Gandi in Gujarati Women Focused by Alkesh Chavda Anurag books and stories PDF | ગાંડી - ગાંડી...

Featured Books
Categories
Share

ગાંડી - ગાંડી...

@@@  ગાંડી...    (વાર્તા)

"નાની વયમાં બિચારી, એ ગઈ રાંડી.
 કુદરતે વેરી વાર્તા, એની સાથે માંડી.
 ભીની થઇ જશે,આપની પણ પાંપણ,
 દિલથી જો વાંચશો,આપ કથા ગાંડી"
                       - અલ્કેશ ચાવડા 'અનુરાગ'

"મારો...મારો.... ગાંડી આવે છે..."

"રામ જાણે આ બલા આપણાં ગામમાં ક્યાંથી આવી..."

"ખરેખર...આ ગાંડી ને તો બાંધી ને ,કોઈ સાધનમાં ભરી, ઘોર જંગલમાં મૂકી દેવી જોઈએ... વળતી વરીને આવેતો નઈ...!!!"

"આપણા ગામના ભાયડા તો સાવ બાયલા છે... આટલા બધા મૂઆ માર્યા છે પણ બધા થઈ એક ગાંડી ને ગામમાંથી તગેડી શકતા નથી..."

"અલી... સાવ હાચી વાત સે તારી... આ ગાંડી તો કોઈના સોકરાને ઉપાડી જાશે તારેજ આ પુરુષજાત હમજસે..."

ગામના મંદિરના ઓટલે મળેલી પચાસેક સ્ત્રીઓ વચ્ચે આવી નિર્દયી પણ પોતાના સંતાનો માટે આવી ચિંતાગ્રસ્ત ચર્ચા ચાલી રહી હતી અને એજ મંદિરની સામેની શેરી માંથી પોતાની મસ્તી માં આમતેમ ભટકતી એ ગાંડી આવી રહી હતી...

એના માથાના અસ્તવ્યસ્ત અને ગૂંચ વળી ગયેલા ધોળા ફટ થઈ ગયેલા વાળ કોઈ ખાર લાગી ગયેલી જૂની દીવાલ પર કરેલા ચુનામાં પડી ગયેલા ધાબા જેવા લાગતા હતા. બન્ને ખભા પર વર્ષો જૂની નાકા તૂટી ગયેલી અને એને ગાંઠો વળેલી થેલીઓ લટકતી હતી. થેળીઓમાં કાંકરા, ચોકલેટના કાગળો, જુના પુરાણા રમકડાં આવું બધુ ભરેલું હતું. શરીર પર ધારણ કરેલા જુના વસ્ત્રો, એ વસ્ત્રો તો વસ્ત્રોની વ્યાખ્યામાંથી બહાર નિકળી ગાભા જેવા મેલઘેલા અને ગંધાતા હતા અને કેટલીય જગ્યાએ થી ફાટેલા. મોઢા પર સમયની ક્રૂર મજાકના કારણે ઉપસી આવેલી અસંખ્ય કરચલીઓ દુષ્કાળમાં જેમ કાળી માટીમાં ફાટ પડી જાયા એવી લાગતી હતી. અને દુનિયાની ભીડમાં કોઈને શોધી રહી હોય એવી અનિમેષ દ્રષ્ટિ અને ઊંડી ઉતરી ગયેલી આંખો. એ ગાંડીનું આવું વિકરાળ રૂપ નિહાળી સૌ કોઈ એની તરફ સહાનુભૂતિ ને બદલે હિંસાત્મક વૃત્તિ પરજ ઉતરી આવતા...

એ ગાંડી ક્યાં ગામની છે એ પણ ક્યાં કોઈને ખબર હતી, પોતાનું સરનામું ખુદ એ પણ ક્યાં જાણતી હતી...!!!  એ ગામે ગામ ફરતી પણ એની એક પ્રવૃત્તિ બધી જગ્યાએ એક સમાન હતી. એ જ્યારે કોઈ નાના બાળકને જુવે ત્યારે તરત એની નજીક જાય અને એને કાખમાં તેડી લેવા પ્રયત્ન કરે, પોતાની તૂટેલી થેલીમાંથી ચોકલેટના કાગળિયા કાઢે એ બાળકને આપવા જાય. ટૂંકમાં બાળકને વ્હાલ કરવાનો પ્રયત્ન કરે... એની ભીતર ઉમટતો લાગણીનો દરિયો દુનિયાની નજરમાં ક્યાં આવતો હતો...!!!  એની આ પ્રવૃત્તિ જોઈ સૌ કોઈ એમજ સમજતા કે આ ગાંડી છોકરાં ઉપાડી જાય છે, છોકરાં ઉપાડવા આવી છે... પણ આજ સુધી એ કોઈ છોકરું ઉપાડી ગઈ હોય એવું જાણવા તો મળતું ન હતું... 

અફવાને ક્યાં સમજ હોય છે... વ્યક્તિ વ્યક્તિ વચ્ચે આપ લે થતી થતી એ ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આ ગાડીની વાત પણ ગામે ગામ પ્રસરી ગઈ. એ જ્યાં જાય ત્યાં લોકો એને મારીને તગેડી મૂકે. ભુખી તરસી રખડતી રઝળતી એ પછી જાય બીજે ગામ. ત્યાં પણ આવુજ બને અને ત્યાંથી પણ જાય ત્રીજે ગામ. આમ ગામે ગામથી હડધૂત થઈ એ દિવસો પસાર કરતી. લોકો મારે તો પીડાના કારણે ક્યારેક પોક મૂકી રડી પડે તો ક્યારેક લોકોથી બચવા ત્યાંથી ભાગી છૂટે. લોકો એની પર પાછળથી પથ્થરો નો વરસાદ કરે... એના શરીર પર કેટલીય જગ્યાએ પથ્થર વાગવાથી થયેલા ઘા ના નિશાન માનવજાતની નિર્દયીવૃત્તિ ની વ્યાખ્યા સમાન સ્પષ્ટ જણાતા હતા...

આજે એ ગાંડીને મંદિરના ઓટલે એકઠી થાયેલી સ્ત્રીઓએ જોઈ અને નક્કી કર્યું કે આજે તો એને ગામમાંથી મારીને તગેડી મુકવી છે. પથ્થર, લાકડી કે સોટી હાથમાં જે આવ્યું એ લઈ આખું ટોળું ધસી ગયું એ ગાંડી તરફ. "મારો મારો..." ની બુમો સાથે એ ગાંડી પર દૂરથી પથ્થરો ઝીંકાવા લાગ્યા. ટોળાને પોતાની તરફ આવતું જોઈ ગાંડી ત્યાંથી ભાગી અને સિમ તરફ જતા કાચા માર્ગ પર દોડવા લાગી. એ દોડે જતી હતી એની પાછળ ગામલોકોનું આખું ટોળું હતું. અને દોડતા દોડતા એ સામેથી આવતા એક મહાત્મા ને જોરથી અથડાઈ અને નીચે પડી ગઈ. મહાત્માએ એ ગાંડી બાઈ ને ઉભી કરી. એ ગાંડીના ચહેરા સામે જોયું અને મહાત્મા કઈક યાદ કરવા લાગ્યા. થોડી ક્ષણોની માનસિક મથામણ બાદ મહાત્મા એ ગાંડીને ઓળખી ગયા. એનો બધો ભૂતકાળ જાણે એમની આંખો સામે તરવા લાગ્યો. 

સામેથી આવતા ટોળાથી એ ગાંડીને બચાવતા મહાત્મા બોલ્યા કે..."રોકાઈ જાઓ... આ બિચારીને ન મારો...આને હું ઓળખું છું..."  મહાત્માના આટલા શબ્દોએ હિંસક બનેલા ટોળાને રોકી લીધું અને એ મહાત્માએ એ ગાડીની કરુણ દાસ્તાન સૌને સાંભલાવવી શરૂ કરી...

મહાત્મા બોલ્યા..."આ બાઈ સુખપર ગામની રહેવાસી છે. વર્ષો પહેલા ભ્રમણ કરતા કરતા હું એ ગામમાં ગયેલો અને લગભગ દસેક દિવસ રોકાયેલો. આ બાઈના ઘેર હું રોજ ભિક્ષા લેવા જતો. એનો પતિ, ત્રણ વર્ષનો દીકરો અને આ બાઈ એમ નાનકડો  પરિવાર હતો આ દુખિયારીનો... એમનું એ સુખ કુદરતને કદાચ મંજુર ન હતું અને ભરયુવાની માં આ બાઈ વિધવા થઈ. ગામ લોકોના બીજા લગ્ન કરવાના આગ્રહને નકારી કાઢી આ કહેતી..."હું બીજા લગ્ન નઇ કરું... મારા દીકરાને ભણાવી ગણાવી ખૂબ મોટો અફસર બનાવીશ... હવે મારો દીકરોજ મારું સર્વસ્વ છે..."  આને એના દીકરા પ્રત્યે અનહદ વ્હાલ હતું. પોતાના વૈધવ્ય ના દુઃખને અંતરમાજ ધરબી આ બાઈ દીકરાના લાલન પાલનમાં પરોવાઈ ગઈ...

છ એક મહિના વીત્યા હશે ત્યાં ફરી મારે એજ ગામમાં જવાનું થયું અને સાંભળ્યું કે આનો દીકરો પણ સ્વર્ગે સિધાવી ગયો છે... પતિના મોતના દુઃખને તો આ બેન પચાવી ગઈ પણ વહાલસોયા દીકરાના મોતે આને સાવ તોડી નાખી. આને એટલો મોટો આઘાત લાગ્યો કે રોવામાં ને રોવામાં એનું માનસિક સંતુલન ખોઈ બેસી અને પ્રવેશી ગઈ ગાંડા ની દુનિયામાં... કુટુંબમાં તો હતું નઈ એટલે એટલે ગાંડી બની થઈ ગઈ આમ રસ્તે રઝળતી, આમ તેમ ભટકતી...

એના મન પર એના દીકરાની યાદ એટલી હદે હાવી થઈ ગઈ કે દરેક નાના બાળકમાં આને એનો મરનાર દીકરો જ દેખાય છે. બિચારી દુઃખીયારી કોઈના પણ નાના બાળકને પોતાનોજ દીકરો સમજી એને વ્હાલ કરવા જાય છે. અને જેમ તમે સૌ આને છોકરાં ઉપાડી જનાર સમજ્યા એમ ગામે ગામ સૌ તમારા જેવુંજ સમજી બેઠા છે અને આને મારીને તગેડી મૂકે છે...  આજ દિન સુધી આને કોઈને નુકશાન પહોંચાડ્યું હોય એવું તમે સાંભળ્યું છે ખરું...???

મહાત્માના મુખેથી એ ગાંડીનો દુઃખદાયી ભૂતકાળ સાંભળી એને મારવા ધસી આવેલા ટોળાના હાથમાંથી બધા હથિયાર ટપોટપ નીચે પડી ગયા અને સૌની આંખો કરુણાથી એ બાઈ સામે જોઈ ભીંજાઈ ગઈ...

ગામ લોકો એ ગાંડીને ગામમાં લઈ ગયા. એને નવડાવી ધોવડાવી સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એ દુખિયારી ને ગામમાંજ રાખી લેવાનું સૌએ નક્કી કર્યું. એના ભરણ પોષણ ની જવાબદારી આખા ગામે ઉપાડી લીધી. એને મંદિરની એક ઓરડીમાં આશ્રય આપવામાં આવ્યો. ગામની સ્ત્રીઓ પોતાના બાળકોને લઈને એ ગાંડી બાઈ જોડે રમાડવા આવવા લાગ્યા. એ ગાંડી પણ મનભરીને ખૂબ વ્હાલથી નાના છોકરાઓને રમાડે છે...

એ ગાંડીને તો જાણે એનો મૃત દીકરો પાછો મળી ગયો હોય એવુંજ લાગતું એના મનને શાતા મળતા હવે ભટકવાનું પણ બંધ થઈ ગયું. મંદિરની અંદર બિરાજેલ સ્વયં ભગવાન જાણે લોકોના સ્નેહના રૂપમાં આવી એ સ્વયં બાળક બની એ ગાંડીના ખોળામાં રમવા લાગ્યો હોય એવું દ્રશ્ય રોજ ખડું થઈ જાય છે...

લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ'  (શંખેશ્વર)