વડોદરાના રસ્તાઓ પર દોડી રહેલી જીપની ગતિથી ઝાલાનું દિમાગ વિચાર કરી રહ્યું હતું, ‘સુરપાલે કહ્યું છે કે મળેલી તમામ ફૂટપ્રિન્ટ્સમાંથી એક વ્યક્તિનો જમણો પગ જમીન પર બરાબર પડતો નથી, જયારે ઘરના બધા સભ્યો બરાબર ચાલે છે ; કોઈના પગમાં ખામી નથી. એમ તો લેબ્રાડોરે પણ એક અજાણ્યા માણસની ગંધ પકડી હતી. કદાચ ડૉગ સ્કવૉડે શોધેલો અજાણ્યો માણસ અને સુરપાલે શોધેલો લૂલો માણસ એક જ વ્યક્તિ છે. પણ, નોકરના કહેવા પ્રમાણે એવો કોઈ માણસ ઘરમાં પ્રવેશ્યો જ નથી. તો શું તે ઘરના સભ્યોની જાણ બહાર આવ્યો હતો ? અભિલાષાના કહેવા પ્રમાણે રાત્રે સાડા અગિયાર સુધી આરવી તેની સાથે હતી. જો, અભિલાષા સાચું બોલે છે તો આ હત્યા રાત્રે સાડા અગિયાર પછી થઈ છે. માટે, હત્યા બહારના માણસે કરી હોય તો તે, રાત્રે સાડા અગિયાર પછી જ ઘરમાં દાખલ થયો હોય.
પણ, તે ઘરમાં પ્રવેશ્યો કેવી રીતે ? રામુએ ઘરનો દરવાજો અગિયાર વાગ્યે બંધ કરી છેક સાત વાગ્યે ઉઘાડ્યો હતો. શું બહારના એ માણસને પ્રવેશવા દેવા ઘરના કોઈ સભ્યએ દરવાજો ખોલ્યો હશે ? બહારથી આવેલા એ હત્યારાના ચાલ્યા ગયા બાદ ઘરના તે જ કે અન્ય સભ્યએ દરવાજો બંધ કર્યો હશે ? મનાય કે ન મનાય, આરવીની હત્યામાં બલર પરિવારના કોઈ સભ્યની સીધી યા આડકતરી સંડોવણી છે.
આખા કેસમાં શંકા ઉપજાવે એવી હજી એક વાત છે : ઘરમાં નોકર હોય તો અડધી રાત્રે પીધેલા કોલ્ડ ડ્રિંકના એઠા ગ્લાસ કોઈ શા માટે વીછળે ? અરે, વીછળવાની વાત તો દૂર, કોઈ ગ્લાસને નીચે મૂકવા જ ન જાય. માટે, યા તો અભિલાષા કંઈક છુપાવે છે, યા તો કોલ્ડ ડ્રિંકવાળી વાતનું હત્યા સાથે કનેક્શન છે. ખેર, પોસ્ટમૉર્ટમ રિપૉર્ટ, ફિંગરપ્રિન્ટ્સ મેચ અને કૉલ રેકૉર્ડ્સ આવશે એટલે ચિત્ર સ્પષ્ટ થશે.’
“દુર્ગાચરણ અહીં રો-હાઉસમાં રહે છે.” ડાભીના અવાજે ઝાલાને વિચારોની તંદ્રામાંથી બહાર આણ્યા.
પોલીસ જીપ ગોત્રી પહોંચી ચૂકી હતી, પૂજનપાર્ક રો-હાઉસના મકાન નંબર - 23 સામે ગાડી ઊભી રહી. રૂમ-રસોડાના રો-હાઉસ ધરાવતી આ સોસાયટીમાં ગરીબ લોકો રહેતા હતા. ધનવાનોની ખબર પૂછતી પોલીસ, ગરીબોની ખબર લેવામાં પાવરધી હોય છે. ગરીબી એ ગુનેગાર હોવાનું પ્રમાણપત્ર નથી છતાં, જયારે પણ બંગલાનો દરવાજો તૂટે ત્યારે ઝૂંપડીનો દરવાજો ખખડાવવામાં આવે છે. જોકે, ઝાલા અને ડાભી એ પ્રકારના અધિકારીઓ ન હતા.
“આ દુર્ગાચરણનું ઘર છે ?” ડાભીએ બહારથી પૂછ્યું.
“હાં જી.” અંદરથી સ્ત્રીનો અવાજ સંભળાયો.
પોલીસ અંદર પ્રવેશી. રૂમની બે દીવાલને અઢેલીને, બે પલંગ કાટખૂણે ગોઠવાયા હતા. સામે લાકડાના ટેબલ પર એક ટીવી કૅબિનેટ પડ્યું હતું. બેમાંના એક પલંગ પર વિખરાયેલા વાળ, ફિક્કા હોઠ અને સુકલકડી દેહવાળો ચાલીસેક વર્ષનો આદમી સૂતો હતો. તેનો ચહેરો દાઢી વગરનો સાફ પણ શ્યામ અને લંબગોળ હતો. અવાજ સાંભળી તેણે આંખો ખોલી.
પોલીસ કંઈ પૂછે એ પહેલા જ એક મેદસ્વી સ્ત્રીએ દેખા દીધી. તેલ નિતરતાં વાળ, સિંદૂરનો જાડો સેંથો અને દેશી પદ્ધતિથી પહેરાયેલી ભડકાઉ લાલ સાડી, તે દેહાતી હોવાની ચાડી ખાતા હતા.
“પાની લેકર આઓ.” પુરુષે આદેશ આપ્યો. સ્ત્રી અંદર ગઈ અને પુરુષ પલંગ પરથી ઊઠ્યો. પોતાના પગ જમીન પર મૂકી તે ઊભો થવા ગયો, પણ તે લથડ્યો અને પલંગ પર બેસી ગયો. “જી મૈ હી દુર્ગાચરણ હું, કલ રાત સે તબિયત થોડા નરમ હૈ. સુબહ તક પહેરા દિયે હૈ ઈસલીયે નીંદ સે જાગને મેં તકલીફ હોતા હૈ.” પોતે કેમ લથડ્યો એનો ખુલાસો આપતો હોય તેમ તે બોલ્યો.
ડાભીએ તેની વાત પર ધ્યાન આપ્યા વગર જ પૂછ્યું, “હરિવિલા સોસાયટીમાં મર્ડર થઈ ગયું છે એ તું જાણે છે ?”
ઘણી વાર આપણને પ્રશ્ન પૂછવાની એટલી ઉતાવળ હોય છે કે પ્રશ્ન પૂછ્યા પહેલા જોઈતો જવાબ મળી જાય તો ય આપણું ધ્યાન તેના પર જતું નથી. વળી, જવાબ ફક્ત શબ્દોથી નથી મળતો ; ક્યારેક વર્તનથી પણ મળી જતો હોય છે.
“હાં સાહબ. આપ કા ફોન આને કે બાદ હમ નેપાલી કો ફોન કિયે થે.” તેની બોલીમાં બિહારી છાંટ હતી.
“તો તો તને ખબર જ હશે કે બંગલા નંબર 5૦માં આરવીનું ખૂન થઈ ગયું છે !”
“આરવી મે’મસા’બ કા ખૂન હુઈ ગવા ?” દુર્ગાચરણના ચહેરા પર આશ્ચર્ય રેલાયું.
“નેપાળીએ તને કહ્યું નહીં ?”
“ઉસને તો ઉતના હી બોલા કિ બંગલા નંબર 5૦ મેં એક ખૂન હુઆ હૈ.” દુર્ગાચરણનું આશ્ચર્ય હજી શમ્યું ન હતું. એટલામાં પેલી બાઈ સ્ટીલના ત્રણ પ્યાલામાં પીવાનું પાણી લઈ આવી. સૌએ પાણી પીધું અને સ્ત્રી ખાલી પ્યાલા લઈ અંદર ચાલી ગઈ.
“પણ આરવીનું મોત થયું છે એ જાણી તને આંચકો કેમ લાગ્યો ? શું મોડી રાત્રે કંઈ શંકાસ્પદ બન્યું હતું ?” દુર્ગાચરણની અકળામણ ઝાલાથી છાની ન રહી.
“નહીં સા’બ, ઐસા તો કુછ નહીં હુઆ.”
“તો તું આટલો ચોંકી કેમ ગયો ?”
દુર્ગાચરણ વિચારોમાં ખોવાઈ ગયો, તે કંઈક બોલવા જતો હતો ત્યાં ડાભીએ પૂછ્યું, “રાત્રે વિશેષ વાસુ સિવાય બીજું કોઈ આવ્યું હતું ? તારે એન્ટ્રી કરવાની રહી ગઈ હોય અથવા તું આઘોપાછો થયો હોય અને કોઈ પ્રવેશી ગયું હોય...”
આ સાંભળી દુર્ગાચરણ ચમક્યો, “અરે, વહ આરવી મૅડમ કે ભી તો દોસ્ત થે, કભી કભી ઉન્હેં છોડને ભી આતે થે.”
“કોણ ?” ડાભીના સવાલમાં અધીરાઈ આવી.
“વિશેષભાઈ. વૈસે તો વહ અજય સાહબ કે દોસ્ત હૈ, પર આરવી મે’મ કે પીછું મરતે થે. વહ ક્યા હૈ કિ વિશેષભાઈ, અજયભાઈ ઔર આરવી મૅડમ એક હી કૉલેજ મેં પઢતે થે ન...”
“તો તું એમ કહેવા માંગે છે કે વિશેષ ગઈરાત્રે આરવીને મળવા આવ્યો હતો ?” ડાભીએ પૂછ્યું.
“વહ તો હમ નહીં જાનત રહે. પ્રોટોકૉલ કે હિસાબ સે હમને વિશેષભાઈ કો રોકકર કે પૂછા થા ‘કહાં જાના હૈ’, તો બોલે ‘અજયના ઘરે જાવું છે.’ હમને અજયભાઈ કો ફોન કિયા તો બોલે આને દો. ફિર એકાદ ઘંટે બાદ વાપિસ ચલે ગયે, હમ ઉનકે જાને કા ટાઇમ ભી લિખે થે.”
“પણ તને કેવી રીતે ખબર કે વિશેષ આરવી પાછળ મરતો હતો ?” દુર્ગાચરણના હાવભાવ વાંચવાનો પ્રયત્ન કરતા ઝાલાએ પૂછ્યું.
“સા’બ, વો તો લડકા-લડકી કો દેખકર કે પતા ચલ જાતા હૈ. વૈસે વિશેષભાઈ હમેં કુછ ઠીક નહીં લગતે થે, જ્યાદાતર દેર રાત કો આતે થે ઔર કભી કભી શરાબ પીકર કે આતે થે. એક બાર હમસે લડાઈ ભી કિયે થે.”
ડ્રાય સ્ટેટ ગુજરાતમાં અઢળક દારૂ વેચાય અને પીવાય છે એ વાત ઝાલા સારી રીતે જાણતા હતા. તેમણે ધીમેકથી પૂછ્યું, “કાલે રાત્રે પણ શરાબ પીને આવ્યો હતો ?”
“નહીં સા’બ, ઐસા લગા નહીં. ”
“સાથે બીજું કોઈ હતું ?”
“નહીં અકેલે થે.”
“એના સિવાય બીજું કોઈ આવ્યું હતું ?”
દુર્ગાચરણે નનૈયો ભણ્યો.
“કાલે આવ્યો ત્યારે તેના પગે પાટો કે એવું કંઈ બાંધ્યું હતું ? તે બાઇક પરથી ઉતર્યો હોય અને ચાલતા ચાલતા લંગડાયો હોય કે એવું કંઈ જોયું હતું ?”
“ઐસા તો ધ્યાન નહીં ગયા, પર વહ તો દાયને પૈર સે લંગડાકર હી ચલતે હૈ.”
દુર્ગાચરણના છેલ્લા વાક્યે પોલીસ ટીમને ચોંકાવ્યા. જમણા પગમાં ખામી ધરાવતા વિશેષનું આરવીના પ્રેમમાં હોવું, મોડી રાત્રે તેનું સોસાયટીમાં આવવું, એ જ રાત્રે આરવીનું મર્ડર થવું અને જમણો પગ બરાબર ન માંડી શકતા માણસની ફૂટપ્રિન્ટ્સ મળવી, એ તમામ વાતોને કડીબદ્ધ સાંકળતા બાહોશ અધિકારીઓને સમય ન લાગ્યો. ત્રણેય ખાખીધારી ઝડપભેર બહાર નીકળ્યા, પણ વિચારોમાં ખોવાયેલો દુર્ગાચરણ પલંગ પર જ બેસી રહ્યો, ઊભા થઈને બહાર આવવાનો વિવેક પણ તેણે ન દાખવ્યો.
ક્રમશ :