Kudaratna Kanthe in Gujarati Poems by Krishnansh Radhe books and stories PDF | કુદરતના કંઠે

Featured Books
Categories
Share

કુદરતના કંઠે

પ્રસ્તાવના

કુદરતને જો કંઠ આપવામાં આવ્યો હોત તો ..???

એ પણ માનવ સહજ લાગણીઓ જેવી કે પ્રેમ, નફરત, ઈર્ષા, દ્વેષ, ગુસ્સો નો અનુભવ કરે તો???

એમને પણ ટાઢ, તાપ, તાવ, શરદી, જેવી બીમારીઓ આવતી હોત તો????

ટૂંકમાં કુદરત પણ માનવ સહજ જીવન જીવતું હોત તો ??

એવી જ કૈંક કલ્પનાઓ સાથેની રચનાઓનો સંગ્રહ અહી કરવામાં આવ્યો છે..

આશા રાખું છુ કે આપ સૌને ગમશે....

આભાર સહ...

અમિત ચંદ્રકાન્ત “રાધે”

ચકલીએ ચડાવ્યું છે મોઢું

કુદરત ને પીંખી નાખવામાં માનવ સમાજે કઈ જ બાકી નથી રાખ્યું, અને એટ્લે જ જ્યારે તમારા ઘર ને કોઈ વીંખી નાખે, તોડી પાડે ત્યારે જેવો ગુસ્સો તમને આવે, જેવુ મોઢું માનવ કરે એવી જ પ્રતિકૃતિ આજે ચકલી ના મોઢા પર રચાય છે જેને રજૂ કરતી આ રચના...કે..

ચકલીએ ચડાવ્યું છે મોઢું,

કાપીને ઝાડ તે મારો ઉજાડયો સંસાર, હવે ખુલ્લા આકાશે કેમ પોઢું ?

એવું ચકલીએ ચડાવ્યું છે મોઢું.

દરવાજા બારી બનાવવાને તારા, તે મારા તોરણ ને કેમ વિખ્યું ?

એકવાર રૂદયુ પણ તારાયે કાનમાં, આવીને નોતું ત્યારે ચિંખ્યું ?

ફાયદાનો તે તારો માંડ્યો હિસાબ ને અહીં નુકશાન થયું છે મારે દોઢું,

કાપીને ઝાડ તે મારો ઉજાડયો સંસાર, હવે ખુલ્લા આકાશે કેમ પોઢું ?

એવું ચકલીએ ચડાવ્યું છે મોઢું.

ઉજાડી હવે તું અહીં આવી ને કહે છે લાવ બીજું ઘર બનાવી દઉં,

રેતી, સિમેન્ટ એમાં નાખીને તુજને હું પાકકું એ ઘર ચણાવી દઉં,

લાંગણીની સળીઓથી બન્યુંતું ઘર મારૂ, નથી તારા ઘરની જેમ લોઢું,

કાપીને ઝાડ તે મારો ઉજાડયો સંસાર, હવે ખુલ્લા આકાશે કેમ પોઢું ?

એવું ચકલીએ ચડાવ્યું છે મોઢું.

------- રાધે -------

ઝાડ કહે છે હવે ઉંમર થઈ

માણસ ઘરડો થાય એટ્લે એને પોતાની મિલકત ના ભાગલા કરવાનું સુજે, વસિયત બનાવવા બેસે, અને આજના સમયમાં તો પૈસાને જ મિલકત ગણી ને એના ભાગલા થાય છે, ઇજ્જત, માન, વિચારની વસિયત નું વારસદાર કોઈને થવું નથી હોતું, એવા જ એક વસિયતનો પ્રસંગ ને રજૂ કરતી આ રચના...

ઝાડ કહે છે હવે ઉંમર થઈ,

વકીલ બોલાવો, કરો વસિયત નામું ને લાવો એમાં કરી દઉં હું સહી,

ઝાડ કહે છે હવે ઉંમર થઈ.

લીલાશ આપો મારી નાન્લી કૂંપળોને, ફાળોને આપી દો રસ,

રહે ના મનદુઃખ એમને એ જો જો, લાગે ના કોઈ વાતે કસ,

આજીવન રહે એ આમ હર્યા-ભર્યા રમતા ને, તકલીફ ના રહે એમને કંઇ,

વકીલ બોલાવો, કરો વસિયત નામું ને લાવો એમાં કરી દઉં હું સહી,

ઝાડ કહે છે હવે ઉંમર થઈ.

સુગંધને મારી તમે ફૂલોને આપી દો, કર્કશતા લઇ જાશે કાંટો,

મિલકત ને મારી તમે વકીલ સાહેબજી, કૈક આવી રીતે હવે બાંટો,

હવે લાગે છે ભાગલા થયા છે બરાબર ને એમાં રહી ભૂલ નથી કંઇ,

વકીલ બોલાવો, કરો વસિયત નામું ને લાવો એમાં કરી દઉં હું સહી,

ઝાડ કહે છે હવે ઉંમર થઈ.

હાશ.! કરી ઝાડ જ્યાં બેઠું થયું ને ત્યાં વાત એને એક યાદ આવી,

પરોપકારવૃત્તિ તો બાકી રહી ગઈ જે સંકટમાં સૌને કામ આવી,

ત્યાં દોડીને આવી પેલી સુકાયેલ દાળ, હવે હું જ એક બાકી રહી અહીં,

વકીલ બોલાવો, બનાવો વસિયત નામું ને લાવો એમાં કરી દઉં હું સહી,

ઝાડ કહે છે હવે ઉંમર થઈ.

------- રાધે -------

વાદળને ચડી ગઇ છે રીંહ

પલળવાનું હોય ત્યારે પલળે નહીં ને પછે વરસાદ આવતો નથી, વરસાદ આવતો નથી એમ કરતાં માનવીઑ ઉપર ક્રોધિત થતાં વાદળ સાથે માનવી ની વાતચીત ને આ રચનામાં વનવામાં આવી છે, જેમાં વાદળ ની સરકાર જેવી નીતિ ની પણ વાતચિત છે.

અલ્યા એય વાદળ.! તને રીંહ શાને ચડી છે ?

અથડાયને અંદરો અંદર કરો છો કડાકા, એ વીજળી જો બીજા માથે પડી છે,

અલ્યા એય વાદળ.! તને રીંહ શાને ચડી છે ?

પડકાર ફેંક્યો જ્યાં હળવો તુજને, ત્યાં હળવેથી મુજને પલાળ્યો તો

કીધુંતું બે ઘડી બસ વરસવાનું છે મારે ને બે પોર ત્યાં ઊભો મને રાખ્યોતો,

હવે ઓથ નિચે ઊભો છુ તો, હેલી તો નહીં, પણ વાછટ તારી મુજને ત્યાં નડી છે,

અથડાયને અંદરો અંદર કરો છો કડાકા, એ વીજળી જો બીજા માથે પડી છે,

અલ્યા એય વાદળ.! તને રીંહ શાને ચડી છે ?

જરૂર નથી જ્યાં ટીપું પાણીની, ધોમ ધોમ ધમધોકાર ત્યાં વરસે છે,

જો તો ખરો તું ક્યાંક ક્યાંક કોઈ, પાણી કાજે આખું વરહ તરસે છે,

અમિર રહે અમિર ને ગરીબ બને ગરીબ, એવી નીતિ સરકારી તે પણ કાં ઘડી છે ?

અથડાયને અંદરો અંદર કરો છો કડાકા, એ વીજળી જો બીજા માથે પડી છે,

અલ્યા એય વાદળ.! તને રીંહ શાને ચડી છે ?

------- રાધે -------

ગગન ગાય છે ગીત

પ્રેમ માં ઊંચ નીચ કઈ જોવાતું નથી હોતું, અને એવું જ બને છે ઉંચા પદ પર બિરાજમાન એવા વાદળ સાથે, વાદળને ધરતી સાથે પ્રેમ થઈ જાય છે, બરખા રાણી માંગુ લઈને ધરતી પર આવે છે પણ સમાજના રીત રિવાજો એના આડે આવે છે, એવું જ કઈક દ્રશ્ય આ રચનામાં ઊભું થાય છે.

આજ ગગન ગાય છે ગીત,

ધરણી સંગે એને પણ જાણે થઈ ગઈ લાગે છે પ્રીત,

આજ ગગન ગાય છે ગીત,

ગડગડાટ એ વાદળોનો જે લાગે છે ભેંકાર,

કેમ જણાતો એમાંય આજે છંદ ને અલંકાર,

ન જાણેલું, ન માણેલુ જો કઈક સંભળાય છે મીઠું સંગીત,

આજ ગગન ગાય છે ગીત,

લહેરાતો આ વાયરો એના પ્રેમપત્રોને લાવે છે,

વૃક્ષો કેરા પાને એ તો વાંચીને સંભળાવે છે,

સુણીને એ પ્રણય વચનો, જાણે મુગ્ધ થયુ છે અહીં ચિત્ત,

આજ ગગન ગાય છે ગીત,

છેવટ વર્ષા ધરણી પાસે માંગુ લઈને આવી,

રીત સમાજની ધારા તાત ના આડે આજે આવી,

થઈ ગઈ હાર પ્રેમની ને સ્વાર્થી સમાજ ની થઈ છે જીત,

આજ ગગન ગાય છે ગીત,

------- રાધે -------

કોયલે કાગડાને I Love You કીધું

દીકરી કમાતી હોય તો ઘણી વાર એની કમાણી માં બાપ ને સારી લાગે છે, અને એમાં જ એને એ વાત નું ધ્યાન નથી રહેતું કે દીકરી હવે મોટી થઈ ગઈ છે, એને પરણાવવાનો ટાઇમ ચૂકી જાય છે અને પછી દીકરી પોતાની રીતે પગલું ભરી લે છે એ ઘટના ને રજૂ કરતી આ રચના જેમાં કોયલ એ એક દીકરી છે.

કોયલે કાગડાને I love You કીધું,

વીતી ગઇ એની ઉમર ને તોય કોઈએ સારું ઠેકાણું ના ચીંધ્યું,

છેવટે કોયલે કાગડાને I love You કીધું,

એના કંઠની આવક ઘરમાં સૌને મીઠી મીઠી લાગતી,

વળી સૌની જીવન ગાડી એની આવકમાથી જ ચાલતી,

હવે થઇ કિલકારીઓ ઘરમાં બંધ, ને એટલે સૌએ ઘરને માથે લીધું,

કારણ, કોયલે કાગડાને I love You કીધું,

જમાનો હવે કોયલને તમે, કોઈ પણ દોષ ના દેજો,

થોડી એની લાગણિયુંને પણ તમે ધ્યાનમાં લેજો,

કેમ કે થાકીને એણે અંતે પ્રેમ કરીને બસ જીવન અમૃત છે પીધું,

જ્યારે, કોયલે કાગડાને I love You કીધું,

વીતી ગઇ એની ઉમર ને તોય કોઈએ સારું ઠેકાણું ના ચીંધ્યું,

છેવટે કોયલે કાગડાને I love You કીધું,

------- રાધે -------

તડકાને લાગી ગઈ ટાઢ

આમ તો ઘણા ને ટેવ હોય ને કે, વાતાવરણ માફક ના પણ આવતું હોય તો પણ થોડું અભિમાન બતાવવા ટાઢમાં પણ ગરમ કપડાં વગર આંટા મારતા હોય ને પછી શરદી લાગે ત્યારે ખબર પડે, એ સંદર્ભ માં અહીં તડકાને લઈને એક રમૂજી રચના રચી છે,

તડકાને લાગી ગઈ ટાઢ,

જુઓ તો ખરા ક્યારની એના મુખ પર કેવી ડગડગે છે દાઢ,

તડકાને લાગી ગઈ ટાઢ,

ઉઘાડા માથે ફરતો હતો ને નહોતી કોઇની બીક,

માન્યો ના એ કોઈનું ઘણીય કરીતી માથાજીંક,

છેવટે જુઓ પછી એના નાકે આવી છે, કેવડી મોટીય બાઢ,

તડકાને લાગી ગઈ ટાઢ.

લ્યો હવે કોઈ એના માથે શાલ-ધાબળો તો ઓઢાડો,

તાપણું કરી થોડું જઇ એની પાસ તડકાને તમે પોઢાડો,

શરદી સાથે એનો પણ લાગે છે હવે સંબંધ થઈ ગ્યો છે ગાઢ,

તડકાને લાગી ગઈ ટાઢ.

જુઓ તો ખરા ક્યારની એના મુખ પર કેવી ડગડગે છે દાઢ,

તડકાને લાગી ગઈ ટાઢ,

------- રાધે -------

વીંછીને ચડ્યું છે માનવનું ઝેર

વીંછી કરડે તો કેટલી બળતરા થાય.., પણ કહેવાય ને કે માણસ જો કોઈને કરડે(દગો કરે) તો એ સૌથી વધુ ઝેરી સાબિત થાય છે, એનામાં ઈર્ષ્યા નામનું ખૂબ ઘાતક ઝેર રહેલું છે, અને એટલે જો એ વીછી ને કરડી જાય તો વીછી માટે પણ ખતરનાક કહી શકાય એવા સંદર્ભ માં..

વીંછીને ચડ્યું છે જુઓ માનવનું ઝેર,

ચારે તરફ વર્તાયો છે આજે અહીં કેવો કાળો કેર,

વીંછીને ચડ્યું છે જુઓ માનવનું ઝેર,

આવી બિચારો વીંછી, માણસને ડંખે છે.

છેવટ હવે એ પણ, પાણી કાજે ઝંખે છે.

કરીને ઈલાજ હવે, કોઈ તો કરો મ્હેર,

વીંછે ને ચડ્યું છે માનવ નું ઝેર.

શોધ્યો નથી ઝડતો એનો ઝેર ઉતરનાર,

હવે કોણ થાશે વીંછીનો તારણહાર ?

મારી તરફડિયાં એ તો થઈ ગ્યો છે ઢેર,

વિંછીને ચડ્યું છે માનવનું ઝેર.

------- રાધે -------

વેલને ચડી વાઇડાઈ

અભિમાન આવી જતું હોય છે ઘણીવાર ઘણાને, અને ત્યારે એમને બધા તુચ્છ દેખાવા લાગે છે અને જ્યારે એને પોતાને એની એ જ વ્યક્તિની જરૂર પડે છે ત્યારે એની સામે ગરીબ ગાય થય જાય છે, એવા જ સંદર્ભ માં અહીં વેલને લીધી છે

વેલને ચડીતી વાઇડાઈ એવી,

ખોંખારો ખાઈ ખપાટને એ બોલી, જા ઘણી જોઇ તારા જેવી,

વેલને ચડીતી વાઇડાઈ એવી,

સુંદરતા પર અભિમાનથી કમર એણે લચકાવી,

નખરાં કરતી દાંતની નીચે અધર કળી કચકાવી,

સાવ ટૂંકા સમયમાં ટોંચે જવાની ઘણી ઈચ્છાઓ એણે એવી,

વેલને ચડીતી વાઇડાઈ એવી,

છેવટ જવા ઉપર એ તો ખપાટ સાથે જ વીંટળાઇ,

નારાજ થઈ ખપાટને એ તો ત્યાં ને ત્યાં અટવાઈ,

વિલે મોઢે ત્યારે વેલ કહે હવે જિંદગી જીવું તું કહે એવી,

વેલ ને ચડીતી વાઇડાઈ એવી.

ખોંખારો ખાઈ ખપાટને એ બોલી, જા ઘણી જોઇ તારા જેવી,

વેલને ચડીતી વાઇડાઈ એવી,

------- રાધે -------

શેરડીને સુગર આવી છસો ને વીંસ

સામાન્ય બીમારી થય ગઈ હવે તો ડાયાબિટીસ, ઘણી ના પાડો છતાં એમને ગળ્યું તો ખાવા જોઇયે જ અને પછી જ્યારે રિપોર્ટ થાય ત્યારે શું હાલ થાય એ અહી આ રચનામાં ખુદ શેરડી ને સંદર્ભમાં રાખી વણવામાં આવી છે.

શેરડી ને સુગર આવી છસો ને વીંસ,

રીપોર્ટ બધા જોયા જ્યારે શેરડીની માંએ, ત્યારે મોટેથી પાડી એણે ચીંસ,

શેરડી ને સુગર આવી છસો ને વીસ,

લગ્નોમાં જઈને બધે લાડવા જ ઉલાળતીતી,

બરફી ને પેંડાઓ વળી એ કેવા સસવાળતી તી

લાગી હવે સુગર એમાં કઈ ના હવે થાય, ભલે ને કરે એ ઘરડી રીંસ,

શેરડી ને સુગર આવી છસો ને વીંસ,

ચા અને કોફી એને ગળી હોય તો જ ભાવતી,

લે હવે તો ડોકટરોએ પણ ફાડી મોળી એવી પાવતી,

હવે જાવ માંડો દોડવા દવાખાને ને માંડો ભરવા બિલ અને ફીસ,

શેરડીને સુગર આવી બસો ને વીંસ,

રીપોર્ટ બધા જોયા જ્યારે શેરડીની માંએ, ત્યારે મોટેથી પાડી એણે ચીંસ,

શેરડી ને સુગર આવી છસો ને વીસ,

------- રાધે -------

ધીમા તપો ને તમે ભાણ

કશ્યપના પુત્ર ભાણ એવા સૂર્યદેવના ગુસ્સાને કાબુમાં લાવવા વિનંતી કરતી એક વાત ને આ રચનામાં વનવામાં આવી છે, છેવટે બાપ કશ્યપની કસમ આપી વિનવવામાં આવ્યા છે.

વ્હાલા ધીમા તપો ને તમે ભાણ

આટલાથીયે હવે ના સમજો તો બાપ કશ્યપ ની તુજ ને છે આણ

વ્હાલા ધીમા તપો ને તમે ભાણ

તું આવે તો તારી સામે હજી અમે નજરો ના લડાવીએ,

તારા આગમને તને વધાવવા પ્રભાતે જળ ચઢાવીએ,

તોય રૂઠીને પાછા કોપ કરીને, કરો છો કાં આવા તમે મંડાણ,?

વ્હાલા ધીમા તપો ને તમે ભાણ

તું કહે તો કુદરત તને સાજું - નરવું પાછું સોપીએ,

લે હવે તો માથાદીઠ થોડા વૃક્ષ છોડવાઓ વાવીએ,

એક ભૂલ છે જે અમારી કરી દે માફ હવે થશે ન કોઈ કમઠાણ

વ્હાલા ધીમા તપો ને તમે ભાણ

આટલાથીયે હવે ના સમજો તો બાપ કશ્યપ ની તુજ ને છે આણ

વ્હાલા ધીમા તપો ને તમે ભાણ

------- રાધે -------

રમકડાએ આજે કરી છે રાવ

હવે જમાનો મોબાઈલનો જ ને, નાના નાના બાળકોના હાથમાં પણ આજે જ્યાં જુઓ ત્યાં મોબાઈલ જ દેખાય છે, અને એટ્લે જ ખૂણામાં પડેલું એક રમકડું આ માટેની ફરિયાદ કરે છે જે વાત ને આ રચનામાં રમકડાં તરફી રચવામાં આવી છે.

રમકડાએ આજે કરી છે રાવ,

જેવો આવ્યો મોબાઈલ ને ત્યા તો અમારા સાવ ઘટી ગ્યાં છે ભાવ.

રમકડાએ આજે કરી છે રાવ.

ભાંગી તૂટી રમવાનું હોય ને તોય આનંદ આવતો,

આળોટતા એ ધૂળનો સ્વાદ પણ તોય અમને ભવતો,

જખમ એ ડીલનો ભરાય પણ, ના ભરાય હવે આ દિલના ઘાવ,

રમકડાએ આજે કરી છે રાવ,

ટેક્નોલૉજીની સાથે સાથે થોડો અમનેય સમય આપો,

સાચી ખુશી શેમાં છે યાર એ ક્યારેક તો તમે માપો,

થોડી મારો દિલમાં ડૂબકી ને પછી સાચા તથ્ય સુધી તો તમે જાવ,

રમકડાએ આજે કરી છે રાવ,

અમે પણ અમારી અંદર ઘણી લાગણીઓને ઠાંસી છે,

બાકી દુનિયા મોબાઇલની, એ સર્વત્ર બસ આભાસી છે,

હવે થાક્યા અમે, ફેકી દઉ એ, અહીં તું એ ડાબલાને લાવ,

રમકડાએ આજે કરી છે રાવ,

------- રાધે -------

ઇશ તું હોર્ન વગાડમાં

માણસ માત્ર ભૂલ ને પાત્ર, આવું માની ને માણસ તો ભૂલ કરવામાં પાછું ફરીને નથી જોતો, પણ ઈશ્વર એને ઘણા સંકેત આપે છે, છતાં પણ માણસ જાત ને કોઈ ફેર પડતો નથી, એટ્લે જ ઈશ્વર ને વિનંતી કરવામાં આવે છે કે, ઈશ્વર તું એને જગાડમાં, એણે એની મદમસ્ત અદામાં સુવા ડે જ્યારે સપનાઓ તૂટશે ત્યારે એણે સમજ પડશે.

હે ઇશ ! તૂ હોર્ન વગાડમાં,

અંદર ક્યાંક આરામથી સૂતો છે માણસ, એને તું હવે બસ જગાડમાં,

હે ઇશ ! તૂ હોર્ન વગાડમાં,

નોખા કરી ઘર તારા નોખી ભાતથી નમે છે,

મંદિર, મસ્જિદ નામે એ તો સ્વાર્થી બાજી રમે છે,

હવે આમ આપીને એને થોડી બુદ્ધિ ને સાન, એની બાજીયું બસ બગાડમાં.

હે ઇશ ! તૂ હોર્ન વગાડમાં,

તારો બનાવેલ માણસ આજ તુજને જો બનાવે છે,

લાગણિયુંને તારી તારા દ્વારે જ એ દફનાવે છે,

તેમ છતાં એ બાળ તો તારા જ છે, બાપ થઇ હવે તું ખોટું લગાડમાં

હે ઇશ ! તૂ હોર્ન વગાડમાં,

------- રાધે -------

હું બાળક સહજ સ્વભાવ

શું મોંઘું ને શું સસ્તું,? બાળકને તો એના મનને ભાવે એ ખરું, અને એટલા માટે જ તો એને દુનિયાદારીની કોઈ ફિકર નથી હોતી, એ તો બસ જીવવાનું જાણે છે, કેમ જીવવું એની કોઈ ઉપાધી એને નથી, એટ્લે જ બાળક બનીને જીવતા શીખવું જોઇએ ને એવી જ કઈક આ રચના.

હું તો બાળક સહજ સ્વભાવ,

ખેચાવ હું એમ જ જ્યાં મુજને મળતા લાગણી ભરેલા ભાવ,

હું તો બાળક સહજ સ્વભાવ,

તુચ્છ કિમતનો ફુગ્ગો મારી આંખોને ધ્યાનમાં આવે,

આ મોંઘા દાટ રમકડાઓ મારા મનને નાહી ભાવે,

આ રિશ્વત સમાં લો રમકડાઓ, અને ફેકી દો અહીથી જાવ,

હું તો બાળક સહજ સ્વભાવ,

હા મિત્રો સાથે લડવાનું ને જઘડવાનું પણ થાય છે,

બસ બે ઘડી એ દાઝ દિલમાં યાદ પણ રખાય છે,

પણ રાખી હૈયે હું કૂટનીતિ ને, પછી સખા સંગ ખેલું ન દાવ,

હું તો બાળક સહજ સ્વભાવ,

હજુ તો મારા મનના દ્વારો કુતૂહલવશ ખોલાય છે,

પડું છુ હું પણ, દિલે નહીં બસ ડીલે મારા છોલાય છે,

ને પછી માં મારે હળવી એવી ફૂંક ને ત્યાં, રૂજાય છે સઘળા ઘાવ,

હું તો બાળક સહજ સ્વભાવ,

------- રાધે -------

છે કલમ મારી ખોવાણી

હ્રદયની સંવેદનાઓ લેખન મારફતે બહાર નીકળે છે પણ, જો એ લખનાર કલમ જ ખોવાય જાય તો શું થાય, વિચારો પાંગળા બની જાય, એવો જ કઈક નાતો કલમ અને કલમના કારીગર એવા લેખક વચ્ચેનો રહેલો છે જે આ રચનામાં વણેલો છે,

છે કલમ મારી ખોવાણી,

એના વગર તો હવે મારા જીવનમાં, વ્યર્થ છે મારી વાણી,

છે કલમ મારી ખોવાણી,

નજર સમક્ષ ભજવાતા દ્રશ્યો, દિલમાં નથી છપાતા,

સંતાકૂકડી છે રમતા જાણે, ભાગતા છે ને લપાતા,

વિશ્વ આખુ જોતી આંખ્યું મારી થઈ ગઈ છે હવે જાણે કાણી,

છે કલમ મારી ખોવાણી,

શબ્દશસ્ત્રો પણ આજ જાણે, ભાંગી તૂટી પડ્યા છે,

કાવ્યો મારા મનમાં ને મનમાં, વિદ્રોહે ચડ્યા છે,

કેમ કે કલમને જાણીને તીર મે તો પણછ ને રાખીતી તાણી,

છે કલમ મારી ખોવાણી,

પાત્રો જાણે એથી મારા મૂર્છિત થતાં જાય છે,

વાર્તાઓના અંશો પણ અધૂરા રહેતા જાય છે,

બસ હવે તો કલમ મળી જાય મારી તો પૂરી થાય મારી કહાણી,

છે કલમ મારી ખોવાણી,

------- રાધે -------

ગાયને બાંધી લઉં

ઋષિઓ કહે છે કે ગાય ગુણકારી પશુ છે, અને આપણે એને માતાનો દરજ્જો પણ આપ્યો છે, પણ આજે ખૂબ ઓછા ઘરમાં ગાય જોવા મળે છે અને બીમારીઓ એટલી જ વધારે જોવા મળે છે એટ્લે ફરી ગાય બંધવાનો વિચાર રજૂ કરતી આ રચના

ભેળું કરીને છાણ ભીંતડે છાણાં છાંદી લઉં

કે ચાલ આજે ફરી ગમાણે ગાયને બાંધી લઉં.

પાવડર કેરા દૂધડા ઢીંચી યૌવન થયા કમજોર,

વીરતા ઉપર આજ મંડાયા વાદળિયાં ઘનઘોર,

હવે વીર રસે છલકાતા એના દૂધડા હું દોહી લઉં,

કે ચાલ આજે ફરી ગમાણે ગાયને બાંધી લઉં.

પંચામૃતમા વેદે એનો કર્યો અતિથિ સત્કાર,

માનવ મટીને આજ કાં એનો થાયે તિરસ્કાર?

ભરી અંજલિ પછી ચોતરફ એ ગૌમુત્ર છાંટી લઉં.

કે ચાલ આજે ફરી ગમાણે ગાયને બાંધી લઉં.

મોં ફેરવી મરડાટી જયારે ધરણી ન દેતી ધાન,

ગૌ છાણને ત્યારે આજે માની રહ્યું છે વિજ્ઞાન,

ગુણવત્તાને કાજ એ ખાતરને ખેતરે છાંટી લઉં,

કે ચાલ આજે ફરી ગમાણે ગાયને બાંધી લઉં.

તેત્રીસ કોટી દેવતા ડીલમાં જેના કરતાં વાસ,

બનતી જાય એ માતા આજે કલ્પના ને આભાસ,

સતી ને આભાસ વચ્ચેની પાતળી રેખા ભાંખી લઉં,

કે ચાલ આજે ફરી ગમાણે ગાયને બાંધી લઉં.

------- રાધે -------

આપના પ્રતિભાવની રાહમાં.

રાધે