Aastha in Gujarati Motivational Stories by Suketu kothari books and stories PDF | આસ્થા...

Featured Books
Categories
Share

આસ્થા...

આસ્થા

મસ્જીદમાં ક્યારેય ન જવા વાળો સલીમ રોજ મસ્જિદ જવા લાગ્યો હતો. રોજ સલીમને આવી રીતે આવતા જોઇને ત્યાના બીજા મુસ્લિમ ભાઈઓને નવાઈ લાગતી. કારણકે એ પહેલા સલીમને એ લોકોએ મસ્જીદમાં ક્યારેય જોયો ન હતો. સલીમ એ વિસ્તારમાં રહેતો પણ ન હતો માટે કોઈ મુસ્લિમ ભાઈઓ એને ઓળખતા ન હતા. ઘણા લોકોએ એનું નામ, સરનામું અને એના વિષે બીજું જાણવાનો પ્રયત્ન કર્યો. પણ સલીમ એના નામ સિવાય બીજું કશું ન જણાવતો. ઘણા દિવસોથી આમ રોજ આવતો હોવાથી સલીમનો એક મિત્ર બન્યો, જેનું નામ સલમાન હતું.

સલીમની સલમાન સાથેની મિત્રતા ગાઢ થતા, સંજય સલમાન ઉપર વિશ્વાસ કરવા લાગેલો. કારણકે એ બધા લોકોમાં ખાલી સલમાન જ હતો જેણે સલીમ વિષે કશું જાણ્યા વગર એની જોડે મિત્રતા કરી હતી. સલીમે સામે ચાલીને સલમાનને પોતાના વિષે જણાવતા કીધુકે,

“સલમાન, હું મુસ્લિમ નહિ પણ હિંદુ છું. મારું નામ સલીમ નહિ, સંજય છે.”

આ સાંભળતાજ સલમાનને થોડી નવાઈ લાગી. આજ નવાઈ સાથે, આમ નામ બદલીને મસ્જીદમાં આવવાનું કારણ પૂછ્યું, ત્યારે સંજયે કીધુકે,

“ મારી પત્ની ફાતિમા મુસ્લિમ છે અને ઘણા સમયથી કેન્સરના કારણે બીમાર છે.”

“ અમે બંને જણાએ પરિવારથી અને સમાજથી વિરુધ જઈને, ભાગીને લગ્ન કર્યા હતા. માટે અત્યારે આ દુખદ પરિસ્થિતિમાં અમારી સાથે કોઈ નથી. ફાતિમાના કેન્સર માટે મેં ઘણા હોસ્પિટલોનાં ચક્કર લગાવ્યા પણ બધાજ ડોક્ટર એમજ કહે છે કે, ફાતીમાનું કેન્સર આખા શરીરમાં ફેલાઈ ગયું છે અને હવે એ મટાડવું શક્ય નથી. મેં ફાતિમાના મેડીકલ રિપોર્ટસ અમરિકા પણ મોકલી જોયા, ત્યાંથી પણ એજ જવાબ આવ્યો કે, ફાતીમાનું કેન્સર લાસ્ટ સ્ટેજનું હોવાથી હવે ક્યોર કરવું શક્ય નથી. મેડીકલ સાયન્સથી થાકીને મેં ઘણા મંદિરોમાં જઈને ભગવાનને રીઝવવાના પ્રયાસો કર્યા. પણ ફાતિમાની તબિયતમાં કોઈજ પ્રકારનો સુધારો નહોતો આવી રહ્યો. છેવટે મેં ફાતિમાને કીધું કે, અમારા(હિંદુ) ભગવાન કદાચ મારી પ્રાર્થના તારા માટે નથી સાંભળી રહ્યા, માટે હવે હું તારી તબિયત માટે તારાજ ભગવાનને દુઆ કરીશ. આજ વિચારીને હું ઘણા દિવસોથી આ મસ્જીદમાં ચાદર ચઢાવવા આવું છું.”

આ બધું સાંભળીને સલમાન ખુબ દુખી થઇ ગયો. સલમાને સંજયને આશ્વાસન આપતા કીધું કે, “ દોસ્ત, ચિંતા ન કર બધુજ સારું થઇ જશે.” તે પછી સલમાનના મનમાં સંજય માટે માન ખુબ વધી ગયું હતું.

આ બધીજ વાત સલમાને તેની નાની બહેન આસમાંને કરી. આસમાંને આ બધું સાંભળતા જ મનોમન સંજય સાથે પ્રેમ થઇ ગયો. સલમાન આમ રોજ આસમાંને સંજય વિષે કશીક ને કશીક વાત કરતો. આસમાં સલમાનને કે કોઈ બીજાને આના વિષે કહી નહોતી શકતી. સંજય વિષે વધુ એ વધુ જાણીને આસમાં સંજયને ખુબ પ્રેમ કરવા લાગી હતી.

રોજની જેમ એક દિવસ જયારે સલમાન નમાઝ વાંચીને ઘરે આવે છે, ત્યારે આસમાં એ દિવસે પણ સલમાનને દોડીને મળવા જાય છે, એવું વિચારીને કે આજે સંજય વિષે કશુક વધારે જાણવા મળશે. પણ એ દિવસ રોજ જેવો ન હતો. સલમાને આસમાંને સંજય વિષે જણાવતા કીધુકે,

“ સંજયની પત્ની ફાતીમાનું આજે સવારે કેન્સરની લાંબી માંદગી બાદ મૃત્યુ થયું છે.”

આ સાંભળતાજ આસમાં એ પોતાના દિલની વાત સલમાનને કરી નાખી. સલમાનને પહેલા તો થોડો ગુસ્સો આવ્યો પણ નાની બહેનને સમજાવતા કીધું કે,

“આ કેવી રીતે શક્ય છે આશમાં? તે હજુ સંજયને જોયો પણ નથી અને તું એને એક પણ વાર મળી નથી. સંજયને ૬ વર્ષનો પુત્ર પણ છે. આ પ્રેમ ન કહેવાય આસમાં. અને માત્ર પ્રેમ કરી લેવાથી કોઈની જોડે લગ્ન ન કરી શકાય. સાચી પરિસ્થિતિઓ પણ સમજવી જરૂરી હોય છે. સંજયને હું આ વાત નહિ કરી શકું અને કરીશ તો એ ક્યારેય નહિ માને કારણકે સંજય પોતાની પત્ની ફાતિમાને ખુબ પ્રેમ કરતો હતો.”

આસમાં એ સલમાનને કીધું કે,

“ ભાઈજાન જયારે માત્ર પ્રેમ કરી લેવાથી આખી ઝીંદગી જીવી શકાતી હોય તો સાચી અને કડવી પરિસ્થિતિઓથી દુખી થવાની ક્યાં જરૂર છે. સાચ્ચો પ્રેમ હોય તો બધીજ સમસ્યાઓ નાની લાગવા લાગે છે. તમને જયારે ઠીક લાગે ત્યારે સંજયને વાત કરજો પણ કરજો જરૂર.”

સલમાનને ખબર હતી કે આસમાં ને સમજાવવું શક્ય ન હતું. સલમાન ફાતિમાના અવસાનના લગભગ ૨ મહિના પછી સંજયને પોતાની બહેન આસમાં વિષે વાત કરે છે. સંજય આ સાંભળતા જ સલમાનને ના પાડી દે છે. અને કહે છે કે,

“સલમાન, આ શક્ય નથી મિત્ર. ફાતિમા સિવાય કોઈને પ્રેમ કરવો હવે મારા માટે શક્ય નથી. અને આસમાં એ મારા જેવા વ્યક્તિ સાથે લગ્ન કરીને પોતાની ઝીંદગી બગાડવાની જરૂર નથી. એ હજુ નાની છે અને એની સામે હજુ આખી ઝીંદગી છે. એ જેવો ઈચ્છે એવો જીવનસાથી એને મળી શકે એમ છે ”

સલમાન એની લાગણીઓને માન આપતા કીધું કે,

“સંજય હું તારી વાત સમજી શકું છું. મેં પણ આસમાંને આજ સમજાવ્યુ હતું. હું આસમાંને તારો જવાબ જરૂર આપી દઈશ.”

સલમાને ફાતિમાને સંજયનો જવાબ કહી દીધો.

આસમાં એ કીધું,

“તમે કહો તો હું સંજયને મળી શકું?”

સલમાને કીધું કે,

“તને જેમ ઠીક લાગે એમ કર પણ આસમાં કોઈપણ સબંધ બળજબરી પૂર્વક નથી બાંધી શકાતો, એટલું યાદ રાખજે.”

આસમાં એ સલમાન પાસેથી સંજયનો મોબાઈલ નંબર લીધો અને સંજયને ફોન કર્યો. આસમાં એ સંજયને પોતાની ઓળખાણ આપતાજ સંજયે તેને સમજાવ્યું કે,

“ આસમાં, પ્રેમ અને લગ્ન કરવા મારા માટે હવે શક્ય નથી. તું મારી પાછળ તારી ઝીંદગી ન બગાડીશ ”

સંજયે એ સિવાય ઘણું સમજાવ્યુ પણ આસમાં તેના સ્વભાવ પ્રમાણે સંજયની દરેક વાતના સાચ્ચા અને પ્રામાણિક જવાબ આપતી હતી. થાકીને સંજયે ફોન મૂકી દીધો અને ત્યારબાદ તેનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો.

થોડા દિવસો પછી, આસમાંએ મેસેજ કરીને એકવાર મળવા માટે રીક્વેસ્ટ કરી. સંજય કંટાળીને એને મળવા રાજી થયો.

આસમાંએ કીધું કે,

“સંજય હું તને દિલથી પ્રેમ કરું છું. હું નથી ઇચ્છતી કે તું પણ મને પ્રેમ કરે. કારણકે હું સમજુ છું કે એ કદાચ હવે તારા માટે શક્ય નથી. પણ આપડે બંને એકબીજા સાથે રહી તો શકીયેજ ને. હું તારું અને તારા પુત્રનું પુરતું ધ્યાન રાખીશ. તારા માટે મારો પ્રેમ ક્યારેય ઓછો નહિ થાય, અને હું તારા પ્રેમ પર ક્યારેય અધિકાર નહિ કરું.”

આટલું કહીને આસમાં જતી રહે છે અને સંજયને કહીને જાય છે કે,

“ સંજય હું હવે તને ક્યારેય ફોન કે મેસેજ નહિ કરૂ. તું જયારે મારી સાથે લગ્ન કરવા તયાર થઇ જાય ત્યારે મને જણાવજે. હું તારી સાથે લગ્ન કરવા આખી ઝીંદગી રાહ જોઇશ.”

ફાતિમાના અવસાનના થોડાક મહિનાઓ પછી સંજયના માતાપિતાને ફાતિમાના અવસાન વિષે સંજયના મિત્ર ધ્વારા ખબર પડી. સંજયે ફાતિમા માટે પોતાના માતાપિતા સાથે સબંધ તોડી નાખ્યો હતો છતાં સંજયના માતાપિતા અને બહેન તેમના પુત્ર અને ભાઈને મળવા આવી ગયા હતા. ફાતિમાના માતાપિતાને પણ પોતાની દીકરીના અવસાન વિષે તેજ સમયે ખબર પડી ગઈ હતી. તેમ છતાં તે લોકો ફાતિમાને દફનાવવા પણ નહોતા આવ્યા.

જયારે સંજયના માતાપિતાને અને બહેનને આસમાં વિષે ખબર પડે છે કે, આસમાં સંજય જોડે લગ્ન કરવા માંગે છે ત્યારે એ લોકોએ પણ સંજયને પોતાના પુત્ર અને પોતાની ખાતર સંજયને આસમાં જોડે લગ્ન કરી લેવા સમજાવે છે. સંજયની બહેને સંજયને હળવેથી મજાક કરતા કીધું કે,

“ભાઈ તારા નસીબમાં મુસ્લિમ છોકરીઓ જ લખી છે. પહેલા ફાતિમા અને હવે આસમાં.”

બહેને સંજયને સમજવતા કીધુ કે,

“સંજય, આવી વ્યક્તિ લાખોમાં એક હોય છે. જેને તારા વિષે અને ફાતિમા વિષે બધી ખબર હોવા છતાં તારી જોડે લગ્ન કરવા માંગે છે. જે વ્યક્તિ સાચ્ચો પ્રેમ કરતી હોય એ જ આવું કરી શકે.”

સંજય મનોમન વિચારતો હતો કે, મારાજ પરિવારે પહેલા મને મુસ્લિમ છોકરી જોડે લગ્ન કરતા રોકવા મારી જોડે દરેક પ્રકારના સબંધ તોડી નાખ્યા. હવે જયારે મને એક જીવનસાથીની અને મારા પુત્રને એક માંની જરૂર છે, ત્યારે બધા રીતરીવાજો ભૂલી જઈને આસમાં જોડે લગ્ન કરવા મને મનાંવી રહ્યા છે. સમાજ આવોજ છે. તમારી જરૂરિયાત પ્રમાણે રીતરીવાજો, નીતિનિયમો બધુજ બદલાઈ જાય છે.

સલમાન, આસમાંનો એક માત્ર ભાઈ હોવાથી આસમાંના આ કપરા નિર્ણય વિષે કોઈની મંજુરી લેવાની થતી ન હતી માટે સલમાને બહેન આસમાંની ખુશી માટે સમાજની ચિંતા કર્યા વગર તેના લગ્ન એક હિંદુ જોડે રાજી ખુશીથી કરાવ્યા.

થોડાક વર્ષો પછી સંજય જયારે પોતની ઝીંદગીથી ખુબ ખુશ હોય છે ત્યારે પોતાના જુના દિવસો યાદ કરતા વિચારે છે કે, ભગવાને ફાતિમાને મારી પ્રાર્થનાઓ ધ્વારા ઠીક ન કરી પણ મારી પ્રાર્થના એમના સુધી પહોચી જરૂર હશે. માટેજ આસમાં તેની ઝીંદગીમાં આવી. બાકી આ જીવન જે હું અને મારો પુત્ર અત્યારે જીવી રહ્યા છીએ, એ આસમાં સિવાય શક્ય ન હતું.

આપડે જે દુખ માટે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ, જરૂરી નથી કે ભગવાન એજ દુખ દુર કરે. એવું પણ બને છે કે એ પ્રાર્થના ધ્વારા ભગવાન તમને બીજો વિકલ્પ આપે, જેની મદદથી તમે આગળની ઝીંદગી સારી રીતે જીવી શકો. માત્ર જરૂર છે તો ભગવાન ઉપરની આસ્થાની.

Written by

Suketu kothari