Na kahevayeli vaat - 5 in Gujarati Love Stories by Tarulata Mehta books and stories PDF | ન કહેવાયેલી વાત ભા.5

Featured Books
Categories
Share

ન કહેવાયેલી વાત ભા.5

'ન કહેવાયેલી વાત

ભા - 5

(આ એક એવી પ્રેમકહાની છે, જે બે ધારી તલવારની જેમ બે પેઢીને, બે (ભૂત અને વર્તમાન)કાળને, બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં 'પર્ફેફ્ટ પત્ની અને મોમ ' નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે.

'ન કહેવાયેલી વાત' નવલિકાની શરૂઆત 'દર્દ ન જાને કોઈ' ભા.1થી થઈ છે. ડાયરીના પાનામાં મારી(નેહાની) કિશોરાવસ્થાનો કરુણ પ્રેમપ્રસંગ સૂકાયેલા લોહીના ડાધના સ્વરૂપે હતો પણ મારા હદયના પેટાળમાં ભારેલા અગ્નિરૂપે હતો. જે મારા સોળવર્ષના દીકરાના જીવનમાં પુનરાવર્તન પામતા જાણે આગ બની અમારા કુટુંબને દઝાડી રહ્યો હતો. મારા પ્રથમ પ્રેમના કરુણ રકાસથી મારું મન જીવનભર દુભાયેલું રહ્યું હવે. 'હું મારા દીકરાની પડખે રહીશ, કોણે કર્યું ? કેમ કર્યું? તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ.' ' ન કહેવાયેલી વાત ભા.2 માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે, ક્રોધ ઊપજાવે, અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી. હું મારું સુખી કુટુંબજીવન ખેદાનમેદાન થઈ જવાની દહેશતથી પારાવાર વ્યગ્રતામાં ધરજું છુ. 'ન કહેવાયેલી વાત 'ભા.3માં નીલ પત્ર વાંચી ધરતીકંપથી કડડભૂસ તૂટી પડતા ઘર જેવો વેરવિખેર થઈ ગયો. ભા.4માં નીલનો ગુસ્સો કાબૂ બહાર જ્વાળામુખી જેવો ફાટી નીકળ્યો હવે ભા.5માં વાંચો નીલ શું કરશે? નિનાદનું શું થયું?)

***

'કમ સુન ' મારા ફોન પર દીકરાનો મેસેજ જોઈ મને ફડાક દઈ એક સેકન્ડમાં ધેર પહોંચી જવું હતું. શું થયું હશે? ની દહેશતમાં મારું મન બેકાબૂ ધડકતું હતું

સ્ટિયરિગ પર મૂકેલા મારા હાથ ધૂજતા હતા. કારને જલ્દી ચલાવવાના ફોગટ પ્રયત્નમાં પગને ઘડીક બ્રેક પર મૂકતી તો ઘડીક એક્સરેલેટર પર. એમાં બે વાર મારી ગલતીને કારણે બીજી કારના હોર્ન દ્રારા ચેતવણી મળી. વીસ વર્ષથી શિકાગોના રોડ પર કૉન્ફીડન્સથી કાર ચલાવતી તે બધી વિદ્યા મહાભારતના કર્ણની જેમ આજે ખરે વખતે જાણે ભુલાઈ ગઈ!

સવારના સ્કૂલના ટ્રાફિક મધ્યેથી તેને કારને ઝડપથી હંકારવી લોઢાના ચણા ચાવવા જેવું લાગ્યું.

પાંચ પાંચ માઈલના અંતરે આવતું મોટું સ્ટોપ સાઇનનું બોર્ડ જ્યાં સ્વયંસર્વકો લાલ ઝનડી લઈ બાળકોને ધીમી ગતિએ રસ્તો ક્રોસ કરાવતાં હતા. સવારના સમયે પોલીસની ગાડીઓ મધમાખી જેવી ધુમતી હોય! કોઈની મજાલ છે કે ગફલત કરે. મારી ઘણી સાવચેતી છતાં રોડ પરનો બમ્પ ચૂકી અને ગાડીનું સાઈલન્સર બમ્પ સાથે ઘસાયાનો કર્કશ અવાજ મને ફફડાવી ગયો. બીજો કોઈ દિવસ હોત તો ગાડી બાજુમાં ઊભી રાખી વાંકી વળી જોઈ લેત કે શું થયું છે? પણ અત્યારે મારો જીવ વીસ મિનિટની દૂરી પર આવેલા 1055, મેપલ સ્ટ્રીટ પરના ચાર બેડરૂમના બે માળના હાઉસ પર લટકેલો હતો.

હું નીનાને લઈને સ્કૂલે જવા નીકળી ત્યારે ઘરમાં મારા હૈયામાં વસેલા બે સ્વજનોને ઊંઘતા મૂકી નીકળી હતી. દીકરો કાલ રાતના મારથી

બરડા પરના દર્દને કારણે બારી તરફ પડખું ફરી સૂતેલો, હજી તો એણે મોઢા પર તાળું વાસેલું હતું, ગઈ કાલે તેના બન્ધ બારણાં પર હાથ પછાડી તે હારી હતી , મા એના મનને કેમ કરી જાણશે? સોળ વર્ષના દીકરાને 'બેટા, બેટા ' કહી પમ્પાળી વાત કરું તો માનહાનિ સમજે. પણ મા માટે દીકરાને પુરુષ કે મિત્ર માનવો છાતીથી અળગો કર્યા જેવું કેમ વેઠાય ! એના પાપા એની સાથે વાત કરે તો દિલ ખોલે! એના પાપા? નીલ એના સંતાનો માટે અડધી રાત્રે દવા લેવા દોડે તેવો પ્રેમાળ.

બાપ દીકરો સફેદ શોર્ટ માં ટેનિસ રમે ત્યારે બે ફ્રેન્ડ્સની જેમ મઝાક કરે, હાઈ -ફાઈ કરે ! નિનાદને પાપાને હરાવવાની મઝા આવે એટલે પાપાને ' વન મૉર ગેમ ' કરી છેલ્લે પોતે જીતે એટલે ટેનિસનું રેકેટ હલાવતો મોમને વળગી પડે! 'પ્લીઝ, નીલ તમે દીકરાને જીતાડજો, એ હસતો મારી બાહોમાં આવે એવું હું ઝખું છું. પણ, ' ઓહ ગોડ ' ન કહેવાયેલી વાત નીલ જાણીને કેમ કરી ભૂતકાળની ડમરીઓના તોફાનમાંથી ઊઠેલી રેતી સામે નિનાદને અને કુટુંબને સાચવશે? સૂકી ગરમ રેતીના તોફાન સરહદ પરના કાફલા ને ય વાટ ભૂલાવી દે તો અમે તો તણખલાં કેમ કરી ટકશું? હું ય કેવી ભાનભૂલી જૂનું પુરાણ ખોલી બેઠી. હવે તીર છૂટી ગયું !

ભૂતકાળ રેતીની જેમ હાથમાંથી સરકી ગયો તોય હું ખાલી મુઠ્ઠી પરના નામને વળગી રહી? મારું હાઉસ ઈટ, સિમેન્ટનું બનેલું ખરું પણ ઘર હુંફાળું તો પ્રેમ અને વિશ્વાસથી બન્યું..જ્યાં શૂઝ, મોજા કાઢી સોફામાં આડા પડી સામેની ટિપોઈ પર પગ બિન્દાસ લાંબા કરી ટી.વી. માં ડૂબી જવાનું. બહારગામથી આવી નીલ એની લેઝી ચેરમાં લંબાવે ત્યારે એને 'હાશ' થાય. પોતાનું ઘર પુરુષને સ્ત્રી જેટલું કે કદાચ અધિક વ્હાલું હોય ! પત્નીની અપેક્ષા રક્ષણની તેથી માથે છત શોધે જે ઘર આપે પણ પુરુષ ઘરમાં આવી રાજા થઈ જાય. નીલ પુરુષ છે તેને ગુસ્સો આવશે, આઘાત લાગશે પણ મારો પતિ છે, જીવનસાથી છે તેના અને મારા સંબધનો માળો અમે ઍક એક તણખલું ભેગું કરી બાંધ્યો છે, ચકા -ચકીની જેમ ખીચડી રાંધી છે બે બચ્ચાંની ચાંચમાં એક એક દાણો ખવડાવ્યો છે, પ્રિયે.. હું તને.. હું નીલના બાહુપાશમાં જકડાઈ જવા અધીરી થઈ ગઈ હતી.

ઘરના દ્રાયવેમાં મારી કારને બ્રેક મારી. કાર ને ત્યાં જ રહેવા દઈ, હું દોડતી બાવરી નિનાદ શું થયું? આર યુ ઓકે ? નીલ તમે ક્યાં છો ? કરતી ઘરમાં બધે ફરી વળી.એકશ્વાસે દાદરો ચઢી ઊતરી, મારા શ્વાસ ધમણની જેમ ચાલતા હતા એકક્ષણ માટે લાગ્યું હવે થઁભી જવું પડશે પણ હું દોડી.. ગરાજ જોયું તો નીલની સફેદ ફોર્ડ કાર નહોતી. ત્યાં જ બારણાં વચ્ચોવચ મારો એક પગ અંદર અને બીજો બહાર રહી ગયો. ક્યાં જવુંની અવઢવમાં રહી.

***

મેં પર્સમાંથી ફોન શોધ્યો, હાથ આવ્યો નહિ એટલે યાદ આવતાં દોડીને કારની સીટ પર પડેલા ફોનને ડૂબતી હોડી મદદ માટે બૂમો પાડે તેમ નિનાદને ફોન જોડ્યો. ફોન સાઇલન્ટ પર હતો. એને મેસેજ કર્યો. 'તું અને પાપા ઓ.કે છો ?

ટુકોટચ જવાબ 'યસ ' નીલને ફોન કરતા પહેલી મને વાર ખચકાટ થયો. પતિના

ખબરઅંતર પૂછવાનો હક્ક પત્નીએ ગુમાવી દીધો હોય તેમ આંગળીઓ ઠરી ગઈ.

મારી સામે પ્રશ્નોનું ભૂતાવળ ઊભું હતું. 'કમ સુન ' મેસેજ મૂકી મને દોડાવી આમ અંધારામાં રાખી બન્ને ઘરની બહાર જતા રહ્યા?

હું ધોળે દિવસે લૂંટાઈ ગઈ હોઉં તેમ નાસીપાસ થઈ રસોડાના ટેબલની ખુરશીમાં ધબબ કરતી બેસી પડી. મને પાણીનો પ્યાલો આપનાર ઘરમાં કોઈ નહોતું, મારા ખભે હાથ મૂકી આશ્વાસન આપનાર મારા પપ્પા સ્વર્ગે સિધાવ્યા હતા અને મમ્મીથી ને મોટાભાઈથી હું જાતે જ એવી આઘી ખસી ગઈ હતી કે 'કેમ છો ? સારું છે ' પછીંની વાતનો ડેડ-એન્ડ આવી જતો. તેના મનમાં કાંટો વાગેલો રહ્યો કે મોટાભાઈ કે મમ્મીએ ના કદી એના કિશોરઅવસ્થાના સાથી માટે અફસોસ વ્યક્ત કર્યો કે ના કદી દીકરીના કુમળા દિલને દુઃખ થયું એવું માન્યું. એમને મન તો બધું પાર ઊતર્યું તેથી ભયો ભયો ! પિયેર પ્રત્યેના અભાવને કારણે મેં સંતાનોના જન્મ ટાણે 'આઈ એમ ફાઈન, મારે મદદની જરૂર નથી ' એમ કહી ચલાવેલું. પછી ગ્રાડ કિડ્સને જોવાને બહાને બધા પાંચ વર્ષ પહેલાં અમેરિકા અમારા ઘરે મહેમાનની જેમ મહિનો દાડો હરીફરી રાજી થઈ ગયાં ત્યારે મારે માથેથી ભાર ગયો હોય તેવું મને લાગેલું.પણ તે દિવસે બધાંને વિદાય આપી આમ ખુરશીમાં બેઠેલી ત્યારે મારા ખભા પર નીલનો વહાલસોયો હાથ હતો. 'થાકી ગઈ ' કહી એણે રેડ વાઈનની બોટલ ખોલી બે ગ્લાસમાં રેડી 'ચિર્સ ' કરેલું ને હું ય મૂડમાં આવી તેને બેડરૂમમાં લઈ ગયેલી.

હું ઘરના ખાલી રૂમમાં ફરી વળી. નિનાદના રૂમમાં બેડ પર ટુવાલ પડ્યો હતો, બાથરૂમ આગળ સ્લીપર હતાં, મેલાં મોજા ખૂણામાં હતા.બારીના પડદા અડધા ખુલ્લા હતા, ટેબલ પર ચોપડીઓની થપ્પી અને ફોનનું ચાર્જર પડ્યું હતું. થોડી વાર પહેલાં ઊતાવળો શાવર લઈ ભાગ્યો હશે ! નીલે નીચેથી 'હરી અપ 'કહી બોલાવ્યો હશે?

હું માસ્ટર બેડરૂમમાં અચકાતી ગઈ..બારીનો પડદો ખૂલ્લો એકબાજુથી નમી તૂટી પડવાની અણી પર હતો, સવારે તેણે બન્ધ કર્યા હતા.જેવી હું બારી પાસે ગઈ, સહેજ ધક્કો લાગતા કડડભૂસ નીચે સરકી ગયો. મને ભ્રમ થયો કે રોડ પર આવતા જતા લોકો તમાશો જોતા હોય તેમ ઘડીક ઊંચું જોઈ લેતા હતા !

ટિપોઈ પર ખાલી કવર પડ્યું હતું.

બેડ વિખરાયેલો હતો, નીલના સ્લીપર બે દિશામાં ઊંધા પડ્યાં હતાં, નાઈટગાઉન ડ્રેસિંગ ટેબલ પર લટકતો હતો. નીલે ગુસ્સામાં ગાઉનનો ઘા કર્યો હશે! હું મિરરની સામે કોર્ટના પાંજરામાં ઊભી હોઉં તેમ બડબડતી હતી

'ગુનો કબૂલ '

'થૅન્ક ગોડ ' મોબાઈલ રણક્યો

'હલો, મારી રાહ જોતી નહીં ' નીલની જીભ મારું નામ લેતાં અભડાઈ જતી હતી, તે અજાણ્યાની જેમ બોલ્યો.

ક્યાં છો ? ક્યારે આવશો ? મારા રુંધાયેલા ગળામાંથી અવાજ નીકળતો નથી.

'આઈ ડોન્ટ નો ' ફોનની બેટરી જાણે કાયમ માટે ગઈ!

તરૂલતા મહેતા

(રીવ્યુસ આપી તમે લખવાનો ઉત્સાહ વધારો છો, આભાર.નીલ પાછો આવશે? નિનાદને કોણે માર્યો? જાણવા 'ન કહેવાયેલી વાત ભા .6 ની રાહ જોશો.)