શહેરનાં ચકચકિત હાઈ-વે પર પંક્તિ અને અનુજની ગાડી ઊડી રહી હતી. પંક્તિ આટલી બેચેન ક્યારેય ન હતી. તેના મનમાં વ્યાપેલા રઘવાટે અને કચવાટે અનુજને પણ અનુત્તર કરી દીધો હતો. ધીરે ધીરે શહેરમાં 'haunted house' તરીકે કુખ્યાત થયેલી સિવિલ હોસ્પિટલ તેની ગાડી, તેના ભયને ઊત્તરોત્તર વધારે ધેરો કરી રહી હતી. આખરે ગાડી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દાખલ થઈ.
* * *
પંક્તિના હાથમાં ડૉક્ટરે રીપોર્ટ મૂક્યો. પંક્તિએ અનુજ તરફ જોયું. તેનામાં હવે રીપોર્ટ વાંચવાની પણ હિંમત હતી નહી. તેને સ્વપ્નમાં પણ અંદાજ ન હતો કે તેની માંડ આઠ વર્ષની, માસૂમ પરી જેવી પ્રિયાને આવા દિવસો પણ જોવા પડશે. અનુજે રીપોર્ટ ખોલ્યો અને બંનેના પગ તળેથી જમીન સરકી ગઈ. પ્રિયા સ્વાઈન ફ્લ્યુ નો શિકાર બની હતી. પ્રિયા અને સ્વાઈન ફ્લ્યુ? અનુજ અને પંક્તિ ચોધાર આંસુએ રડી પડ્યા. પ્રિયાને તાત્કાલિક આઈસોલેશન વોર્ડમાં ખસેડવાની હતી. ત્યાં તેને મળવાની પરવાનગી કોઈને ન હતી. પંક્તિ તો પાગલ થઈ ગઈ.
ડૉક્ટરે એમ્બ્યુલન્સ મોકલી. પંક્તિ અને અનુજ જાણે રડતા પથ્થર બની ગયાં. ઘર આગળ આવીને ગાડી ઊભી રહી અને મૂંઝવણ શરૂ. કયાં મોઢે તેઓ પ્રિયાને કહે? આખરે અનુજે હિંમત કરી અને તે અંદર ગયો.
* * *
'ડેડી,ડેડી તમે આવી ગયા?' પ્રિયા છલકી ઊઠી.'મારી દિકરી શું કરે છે?' એમ કહી તેને બાથમાં લઈ રડી પડ્યો, રડ્યા કર્યો. પ્રિયાએ તેનો હાથ પોતાનાં હાથમાં કહ્યું,'ડેડી, પ્રોમિસ નથી તોડવાનું, હોં.' અને અનુજને પ્રિયાને કદી નહી રડવાનું તેને આપેલું પ્રોમિસ યાદ આવ્યું. પોતાની નોટ બતાવતાં પ્રિયાએ કહ્યું,'ડેડી, આ જૂઓ મેં આપણા ઘરનું ચિત્ર દોર્યુ, હું તમે અને મમ્મા. હંઅઅ મમ્મા ક્યાં છે?'
એ નાનકડા ફૂલને જાણે હજી કેટલું સહન કરવાનું હતું? અનુજે તેને કહ્યું,'બેટા મારે તને કંઈક કહેવું છે. તારું ચિત્ર તો ટુ ગુડી ગુડી છે. મારી વાત માનીશ ને?' પ્રિયાએ હકારમાં માથુ હલાવી કહેવા લાગી કે પણ તે બોર્ડિગ સ્કૂલમાં તો નહી જ જાય. તેણે આગળ કહ્યું કે,'તમે મને તમારાથી દૂર તો નહી કરો ને?' અનુજે નકારમાં માથુ હલાવી તેની પાસે પાણી માંગ્યું અને વચ્ચેનાં નાના અંતરાલમાં મોકળા દિલે રડી પડ્યો.
પછી પ્રિયાને ખોળામાં લઈને કહ્યું,' બેટા, હું તને કયાંય મોકલવા નથી માંગતો, પણ... પણ... સાંભળ, તારે આ ડૉકટર અંકલ જોડે જવાનું છે.' અંદર આવી ગયેલા ડૉક્ટર તરફ ઈશારો કર્યો.
માસ્ક પહેરેલા ડૉકટરને જોઈને પ્રિયા માસ્ક લઈ આવીને અનુજને કહે,'ડેડા,ડેડા લો તમે પણ મોઢું ઢાંકી દો, પેલા વાઈન અંકલ તમને ના મળી જાય. તમને વાઈન ના થઈ જાય.' તેની કાલી-ઘેલી ભાષાને કોણ સમજાવે કે તે ખુદ જ વાઈન મતલબ સ્વાઈન ફલ્યુનો શિકાર બની છે. અનુજ અત્યારે ભગવાન પર એટલો ગુસ્સે હતો કે સામે મળે તો જૂએ પણ નહી અથવા પગે આળોટી માફી માંગે.
ઘણી જીદ, કીટ્ટાની ધમકી, અને આંસુને પાર કરી પ્રિયાને ઘરની બહાર મોકલી, જાણે અડધી જંગ જીત્યા. પણ બહાર તો મમ્મા પંક્તિ ઊભી હતી. તે તેની છોકરીને જોઈ હૈયાફાટ રડી પડી. મમ્માને રડતી જોઈ પ્રિયા તેને બાથમાં લેવા દોડી પણ ડૉક્ટરોએ તેમ થવા ન દીધું. 'મમ્મા,મમ્મા મને નથી જવું' કરતી તેની ચીસ કેટલાય હૃદય ભેદીને એમ્બ્યુલન્સનાં બારણાં પાછળ સમાઈ ગઈ. પંક્તિતો જીવવાનો ધ્યેય જ છોડી ચૂકી હતી.
ત્યાં વળી હોસ્પિટલમાં પ્રિયા રડતી રહી. કોઈ તેની સાથે રમતું ન હતું. બધા દૂર દૂર રહેતા. 'અંકલ,મને શું થયું છે?' પ્રિયાઑઆ આ સવાલનો ડૉક્ટર પાસે એક જ જવાબ હોય- બેટા, તું સમજે નહી.
આજે બે દિવસ વીતી ગયા છે. ઘરમાં ચારે બાજુ પ્રિયાની નિશાનીઓ અને પડઘા તેમના દર્દને જીવંત રાખતા હતાં. પ્રિયાનું કબાટ, સ્કૂલ બેગ, દિવાલો પરનાં ચિત્રો, મમ્મા જોડે જમવાની ડીશ, ડેડા જોડે રમવાનાં રમકડા, આખા ઘરમાં ફરી વળેલા પગલા અનુજ અને પંક્તિને પાગલ કરી રહ્યાં હતા. આજે પણ એ જ ઊમ્મીદે કે ડૉકટર મળવા દે, તેઓ ગયાં.
દરરોજની જેમ જ ઘસીને ના પાડી દેવામાં આવી. પણ આઈસોલેશન વોર્ડમાં ગોઠવેલા વિડિયો કેમેરાથી આભાસી રીતે મળી શકાતું. પ્રિયાએ જેવી સામે તેની મમ્માને જોઈ તો કહેવા લાગી,'મમ્મા હું હવે તોફાન નહી કરું પણ મને ઘરે લઈ જા ને, તમે મને મળવા કેમ નથી આવતા? આ કાચની દિવાલોને હટાવી લે ને મમ્મા. શું હવે હું મરી...' પંક્તિએ પ્રિયાને બોલવા જ ન દીધું. તેણે તેને સાંત્વના આપી કે તેને કંઈ જ થવાનું નથી. થોડું રડી લીધા બાદ કહ્યું કે 'દિકા અમારી મજબુરી છે, પણ આ ડૉકટર અંકલ તને ઠીક કરી દેશે. તું ખાવાનું તો ખાય છે ને?' પ્રિયાએ એપી મમ્માના ચહેરાને અડકીને કહ્યું,'મમ્મા પણ અહી કોઈ તારા જેવું હાથથી નથી ખવડાવતું. બધા મારાથી દૂર રહે છે. આ વાઈન ફલુ શું છે? પોલીસ અંકલને કે ને કે તેમને પકડી લે.'
કેમેરો બંધ થઈ ગયો અને પંક્તિનું વાક્ય અધુરુ રહી ગયું કે 'બેટા, તું સમજે નહી.'
રોજ હવે પંક્તિ તેના ઘરે આવવાની રાહ જોતી બેસી રહેતી, પણ ના પ્રિયા આવતી કે ના તેના સમાચાર. તેને લાશને જૂનો કચરો ગણી ફેંકાતા જોઇ હતી. તે આવા સ્વપ્નથી પણ છળી ઊઠતી. કાલે કયાંય? ના ના એમ બને જ નહી, પંક્તિ મક્કમ રહી. તે વિચારતી રહી કે આ કેવી મજબૂરી કે લાશની ય આમાન્યા જળવાય નહી?
હોસ્પિટલમાંથી ફોન આવ્યો. પંક્તિ અને અનુજને ફાળ પડી પણ આંખો બંધ કરવાથી અંધકાર જતો રહેતો નથી.
* * *
શહેરનાં ચકચકિત હાઈ-વે પર પંક્તિ અને અનુજની ગાડી ઊડી રહી હતી. પંક્તિ આટલી બેચેન ક્યારેય ન હતી. તેના મનમાં વ્યાપેલા રઘવાટે અને કચવાટે અનુજને પણ અનુત્તર કરી દીધો હતો. ધીરે ધીરે શહેરમાં 'haunted house' તરીકે કુખ્યાત થયેલી સિવિલ હોસ્પિટલ તેની ગાડી, તેના ભયને ઊત્તરોત્તર વધારે ધેરો કરી રહી હતી. આખરે ગાડી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દાખલ થઈ.
ડૉકટરના બદલે તે સીધી આઈસોલેશન વોર્ડ તરફ ગઈ. પ્રિયાનો બેડ ખાલી હતો. છતાંય નાનકડા તાંતણા જેવી આશા કે તે સ્વસ્થ થઈ ડૉકટરની કેબિનમાં હશે,તે દોડી. માહોલ ત્યા પણ ઘેરો હતો. ખૂબ દુઃખ સાથે ડૉકટર બોલ્યા,'Sorry, your angel is no more. I am sorry.' માત્ર વ્યાકરણના શબ્દો બની છલકાતી લાગણીઓ આગળ વધતી ગઈ. પંક્તિ તો બેભાન થઈ ઢળી પડી.અનુજ પણ જડાઈ ગયો. તે જાણતો હતો કે પ્રિયા નામે હવે માત્ર દંતકથા જ તેમની પાસે છે. તેની અંતિમવિધિ પણ બહુ જ ખરાબ રીતે થઇ ગઇ હશે.
પંક્તિને હજી યાદ આવતુ હતું એ બધુ કે જેના લીધે તે પ્રિયા બનીને જીવતી હતી... તે રડતા રડતા હસતી અને હસતા હસતા રડતી હતી.'ચાલો, આજે હું મેડમ ને મમ્મા સ્ટુડન્ટ.' પ્રિયાની એ મનપસંદ રમત. એ માસૂમની સજામાં હોય શું? કે મમ્માની ગોદમાં સુએ. હવે જોકે એ બંનેના નસીબમાં ન હતું. પ્રિયા એક દિવસ સાડી પહેરી સ્કૂલે ગઈ હતી એ ફોટો હવે ઘરમાં લટકતો રહેશે. હંમેશા બીજી ચોકલેટ હાથમાં છુપાવી, કેટલી માસૂમતાથી કહેતી, 'ડેડી, હાથમાં દુઃખે છે હવે હાથ નથી ખૂલતો.' આમ હંમેશા તે અનુજને ઊલ્લુ બનાવતી. આટલી નાની હતી તેની જીંદગી? તે પોતાના મનમાં શુંય લઈને ગઈ હશે? તેના વિશે, પંક્તિ વિશે, અનુજ વિશે...
* * *
તે આમ જ રડ્યા કરત પણ ડૉક્ટરે આવીને તેને કહ્યું,'મેં ઘણાને અહી મરતા જોયા છે પણ આટલી નાની એંજલને નહી..આ પત્ર છે જતા પહેલા તેણે લખ્યો હતો તે. તે તમને આપવા આવ્યો છું. બને તો મને માફ કરી દેજો.' આંસુ લુછતા ડૉકટર એટલુ જ બોલી શક્યા. પોતાની ભાષામાં લખેલો એ પત્ર હવે પંક્તિ વાંચતી હતી.
માય ફ્રેન્ડ ગણેશ,
મને વાઈન અંકલ લઈ ગયા છે. તે મને મમ્મા-ડેડાને પણ નથી મળવા દેતા. એ અંકલ ખૂબ જ બેડ છે. બધા મને બસ એટલુ જ કહ્યા કરે છે કે,'બેટા, તું સમજે નહી.'
અહી કોઈ મને મમ્મા જેવો વહાલ નથી કરતું. બધા દૂર દૂર જ ભાગે છે. તમે મારી આટલી વાત માનોને... બધા કહે છે કે હવે હું મરી... પછી મમ્મા અને ડેડા વચ્ચે ઝઘડો થશે તો બંનેને મનાવશે કોણ? તે બંનેને તો હું જ સંભાળુ છુ ને? મમ્મા ડેડા હવે હું નથી જીવવાની એવુ કહેતા નથી પણ તેમને ખબર જ છે. પ્લીઝ ફ્રેન્ડ મને ઘરે મોકલી દે...
પંક્તિ એટલું રડી કે આગળ વાંચી જ ના શકી. અનુજ પણ શું કરે? પણ એટલી વાત તો પાક્કી હતી કે ઈશ્વરે પંક્તિ નામની એક ભક્ત ગુમાવી દીધી હતી. ભગવાનની મૂર્તિ પહેલા હવે તેને પ્રિયાની લાશ દેખાવાની હતી.બંને ચાલી નીકળ્યા એ ઘરે જવા જ્યા પ્રિયા નામે એક પરી રહેતી હતી, એક ઘટના રહેતી હતી. એક જીવંત ઢીંગલી રહેતી હતી. એક દુર્ઘટના રહેતી હતી.
* * *
થોડો સમય વીતી ગયો હતો. એક દિવસ બંને બજારે ગયા હતાં. બાજૂમાં રહેલા રમકડાની દુકાન તરફ આંગળી કયીને એક આઠ-નવ વર્ષની બાળકી રડતી હતી. તેને રમકડા જોઈતા હતા, શાયદ... પણ તેના માં-બાપ તૈયાર ન હતા. પંક્તિ અને અનુજ ત્યાં ગયા અને તેને ઢગલો રમકડા લઈ આપ્યા.
તેના માં-બાપે સ્વાભાવિક રીતે જ ના પાડી. પંક્તિએ કહ્યું,'અમે તમને નહી આને આપ્યા છે. શું નામ છે તેનું?' 'પ્રિયા' તેની મમ્મીએ જવાબ આપ્યો. પંક્તિ રડી પડી અને અનુજ તરફ જોવા લાગી.
પાછળથી પ્રિયાએ આવીને કહ્યું,'આન્ટી, તમે મને આટલા રમકડા આપ્યા અને હવે રડવા લાગ્યા, આમ કેમ?' અનુજે તેના માથા પર હાથ ફેરવી કહ્યું, 'બેટા, તું સમજે નહી'.