Kaik khute chhe - 7 in Gujarati Short Stories by Ranna Vyas books and stories PDF | કઈક ખૂટે છે!!! - (૦૭) મીઠાઈ

Featured Books
Categories
Share

કઈક ખૂટે છે!!! - (૦૭) મીઠાઈ

(૦૭)

મીઠાઈ

"મારો ચેતક તો એકદમ સીધો છે. એ ક્યારેય બીજા છોકરાને મારે જ નહી.... નક્કી પેલાએજ શરૂઆત કરી હશે...... તમે .....એને જરા કડક સજા કરજો...ફરી મારા ચેતક નું નામ ના દેવો જોઈએ...”

‘બસ’.... – વર્ગ શિક્ષિકા ની ગુસ્સો દબાવી નીકળી ગયેલી ઝીણી ચીસ.

“તમે ચેતક ને બોલાવાદો. તમે ક્યાં સુધી એની ફરિયાદો લઇને સ્કૂલ માં આવ્યા કરશો? એને શીખવો કે મને જે-તે ફરિયાદ આવી ને કરે અને જુઓ બેન, આ ઉંમરે છોકરા તો લડે-ઝઘડે તમારે આવી નાની વાતો માં વચે પડી સ્કુલે આવી જવાની જરૂર નહી."

“પણ મારો ચેતક તો સાવ ભોળો છે કઈ નહી બોલે એટલે મારે જ બોલવું પડે” – મમ્મી મોનાબેન નો જવાબ. આખી વાતચીત દરમ્યાન ચુપચાપ ઉભો રહેલો ચેતક ભણવા માં એકદમ હોશીયાર. પણ તેની મમ્મી આખા વર્ગ માટે ત્રાસ. એટલે ચેતક ને કોઈ ખાસ બોલાવતું નહી. ભૂલમાંય જો કોઈનાથી રમતાં રમતાં ધક્કો વાગી જાય તો મધર ઇન્ડિયા મોના બેન બીજે દિવસે સ્કૂલ માં પ્રગટ થાય. બધા શિક્ષકો સુદ્ધાં મોનાબેન થી કંટાળી ગયેલા.

નવા આવેલા કાઉન્સેલર મેડમે તો મોના બેન ને બોલાવી બાળક જેમ મોટું થાય તેમ તેને આત્મ નિર્ભર બનવા દેવું જોઈએ, માં-બાપ ની વધુ પડતી દરમ્યાનગીરી બાળક નું ભવિષ્ય બગાડે છે - એ સમજાવવા રીતસર અભિયાન આદર્યું. દર પંદર દિવસે થતી મિટિંગ નિરર્થક જતી. મોનાબેન કોફી-બિસ્કીટ લઇ જતાં રહેતાં. ન તો મોનાબેન નું મ્હો બેંધ થતું કે ન ચેતક નું ખુલતું. ચેતક ભણવા માં હંમેશાં ક્લાસ માં પ્રથમ જ હોય.

ચેતક ના પિતા દિવસે આઈસક્રીમ ની લારી સંભાળતા રાત્રે આઈસક્રીમ સાથે સોડા. દેખાવ માં રાજકપૂર જેવા અને નખશિખ સજ્જન કુશાગ્ર ભાઈ પોતાના પરિવાર માટે તનતોડ મહેનત કરતા. ટેસ્ટ માં મોનોપોલી જાળવવા તે આઈસક્રીમ જાતેજ બનાવતા નોકર હતા પણ મૂળ કામ જાતે કરતા. અને એટલેજ ચંચળ કહેવાતાં લક્ષ્મીજી એમને લાંબા સમય માટે વરી રહેલાં. સંજોગો ના માર્યા પોતે નહી ભણી શકેલા એટલી એમની કમનસીબી જે એમણે પોતાનાથી દેખાવ અને સ્વભાવ બધી રીતે ઉતરતી પત્ની તરીખે સ્વીકારી લેવી પડેલી. હા, પણ મોનાબેન ગ્રેજ્યુએટ હતાં. લગ્ન સમયે મોનાબેન ના પિયર પક્ષે સ્થિતી નબળી હતી એટલે એમના પિતા અને ભાઈઓએ ભણતર જતું કરી ને સારું કમાતા કુશાગ્ર ને જમાઈ તરીકે પસંદ કરી દીધેલો. અને કુશાગ્ર કુમાર સ્વભાવે શાંત અને સરળ હોવા છતાં, જો ભણી શક્યા હોત તો ડોક્ટર કે એન્જીનીયર થાય તેવા કુશાગ્ર હોવા છતાં, સાળા સારું કમાતા થયા પછી સાસરી માં ખાસ આદર નહી પામેલા. મોનાબેન ને પણ સજ્જન પતિ હોશિયાર હોવા છતાં આઈસક્રીમ-સોડા પર ઘર ચલાવેછે એવાત દિલ માં ખુંચતી. પિયર પક્ષે તાજેતર માં આવેલી લક્ષ્મી અને ભાઈઓ ને વરેલી સરસ્વતી મોનાબેન ના મન માં ઘમંડ લઇ આવેલી.

બાળકો ને ભણાવવા માં મોનાબેન પોતે ખુબ સજાગ છે એવો દેખાવ કરતાં. એ દેખાવ ને અભાવે અને ભણતર ની ગેરહાજરીએ કુશાગ્ર ભાઈ ની પોતાનાં બાળકો માટેની લાગણી થી ચેતક –સોનાક્ષી અજાણ રહેલાં. ખુદ મોનાબેન મુંબઈ ની સારી કોન્વેન્ટ માં ભણેલાં અને થોડું ઘણું અંગ્રેજી બોલી શકતાં જેનો તેમને ખુબ ગર્વ. અને એટલેજ બન્ને બાળકો – ચેતક અને સોનાક્ષી સ્કૂલ ની પેરેન્ટસ મીટીંગ માં મમ્મી જ આવે એવું ઇચ્છતાં. એ વિસ્તારની સારા માં સારી સ્કૂલ માં બાળકો ને ભણાવવા પિતા ને કરવી પડતી મહેનત,નાના માં નાની વસ્તુ ની ખોટ ન રહે તે માટે તેમની હોશ,અને સૌથી વધુ તો તેમની હોશિયારી ની બાળકો ને મળેલી વિરાસત એ બધું મોનાબેન ના અંગ્રેજી પાછળ દબાઈ જતું. જોકે સ્કૂલ માં બધા શિક્ષકો માથાખાઉ મોનાબેન ના સજ્જન પતિ વિષે જાણતા. એક સીનીયર મેડમ તો હંમેશા કહેતાં,”ચેતક ઈઝ મમ્માઝ બોય” ‘માવડિયા’ જેવા શબ્દ માટે રૂપાળો અંગ્રેજી શબ્દ વપરાતો. સ્ટાફ રૂમ માં હાસ્ય નો ફુવારો ઉડતો અને વાત બદલાતી.

કુશાગ્ર ભાઈ ની હોશ રંગ લાવી. ચેતક બારમા ધોરણ માં પ્રથમ આવ્યો. સમાજ માં વાહ વાહ થઇ ગઈ. કુશાગ્ર ભાઈએ એ દિવસે જે આવે એને આઈસક્રીમ મફત આપ્યો. એમની હર્ષ નાં આંસુ ભરેલી આંખો માં ચેતક નું સુવર્ણ ભાવિ રમી રહ્યું.

વર્ષો પવન ના વેગ થી વહી રહ્યાં. ચેતક ‘ડોક્ટર ચેતન ઠક્કર’ બની ગયો. અને એ દિવસે કુશાગ્ર ભાઈ એ આખી સોસાયટી ને આઈસક્રીમ ખવડાવવાનું આયોજન કર્યું. પણ ... ડોક્ટર ચેતક ને એ ખૂચ્યું – અલબત્ત મોનાબેનને.મોનાબેન ના ભાઈઓનું કહેવું હતું કે ચેતક કમાતો થાય એટલે કુશાગ્ર કુમારે આઈસક્રીમ-સોડા નો ધંધો બંધ કરી દેવો. અને એ દિવસે ચેતકે પપ્પા ને ‘તમે શાંતિ થી બેસજો બધા સાથે' એમ કહી મેનુ બદલાવી દીધું. હોટલ માં થી ઓર્ડર કરી જમણ મંગાવ્યું. કુશાગ્ર ભાઈ ને બધાને પોતાના હાથનો આઈસક્રીમ ખવડાવવાની હોશ હતી. જે દબાવી દેવી પડી.

છ મહીના માં જામી ગયેલી પ્રેક્ટીસ પછી ચેતકે પિતાને ધંધો સંકેલી લેવા કહ્યું. કુશાગ્રભાઈ ની ઈચ્છા નહતી. ચેતકે તેમને સમજાવ્યા,”પપ્પા, બહુ કર્યું, હવે આરામ કરો,મમ્મી સાથે હરો-ફરો,દેવ-દર્શન કરો.” કુશાગ્ર ભાઈ એ કહ્યું,”બેટા, હરીશું-ફરીશું,પણ એના માટે ધંધો બંધ કરવાની જરૂર નથી. ક્યાંક જવું હોય ત્યારે બંધ, પણ રોટલા ને લાત કેમ મારવી? હજી મારા હાથ-પગ સારા ચાલેછે. અને દેવ-દર્શન માં મને કઈ રસ નથી. ઠીક છે તારી મમ્મી ને ક્યાંક જવું હશે તો જઈશું.” એકાદ વર્ષ ચેતક ચુપ રહ્યો. ફરી એણે પપ્પા ને ધંધો બંધ કરવાની વાત કરી.કુશાગ્ર ભાઈ નો જવાબ તો એનો એજ હતો. પણ આ વખતે મોનાબેન વચ્ચે તાડૂક્યા,”મને શરમ આવેછે. મારા ભાઈઓ તો વર્ષોથી મને કહેતા કે ચેતક કમાતો થાય કે તરત કુશાગ્ર કુમાર ને આ કડછો-ડોયો છોડાવી દેજે.”

કુશાગ્ર ભાઈ સામે બોલ્યા,”તારા ભાઈઓ એ તને પરણાવી ત્યારે આ કડછો-ડોયો જ હતો મારા હાથમાં.”

“એ મારી ને મારા ભાઈઓની મજબુરી હતી.” મોનાબેન ના મ્હો પર કડવું સત્ય આવી ગયું. જે કુશાગ્ર ભાઈ સમજતા જ હતા. ચેતક ચુપ હતો. કુશાગ્ર ભાઈએ એને સમજાવ્યો કે તને આ કડછા ડોયા ના જોરે જ મોટો કર્યો છે. પણ કુશાગ્ર ભાઈ ની વાત સંભાળવાને બદલે ચેતક રડતી મા પાછળ જતો રહો. બે વર્ષ ના થોડા-થોડા દિવસે થતા કકળાટ પછી પણ કુશાગ્ર ભાઈ એ ધંધો બંધ ના કર્યો ત્યારે મોનાબેન સહિત બાળકોએ પણ પપ્પા સાથે બોલવાનું ઓછું કરી નાખ્યું. આખી વાત અડોશ-પડોશ માં બધાં જાણી ગયેલાં.

પડોશ માં રહેતાં એક બેન ચેતક ની સ્કુલ માં ટીચર. એમણે જયારે સ્ટાફ રૂમ માં આ આખી વાત જણાવી ત્યારે પેલાં સિનીયર મેડમ બોલ્યાં,”ચેતક ઈઝ મમ્માઝ બોય – આઈ ન્યુ ફ્રોમ બિગીનીંગ”

“પણ મેડમ મોટો થાય તો થોડો ફેર તો પડેને? એ હવે ડોક્ટર છે. એજ્યુકેશન નો ફેર તો પડે ને?” બીજાં મેડમ બોલ્યાં. બધાને સ્કૂલ ટાઈમ નો નાની નાની વાત માં મમ્મી ને બોલાવતો અને મમ્મી ની વાત માં મુક સંમતિ આપતો ચેતક હજી યાદ હતો. પણ પછી દસેક વર્ષેય ચેતક આવોજ હશે એવી કોઈની ધારણા નહતી. પહેલાં સ્ટાફ રૂમમાં ‘મમ્માઝ બોય’ શબ્દ વપરાયા પછી હાસ્ય નો ફુવારો ઉડતો ત્યાં હવે બધાં ગંભીર હતાં.

બે વર્ષ પછી ચેતક ની સગાઈ થઇ. કુશાગ્ર્ભાઈ ની સજ્જન છાપ રંગ લાવી. સામું માગું આવ્યું હતું. છોકરી ના ઘરની આર્થિક સ્થિતી સાધારણ પણ એ ડોક્ટર થયેલી. દેખાવ માં પણ સુંદર. કુશાગ્ર ભાઈ જેવા દેખાતા ચેતક સાથે ઉભી રહે એટલે જાણે રાજ-ક્રિશ્ના કપૂર ની જોડી. ચેતક ના સ્થાનિક સમાજ માં આવું જોડું ભાગ્યેજ હતું. ભણતર અને દેખાવ બંને માં સમકક્ષ વાગ્દત્તા મેળવી ચેતક પણ ખુશ હતો. અને સગાઇ ના એકજ અઠવાડિયા માં મમ્મી ના કહેવાથી ચેતક સગાઇ તોડવા સહમત થઇ ગયો. અલબત્ત એની મુક સંમતિ ની મોનાબેન ને ખબર હતી. પણ ફોક કરવાનું કારણ...... મોનાબેન ના ભાઈઓ નું સુચન. ..........સગાઇ સમયે કન્યા પક્ષે વહેચવી પડતી મીઠાઈ અને પૈસા (રોકડ) ની માત્રા એમને ઓછી લાગી. અને “મારા ભાઈ તો કહે છે કે ચેતક ને તો આનાથી પણ સારી પૈસાદાર ઘર ની કન્યાઓ નાં માગાં આવેછે..... વહેવાર સાચવે એવા જ વેવાઈ શોધવા .... કેટલી મહેનત થી ચેતક ને ડોક્ટર બનાવ્યો છે.....”મીનાબેન ના વાણી પ્રવાહ ને ચેતક ની મુક સંમતિ હતી. કુશાગ્ર ભાઈ ની ચેતક ને સમજાવવાની કોશિશ વ્યર્થ ગઈ.”અલ્યા ક્યારેક તો તારી પોતાની બુદ્ધિ વાપર,તારી મા ની બધી ખોટી વાતો ના મનાય....જાતે નક્કી કરતાં શીખ ...”કૌશિકભાઈ ના બરાડા ની ચેતક પર અસર ના થઇ.

પડોશી શિક્ષિકા જયારે સ્ટાફ રૂમ માં આખી વાત કરતાં હતાં ત્યારે સ્ટાફ રૂમ સ્થબ્ધ હતો. અને સિનીયર મેડમ નો તકિયાકલામ,”ચેતક ઈઝ મામ્માઝ બોય. આઈ યુઝડ ટૂ ટેલ ફ્રોમ બીગીનીંગ”

હવે મીઠાઈ ના ડબ્બા ભરી ને રૂપિયા ની લ્હાણી કરે એવી છોકરી શોધશે.....કોઈ બોલ્યું.

પિરીયડ બદલાયા નો ટકોરો પડ્યો.

“પણ એ મીઠાઈ લાવીને પણ એ છોકરી માટે તો કડવાશ જ રહેવાની ....ચેતક ઈઝ મમ્માઝ બોય યુ સી.” – નિવૃત્તિ ને આરે આવેલાં સિનીયર મેડમ અનુભવ થી થયેલા સફેદ વાળ સરખા કરતાં ઉભાં થઇ ક્લાસ માં જવા ચાલ્યાં.

.