સિંહ ઘેટાની રસપ્રદ રમત
યશવંત ઠક્કર
કોઈ એક ગીત એવું ઉપડે એવું ઉપડે કે ઠેર ઠેર એની જ બોલબાલા થવા લાગે. જ્યા જુઓ ત્યાં એની જ ચર્ચા! એની જ વાહ વાહ!! થોડાં દિવસો સુધી તો એવું જ લાગે કે આ તો દુનિયાની એક મોટી અજાયબી છે, પરંતુ સામે પૂર તરવાવાળા પણ હોય છે. એમને એવું લાગે કે : ‘આ ગીતમાં કાઈ દમ નથી. આ ગીતને તો ખોટું ફટવી માર્યું છે. આવું ગીત તો આપણી પાડોશમાં રહેતા બચુભાઈ પણ ગાઈ શકે! જો તેઓને ગાવાની લાઈનના કોઈ મોટાભા સાથે ઓળખાણ હોય તો! આ પ્રજા તો ઘેટાં જેવી છે! ઊંધું ઘાલીને જાય છે ભાગી!’
આ તો માત્ર એક ઉદાહરણ છે. જે વાત ગીતની બાબતમાં બને તે જ વાત કોઈ કલાકાર, ખેલાડી, નેતા, સ્વામીજી, લેખક, ફેશન, ફિલ્મ કે પુસ્તક બાબતમાં પણ બની શકે. કોઈ એકની જ બોલબાલા વધી જાય ત્યારે કોઈને એવું લાગી શકે છે કે, ‘પવન એકધારો અને એક જ દિશામાં વહે છે.’ પરંતુ ચીલે ચીલે ચાલવાને બદલે વાંકાચૂકા ચાલાનારાઓની પણ આ દુનિયામાં કમી નથી. એવા લોકોને એવું લાગે કે, ‘આ જે દોટ મૂકી રહ્યા છે તે તમામ ઘેટાં જેવાં છે. અને અમે એકલદોકલ સિંહ સમાન છીએ.’
હવે આમાં બને છે એવું કે, જે પોતાની જાતને સિંહ સમાન સમજતો હોય, એ પોતે પણ ખરેખર એકલો નથી હોતો. એના જેવા અનેક હોય છે. આવા અનેક લોકો પાછા બીજા કોઈની નજરે ઘેટાં સમાન હોય છે. જેમ કે, નરેન્દ્ર મોદીના સમર્થકોનો આખો સમૂહ છે. આ સમૂહને ઘેટાં કહેનારા લોકોનો પણ એક બીજો મોટો સમૂહ છે. એટલે પહેલા સમૂહના લોકો આ બીજા સમૂહના લોકોને પણ ઘેટાં મને છે. પોતે ક્રાંતિકારી મત ધરાવે છે એવું જાહેર કરનારાઓ વધી જાય છે ત્યારે એ લોકો પણ કોઈ બીજાની નજરે ઘેટાં હોય છે. સામાજિક માધ્યમો પર આવી સિંહ-ઘેટાંની રસપ્રદ રમત સતત રમાતી હોય છે.
વળી, એક માણસ કોઈ બીજાની નજરે એક બાબતમાં સિંહ સમાન હોય છે, તો બીજી બાબતમાં ઘેટાં સમાન હોય છે. જેમ કે, કોઈ એક માણસને કોઈ બીજો માણસ સિંહ સમાન લાગે છે કારણ કે, એ બીજો માણસ રામદેવ બાબાની વિશે સતત આકરું આકરું લખે છે. પરંતુ, એ જ બીજો માણસ જ્યારે આમિરખાનના એક કલાકાર તરીકે વખાણ કરે છે ત્યારે એ બીજો માણસ પહેલા માણસની નજરે ઘેટું બની જાય છે! માણસ માત્ર પાસે જુદી જુદી બાબતો માટે પોતાનાં મંતવ્યો છે. જે તે વખતે સરખે સરખાં મંતવ્યો ધરાવનાર એકબીજાને સિંહ માને અને વિરોધી મંતવ્યો ધરાવનારને ઘેટાં માને. ઘણી વખત એવું બને છે કે, કોઈ એક બાબતની તરફેણ કે વિરોધમાં લોકો રીતસર બે છાવણીમાં વહેચાય જાય છે. બંને તરફના લોકો એકબીજાંને ઘેટાં માનતાં હોય છે. દૂરથી તમાશો જોનારને આ દૃશ્ય આનંદ આપનારું હોય છે.
પહેલાં તો માત્ર સમાજસુધારકો કે કોઈ તેજાબી લેખક જ લોકોની સરખામણી ઘેટાં સાથે કરતા. એ લોકોનો એકાધિકાર હવે છીનવાઈ ગયો છે. હવે સામાજિક માધ્યમોનો પ્રભાવ વધી જવાથી પોતાનો મત પ્રગટ કરનાર કોઈ પણ આમ આદમી બીજાને ઘેટું કહી શકે છે, આ મોટી ક્રાંતિ ગણાવી જોઈએ. આને ‘અચ્છે દિન’ પણ કહી શકાય. કુદરતે માણસ સહિત અનેક પ્રાણીઓનું સર્જન કર્યું, પરંતુ માણસ એક એવું પ્રાણી છે કે, જેને માણસમાં જ ઘેટાં, સિંહ, કૂતરા, હાથી, ઘોડા, ગધેડા જેવાં બીજાં અનેક પ્રાણીઓનાં દર્શન થાય છે. માણસ સામાજિક પ્રાણી છે એટલે મોટાભાગનાં ભાગ્યમાં ઘેટાં ગણાવાનું લખાયું જ છે. પરંતુ, કોઈક વીરલા સિંહ જેવું જીવન જીવી જાય છે એની ના નથી. પરંતુ સમય જતાં એવા વીરલાઓના અનુયાયીઓ વધી જાય છે અને એ અનુયાયીઓની ગણના પણ ઘેટાં તરીકે જ થવા લાગે છે. સિંહ-ઘેટાની આ રમત ચાલ્યા જ કરે છે અને ચાલતી જ રહેશે.
કલાકારો, કવિઓ, લેખકો, કથાકારો, વગેરે ભલે સિંહોના ગુણગાન ગાતા હોય, ઘેટાંને નમાલાં ગણતા હોય, અને વારંવાર બીજા લોકોને નમાલાં ગણીને એમની સરખામણી ઘેટાં સાથે કરતા હોય, પરંતુ આવું કરનારા પોતે પણ કોઈને કોઈ પ્રકારે ઘેટાં જ હોય છે. ફરક એટલો હોય છે કે, એમના ગોવાળો જુદા હોય છે, એમના વાડા જુદા હોય છે, એમના વગડા જુદા હોય છે અને એમનો ચારો જુદો હોય છે. પણ બધું હોય છે ખરું.
ઘેટાં એમની પ્રકૃતિ પ્રમાણે જીવે છે અને સિંહો એમની પ્રકૃતિ પ્રમાણે જીવે છે. બંનેની પ્રકૃતિનો લાભ માણસ જાત લે છે. ઘેટાંનો ઉપયોગ પશુપાલન ઉદ્યોગ માટે કરે છે અને સિંહોનો ઉપયોગ પ્રવાસન ઉદ્યોગ માટે કરે છે. ઘેટાંબકરાંના રહેઠાણ [વાડા] કરતાં સિંહોનું રહેઠાણ [જંગલ] પ્રમાણમાં મોટું હોય છે. પરંતુ માણસજાત સિંહોને પાંજરે પૂરે છે, ત્યારે રહેઠાણની સરખામણી કરીએ તો, ઘેટાંના વાડા કરતાં સિંહોના પાંજરાં નાનાં હોય છે. ટૂંકમાં બધું શરતોને આધીન છે!
જે સિંહો ઘેટાં સમક્ષ શક્તિમાન પુરવાર થાય છે એ જ સિંહો પાસે માણસો ચાબુક વડે ખેલ પણ કરાવી શકે છે. માણસજાતને સિંહો અને ઘેટાંએ એમની પ્રકૃતિની કિંમત ચૂકવી છે. ઘેટાંએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું અને સિંહોએ પોતાનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું. પહેલાં માણસજાતે સિંહોનો શિકાર કરવામાં પાછું વળીને જોયું નહિ, અને જયારે જંગલની શોભા માટે સિંહો ઓછા પડ્યા ત્યારે એને સિંહોનું મહત્ત્વ સમજાયું. આજે સિંહોનું અસ્તિત્વ માણસજાતની સમજ પર નિર્ભર છે. અને માણસજાતની એ સમજ પણ એના પોતાના સ્વાર્થ પર આધારિત છે. આજે એ જંગલો પણ નથી રહ્યાં અને એ સિંહો પણ નથી રહ્યા. નહિ તો સિંહો સામે ચાલીને માનવજાતને દર્શન આપવા માનવવસ્તીમાં પધારે ખરા? ટૂંકમાં બધું સમય અને સંજોગોને અધીન છે. ઘેટાંની મજાક ઉડાવનાર કલાકારે ઘેટાંબકરાંના ઊનની ટોપી પહેરી હોય કે ઘેટાંબકરાંનાં ઊનનો જ ધાબળો ઓઢ્યો હોય એવું પણ બને! પણ ગુણગાન તો સિંહોનાં જ શોભે બાપ!
કોઈક ઘટનાથી જે રંગાયા એ ઘેટાં અને કોરા રહી ગયા એ સિંહ, એવું માનનારાઓને કહેવાનું મન થાય છે કે: એ બાપલા, એમ ગણો તો માણસ માત્ર ઘેટું જ છે, કારણ કે એ એક સામાજિક પ્રાણી છે. કોઈ માણસ એક જગ્યાએ સિંહ છે તો બીજી જગ્યાએ ઘેટું જ છે. આ દુનિયામાં કોઈ આદિમાનવે માથા પરનો વાળનો બોથાલો સરખો કરવા પહેલી વખત માથે હાથ ફેરવ્યો હશે. એનું જોઈને બીજાએ માથે હાથ ફેરવ્યો હશે. કોઈના હાથમાં લાકડાનું બટકું હશે તો એણે માથે લાકડાનું બટકું ફેરવ્યું હશે. એમ નકલ કરતાં કરતાં અક્કલનો ઉપયોગ થયો હશે અને કાંસકાની શોધ થઈ હશે! કાંસકાનો ઉપયોગ કરનારા બધા ઘેટાં જ ગણાય. અને ઉપયોગ ન કરીને ગૌરવ લેનાર પોતાની જાતને સિંહ માની શકે છે! પણ એવું કરનારા બધા જટાધારી વધી જાય તો એ પણ પાછા ઘેટાં જ ગણાય. એ રીતે જોઈએ તો કપડાં પહેરનાર બધા ઘેટાં છે! ખાનારા, ઓઢનારા, પીનારા, ફેસબુકમાં જોડાઈ જનારા, લાઈક કરનારા, છાપાંમાં લખનારા, છાપાં વાંચનારા, ગીતો ગાનારા, વરઘોડામાં જોડાઈ જનારા એ બધા ઘેટાં જ ગણાય. આવું નહિ કરનારાની સંખ્યા પણ મોટી હોય એટલે એ પણ ઘેટાં જ ગણાય! કોઈ નેતાના, કલાકારના, લેખકના સમર્થકો ઘેટાં જ ગણાય! વિરોધીઓ પણ ઘેટાં જ ગણાય! પહેરવામાં, ઓઢવામાં, બોલવામાં, ખાવામાં, પીવામાં સ્ટાઇલ અપનાવનાર બધા છેવટે તો વિશિષ્ટ પણ ઘેટાં જ ગણાય. એકનું જોઈને બીજાને ઘેટાંની ઉપમા આપનાર પણ ઘેટાં જ ગણાય!
ઘેટાં છે એટલે આ સમાજ છે. બધાય મરદના ફાડિયાં હોત તો તો આ પૃથ્વી પર બહુ જ ઓછા લોકો બચ્યા હોત! એ મોટાભાગે ક્રાંતિકારી લખાણો લખનારા કટારલેખકો જ હોત! અને એ પણ એકબીજાને કટાર હુલાવી હુલાવીને ઓછા થઈ ગયા હોત! બાકી, દેખાદેખીમાં જ માણસની સરખામણી ઘેટાં જેવા નિર્દોષ પ્રાણી સાથે કરવાની એક ફેશન થઈ ગઈ છે! એક ઘેટું કૂવામાં પડે તો બીજાં કેટલાય ઘેટાં કૂવામા પડે છે એમ કહેવાય છે તો ઘેટાં કૂવામાં પડવાના સમાચાર તો આવતા નથી! જ્યારે છાશવારે ગિરના જંગલમાં સિંહ કૂવામાં પડી જવાના સમાચાર આવે છે! તો શું સિંહને ચશ્માંની જરૂર હશે? એનામાં ઘેટાં કરતાં પણ ઓછી અક્કલ હશે? આ તો બધા માણસો હાલી નીકળ્યા છે અને એકબીજાને ઘેટાં કહીને મન મનાવે છે. બાકી કોઈ પણ માણસ ભલે એક રંગથી ન રંગાયો હોય, પણ બીજા રંગથી રંગાયો જ હોય! કોઈ કહેતા કોઈ માણસ કોરો ન હોય! એ મનથી પરવારી ગયો હોય અથવા તો એ એવો અનોખો માણસ હોય કે એને સંસારનો કોઈ રંગ ન લાગ્યો હોય. વળી, જે આજે કોરા છે એ પણ કાલે બીજાં રંગથી રંગાવાના જ છે! માટે મોટું મન રાખીને જલસા કરો.