાએ હતો અને તેની સાથે શું ઘટી રહયું છે એ ખરેખર તે સમજી શકતો નહોતો. ઉંચા સાદે ક્યારેય કોઇની સાથે વાત પણ ન કરનારો રાજન અચાનક તેની ઉપર આવી પડેલી મુશ્કેલીઓથી ધરબાઇ ગયો હતો. તેનું જીગર એક અજીબ પ્રકારનાં ડરથી ફફડતું હતું.
પ્રકાશનો પુંજ હજુંપણ તેનાં ચહેરા ઉપર સ્થિર હતો. એ સિવાય ત્યાં કમરામાં એક વિચિત્ર પ્રકારની ખામોશી છવાયેલી હતી. આવનારાં આગંતુકોમાંથી કોઇ કંઇ જ બોલતું નહોતું. થોડી ક્ષણો એવી જ ખામોશીમાં વીતી, અને પછી જાણે એ લોકોએ આપસમા મસલત કરી હોય એમ એક વ્યક્તિ આગળ વધ્યો. એ પ્રોફેસર થોમ્પસન હતો.
“ હેલ્લો મિ. રાજન, તમને અહી લાવવા બદલ હું ક્ષમા ચાહું છું, પરંતુ મારે...એટલે કે અમારે એ જાણવું હતું કે તમે પેલી છોકરીને શું આપ્યું હતુ..? “ એકદમ અંગ્રેજ શિષ્ટાચાર ભરેલી જબાનમાં તેણે પુંછયું. આ તો એવી વાત થઇ જાણે બકરાને કસાઇ વાડે લાવીને તેની આગતા-સ્વાગતા કરવામાં આવે.
પરંતુ...રાજન ચોંકી ઉઠયો. આ અવાજ તેણે આ પહેલાં પણ ક્યાંક સાંભળ્યો હતો. અંગ્રેજી ઉચ્ચારો સાથે બોલાતું ભાગ્યું-તૂટયું ગુજરાતી તેનાં કાનોમાં ગુંજતું રહયું. ઓહ યસ્સ...! એકાએક તેને ઝબકારો થયો. આ તો પેલાં વિદેશી મહેમાનોમાંથી કોઇ છે, જેને તેનાં પિતાજીએ જ રાજમહેલમાં ઉતારાની વ્યવસ્થા કરી આપી હતી. ઓહ..તો આ લોકોએ મારું અપહરણ કર્યું છે..? પણ શું કામ..?
“ છોકરી...? કઇ છોકરી...? “ તેને પ્રશ્ન સમજાયો નહી.
“ અજાણ્યા બનવાની જરુર નથી. પેલી શોર્ટ હેર બ્યૂટીફૂલ ગર્લ. જે લાઇબ્રેરીમાં આવી હતી. અને તેં એક ખાખી કવર તેને આપ્યું હતુ. શું હતું એ કવરમાં.? “
“ ઓહ...એ છોકરી...! “ રાજનને એકાએક યાદ આવ્યું. “ એ યુવતિ તો ધણાં દિવસોથી આવતી હતી. તેને કશુંક જોઇતું હતું. મને આજીજી કરતી હતી કે હું તેને એ શોધી આપુ. આખરે કંટાળીને મેં તેને લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાંથી એક બહું જ જર્જરીત હાલતમાં હતો એવો જૂનો પુરાણો કેમેરો શોધી આપ્યો હતો. “
“ કેમેરો...!? શું હતું એ કેમેરામાં..? “
“ મને શું ખબર..! “
“ તેં પુંછયું નહીં...? આઇ મીન, એ કેમેરો કોનો હતો, અને તેનું શું કામ પડયું એવું પુંછયું તો જ હશે ને...! સ્ટોરરૂમમાં એ ક્યાંથી આવ્યો, આટલી જૂની ચીજની તેને કેમ જરૂર પડી..? અચ્છા, બીજુ કોઇ હતું તેની સાથે..? “ પ્રોફેસરે ઘણાબધાં પ્રશ્નો એકસાથે પુંછી નાંખ્યા. કેમેરાની વાત સાંભળીને તેનાં કાન ચમકયા હતાં.
“ મેં પુંછયું હતું પણ તેણે કહયું નહી. પહેલી વાર તે લાઇબ્રેરીમાં આવી ત્યારે મેં બહું ભાવ આપ્યો નહોતો.પરંતુ પછી લગાતાર, લગભગ દરરોજ તે આવતી હતી અને મને વિનંતી કરતી હતી કે ગમે તેમ કરીને હું એ કેમેરો શોધવામાં તેની મદદ કરું. મેં પૃચ્છા પણ કરી કે એવું શું અગત્યનું છે એ કેમેરામાં..? અને તેણે મને કહયું પણ હતું. શું કહયું હતું...? ” રાજન મગજ ઉપર ભાર દઇને વિચારમાં ખોવાયો. “ ઓહ યસ્સ...! તેનાં દાદા...કે પછી...એક મિનીટ, વિચારવા દો મને. ચોક્કસ તો અત્યારે યાદ નથી પરંતુ તેણે દાદાનું નામ લીધું હતુ. તેનાં દાદા અથવા બીજા કોઇનાં દાદા...! પણ એ મતલબનું જ કંઇક તે બોલી હતી. મેં પણ કંટાળીને આખરે સ્ટોરરૂમમાં ખાંખાખોળા કરી એ કેમેરો તેને શોધી આપ્યો હતો. આમ પણ વર્ષોથી સ્ટોરરૂમમાં મુકાયેલી ચીજવસ્તુઓનો કોઇ ખપ નહોતો. પિતાજી વિચારતાં જ હતા કે એ બધું ભંગારમાં આપી દેવુ. એટલે મને એ કેમેરો આપવામાં કોઇ વાંધો જણાયો નહોતો. “
“ ઓહ...! એ છોકરી અત્યારે ક્યાં હશે..? “
“ નથી જાણતો. મને એ જાણવાની જરૂર પણ લાગી નહોતી, એટલે પુંછયું પણ નહોતું. “
“ યુ બ્લડી ડોંકી...! “ પ્રોફેસર રાજન પાસેથી ઉભા થતાં ભૂંડી ગાળ બોલ્યો અને પછી અંધારાંમાં જ પગ ઉછાળીને એક લાત રાજનનાં ઢગરા ઉપર ઠોકી. તેને જબરી ખીજ ચડી હતી. “ સાલા આવા જ ભર્યા પડયા છે અહીં. તારી માં શું કરવા એ બધું કરતી હતી એ તો જાણવું હતુ. બસ..છોકરી જોઇ નથી કે હાલી નિકળ્યા છો મદદ કરવા. “ તે ખરેખર ધૂઆપુંઆ થઇ ઉઠયો હતો. જો રાજન સાચુ બોલતો હોય તો હવે તેની પાસેથી વધું જાણકારી મળવાની કોઇ શક્યતા નહોતી. હવે તો એ છોકરી હાથવગી થાય, અથવા તો જે કેમેરો લઇને તે ભાગી હતી એ મળે તો આગળ વધી શકાય એમ હતું. ઘોર નિરાશાથી થોમ્પસને માથુ ધૂણાવ્યું અને તે ગહેરા વિચારમાં ખોવાયો.
અને....સાવ એકાએક જ એક વિચાર વિજળીનાં ઝબકારાની જેમ તેને ઉદભવ્યો. “ ક્લારા, તારી ડાયરી લાવ તો..! “ ક્લારા તરફ હાથ લંબાવતા તે બોલ્યો. ક્લારાને સમજાયું નહી કે પ્રોફેસર શું કરવા માંગે છે. તેણે પોતાની પીઠ ઉપર ભેરવેલો થેલો નીચે ઉતાર્યો અને એભલનાં હાથમાંથી બેટરી લઇ...થેલામાંથી પોતાની રોજનીશી બહાર કાઢી પ્રોફેસરને આપી.
“ ટોર્ચની રોશની કર આ બાજું...” તેણે ક્લારને ઉદ્દેશીને કહયું. અને પછી રોજનીશીનું એક કોરું પાનું ખોલી રાજનનાં હાથમાં પકડાવ્યું. “ હું કહું એમ લખતો જા...”
પછી તે બોલતો ગયો એમ ફફડતા જીવે રાજન કોરા પાનાં ઉપર શબ્દો પાડતો ગયો.
***
બપોરનાં લગભગ અગીયાર વાગ્યે કનૈયાલાલ દિવાન રાજમહેલે આવ્યાં હતા. સવારનો ભારેખમ નાસ્તો પતાવ્યાં બાદ આરામથી હું હિંડોળે હિંચકતો બેઠો હતો. અહીં આવ્યા બાદ એકાએક જાણે બધું શાંત પડી ગયું હોય એવું હું અનુભવતો હતો. મારો માનસીક પરિતાપ હવામાં ઉડતાં વરસાદી ફોરાની જેમ હળવો થયો હતો. અહીં કોઇ ખોટી ભાગદોડ નહોતી. બધુ એકદમ શાંત અને સૂકૂન ભર્યુ અનુભવાતું હતુ. રાજમહેલમાં કામ કરતાં બાશિંદાઓનાં ચહેરા ઉપરનું તેજ ખરેખર જોવા જેવું હતુ. અચાનક તેમનાં રાજકુંવરને અહી આવી ચડેલા જોઇને તેમનો હરખ સમાતો નહોતો. ભારે ઉમળકાથી તેઓ મારો પડયો બોલ જીલવા આતુર જણતાં હતા. કોઇ જ ખોટા આડંબર કે કુત્રિમ દેખાડા વગર તેઓ જીવતાં હતા એ જોઇને મને પણ પણ આનંદ ઉદભવતો હતો. ગામડાનાં લોકો અને ગામડાનું જીવન આટલું આનંદદાયક હશે એની પ્રતિતિ મને પહેલી વખત થઇ રહી હતી. એક ક્ષણ પુરતી હું અનેરીને પણ ભુલી ગયો હતો જેનું આશ્ચર્ય મને હતું.
દિવાન સાહેબ સીધા જ મારી પાસે આવ્યા હતા અને કમરેથી થોડા ઝૂકીને તેમણે પ્રણામ કર્યા. હિંડોળો પગેની ઠેસથી રોકીને હું નીચે ઉતર્યો અને મેં પણ તેમને સામા પ્રણામ કર્યા. એક નજરમાં જ મને જણાઇ આવ્યું કે દિવાન સાહેબનો ચહેરો મુરજાયેલો છે. જે ઉત્સાહ અહીંનાં બીજા લોકોનાં ચહેરા ઉપર છલકાતો હતો એ ઉત્સાહની સદંતર કમી તેમનાં ચહેરા ઉપર વરતાઇ. તેઓ કોઇ જબરા મનોમંથનમાં હોય એવુ પ્રતિત થતું હતુ.
“ નમસ્તે કુંવર સા...! મને મહારાજ સા નો ફોન આવ્યો હતો. તેમણે તો જણાવ્યું હતું કે આપ બન્ને સાથે પધારવાનાં છો..! “ દિવાન સાહેબે નજરો ઢાળી રાખતાં જ પુંછયું.
“ જી...આપની વાત યોગ્ય છે. એવું જ નક્કી થયું હતું, પરંતુ હું એક દિવસ વહેલો ફ્રિ થઇ ગયો એટલે મારી રીતે નિકળી પડયો. પિતાજી કદાચ કાલે આવશે..” નજર તેમનાં ચહેરા ઉપર જ ખોડેલી રાખીને મેં જવાબ આપ્યો. આ અમારી પહેલી મુલાકાત હતી છતાં મને તેમનો ઉદ્વેગ સમજાતો હતો. જેનો જુવાનજોધ દિકરો આમ અચાનક ક્યાંક ગાયબ થઇ જાય એ બાપની હાલત કેટલી નાજૂક હોય એ મને સમજાતું હતુ.
“ તમે અહીં બેસો, મારી બાજુમાં..” મેં તેમનો હાથ પકડયો અને હિંડોળા ઉપર મારી બાજુમાં તેમને બેસાડયા. અપાર સંકોચ સાથે તેઓ બેઠા. “ રાજન વિશે મને સમાચાર મળ્યા. તમે તપાસ તો કરાવી હશે ને..? આમ અચાનક ક્યાં ગાયબ થઇ ગયો તે..? કોઇ વાવડ મળ્યાં..? “
“ જી કુંવર સા....જી નહિં કુંવર સા....” એકાએક જ પ્રશ્ન પુછાયો તેનાથી તેમને બોલવામાં લોચા વળ્યા. કદાચ તેઓ નક્કી નહોતાં કરી શકયાં કે મને શું જવાબ વાળવો. હું સતર્ક થયો.
“ જી....જી નહિં.....! એમાં મારે શું સમજવું. ચોખવટથી કહો તો કંઇક સમજાય. રાજનની કોઇ ખબર મળી કે નહીં..? “
હવે તેઓ ખરેખર મુંજાયા જણાતાં હતાં.
“ કુંવર સા...! આપ આજે જ પધાર્યા છો. થોડો આરામ કરો. હું અને અહીંની ચોકીનાં ઇન્સ્પેકટર ઇકબાલ ખાન, અમે બન્ને રાજનની ભાળ મેળવવા રાત-દિવસ એક કરી રહયાં છીએ. જવાન છોરું છે, કદાચ એની મેળે ક્યાંક ચાલ્યો ગયો હશે. આપ ચિંતા ન કરો, તે સાંજ સુધીમાં પાછો આવી જશે એની મને ખાતરી છે.” તેઓ એવી રીતે બોલ્યા જાણે તેમને પુરતી ખાતરી હોય કે રાજન સાંજ સુધીમાં પાછો આવી જ જશે..! અને આવી ખાતરી માણસને ત્યારે જ હોય જ્યારે તે એ વિશે કશુંક જાણતો હોય. મને તેમની વાતોમાં ભેદભરમ વર્તાયો. મતલબ કે રાજન ક્યાં છે એ દિવાન સાહેબ જાણે છે...!! જો તેઓ જાણતા હોય અને મને જણાવવા માંગતા ન હોય તો એનો મતલબ એ થયો કે રાજનનો જીવ ખતરામાં છે. અથવા તો...ઓહ ગોડ... એક ભયાનક કલ્પના મારા દિમાગમાં ઉદભવી. હું રીતસરનો ધ્રુજી ઉઠયો. મને તેનો સીધો અને સપાટ એક જ અર્થ સમજાતો હતો કે રાજનને કોઇક ઉઠાવી ગયું હશે અને અત્યારે તેને છોડવા કશીક સોદાબાજી ચાલતી હશે. આવું ન સમજવાને મારી પાસે કોઇ કારણ નહોતું. દિવાન સાહેબનો ચહેરો સ્પષ્ટ ચાડી ખાતો હતો કે તેઓ ભયાનક દુવિધામાં અટવાયેલા છે, અને જો હું અચાનક અહીં આવી ચડયો ન હોત તો કદાચ તેઓ રાજમહેલ આવ્યા પણ ન હોત.
એકાએક મને તેમનાં પ્રત્યે સહાનુભૂતી જાગી. કનૈયાલાલ બિશ્નોઇ અને તેમનો પરીવાર પેઢી દર પેઢીથી ઇન્દ્રગઢની પુરી ઇમાનદારીથી સેવા કરતો આવ્યો છે. મારા દદા અને પિતાજીનાં અહીંથી ગયા પછી સમગ્ર ઇન્દ્રગઢનું વ્યવસ્થિત સંચાલન તેમનાં માથે જ રહયું છે, જે તેમણે બખૂબી સારી રીતે નિભાવ્યું હતું. હવે જ્યારે તેમની પોતાની ઉપર કોઇ મુસીબત આવી પડી હોય ત્યારે ઇન્દ્રગઢનાં એક રાજવી તરીકે હું કેમ પીછેહઠ કરી શકું..! મારી ફરજ બનતી હતી કે હું, અને આ સમસ્ત રાજ્ય તેમની પડખે ઉભું રહે.
ધીમે હિંચોળાતા હિંચકાને પગનાં ટેકણથી સ્થિર કરીને હું તેમની સન્મૂખ થયો. ગોઠણ ઉપર ટેકવાયેલાં તેમનાં કરચલીવાળા હાથ ઉપર મેં મારો હાથ મુકયો. એ હાથમાં સધિયારાની ભાવના હતી. દિવાન સાહેબે નજર ઉંચકી મારી સામું જોયું. અને...એકાએક તેમની આંખોમાં ઝાકળ ઉભરાયું. જમાનો ખાધેલ એક ભડભાદર આદમી આજે ઢીલો પડતો જણાયો.
સસ“ ક્યાં છે એ ચીઠ્ઠી..? “ મેં સીધુ જ પુંછયું.
કનૈયાલાલ ચોંકયા. તેમને મારો પ્રશ્ન સમજાયો નહિં.
“ મને દેખાડો એ જાસા ચીઠ્ઠી જેમાં રાજન વિશે સોદાબાજી કરવામાં આવી છે..”
( ક્રમશઃ )
( મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વંચાવજો. આભાર )
લેખકઃ- પ્રવિણ પીઠડીયા
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..
નસીબ.
અંજામ.
નગર.
આંધી. પણ વાંચજો.