Premna sapna - 5 in Gujarati Drama by Sanjay Nayka books and stories PDF | પ્રેમના સપના - 5

Featured Books
Categories
Share

પ્રેમના સપના - 5

 

Part - 5

[આઠમું દ્ગશ્ય]

(રઘુ ચિરાગની ઓફિસની સાફ-સફાઈ કરતા-કરતા ગીત ગાઈ રહ્યો છે.)

રઘુ : જિસ્કા મુજે, થા ઇંતેજાર, વો ઘડી આ ગઈ, આ ગઈ.

(ચિરાગ ઓફિસનો દરવાજો ખોલીને જિંદગીને હારી આવેલા જુગારી જેવો ધીમે-ધીમે પ્રવેશે છે કારણકે હવે તે બાબાની શરતોને પ્રમાણે 75 વર્ષનો વૃદ્ધ થઈ ગયો છે. તેના ચહેરા પર છેલ્લાં 10 દિવસનો થાક વાંચી શકાતો છે અને કામ કરવાનો ઉત્સાહની કમી વર્તાતી રહી છે. તેના કાળા વાળની ચમકની જગ્યા ઉંમરની સફેદીએ લઈ લીધી હતી. સમતલ ત્વચા હવે ખરબચડી થઈ ગઈ છે જાણે ઇસ્ત્રી કરેલા શર્ટને કોઈએ જાણી બૂઝીને ઈસ્ત્રી ખોળી નાખી હોય. દુનિયાથી આગળ ચાલતા વ્યક્તિના ડગલામાં આજે ઠહેરાવ દેખાઈ રહ્યો છે. કોઈપણ પ્રકારના પડકારને હાથથી કચડી નાખવાવાળાના હાથ આજે ધ્રૂજી રહ્યા હતાં. ચિરાગ પોતાના ટેબલ પાસે જાય છે હજી રઘુનું ધ્યાન ચિરાગ તરફ ગયુ નથી. ચિરાગ ત્યાં મૂકેલો પાણીનો પ્યાલો ઉઠાવીને પીએ છે. તેના હાથ હજી ધ્રૂજી રહ્યા છે અને આ ધ્રુજારીને લીધે પ્યાલો પરત મૂકતા હાથથી છૂટી જાય છે અને હવે રઘુનું ધ્યાન ચિરાગ ઉપર જાય છે.)

રઘુ : કોણ ? શેનું કામ છે અંકલ ?

(ચિરાગ કંઈ પણ બોલ્યા વગર ચુપચાપ પોતાની ખુરશી તરફ જાય છે.)

રઘુ : બોલો અંકલ ! અમારા સરની ખુરશી તરફ કેમ જાઓ છો ?

(ચિરાગ રઘુની વાતની પરવા કરવા વગર ખુરશી પર બેસી જાય છે.)

રઘુ : અરે અંકલ ! સાંભળો તો ખરા ! લાગે બહેરાં છે.

(રઘુ, ચિરાગને ઇશારાથી ખુરશી પરથી ઊઠવા માટે કહે છે. ચિરાગ પાછો કંઈ બોલ્યા વગર ત્યાં પડેલી ફાઈલો ખોલીને જોવા લાગે છે.)

રઘુ : આ ડોસો તો વાત માનતો જ નથી ! અત્યાર સુધી તો ઉમરનો વિચાર કરતો હતો પણ હવે જોર જબરદસ્તી કરવી પડશે.

(રઘુ ચિરાગને ઉઠાડવા જાય છે ત્યાં ચિરાગ ઘંટડી વગાડે છે.)

રઘુ : પાછો સરની ઘંટડી વગાડે છે ?

(ઘંટડીના અવાજથી જલદીથી રાજેશઅંકલ આવે છે.)

અંકલ : સાલા ! રઘલા ચિરાગની ઘંટડી કેમ અટકી ? અને આ અંકલ કોણ છે ? ચિરાગની સીટ પર કેમ બેઠાં છે ? અને પાછી ફાઈલ ?

રઘુ : અરે સાહેબ ! હું પણ ક્યારનો એજ પુછું છું પણ કંઈ વાતમાં સમજતો નથી ડોસો.

અંકલ : જો અંકલ ! તમે જે હોય તે પહેલા ફાઈલ મૂકી ઉભા થાઓ ! આ તો તમારી ઉમરને લીધે તમારી શરમ કરુ છું. નહિ તો ....

(ચિરાગ ધીમેથી ફાઈલ લઈને ઉભો થાય છે.)

ચિરાગ : ટૅન્ડરની તારીખ આજની છે ! મોકલાવ્યું ?

અંકલ : તમારે શું મતલબ ટૅન્ડર સાથે?

(ચિરાગ બન્ને સામે જોઈ જોર-જોરથી હસે છે.)

રઘુ : ડોસો લાગે ગાંડો થઈ ગયો. (ચિરાગને હસતાં જોઈ બબડ્યો.)

(ચિરાગ રઘુ તરફ ધીરે-ધીરે આગળ વધે છે.)

રઘુ : લાગે ડોસો ગરમ થઈ ગયો ! (બોલતો રાજેશઅંકલની પાછળ સંતાવા જાય છે)

ચિરાગ : રઘુ ! મારી ઇટાલીયન પેન તેં જ ચોરી હતી ને ?

રઘુ : હેય ! આ વાતતો ચિરાગસર જ જાણે છે આ અંકલને કેવી રીતે ખબર પડી?

ચિરાગ : (બધાં તરફ જોતા) હજી પણ તમે મને ઓળખી ના શક્યા ? હા આમાં તમારી ભૂલ નથી મારો હાલ જ એવો થઈ ગયો છે.

ચિરાગ : રાજેશઅંકલ ! તમારો દિકરો હજી બબાલી છે કે પછી સુધર્યો ?

રાજેશઅંકલ : આ વાત પણ ચિરાગ સાથે થઈ હતી. તમને કેવી રીતે ખબર પડી ?

ચિરાગ : કારણ કે હું જ ચિરાગ છું. ચિરાગ જૈન, ચિરાગસર, ચિરાગ બોસ

(ચિરાગ તેના ડ્રૉવરમાંથી અંકલને તેના છોકરાનું વસ્તુ આપે છે અને પંચ પહેરીને રઘુને બિવડાવે છે. બધાં ચિરાગને જબરદસ્ત આશ્ચર્યથી તાકી રહ્યા હતાં.)

રઘુ : ચિરાગસર ! તમે (ઉત્સાહથી ઓળખી કાઢે છે.) વાહ સર ! જબરી વેશભૂષા ધારણ કરી છે અમે તો તમને ઓળખી જ ના શક્યા ? પાછા એકટીંગ પણ કરી !

કેમ રાજેશ સર ?

અંકલ : હા સર ! જબરદસ્ત સરપ્રાઈસ ! માની ગયા તમને.

રઘુ : ચાલો, ચાલો ડોસાનો મૅક-અપ કાઢો. આના ચક્કરમાં કેટલીવાર ડોસા શબ્દ બોલાઈ ગયો. માફ કરજો ચિરાગસર.

અંકલ : હા ! ચિરાગ મારાથી પણ અપશબ્દો બોલાઈ ગયા. મને પણ માફ કરજો.

ખરેખર ! ચિરાગ તમે હવે આ વૃદ્ધ વ્યકિતની વેશભૂષા ઉતારો અને તમારા મૂળ રૂપમાં આવી જાઓ.

ચિરાગ : અંકલ ! આ વેશભૂષા નથી આ જ મારી દશા છે. હું ખરેખર 75 વર્ષનો વૃદ્ધ છું આ મેક-અપ નહિ મારો ખરેખર રૂપ છે. રઘુ મને ખબર છે તને હજી પણ ખોટું લાગતું હશે. એટલે તું આવીને ચેક કરી લે.

(રઘુ ખરેખર દશા છે કે વેશભૂષા ચેક કરવા ચિરાગની નજીક જઈને તેના મોઢા ઉપરની કરચલી ઉપર હાથ ફેરવે છે.)

રઘુ : બાપ રે બાપ ! આ તો એકદમ અસલી છે.

અંકલ અને પ્રિયા : હૅય ? (અચંબામાં પડી જતાં)

અંકલ : ચિરાગ ! આ શું થયું અચાનક ? કોઈ બિમારી ? અમને જાણ પણ ના થવા દીધી ?

ચિરાગ : નહિ નહિ ! કોઈ બિમારી નથી થઈ આ મેં ચૂકવેલી કિંમત છે.

અંકલ : હેય ! કિંમત ? કોઈ બિમારી વગર આવી હાલત શક્ય જ નથી ?

ચિરાગ : સમજાવું સમજાવું ! જ્યારે કોઈ ગંભીર વાત માટે જીભ ચલાવવાની હોય ત્યારે પગને ચાલતા અટકાવું પડે આવો બેસીને વાત કરીએ. આ ઉંમરે ઉભા રહવું મારા માટે મૂશ્કેલ છે.

(બધાં બેસે છે.)

ચિરાગ : યાદ છે તમને હું તમને ઘણી વાર યુવાની વાત પૂછતો હતો.

(બધાં સંમતિથી હા પાડે છે.)

ચિરાગ : અને એમ પણ પૂછતો હતો કે જો આપણને યુવાનીના દિવસોમાં જવા મળે તો ? ત્યારે અંકલ તમે કહ્યું હતું કે જીવનની ગાડીમાં રિવર્સ ગિયર નથી હોતા. તે તો સીધી જ જાય છે. પણ મારા જીવનની ગાડીમાં રિવર્સ ગિયર હતાં હું 50 વર્ષથી યુવાનીના 30 વર્ષમાં ગયો.

અંકલ : શું ? સમજાય તેવું બોલો !

ચિરાગ : હા એ જ કહુ છું પણ વાત સીધી રીતે સમજાય તેવી નથી. એટલે તમારે ધ્યાનથી સાંભળવું પડશે.

(બધાં વાતને સાંભળવાની ઇચ્છાને કાનોમાં રાખીને બેસી જાય છે. ચિરાગ પોતાની આપવીતી કહે છે. ચિરાગની વાત સાંભળી બધાં ચુપચાપ બેસી રહે છે કોઈના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી. ચિરાગ બધાંને બાળપણના દિવસોથી આરંભ કરીને દીયા સાથેના છેલ્લા દિવસ સુધીની કહાની વ્યકત કરે છે.)

અંકલ : માનવામાં ન આવે આ વાત ! કે જેની ઉમર 50 વર્ષની હતી તેની ઉમર 10 દિવસો પછી 75 વર્ષની થઈ ગઈ?

ચિરાગ : ચાલો જે થઈ ગયુ તે મારી મરજીથી થયુ એમાં મને કંઈ પણ જાતનો અફસોસ નથી. કારણકે તેના સામે મને બાળપણના દિવસો મળ્યા અને યુવાનીમાં પ્રેમ કરવા વાળી ‘દીયા’ મળી. બસ દીયાની યાદોમાં બાકીનાં દિવસો કાઢી નાખીશ. સ્નેહ મિલનની કિંમત તો ઘણી હતી પણ જુદાઈ તો જાણે મફતમાં મળી ! નાનપણમાં આનંદ લેવાનું અને યુવાની જીવવાનું સપનું મે જોયેલુ તેને સાકાર કરવામાં જે પણ કિંમત થઈ તે પણ હું ચૂકવીશ.

સાચું કહુ તો ભૂલ મારી હતી હું સમજતો હતો કે પથ્થર ઉપર ફૂલ ખીલે ! રણમાંથી મોતી મળે ! પાણીમાં આગ લાગે ! અને ઉનાળામાં ઠંડક મળે !

જ્યારે મને ખબર છે કે આ બધું અશક્ય છે .... સાચું કહું તો ભૂલ મારી હતી ..

અંકલ : ચિરાગ તમારી ગેરહાજરીમાં તમારા નામની કેટલી અફવા ઊડવા લાગી હતી કે ચિરાગ દેવાદાર બની ગયો છે, ચિરાગે નાદારી જાહેર કરી દીધી છે, એટલે બિઝનેસની દુનિયા સમક્ષ નથી આવતો અને આ બધી અફવા ફેલાવવા પાછળનો સૂત્રધાર છે ‘વિષ્ણુલાલ’

ચિરાગ : ઓહ્હ એમ છે ! વિષ્ણુલાલને ખબર નથી કે ચિરાગ ઘરડો જરૂર થઈ ગયો છે પણ વાધ ઘરડો હોય તો પણ તેની ગર્જનાને કંઈ ફેર પડતો નથી. વિષ્ણુલાલનું વિષ કાઢતાં મને આવડે છે.

(ઓફિસનો ફોન રણકે છે. અંકલ ફોન ઊચકે છે.)

અંકલ : હૅલ્લૉ ?

વિષ્ણુલાલ : આપણે વિષ્ણુલાલ ! ખન ખન ગોપાલ ! ક્યાં છે શેઠ ? આવી ગયાં કે પલાયન થઈ ગયા ?

અંકલ : તારો બાપ આવી ગયો છે વિષ્ણુ ! (અકડાઈને જવાબ આપતાં)

વિષ્ણુલાલ : હેય ! વિષ્ણુલાલ થી વિષ્ણુ ?

અંકલ : તારૂ વિષ કાઢવા ! હવે તારી બરબાદીના દિવસો આવી ગયા. (સિંહની જેમ ગરજતાં)

વિષ્ણુલાલ : ચિરાગ આવી ગયો ? (ભીગી બિલ્લીનાં અવાજ સાથે)

(ચિરાગ અંકલ પાસેથી ફોન માંગે છે.)

ચિરાગ : વિષ્ણુ

વિષ્ણુલાલ : અરે ચિ..ચિ..ચિરાગભાઈ ! મને તો ખબર જ હતી કે તમે જરૂર આવશો ! ખબર નહિ કોણ અફવા ફેલાવતું હતું.

ચિરાગ : હા એ બધી અફવા જ હતી. પણ હવે હકીકત કાન ખોલીને સાંભળ ! આજથી તમારી કંપની સાથે મારા બધાં કરારો બંધ. એક એસોસિયેશનના પ્રમુખ તરીકે તમને સભાસદમાંથી બાદ કરું છું. તમને ખબર છે ને ચિરાગ જૈન માર્કેટમાંથી જેના સાથે છેડો કાપી નાખે છે તેને માર્કેટ કાંઢી નાખે છે. કાલે મારો સી.એ અને વકીલ તમારા જુના લેણા વસૂલ કરવા માટે આવશે. આજ સુધી મેં દયા દાખવી જુના લેણાનો હિસાબ કાઢતો ના હતો. પણ હવે નહિ કાલથી વ્યાજ સાથે મને મારો હિસાબ જોઈએ. અગર જરા પણ આનાકાની કરીને તો ફેસલો કાનૂન કરશે.

વિષ્ણુલાલ : મને માફ કરી દો ..ચિરાગભાઈ. હવે પછી કોઈના પણ માટે અફવા નહિ ઉડાવું.

ચિરાગ : આ બધું પહેલા વિચારવાનું હતું. દેવાદાર, નાદારીનો ખરો અર્થ હવે તને ખબર પડશે વિષ્ણુલાલ ઠન ઠન ગોપાલ.

(ફોન કટ કરે છે.)

[અંધારું]

[અંતિમ દ્ગશ્ય]

(ચિરાગ પ્રથમ દ્ગશ્યની જેમ બારી સામે ઊભો રહ્યો છે. બારીની બહાર કૉલેજિયનોની યુવાનીની મસ્તી જોઈ રહ્યો છે.)

ચિરાગ : એક તરફ઼ શહેરનો અવાજ અને બીજી બાજુ કોલેક કેટલી શાંત જાણે બધી શિસ્તતા અને સભ્યતા અહીં જ જોવા મળતી હોય. માણો યુવાનો યુવાનીનો રસ પણ દિલથી માળો. કોઈ તક કે કોઈ મોકો હાથથી ન જવા દો કેમ કે એકવાર આ તક સરી ગઈ તો અફસોસ કર્યા સિવાય કોઈ છૂટકો નથી જે આજે હું કરી રહ્યો છું.

મેં દીયાને પ્રેમ તો કરી લીધો પણ નિભાવવામાં નિષ્ફ઼ળ ગયો. દીયા મને માફ કરજે ! હું તારો સાથ આપી ના શક્યો. કારણ કે મારો સાથ ક્ષણ ભરનો હતો અને તારી પાસે પહાડ જેવી જિંદગી હતી.

દીયા તારા લગ્ન થશે ત્યારે તું કેવી લાગશે ? મેં આપેલી સાડી અને શૃંગાર તારા પણ કેવો લાગશે ? તને દુલહનના રૂપમાં જોવાની ઇચ્છા અધૂરી રહી ગઈ ?

(ચિરાગ પોતાના મન સાથે વાત કરતો-કરતો શૂન્યમનસ્ક થઈ જાય છે. અચાનક ઝાંઝરનો અવાજ આવે છે. ‘છમ છમ’. ચિરાગ પોતાના મનમંથનમાંથી બહાર આવીને કંઈક અનુભવ કરે છે જાણે કોઈ ઓફિસના ગેટ તરફ આવી રહ્યું છે. ચિરાગ ઓફિસના ગેટ તરફ નજર કરે છે. ગેટથી એક પડછાયો આવતો જુએ છે. ઓફિસના ગેટમાંથી લગભગ 70 વર્ષીય એક વૃદ્ધ સ્ત્રી પ્રવેશે છે. આંખોની આજુ-બાજુ કાળા કુદાળા દેખાતા હતાં જાણે મેશ પાંપણ પણ નહિ પણ આંખોની આજુ-બાજુ ચીતરાઈ ગઈ હોય ! ચહેરાની કરચલીઓ અને માથાના સફેદ વાળ બેજાન હતા પણ આંખોનો તેજ હજી સજીવ હતો. તે ચિરાગને એવી રીતે મીટ માંડીને જોઈ રહી છે જાણે તે ચિરાગને પહેલેથી જાણીતી હોય ! તેની આંખોનો તેજ ચિરાગની આંખોમાં નવચેતન જગાવી રહ્યો હતો. એ સ્ત્રીનો શૃંગાર દીયાની યાદ તાજી કરી રહ્યો હતો ! દીયાની ઉપસ્થિતિનો પુરાવો વાતાવરણમાં અનુભવ કરાવતો હતો. તે સ્ત્રીની આંખોમાંથી રેલાતો એ તેજ તેને આકર્ષતો હોય તેમ ચિરાગ તેની દિશામાં ખેંચાતો આગળ વધે છે. ચિરાગ ધીરે-ધીરે કાપતો ધ્રૂજતો એ સ્ત્રીને ધારી-ધારીને જુએ છે. ચિરાગ થોડો અચરજમાં પડે છે અને વિચારે છે કે આ બધી વસ્તુઓ તો દીયાને આપેલી હતી આ સ્ત્રી કેમ ધારણ કરીને આવી ?

સ્ત્રી પોતાના હાથમાં મંગલસૂત્ર અને કુમકુમ લઈને ચિરાગ સામે ઘરે છે. ચિરાગ તે સ્ત્રીને એકીટશે તાકી રહ્યો હતો. એજ દીયા જેવી આંખોમાં નમણાશ, એ જ મહેકતું સ્મિત ! આમ તો બઘું અકબંધ હતું પણ .... ચહેરા પર કરચલીઓ, વાળમાં સફેદી અને ચામડી લચી પડી હતી.)

ચિરાગ : મંગલસૂત્ર અને કુમકુમ ? આ તો મે મારી દીયાને આપ્યા હતા ! તમારી પાસે કેવી રીતે આવ્યાં ? અને આ સાડી, શૃંગાર ?

(ચિરાગ તે સ્ત્રીનો ચહેરો પરિચિત લાગતા તે વધુ નજીક જાય છે.)

ચિરાગ : 'દીયા તું .......' અને તારો ચહેરો ? તારી ઉમર ? (દીયાને અણધારી જોઈ ચિરાગ અચંબામાં પડી ગયો.)

દીયા : ચલ સારુ થયું. તેં મને ઓળખી તો કાઢી. હા હું જ છું તારી દીયા.

ચિરાગ : પણ આવો કેવો મૅક-અપ કર્યો ? તું પણ કેવી મારા જેમ વૃદ્ધ લાગે છે. અરે આ તને નથી શોભતું.

દીયા : આ મૅક-અપ નથી. આ હકીકત છે.

ચિરાગ : હકીકત ?

(ચિરાગ દીયાના ચહેરાને હાથથી સ્પર્શ કરે છે.)

ચિરાગ : અરે ! દીયા આ શું થયું તને ?

દીયા : કેમ ! તું કોઈ ચમત્કારથી યુવાની જીવી શકે તો હું ના કરી શકું ?

ચિરાગ : એટલે તું પણ બાબા પાસે ગઈ હતી ? તેણે આ બધું ....? તને બાબાનું ઠેકાણું કોણે કહ્યું ?

(દીયા ચિરાગને એક કાર્ડ આપે છે.)

દીયા : જ્યારે આપણે એકબીજા સાથે અથડાયા હતા ત્યારે આ કાર્ડ મારા પાસે જ રહી ગયેલો હતો. કાર્ડમાં તારુ નામ અને સરનામું હતું અને તેં જ કહ્યું હતું કે મારી ઓફિસની બાજુમાં એક મંદિર છે અને તે હઠયોગી બાબા ત્યાં જ મળે છે.

ચિરાગ : પણ દીયા ? તારી પાસે તો આખી જિંદગી હતી તું કેમ આવું કર્યું ? કંઈ નહિ હજી મોડું નથી થયું. ચલ હમણાં જ બાબા પાસે ! હું વાત કરું છું.

દીયા : નહિ ચિરાગ, પાછી જવા માટે નહિ પણ હું તારા સાથે જીવન ગુજારવા આવી છું. હવે હું નહિ જાઉં.

ચિરાગ : દીયા, મે તો બાળપણ અને જુવાનીના દિવસના સપના સાકાર કરવા માટે ઘડપણ સ્વીકાર કર્યું. તારા પાસે તો અડધું જીવન પડેલું છે.

દીયા : તેં તારા સપના સાકાર ઘડપણ સ્વીકાર્યું અને મેં પ્રેમ સાકાર કરવા ઘડપણ સ્વીકાર કર્યું.

ચિરાગ : તારો પ્રેમ પાગલ છે.

દીયા : ચિરાગ તું જ મારો પ્રેમ છે. (વળતો જવાબ આપ્યો.)

(દીયાએ ધીરેથી ચિરાગના વાળમાં હાથ ફેરવ્યો. બન્નેના રોમેરોમમાં એકબીજાને જોતાં જ અજબનો ચમકારો થયો. બન્નેની આંખોમાં તેવું જ ઓજસ, તેવો જ પ્રેમ હતો અને તેવી જ ભીનાશ હતી. જે બન્નેની પહેલી મુલાકાતમાં હતી.)

ચિરાગ : એક ક્ષણ માટે તારી વાત માની પણ લઉં ! પણ પછી શું ?

દીયા : પછી શું ? સંતાનની વાત કરે ? હજી પણ ‘ચાલુ’ જ છે. હજી નહિ બદલ્યો.

ચિરાગ : ‘ચાલુ’ ? (હસતાં) હજી તું પણ ક્યાં બદલી. મારો મતલબ એ છે કે આ ઉમરે લગ્ન કરીશું ?

દીયા : હાસ્તો વળી, તને શરમ આવશે ?

ચિરાગ : મને શેની શરમ ? હું તો ચાલુ છું ને ? પણ લગ્ન પછી આશા ના રાખતી

દીયા : શેની આશા ?

ચિરાગ : ગાડી ચાલતી છે એ જ બસ છે પણ તને ફરવાની મજા કરવાની આશા ના રાખતી.

દીયા : સાલા ચાલુ ! માર ખાવાનો છે.

(બન્ને એકબીજા સાથે મઝાક મસ્તી કરે છે. તેઓના અવાજથી અંકલ, પ્રિયા અને રઘુ આવી જાય છે. ચિરાગ અને દીયા દુનિયાથી બેખબર પોતાની ધૂનમાં મસ્તી કરતા રહે છે કે તેઓને ભાન જ નથી રહેતું કે તેઓને અંકલ અને રઘુ જોઈ રહ્યા છે.

અંકલ અને રઘુ તેઓ પણ આ અનોખું દ્ગશ્ય એવી રીતે જોઈ રહ્યા છે કે ચિરાગ સાથે મઝાક મસ્તી કરતી ચિરાગ જેવી ઘરડી સ્ત્રી કોણ છે ? તેની પણ પરવા નહિ કરી. અચાનક રઘુથી ટેબલ પર મૂકેલા ગુલદસ્તા પર હાથ લાગી જાય છે. થોડો અવાજ થાય છે. અવાજથી ચિરાગ અને દીયા પોતાની દુનિયામાંથી બહાર આવે છે.)

ચિરાગ : હજી તમારા લોકોની ચોરી છૂપે જોવાની આદત ગઈ નથી ?

અંકલ : અમને માફ કરજો પણ અમે તમને ખલેલ પહોચાડવા માગતા ના હતાં.

ચિરાગ : ઓ.કે આ કોણ છે ખબર ? (દીયા તરફ ઇશારા કરતાં)

અંકલ : દીયા જ હોઈ શકે ! કારણ કે જે વ્યક્તિ જેનાં નામથી જ ખુશ થતો હોય તેને કોણ નહિ ઓળખી શકે ? અને આજે તો ખુશીનો ગુલદસ્તો ખીલ્યો છે.

કેમ સાચું ને ?

ચિરાગ : હા અંકલ ! આજ દીયા છે.

અંકલ : સર, તમે તો કહેતા હતાં કે દીયાની ઉંમર તો 30 વર્ષની છે અને આ તો ?

ચિરાગ : હા 30 વર્ષની હતી પણ આ ગાંડી પણ મારી જેમ એ બાબા પાસે ગઈને મારા માટે ઉમરમાં વધારો કરીને આવી છે.

અંકલ : ઓહ માઈ ગોડ ! સાચે ? વોટ અ ટ્રૂ લવ. પણ દીયાને બાબાનું ઠેકાણું કેવી રીતે ખબર પડી ?

ચિરાગ : અરે શું થયું કે જ્યારે હું યુવાની કાળમાં હતો ત્યારે મેં દીયાને કહ્યું હતું કે એક બાબા છે મારી ઓફિસની બાજુના મંદિરે બેસે છે તેણે જ મને બાળપણ અને યુવાનીના સપના સાકાર કરવા મદદમાં કરી હતી.

અંકલ : ઓહ્હ ઓફિસના બાજુના મંદિરે. તો હવે તમે બન્ને શું કરવાનાં ?

ચિરાગ : દીયા કહે છે લોકો યુવાનીના કાળમાં લગ્ન કરી એક થાય છે. અમે ઘડપણમાં લગ્ન કરીને અમારા સાચા પ્રેમની સાબિતી આપીશું.

રઘુ : વાહ વાહ શું ઉચ્ચ વિચારો છે. આજે તમે સાબિત કરી દીધું છે કે સાચા પ્રેમની ઉંમર યુવાની હોઈ શકે એ જરૂરી નથી હોતું. (વાતને સંમતિ આપતા કહ્યું)

ચિરાગ : રઘુ ? તું પણ ?

અંકલ : રઘુ નહિ હું પણ ? તમને પ્રેમનાં બંધનમાં બંધાતા જોવાનું સપનું મેં ક્યારનું જોયું છે. ચાલો રાહ શેની જોવાની ? ચાલો રઘુ લગ્નની તૈયારી કરીએ.

(બન્ને લગ્નની તૈયારી કરવા ઓફિસની બહાર જાય છે. ચિરાગ અને દીયા અંકલ અને રઘુનો ઉત્સાહ જોઈને કશું બોલતા નથી. ઓફિસમાં ફરીથી બે ઘરડા હૃદયો રહી જાય છે. તનથી તો ઘરડા થઈ ગયા છે પણ મનથી તો દુનિયા સામે લડવાની ઉષ્મા ધરાવે છે એટલે જ આટલી ઉંમરે દુનિયાદારીની પરવા કર્યા વગર લગ્ન કરવાનો જુસ્સો બતાવે છે.)

ચિરાગ : દીયા, શું આપણે ખરેખર ઘડપણમાં લગ્નના દોરાથી બંધાશું ?

દીયા : કેમ ?....તેં તો યુવાનીનો ભરપૂર આનંદ લીધો. હવે ઘડપણથી કેમ વંચિત રહવા માંગે છે. વીતેલી વય પાછી આવતી નથી છતાં હૈયા યુવાન હોય તો તે પ્રૌઢ અવસ્થાને પણ સૌન્દર્ય બક્ષે છે. બાળપણ અને યુવાની તો હોંશે હોંશે સ્વીકારી હવે ઘડપણને પણ સ્વીકારતાં શીખ.

ચિરાગ : ના એવું નથી. હું ક્યાં ઘડપણથી મોં ફેરવુ છું મને મારી ચિંતા નથી. હું તો તારી યાદમાં બાકીનું જીવન પણ ખાસ્તાં કે હસતાં-હસતાં ગુજારવા તૈયાર હતો ! પણ તું શા માટે મારા માટે યુવાની સ્વાહા કરીને આવી ?

દીયા : જો ચિરાગ, જે થવાનું હતું થઈ ગયું હવે આ ભૂતકાળને અહીં જ પૂર્ણવિરામ આપીને વર્તમાનને ઘડપણનાં ઘરેણાં પહેરાવી આગમી જીવનને પ્રેમ, વિશ્વાસ અને સાથના શૃંગારથી સજાવીને એક નવીન દુનિયાનું શુભારંભ કરીએ.

ઉંમર શરીર ઉપર ભલે સ્થાન લે પણ મનમાં સ્થાન ન આપીએ. મનથી યુવાન બનીને જીવીએ.

વયની કાંચળી ઉતારી ઉત્સાહથી જીવીએ. (દીયા ભીની આંખો સાથે જાણે અત્યારે જ છલકાવવાની હોય તેવી ચિરાગનો હાથ પોતાના હાથમાં રાખીને ચિરાગને આશ્વાસન આપી રહી છે.)

ચિરાગ : હા દીયા, તું કહે તેવું જ થશે. દરિયાના મોજા કિનારે આવી જતા દરિયો સમાપ્ત નથી થઈ જતો. આ તો દરિયા અને કિનારાનો મેળાપ થાય છે. મોજા કિનારાને મળી પાછા ફરે છે અને બીજા મોજાને કિનારાનું સરનામું આપે છે. હા દીયા આપણે પણ એકબીજાને આવતા બધાં જનમ મળતા જ રહીશું. દરિયાનું પાણી ખૂટી જશે પણ આપણો પ્રણય નહિ. (પ્રેમના વાદળો પાછા ઊમટ્યાં, ચિરાગ દીયાને તેની બાહોમાં ભરી લે છે અને બન્ને મનભરીને આંસુનો વરસાદ વરસાવે છે.)

(અચાનક કોઈક નો આવવાનો અવાજ આવે છે.)

અવાજ : “વાહ વાહ માની ગયા તમારા પ્રેમને ! તમારા સાચા પ્રણયને ! સલામ છે તમને ! લોકોને યુવાની પણ ઓછી પડે છે સાચા પ્રેમને ઓળખવામાં અને તમે ઘડપણમાં સાબિતી આપી. ખરેખર ચિરાગ તમે સાચે જ પ્રણયનું પ્રમાણપત્ર આપ્યું છે .... પ્રેમનું પ્રમાણપત્ર આપ્યું છે.

(બન્ને આવતા અવાજ તરફ નજર ચિધે છે. ત્યાં તે જ હઠયોગી બાબા હોય છે કે જેણે બન્નેની ઉંમરમાં ફેરફાર કર્યા હતા.)

બન્ને સાથે : તમે ?

બાબા : હા હું !

ચિરાગ : તમે અહીં ?

(બાબાના પાછળથી અંકલ અને રઘુ પણ આવે છે.)

બાબા : તમારા પ્રેમ સામે બધાં અમર થઈ ગયેલ પ્રેમ પણ ઝૂકી ગયા.

ચિરાગ : તમારો ધન્યવાદ ! અમારા પ્રેમને સમજવા બદલ પણ તમે અહીં શાં માટે આવ્યા છો ? અમારો ઉમરનો હિસાબ તો સરભર થઈ ગયો છે પછી કોઈ જુનો હિસાબ તો કરવા તો નથી આવ્યા ને ? બાબા હવે અમારા પાસે એટલાં પણ વર્ષ નથી કે તમારો હિસાબ ચૂકવી શકીએ.

દીયા : હા ! હવે અમે એક થઈ જીવવા માગીએ છીએ અલગ અલગ કરી મારી ના નાખતા.

બાબા : ના ના ! અલગ કરવા નહિ પણ હું તો આવ્યો છું તમને એક કરવા.

તમને આશીર્વાદ આપવા ! તમારું લગ્ન જીવન ખુશ-ખુશાલ કરવા.

ચિરાગ : અમે બે તો એક છીએ જ પણ બે ના ત્રણ થાય તેવો આશીર્વાદ આપો.

(ચિરાગે લાગે લાકડી ભાંગતા કહ્યું અને દીયાએ શરમની ઓઢણી ઓઢી લીધી.)

બાબા : હા હા હા (હસે છે) બે ના ત્રણ !! હું તો તમને બે ના ત્રણ શું ? બે ના ચાર થાય એવા આશિષ વચન આપવા આવ્યો છું.

બન્ને : શું ? (દીયા અને ચિરાગ બન્ને મૂંઝવણમાં પૂછ્યું)

બાબા : હા સમજાવું. તમારા અતૂટ પ્રેમ સામે મારી શરતોના બંધન તૂટી ગયા.

તમારો પ્રેમ જીતી ગયો અને કુદરતના નિયમો હારી ગયાં.

ચિરાગ : બાબા ! અંધારાંમાં આગિયાની જેમ ઝબક ઝબક અજવાળું કેમ બતાવો છો ?

જે કહો તે સ્પષ્ટ કહો.

બાબા : હા જરૂર ! ચિરાગ મને તમારા વિષે ખબર હતું કે તમે તમારા પ્રેમ માટે ઘડપણ સ્વીકાર્યું હતું પણ જ્યારે દીયા મારી પાસે પોતાની યુવાનીનો ત્યાગ કરી ઘડપણ માટે વચન માગવા આવી તો મેં વગર વિચાર્યે વચન આપી તો દીધું પણ ઘડપણનું કારણ ના પુછ્યુ. ખેર ! આ તો સારુ થયુ કે રાજેશઅંકલ મારી પાસે આવીને સાચી હકીકતની જાણ કરી.

એક પોતાના પ્રેમને સુખી જોવા પોતાની ઉંમરમાં વધારો કરી ઘડપણ આવકારે છે અને બીજો પોતાના પ્રેમનો પુરાવો આપવા પોતાની યુવાનીને ત્યાગ કરીને ઘડપણ સ્વીકારે છે. આવા પ્રેમ સામે કુદરત પણ ઝૂકી જતી હોય તો મારી શું વિસાત ? લોકો પાસે સમય તો છે પણ પ્રેમ માટે સમય નથી અને તમારા પાસે પ્રેમ તો અનંત છે પણ સમય નથી. તમારા પ્રેમને અધૂરો રાખીને હું ગુનેગાર બનવા માગતો નથી. એટલે હું તમને બન્નેને તમારી વર્તમાનની ઉંમર પાછી આપવા આવ્યો છું.

(બન્નેની આંખો ખુશીની વીજળી ઝબકી ઊઠી.)

બન્ને : શું ? વર્તમાનની ઉંમર પાછી આપવા આવ્યા છો ?

બાબા : હા એટલે કે તે ઉંમર જ્યારે તમે મારી પાસે આવ્યા હતાં.

ચિરાગ : મને માફ કરજો બાબા ! અમે શરીરથી ભલે તૂટી ગયા છે પણ મનથી મક્કમ છીએ. અમે આ ઉમરમાં ખુશ છીએ.

બાબા : કેમ ?

ચિરાગ : કારણ કે પાછી વાસ્તવિક ઉમરમાં લઈ જવામાં અમારે તેની કિંમત ચૂકવી પડશે ને ? અમે બન્ને ટુકડા-ટુકડા થઈ ગયા છે હવે ટુકડાને ભુક્કો કરવા નથી માગતાં ! નાનકડો પથ્થર ઊચકવાનું બળ નથી રહ્યું ત્યાં પર્વત ખસેડવાનો સાહસની વાત નહિ કરતા. હવે અમે કોઈ કિંમત ચૂકવવા સક્ષમ નથી.

બાબા : તમે બન્નેએ ધણી કિંમત ચૂકવી દીધી છે હવે કોઈ કિંમત ચૂકવવાની જરૂર નથી.

દીયા : સાચે ?

બાબા : હા સાચે ! ચાલો આવો બન્ને તમને આશીર્વાદ આપું.

ચિરાગ : તમારો આભાર ! અમને નવું જીવન આપવા બદલ પણ હજી એક સવાલ મનની બહાર આવવા ધમાલ મસ્તી કરી રહ્યો છે.

બાબા : હવે શું રહી ગયું ?

ચિરાગ : તમે અમને અમારી હાલની ઉંમરથી મૂળ ઉમરમાં લઈ જવાનું વચન આપી રહ્યા છો. તેના બદલામાં અમારે કોઈ કિંમત પણ ચૂક્વવાની નથી. આ પણ તો કુદરતના નિયમના વિરુદ્ધમાં છે તો તેના બદલામાં કિંમત ચૂકવશે કોણ ?

બાબા : હા તમારો સવાલ વાજબી છે. આ બદલામાં કિંમત તો ચૂકવવી પડશે. અને એ કિંમત ચૂકવીશ.... હું. મેં તમને આશીર્વાદ આપીશ તો તેના બદલામાં જે કંઈ પણ ભોગ આપવા પડશે તે હું જ આપીશ.

ચાલો ! ચાલો ! હવે મારી પાસે વધારે સમય નથી. બન્ને જણાં નજીક આવો અને આંખો બંધ કરો.

(દીયા અને ચિરાગના ચહેરા પર ખુશીની લહેર ચમકતા બાબાના નજીક જઈને તેના ચરણોમાં શીશ ઝુકાવી, આંખો બંધ કરી અને પ્રણામ કરતા બેસી જાય છે. બાબા બન્નેના માથા પર હાથ મૂકીને જોરથી વચન આપતા શબ્દો બોલે છે. “ જય મહાકાલ ! જય મહાકાલ ”બાબાના શબ્દો ઓફિસના ચારે ખૂણે ગુંજતા આખી ઓફિસમાં ધુમાડો પ્રસરી જાય છે. ધુમાડાની આડમાં ઓફિસમાં ઉપસ્થિત બધાં દેખાતા બંધ થઈ જાય છે. ધુમાડો થોડીવાર પછી હવામાં મિશ્રણ થઈ જતાં ધીરે ધીરે ઉપસ્થિત વ્યક્તિ દેખાવા લાગે છે. બધાની નજર ચિરાગ અને દીયા પર છે. બાબાએ આપેલા સત્ય વચનથી ચિરાગ અને દીયા પોતાની વાસ્તવિક ઉંમરમાં આવી જાય છે.

બન્ને એકબીજાનાં ચહેરા પર હાથ ફેરવી તસલ્લી કરે છે કે ખરેખર તેઓ પાછા વર્તમાન સમયમાં આવી ગયા છે ? ચિરાગ અને દીયા એકબીજાને જોઈને મનમાં ચાલતી શંકાનું નિવારણ કરતાં બન્ને એકબીજા પર પ્રેમની વર્ષા કરતાં આંખ ભરીને જોતા રહે છે.)

ચિરાગ : દીયા ! (જાણે હારેલી બાજી જીતી ગયા તેવા અંદાજમાં)

દીયા : ચિરાગ ! (જાણે નવું જીવનદાન મળ્યું હોય તેવા સ્વરે)

(ચિરાગ પાછો 50 વર્ષનો અને દીયા 30 વર્ષની થઈ ગઈ છે. બન્ને નવી જિંદગીનું સુસ્વાગત કરતા આંખોમાં ખુશીના આંસુ લઈને લોહચુંબકની જેમ ભેટીને પોતાને મળેલું આશિષનું સુસ્વાગત કરે છે. એક દાયકા પુરાણી તરસ હતી અને ચાર હોઠોની પરબ હતી. સપનામાં માગેલું અને કલ્પનામાં વાંછેલું સ્પર્શનું સુખ એ શરીરના રોમ-રોમ દ્વારા લૂંટી રહ્યાં હતાં. ચાર-પાંચ મિનિટ્સ એમ જ સમાધિ બનીને પસાર થઈ ગઈ. મિલનનો આવેગ શમ્યા પછી બન્ને છૂટાં પડે છે.

આ નજારો જોતા અંકલ, બાબા અને રઘુની આંખો પણ ભીની થઈ ગઈ છે. અંકલ પ્રેમી પંખીડાને દીર્ઘ આયુષ્યના આશીર્વાદ આપે છે. ચિરાગ અને દીયા બાબાનો ફરીથી ધન્યવાદ કરે છે.)

ચિરાગ : આઈ લવ યુ દીયા.

દીયા : આવી રીતે નહિ. તારી ચાલુ સ્ટાઇલમાં

ચિરાગ : “ચાલુ” સ્ટાઇલમાં ? (હસે છે.)

(ચિરાગ ટેબલ પર મૂકેલો ગુલદસ્તામાંથી એક ગુલાબ લે છે. દીયા સામે ઘૂંટણના સહારે બેસીને લવ પ્રપોઝ કરે છે.)

ચિરાગ : આઈ લવ યુ દીયા.

(દીયા પણ ચિરાગને જેમ બેસીને તે ગુલાબને પોતાના દાંતના સહારે પકડીને ચિરાગના હાથમાંથી ઝુંટવી લઈ તે જ ગુલાબ પોતાના હાથમાં લઈને ચિરાગને આપે છે.)

દીયા : આઈ લવ યુ ચિરાગ.

(ચિરાગ, દીયાને હવાની જેમ ફૂલને સ્પર્શે છે તે નજાકતથી કપાળ પર પ્રેમ ભર્યું ચુંબન આપે છે અને એકબીજાના હાથોમાં હાથ નાખી ઉભા થાય છે. બધાંની આંખોમાં ચોમાસું વરસવા લાગ્યું. આ અતૂટ પ્રેમના સાક્ષીઓ બાબા, અંકલ અને રઘુ નવયુગલ ઉપર પ્રશંસાની તાળીઓ સાથે અને અશ્રુનો મબલક પ્રેમ અને ફૂલોનો વરસાદ વરસાવી રહ્યા છે. દીયા ચિરાગને મંગલસૂત્ર અને કુમકુમ આપે છે.

ચિરાગ દીયાના ગળામાં મંગલસૂત્ર બાંધીને અતૂટ અને અખૂટ પ્રેમમાં બાંધવાનું વચન આપે છે. ચિરાગ પોતાના હોઠમાં કુમકુમ લગાવીને દીયાની માંગ ભરે કરે છે. અને ....સાથે સાથે તાળીઓ અને પ્રેમનો વરસાદ ચાલુ જ રહે છે.)

અંકલ : આ અમૂલ્ય પળોની ઉજવણી તો કરવી જ પડશે. એ રઘલા ફટાફટ કેક લેતો આવ.

(રઘુ ઝડપે જાય છે.)

ચિરાગ : ઉજવણી ?

અંકલ : હા ઉજવણી.

રઘુ : આ આવી ગઈ કેક.

અંકલ : ચલ તો 2 મીણબત્તીઓ સળગાવી દે.

રઘુ : સાહેબ, મીણબત્તી તો ભૂલી જ ગઈ. 2 મિનિટ્સમાં આવ્યો.

અંકલ : અલ્યા રઘલા ?

ચિરાગ : રઘુ, મીણબત્તીની જરૂર નથી. (રઘુને રોકતા કહ્યું)

અંકલ : મીણબત્તીની જરૂર નથી ?

(ચિરાગ 2 દીવાઓ લાવીને અને એક દીવો દીયાને આપે છે. દીયા દીવાને હાથોમાં લેતા જ જાણીતું હાસ્ય આપે છે.)

ચિરાગ : અમારી ઉજવણી અલગ છે અમે મીણબત્તીને બુઝાવીને નહિ પણ દીવા પ્રગટાવીને કરીએ છીએ.

અંકલ : ઓહ ! બે દીવા એટલે કે ચિરાગ અને દીયા ! વાહ વાહ

(ચિરાગ અને દીયા બન્ને એકસાથે દીવાઓ પ્રકાશિત કરીને આગામી જીવનને સુપ્રકાશિત કરે છે. દીવાઓના તેજની જ સાથે તાળીઓ અને આશિષનો વરસાદ ફરી વરસવા લાગે છે.)

[પડદો પડે છે.]

Written By:

Sanjay Nayka

sanjay.naika@gmail.com