Murderer's Murder - 12 in Gujarati Crime Stories by Hardik Kaneriya books and stories PDF | મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 12

Featured Books
Categories
Share

મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 12

મહેન્દ્રભાઈ પર શંકાની સોય તાકતી નેહાને ઝાલાએ નવો પ્રશ્ન પૂછ્યો, “શું વરુણ આરવીનો બોયફ્રેન્ડ હતો ?”

“હા. પણ, થોડા જ સમયમાં તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું.”

“કેમ ?”

“પતિ કે બોયફ્રેન્ડ, સ્ત્રી સાથે માલિકીભાવે વર્તવા લાગે ત્યારે સ્ત્રીને ગૂંગળામણ થવા લાગે છે. વરુણ આરવી પ્રત્યે ખૂબ પઝેસિવ હતો, આરવી તેનાથી કંટાળવા લાગી હતી.”

‘અપરિપક્વ પ્રેમ એ દરિયાકિનારે ચણાયેલા રેતીના મહેલ જેવો હોય છે.’ ઝાલા મનોમન બબડ્યા અને પૂછ્યું, “શું આરવી નશીલા પદાર્થોનું સેવન કરતી હતી ?”

“પહેલા ન્હોતી કરતી પણ... દારૂડિયા સાથે બેસનાર દારૂ ન પીવે તો ય સોડા અને બાઇટિંગ્સ તો લેવા જ માંડે.”

“મતલબ, વરુણ ?”

“હા. વરુણ પહેલાથી જ આ બધી વસ્તુઓનો આદી છે. આરવી તેની સંગતમાં રહીને બગડી હતી.”

‘તો પછી ગઈ રાત્રે આરવીએ જાતે જ નશાકારક પદાર્થનું ઇન્જેક્શન લીધું હશે.’ ઝાલાને વિચાર આવ્યો.

“વરુણ આટલો બધો પઝેસિવ હતો તો તેમનું બ્રેક-અપ સુખરૂપ નહીં રહ્યું હોય.” ડાભીએ વિગતવાર જાણવા પૂછ્યું.

“એ તો થવાનું જ હતું. જેમ જેમ આરવી વરુણને ટાળતી ગયેલી તેમ તેમ તે ક્રોધે ભરાતો ગયો હતો. પછી, જયારે આરવીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તે આ સંબંધનો અંત ઇચ્છે છે ત્યારે વરુણ અસલી રૂપમાં આવી ગયો હતો. તેણે, આરવી સિગારેટ, દારૂ અને ઇન્જેક્ટેબલ ડ્રગ્સ લે છે તે વાત ફેલાવી દેવાની અને પછી ય કોઈ છોકરો તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય તો તેને અને આરવીને ખતમ કરી દેવાની ધમકી આપી હતી. જોકે, આરવીએ તેને ગંભીરતાથી લીધી ન્હોતી. તે કહેતી હતી કે હવાઈ ગયેલું દારૂખાનું ઝડપથી ફૂટતું નથી. તેણે વરુણ સાથેના બધા જ સંપર્કો કાપી નાખ્યા હતા. પછી આરવીના રાજકોટ ચાલ્યા ગયા બાદ, વરુણના માતા-પિતાએ વરુણ માટે આરવીનું માંગું નાખ્યું ત્યારે ય, આરવીએ સ્પષ્ટ ના કહી દીધી હતી.”

“એ બાબતે અભિલાષાનો શું અભિપ્રાય હતો ?”

“દીદી વરુણને સારી રીતે ઓળખે છે. કોઈ પોતાની બહેનને આવા નકામા માણસ સાથે શા માટે પરણાવે ?”

“શું આરવી અને વરુણના સંબંધની જાણ અભિલાષાને હતી ?”

ઝાલાના પ્રશ્નનો જવાબ મળે એ પહેલા જ ડાભીનો ફોન વાગ્યો, તેઓ બહાર ચાલ્યા ગયા અને નેહાએ કહ્યું, “હા, દીદીને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે આરવીને વારવા પ્રયત્ન કર્યો હતો. તેમણે આરવીને કહ્યું હતું કે ‘છોકરો દેખાવડો અને હોટ હોય એ ઠીક છે, પણ બેડરૂમની બહાર પણ દુનિયા હોય છે. બેકાર માણસ કામચોર ન ય હોય, પણ કામચોર માણસ બેકાર જ રહેતો હોય છે. વરુણ જેવા રેઢિયાળ માણસ સાથે લગ્ન કરનાર યુવતીનું જીવન બરબાદ થઈ જશે.’ જોકે, આરવીને તેમની વાત ગમી ન્હોતી અને તેણે વરુણ સાથેનો સંબંધ ચાલુ રાખ્યો હતો.”

“વિશેષ સાથે આરવીના સંબંધ કેવા હતા ?”

“વિશેષ આરવીને એકતરફી પ્રેમ કરતો હતો, પણ આરવી તેને મિત્ર તરીકે જોતી.”

“શું વિશેષ આરવીની હત્યા કરી શકે ?”

“બિલકુલ નહીં. વિશેષ આરવીને અતિશય ચાહતો હતો, આરવીને નાનકડો સરકો પડે તોય તે હલી જતો. આવો માણસ આરવીની હત્યા કેવી રીતે કરી શકે ? મેં તો આરવીને કહેલું પણ ખરું કે ‘વરુણ કરતા વિશેષ લાખ દરજ્જે સારો છે !’”

“મિસ નેહા, અતિશય ચાહત એટલે અતિશય ઝનૂન... અને ઝનૂની માણસ કંઈ પણ કરી શકે ! તમે કદાચ જાણતા નથી પણ, એકતરફી પ્રેમ અને બ્રેક-અપના કિસ્સામાં આત્મહત્યા કરતા હત્યાઓ વધુ થાય છે.”

બે પળ ચૂપ રહી નેહા કંઈક કહેવા ગઈ, પણ ત્યાં જ ડાભી ધસી આવ્યા. તેમણે ઝડપથી કહ્યું, “સર, વિશેષના ખબર મળ્યા છે. ફોનનું છેલ્લું લોકેશન કેલનપુર હાઇવેની ભાગ્યોદય હોટેલનું બતાવે છે. આપણે ફોન કરેલો ત્યારે તે ત્યાં જ હતો. ત્યાર પછીથી ફોન સ્વિચ ઑફ થઈ ગયો છે. મહાશય મમ્મી પાસે જૂઠું બોલ્યા છે, પોતે આબુ નથી ગયા, પણ અહીં વડોદરામાં જ છુપાઈને બેઠા છે.”

“તે હજુ ત્યાં જ હશે, છાપો મારવાની તૈયારી કરો. પોલીસ ટુકડીને રવાના કરો, આપણી જીપ પણ ત્યાં જ લઈ લો. ફોનનું ટ્રેકિંગ કન્ટિન્યૂ કરાવજો જેથી ફોન સ્વિચ ઑન થાય તો અપડેટ મળી શકે.”

“યસ સર.”

“તમે વિશેષના ઘરેથી તેનો ફોટો તો લાવ્યા જ હશો, રવાના થનારી બીજી ટુકડીને તે વ્હોટ્સએપ કરી દો. મિસ નેહા, અમારી પૂછપરછ અધૂરી રહી છે. આપને ફરી પરેશાન કરીશું.”

નેહા કંઈક કહેવા ઇચ્છતી હતી, પરંતુ વિશેષને પકડવા અધીરા બનેલા અધિકારીઓએ નેહાને બોલવાનો મોકો આપ્યા વિના જ ચાલતી પકડી.

જાણે પોતે ફોર્મ્યુલા વન રેસિંગનો સ્પર્ધક હોય અને જીપ નહીં પણ ફરારી ચલાવતો હોય તેવી રીતે હેમંતે લીવર દબાવ્યું. જીપ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી, ફતેહગંજ અને કારેલીબાગ પસાર કરી ઍરપૉર્ટ સર્કલથી ઇન્દ્રપુરી રોડ પહોંચી. ઝાલા વિચાર કરી રહ્યા હતા, ‘મહેન્દ્રને જેલમાં જવું પડે એવા કોઈ પુરાવા આરવી પાસે હોય તો મહેન્દ્ર પાસે આરવીની હત્યા કરવાનું મજબૂત કારણ છે. બીજી બાજુ વરુણ જેવા રેઢિયાળ માણસે પોતાને છોડી દેનાર એક્સ ગર્લફ્રેન્ડનું મર્ડર કરી નાખ્યું હોય એવા કેટલાંય કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે.’ ઇન્દ્રપુરી રોડથી સ્ટેટ હાઇવે 158 પહોંચી ગયેલી જીપ કપુરાઈ ચોકડીથી ડાબી બાજુએ વળી અને સ્ટેટ હાઇવે 11 પર દોડવા લાગી. થોડે આગળ જઈ જમણી બાજુ આવેલી ભાગ્યોદય હોટેલ પાસે તે ઊભી રહી ત્યારે ઘડિયાળમાં ચાર વાગ્યા હતા.

ભાગ્યોદય હોટેલ પંદર રૂમ ધરાવતી નાનકડી હોટેલ કમ રેસ્ટોરાં હતી. અહીં, ગ્રાઉન્ડ ફ્લોર પર રેસ્ટોરાં અને પહેલા માળે રહેવાના રૂમની સગવડ હતી. પોલીસની બીજી ટુકડી હજી પહોંચી ન હતી. ડાભીએ રિસેપ્શન કાઉન્ટર પર પૂછપરછ કરી તો રિસેપ્શનિસ્ટ અફઝલે જણાવ્યું, “સવારે આઠ વાગ્યે ‘વિશેષ વાસુ’ નામના યુવાને રૂમ બૂક કર્યો હતો. ચેક ઇન કર્યાના અડધી કલાક પછી તેણે ચા-નાસ્તો મંગાવ્યો હતો. બપોરે તે અહીં જ જમ્યો હતો અને કલાક પહેલા ચેક આઉટ કરી ગયો છે.”

“ચેક ઇન કરનારના આઇડી પ્રૂફ બતાવો.” ડાભીએ હથેળી લંબાવી. અફઝલે જમા કરેલ આઇડી પ્રૂફની ફોટોકોપી ધરી. ઝેરોક્સમાં ફોટો ખૂબ ગંદો દેખાતો હતો, છતાં ડાભીને ખાતરી થઈ ગઈ કે આ એ જ વિશેષ છે જેની તેમને તલાશ છે. ઝાલાએ પણ તે પુરાવા ધ્યાનથી જોયા.

“ઘરેથી ખોટું બોલીને નીકળી જવું, સામે છેડે પોલીસ છે એ જાણીને ફોન કાપી નાખવો, પછી ફોન સ્વિચ ઑફ કરી દેવો, અને પોલીસનો ફોન આવ્યાના થોડા જ કલાકમાં હોટેલ છોડી દેવી, એ બધાનો શું મતલબ થાય ?” ઝાલાએ ડાભી સામે જોયું.

“એ જ કે આરોપી શાતિર છે, તે જાણી ચૂક્યો હતો કે તેના ફોનનું ટ્રેકિંગ થશે અને આપણે અહીં આવી પહોંચશું.”

“આપણે રેલગાડીની ઝડપે બુલેટ ટ્રેનનો પીછો કરી રહ્યા છીએ.” ઝાલાએ અફઝલ સામે જોયું, “ચેક આઉટ થયા પછી કોઈને રૂમ સોંપ્યો છે ?”

“ના સાહેબ.”

“કસ્ટમરના ગયા પછી રૂમમાં સાફસૂફી કરી છે ?”

“બસ કરવાના જ હતા.”

“હવે ન કરશો.” અને તેમણે સુરપાલને ફોન જોડ્યો, “ડાભી તમને એક લોકેશન મોકલે છે, ત્યાં આવી જાઓ. અહીંથી જે ફૂટપ્રિન્ટ્સ અને ફિંગરપ્રિન્ટ્સ મળશે તે બલર બંગલામાંથી મળેલા ફૂટપ્રિન્ટ્સ અને જ્યોતિષના કાર્ડ પરની ફિંગરપ્રિન્ટ્સ સાથે મેચ થઈ જશે.” ઝાલાએ ફોન કાપ્યો એ પહેલા ડાભીએ હોટેલનું લોકેશન સેન્ડ કરી દીધું હતું.

ક્રમશ :