Ghar Chhutyani Veda - 16 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | ઘર છૂટ્યાની વેળા - 16

Featured Books
Categories
Share

ઘર છૂટ્યાની વેળા - 16

ભાગ - ૧૬

આજવાનો બગીચો સૌ કોલેજીયનનો થાક ઉતારી ઉત્સાહ વધારી રહ્યો હતો, સાંજ થવા આવી હતી, પ્રવાસનું આયોજન થોડું બદલાયું હતું, વડોદરા કમાટી બાગ અને આણંદ અમૂલ ડેરી જવાનું મુલતવી રાખવામાં આવ્યું અને તેના બદલે એ લોકોને આજવાના બગીચામાં રાત્રે આઠ વાગ્યા સુધીની મઝા માણવા માટે કહેવામાં આવ્યું, સૌ કોલેજીયનોએ પણ અનુમતિ આપી, એમને તો મઝા જ આવતી હતી, ઉંમર પણ એવી હતી જેમાં પ્રાણીસંગ્રહાલય અને કોઈ સ્થળની મુલાકાતો લેવા કરતાં બગીચામાં ટહેલવું વધારે ગમે. ગુલાબ સાથે ગુલાબી ચહેરા પણ આનંદ લુંટવાનું સૌને વધારે અનુકુળ હતું.

સૌ જુવાન હૈયા બગીચામાં મન મુજબ ટહેલવા લાગ્યા, રોહન પણ વરુણ સાથે ફરવા લાગ્યો. અવંતિકા અને સરસ્વતી પણ રોહનની દિશામાં જ જવા લાગ્યા. અવંતિકા હવે રોહન માટે સંપૂર્ણ વિચારી રહી હતી, રોહન પણ તેના માટે વિચારવા માંગતો હતો, અને વરુણ એ માટે તેને વારંવાર સમજાવી રહ્યો હતો.

રોહન અને વરુણ આજવામાં આવેલા તળાવના કિનારા પાસે બેઠા, અવંતિકા પણ એ તરફ આવી રહી હતી, પણ આ વખતે સાથે નાં બેઠા, સરસ્વતી એ થોડા આગળ બેસવા માટે કહ્યું પણ ત્યાંથી પસાર થતાં રોહન અને અવંતિકાની આંખો ટકરાઈ અને હોઠો ઉપર શરમાળ હાસ્ય ફરી વળ્યું. અવંતિકાના ગયા બાદ વરુણે રોહન સાથે વાત શરુ કરી.

વરુણ : "મઝાની જગ્યા છેને રોહન. મને તો અહિયાં ખુબ જ ગમી ગયું છે, એવું થાય છે કે આ જગ્યા છોડીને જવું જ નથી, અહિયાં જ રોકાઈ જાઉં."

રોહન : હસતા હસતા "પાગલ જેવી વાતો ના કર, અહિયાં રોકાઈ જઈશ તો તારા મમ્મી પપ્પાને તારી ચિંતા થશે. અને શોધતા અહિયાં આવી જશે."

વરુણ : "હા યાર, એજ બધા ટેન્શન છે. કઈ નહિ હમણાં નહિ તો એક દિવસ હું જરૂર આવી કોઈ જગ્યા ઉપર રહેવા આવી જઈશ."

રોહન : "ભગવાન તારી ઈચ્છા પૂરી કરે."

બંને હસવા લાગ્યા.

તળાવના કિનારેથી પાવાગઢનું સુંદર દૃશ્ય દેખાઈ રહ્યું હતું. જેમ જેમ સાંજ ઢળી રહી હતી તેમ તેમ વાતાવરણ પણ પ્રફુલ્લિત બની રહ્યું હતું, વળી આજવાના બગીચામાં એક જોવા લાયક દૃશ્ય એ પણ હતું કે અંધારું થતાં બગીચામાં ડાન્સિંગ ફુવારા શરુ થઇ જતાં હતાં, જુદા જુદા રંગો સાથે એ ફુવારાનું પાણી પણ રંગીન બની જતું હોય તેમ લાગતું હતું, આ સમયની રાહ જોવા માટે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

વરુણ અને રોહન પણ તળાવની કિનારેથી બગીચા તરફ આવ્યા અને એક જગ્યા ઉપર બેઠા, થોડીવાર બાદ અવંતિકા અને સરસ્વતી પણ ત્યાં આવ્યા, અને એમની સામે જ બેસી ગયા. બધા વચ્ચે વાતો થવા લાગી.

વરુણ : "કેવું લાગ્યું તમને બધાને અહિયાં ?"

સરસ્વતી : "મઝા આવી ગઈ, અને એમાં આ ગાર્ડન તો મને બહુ જ ગમ્યો."

અવંતિકા : "હા ખરેખર, ખુબ જ મઝાની જગ્યા છે."

રોહન : "આ વરુણને તો અહિયાં જ રોકાઈ જવાની ઈચ્છા છે, એટલી બધી આ જગ્યા એને ગમી ગઈ છે, એને પાછા જ નથી આવવું."

બધા હસવા લાગ્યા...

વરુણ : "હા, ભાઈ કોને ના ગમે આ જગ્યા, આપણા અમદાવાદની ભીડ અને પ્રદુષણમાં કેવું જીવન જીવીએ છીએ ? અને અહિયાં આ પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું કોને ના ગમે."

અવંતિકા : "સાચી વાત છે. તમારી."

રોહન : "પણ વરુણ, શહેર જેવી સુખ સગવડો અહિયાં ના મળે. ભલે આપણે એમ વિચારીએ કે અહિયાં રોકાઈને શાંતિ મળશે, પણ થોડા દિવસમાં જ આ જગ્યાથી પણ આપણે ઉબાઈ જઈએ, આપણું રોજ બરોજ નું જીવન હવે શહેરી થવા લાગ્યું છે, આ બધું આપણને થોડા દિવસ સારું લાગે પછી જરૂરિયાતની ચીઝ વસ્તુઓ ના મળે એટલે ના ગમે, અહિયાં રહેતા લોકોને પણ શહેરમાં રહેવું છે અને આપણે શહેરવાળા ગામડામાં જીવવા માંગીએ છીએ."

અવંતિકા રોહનના વિચારો સાંભળી રહી હતી, અને એને જ જોઈ રહી હતી.

સરસ્વતી : "રોહન, તમારી વાત એકદમ સાચી છે, માણસ પાસે જે છે એનો સંતોષ એને નથી હોતો, દરેક વ્યક્તિને બીજાની થાળીમાં રહેલો કોળીયો જ મોટો લાગે છે."

રોહન : "હા, બસ આપણે વિચારી શકીએ કે આ સ્થળે આપણે રહી શકીશું, પણ જયારે સાચી પરિસ્થિતિ સામે આવે ત્યારે ખબર પડે છે. બોલવું અને કરવું એમાં બહુ ફર્ક છે."

સરસ્વતી : "સો ટકા સાચી વાત, હું સહમત છું તમારી સાથે."

વરુણ : "હું સહમત નથી, મને જો આવી જગ્યા ઉપર રહેવા મળે તો હું રહી શકું, મને ગમે આવા વિસ્તારમાં રહેવું. હું એમ પણ શહેરની સુખ સાહેબીથી કંટાળી ગયો છું."

અવંતિકા : "હા, બહુ સુખ સાહેબી પણ ક્યારેક ભાર રૂપ લાગતી હોય છે, અને માણસે દરેક વસ્તુ સાથે સેટ થવું પડે, દરેક પરિસ્થિતિમાં જીવતા શીખવું પડે છે."

વરુણ અને અવંતિકા પોતાના સુખથી ઉબાઈ ગયા હતાં તે તમની વાતોમાં દેખાતું હતું.

રોહન : "હું પણ માનું છું કે દરેક પરિસ્થિતિમાં જીવતા શીખવું પડે પણ, એવું દરેક વ્યક્તિની સાથે નથી થઇ શકતું, બહુ ઓછા લોકો પરિસ્થિતિ બદલાતા રહી શકે છે."

વરુણ : "બસ યાર તમે બધાએ તો આ ચર્ચાને બહુ મોટું રૂપ આપી દીધું. ચાલો હવે કોઈ નાસ્તો લઈને આવ્યું હોય તો લાવો. ભૂખ લાગી છે હવે."

બધા હસવા લાગ્યા, સરસ્વતીએ તેની બેગમાંથી ડબ્બો કાઢી અને ખોલ્યો.

રોહન : "જોયુંને જે માણસને થોડીવાર ભૂખ સહન ના થાય અને એ આવી રીતે બધા મોજ શોખ છોડી અને રહેવાનું કહે તે કેમ શક્ય છે ?"

સરસ્વતી : "તમે તો તાજું જ ઉદાહરણ આપ્યું ને.." બોલતા બોલતા જ હસવા લાગી...

વરુણ : હાથમાં મમરા પૌવાનો નાસ્તો લેતા "એ તો જયારે રહેવાનું થશે ત્યારે રહી લઈશ. અત્યારે તો આ ટેસ્ટી મમરા પૌવા ખાવા દે. દોસ્ત જ દુશ્મન બને છે."

રોહન : "ના, યાર તું તો મારો જીગર જાન છે, તારા સિવાય મારું છે પણ કોણ લે તને મારા હાથે ખવડાવું." કહી બિસ્કીટના પેકેટમાંથી એક બિસ્કીટ લઇ વરુણ ના મો માં મુક્યો." બધા ફરી હસવા લાગ્યા.

બધા થોડીવાર માટે શાંત બની અને નાસ્તાની મઝા લેતા હતાં, અવંતિકા થોડા થોડા સમયે રોહનને જોઈ રહી હતી, રોહન પણ કોઈને ખબર ના પડે એ રીતે છુપી નજરથી અવંતિકાને જોઈ લેતો. હજુ એકબીજા એ પોતાના મોબાઈલ નમ્બર શેર નહોતા કર્યા. અવંતિકાની ઈચ્છા હતી કે રોહનનો ફોન નંબર મેળવી લઉં.

અવંતિકા : રોહન અને વરુણ સામે જોતા, "તમને આમારી ફ્રેન્ડશીપ ગમી કે નહિ ?"

વરુણ : "અરે કેમ ના ગમે, અને આ પ્રશ્ન તો અમારે તમને પૂછવો જોઈએ. એમ પણ અમે તો કિસ્મતવાળા કહેવાઈએ કે તમારા જેવા ફ્રેન્ડ અમને મળ્યા."

અવંતિકા : "કિસ્મતવાળા તો અમે પણ કહેવાઈએ ને કે તમારા જેવા ફ્રેન્ડ અમને મળ્યા, નહિ તો કોલેજમાં મોટાભાગના છોકરાઓ છોકરીઓને કેવી નજરથી જુએ છે એ આપણે બધા જાણીએ છીએ."

સરસ્વતી : "હા, સાચીવાત અવંતિકા તારી, અને એટલે જ અમે કોઈ સાથે વાત નહોતા કરતાં, અને તમારી સાથે પણ અવંતિકા દ્વારા જ વાત થઈ."

રોહન કઈ બોલી રહ્યો નહોતો, અવંતિકા તેના બોલવાની રાહ જોઈ રહી હતી. પણ એ કઈ જુદા વિચારોમાં હતો.

અવંતિકા : રોહન તરફ જોતા... "પણ આપણે તો આ પ્રવાસ પૂરો થશે પછી કદાચ આ રીતે મળી પણ નહિ શકીએ ??"

વરુણ : "હા યાર, આવા પ્રવાસ રોજ આવતા હોય તો કેવું સારું..!!!"

રોહન : "બસ હવે તારે તો ભણવું નથી, અમને તો ભણવા દે ભાઈ.. અમારે રોજ પ્રવાસ નથી કરવા."

વરુણ : "બસ આને તો ભણવાની જ વાત. આ સમય મોજ મસ્તી માટેનો પણ છે,"

રોહન : "જો સારું ભણીશું તો જીવનમાં મોજ મસ્તી છે, તારા પપ્પાનો બીઝનેસ તું સાંભળી લઈશ તો ચાલશે પણ મારે તો મારી નવી શરૂઆત કરવાની છે."

વરુણ : "ના દોસ્ત, હું પણ મારી રીતે આગળ વધવા માંગું છું, અને હું તો ઈચ્છીશ કે તું પણ ખુબ આગળ આવે."

સરસ્વતી અને અવંતિકા બંનેની વાતો સાંભળી એકબીજા તરફ જોઈ રહ્યા હતાં,

અવન્તીકાએ એ બંનેની વાતને વચ્ચે જ રોકતા કહ્યું.

અવંતિકા : "તમે તો કયાની વાત ક્યાં લઇ જાવ છો, હું એમ કહું છું કે ચાલો આપણે આપનું ચેટીંગ ગ્રુપ બનાવીએ અને એમાં રોજ વાતો કરીશું."

વરુણ : "હા, આઈડિયા બહુ જ સરસ છે, પણ એક શરતે.."

અવંતિકા : "કઈ શરત...???"

વરુણ : "આ તમે તમે કહેવાનું આપણે છોડી દઈએ.. આપણે બધા ઓળખતા નહોતા ત્યાં સુધી બરાબર હતું હવે આ માન આપવાની કોઈ જરૂર નથી લાગતી... બરાબર ને ???"

સરસ્વતી : "હા, સાચી વાત છે, અને મને પણ ગમશે બધા સાથે વાતો કરવાની."

વરુણ : "રોહન તારી શું ઈચ્છા છે ? તું કેમ બોલતો નથી ?"

રોહન : "મને યાર ચેટીંગ કરવું ઓછુ ગમે છે, હું કોઈ સાથે વાત નથી કરતો અને સમય પણ નથી મળતો. ફોનમાં નેટ હું આર્ટીકલ અને સ્ટોરી વાંચવા માટે રાખું છું. અને એ પણ મારા શેઠ જ મને કરાવી આપે છે."

વરુણ : "તને જ્યારે સમય મળે ત્યારે કરજે વાત બસ, તને કોઈ ફોર્સ નહિ કરે અમે ત્રણ વાતો કરીશું, તારું મન થાય ત્યારે બધા મેસેજ વાંચી અને જીવ બાળજે..."

બધા હસવા લાગ્યા પાછા...

રોહન : "ઓકે બસ, મને સમય મળે ત્યારે વાતો કરીશ."

અવંતિકાએ થેન્ક્સ કહી બધાના નંબર પોતાના મોબાઈલમાં સેવ કર્યા અને ચેટીંગ ગ્રુપ બનાવ્યું. અંધારું થઇ રહ્યું હતું, ડાન્સિંગ ફૂવાર શરુ થઇ ગયા હતા, બધા તે જોવા માટે બગીચામાં ફરવા લાગ્યા, રોહન વરુણ અને અવંતિકા અને સરસ્વતી પણ હવે ત્યાંથી છુટા પડી અલગ અલગ બગીચામાં ફરવા લાગ્યા. સૌને એ સ્થળ ખુબ જ ગમી ગયું, આઠ વાગ્યાનો નીકળવાનો સમય હતો તેમ છતાં પણ સાડા આઠ સુધી સૌને મઝા માણવા મળી તેમ છતાં પણ ના ઇચ્છવા છતાં સાડા આઠે પણ બસમાં બેસવું પડ્યું, પ્રવાસ બસ હવે આજવાથી સીધી જ અમદવાદ પોતાના મુકામ તરફ જવા રવાના થઇ.

આ નાનો એવો પ્રવાસ મોટી યાદો દિલમાં આપી ગયો, રોહન અને અવંતિકાની મિત્રતાનું રોપાણ અહિયાં થયું, બંનેના દિલમાં પ્રેમની લાગણી પણ આ પ્રવાસમાં જન્મી. હવે કોલેજના દિવસોમાં એ બંનેની મૈત્રીને પ્રેમનું રૂપ કેવી રીતે આપવું એ વિષે વરુણ વિચારી રહ્યો હતો, પણ રોહન માટે એ પહેલા કંઇક કરવાની ભાવના હતી, અવંતિકા અને રોહનને મળવવા અને રોહનની લાઈફ ને સેટ કેવી રીતે કરવી તેના વિષે વિચારી રહ્યો હતો.

મઝાક મસ્તી કરતાં કરતાં બસ રાત્રે ૧૧ :૩૦ થતાં કોલેજ કેમ્પસ પાસે પહોચી, બધા આનંદિત ચહેરે નીચે ઉતર્યા, રોહન અને વરુણ નીચે ઉભા હતા ત્યાં અવંતિકા અને સરસ્વતી આવ્યા.

અવંતિકા : બહુ જ મઝા આવી, અને તમે સાથે હતા તો પ્રવાસ વધુ આનંદિત બન્યો."

વરુણ : "વળી પાછુ તમે ?"

અવંતિકા : હસતા "સોરી. પણ સેટ થતાં વાર લાગશે."

રોહન : "ઓકે વાંધો નહિ, કોઈ લેવા માટે આવે છે ?"

અવંતિકા : "હા, પપ્પા આવે છે, મેં કોલ કરી દીધો હતો. સરસ્વતીને પણ અમે સાથે લઇ જઈશું."

રોહન : "ઓકે પહોચી ને મેસેજ કરી દેજો."

અવંતિકા : "હા.. ચોક્કસ."

વરુણ : "રોહન.. હું તને ડ્રોપ કરવા માટે આવું છું. પછી હું ઘરે જઈશ."

અવંતિકાના પપ્પાની કાર આવતી દેખાઈ અવંતિકા એ બધાને બાય કહી સરસ્વતી સાથે નીકળી, રોહન અને વરુણ પણ વરુણની કાર તરફ નીકળ્યા."

વધુ આવતા અંકે.....

નીરવ પટેલ "શ્યામ"