ભાગ - ૧૪
પાવાગઢના કુદરતી સાનિધ્યને નિહાળતા સૌ જુવાન કોલીજીયનો એક નવું જ વાતાવરણ અનુભવી રહ્યા હતાં, શહેરના પ્રદુષણ થી મુક્ત કુદરતી હવા પોતાના શ્વાસમાં ભરી રહ્યાં હતાં, બસમાંથી ઉતરતા વેંત જ અવંતીકાની નજર રોહનને શોધવા લાગી, રોહન અને વરુણ પાર્કિંગ પાસેના વૉશરૂમમાં ગયા હતાં, જ્યાં થોડી ગંદકીના કારણે વરુણ બબડી રહ્યો હતો, અને રોહન વરુણને સાંભળતા હસી રહ્યો હતો, અવંતિકા અને સરસ્વતી પણ લેડીઝ માટેના વૉશરૂમમાં જતાં હતાં, એજ સમયે રોહન હસતાં હસતાં ચાલી રહ્યો હતો, રોહનની નજર અવંતિકા ઉપર ના પડી, પણ અવંતિકાની નજરે રોહનને શોધી લીધો. રોહનને હસતો જોઈ અને અવંતિકાનો ચહેરો પણ છૂપું મલકાયો.
કોલેજના બધા છોકરા છોકરીઓને એક સાથે એક જગ્યા ઉપર ઉભા રાખી થોડી સૂચનાઓ આપી. સવારના 8 વાગ્યા હતાં, બધાને 1 વાગ્યા સુધી આજ સ્થળે પરત ફરવાનું કહેવામાં આવ્યું, અને બધા નાના નાના ગ્રુપમાં રહેવા માટે પણ સૂચના આપવામાં આવી. ચાંપાનેરથી પગથિયાં ચઢી અને શિખર ઉપર બિરાજેલા મહાકાળી માનાં દર્શન કરવા જવાનું હતું, જે સ્ટુડન્ટ રોપ-વે દ્વારા જવા માંગતા હતાં એમને પણ પાછા આવી આજ સ્થળે રાહ જોવા માટે કહેવામાં આવ્યું. કોલેજીયનો માટે માતાજીના દર્શન કરવાનું એટલું મહત્વ નહોતું તેમના માટે આ એક એન્જોયમેન્ટ હતું, ઘણાં નવા સંબંધો આ પ્રવાસમાં બનવાના હતાં.
બધા પોતાના રીતે, જે જે મિત્રો બન્યા હતાં એમની સાથે ચાલવા લાગ્યા, રોહન અને વરુણ બંને સાથે ચાલ્યા તો બીજી તરફ અવંતિકા અને સરસ્વતી સાથે ચાલવા લાગ્યા...કોલેજીયન સ્ટુડન્ટનું જવાનીનું જોમ આજે પગમાં પણ દેખાઈ રહ્યું હતું, બધા ફટાફટ પગથિયાં ચઢી રહ્યાં હતાં, રોહન અને વરુણ પણ શરૂઆતમાં સડસડાટ ચઢવા લાગ્યા, પણ વરુણને થાક લાગવા લાગ્યો હતો, તેના માટે આ પ્રથમ વખત જ હતું. ક્યારેય એક કિલોમીટર ના ચાલનારો માણસ આજે પાવાગઢ ચઢી રહ્યો હતો.
વચ્ચે વચ્ચે થોડી થોડીવાર બેસતાં બંને ચઢી રહ્યા હતાં, ઘણાં છોકરાઓના એવા જ હાલ હતાં, અને કેટલાક તો છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે એમની પાછળ જઈ રહ્યાં હતાં, સરસ્વતી અને અવંતિકા પણ ધીમે ધીમે ચઢવા લાગ્યા, કેટલાય છોકરાઓ એમની પણ પાછળ આવી રહ્યાં હતાં, એમને ઇપ્રેસ કરવા પણ એમને બધાની પાછળ જ રહેવાનું નક્કી કર્યું.
વરુણ થાકી જતાં કહેતો પણ કે :"બસ યાર હવે મારાથી આગળ નહિ ચલાય, ચાલ પાછા વળી જઈએ, અહીંયાથી જ દર્શન કરી ને આપણે પાછા વળી જઈએ."
ત્યારે રોહન એને હિંમત આપતા કહેતો પણ : "કે જો યાર આ સામે જ દેખાય છે, થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું, ચાલ હવે ઊભો થઈ જા."
બંને એમ કરી ચાલવા લાગતા... એક સ્થળે બંને બેઠા હતાં અને નીચેથી અવંતિકા અને સરસ્વતીને આવતા વરુણે જોયા, અને કહેવા લાગ્યો...
વરુણ : "જો રોહન, અવંતિકા આવી રહી છે."
રોહન : "તો મારે શું ? બધા પ્રવાસમાં આવ્યા છે તો એ પણ આવી જ હોય ને ?"
વરુણ : "અરે બબૂચક, ક્યારે તને આ બધું સમજ આવશે ?"
રોહન : "લે વળી, એમાં શું સમજવાનું ?
વરુણ : "અરે યાર, હમણાં આપણે બસમાં પ્રેમ વિશે વાત કરી હતી ને ?"
રોહન : "હા તો ?"
વરુણ : "તો તું અવંતિકા સાથે વાત આગળ વધારી શકે છે, આ સરસ મોકો છે વાત કરવા માટે."
રોહન : "ના દોસ્ત, મારે આવા ચક્કરમાં નથી પડવું, અને એ પણ અવંતિકા જેવી છોકરી ?"
વરુણ : "કેમ અવંતિકા સારી નથી ?"
રોહન : "એવું નહીં યાર, એ બહુ સારી અને સીધી છોકરી છે, પણ એનો અને મારો મેળ થાય એમ નથી, તું સમજી શકે છે !"
વરુણ :"મેં તને સમજાવ્યું તો હતું, પ્રેમ એવો કોઈ મેળ જોતું નથી, એમાં તો બસ દિલ મળ્યા અને થઈ ગયો સમજો."
રોહન : "તું ટાઈમ પાસ કરી રહ્યો છે, ચાલ હવે ઉપર ચઢિયે."
વરુણ : "થોડો વેઇટ કર, એ લોકો ને અહીંયાથી નીકળવા દે, જો એ લોકો જસ્ટ ફોરમાલિટી કરે તો હું તને ક્યારેય અવંતિકા સાથે વાત કરવાનું નહિ કહું, પણ જો એ તારા માટે અલગ લાગણી બતાવે તો ચોક્કસ એના મનમાં કઈક હશે તારા માટે, અને પછી તારે પણ ટ્રાય કરવો પડશે ! બોલ છે મંજુર ?
રોહન : "હું એવા બધા ટ્રાય કરવામાં નથી માનતો, અને મારે આ પ્રેમ બ્રેમના ચક્કરમાં પડવું પણ નથી, તું ચાલે છે કે હું એકલો જ આગળ જાઉં ?"
વરુણ : "ઓકે ઓકે, સોરી બસ. નથી કરવો એવો ટ્રાય આપણે, પણ એટલીસ્ટ એ લોકોને આવવા તો દે, આપણે સાથે રહીશું તો આપણા કોલેજની છોકરીઓ જ સેફ રહેશે, જો એમની પાછળ છોકરાઓ કેવી રીતે આવી રહ્યાં છે."
રોહન : "ઓકે, આપણે એ લોકો પાછળ જઈએ, તારી આ વાત મને યોગ્ય લાગે છે."
વરુણ અને રોહન એક પથ્થર ઉપર બેઠા હતાં, થોડે દૂરથી અવંતિકાએ રોહનને બેઠેલો જોયો અને મનમાં નક્કી કર્યું કે તેની સાથે જઈ અને વાત કરીશ, સરસ્વતીને રોહન વિશે કઈ ખબર નહોતી, એ એના ધૂનમાં જ મસ્ત હતી, રોહન પાસે પહોંચતા અવંતિકા એ રોહનને સ્માઈલ આપી અને કહ્યું.. " હેલ્લો કેમ છો ?"
રોહન : "મઝામાં. તમે ?"
અવંતિકા : "અત્યારે તો થાકી ગઈ છું, તમારી જેમ મઝામાં નથી."
અવંતિકાનું વાક્ય સાંભળી વરુણ અને રોહન હસવા લાગ્યા, સરસ્વતી સમજી નહોતી રહી કે "આ એકબીજા સાથે કેમ વાતો કરી રહ્યાં છે, આજ પહેલા તો અવંતિકાને કોઈ સાથે વાત કરતાં જોઈ નહોતી, અને આજે અચાનક એ કલાસના છોકરા સાથે વાત કરે છે."
સરસ્વતી એ અવંતિકાને કહ્યું કે "ચાલ અવંતિકા આપણે ધીમે ધીમે ચઢવાનું છે, એક વાગ્યા સુધી નીચે પણ જવાનું છે, જઈશું ?"
અવંતિકા : "હા, આ મારી ફ્રેન્ડ સરસ્વતી છે, અને સરસ્વતી આ મારા નવા ફ્રેન્ડ રોહન છે, અને (વરુણ સામે જોતાં) તમે વરુણ છો બરાબર ને ?"
વરુણ : "ઓહ તમે મને પણ ઓળખો છો એમ ?"
અવંતિકા : "રોહને તમારા વિષે વાત કરી હતી."
વરુણ : "ઓહ.. ઓકે.."
અવંતિકા : "ચાલો બાય, પછી મળીયે, અમે ચાલીએ આગળ"
બધાને બાય કહી અવંતિકા અને સરસ્વતી ચાલવા લાગ્યા,
વરુણ રોહન સામું જ જોઈ રહ્યો હતો..
રોહન : "આમ શું જોઈ રહ્યો છે ?"
વરુણ : "કઈ નહીં એ જોવે છું કે તારી ગાડી ધીમે ધીમે હવે પાટા ઉપર આવી રહી છે, તું ભલે અવંતિકા માટે કઈ ના વિચારે પણ એ તારા માટે ઘણું બધું વિચારી રહી છે એ નક્કી છે."
રોહન : "એવું કંઈ ના વિચાર દોસ્ત, આપણે આગળ જવું છે કે પછી અહીંયા જ બેસવાનું છે ?"
વરુણ : "હું તો અહીંયા જ બેસવાનું કહું છું, પણ તું જવાનું કહે છે."
રોહન : "ચાલ હવે બહુ નાટક કર્યા વગર ઉભો થા.'
બંને પગથિયાં ચઢવા લાગ્યા, અવંતિકા અને સરસ્વતી એ બંનેની આગળ જ ચાલી રહ્યાં હતાં, સરસ્વતીના મનમાં જાગેલા પ્રશ્નોના જવાબ હવે મળવાના હતાં...
સરસ્વતી : "હું એક દિવસ કોલેજ ના આવી એમાં તો તે એક ફ્રેન્ડ પણ બનાવી લીધો ને...!!"
અવંતિકા : "હું અને મમ્મી થોડા દિવસ પહેલા સાડીની ખરીદી માટે ગયા હતા એ દુકાનમાં રોહન જોબ કરે છે, અને એને અમને સાડી આપી હતી, એના કારણે હું એને ઓળખું છું, અને પછી મેં એમને કોલેજમાં જોયા એટલે વાત થઈ અને પછી ફ્રેન્ડશીપ."
સરસ્વતી : "ખાલી ફ્રેન્ડશીપનો જ ઈરાદો છે કે પછી....??"
અવંતિકા : "બસ સરસ્વતી હો, બહુ બોલે છે તું." અને હસવા લાગી. બન્ને પગથિયાં ચઢતા આગળ વધી રહ્યાં હતાં ધીમે ધીમે છેક માતાજીના મંદિર સુધી પહોંચ્યા, દર્શન માટે સ્ત્રી અને પુરૂષો માટે અલગ અલગ લાઈન હતી, રોહન અને વરુણ પુરુષો તરફ અને અવંતિકા અને સરસ્વતી સ્ત્રીઓની લાઈનમાં જોડાયા, સવારનો સમય હતો, શ્રદ્ધાળુઓ દર્શન માટે પ્રતીક્ષા કરી રહ્યાં હતાં, માતાજીની મૂર્તિના દર્શન હજુ મનભરીને થયા પણ ના હોય અને પૂજારી બધાને આગળ ધકેલવામાં લાગેલા હતાં, કલાકો જે માતાજીના દર્શન પાછળ રાહ જોઈ હોય એ જ માતાજીના દર્શન મનભરીને પણ ના થઇ શકે. રોહને માતાજી સામે બે હાથ જોડ્યા અને આંખો બંધ કરી ત્યારે અવંતિકા પણ બાજુની લાઈનમાં માતાજી સામે ઉભી હતી, એને પણ ઓઢણી માથે રાખી અને હાથ જોડ્યા, દુઆમાં શું માંગ્યું એ તો એજ જાણતી હતી, પણ બંનેની આંખો ખુલતા નજર એક સાથે ટકરાઈ અને હોઠ પાછા હસવા લાગ્યા. જાણે અવંતીકાએ પ્રાર્થનામાં રોહનને માંગી લીધો હોય એમ શરમથી આંખો ઝુકાવી ચાલવા લાગી. રોહનની પાછળ રહેલા વરુણ ને અને અવંતિકાની પાછળ રહેલી સરસ્વતીને ધીમે ધીમે પાંગરી રહેલા પ્રેમની ગંધ આવી રહી હતી.
પાછા ઉતરતા સૌ ખરીદી કરતાં કરતાં નીચે ઉતરી રહ્યાં હતાં, દુકાનો કોલેજીયન છોકરા છોકરીઓથી ભરાઈ રહી હતી, કેટલાક શ્રદ્ધાળુઓ પણ ખરીદી કરી રહ્યાં હતાં, રોહન અને વરુણ એક હોટેલમાં કોલડ્રિન્ક અને નાસ્તા માટે બેઠા, અવંતિકા અને સરસ્વતી પણ ત્યાંથી પસાર થયા પણ કોઈએ એકબીજાને જોયા નહિ અને ચાલવા લાગ્યા. એક વાગ્યા પહેલા મોટાભાગના સ્ટુડન્ટ નિશ્ચિત કરેલી જગ્યા ઉપર આવી પહોંચ્યા, એક અને ત્રીસ મિનિટ બસ પાવાગઢથી નીકળી નજીકમાં આવેલા એક સ્થળ ધાબા ડુંગરી જવા માટે રવાના થઈ ત્યાં, બપોરના જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુ આવતા અંકે.....
નીરવ પટેલ "શ્યામ"