જ્યાં જ્યાં નજર મારી ઠરે..!
જ્યાં જ્યાં નજર મારી ઠરે, ગાયો દીસે ગરીબડી ..! લોકશાહીના પરચા જોવા હોય તો રસ્તાઓ ઉપર આંટો મારવો પડે દાદૂ..! રસ્તા શહેરના હોય કે ગામડાના..! આજકાલ ગાવડાઓનો કબજા પ્રવેશ, પૂરેપૂરી લોકશાહી માણી રહ્યો છે. રસ્તાઓ ચાલવા કરતાં, જનાવરોનું વિશ્રામધામ બનતા ચાલ્યાં. કોઈ વટવૃક્ષ નીચે ગાયોનું ઘણ બેસી રહેતું એ દ્રશ્ય જ હવે ભૂલી જવાનું. ગાવડાને શું ખબર કે, વૃક્ષોના સ્થળે ફેકટરીઓ આવી ગઈ. નહિ તો ફેકટરીમાં જઈને પણ બેસે..! ગાવડાઓ એવાં અડીંગો જમાવીને બેઠાં હોય કે, જાણે કોઈ હઠીલા યોગીઓ ત્યાં મૌન તપસ્વી ના હોય ? ‘ ભલભલાનો રસ્તો કાઢી આપનાર માણસ પણ મૂંઝાય છે કે, આમાં આપણે જવાનો રસ્તો કાઢવો કેમનો..? “ રહે તેનું ઘર, ખેડે તેની જમીનની માફક, હવે તો ઉમેરવું પડે કે, “રસ્તા ઊપર બેસે તેનો રસ્તો ..! “ શું હાલત થઇ ગઈ છે મામૂ..? આપણી પાસે આટ-આટલાં વૈજ્ઞાનિકોનો સ્ટોક છે, છતાં કોઈએ માણસ માટે હોર્ન જુદો ને ગાવડાઓને ઉઠાડવા માટેનો હોર્ન જુદો બનાવ્યો નથી. બરાડા તો બહુ પાડે છે કે, વિકાસ ગાંડો થયો છે...! પણ કોઈએ અલગ હોર્ન બનાવ્યો...?
ભલે ને, કોઈપણ લબ્ધ પ્રતિષ્ઠિત કવિ, લેખક કે નેતાના નામે રસ્તાઓ કેમ ના ઓળખાતા હોય..! માણસ તો ઠીક, ગાવડા કે બીજા જનાવર પણ ક્યા એની ઈજ્જત સાચવે છે..? “ ઇટેચ પંઢરપુર “ ની શુદ્ધ ભાવનાથી, ભેંસ જુઓ તો ત્યાં બેસીને ભાંભરતી હોય, ગાયો મુક્ત ભાવે ‘પોદળા-દાન’ કરતી હોય. ને ડુક્કર કે કૂતરાની ઔલાદ તો ત્યાં ‘કબડ્ડી-કબડ્ડી‘ જ રમતી હોય..! ક્યારેક તો રસ્તા વચ્ચે જ બેસીને એ જમાત, ‘ કીટી પાર્ટી ‘ પણ કરતી હોય..! ફેર એટલો કે એમાં ફેમીલી પણ હોય. ને માણસ રસ્તાનો ઉપયોગ થૂંકદાની તરીકે કરતો હોય. કોણ કહે છે કે, ભારતમાં લોકશાહી નથી. એ તો પાડ માનો પરમેશ્વરનો, કે જનાવરને વેપારી બુદ્ધિ મળી નથી. નહિ તો રસ્તા ઉપર એમના પણ લારી ગલ્લા ચાલુ થઇ ગયાં હોત..! જેમ કે, જાફરાબાદી પાણીપુરી, માંજરી ગાયની રગડા પેટીસ, ભૂખરી ભેંસનો ટી સ્ટોલ,, વગેરે,,વગેરે ! રસ્તા ઉપર આ લોકોની જમાવટ જ એટલી ભવ્ય સંખ્યામાં હોય કે, સંસદ ભવનમાં, ક્યારેક તો સાલી એટલી સંખ્યામાં હાજરી પણ જોવા નહિ મળે...!
માણસ જેવાં માણસ કાનૂન તોડે તો, જનાવર ને શું દોષ દેવાનો ? એમને પણ સરકારની કાનૂન વ્યવસ્થા ઊપર પાક્કો ભરોસો, “ કે શું કરી લેવાના છે ? “ ને એમને ક્યાં ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ હોય છે...? કોઈપણ રસ્તા જુઓ, ગાવડાઓ કોઈને કોઈ ધ્યાન મુંદ્રામાં બેઠાં બેઠાં વાગોળતા જ હોય. કોઈ તો જાણે રસ્તો પોતાના નામે કરી આપવા માટે જાઉપવાસ ઉપર ઉતર્યા હોય, એવાં જ લાગે..! વાહનવાળા હોર્ન વગાડી વગાડીને, હોંશ ગુમાવી દે, તો પણ પોતાની બેઠક નહિ છોડે તે નહિ જ છોડે. જો કે છોડે પણ શું કામ...? ક્યાંક તો એવું પણ બન્યું હોય ને કે, ઔદ્યોગિક વિકાસને નામે આપણે જ એની જગ્યામાં ઘુસી ગયાં હોય..! અધિકારની સમજ તો અભણને પણ હોય મામૂ..! જેવી જેની મૌજ..!
જો કે, એવું નથી કે, આ બધાના ધામા રસ્તા ઉપર જ હોય. કેટલાંકે તો ગલીકૂંચીમાં પણ પરિવાર સાથે ધામા નાંખ્યા હોય. આપણને એવું જ લાગે કે, આપણા પૂર્વજો જ પોતાની માલિકીની જગ્યા શોધીને અડીંગો જમાવીને બેઠાં છે. એમાં ઝુંડમાં બેઠેલી ગાયોના ટોળાઓ તો એવી રીતે બેઠાં હોય કે, આ ગલી નથી, પણ અમારી કુંજગલી છે. જાણે એવું નહિ કહેતાં હોય કે, જ્યાં સુધી અમારો કનૈયો અમને પાછો નહિ મળે, ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી...! ‘માણસ જો આવું કરવા ગયો, તો એનો છૂંદો-પુંદો કરી નાંખે. પણ જનાવરનો મામલો જો આવ્યો, તો જીવદયા ફરી વળે, આપણી ગાડી આપણે જ સંભાળી સંભાળીને હાંકવાની..! આ ચેષ્ટાને હ્યુમન બીઈંગ કહેવી કે, પછી મન ફાવે તેમ ‘બીઈંગ’ કહેવી,.? આ માટે કોઈ બાપુને આપણે પૂછવું પડે..! એઈઈઈ....! આ લાલુભાઈ પ્રસાદનું નામ કોણ બોલ્યું ? ગાય સાથે એને શું લેવાદેવા..? વડીલોની જરાક તો મર્યાદા રાખો યાર..?
મૂછ આમળીને કોઈ માણસ જો એમ કહેતો હોય કે, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, એ વાતમાં કોઈ માલ નહિ. રસ્તા ઉપર કે ગલી-ગલીકૂંચીમાં ઘર કરી ગયેલાં ગાવડાઓને હાંકી તો જુઓ ? ખબર પડે કે, મગજ કરતાં બાવડાં કેટલા મજબુત હોવા જોઈએ..!. ગાવડાને ભગાડીએ તો સાલા ડુક્કરો હેરાન કરે. ને બધું સંભાળીએ તો, કૂતરાઓ ભેંકડો તાણવા માંડે.જાણે આપણે વિચાર કરતાં થઇ જઈએ કે, કૂતરાના પ્રદેશમાં આપણે ઘૂસ મારી છે કે, કૂતરાએ આપણા મલકમાં..?. એના કપાળમાં કાંદા ફોડું, કૂતરાં એવાં તો હેરાન કરે કે, જાણે આપણે ભારતીય ને બદલે બાંગ્લાદેશી ના હોય..?
ઈતિહાસમાં એવુ ભણાવેલું કે, માણસજાત વાનરમાંથી ઉભરી આવેલી, જનાવરની સુધારેલી આવૃત્તિ એટલે માણસ. આપણે વાનરમાંથી માણસ બનવાનો અભ્યાસક્રમ બીજા કરતાં પહેલાં ‘ફીનીશ્ડ’ કરેલો. છતાં નવાઈ એ વાતની લાગે કે, વાંદરાઓ આપણી અડફટમાં આવતાં નથી. પણ કૂતરા રડે, એટલે ઉમરે પહોંચેલાના બ્લડ પ્રેસર ઊંચા નીચા થવા માંડે. જીવ જાણે નીકળીને હથેળીમાં આવી જવાનો હોય, એવો ગભરાટ થવા માંડે. વાંદરાઓ આપણા પૂર્વજ છે, એ રડે તો માની લેવાય કે, સ્વજન છે ને રડતો હશે. પણ કારણ વગરના કૂતરા શું કામ ભેંકડો તાણવા માંડતા હશે, એ હજી સમજાયું નથી. હજી કાગડાઓ આવીને કકળાટ કરે તો પણ ચલાવી લેવાય. પણ કૂતરા સાથે તો મિત્રાચારી સિવાય આપણો કોઈ નાતો જ નહિ, આ તો એવું થયું કહેવાય, કે પાડોશીનું દુઃખ સહન નહિ થાય ત્યારે આપણે જેમ પાડોશીની વ્હારે જઈએ, એમ કૂતરા આપણા માટે ભિન્ના નહિ થતાં હોય ?. એવું રડીને એવું ભેંકાર વાતાવરણ કરી મૂકે કે, એનો અવાજ સાંભળીને જ અમુકની તો પથારી ભીની થવા માંડે..!
આમ તો ચમનીયો મને ભેટમાં મળેલો મિત્ર છે. એ ઘણીવાર શ્રદ્ધા કરતાં, અંધશ્રધ્ધાનો સ્ટોક વધારે રાખે. જ્યોતીન્દ્રભાઈ દવે કહી ગયાં છે કે, જ્ઞાન કરતાં, અજ્ઞાનનો સ્ટોક દુનિયામાં વધારે છે, એટલે એમાં એનો વાંક પણ નહિ કહેવાય. પણ, મહોલ્લામાં જો કોઈ કુતરું રડવાનું થયુ, તો તે કૂતરાનું તો પછી આવી બને, એ પહેલાં લાંબા સમયથી ખાટલે બીમાર પડેલા હોય, એનું આવી બને. કૂતરું રડે એટલે એ બ્રોડકાસ્ટિંગ જ કરવા માંડે કે, આજે રાતે નક્કી પેલો ડોહો ઉપર જવાનો. કારણ કૂતરાને યમરાજ દેખાય તો જ રડે...! એના કપાળમાં કાંદા ફોડું, માણસ ભલે કૂતરા પાળીને બહાર બોર્ડ મારતા હોય કે, ‘ કૂતરાથી સાવધાન...! ‘ ત્યારે અમારો ચમનીયો કૂતરા પાળવા વગર બહાર પાટિયા મારે છે કે, ‘કુતરાના રડવાથી સાવધાન...! ‘ જે લાંબા સમયથી માંદો હોય તે તો શિવજીની માળા છોડીને બિચારો માથે ઓઢીને સૂઈ જાય. અને શિવજીની માળા કરવાને બદલે, “ ઔમ કૂતરાય નમ: ઔમ કૂતરાય નમ: ‘ કરતો થઇ જાય...! પછી તો બીચારો એમ કહે કે, “ આ ગાવડા ભલે રસ્તા-ગલીમાં પડી રહેતાં, પણ આ રડતા કૂતરાનું કંઈ કરો સાહેબ....!
( રમેશભાઈ ચાંપાનેરી ' રસમંજન ' )