ઋતુસંધિના એ જુજ દિવસોમાં ઉગેલી સવાર આહ્લાદક હતી. ‘શરણમ’ ની ચોપાસ આયોજનબધ્ધ વાવેલા વૃક્ષો અને ફૂલછોડ પણ તીવ્ર ટાઢ ખમીને હવે ફરીથી નવપલ્લવિત થઈ રહ્યા હતાં અને ‘શરણમ’નો શણગાર બની રહ્યા હતા. ’શરણમ’ એટલે શહેરના સુવિખ્યાત બીઝનેસમેન શ્રીમાન સ્તવન શાહના વૈભવ અને સમૃદ્ધિનો એક અંશ- તેનું નિવાસસ્થાન.
શ્રીમાન શાહની નિંદ્રા મળસ્કે જ તૂટી જતા તેણે નિત્યક્રમ મુજબ વોકિંગમાં જવા માટે વિચાર્યું. બેડ પર સુતા સુતા જ તેણે બાજુનાં ડેસ્ક પર ચશ્માં શોધવા હાથ લાંબો કર્યો. તેમાં નિષ્ફળ જતા તેણે અજવાળું થવાની રાહ જોવાનું મુનાસીબ માન્યું કારણકે જો પોતે લેમ્પ ચાલુ કરે કે થોડીક ચહલપહલ થાય તો બાજુમાં સુતેલી પોતાની પત્નીની ઊંઘ ઉડી જાય જે પોતાને માન્ય ન હતું.
બાલ્કનીમાંથી અંદર પ્રવેશતા આછા અજવાળામાં તે પોતાની પત્ની ને તાકી રહ્યા, પોતાની એક હથેળી તકિયા પર રાખીને તેના પર પોતાનું મો રાખીને પોતાના પતિ તરફ એક પડખે સુતેલા શ્રીમતિ સ્તુતિ શાહનો પ્રોઢાવસ્થાયે પહોંચેલો ચેહરો અત્યંત લાવણ્યમય હતો તો તેની મહેંદીના કેસરિયા રંગથી મઘમઘતી બીજી હથેળી બેડ પર ખુલ્લી રહેલી હતી. ગતરાત્રીએ નજીકના સ્નેહીજનોને ત્યાં મોડે સુધી ચાલેલા લગ્નપ્રસંગ સ્તુતિની આ મહેંદી અને પરોઢિયું થતાં પણ અપૂર્ણ રહેલી નિંદ્રાનું કારણ હતું.
ચાળીસી વટાવેલા શ્રીમાન શાહ ઘડીક સ્તુતિની આ હથેળીને તો ઘડીક પોતાના બેડની સામેની દીવાલ પર લગાવેલી તે બંનેના લગ્નસમયની વિશાળ તસ્વીરને જોઈ રહ્યા. તેમની ખુલ્લી આંખો સમક્ષ તેમની સ્તુતિ સાથેની જીવનયાત્રાની સ્મૃતિ ક્ષણભરમાં પસાર થઈ ગઈ. એક સંતોષભર્યા સ્મિત સાથે તેણે સ્તુતિની તે થોડી કરચલીવાળી હથેળી હળવેકથી સ્પર્શી અને મનોમન બોલ્યા “આ ત્વચા પરની કરચલી એ આપણે સાથે જોયેલા અને બાદ સાકાર કરીને જીવેલા સપનાઓનું સમયપ્રમાણ છે, શરીરની શીર્ણતા એ બીજું કશું નહિ પણ આપણા સંબંધમાં સ્નેહની સાથે સમયાન્તરે ભળતા ગયેલા એકબીજા માટેના સન્માનની સુગંધ છે, તું મારા માટે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છે અને હંમેશા રહેશે.” આવું કહેતા તેમને તે હાથને ચૂમી ઊઠવાનું મન થયું પણ સ્તુતિ ઉઠી જાય તે બીકે તેમણે ટાળ્યું.
વાતાવરણ હવે ઊંડા અંધારા ત્યજીને પરમ તેજને પામવા જઈ રહ્યું હોઈ પોતાના ઓરડામાં ફેલાયેલા પર્યાપ્ત પ્રકાશને કારણે તે પોતાના ચશ્માં ઝાંખપભરી દ્રષ્ટિથી પણ શોધી શકવા સક્ષમ બન્યા અને બાદ તેને પહેરીને પોતાના પેટ પર હાથ ફેરવીને મનોમન થોડાક હાસ્ય સાથે બોલ્યા “આ વધેલું પેટ એ તારા દ્વારા મારા પર ટ્રાય કરાયેલી અને બાદ અનેક વખત બનાવેલી એ વાનગીઓનું સમપ્રમાણ છે.” બાદ હળવેકથી બારણું ખોલીને સુતેલી સ્તુતિ પર એક પ્રેમભરી નજર નાખીને મોર્નિંગ વોક માટે જતા રહ્યા.
ક્ષિતિજથી થોડા ઉપર ઉઠેલા સૂર્યના કિરણોએ રૂમમાં પ્રવેશીને સ્તુતિની આંખો ખોલી. વોલકલોક સવારના આઠ વાગ્યાનો સમય દર્શાવતી હતી. દરરોજ પાંચ વાગ્યે ઊઠવાવાળી સ્તુતિ આજે તેના રૂટીનમાં સમય કરતાં પાછળ રહી ગઈ હતી તેથી ઉતાવળી થતી તે જલ્દીથી ફ્રેશ થઈને કિચનમાં જવા માટે સીડીઓ પર ડગ માંડવા લાગી. તેને જોયું કે પોતાના પતિ ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા ન્યુઝપેપર વાંચી રહ્યા હતાં. તેની નજર સ્તુતિ તરફ પડતા જ એક સસ્મિત “ગુડ મોર્નિંગ” ના મધુર રણકારથી તેને આવકારી.
“તમે મને કેમ ના ઉઠાડી. જુઓ કેટલું લેઇટ થઈ ગયું. અને તમારો નાસ્તો? શું ખાશો ? ચલો હું ફટાફટ બનાવી આપું.” એકસાથે અનેક પ્રશ્નોનો મારો કરતા તે બોલી.
“રીલેક્શ માય લાઈફ, તું ચિંતા ના કર, મેં વોકમાં જતા પહેલા જ્યુસ જાતે જ બનાવીને પી લીધું છે. તું રાત્રે મોડી સુતેલી અને આજે ઇવનિંગના પણ તારે એક સમારોહમાં જવાનું હોવાથી તને વ્યવસ્થિત આરામ મળે એ હેતુથી મેં તને ના જગાડી.” સ્તુતિનો હાથ પકડી તેને પોતાની બાજુમાં સોફા પર બેસાડતા શ્રીમાન શાહ બોલ્યા.
“ઓહ, આજે વિમેન્સ ડે છે અને એ નિમિત્તે યોજાયેલ એક પ્રોગ્રામમાં મારે જાવાનું છે, અને સ્પીચ પણ આપવાની છે. હું કેમ ભૂલી ગઈ આ વાત? શું બોલીશ હું? કશું જ તૈયાર નહિ કર્યું મેં.” બેબાકળી બનેલી સ્તુતિ બોલી.
“ તું તો મારી સુપર વુમન છે, કંઈ પણ કરી શકે તો આવી તૈયારી તો ખુબ નાની વાત છે. તારી પાસે ઘણો બધો સમય છે હજું અને આમ પણ હું આજે લંચ ઓફિસની કેન્ટીનમાં જ લઈશ.”
“હું ટીફીન મોકલી આપીશ, આમ પણ હું સ્પર્શ માટે બનાવવાની જ છું” શ્રીમાન અને શ્રીમતી શાહને બે પુત્રો હતા. મોટો શબ્દ એમ.બી.એ. નાં સ્ટડી માટે યુ.કે. ગયો હતો અને થોડા સમય પહેલા જ સી.એ. થયેલો નાનો સ્પર્શ પોતાના પિતાની બધી જ કંપનીઓનો નાણાકીય વહીવટ સંભાળનાર એક માત્ર સી.એ. હતો.
“આજે સ્પર્શ તેના કોઈ મિત્રની લંચપાર્ટીમાં જવાનો છે, તો ટીફીન ન મોકલતી અને તું પણ ઓફીસ આવીને જામી જજે. આપણા કર્મચારીઓ જ્યાં જમતા હોય ત્યાં આપણે પણ સમયાંતરે જમતું રહેવું જોઈએ, જેથી ફૂડની ક્વોલીટીની પરખ રહે. સો રિલેક્સ એન બી હેપી માય વંડરફૂલ વુમન.હેપી વિમેન્સ ડે” આ સાંભળીને સ્તુતિને પોતાના પતિની મલ્ટીફેકટોરીયલ મેનેજમેન્ટ સ્કીલ પર મનોમન અતિ ગર્વ થયું.
મધ્યાહને પ્રખર તપીને સૂર્ય હવે પશ્ચિમ તરફ પ્રયાણ કરતો હતો. સ્તુતિ પોતાના વોર્ડરોબને ખોલીને સમારોહને અનુરૂપ કપડા શોધવા લાગી. સ્તવન હોય તો પોતાને સાડી જ પહેરાવે એ વિચારીને તેણીએ પોતાની પસંદગી નેવી બ્લ્યુ કલરની રીયલ સિલ્ક સાડી પર ઢાળી. સ્તવન જ્યારે પણ કોઈ બીઝનેસ ટુર પર જતો તો સ્તુતિને અવશ્ય લઈ જતો. જો કોઈ કારણોસર તે ના આવી શકે એમ હોય તો જે તે સ્થળની પ્રખ્યાત વસ્તુ સ્તુતિ માટે તે લાવતો. આ સાડી પણ તેમાંની એક હતી.
પોતે ડ્રેસિંગ ટેબલની સામે ઊભીને સાડી બાંધતા તે સ્તવનને યાદ કરી રહી. જો તે અહી હોય તો પાછળ રહેલા બેડ પર સુતો સુતો અરીસામાં પડતા સ્તુતિના પ્રતિબિંબને તાકી રહે અને સ્તુતિ પૂછે કે આ સાડી કેવી લાગે તો મો મચકોડીને “ઠીક ઠીક” કે “ઓકે” જેવા જવાબો આપે, સ્તુતિ તે અનુસરીને કબાટમાંથી અન્ય સાડી કાઢીને ટ્રાય કરે અને સ્તવનનો ફરી એ જ પ્રત્યુત્તર અને સ્તુતિની એક વધુ ટ્રાયલ. જયારે મોટા ભાગની સાડીઓ કબાટમાંથી બહાર ઢગલો થાય ત્યારે મસ્તીભર્યા મૂડમાં સ્તવન કહે કે,”આઈ થીંક સૌથી પહેલા પહેરેલી સાડી તને વધુ સરસ લાગે છે.” સ્તુતિ જયારે આ વાત પર ચિડાય એટલે તે સ્તુતિ ને પાછળથી હગ કરીને તેની હડપચી સ્તુતિની ખભે અને હાથ સ્તુતિના પેટની આસપાસ વીંટાળીને અરીસામાં પડતા બંનેના પ્રતિબિંબને નિહાળતા બોલે’ “પાક્કી દોસ્ત છે તું મારી, તને હેરાન નહિ કરું તો કોને કરીશ? તું જો અરીસામાં કેટલી સુંદર છો, તને કઈ પણ સારું લાગે, હવે જો તું મારો ઓપીનીયન લે તો પછી મસ્તી તો હું કરીશ જ..” અને બદલામાં સ્તુતિ તેને ઘડીભર માટે વીંટળાઈને ધન્યતાનો-પરિપૂર્ણતાનો અહેસાસ પામવાનું ના ચૂકતી.
ખબર નહિ કેમ પણ આજે તેને સ્તવન ફરીફરીને યાદ આવતો હતો. વાળને બાંધતી વખતે પણ તેને તેનો સ્તવન સાથે લગભગ રોજબરોજ થતો એક સંવાદ યાદ આવ્યો. તે કહેતો “બસ આમ ખુલ્લા જ રાખ તારા વાળને..” અને છતાં પણ જો તે અંબોડામાં વાળ બાંધતી અને રેશમીવાળ આપોઆપ સરીને ખુલ્લા થઈ જતા તો તે ઉમેરતો ”જો તારા વાળને પણ બંધાવું નથી ગમતું. એ પણ ખુલ્લા રહેવા ઇચ્છે છે” અને સ્તુતિ તેની જીદ સામે હારી જતી. ઉંમર ના એક પડાવ બાદ જયારે તેના વાળમાં થોડી સફેદી આવી તો તે કહેતી કે “ ખુલ્લા વાળમાં મારા કોઈક કોઈક સફેદ થયેલા વાળ પણ દેખાય જે ન સારું લાગે.” અને સ્તવન હમેશાની જેમ “ઉમર તારા શરીરને લાગે છે, તને નહી. તું તો આજે પણ મારી પ્રિન્સેસ છો.” જેવા હૃદયને શાતા પમાડે તેવા શબ્દોથી સ્તુતિને નવાજવાનું ચૂકતો નહિ.
વારંવાર ચિત્ત સમક્ષ પ્રસ્તુત થતી સ્તવનની વાતોને કારણે આજે સ્તુતિએ સેલ્ફ ડ્રાઈવને બદલે ડ્રાઈવરને લઇ જવાનું ઉચિત સમજ્યું. પરંતુ બેક સીટ પર આરામથી બેઠા બેઠા તેના સ્મૃતિપટ પર સ્તવન સાથેની પોતાની સફર વધુ વેગપૂર્વક પસાર થવા લાગી. અને તે વારેવારે પોતાની જાતને સવાલ કરવા લાગી કે “જીવનસાથીરૂપે પોતાને સ્તવન ના મળ્યો હોત તો આજે પોતે ક્યાં હોત?”
સમારોહસ્થળના હોલની બહાર પોતે ઉતરતા જ તેણે કાર્યક્રમ અંગેનું એક મહાકાય પોસ્ટર જોયું. જેમાં સમગ્ર જીલ્લાની વિવિધ ક્ષેત્રે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર અમુક સ્ત્રીઓને તે સમયના મહિલા રાજ્યપાલના વરદ હસ્તે પુરસ્કાર એનાયત થનાર હતો. જેમાં પોતાનો પણ સમાવિષ્ટ હતી.
સ્તુતિએ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. કાર્યક્રમ પૂર્વનિર્ધારિત સમયરેખા મુજબ શરુ થયો. રાજ્યપાલશ્રીના સ્વાગત બાદ તેમને સ્ત્રીઓની મહાનતા તથા તેમના ઉદ્ધાર માટેના પ્રવચનો આપ્યા. સ્ત્રીઓની એક કલબના સભ્યોએ સ્ત્રીઓ વિષયક નારા લગાવ્યા. બાદ પુરસ્કાર વિતરણ શરુ થયું. અગાઉની બંને પુરસ્કૃત મહિલાઓએ પોતાની સફળતા પાછળની સંઘર્ષયાત્રા કહી બાદ પોતાના ગુણગાન ગાયા અને શ્રોતાગણે તાળીઓના ગડગડાટથી તેમને વધાવ્યા.પોતે આ દરમિયાન સતત વિચારતી રહી કે શું ખરેખર નારીઓની સફળતા માત્ર તેમના જ સામર્થ્યનું પરિણામ છે?
તેમના વિચારોને અવરોધતું એક એનાઉસમેન્ટ એન્કર દ્વારા થયું “ શહેરના શાહ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનાં સી.ઈ.ઓ. તેમજ અનેક મહિલાઓને ગૃહઉદ્યોગ દ્વારા સધ્ધરતા અને આર્થીક સ્વાવલંબીત્વ આપનાર એક સફળ એન્ટરપ્રેન્યોર, માત્ર ઉચ્ચવર્ગને પરવડે તેવી શાળામાં ન જઈ શકનાર બાળકો માટે ઉચ્ચસ્તરીય ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડતી ગ્રાન્ટઇન એડ શાળાની સ્થાપક તેમજ તબીબી અને અન્ય ઉચ્ચઅભ્યાસ માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પોતાની આગવી બુદ્ધિપ્રતિભાથી “લોન કમ રોટેસનલ ડોનેસન” જેવી મહત્વપૂર્ણ સ્કીમ આપનાર, તેમજ સમગ્ર જીલ્લાના પછાત વિસ્તારોમાં નિયમિતરૂપે જીવનજરૂરી વસ્તુઓ કે અન્ય કેમ્પનું આયોજન કરનાર એક સેવાભાવી સફળ અને સુશિક્ષિત સ્ત્રી એટલે શ્રીમતી સ્તુતિ શાહ. જેમને રાજ્યપાલશ્રી દ્વારા “નારીરત્ન” એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
આ સાંભળીને સ્તુતિ સ્વસ્થાનેથી ઉભી થઈને એવોર્ડ ગ્રહી રહી પણ તેની આંખો ઓડીયન્સમાં સ્તવનને શોધી રહી. સ્તુતિના સમારોહમાં હાજર રહેવા માટે સ્તવન ગમે તેવા સેડ્યુલમાંથી ટાઇમ કાઢી લેતો તો ઘણી વાર અગત્યના કામો પણ પોસ્ટપોન્ડ કરી દેતો. અચાનક જ તેને યાદ આવ્યું કે સ્ત્રીઓ દ્વારા સ્રીઓ માટે વિશ્વ મહિલા દિને સ્રીઓને લગતા આ કાર્યકમમાં કોઈ પણ પુરુષનો પ્રવેશ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત હતો તો સ્તવન ક્યાંથી આવે?
સ્તુતિને કાર્યક્રમને અનુરૂપ વ્યાખ્યાન આપવાનું કેહવામાં આવ્યું કે જે પોતે પહેલેથી જ તૈયાર કરી લાવી હતી અને શ્રોતાઓ તેણે સાંભળવા ઉત્સુક હતા.
સ્તુતી માઈક તરફ આગળ ધપી રહી તેના મગજમાં કોઈ ગડમથલ ચાલી રહી. અંતે તેણે થોડી સ્વસ્થ થઈને શ્રોતાઓ તેમજ મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન કર્યું. બાદ શું બોલવું તેની સમજ ના પડતા થોડું પાણી પીને તે સ્વસ્થ થઈ અને ઉમેર્યું.
“આજે સ્ત્રીઓના વિશેષ દિવસે યોજાયેલા આ સ્ત્રીઓ માટેના કાર્યક્રમમાં મારે થોડી વાતો પુરુષ વિષે કરવી છે, આમપણ સ્ત્રીઓ વિષે તો હમણાં ઘણું બધું બોલાયું તે વિષે ગહન ચર્ચા પણ થઈ. મારા માટે આટલું ઘણું છે, મારે તેમાં કશું ઉમેરવાની જરૂર છે એવું મને લાગતું નથી.”
“એક સફળ પુરુષની પાછળ કદાચ કોઈ સ્ત્રી હોઈ શકે પણ મને લાગે છે કે એક સફળ સ્ત્રીની પાછળ એક પુરુષ અવશ્ય હોય જ છે. પિતાથી માંડીને પતિ કે પુત્ર સુધી..તે કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. અહી બેઠેલી તમામ સ્ત્રી કદાચ એટલી સફળ નહિ હોય પણ સ્વતંત્ર તો અવશ્ય છે જ નહી તો એ થોડા કલાકો માટે બધું ઘરનું કામકાજ છોડીને અહી આવીને આરામથી બેઠી બેઠી મને સાંભળતી ન હોત. તેમાંની ઘણી સ્ત્રીઓને ઘરના પુરુષો જેવા કે પુત્ર પતિ સસરા ભાઈ પિતા વગેરે એમ પણ કહ્યું હશે કે “તું તારે શાંતિ થી આવજે, અહીની ચિંતા ના કરીશ” તો ઘણા ને ઘરના કોઈ પુરુષ સભ્યો અહી સુધી પોતાની કાર કે બાઈકમાં મુકવા પણ આવ્યા હશે.”
“બસ આવું જ છે સફળ સ્ત્રીની સફળતાની સફર માં. શરૂઆતથી લઈને અંત સુધીના દરેક પડાવમાં કોઈને કોઈ પુરુષનો સાથ-સહકાર તો છે જ. આજે આપણા પર્સમાં જે ડેબીટ કાર્ડ છે અને આપણા મોબાઈલમાં રહેલી ઓનલાઈન શોપિંગની એપ છે તેનું કારણ પણ ક્યાંક આપણા પિતા અને પતિ છે. પિતાએ એ જમાનામાં પોતાના ખર્ચા પર કાપ મુકીને દીકરીઓને પણ શિક્ષણ અપાવીને સારું કમાઈ શકવા સક્ષમ બનાવી તેમાં તેનો કોઈ સ્વાર્થ નહોતો કેમેક દીકરી તો સાસરે ચાલી જવાની છે અને પોતાને કશું જ આપવાની નથી પરંતુ તેની દીકરીઓ પાસે પોતાનું સ્વયં ઉપાર્જિત નાણાથી છલકતું એકાઉન્ટ હોય અને આર્થિક સ્વાતંત્ર્ય હોય એ માટે. અને લગ્ન બાદ પણ તમે જરૂર ન હોવા છતાં માત્ર તમારા શોખ કે ઈચ્છા ખાતર નોકરી શરુ રાખો એ તમારા પતિએ ઘરના ભોગે તમને આપેલ સ્વતંત્રતા છે.”
“હું આજે મારી સફળતાની સફર આપ સમક્ષ રજુ કરવા ઈચ્છીશ. સૌપ્રથમ તો આ એવાર્ડ પર લખેલું મારું નામ ‘શ્રીમતી સ્તુતિ સ્તવન શાહ’ એ નામ જ મારા માટે લાઈફ ટાઇમ અચિવમેન્ટ એવાર્ડ છે. કારણકે મારા નામની પાછળ આવતું મારા પતિનું નામ, અને તમે મારા પરિચય બાબતે કહેલી અનેક સેવાકીય બાબતોની પંક્તિઓ અને માર્રી સફળતાનું કારણ આ વ્યક્તિ જ છે.”
આજથી લગભગ પચીસેક વર્ષો પહેલા મારા તેમની સાથે લગ્ન થયા. તમે આજે મને જે સુશિક્ષિતનું વિશેષણ આપ્યું એ તે સમયે મારી પાસે નહોતું. લગ્ન પહેલા હું ગામડામાં રહીને શહેરની કોલેજમાં આર્ટસમાં ગ્રેજ્યુએશનનો કોરસપોન્ડીંગ કોર્સ કરતી હતી અને મને સ્તવનની અર્ધાંગીની તરીકે સ્તવનના પરિવારજનોએ પસંદ કરી જેનું કારણ હતું મારું એ સમયનું સૌન્દર્ય, શાલીનતા અને ડાહી-સંસ્કારી છોકરી તરીકેની છાપ.આ સમયગાળામાં મારા લગ્નબાદ હું આ શહેરમાં આવી. તે જમાનામાં સી.એ. થયેલા મારા પતિએ પોતાની જોબ ઉપરાંત ઈમ્પોર્ટ- એક્ષ્પોર્ટ ડીલીંગ કંપની સ્થાપી. હું મારો અભ્યાસ છોડી દેવા માગતી હતી પણ મારા પતિના આગ્રહથી મેં ચાલુ રાખ્યું ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ પણ થઈ.”
“લગ્નના થોડા જ વર્ષોમાં મિત્રવત બનેલા સત્વને મને સમજાવ્યું કે હું મારી પોતાની આવડત થી કૈક આગવી ઓળખ બનાવું, માત્ર ઘરગથ્થું નહિ પ્રવૃતિશીલ રહું. અને મને પણ તેમની વાતો યોગ્ય લાગી. બસ પછી શું? એ મારા માર્ગદર્શક બનતા ગયા અને હું ધીમે ધીમે આગળ વધતી ગઈ અને આજે મારું આ નામ આ જીલ્લાની સૌથી સફળ જુજ સ્ત્રીઓમાં જોડાઈ ગયું. હું ખાતરીપૂર્વક કહું છું કે જો મને પતિ સ્વરૂપે સ્તવન ના મળ્યા હોત તો આજે હું અહી તમારી વચ્ચે ઊભીને આ બોલી રહી ન હોત.”
“આજે મારે એક કબુલાત કરવી છે તમારી સમક્ષ. બની શકે કે તેનાથી આપણા સમાજમાં એક નવી શરૂઆત થાય. જે તે સ્ત્રીની સફળતા પાછળ રહેલા પુરુષને બીરદાવાની, જેથી કરીને જે તે પુરુષને પણ તેણે પોતાની સ્ત્રી પાછળ કરેલા પુરુષાર્થનો યથાર્થ યશ મળે અને અન્યો માટે પ્રેરણા બની રહે..”
જીવનસાથી કોણ મળે એ તો છે પરમાત્માનો નિર્ધાર,
કહેવાય છે એમાં જુએ છે ઈશ્વર કર્મોનો કારોબાર.
અનાયાસે કર્યા હશે મેં પણ કર્મ શ્રેષ્ઠ બે ચાર,
અથવા તો પૂર્વજોના મુજ પર હશે અસીમ આશીર્વાદ.
શિક્ષણ શ્રીમંતાઈ સમજદારી કે નહી કશું સમાન,
તે છતાં જીવનસાથી રૂપે મળ્યો તારો જીવનભરનો સાથ.
પતિ બનીને વરસાવી લાગણીઓ મુશળધાર,
કુંપળ ફૂટી સંબંધને નવી અને તું બન્યો મિત્ર મારો ખાસ.
“શબ્દ” અને “સ્પર્શ” બે ફૂલો જીવનરૂપી બાગમાં ખીલ્યા.
પૂર્ણતાને પામી અને માણી છતાં સંતોષ પામી ના અટક્યા.
સ્નેહની સાથે તે સમજણ અને શિક્ષણ પણ સીંચ્યા.
સમય જતા મારામાં તે આવડત બનીને વિકસ્યા.
તે દિવસે ને દિવસે મારામાં દાખવ્યો વિશ્વાસ અતુટ,
જેથી બની શકી હું એન્ટેરપ્રેન્યોર તરીકે પ્રવૃત.
તું હમેશા મને જોડે લઈને ચાલ્યો તું યથાર્થ સહયાત્રી,
કાબેલ એટલી બની કે આજે ચલાવી શકું માત્ર કાર જ નહી પણ કરોડોની કંપની.
ફિલ્મો જોતી વખતે વિચારતી કે હિરોઈનના કેટલા સુંદર લીબાઝ,
શોર્ટ્સ, સ્કર્ટ અને ફ્રોક બધું મેં પહેર્યું, નથી બાકી હવે કોઈ આશ.
સ્ત્રીઓ ઘરને સ્વર્ગ બનાવે એવું ક્યાંક સાંભળ્યું હતું.
પુરુષ ના પ્રયાસથી જ ઘર અને નારીનું જીવન સ્વર્ગ બને તે અનુભવ્યું છે.
નારીને આજે સન્માનિત કરાઈ ‘નારીરત્ન’ ના બિરુદ થી
નારીને પથ્થરમાંથી રત્ન બનાવે છે તેના પરિજનો પ્રેમપુંજથી.
થેન્ક્સ માય હસબંડ, માય ફેમીલી મેમ્બર એન ઓલ ઓફ યુ.”
સ્તુતીયે સ્પીચ પૂરી કર્યા બાદ અનુભવ્યું કે પોતે આજે લાગણીઓમાં વહી જઈને બધું બોલી ગઈ હતી. પોતે ઘરેથી અહી બોલવા માટે તૈયાર કરીને લાવેલી સ્પીચ આના કરતાં તદન જુદી હતી પણ તે છતાં પોતે તેના દ્વારા બોલાયેલા શબ્દોથી સંતુષ્ઠ હતી. શ્રોતાજનોએ તાલીઓના ગડગડાટથી સ્તુતિને વધાવી લીધી પરંતુ સ્તુતિ તે બધા બોલ જાણે કાને પડ્યા જ ના હોય તેમ સ્ટેજ પરથી ઉતરીને પાર્કિંગમાં પોતાની કાર તરફ જતી રહી. ત્યાં પોતાની કાર ન જોતા તેણે ડ્રાઈવરને ફોન જોડ્યો સામેથી જવાબ મળ્યો કે “સાહેબે તેને ઘરે જતા રહેવાનું કહ્યું જેથી પોતે જતો રહ્યો.”
સ્તુતિ પોતાનો ફોન બીજા કોઈને કરે તે પહેલા જ ચીર પરિચિત અવાજ તેના કાને અથડાયો, “કોન્ગ્રેચ્યુલેસન મીસીસ શાહ”
“સ્તવન. તમે? અહી કયારે આવ્યા?”
“તું આવી ત્યારનો”
“હૈ? ક્યાં હતા તમે ? મેં તો તમને ના જોયા? આશ્ચર્ય સાથે તે પૂછી રહી..
“પુરુષોને અંદર આવવાની મનાઈ હતી તો ત્યાં હોલના એક્ઝીટ ડોર પાસે ગેટ કીપર ની બે કલાક માટે ડ્યુટી કરતો હતો.”
“સ્તવન..?” તેની આંખો થોડી સજલ બની.
“અરે બનતા હે બોસ.. વાઈફને એવોર્ડ લેતી જોવા માટે આટલું તો કરવું જ પડે ને.”
સ્તુતિ રડવા લાગી તેને લઈને સ્તવન કારમાં બેઠો અને કાર ચાલુ કર્યા વગર જ બોલ્યો. “સ્વીટહાર્ટ મારી, તું કેવી છો? ખુશીની મોમેન્ટસ માં પણ રડે છે.”
સ્તુતિ તેણે બાઝી પડી ને બોલી “તમારા વગર હું કઈ જ નથી ને ના હોત, થેંક્યું સો મચ, મને આટલી ખાસ બનાવવા માટે,” બાદ આંસુ લૂછતાં બોલી ચલો હવે આપણે બંને ઘરે જઈએ બાદ તૈયાર થઈને કેનેડાથી આવેલા ડેલીગેશન જોડે ડીનર લેવા જવાનું છે આપણે”
“બેબી, તું કાર ચલાવી લઈશ ?” સ્તવનને કઈક યાદ આવતા તેણે કહ્યું.
“ઓફ કોર્સ” કેહતા તે ડ્રાઈવરસીટ પર આવીને કાર સ્ટાર્ટ કરી.
થોડુક ચાલ્યા બાદ સત્વને પોતાની ઓફીસ પર ફોન જોડીને કહ્યું,”પેલું જે ડીલ માટે કેનેડાથી જે ડેલીગેશન આવ્યું છે તેને આજે શહેરની હેરીટેજ સાઈટસ ની મુલાકાતે લઇ જજો ને રાત્રે ડીનર પણ અરેંજ કરી આપજો, આજ સાંજની મીટીંગ આવતીકાલ સુધી પોસ્ટપોન કરી દો.”
સ્તુતીએ આ સાંભળીને કારને સાઈડમાં લઈને અચાનક બ્રેક મારી. જેથી સ્તવન બોલ્યો, “મેડમ, આ મારી ઓડી છે, તોડી નાખવાનો વિચાર છે?”
“તમને બીઝનેસ બંધ કરી દેવાનો વિચાર છે? કેમ આવા બેજવાબદાર થઈ ગયા છો આજે, બપોરની મીટીંગ મુલતવી રાખીને અહી પ્રોગ્રામમાં પહોચી ગયા અને હવે સાંજના નિશ્ચિત કરેલા સમયે પણ તમારે મિટિંગ પોસ્ટપોન્ડ કરવી છે?”
“ઇટ્સ ઓલ અબાઉટ માય વાઈફ, આજે તને અવોર્ડ મળ્યો સો મારે તારી જોડે એન્જોય કરવું છે, બીઝનેસ તો દરરોજ રહેશે. ચલ તું મને પાર્ટી આપ.”
“ક્યાં જવું છે?” એક્સેલેટર પર પગ મુકતા સ્તુતીએ પૂછ્યું.
“વોન્ટ ટુ ઈટ સ્પાયસી ફ્રેટરઝ સ્ટફિંગ ઓફ ચીલી એન્ડ ફેન્યુગ્રિક લીવ્ઝ એટ સ્તુતીસ કિચન.”
“આ વળી શું? ક્યાં આવ્યું આ રેસ્ટોરન્ટ?” સ્તુતિએ જાણવાની ઉત્સુકતા બતાવી.
“ઘરે લઈ લે, મારે તારા હાથથી બનેલા મેથી-મરચા વાળા ભજીયા ખાવા છે.”
આ સાંભળીને સ્તુતિના હાસ્યની છોળો આખી કારમાં ગુંજી ઉઠી, સ્તવન તેને ઘડીભર તાકી રહ્યો. સમગ્ર શહેરમાં આજે શ્રીમાન અને શ્રીમતી શાહના એકમેક માટેના પ્રેમની સુગંધ ફરી વળી અને સ્તુતિનું રસોઈઘર ભજીયાની સોડમથી મહેકી ઉઠ્યું.
ડૉ. અવની રવિ ચાંગેલા.
E-mail ID : avnimansuria@gmail.com
Kindly send me your valuable suggestions, they will sharpen my skill.. Thanks