લાગણીની સુવાસ
(ભાગ – 11)
અમી પટેલ (પંચાલ)
ઢોરનાં ગળે બાંધેલા ઘૂઘરા અને તેમના ચાલવાથી ઉડતી ધૂળ અનેરુ સૌંદર્ય ઉભુ કરતી હતી.એમાંય વાદળ છાયું વાતાવરણ અને પક્ષીઓના કલરવને મોરના ટહુકાઓથી વાતાવરણ વધુ રોમાંચિત થઈ રહ્યું હતું.
સત્ય હાથમાં મોટી ડાંગ જેવી લાકડી ઉલાળતો આવતો હતો. અને આ બાજુ ઝમકુ ઢોર પાછળ એક ગાયના વાછડાને રમાડતી આવતી હતી. બન્ને ના ઢોર એક જ નેળીયામાં ભેગા થયા અને વધૂ ધૂળ ઉડવા લાગી..... સત્ય અને ઝમકુ ચાલતા ચાલતા એક બીજાની સામે મળ્યા પણ ધૂળ વધૂ હતી એટલે ચહેરા સ્પષ્ટ દેખાયા નહીં ...થોડી વારમાં ઢોર નેળીયામાંથી બાર નીકળ્યા અને ધૂળ ઓછી થઈ.... સત્યએ ઝમકુને ઓળખી.... ઝમકુએ પણ સત્ય સામે જોયું...
“ તમે ઓય ચોથી ?? “સત્યએ આશ્ચર્યથી પૂછ્યું.
“ ડોબોમ આઈ તી...” ઝમકુએ જવાબ આપ્યો.
“ તમે ચ્યમ ? લખમી નથ આઈ ? “
“ આઈ સે ને આગળ સે “
“ લાભુએ આયો જ સે !! “સત્યએ આગળ નજર કરતા મનોમન બબડ્યો.
લાભુને લક્ષ્મી બન્ને ઘટાદાર આંબાના થડ પાછળ સંતાઈ ગયા ને બન્નેની વાતો સાંભળવા લાગ્યા.
ઢોર ચરવામાં લાગ્યા ને ઝમકુ ને સત્ય ઉભા હતા બન્ને વચ્ચે ખાસ વાતચીત થતી ન હતી.... થોડાક સમય પછી ઝમકુ કંટાળી અને જે આંબા પાછળ લાભુને લક્ષ્મી સંતાયા હતા . તે આંબા નીચે જઈ બેઠી ...
“ ડોબા તો ચરસે ..થાક નઈ લાગતો બળ્યો,.... ઓય બેહો..... “ ઝમકુએ સત્યની સામે જોઈ કહ્યું.
“ બફારોએ સે તઈ વરહાદ આયો જ હમજો... “ સત્ય એ તેની જોડે બેસતા કહ્યું.
“ આ લખમી બળી દેખાતી નથ !!! ચો.... મરી ? “ ઝમકુ એ આગળ નજર કરતા કહ્યું.
“ ઓય ચોક જ હસે આવશે અમણ... ચ્યત્યાં નઈ “
“ મું એ વળી ઈની વાતોમ આઈ જઈ ... તે ઈની જોડ આઈ ...નઈ તો આજ હોની ન તો જઈ આવત... “
“ ચ્યમ હોની ( સોની ) ??? તો બાપા વધુ કમોણા લાગસ.....???” સત્યએ હસતા હસતા કહ્યું.
“ એવુ નહીં તમારા ગોમ જ હગ્ગુ કર્યુસ મારૂ.... મારી હાહુએ શિયાળામ લગન નક્કી કર્યાસે તઈ ઉતાવડ તો હોઈને.... હોનીન તો જઈએ પણ દાગીના કરતા મૂઓ ચેટલાએ ધક્કા કરાવશે...... ખેતરના કોમ માં ટેમ ના મલ પસી... એટલ... “
“ ઓવ.... ઈ હાચુ પણ... કના ઘર...મ... કર્યું ..નોમ ક્યો તો ઓળખીએ... “
“ હજી પંદર દી’ થ્યા હગુ કરે .... એક દિયર સે હાહરો નહીં... અન હાહુ સે ને મારા ઘરના( પતિ).... નોમ તો મન ખાલી હાહુનું જ ખબર... પણ બધા કેસે કે મારા ઘરના ( પતિ) બઉ જ હારાસે ... ...”
સત્ય થોડુ ગડમથલ કરતા થોટડુ સમજ્યો પણ વાત આખી જાણવા નામ પૂછ્યું .
“ તમારા ઘેરનાનું નોમ.... અન હાહુ નું નોમ ક્યો તો ઓળખું !! “
“ ઈમન જોયાય નહીંક નોમય નઈ આવડતું મારા હાહુનું નોમ કાળીબા સે....એટલું જોણું...”
સત્ય ખરેખર ચમક્યો.... પણ થોડી ધીરજ રાખી કંઈ જાણતો જ ના હોય એમ... ઝમકુની પરીક્ષા કરવા લાગ્યો..... એને તો ઝમકુ ગમી હતી પણ પારખુ કરી એ અંદરની સુંદરતા જોવા માગતો હતો... એટલે તેણે આગળ વાત વધારી...
“ તમાર ઘેરથી તો હારો જ સે પણ ઈની મા વઢકણીસે.... ઈમને હું હારી રીતે ઓળખું.... “
સત્ય ને ઝમકુ ની વાતચીત ચાલતી હતી ને આ બાજુ લાભુને લક્ષ્મી બન્ને ની વાત વધુ આગળ ના સંભળાય એમ વિચારી બન્ને બીજી તરફ દૂર જઈ કોઈ જુએ નઈ એ રીતે બેઠા...
“ તે ભલેને રયા વઢકણા મારે તો મારા ધણી હારે રેવુંસે ઈમની હારે ભવ કાઢવોસે ... ઈ જેમ રાખે ઈમ રેવુંસે ... બીજા ભલેને ગમે ઈ કરે મારે હું “ ઝમકુ સત્યને સંભળાવતા બોલી..
“ મે તો હાભળ્યું સે કે ઈનો ભાઈ જૂની નો સે એટલે તમારા ઘરના એમની હારે ખેતરે રેવાના જ્યા હુદી કાળી ડોશી ન્યાય થી બન્નેનાં જુવારા ના કરે ત્યાં લગી ઈ એ કોઈ ઘરવખરી વગર... “
“ તે હારુને ભાયુંમાં પ્રેમ જોવે જ ને .... મિલકત તો આજ સે કાલ નઈ .... અન મારો ધણી મન ખેતરે રાખશે ઈએ ઘરવખરી વગર તોય હું રયે..... “
“ હજી જોયો નહીં તોય આટલા હેત ..... કેવુ પડે તમારુ “
“ બાયુ નાની હોય ત્યાંર થી વરત કરે હારો ધણી મળે ઈના હાટુ ..... મારા ધણી ન તો આખુ ગોમ વખોણ તો ઈમના ઉપર હેત તો આવે જને બાયુનો અવતાર જ ધણીની સેવા હાટુસે.... જે આખા ગામની સેવા કરે પોતાના ઓરમાન ભાઈને હાચવે હું ઈને ના હાચવું તો મારો સતરી ઘરમ લાજે “
“ ઝમકુડી મારુ મન તારા પર આયુસે .... તને જોઈ એ દન થી.. લગન ના થાય તો લગી .. હમજ.......પસીતો તું ગોમ મ જ આવવાની....!!!. “ સત્ય એ ઝમકુનું છેલ્લું પારખુ કરતા કહ્યું.
“ તો તો આ કટારસે તારી ઈ તારા લોઈ થી રન્ગુ... નરાધમ... અઈથી જા નઈ તો ના કરવાનું હું કરી બેહે...” ઝમકુ બોલતાજ ઉભી થઈ ગઈ..એ ગુસ્સામાં હતી અને આખુ શરીરમાં ધ્રુજારી થતી તી.....
કસી પરવાહ કર્યા વગર એ નેળીયા બાજુ ચાલવા લાગી. સત્ય એની પાછળ પાછળ ચાલ્યો....બન્ને નેળીયામાં ચાલતા હતા. ઝમકુ ને ડુમો ભરાઈ ગયો હતો. તેની ચાલવાની ઝડપ વધતી હતી .તે સત્ય ને સતત પાછળ આવતો જોઈ અટકી અને તેની પાસે જઈ તેના કમ્મરે ખોસેલી કટાર લઈ તેના ગળા પર મૂકી....
“ હમજાતું નહીં તન નઈ ...... હું મારા ઘણી ની જ થયે હમજ્યો તારા જેવા થી મારો કોઠો ( શરીર ) નઈ અભળાઉ...... પાસો વળ નઈ તો કટાર હગી નઈ થાય તારી..... “ ઝમકુનો અવાજ તરડાતો હતો સ્ત્રી સહજ થોડા ભય થી ધ્રુજતી હતી અને ડૂમો ભરાવાથી આંખોમાં પાણી આવી ગયા હતા.
સત્ય એની પર વારી ગયો ... એની આંખોમાં આંખ મીલાવી હળવાશ થી બોલ્યો...
“ લગન પેલા જ વિધવા થાવુસે તારે મન મારી.... “
ઝમકું ચમકી એના હાથ માંથી કટાર છૂટી ગઈ ... કંઈ જ સમજાતું નતું..... એનું ગળુ સુકાવા લાગ્યું ને આંખે અંધારા આવવા લાગ્યા અને એને ચક્કર આવા થી એ ઢળી પડી..... સત્ય એ એને સંભાળી લીધી ....... પોતે કરેલી પરીક્ષા ઝમકુ પર આ રીતે અસર કરસે એ સહન ન કરી શક્યો પોતાની જાતને મનો મન કોસવા લાગ્યો..... એ. ઝમકુને આંબાનીચે લઈ ગયો ને પાણી લાવી તેના પર છાટ્યું...... થોડીવારમાં ત્યાં લાભુને લક્ષ્મી પણ આવ્યા...... કંઈક થયું હોય એવું બન્ને ને લાગ્યું પણ એ બધી વાત પડતી મૂકી ઝમકુને ભાનમાં લાવવા લક્ષ્મી પ્રયત્નો કરવા લાગી.... ઝમકુના ગાલ પર થોડીવાર હાથ થપથપાયો પોતાના હાથ લઈ તેના હાથમાં ગસ્યા ...... ફરી થોડુ પાણી લઈ છાટ્યું..... અને થોડી વારમાં ઝમકુ ભાનમાં આવી તેણે બધાને જોયા ને છેલ્લે સત્ય પર નજર કરી ઉભી થઈ..... થોડીક ક્ષણો એમજ વહી ગઈ .... પછી સ્વસ્થ થતા તે બોલી.......
“ લખમી હું ગેર જાવ છું ...... તારે આવું હોય તો હાલ.....મારે આય એક ઘડીએ નઈ રોકાવું ..! “ તે ઉભી થઈ બોલી....
“ પણ હોભળ તો ખરી .....” લક્ષ્મી તેને રોકતા બોલી.
સત્ય પરીક્ષા કરવાના વિચારને મનોમન કોસવા લાગ્યો પણ હિંમત કરી એ બોલ્યો....
“ ઝમકુ મારે એકલામાં તારી હારે વાત કરવીસે ...... એક વાર.....!!!!”
વાતાવરણ શાંત થયું .કોઈ બોલ્યું નહીં.......થોડીવાર પછી ઝમકુએ મૌન તોડ્યું.
“ ઠીકસે.....!!”
આટલું સાંભળી લાભુને લક્ષ્મી ઢોર લઈ નેળીયા તરફ ગયા અને.....બન્ને ને એકાંત આપ્યો..
સત્ય અને ઝમકુ હજી ઉભા જ હતા.... બન્ને માથી કોઈ બોલતુ ન હતું સત્ય એ કરેલી ભૂલના લીધે તે માફી માગવા મનોમન શબ્દો ગોઠવતો હતો અને ઝમકુ મૌન ધારણ કરી ઉભી હતી.........
“ તમે કાંઈ બોલસો કે જાઉં....” ઝમકુ જતા બોલી..
સત્ય એ એનો હાથ પકડી એને રોકી..... ને રોકવાની ઈચ્છાથી ભૂલથી પકડાયેલો હાથ છોડી તેની સામે તે જોઈ રહ્યો ને પછી થોડી સ્વસ્થતા કેળવી તે બોલ્યો..
“ માફ કર મન હું દુ: ખી કરવા ન તો માગતો તન પણ ખબર નઈ હું હૂજ્યું તે તારા પારખા કરી બેઠો....... તું કેતો હાથ જોડી માફી માગવા તૈયાર શું તું કે ઈમ બસ પણ તું મન માફ કર.....”
“ હું મારા ભોળા પણામ બધુ તન કઈ વળી ... હું કરુ બળ્યો સવભાવ પડી જ્યોસ બધા પર વિસવા કરવાનો.......”
“ આટલી વાર માફ કર તું માગે ઈ આપે તું માગ ....! “
“વખત આયે માગે.... !!”
“ તે માફ કર્યો મન..... ?”
ઝમકુ કંઈ બોલી નહીં અને સત્ય સામે જોઈ રહી . સત્યની આંખોમાં કેટલાય ભાવ દેખાતા હતા એમાં લાગણીનો ભાવ પણ સ્વષ્ટ દેખાતો હતો.ઝમકુ કંઈ બોલ્યા વગર ચાલવા લાગી......
“ ઝમકુ.... આજ હોજે.... કાઠીની વાવે તારી રાહ જોયે... .. આયે તો હમજે તી મન માફ કર્યો..... . તું નઈ આવ તો આખી રાત રાહ જોયે.......” આટલું કહી સત્ય ઝમકુને દેખાય ત્યાં સુધી પાછળ વળી વળી જોતો જોતો પોતાના ગામ તરફ ચાલ્યો.
ઝમકુના મનમાં ઘણાય લાગણીના પ્રવાહ ચાલતા હતા. એ સત્યને તો ક્યારનો માફ કરી ચૂકી હતી પણ પોતાના સ્વાભિમાની સ્વભાવના લીધે તે જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગઈ જેથી પોતાના થનાર પતિ આગળ પોતાનું માન રહે. પણ ઘર સુધી પહોંચતા પહોંચતા તેના મનમાં સ્વપ્નાનાં મહેલ એક પછી એક ચણાતા હતા. સત્ય એ તેને રોકવા તેના હાથે કરેલો સ્પર્શ તે વારંવાર વાગોળતી હતી. અને એ સ્પર્શ યાદ કરતા તેનું હ્રદય જાણે એક ધબકારો ચૂકી જતું હતું. વિચારોને વિચારોમાં ઘર ક્યાંરે આવ્યું એ જ તેને ખબર ના પડી ..અને સાંજ થવાની આતુરતાથી રાહ જોવા લાગી. અને ઘરના કામોમાં મન ન લાગતું હોવા છતાં તે કામમાં પરોવાઈ...
આ બાજુ સત્યનું મન તો વાવાઝોડા જેવું બની ગયું હતું. આવી લાગણીઓ પણ તેને અનુભવાશે તેવુ તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું . વારંવાર ઝમકુનો મીઠો સપર્શ અનુભવવો એવા વિચારો તેને આવતા હતા. પોતે કરેલી ભૂલ એ સુધારશે અને ઝમકુ પ્રત્યેની પતિ તરીકેની પોતાની દરેક ફરજ નીભાવશે તેવું મનોમન ઝમકુને એણે વચન આપ્યુંને કંઈક કેટલાય સ્વપ્નાઓ સાથે તે સાંજ થવાની રાહ જોવા લાગ્યો... પણ આજે સમય ચાલતો જ ન હતો એવું તેને લાગવા માંડ્યું....... સીધો ખેતરમાંના જતા એ ગામમાં ગયો અને ગામની બજારમાંથી એક મરૂન રંગની બાંધણીની ટીકા ભરતવાડી એક ઓઢણી લીધી.... પછી મણીયારાને ત્યાં ગયો......પણ અનુભવ ન હોવાથી... તેણે પોતાને ગમતા બે ચૂડાની જોડ લીધી. ઝમકુને ગમશે કે નઈ..? એ આવશે મળવા ...? મનોમન બબડતો પછી બોલતો..... જરૂર આવશે.... કહી મન મનાવતો.......
સાંજ થવા આવી હતી. સત્ય તો સમય પહેલા જ વાવ માં જઈને પગથીએ બેઠો હતો ને પાણીમાં ઉઠતા વમળો જોઈ રહ્યો હતો. અને ઝમકુની રાહ જોતો હતો...