ઢોલ વાગે ને ભગો ભાગે.
ભગલાનાં નામકરણ વિધિ વખતે ભાગલાના ફોઈબા છેક મુંબઈથી આવેલા. આ એવા વખતની વાત છે કે તે વખતે ભણતરનું પ્રમાણ બહું ઓછું હતું, ગામમાં ખેતીનાં કામમાં કે અન્ય કામમાં માણસોની બહું જરૂર પડતી એટલે માબાપ ભાગ્યે જ પોતાનાં સંતાનોને ભણાવતા. તે સમયે ભગલાનાં ફોઈબા સાત ચોપડી ભણ્યા હતા. ત્યારે સાત ચોપડી ભણવાવાળા ગામનાં બીજા બે છોકરા હતા, ભગલાની ફોઈએ તે સમયે સાત ચોપડી ભણીને પોતાના નામનો ગામમાં ડંકો વગાડી દીધેલો. ગામનાં સાત ચોપડી ભણેલ બંને છોકરાને તેઓ જે શાળામાં ભણતા હતા તે જ શાળામાં શિક્ષકની નોકરી મળી ગઈ. ભગલાની ફોઈને પણ પોતાના જ ગામમાં શિક્ષિકાની નોકરી મળી જાત. પણ બાજુનાં ગામનાં અને છેક તે વખતથી મુંબઈ રહેતા મૂળચંદ શેઠની નજર ભગલાનાં ફોઈબા લક્ષ્મી પર નજર પડી. મૂળચંદ શેઠે લક્ષ્મીનું હીર પારખી લીધું અને પોતાનાં મોટા પુત્ર જોડે લક્ષ્મીનાં ઘડિયા લગ્ન લેવડાવ્યા. ફોઇબાએ પોતાનાં ભત્રીજાનું નામ ભાર્ગવ પાડ્યું. ભગલાની ફોઈ લક્ષ્મીના લગ્ન લેવાયાનાં બે વર્ષ બાદ ભગલાનો જન્મ થયો હતો અને ભગલાની ફોઈ છેક મુંબઈથી પોતાને વતન આવ્યા હતા. તેમણે પોતાના ભત્રીજાનું નામ તે વખતે ફેશનેબલ ગણાતું એવું ભાર્ગવ રાખ્યું. મોટા ભાગનાં ગામ લોકો અભણ હતા, તેમને આવું ફેશનેબલ નામ બોલતા ફાવતું નહિ, અને સહુએ ભાર્ગવને ભગલો કહેવાનું શરુ કર્યું ધીરે ધીરે ભગલો નામ પણ લાબું લાગ્યું એટલે તે ટૂંકાવી ભગો કરી નાખ્યું.
હજુ ભાર્ગવ નામ ગામ લોકોને મોઢે ચડે તે પહેલા ભગલાની મમ્મીનું નાની બિમારીમાં અવસાન થઇ ગયું અને ભગલો નમાયો થઇ ગયો. ભાર્ગવ જેવા સુંદર નામનું ગામ લોકોએ સત્યાનાશ વાળી નાખ્યું અને બોલવામાં સહેલું પડે તેવું નામ ભગલો કરી નાખ્યું, તેમાંથી પણ નામ ટૂંકાવીને ભગો કરી નાખ્યું. ભાર્ગવ હજું માંડ બીજા ધોરણમાં આવ્યો ત્યાં તો તેનાં બદનસીબે તેનાં પિતાનું પણ અવસાન થઇ ગયું. હવે તો ભગલાને ઉપર આભ અને નીચે ધરતીમાતા આ બે નો જ સહારો રહ્યો. જો કે ભગલાનાં નસીબ સાવ ફૂટી નહોતા ગયા. તેનાં કાકાએ તેને પાંખમાં લીધો. ભગાના કાકાને સારો એવો વસ્તાર હતો, વળી ભગાના કાકીનો જીવ ટૂંકો. કાકા તો એવું ઇચ્છતા હતા કે ભાર્ગવ ભણે તો સરકારી નોકરી મળે અને તેનું જીવન સુખી થાય. પણ ભાર્ગવ એટલે કે ભગલાની કાકીને તો ભગલો ભારરૂપ લાગ્યો, કાકીને પણ સંતાનો હતા અને આવી કારમી મોંઘવારીમાં ભગલાનું પણ પેટ ભરવાનું? આવું તો ન પોસાય.
ભગલાનાં કાકી ભગલા પાસે ઘરનાં બધા જ કામ કરાવવા લાગ્યા. રાતે ઘરનાં દરેક વ્યક્તિની પથારી બિછાવવી અને સવારે પથારી સંકેલી લેવી. ઘરમાં જોઈતી ચીજ વસ્તુઓ દુકાનેથી લઇ આવવી. અને ખેતરમાં મજૂરી પણ કરવાની. ભગલો પણ મોઢાનો મોળો, કોઈ વાતનો વિરોધ જ ન કરે, તેની કાકી જેટલું કામ આપે તે બધું ગધેડાની જેમ કર્યા કરે. ભગલો ભણ્યો પણ નહિ, તેને કોઈએ સંસારમાં કેવી રીતે જીવવું તે પણ સમજાવ્યું નહિ. ઉપરથી બુદ્ધિનો બારદાન. એક વાર તેના કાકા પોતાનાં ઘરમાં એક વધારે રૂમનું ચણતર કરાવતાં હતા. અને તે રૂમમાં બે બારી મુકવાની હતી જેની ખાલી જગ્યા ( બારસાખ ) કડિયાએ રાખેલ. હવે તે માપની બારી સુથાર પાસે બનાવડાવવાની હતી. તાકડે સુથાર પાસે બહું કામ હતું એટલે તેણે ભગલાનાં કાકાને કહેવડાવ્યું કે મને બારીનું માપ આપી જાઓ તો સમય બચે અને કામ પણ જલ્દી થાય.
ભગલાનાં કાકાને બીજા કામો હતા એટલે તેણે ભગલાને બારીનું માપ સુથારને આપી આવવા કહ્યું. કાકાએ સમજાવ્યું નહિ કે મેઝર ટેપથી માપ લેવાનું. ભગલાએ બે હાથથી બારીનું માપ કાઢ્યું. અને બન્ને હાથ પહોળા કરીને સુથાર પાસે બારીનું માપ દેવા ગયો. રસ્તામાં એક બે જણાએ ભગલાને ટોક્યો પણ ખરો કે આમ બે હાથ પહોળા કરીને ક્યાં જાય છે? પણ ભગલાએ માપમાં ફેરફાર ન થઇ જાય એટલે જવાબ ન આપ્યો. અને સીધો જ સુથારનાં ઘેર પહોંચ્યો. સુથાર બોલ્યો બારીનું માપ લાવ્યો? ભગાએ માથું હલાવી હા કહી. સુથારે પૂછ્યું કયાં છે? માપ. ભગાએ પોતાનાં પહોળા હાથ કરી બતાવ્યા. સુથાર ખિજાયો, આવી રીતે માપ ન લેવાય. પણ ભગો એકનો બે ન થયો એટલે સુથારે પણ ભગાએ જે માપ આપ્યું તે પ્રમાણે બારી બનાવી દીધી. જયારે બારી લગાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે બારી મોટી થઇ. અને ભગાએ જે બુદ્ધિનું પ્રદર્શન કરેલ તે ખુલ્લું પડ્યું. ભગલાનાં કાકા ગુસ્સે ભરાયા, બારીએ અને બારીએ ભગાને માર્યો.
એક વખત ખેતરેથી ગાય માટે ઘાસનો પૂળો લાવવાનો હતો, તેનાં કાકાનાં છોકરાએ પોતાનું બાઈક કાઢ્યું, ભગાને સાઇકલ કે બાઈક ચલાવતા આવડતું નહોતું એટલે તેનાં કાકાનો છોકરો બોલ્યો, ચાલ ભગલા આપણે ખેતરથી ગાયની ચાર માટેનો ભારો લઇ આવીએ. ભગો અને તેનાં કાકાનો છોકરો ખેતરે ગયા. ઘાસનો એક મોટો જ ભારો ભગાએ ઉપાડ્યો અને તેનાં કાકાનાં છોકરાએ બાઈક મારી મૂકી. તેની સામે જે મળ્યા તે વિચારવા લાગ્યા કે ભગાએ ઘાસનો ભારો ભગલા અને તેનાં કાકાનાં છોકરાની વચ્ચે જે જગ્યા રહે ત્યાં મુકવાની જગ્યાએ માથે કેમ ઉપાડ્યો હશે? તેનાં કાકાનો છોકરો અને તે ઘેર પહોંચ્યા ત્યારે ગામ લોકોએ ભગાને પૂછ્યું કે તે ઘાસનો પૂળો માથે કેમ ઉપાડ્યો હતો. તો ભગો કહે એકલું બાઈક કેટલું વજન ઊંચકે? એટલે પૂળાનો વજન મેં ઊંચકી લીધો. ભગલાનો જવાબ સાંભળી લોકો હસી પડ્યા અને ભગલાની બુદ્ધિના વખાણ કર્યા.
એક વખત ખેતી કામનાં ઓજાર માટે નજીકનાં શહેરમાં જવાનું હતું, સાથે બીજું બકાલું ખરીદવાનું હતું. ભગલાનાં કાકાએ તેનાં પુત્ર અને ભગલાને શહેર મોકલ્યા. ખેતીના કામમાં વાર લાગે નહિ તે માટે ભગલાનાં કાકાએ બંનેને કામ વહેંચી આપ્યા. ખેતીનાં ઓજાર જ્યાંથી લાવવાનાં હતા તે દુકાન જાણીતી હતી એટલે ખેતીનાં ઓજાર લાવવાનું કામ ભગલાને સોંપ્યું,જયારે બીજી ખરીદી કરવાનું કામ તેનાં પુત્રને સોંપ્યું. ભગલો તેનાં કાકાનાં છોકરાની બાઇકમાં બેસી ગયો અને બંને શહેરમાં પહોંચ્યા. ખેતીનાં ઓજારવાળી દુકાન પહેલા આવતી હતી એટલે તેનાં પિતરાઈ ભાઈએ ભગલાને ત્યાં દુકાને ઉતારી મુક્યો. ત્યાં વન વે હોવાથી ભગલાનાં કાકાનાં દીકરાએ આંગળી ચીંધી એક સ્થળ બતાવ્યું કે જ્યાં ભગલો તેની રાહ જોઈ ઉભો રહે. તે સમયે ત્યાં પાંચેક ગાયો બેઠી હતી. ભગલાએ ગાયોની નિશાની પાકી કરી લીધી.
ખેતીનાં ઓજારની દુકાનવાળો ઓજાર ઘડીને ભગલાને આપે ત્યાં સુધીમાં પાંચેય ગાયો ત્યાંથી ઉઠીને ઘણે દૂર જતી રહી. ભગલાની નજર ચકોર એટલે તેણે અડધા કલાકમાં જ પાંચેય ગાયો શોધી કાઢી અને ત્યાં ઉભા રહીને પોતાનાં કાકાનાં દીકરાની રાહ જોવા લાગ્યો. આ તરફ તેનાં કાકાનાં દીકરાએ ભગલાની બહું શોધ ખોળ કરી પણ ભગલો મળ્યો નહિ. ભગલો તેનાં કાકાનાં છોકરાની રાહ જોઈ જોઈને કંટાળ્યો એટલે તેણે પોતાનાં ગામનો રસ્તો પકડ્યો. ભગલો અડધે રસ્તે પહોંચ્યો ત્યાં તેને તેનાં કાકાનાં દીકરાનો ભેટો થયો. તેઓ ઘેર પહોંચ્યા ત્યાં સુધીમાં તો રાત પડી ગઈ હતી.
ભગલાનો પિતરાઈ ભગલાને જે જગ્યાએ ઉભું રહેવાનું કહ્યું હતું તે જગ્યાએ ભગલો નહોતો એટલે તે ભગલાને શોધી શોધીને થાકી ગયો પણ ભગલો ક્યાંય મળ્યો નહિ એટલે તે ભગલા પર ગુસ્સે થયો, અને તે પોતાના ગામ જવા માટે રવાનાં થયો. રસ્તામાં તેને ભગલાનો ભેટો થયો, તેણે ભગલાને ગુસ્સે થઇ ન કહેવાના વેણ કહ્યા. ઘેર ભગલાનાં કાકાનું પણ આખા દિવસનું કામ બગડ્યું હતું તેથી તેઓ પણ ભગલા ઉપર ગુસ્સે થયા. ભગલાનાં કાકાએ ભગલાને એક ઓરડી આપી અલગ કરી દીધો.
ભગલાને તેનાં કાકાએ અલગ કર્યો એટલે ભગલાની આજીવિકાનો પ્રશ્ન ઉભો થયો, ગામનાં વડીલોએ ભગલાને ગામનાં ઢોર ચારવાનું કામ આપ્યું, તે બદલામાં ગામનાં લોકો કોઈ વ્યક્તિ પૈસા આપશે, કોઈ વ્યક્તિ અનાજ આપશે, અને કોઈ શાકભાજી આપશે તેવું નક્કી થયું. અને આવી રીતે ભગલાનું જીવનનું ગાડું ચાલવા લાગ્યું.નવરાશનાં સમયમાં ભગલો નવરો બેસતો નહિ પણ કોઈનાં ઢોર દોહવાનું કામ જેવા કામ કરતો. ત્યારે જે ઘેર કામ કર્યું હોય ત્યાંથી તેને જમવાનું મળી રહેતું. આમ ભગલાને હવે તેનાં કાકા પર આધારિત રહેવું પડતું નહિ અને ભગલો મોજથી જિંદગી જીવવા લાગ્યો.
ભગલો હજું સુધી પરણ્યો નહોતો, તેની પરણવાની ઉમર પણ જતી રહેલી. તેનાં માટે છોકરી શોધી આપે તેવું કોઈ ગામમાં હતું નહિ. તેનાથી મોટી ઉંમરની સ્ત્રીઓ જે ભગલાની ભાભી થતી તેઓ મજાક કરતી, ભગાભાઇ અમારી દેરાણી ક્યારે લાવશો? કે જિંદગીભર આમ વાંઢા જ રહેવાના? કોઈ બટકબોલી ભાભી તો ભગલાને એવું કહી ચીડવતી કે ભાગાભાઈનું તો લીલ પરણાવવું પડશે. ભગલો શરમાઈને ડોકી નીચી કરીને ત્યાંથી ચાલવા લાગતો.
ગામમાં એક વાર એક સાધુ આવ્યા, ગામલોકોએ તેમને રામકથા કહેવાનો આગ્રહ કર્યો. સાધુ કથા કહેવા માટે રાજી થઇ ગયા. ગામનાં ચોરે મોટો મંડપ બાંધવામાં આવ્યો અને કથા માટેની જરૂરી સાધન સામગ્રી ગામ લોકોએ તૈયાર કરી આપી, સાધુએ કથા કહેવાની શરુ કરી. કથા કહેતા કહેતા સાધુએ જણાવ્યું કે ગ્રંથોમાં ચાર આશ્રમ છે. જેમ કે બ્રહ્મચર્ય આશ્રમ,ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રષ્ઠઆશ્રમ અને સન્યાસ આશ્રમ તેમાંથી ગ્રહસ્થ આશ્રમ આકરો છે. તેમાં આદમી એકમાંથી બે થાય અને બેમાંથી અનેક થાય. અમારા જેવા સાધું માટે તેઓ જ સહારો છે. ભગલાએ સાધુની પવિત્ર વાણી સાંભળી અને ભગલાને પૈણ ઉપાડ્યું. હવે ભગલાને જગતમાં સ્ત્રી અને પુરુષ બે જ દેખાવા લાગ્યા, જગતમાં સ્ત્રી અને પરુષ સિવાય બીજું બધું મિથ્યા લાગવા માંડ્યું. સવારે રામ મંદિરે જાય તો રામ અને સીતા એમ બે નજરે પડે, મહાદેવનાં દેરામાં પગે લાગવા જાય તો ત્યાં શંકર ભગવાન અને માતા પાર્વતી નજરે ચડે. વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજી નજરે ચડે. કાકા સાથે કાકી, તેનાં પિતરાઈ ભાઈ સાથે ભાભી.ભગલાને દરેક જગ્યાએ બે જ નજરે પડે.અરે પોપટ સાથે હવે તેને મેના દેખાવા લાગી. તેણે ચકલા સાથે ચકલી જોઈ.આ બધું જોઈ ભગલાએ નક્કી કર્યું કે હવે તો કોઈ પણ ભોગે પરણી એકમાંથી બે થઇ જવું છે. ભગલાને થયું મારે પણ લગ્ન તો કરવા જ જોઈએ.
ભગલાને હવે ગમે તે ભોગે પરણવું હતું, જો કે ભગલો પરણાવાની ઉમર તો ક્યારનો વટાવી ચુક્યો હતો અને તેના સમાજમાં આમેય કન્યાની અછત હતી. ભગલાએ પહેલા તો તેના કાકાને પોતાને માટે યોગ્ય કન્યા શોધી આપો તેવી અરજ કરી. છ મહિના સુધી તેના કાકાએ ભગલા માટે યોગ્ય પાત્રની શોધ ચલાવી, પણ નિષ્ફળતા મળવાથી હાથ ઊંચા કરી દીધા. પછી ભગલો ગામનાં આગેવાનો પાસે ગયો અને પોતાનાં માટે યોગ્ય ઠેકાણું શોધી આપવાની વાત કરી. આગેવાનોએ પણ બહુ પ્રયત્ન કર્યો પણ ભગલાનું ઠેકાણું ન પડ્યું.
ભગલો હવે રઘવાયો થયો, ગામમાં ઢોલ વાગે અને ભગો ત્યાં પહોંચી જાય. જે જુવાનનાં લગ્ન થતા હોય તેને જોઈને ભગાને ઈર્ષ્યા થાય. ભગો વિચારે, હે ભગવાન મારે ઘેર ઢોલ ક્યારે વાગશે? હવે તો ગામમાં કોઈનાં ઘેર ઢોલ વાગ્યો નથી અને ભગો તે ઘેર પહોંચ્યો નથી. ભગાને એક માત્ર ઢોલનાં જ સુર ગમે. બીજા બધા અવાજો તેને મન ઘોંઘાટ જેવા લાગે. ઢોલ વાગે અને ભગો ડોલે.
સમય વીતતો ગયો, ભગો લગ્ન કરવા માટે કાંઈ પણ કરશે તેવી વાત બાજુનાં ગામનાં એક ખેપાની માણસનાં કાને ગઈ. તેણે ભગાને મીઠી મીઠી વાતો કરી, પોતે ચપટી વગાડતા જ ભગાના લગ્ન કરાવી દેશે તેવી બાહેંધરી આપી. તે માણસે અમુક જણાંના લગ્ન પણ કરી અપાવેલ. પોતે જે લોકોને લગ્ન કરાવી આપ્યા હતા તેની પાસે ભગાને તે માણસ લઇ ગયો. ભગા પાસે સારા એવા પૈસા હતા એટલે ભગલાનાં ખર્ચે અને ભગલાનાં જોખમે પેલો માણસ એક કન્યા જોવા લઇ ગયો. કન્યા રૂપરૂપનો અંબાર હતી, ભગલાને કન્યા પસંદ આવી. બે લાખ રૂપિયા રોકડા અને ૨૦ તોલું સોનુ ભગો કન્યા પક્ષને આપે તો જ લગ્ન થાય એવી શરત નક્કી થઇ. રૂપિયા બે લાખ લગ્નનાં ત્રણ દિવસ અગાઉ આપવા અને લગ્ન વખતે કન્યાને ૧૦ તોલું સોનું ભગલાએ ચડાવવું એવું ભગો ખુશ થઇ ગયો, તેણે માન્યું કે છેવટે ભગવાને તેની સામે જોયું ખરું. તે પણ હવે એકમાંથી બે થશે. અને સમય જતા તેમનું મોટું એવું કુટુંબ હશે. લગ્નનો દિવસ ધીરે ધીરે નજીક આવવા લાગ્યો, ભગલા પાસે રૂપિયા બે લાખ પુરા નહોતા એટલે તેણે તેના કાકા પાસેથી ઉછીના લીધા. ભગાએ નિયમ પ્રમાણે રૂપિયા બે લાખ કન્યા પક્ષને મોકલી આપ્યા. ભગાનો લગ્ન દિવસ નજીક આવ્યો. આખું ગામ રાજી થયું કે ચાલો સારું થયું, ભગો ઠેકાણે પડ્યો. લગ્નની આગલી રાતે આખા ગામની છોકરીઓ અને વહુઆરુઓ રાસે રમી.અને લગ્નનાં દિવસે રંગે ચંગે જાન લઈને ભગો ઘોડે ચડ્યો. ઢોલી ધ્રીબાંગ, ધ્રીબાંગ કરતો ઢોલ વગાડવા લાગ્યો. ગામ આખું હિલ્લોળે ચડ્યું.
ભગો કન્યા લઈને ઘેર આવ્યું, રૂપરૂપના અંબાર જેવી કન્યા જોઈને 'કાગડો દહીંથરું લઇ ગયો ' તેવી વાતો ચોરે ને ચૌટે થવા લાગી. ભગાનું આકાશમાં ગુંજી ઉઠે એવા ઢોલનાં અવાજોથી સામૈયું થયું. આવા કોઈનાં લગન નથી થયા એવું ગામ લોક એકી અવાજે બોલી ઉઠ્યું. ભગના દિલમાં શરણાઈઓ ગુંજી ઉઠી. વાહ ભગા વાહ, રંગ છે તારી જનેતાને એવું આખું ગામ બોલી ઉઠ્યું.
લગ્નને બે દિવસ વીતી ગયા છે, ભગલાનો ચહેરો મરક, મરક હસી રહ્યો છે, તેની પત્ની બની ઠનીને બહાર નીકળી. શરીર પર ભગલાએ લગ્ન પર ચડાવેલ સોનાનાં ઘરેણાં પહેરેલા હતા. ભગાએ પૂછ્યું, આ બનીઠનીને ક્યાં નીકળ્યા? હેમાભાભીએ મને તેડાવી છે, તેની પત્ની બોલી. લે હું પણ તારી સાથે આવું, એમ જણાવી ભગો ઉભો થવા ગયો. એ તો અમારું બૈરાનું કામ છે એટલે એકલી જ જવું પડે. ભગલાની પત્ની બોલી. ઠીક ત્યારે જઈ આવો, પણ વહેલા આવજો એવું કહી ભગલાએ બીડી સળગાવી.
બપોર થયો ભગલાની પત્ની પાછી ન આવી એટલે ભગલો ઊંચો નીચો થવા લાગ્યો. એમ કરતા સાંજ ઢળી પણ ભગલાની પત્ની પાછી ન આવી એટલે ભગો હેમાભાભીનાં ઘેર પહોંચ્યો. ત્યાં જઈને હેમાભાભીને પોતાની પત્ની વિષે પૂછ્યું તો જાણવા મળ્યું કે તેની પત્ની અંહી આવી જ નથી અને હેમાભાભીએ તેને બોલાવી જ નથી. આ જાણી ભગલાનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ. ભગો ગામ ધણીને લઈને બાજુનાં ગામમાં તાબડતોબ પહોંચ્યો. તેના ઘેર તો તાળું મારેલ. આજુ બાજુમાં પૂછ્યું તો જાણવા મળ્યું કે તે ભાઈ આ ગામનાં નહોતા. પણ બીજા કોઈ ગામથી આવેલ. અને આજે એક સુંદર સ્ત્રી સાથે બહારગામ જતા લોકોએ જોયેલ. ભગો અને ગામધણી ધોયેલ મૂળાની જેમ પોતાનાં ગામમાં પરત ફર્યા.
પોતાનાં ઘેર આવી ભગાને વલોપાત ઉપડ્યો, ભગો હવે ગાંડા જેવો થઇ ગયો. હવે જ્યાં પણ લગ્નનાં ઢોલ વાગે તો ભગલો ત્યાં જઈને તોફાન મચાવતો. એક વખત ગામમાં માથાભારે એવી વ્યક્તિનાં દીકરાનાં લગ્ન હતા અને ઢોલનો અવાજ સાંભળી બહાર નીકળી તોફાન મચાવ્યું. પેલા માથાભારે માણસે ભગલાને લાકડી લઇ બરાબરનો ઠમઠોર્યો. ત્યારથી હવે એવું બનવા લાગ્યું ગામમાં ઢોલ વાગે અને ભગલો ભગલો ઘરમાંથી ભાગે!