Cable Cut - 22 in Gujarati Fiction Stories by Rupen Patel books and stories PDF | કેબલ કટ, પ્રકરણ ૨૨

Featured Books
Categories
Share

કેબલ કટ, પ્રકરણ ૨૨

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૨૨

મોડી રાતે ક્રાઇમ બ્રાંચમાં એકાએક ચહલ પહલ વધી ગઇ હતી અને જવાબદાર અધિકારીઓ હાજર થતાંની સાથે ખાન સાહેબે મીટીંગ શરુ કરી.

"ઇન્સપેક્ટર નાયક પેલા રીપોટર વિમલની ધરપકડ કરવાનો સમય આવી ગયો છે.."

ઇન્સપેક્ટર નાયક ખાન સાહેબની વાત અટકાવતા બોલ્યા, "સોરી સર પણ, વિમલની લોકેશન મળતી નથી. સુજાતાએ ફરીયાદ કરી ત્યારથી તે શહેર બહાર જતો રહ્યો છે તેવી માહિતી સુત્રો પાસેથી મળી છે. તેનો મોબાઇલ નંબર પણ ડીએકટીવ છે. "

"રીપોટર વિમલ હમણાં શહેરમાં જ છે અને તેનો બીજો મોબાઇલ નંબર પણ મળી ગયો છે." ખાન સાહેબ ટીમની સામે ઉતાવળા સ્વરે બોલી ગયાં.

"તો લોકેશન આપો સર, તરત તેની ધરપકડ કરવા માટે." ઇન્સપેક્ટર મેવાડા બોલ્યા.

"લોકેશન માટે મોબાઇલ એન્ડ સાયબર એક્ષપર્ટ સૌરીનની મદદ લેવી પડશે એટલે તેમના આવવાની રાહ જોઇએ. મેં તેમને પણ બોલાવ્યા છે. " ખાન સાહેબ બોલ્યા

ખાન સાહેબે મોબાઇલ એક્ષપર્ટ આવે ત્યાં સુધી ટીમની સાથે ચર્ચા કરી પ્લાન ફાયનલ કર્યો. જેવું લોકેશન મળે તરત રીપોટર વિમલની સુજાતાના ફરીયાદના આધારે ધરપકડ કરવાનું નકકી થયું.

ખાન સાહેબે તેમના મોબાઇલ પર લાસ્ટમાં જેનો ફોન આવ્યો હતો તે નંબર પર કોલ કર્યો અને બોલ્યા, "આગળની ઇન્ફર્મેશન શું છે ?"

"સાહેબ હજુ તે નશામાં જ છે, હમણાં ફરી મારી તેની સાથે વાત થઇ. તે મને તાત્કાલિક મળવાની વાત કરે છે પણ કયાં મળવું તેનો જવાબ નથી આપતો. મેં તેને કોલ કર્યા પણ રીસીવ નથી કરતો."

ખાન સાહેબ તેમની ટીમ સામે જોઇને બોલ્યા, "ગફુર, તે શહેરમાં જ છે તે પાક્કી વાત છે ને? "

"હા સાહેબ, હું તેના સંપર્કમાં જ છું. જેવું તે એડ્રેસ આપે હું તમને જણાવું."

"હા. તેના નવા નંબરને ટ્રેસ કરવા એક્ષપર્ટની રાહ જોવુ છુ, તે આવશે તો તરત ખબર પડી જશે." ખાન સાહેબ મકકમ સ્વરે બોલ્યા.

મોબાઇલ એન્ડ સાયબર એક્ષપર્ટ સૌરીન આવતાંની સાથેજ ખાન સાહેબે તેમને વિમલનો નવો નંબર આપતાં બોલ્યા, "મને તાત્કાલિક આ નંબરની સીડીઆર આપો. જલ્દીથી નંબર ટ્રેસ કરી લોકેશન આપો. "

સૌરીને થોડી જ વારમાં લેપટોપમાં સર્ચ કરી તેમનો રીપોર્ટ ખાન સાહેબને આપ્યો અને કહ્યું, "લોકેશન ટ્રેસ થઇ ગઇ છે સર."

ખાન સાહેબે તરત લોકેશન પર રેડ કરવા શહેરના લોકલ એક્ષપર્ટ ઇન્સપેક્ટર અર્જુનને પ્લાન બનાવવા કહ્યું. ઇન્સપેકટર અર્જુને સૌરીનના લેપટોપ પર ઝુમ કરીને લોકેશન ચેક કરી.

ઇન્સ્પેક્ટર અર્જુન શહેરની ગલી ગલીથી વાકેફ હોવાથી અને લોકલ ખબરીઓ સાથે તેમનું જોરદાર કનેકશન હોવાથી ખાન સાહેબે તેમને ટીમમાં સાથે લીધા હતાં.

લોકેશન ડીટેલ પરથી ઇન્સપેકટર અર્જુને ઉતાવળા સ્વરે કહ્યું, "સર એક મીનીટ, આ લોકેશન મંગલના છાપરા પર આમ ઉતાવળે કાફલો લઇને જવું હિતાવહ નથી. "

ખાન સાહેબ નિસાસો નાંખતા બોલ્યા, "અરે કેમ? લોકેશન પર શું તકલીફ છે? આપણી પાસે સમય નથી ને તમે..."

"સર! ગયા મહિને આ લોકેશન પર નશાબંધી અને ક્રાઇમ બ્રાંચે દેશી દારુના બુટલેગરોને પકડવા સર્ચ ઓપરેશન કર્યુ હતું અને ત્યાં ઉતાવળમાં શું થયું હતું તે તમને તો ખબર જ છે." ઇન્સપેક્ટર અર્જુને ખાન સાહેબને કહ્યું.

"હા યાદ આવ્યું, તેમાં દોડાદોડી થઇ હતી ને કમિશ્નર સાહેબ પણ ખફા થયાં હતાં.માંડ માંડ મીડીયામાં ન્યુઝ આવતા અટકાવ્યા હતાં." ખાન સાહેબ કપાળે હાથ ફેરવતા બોલ્યાં .

"હા સર. એ જ લોકેશન પર આપણે જવાનું છે."

"તો તો, ઉતાવળ કરવા જેવી નથી અને રાહ જોવાય તેમ પણ નથી. શું કરીશું ઇન્સપેક્ટર અર્જુન? " મુંઝવણભર્યા સ્વરે ખાન સાહેબ બોલ્યા

"સર, થોડી મીનીટ મને આપો. હું કંઇક પ્લાન બનાવું. ત્યાં સુધી ટીમના બધા યુનિફોર્મ ચેન્જ કરી સાદા ડ્રેસમાં તૈયાર રહો. આપણે યુનિફોર્મમાં જવું હિતાવહ નથી."

"હા સાચી વાત છે, આપણે ખાનગી રીતે રેડ પાડવી પડશે."

સૌરીને તેમના લેપટોપમાં વિમલની કોલ ડીટેઈલ જોતા બોલ્યા, "સર, આ વિમલના નંબર પર કોઇ એક નંબર પરથી સતત ફોન આવી રહ્યો છે અને એકાદ કલાક પહેલા આ બે નંબર પર થોડી થોડી મીનીટ માટે વાત પણ થઇ છે."

"કોનો નંબર છે તે મને સર્ચ કરીને કહો." ખાન સાહેબ બોલ્યા

સૌરીન તે નંબર લેપટોપમાં સર્ચ કરવા જતા હતા ત્યારે ખાન સાહેબે નંબર જોયો અને બોલ્યા, "અરે રહેવા દો. આ નંબર તો ગફુરનો જ છે. હું તો ભુલી જ ગયો મેં જ તેને કોલ ચાલુ રાખવા કહ્યું છે."

ગફુરનું નામ આવતાં જ ઇન્સપેક્ટર અર્જુન ખાન સાહેબ પાસે આવીને ધીમે રહીને બોલ્યા, "સર, તમને વાંધો ના હોય તો હું અને ગફુર લોકેશન પર બાઇક લઇને સાદા ડ્રેસમાં જઇ આવીએ અને વાતાવરણ જોઇ લઇએ. યોગ્ય વાતાવરણ હોય તો પછી રેડ પાડીએ."

ખાન સાહેબે થોડુ વિચારીને ગફુરને ફોન કર્યો અને તાત્કાલિક ક્રાઇમ બ્રાંચ આવી જવા કહ્યું.

ખાન સાહેબે અર્જુને કહ્યું, "મને ગફુરે જ આ નંબરની ઇન્ફર્મેશન આપી હતી અને એણે મને કહ્યુ પણ હતું કે વિમલ નશામાં બોલતો હતો."

"સર કદાચ એ દારુનો નશો કરવા જ બુટલેગરના અડ્ડા પર ગયો હશે ને વધુ પડતા દારુના નશામાં ત્યાંજ કયાંક રોકાઇ ગયો હશે." ઇન્સપેક્ટર અર્જુન બોલ્યા

ગફુર આવી જતાં ખાન સાહેબે તેને અને ઇન્સપેક્ટર અર્જુનને સાવચેતી પુર્વક લોકેશન પર જવા કહ્યુ અને હસતા હસતા બોલ્યા, "એક રીપોટરને પકડવા લોકેશન ના માથાકુટમાં આંતકવાદી જેવી તૈયારીઓ કરવી પડે છે."

ગફુરે પણ હસતા હસતા ઇન્સપેક્ટર નાયક સામે જોઇને કહ્યુ, "સર, વિમલનો ઇન્સપેક્ટર નાયક સાથે સત્સંગ થશે અને જે ઇન્ફરમેશન બહાર આવશે તે પણ એક રીતનો આતંકવાદ જ હશે."

ખાન સાહેબે વોલ કલોકમાં ટાઇમ જોતાં કહ્યું, "બે કલાકમાં સવાર પડી જશે અને ... ચલો કેન્ટીનમાંથી ચા મંગાવી બધા પીવો. ફ્રેશ થઇ જાવ અને પેલા બે જણાંના મેસેજ માટે તૈયાર રહીએ."

ટેન્શનમાં ખાન સાહેબ ઉપરા ઉપરી બે કપ ચા પી ગયાં અને બોલ્યાં, "સૌરીન વિમલના નવા નંબર પરથી સુજાતા સાથે વાત થઇ છે કે કેમ અને બીજા કોની સાથે વિમલે વાત કરી છે તે પણ સર્ચ કરીને કહો."

ગફુર અને ઇન્સપેક્ટર અર્જુનના ખબરી મંગલના છાપરામાં હતાં અને તે બંનેને બુટલેગરો સાથે પણ સંબંધો હતાં એટલે તેમણે વિમલની લોકેશન પર જતાં પહેલાં તેમના કોન્ટેકટ કામે લગાડયા. થોડીવાર રહીને તે બંને બાઇક લઇને મંગલના છાપરા જવા નીકળ્યા.

સૌરીને ફરી લેપટોપમાંથી એક નંબર સર્ચ કરીને કહ્યુ, "સર, આ વિમલે નવા નંબર પરથી સુજાતાને પણ કોલ કર્યો છે."

એક મીનીટ ઉભા રહો કહીને ખાન સાહેબે તેમના મોબાઇલની કોલ ડીટેલ ચેક કરી. થોડી મીનીટ પછી સૌરીનને તેમના મોબાઇલમાં કોલ ડીટેલ બતાવતાં તે બોલ્યા, "હવે મને સમજાયુ, સુજાતા કેમ ડરી રહી હતી અને તેણે મને કેમ ફોન કર્યો હતો. સૌરીન મને સુજાતાએ કોલ કર્યો તે પહેલા જ વિમલે તેને કોલ કર્યો હશે. ચેક કરીને કહો."

સૌરીને સુજાતાના નંબરની કોલ ડીટેલ સર્ચ કરી અને ચોંકીને બોલ્યા, "સર, તમારી વાત સાચી છે. આ સુજાતાએ વિમલને નવા નંબર પર ઘણી વાર કોલ કર્યા છે અને આ બંનેની લોકેશન કાલે એકસાથે પણ બતાવે છે, એટલે આ બે જણ કદાચ મળ્યા પણ હશે."

"મળવું તો કદાચ શકય નથી અને મળ્યા હોય તો આપણા સિકયોરિટી કોન્સટેબલ આપણને રીપોર્ટ કર્યા વગર રહે નહીં. " ખાન સાહેબ ખંધુ હસીને બોલ્યા .

"આ નવો નંબર કોના નામે રજીસ્ટર્ડ છે તે જોઇને મને કહો." ખાન સાહેબ બોલ્યા.

સૌરીને મોબાઇલ નંબર પ્રોવાઈડરનો ડેટા ચેક કરીને કહ્યું, "સર આ નંબર તો બબલુના નામે રજીસ્ટર્ડ છે અને આ નંબરની આગળ પાછળના કેટલાક નંબર પણ બબલુના નામે જ રજીસ્ટર્ડ છે."

"ઓહ એમ વાત છે, બબલુનો નંબર વિમલ પાસે.આ સુજાતાએ જ આપ્યો હશે."

અર્જુનના ખબરીએ વિમલને શોધી નાંખ્યો. ફોન પર ખબરીએ મંગલના છાપરામાં દારુના અડ્ડા બહાર બેહોશ પડયાની જાણ કરી. બહાર ઉભેલા તે બંને ફટાફટ મંગલના છાપરામાં પ્રવેશ્યા. તેઓ ખબરીએ બતાવેલ લોકેશન પર પહોંચ્યા ત્યાં વિમલ દારુના નશામાં ચુર થઇને બાંકડે પડયો હતો. ગફુર તેની પાસે ઉભો રહ્યો અને ઇન્સપેક્ટર અર્જુન ખબરીને લઇ મંગલના છાપરાના સૌથી મોટા બુટલેગરના ત્યાં પહોંચ્યા.

આમ મોડી રાતે ઇન્સપેક્ટર અર્જુનને જોઇ બુટલેગર પણ પળવાર માટે ટેન્શનમાં આવી ગયો અને તેને જોઇને તરત ઇન્સ્પેક્ટર અર્જુને વિમલને પકડવાની વાત કહી.

ઇન્સપેક્ટર અર્જુનની વાત સાંભળી તરત બુટલેગર બોલ્યો, "સાહેબ અમેય તે રીપોટરથી કંટાળી ગયા છીએ, તે પોલીસનો ડર બતાવી હપ્તો ઉઘરાવી જાય છે, મફતમાં દારુ લઇ જાય છે. ગઇ ખતની રેડ તેના લીધે જ પડી હતી પણ અમે મજબુરીમાં તેને સહન કરીએ છીએ."

ઇન્સપેક્ટર અર્જુન બોલ્યાં "હવે તેના ધંધા બંધ થઇ જશે."

"સાહેબ તમારે એને લઇ જવો હોય તો જલ્દી લઇ જાવ, સવાર પડી જશે તો લાંબુ થશે. એ તમને અને અમનેય નડશે."

"ના મને પણ ઉતાવળ છે પણ હું મોટા સાહેબ સાથે વાત કરી લઉં" ઇન્સપેક્ટર અર્જુન ખાન સાહેબને મોબાઇલ પર કોલ લગાવતાં બોલ્યા .

"અરે સાહેબ! તમે મોટા સાહેબને અહીં કયાં બોલાવો છો, હમણાં તો મોટા કેસ થયાં છે ને અમારા માણસો ય અંદર છે અને ફરી પાછુ .. " બુટલેગરે આજીજી સ્વરે કહ્યુ

ફોન કનેકટ થઇ ગયો હોવાથી ખાન સાહેબે બુટલેગરની અડધી વાત સાંભળી લીધી અને અર્જુનને કહ્યુ, "શું મેટર છે?"

ઇન્સપેક્ટર અર્જુન સાઇડમાં જઇને ધીમા સ્વરે બોલ્યા, "સર, વિમલ મળી ગયો છે. પણ અહીં અંદર ટીમને લઇને આવવું જોખમ છે. એટલે તમને કોલ કર્યો. મેં અહીંના બુટલેગર સાથે પણ વાત કરી છે."

"હા મેં એ અડધી વાત સાંભળી. વિમલ ભાગી ન જાય તે જોજો. બુટલેગરને વિશ્વાસમાં લઇ રાખો. કંઇપણ દોડાદોડી જેવું ના થાય. હું તમને કોલ બેક કરુ છું."

અર્જુન અને બુટલેગર વાતો કરતાં કરતાં વિમલ જયાં નશામાં પડયો હતો ત્યાં પહોંચ્યા. હજુ અંધારુ હોવાથી લોકોની ચહલ પહલ નહોતી ચાલુ થઇ. અર્જુને બુટલેગરને વાતો કરીને વિશ્વાસમાં લઇ લીધો.

થોડીવારમાં ખાન સાહેબનો ફોન આવ્યો, "તમે બે તેને બાઇક પર લઇને મંગલના છાપરા નજીકના મેદાન બહાર આવો. હું ટીમ લઇને ત્યાં પહોંચું છુ અને મીડીયાને જાણ કરવાની છે એટલે ગફુરને મોબાઇલ પર વાત કરાવો. "

અર્જુને મોબાઇલ ગફુરને આપ્યો અને ખાન સાહેબ બોલ્યા, "જો ગફુર વિમલ પર મોટો કેસ કરી અંદર કરવાનો છે એટલે તું તારા મીડીયા મિત્રોને પણ મેં કહી તે લોકેશન પર આવવા કહી દે."

"હા સર."

"હું ફરી કોલ કરુ એટલે તમે નીકળો અને ત્યાંનું વાતાવરણ હળવું જ રાખજો."

ગફુરે અને ઇન્સ્પેક્ટર અર્જુને ખાન સાહેબની વાતની સાઇડમાં જઇને ચર્ચા કરી અને અર્જુને બુટલેગરને કહ્યું, "તમને અને અમને તકલીફ ના પડે એટલે વિમલને અહીંથી બહાર લઇ જઇને કેસ કરીશું. સાહેબ બહાર આવે છે. આપણી વાતની જાણ કોઇને થાય નહીં. તમે હમણાં થોડો ટાઇમ અંદરનું વાતાવરણ અને તમારા માણસોને સાચવજો , બહાર મીડીયા અને મોટા અધિકારીઓ આવી શકે છે."

ગફુરે તેના મીડીયાના મિત્રોને બ્રેકીંગ ન્યુઝ માટે લોકેશન પર આવવા વાત કરી લીધી.

ખાન સાહેબનો કોલ આવતાં તે બંનેએ વિમલને તેમની વચ્ચે બેસાડયો અને મંગલના છાપરા નજીકના મેદાન તરફ જવા નીકળ્યા.

સવારના ચાર વાગ્યા હતાં અને લોકોની સામાન્ય અવરજવર ચાલુ થઇ ગઇ હતી. ગફુર અને અર્જુનને બાઇક પર વિમલને લઇને આવતો જોઇ ટીમના બધા મનોમન હસી રહ્યા હતાં અને હવે શરુ થનાર સીનની રાહ જોતા હતાં.

ખાન સાહેબે ઇન્સપેક્ટર અર્જુન અને ગફુરના ખભે હાથ મુકી શાબાશી આપી. ગફુર ટીમની સામેથી ખાન સાહેબને ઇશારામાં કહી પળવારમાં ગાયબ થઇ ગયો.

ખાન સાહેબના પ્લાન મુજબ ઇન્સપેક્ટર નાયકે વિમલને મેદાનની ધુળમાં સુવડાવી દીધો. હજુ પણ વિમલ નશામાં જ હતો. વિમલની આસપાસ દેશી દારુની કોથળીઓ મુકવામાં આવી અને તેના ખિસ્સામાં દેશી દારુમાં વપરાતા કેમિકલના સેમ્પલ મુકી દેવામાં આવ્યા. દારુના નશામાં દારુનું કેમિકલ્સ સપ્લાઈ કરનાર માણસ તરીકેનો સીન ઉભો થઇ ગયો.

હવે મીડીયા આવવાની રાહ જોવાની હતી. ઇન્સપેક્ટર નાયકે સરકારી ડોકટરને પણ સ્પોટ પર વિમલના ચેકઅપ માટે બોલાવી લીધા હતાં. થોડીવારમાં જ મીડીયાની ટીમ આવી ગઇ અને શરુ થઇ ગઇ ખાન સાહેબે વિચારેલી બ્રેકિંગ ન્યુઝની કહાની.

પોલીસે વિમલની આસપાસનો એરીયા કવર કરી લીધો. પ્રિન્ટ અને ટીવીના મીડીયાવાળા એક પછી એક આવવા લાગ્યા હતાં. મીડીયાની ગાડીઓ જોઇ ઉત્સુકતાવશ મંગલના છાપરાની બહાર લોકોના ટોળા ભેગા થયાં હતાં.

ખાન સાહેબ ઇન્સ્પેક્ટર નાયકને થોડીવારમાં વિમલ ભાનમાં આવે એટલે ધરપકડનો સીન પુરો કરી ક્રાઇમ બ્રાંચ આવવાનું કહી ત્યાંથી નીકળી ગયાં.

ખાન સાહેબે કમિશ્નર સાહેબને કોલ કરી કાલ રાતથી સવાર સુધીની ઘટનાની જાણ કરી અને આગળની કાર્યવાહી વિશે માહિતગાર કર્યા .

કમિશ્નર સાહેબે હસતા હસતા કહ્યું, "આજની મોર્નિંગ ખરેખર ગુડ થઇ ગઇ છે. પણ હવે તમે મને એક વાત કહો આ બ્રેકિંગ ન્યુઝના ક્રિએટર કોણ? "

"સર, એ આપણી આખી ટીમ." ખાન સાહેબ પણ હસીને બોલ્યા.

કમિશ્નર સાહેબે ખાન સાહેબની વાતમાં થાક પારખીને કહ્યું "જો તમારે કાલનો ઉજાગરો છે, તમે આરામ કરો અને હું ક્રાઇમ બ્રાંચ પહોંચીને મીડીયાને આપવા બ્રિફની તૈયારી કરાવું છું. "

"ઓકે સર."

ખાન સાહેબ ઘરે પહોંચ્યા અને ગફુરનો ફોન આવ્યો અને તેણે કહ્યુ, "સાહેબ, બ્રેકિંગ ન્યુઝ માટે હેડ લાઇન તો આપો. "

ખાન સાહેબ બોલ્યા, "એ તું વિચારીને મોકલી દે. હું બહુ થાકી ગયો છું. થોડો આરામ કરી વિમલને મળવા જવાનું છે. "

"હા સાહેબ. મેં વિચારી છે."

"તો બોલ."

"મીડીયા રીપોર્ટરના વેશમાં નશામાં ચુર દારુના અડ્ડા પર હપ્તા ઉઘરાવતો રીપોર્ટર પોલીસના હાથે ઝડપાયો. દેશી દારુના અડ્ડા પર કેમિકલ સપ્લાય કરતો મીડીયા રીપોર્ટર પકડાયો."

"બરોબર છે, મોકલી દે. આજે આખો દિવસ વિમલના ન્યુઝ ચાલવા જોઇએ."

"હા સાહેબ."

ખાન સાહેબ આરામ કરવા આડા પડયા અને માંડ આંખ મિચાઇ હશે કે ત્યાં સુજાતાનો કોલ તેમના મોબાઇલ પર આવ્યો.

અર્ધ ખુલ્લી આંખે મોબાઇલ સ્કરીન પર નજર કરી કોલ રીસીવ કરતાં ખાન સાહેબ બોલ્યા, "તમને હેરાન કરનારો પકડાઇ ગયો છે, હવે તમારે ડરવાની જરુર નથી. પણ તમે પોલીસથી જે વાત છુપાવો છો તે યોગ્ય નથી અને તમારા માટે સેફ પણ નથી."

સુજાતા કંઇજ બોલ્યા વગર ખાન સાહેબની વ સાંભળતી હતી અને

પ્રકરણ ૨૨ પુર્ણ

પ્રકરણ ૨૩ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો

મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.