શમણું એક સોનેરી સાંજનું-૫
ઈશાની ગાર્ડનમાં બેસીને સંજયનો એ પહેલો પ્રેમ પત્ર વાંચવા માટે ખૂબ જ ઉત્સુક નજરે પડે છે.
સંજય હજી એના કામમાં ગળાડૂબ છે અને ઈશાનીને મેસેજ કરે છે કે એને આવતા થોડો વધારે સમય લાગશે.
બિઝનેઝ હોય એટલે ગમે ત્યારે ઇમરજન્સી આવે એટલે કામે લાગી જવું પડે અને અહીંયા એવું જ કાંઈક કામ આજના દિવસે ના ઇચ્છવા છતાં સંજય લઈને બેસે પરંતુ એનું ધ્યાન તો ઇશાનીમાં જ પરોવાયેલું છે.
વાંચતા અનરાધાર આંસુઓ સાથે ઈશાની પ્રેમ પત્ર વાંચી રહી છે એ પ્રેમપત્રની શરૂઆત આ રીતે થાય છે અને પછી આગળ તો પૂછવું જ શું!
ઈશાની,
"કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ,
બોલ્યા વિના એ કહી દે, શું એવું ના થાય કૈં.
હૈયા ને બોલવું છે, હોંઠોં છે ચુપશરમ માં,
શબ્દોને ભૂલી ને સીધું ચૂમી શકાય નહિ,
કહેવું ઘણું ઘણું છે.
મનગમતો સાથ છોડી પલભર જીવાય નહિ,
શબ્દોને ભૂલી ને સીધું ચૂમી શકાય નહિ...''
શરૂઆત ક્યાંથી કરું એ જ વિચારી રહ્યો છું. આજે કેહવું એટલું બધું છે કે કલમ ને કાગળ પણ ઓછા પડી જાય,શબ્દોની દરેક મર્યાદા તૂટી જાય. વિચાર્યું છે એટલે એને કેહવું જ રહ્યું પરંતુ જીભ મારી આ બધું ક્યારે કહી શકશે એ તો ખબર જ નથી એટલે આજે આ તારા અંદાઝમાં એક નાની અમથી કોશિશ સમજીને દિલની વાતોને દિલમાં ના રાખતા મેં એને કાગળ પર કોતરી છે.
તને મળ્યાનો એ પહેલો દિવસ,
આંખોમાં થોડી શરમ, હૈયામાં જાણે ખુશીની ઝલક,
તારા હાથની એ પહેલી ચાહનો સ્વાદ,
એકાંતની એ ક્ષણિક પળો,
થોડી ઘણી નાની-મોટી વાતો,
તને હા કહું કે ના, એની પર આખી-આખી રાતો જાગીને કરેલા એ વિચારો,
અંતે હા કહીને તારી સાથે શરુ કરેલ એ અનોખા સંબંધની શરૂઆત,
સગાઈની સજાવટ ને તારી સાદગીની સોડમ,
અડધો પ્રેમમાં પડી ચુકેલો આ સંજય,
સગાઈથી લગ્ન સુધીનો એ સમય,
ઓછા સમયમાં જાણે જનમનો સાથ હોય એવી અનુભૂતિ,
શબ્દોમાં ક્યારેય ના વર્ણવેલો એ પ્રેમ,
લગ્નની એ સાંજ, શોળે કળાયે ખીલેલું તારું યૌવન,
નજરોથી થતી એ વાત, વિદાયની વેળા,
તારી આંખોના એ મોટી સમા આંસુ,
મનમાં હજારો હીબકા લેતા સવાલો,
ગ્રહ પ્રવેશ, વિધિ અને સુહાગરાત,
લગ્ન જીવનની એ નવી શરૂઆત,
મારા મકાન ને ઘર બનાવવું, તારું મારા ઘરને પ્રેમથી સાંભળી લેવું,
મારા પરિવારને ખુશીઓની ચાવી આપીને હાસ્ય રેલાવવું,
મારા પિતાને સસરા નહિ પરંતુ 'પિતા'નો દરજ્જો આપી સમ્માન કરવું,
મારા દરેક સમયનું ધ્યાન રાખવું,
તારો એ નિખાલસ, ભાવુક અને ચંચળ સ્વભાવ,
નાના બાળક જેવું હાસ્ય,
પ્રેમમાં મને રોજ પડવાની આવતી એ મઝા,
કામની એ વ્યસ્તતા, તને સમય ના આપી શક્યાનું દુઃખ,
તારા અંદર ચાલી રહેલા છુપા સવાલોનું વાંચવું,
છતાં તને કાંઈ ના કહી શક્યાની એ તકલીફ,
તારી આંખોમાં ઉગતા એ દરેક સપનાને વાંચીને,
એને પૂરાં ના કરી શક્યાંની મૂંઝવણ,
અંતે અસહ્ય વેદના, તને કશું ના કહી શકવાની,
આ બધા જ ભાવોને આજે હું કાગળ-કલમ દ્વારા તારા હ્દયના દ્વાર સુધી પહોચાડું છું.
હજી આ તો કાંઈ જ નથી, મેં જે દરેકે-દરેક ક્ષણને યાદ કરીને આ છ મહિનામાં મારુ જે કાંઈ પણ વર્તન તારા પ્રત્યેનું વિચાર્યું, સ્મરણ કર્યું ત્યારે મને સમજાયું કે મેં કેટલો અન્યાય કર્યો છે અને એ જ ક્ષણે નક્કી કર્યું કે હવે હું બધું જ ઠીક કરી દઈશ. ૬ મહિના વીતી ત્યાં એને તો હું પાછા નહિ લાવી શકું પરંતુ એ દરેક ક્ષણનો હિસાબ કરીને એ ખુશીઓથી વંચિત રહી છું એને તારા કદમોમાં લાવી શકીશ.
મને નથી ખબર કે હું જે કાંઈ પણ કહી રહ્યો છું એ શું છે, મને બસ એટલું ખબર છે કે ઈશાની એ મારી જિંદગીની એવી ધાર છે જેના વગર મારા જીવનનો પાયો હાલી શકે એમ છે, એવું પિલ્લર છે કે જેના વગર મારુ આ ઘર બની શકે એમ નથી, ચાહમાં ભળી ગયેલી એ મોરસ છે જેના વગર ચાહ પણ ફિક્કી લાગે.
પાનખરની એ ઋતુ બની ખુશીઓને સંજય પર ખંખેરી નાખે એ ઈશાની,
ઉનાળે ઉકળતા, ધગધગતા તાપ, દુઃખ-દર્દને પોતાના અંચલમાં સમેટી લે એ ઈશાની,
વીજળીના ઝટકા સહી વરસાદની બૂંદો વરસાવે એ ઈશાની,
જિંદગીનો અંધકાર બસ એક દિપક પ્રગટાવી અજવાસ કરે એ ઈશાની,
ધૂપમાં પડછયો બની સાથ નિભાવે એ ઈશાની,
મારા સપના ખાતર પોતાના સપના ભૂલે એ ઈશાની,
હૈયામાં હામ ને હોઠો પર હેત રાખે ને એ ઈશાની,
પોતાના દુઃખને ભૂલી સંજય & family માટે ગમે તે કરે ને એ ઈશાની,
૨૧મી સદીમાં સત્યનો એક અનોખો પ્રકાશ જ કહી શકાય ને એ ઈશાની,
કળિયુગમાં પણ સતી બની અગ્નિ પરીક્ષા આપે ને એ ઈશાની,
હર તકલીફ અને સમયની દરેક પરીક્ષામાંથી પાર ઉતરે એ ઈશાની,
સાદગીમાં સુંદરતા એ વાતને સાર્થક કરે એ ઈશાની,
તન કરતા મનને પ્રેમ કરવાનું ગમે ને એવી ઈશાની,
જેને મનમાં રાખી જીવનભર સાથ નિભાવવાનું ગમે ને એવી ઈશાની,
મારા જીવનના રંગ,ઉમંગ અને તરંગનું બસ એ જ સરનામું એટલે ઈશાની...
ઈશાની પાત્ર વાંચે છે અને આંસુઓ રોકાવવાનું નામ નથી લેતા. સંજય હજી પણ કામમાં ગળાડૂબ છે. ઈશાનીને મેસેજ કરીને થોડી વધારે વાર લાગશે એવો સંદેશો આપી સોરી ના સ્માઈલી મોકલે છે. ઈશાની તો જાણે સંજયને જોડે જઈને વળગી પડે ને એવી જ અનુભૂતિ કરી રહી છે.
આંસુઓને આવતા રોકી ફરી પત્ર વાંચવાની કોશિશ કરે છે અને ત્યાં જ સંજય સામે આવતો દેખાય છે. આંસુઓને સંતાડી, ચહેરાને વધારે સાફ કરીને ફરી જેવી હતી એવી થઇ જવાની એ નાકામ કોશિશ કરે છે.
'ઈશાની, સોરી ડીઅર, થોડું કામ આવી ગયું હતું એટલે જવું જ પડ્યું, મારી પણ ઈચ્છા નહતી જવાની પરંતુ કામ જ એવું હતું કે મારા વગર ચાલે એમ નહતું.', સંજય કહ્યું.
ઈશાની ઉંધી ફરીને વાત સાંભળી રહી હતી અને આંસુઓને રોકાવની નાકામ કોશિશ હજી પણ ચાલુ હતી.
'ઈશુ, હવે આટલી નાની વાતમાં આજના દિવસે મોઢું ફેરવી લઈશ તો કેમનું ચાલશે??'
ઈશાની કશું જ બોલ્યા વગર સંજયને ગાલે લાગી અને આંસુઓને રોકવાનો પ્રયાસ નિષ્ફળ જતા આંખોનો એ આંસુઓનો બંધ તૂટી ગયો.
આ મિલાનના સાક્ષી કુદરત સિવાય બીજું કોઈ નહતું.
આગળ આવતા અંકે.
આપના અભિપ્રાય સાથે..
- બિનલ પટેલ