Na kahevayeli vaat - 4 in Gujarati Love Stories by Tarulata Mehta books and stories PDF | ન કહેવાયેલી વાત - 4

Featured Books
Categories
Share

ન કહેવાયેલી વાત - 4

ન કહેવાયેલી વાત

ભાગ - 4

તરૂલતા મહેતા

(આ એક એવી પ્રેમકહાની છે, જે બે ધારી તલવારની જેમ બે પેઢીને, બે (ભૂત અને વર્તમાન) કાળને, બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં 'પર્ફેફ્ટ પત્ની અને મોમ ' નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે.

'ન કહેવાયેલી વાત ' નવલિકાની શરૂઆત' દર્દ ન જાને કોઈ ' ભા.1થી થઈ છે. ડાયરીના પાનામાં મારી (નેહાની) કિશોરાવસ્થાનો કરુણ પ્રેમપ્રસંગ સૂકાયેલા લોહીના ડાધના સ્વરૂપે હતો પણ મારા હદયના પેટાળમાં ભારેલા અગ્નિરૂપે હતો. જે મારા સોળવર્ષના દીકરાના જીવનમાં પુનરાવર્તન પામતા જાણે આગ બની અમારા કુટુંબને દઝાડી રહ્યો હતો. મારા પ્રથમ પ્રેમના કરુણ રકાસથી મારું મન જીવનભર દુભાયેલું રહ્યું હવે. 'હું મારા દીકરાની પડખે રહીશ, કોણે કર્યું ? કેમ કર્યું? તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ.'

' ન કહેવાયેલી વાત ભા.2 માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે, ક્રોધ ઊપજાવે, અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી. હું મારું સુખી કુટુંબજીવન ખેદાનમેદાન થઈ જવાની દહેશતથી પારાવાર વ્યગ્રતામાં ધરજું છુ. 'ન કહેવાયેલી વાત 'ભા.3માં નીલ પત્ર વાંચી ધરતીકંપથી કડડભૂસ તૂટી પડતા ઘર જેવો વેરવિખેર થઈ ગયો.હવે વાંચો નીલ શું કરશે? નિનાદનું શું થયું?)

***

પત્નીનો પત્ર વાંચતા તેને રૂમ ગોળ ફરતો લાગ્યો, કાર્પેટ ઊડીને બારી બહાર ફેંકાઈ. એનેય તાણીને હવામાં લટકાવી દીધો! ઘર બાર કુટુંબ વિનાનો તે એક બ્લેક હોલમાં તણાતો હતો .

તેના હાથ-પગમાંથી શક્તિ ચૂસાઈ ગઈ. બેડમાં ફસડાઈ પડ્યો. વળી પાછો ઊભો થઈ ગયો . કોઈ રીતે તેને ચેન પડતું નથી. ચેન ક્યાંથી પડે? સળગતા ઘરમાં હોવાનો ચચરાટ તેને બાળતો હતો.

પોતાના પ્રથમ પ્રેમની યાદમાં જીવતી પત્નીનો પત્ર નીલે સૌ પ્રથમ ગુસ્સાથી એની મજબૂત હથેળીમાં મસળી નાંખ્યો જે હથેળી ગઈ કાલે રાત્રે પત્નીના સ્પર્શને ઝન્ખતી હતી. 'વીસ વર્ષ મારું પડખું સેવ્યું ને હું મારી પરફેક્ટ પત્નીના સુંવાળા કાળા વાળમાં આગળીઓ રમાડતો નિરાંતે પોઢી રહ્યો !!' સ્યુસાઇડ બૉમ્બની જેમ બીજાને મારી પોતાનો આત્મઘાત કરતો એ પત્ર ..એ તિરસ્કારથી પત્રને જોતો રહ્યો. નેહા, તું દગાખોર પણ કેવી? તારો બહારનો ચહેરો પ્રેમાળ પત્નીનો અને મનના ભૂગર્ભમાં બીજા પુરુષ માટેની આરઝૂ ? એક પતિ પત્નીના બીજા પુરુષ માટેના પ્રેમને સાંખી શકે? કૉઈપણ પતિની આથી વધારે બીજી કઈ માનહાની ? શરીર ભલે પ્રેમીથી દૂર રહ્યું પણ મન તો એને ચોટેલું રહ્યું જ ને? કહે છે 'મન ચંગા તો ક્થરોટમેં ગંગા' બાકી ખોળિયાને ગંગામાં નવડાવો પણ મન મેલું તો વ્યર્થ ....બધું કર્યું કારવ્યું ..ફોકટ ..નેહા તેં આ છેતરામણી મારી સાથે કરી મારા વિશ્વાસના પિડને આપણાં લગ્નની વેદી પર હોમી દીધો. એક, બે પાંચ નહિ ને વીસ વર્ષો સુધી તું સારી પત્નીનો રોલ ભજવતી રહી? જીવનના સ્ટેજ પર દરેક પાત્ર દિલ દઈને ભૂમિકા ભજવે ...અરર .... તું એક બેજાન પત્નીનું નાટક ભજવતી હતી ..બેટરીથી ચાલતી રૂપાળી ડોલ ? પણ હું તો સાચા હદયથી મારી પત્નીને પ્રેમ કરતો હતો. હું છેતરાયો, મહામૂર્ખ પતિ બન્યો ! આઈ હેટ માયસેલ્ફ .. શિકાગોના મિશિગન તળાવમાં ડૂબી મરું કે તને ધડામ દઇ ઉડાડી મુકું? ? રૂમમાં સંતાઈ રહેલો ઝેરીલો સાપ કાગળના પાંજરામાંથી તેના મોં પર ફૂંફાડા મારતો હોય તેમ તેણે કાગળને આઘો ફેંકી દીધો .

તેનો ગુસ્સો આસમાને પહોંચ્યો, તેના ક્રોધિત અવાજે ઘરની દિવાલો ધ્રૂજી ઊઠી:

'યુ નેહા, ચીટર, હીપોક્રેટ, આઈ કાન્ટ બેર ધીસ '

'નેહા, નેહા ક્યાં સંતાઈ ગઈ છું ? મારી સામે ઊભા રહેવાની તારી હિંમત નથી ?' નીલ તેનું શરીર ભડકે બળતું હોય તેવી તીણી ચીસો પાડતો દોડતો દાદરા પાસે આવી ધબાક દઈ પડ્યો.

નીલનું શરીર લાકડાનો ટૂકડો હોય તેમ અચેતન જેવું પડ્યું રહ્યું .

નિનાદ શાંત ઘરમાં એકાએક થયેલા ધબાકાથી પોતાના રુમમાથી દોડ્યો, ઘરમાં બધે ફરી વળ્યો. ઊંહકારાનો અવાજ સાંભળ્યો .

'ડેડી આર યુ ઓ કે ?'

એ બબ્બે પગથિયા ઠેકતો ઉપર ગયો. નીલની આંખો ખૂલ્લી હતી પણ પોતાના વ્હાલા દીકરાને ઓળખતો ન હોય તેમ તાકી રહ્યો !

નિનાદે 'મમ્મી...મોમ ' બૂમો પાડી .

ઘર કોઈ અંધારી ગુફા હોય તેમ અવાજ, ઓળખાણ બધું તેમાં ઓગળતું હતું !

કાલ રાતની કળમાંથી નિનાદ માંડ સવારે સવારે ' નિનાદ બેટા, હું નીનાને સ્કૂલે મૂકી આવું ત્યાં સુધી તું ફ્રેશ થઈ જા " ના મમ્મીના અવાજથી જાગ્યો હતો .

એને બરડા પર કળતર થતું હતું એટલે

બારી તરફ પડખું ફરી સૂતેલો .એની બેકને ટેકો આપી ઓશિકા પર બરફની બેગ મમ્મીએ મૂકેલી. હવે દર્દ ઓછું હતું, તે બાથરૂમમાં ગયેલો ત્યાં અવાજ સાંભળી ટુવાલ વીંટી દોડેલો .

'મોમ, મમ્મી કમ સુન ...નિનાદે ફોન પર મેસેજ મૂક્યો .દોડતો પાણીની બોટલ લાવ્યો, તે પાપાની કાળા વાળથી છવાયેલી છાતી પર હાથ ફેરવતો પાસે બેસી ગયો.

***

આજે નીનાને ખબર પડી ગઈ હતી કે બહારથી સાજીસમી દેખાતી મોમને કાંઈ થયું છે એટલે જ સ્કૂલે જવાનો સમય થયો હતો પણ તે બેડરૂમની બહાર આવી નહોતી. ભઈલાને વાગ્યું હતું તેની ચિંતા કરતી હશે! ડેડી રાત્રે આવ્યા હતા. તેઓ નિનાદને કોણે માર્યું ? કેમ માર્યું બઘી તપાસ કરશે. 'હાશ ' પાપા ઘેર છે. હવે બધું સારું થઈ જશે. કારમાં હું અને નીના સ્કૂલના પ્રાગણમાં આવ્યાં ત્યાં સુધી ચૂપ હતાં. રોજ તો કારમાં પાછળની સીટમાં બેઠેલાં બન્ને ભાઈ -બહેન વચ્ચે જીભાજોડી ચાલતી હોય તેમાં નીના 'મમ્મી જો ને નિનાદ

મને 'બાર્બી ' કહીને ખીજવે છે."

'બાર્બી બાર્બી, મમ્મી ટીચરે ના પાડી છે તો ય નિનુડીએ એની ઢીંગલી બેગમાં સંતાડી છે.'

નીનુ 'બાય ' કહીને સ્કૂલમાં ગઈ ત્યારે તેણે તેણે તેની ડોલને કારની સીટ પર મૂકી દીધી.

નાનામોટા વિદ્યાર્થીઓથી ઊભરાતું, હિલ્લોળા લેતું સ્કૂલનું ચોગાન મને નિનાદ વગર સૂનું લાગ્યું ! રોજ તો દોડતો 'ક બધાંને 'હાય ' કહેતો એની ફ્રેન્ડ નાન્સીને શોધી કાઢતો .

હું હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે નાન્સીને તારવવા કારમાંથી જોતી હતી.

બીજી તરફથી અવાજ આવ્યો :

'વેર ઇઝ નિનાડ ?'

નાન્સીએ કાળા વાંકડિયા વાળને ચોટલીઓમાં ગૂંથી લીધા હતા.મને એનો સફેદ દાંતથી હસતો ચહેરો કરમાયેલો લાગ્યો, મારા મનનો વ્હેમ હશે!

'આજે સ્કૂલે મોડો આવશે ' મેં જવાબ આપ્યો.

'આઈ વીલ વેટ ફોર હિમ ' કહી નાન્સી દોડી ગઈ .

નાન્સીના 'વેટ ફોર હિમ ' શબ્દો ચારે તરફ પડઘાતા હતા. નિનાદ સ્કૂલમાં નાન્સીને જોઈ કાલ રાતની પીડા વીસરી તેમના પ્રેમની ગભરાહટ અનુભવશે એવું વિચારતા મેં કાર ચાલુ કરી.

સ્ટિયરિગ પર મૂકેલા મારા હાથની આંગળીઓમાં પ્રેમનો પ્રથમ સ્પર્શ, બે થરકતા હાથની ગરમ લોહીની દોડ હતી અને કંપતા હોઠની ભીનાશ મેં અનુભવી. વર્ષો વહી ગયા પણ પ્રતીક્ષાનો તંતુ ક્યારેય તૂટ્યો નથી એમ કહો કે સૌ સ્વજનો ઘરભેગા થયા હોય તોય કોઈકના અજંપાએ તેની નિદ્રાને વેરણ કરી દીધી હતી ! એકાએક મને બે પુરુષોના ક્રોધીલા, લાલ ડોળા મારી કારના આગળના કાચ પર તગતગતા દેખાયા. તેમની ફાટેલી આંખમાંથી ઝરતા તણખા સોંસરવા મારા સ્તનોંની સાંકડી ગલીમાંથી શરીરના અંગેઅંગને દઝાડતા હતા. હું ક્યાં સંતાઉ ? મેં જાતે જ મારી ચારેતરફ અગ્નિ પ્રગટાવ્યો હતો, હું અગ્નિપરીક્ષામાં નાકામયાબ થવાની ખાત્રી સાથે મારા સુખને હોમી રહી છું. કારણ કે બે પુરુષો વચ્ચેના મારા જીવનને હું ધિક્કારું છું !

ફોન પર મેસેજની સાઈન આવતા મારા વિચારોને અણધારી બ્રેક વાગી ''મોમ, મમ્મી, કમ સુન ' શું થયું હશે?'

તરૂલતા મહેતા

( વાચક મિત્રો મારી વાર્તાઓને વાંચી રીવ્યુસ આપવા બદલ આભાર માનું છું. 'ન કહેવાયેલી વાત ભા.5ની રાહ જોશો. નીલ શું નિર્ણય લેશે? નિનાદ અને નાન્સીનું શું થયું ? )