ઑક્ટોબર 26, 2017...
ઊગતા દિવસની ખુશનુમા સવારે, ઝાલા છાપું વાંચતા બેઠા હતા. જમણા હાથમાં ચાનો કપ હતો અને છાપું ટેબલ પર પથરાયેલું હતું. એવામાં ફોનની રિંગ વાગી, તેમણે ઘડિયાળમાં જોયું, હજુ સાડા સાત વાગ્યા હતા. ઝાલાએ અનિચ્છાએ ફોન ઉઠાવ્યો અને ડાભીનો જાણીતો અવાજ સંભળાયો, “ગુડ મોર્નિંગ સર. સૉરી ટુ ડિસ્ટર્બ યુ પણ... નેહા પર રાઉન્ડ ધ કલોક નજર રાખવા મેં બે કૉન્સ્ટેબલ તૈનાત કર્યા હતા, બંનેએ વારાફરતી હાજર રહેવાનું હતું. ગઈ આખી રાતથી અરવિંદ સોસાયટીની બહાર ખડે પગે રહ્યો હતો. અડધી કલાક પહેલા તેણે નેહાને તૈયાર થઈને બહાર નીકળતા જોઈ. તે ઑટો પકડીને રવાના થઈ એટલે અરવિંદે તેનો પીછો કર્યો. તે જેતલપુર બ્રિજ પાસે આવેલી બીટા હોટેલમાં પ્રવેશી છે. અરવિંદે મને ત્યાંથી ફોન કર્યો એટલે મેં આપને ફોન કર્યો.”
“મેં નેહાના ફોન ‘રેકૉર્ડ’ કરવાનું કહ્યું હતું. તેમાં ક્યાંય બીટા હોટેલનો ઉલ્લેખ થયો છે ?” ઝાલાએ ચાની ચૂસકી લેતા પૂછ્યું.
“આપણે વાત થઈ ત્યારથી તેના દરેક કૉલ રેકૉર્ડ કર્યા છે, પણ ક્યાંય શંકાસ્પદ વાતચીત કે બીટા હોટેલનો ઉલ્લેખ થયો નથી. કંઈ સમજાતું નથી.”
“બધું સહેલાઈથી સમજી શકાતું હોત તો સાઇકોલૉજીનો સ્પેલિંગ ‘p’થી નહીં, ‘c’ કે ‘s’થી શરૂ થતો હોત. તમે બીટા હોટેલ પહોંચો, હું આવું છું. અને હા, કૉન્સ્ટેબલને કહેજો ત્યાંથી ખસે નહીં, નેહા બહાર નીકળે તો ફરી પીછો કરે.” ઝાલાએ ફોન મૂકી યુનિફોર્મ પહેર્યો અને પોતાના પલ્સર પર બેસી રવાના થયા.
ઝાલા જેતલપુર બ્રિજ પાસે આવેલી ફૉર સ્ટાર બીટા હોટેલ પર પહોંચ્યા ત્યારે ડાભી અને હેમંત આવી પહોંચ્યા હતા. નેહાનો પીછો કરવાનું કામ જેણે કર્યું હતું તે કૉન્સ્ટેબલ અરવિંદ સિવિલ ડ્રેસમાં હાજર હતો. ઝાલાને જોઈ સૌ સાબદા થયા. ડાભીએ કહ્યું, “નેહા હજુ અંદર જ છે.”
“તો રાહ શાની જુઓ છે ? લેટ્સ ગો.”
તે સૌ રિસેપ્શન પર પહોંચ્યા. નમ્રતા અને મીઠાશથી વાત કરવાની તાલીમ પામેલી બીટા હોટેલની રિસેપ્શનિસ્ટે, ઝાલા એન્ડ કંપનીને મધુર અવાજે પૂછ્યું, “સર, હું પ્રિયંકા આપની શું મદદ કરી શકું ?”
ઝાલાએ પોતાનું આઇકાર્ડ બતાવી કહ્યું, “એક યુવતી હમણાં અડધી કલાક પહેલા અહીં આવી છે, એ કયા રૂમમાં ગઈ છે ?”
“યુવતીનું નામ ?” સુંદર પ્રિયંકાએ સ્મિત સાથે પૂછ્યું.
“નેહા મહેતા.”
“સર, રિસેપ્શન પર કોઈ નેહા મહેતાએ પૂછપરછ કરી નથી. મુલાકાતીને હોટેલમાં રોકાયેલા ગેસ્ટના રૂમ વિશે ખબર હોય તો તેઓ અમને પૂછ્યા વિના સીધા ગેસ્ટને મળવા ચાલ્યા જતા હોય છે. આવા સંજોગોમાં અમને મુલાકાતી વિશે માહિતી હોતી નથી. જોકે, હોટેલના દરેક માળ પર, સામસામે આવેલા રૂમની વચ્ચેના પૅસેજમાં કૅમેરા લાગેલા છે. તેથી, કોઈ પણ રૂમમાં પ્રવેશતી અથવા બહાર નીકળતી વ્યક્તિનું રેકૉર્ડિંગ થઈ જાય છે.”
“નેહા હોટેલમાં કેટલા વાગ્યે પ્રવેશી હતી ?” ઝાલાએ અરવિંદને પૂછ્યું.
“સાતને પચીસે. તેણે ક્રીમ કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો, ખભે છીંકણી પર્સ હતું.”
“પ્રવેશ પાસેના કૅમેરાનું સાતને પચીસનું રેકૉર્ડિંગ જુઓ.” ઝાલાએ કહ્યું.
પ્રિયંકાએ તેમ કર્યું, “સર, તેઓ સીધા લિફ્ટ સુધી ગયા છે. પછી કોના રૂમમાં ગયા છે એ જાણવા મારે એ જ સમયનું દરેક માળનું રેકૉર્ડિંગ ચેક કરવું પડશે. એક મિનિટ...” પ્રિયંકા થોડી વાર કંઈક ચેક કરતી રહી અને પછી બોલી, “તેઓ બીજા માળે ગયા છે, રૂમ નંબર 2231માં...”
“એ રૂમ કોના નામે બૂક છે ?”
પ્રિયંકાએ કી-બોર્ડ પર આંગળીઓ ફેરવી, “‘વિશેષ વાસુ’, તેઓ ગઈ કાલે બપોર પછી આવ્યા છે.”
‘તો ઉંદરની બખોલ અહીં છે.’ ઝાલા મનોમન બબડ્યા અને કહ્યું, “રૂમની સ્પેર ચાવી આપો.”
પ્રિયંકા ચોંકી. “સૉરી સર, હું તેમ નહીં કરી શકું. કસ્ટમરની પ્રાઇવસી અમારી પ્રાયૉરિટિ છે. તમારી પાસે સર્ચના કે વૉરન્ટના ઓફિસિયલ પેપર્સ હોય તો બતાવો.”
નજર સામે રહેલા સસલાને ઝપટવા ઊડેલા બાજની પાંખો કપાઈ જાય એમ ઝાલાના હાથ હેઠા પડ્યા. “અહીં નીચે બેસીને વિશેષ કે નેહાની રાહ જોવાનો કોઈ અર્થ નથી. હું તેના રૂમ પર જાઉં છું.” ઝાલાએ પોતાના ત્રણ સાથીદારોને કહ્યું અને પ્રિયંકાને પૂછ્યું, “હોટેલના કયા એરિયા ક્યાં ક્યાં છે એ તો કહેશો ને ?”
“જી સર, જરૂરથી...” તેણે કૃત્રિમ સ્મિત વેર્યું અને કહેવા લાગી, “ગ્રાઉન્ડ ફ્લોર પર વેઇટિંગ લાઉન્જ, સ્વિમિંગ પૂલ અને રિસેપ્શન... ફર્સ્ટ ફ્લોર પર રેસ્ટોરાં તથા બૅન્ક્વેટ... ટૉપ ફ્લોર પર જિમ આવેલું છે. પહેલા માળે અમુક રૂમ છે, પરંતુ ત્યાં હાઉસ કીપિંગનો સામાન રાખવામાં આવે છે. ગેસ્ટને બીજા માળેથી જ રૂમ એલોટ કરાય છે. વેઇટિંગ લાઉન્જમાં પાસપાસે આવેલી બે લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોરને જિમ સાથે જોડે છે. એ સિવાય ઇમરજન્સી માટે પગથિયાં છે જે લિફ્ટની પાછળની બાજુએ આવેલા છે.” ઝાલા ગુનેગારને પકડવા નહીં પરંતુ રૂમ રાખવા આવ્યા હોય તેટલા પ્રેમ અને ખંતથી પ્રિયંકાએ માહિતી આપી, તેણે તેમને હોટેલનો પૉર્ટફોલિયો પણ બતાવ્યો.
“રૂમ નંબર 2231ની બાલ્કની ક્યાં પડે છે ?” ઝાલાએ પૂછ્યું.
“હોટેલની પાછળની બાજુએ.”
પ્રિયંકા સાથેની વાતચીતનો અંત આણી, ઝાલા થોડા દૂર ગયા અને પોતાના સાથીઓ સાથે મસલત કરવા લાગ્યા.
“પગથિયાં કે લિફ્ટનો ઉપયોગ કર્યા વગર વિશેષ ભાગી શકે એમ નથી. રૂમ બીજા માળે છે એટલે તે બાલ્કનીમાંથી કૂદવાની હિમ્મત નહીં કરે. આમેય, વિશેષ ખંધો ગુનેગાર નથી, કદાચ આ તેનો પહેલો ગુનો જ છે.” ડાભીએ કહ્યું.
“ડેબ્યૂ મેચમાં સદી ફટકારતા ઘણા ખેલાડીઓ મેં જોયા છે. આપણે સહેજ પણ બેદરકાર રહેવાનું નથી. હેમંત, તું પાછળની બાજુએ જા, જેથી વિશેષ બાલ્કનીમાંથી કૂદવાની કોશિશ કરે તો તેને ધરી શકાય. અરવિંદ લિફ્ટ પાસે અને ડાભી પગથિયાં પાસે ઊભા રહેશે.”
ઝાલા જાળ બિછાવી બીજા માળે પહોંચ્યા. વિશેષ દ્વારા સામો હુમલો થવાની સંભાવનાઓ નહિવત્ હતી, છતાં તેઓ સાવધાન બન્યા. રૂમ નંબર 2231ના દરવાજા સામે ઊભા રહી તેમણે ડૉર બેલ વગાડ્યો. કોઈએ દરવાજો ઉઘાડ્યો નહીં એટલે ઝાલાએ ફરીવાર સ્વિચ દબાવી. ‘મને ડોર વ્યૂઅરમાંથી જોઈ લીધો હશે ? ખાખી કપડાં જોઈ નિર્દોષ માણસ પણ ડરી જતો હોય છે, જયારે આ તો ગુનેગાર છે.’ ઝાલાને વિચાર આવ્યો. તેમણે વારંવાર બેલ વગાડ્યો પણ કોઈએ દરવાજો ન ખોલ્યો.
ઝાલા ફરીથી લિફ્ટમાં ગોઠવાયા અને ગ્રાઉન્ડ ફલોરનું બટન દબાવ્યું. લિફ્ટમાંથી બહાર નીકળતા ઝાલાને જોઈ અરવિંદ તેમની પાસે ગયો, પણ ઝાલાએ તેને તે જ પોઝિશનમાં ઊભા રહેવા ઇશારો કર્યો. ઝાલા ફરી પ્રિયંકા પાસે ગયા અને રૂમ નંબર 2231માં ફોન જોડવા કહ્યું. પ્રિયંકાએ ફોન જોડ્યો, રિંગ વાગતી રહી, પણ કોઈએ ફોન ન ઉઠાવ્યો.
“મૅડમ, કોઈને રૂમની ચાવી લઈ મારી સાથે મોકલો. મેં ઘણી વાર બેલ વગાડ્યો પણ કોઈ દરવાજો ખોલતું નથી. તમે ફોન કર્યો તો કોઈ ફોન પણ ઉપાડતું નથી. તમે કો-ઑપરેટ નહીં કરો તો મોટી મુસીબતમાં મૂકાશો.” ઝાલાએ મીઠી ધમકી આપી. તેમનો સિધ્ધાંત હતો, ‘સામેવાળાને મનાવી ન શકાય તો તેને મૂંઝવી નાખવો.’
ધમકી સાંભળી પ્રિયંકા ગભરાઈ. તે પોતાના ઉપરીને બોલાવી લાવી. તેમણે ઝાલા સાથે ચર્ચા કરી અને પ્રિયંકા જેવી સુંદર યુવતીને, રૂમ નંબર 2231ની ચાવી આપી ઝાલા સાથે મોકલી. ઝાલા અને તે યુવતી બીજા માળે પહોંચ્યા. હોટેલ સ્ટાફની યુવતીએ પહેલા બેલ વગાડ્યો, દરવાજે નૉક કર્યું અને થોડી વાર રાહ જોઈ.
“અમારે પ્રોટોકૉલ ફૉલો કરવો પડે, કસ્ટમરને અને અમારે બંનેને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે તો હોટેલની પ્રતિષ્ઠા ખરાબ થાય.” એમ કહી યુવતીએ ફરી ડૉર બેલ વગાડ્યો. પણ, ઝાલાની ધીરજનો અંત આવ્યો હતો. તેમણે યુવતીના હાથમાંથી ચાવી આંચકી તેને કી-હોલમાં ભરાવી. લૉક ખૂલતાં જ ઝાલાએ હેન્ડલ ઘુમાવ્યું.
દરવાજો ખોલી બંને અંદર પ્રવેશ્યા. રૂમમાં કોઈ ન હતું. ખૂણામાં ગોઠવાયેલી ટિપોઈ પર કાળા કલરનો થેલો પડ્યો હતો. બેડ પર જેન્ટ્સ નાઇટ ડ્રેસ અને છીંકણી કલરનું લેડીઝ પર્સ પડ્યું હતું. બાથરૂમમાં પાણીનો નળ ખુલ્લો હોય એવો અવાજ આવતો હતો. ઝાલા અને યુવતી બાથરૂમ તરફ સરક્યા. ઝાલાએ બાથરૂમના અધખુલ્લા દરવાજાને ધક્કો માર્યો. જેવો દરવાજો ખૂલ્યો કે અંદરનું દ્રશ્ય જોઈ હોટેલ સ્ટાફની યુવતી ભયંકર ચીસ પાડી ઊઠી. ઝાલા પણ ઘડીભર ચોંક્યા, પરંતુ તરત સ્વસ્થ થઈ ડાભીને ફોન જોડ્યો.
ક્રમશ :