Ek Chaal Tari Ek chaal mari - 25 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 25

Featured Books
Categories
Share

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 25

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 25 )

અને હા, આ વાત કોઇ સાથે ચર્ચવી જરૂરી નથી. એમ સમજી લે કે આપણા વચ્ચે કોઇ વાત થઇ જ નથી.

વિક્રમનું મન ફરી ફરીને સુલેમાન સરકાર સાથે થયેલી વાત દોહરાવતું રહ્યું. શિપ પર એક કેદીની જેમ કપાતાં દિવસો સામે વિક્રમને ફરિયાદ નહોતી. પણ છેલ્લે જે રીતનું વર્તન અબ્દુલનું રહ્યું હતું એ પરથી મનમાં આશંકા ઘર કરતી ચાલી હતી.

મધદરિયે જાયન્ટ કાર્ગો વેસલમાંથી ડિંગી બોટમાં ઊતરીને સો ફૂટ દૂર રહેલી સ્પીડબૉટમાં બેસવાનું જોખમ જેમ્સ બૉન્ડની ફિલ્મમાં સંભવી શકે, રિયલ લાઇફમાં નહીં એટલે જ હિંમત કરીને એ વિશે કઈક ઘટતું કરવાની વિનવણી કરતો ફોન અબ્દુલને કર્યો હતો. આ આખી વાત યાદ કરીને વિક્રમના કપાળ પરની રેખાઓ તંગ થઇ ગઇ, એનો સીધો અર્થ એમ જ થયો ને કે અબ્દુલ જ નહોતો ચાહતો કે પોતે સહીસલામત સુલેમાન સરકાર સુધી પહોંચે. પોતાનો એ ડર બિલફૂલ સાચો ઠર્યો, પણ પોતાની જેમ સુલેમાન સરકારને પણ કશુંક રંધાઇ રહ્યું હોવાની ગંધ આવી હશે ?

વિક્રમનું મન વાતનો તંત જ્યાંથી મૂકતો ત્યાંથી ફરી ફરી ગુંથતું રહ્યું. એનો અર્થ એમ કે અબ્દુલ ભલે કહેવાતો હોય સુલેમાન સરકારનો જમણો હાથ, પણ સુલેમાન સરકારને એના આ જમણા હાથ પર પણ વિશ્વાસ નહોતો, નહીંતર આ છેલ્લું ડેવલપમેન્ટ શક્ય જ નહોતું.

વિક્રમને પોતાની વિચારશક્તિ પર એક જ ત્રાસ ઊપજ્યો. છેલ્લી રાત એટલા અજ્ંપામા વીતી હતી કે સ્લીપિંગ પિલ્સની અસર પણ વર્તાતી નહોતી અને એમાં આજે થયેલી આ વાત... એણે તો આખી નર્વસ સિસ્ટમ ખોરવી નાખી હતી.

શિપે હોર્ન વગાડવા માંડ્યો હતો. બંક બેડના ઉપલા બેડ પર, સુતાં સુતાં વિક્રમે અડધું પડખું ફરી ગોળાકાર બારીમાંથી બહાર જોવા પ્રયત્ન કર્યો. ચોસલાં પડે એવા અંધકારમાં થોડી કેસરી હેલોજન લાઇટ્સનો ઉજાસ વર્તાતો હોય એમ દૂર કેસરિયું આકાશ દેખાઇ રહ્યું હતું. એનો અર્થ એ પોર્ટ આવવાની તૈયારી છે. જો આવનારું પોર્ટ રેયોંગ જ હોય તો અહીં ઊતરી જવાનું હતું એ સંજોગોમાં જો પોતાની ટ્રૉલીબૅગ લઇ ઊતરવા જાય તો તો ઝડપાયા વિના ન જ રહે...

વિક્રમે દબાતાં પગલે આવી રૂમના બારણે કાન માંડ્યા. બહાર થઇ રહેલી વાતચીત કાને તો પડી, પરંતુ સમજવી મુશ્કેલ હતી. ભાષા ગમે તે હોય. જો ક્યાંક પોર્ટ્ના નામનો ઉલ્લેખ આવે તો જાણી શકાય કે લોકેશન ક્યું છે ! થોડી વાર તો કોઇ ગડ ન બેસી શકી. વાતચીતનો એક્પણ શબ્દ સમજી નહોતો રહ્યો તે છતાં ત્રૂટક - ત્રૂટક રીતે આવતા થોડાં અંગ્રેજી શબ્દોને કારણે વિક્રમ એટલી અટકળ કરી શક્યો કે આવનારું પોર્ટ નક્કી રેયોંગ જ હશે ને જો આ રેયોંગ હોય તો સુલેમાન સરકારના કહ્યા પ્રમાણે ત્રીજો કોલ ફાઇનલ... અહીં ઊતરી જવાનું હતું.

કૅબિનમાં રહેલી ડીમ લાઇટ ઑફ કરી વિક્રમે માંડ અડધો ઇચ બારણું ખોલી પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો. સુલેમાન સરકાર સાથે વાત કર્યા પછી સતત બે રાત આ જ કર્યું હતું એસ્કેપ રૂટ તપાસવાનું. સામાન્ય રીતે તો આટલી મોડી રાત્રે ભાગ્યે જ કોઇક ચહલપહલ વર્તાતી. મોટા ભાગે શિપ પર કામ કરતો વર્ગ રમની બોટલ લઇને ડીવીડી પર ચાલતી ફિલ્મ જોવા બેસી જતો હતો. પણ આજની પરિસ્થિતિ જૂદી હતી. અત્યારે શિપ સ્ટૉપઓવર લેવાની હતી એટલે ફરજ પર હાજર લેબરસ્ટાફ ડ્યૂટી પર તહેનાત હતો.

વિક્રમે જેટલી હળવેકથી ડોર ખોલ્યું હતું એથી વધુ સાવધાની વર્તીને બંધ કર્યું. પોર્ટને આવતાં અને શિપને લાંગરે એ પછી ગણીને લગભગ એક કલાક જેટલો સમય હાથ પર રહેતો હતો. એ એક કલાકમાં ખેલ પાડવાનો હતો.

કંઇક વિચાર આવતા વિક્રમે ચપળતાથી છલાંગ મારીને નીચે પડેલી પોતાની ટ્રૉલીબૅગમાંથી બ્લૅક ટી-શર્ટ ખેંચી કાઢ્યું. વ્હાઇટ ટી-શર્ટ ને જીન્સ ચેન્જ કરવા જરૂરી હતા. રાતનાં અંધારામાં વ્હાઇટ ટી-શર્ટ કોઇનું પણ ધ્યાન દોરી શકે. બ્લૅક ટી-શર્ટ સાથે બ્લૅક જીન્સ... મુંબઇ હોય કે દુબઇ કે સિંગાપોર બ્લૅક ટી-શર્ટ કે જીન્સમાં કોઇ પહેલી નજરે એને લોઅર રૅન્કનો લેબર માની લે એવી શક્યતા વધુ હતી. એ સાથે છેલ્લે નાખેલી બૅગપૅક પણ બહાર કાઢી લીધી. બૅગપૅકમાં પાસપોર્ટ –થોડી કરન્સી મૂકીને વિક્રમ શાંતચિતે વિચારી રહ્યો. ટ્રોલીબૅગમાં સૌથી મનપસંદ એવા ટેલિસ્કોપને છોડી દેતાં ચચરાટ તો ભારે થયો, પરંતુ હવે કોઇ વિકલ્પ પણ નહોતો.

વિકમે એક નજર પોતાની વૉચમાં નાખી. સૂર્યોદય થવાને હજી ત્રણેક કલાકની વાર હતી,

વિક્રમે એક નજર કૅબિનની ચારે તરફ ફેરવી લીધી. કારાવાસની અંતિમ ઘડીઓ.... એણે એક ઊંડો શ્વાસ ભર્યો અને પહેલાં ખોલ્યું હતું એથી પણ વધુ સાવધાની વર્તી બારણું ખોલ્યું. વિક્રમનું નસીબ તેને સાથ આપતું હોય તેમ સૂસવાટાભર્યો પવન જાણે વારે વારે તીણી સીટીઓ મારતો હોય એમ ઊછળી રહ્યો હતો. પવનની મસ્તી સાથે દરિયો પણ સ્પર્ધામાં ઊતર્યો હોય એમ ઊછળી રહ્યો હતો, જેને કારણે ઊછળી રહેલાં પ્રચંડ મોજાં એટલા જોરથી શિપ સાથે પછડાતાં હતાં કે એ સિવાય અન્ય કોઇ અવાજની આણ પ્રવર્તી શકે એવી શક્યતા જ નહોતી.

છતાં સાવધાની વર્તવામાં કોઇ કચાશ ન રહી જાય એ ધ્યાનમાં રાખી વિક્રમે કૅબિનનું ડોર અંદરથી લૉક કરીને ખેંચ્યું. એ સાથે જ હવે કૅબિનમાં પાછા ફરવાની તમામ શક્યતા બંધ થઇ ગઇ. હવે આર યા પાર....

સમય ગુમાવવો પાલવે એમ નહોતો. વિક્રમ હળવેકથી સરક્યો અને પાસે રહેલી એક સીડી પર ચઢી જોયું ત્યારે આખા ચિત્રનો ખયાલ આવ્યો. પોતે મિડલ ડેક પર હતો.

વિક્રમે એક નજર ચારે બાજુ ફેરવી. થોડી થોડી ચહલપહલ શરૂ થઇ હોય એમ લાગતું હતું. શિપ પર કામ કરનારા ક્રુ ડાર્ક નેવી બ્લુ યુનિફોર્મમાં હતા. રાતનાં અંધારામાં એ જાણે ભૂતાવળના પડછાયા જેવા લાગી રહ્યા હતા.

પોતે જો પરિસ્થિતિનો લાભ લઇને છટકી ન શક્યો તો...

એ વિચાર માત્રથી જ વિક્રમના શરીરમાંથી કંપારી પસાર થઇ ગઇ.

* * *

‘મિસ દેશમુખ, વ્હેર આર યુ ? ઇઝ એવરીથિંગ ઓકે ?’

સુદેશ સિહે પોતાની ખાસિયત પ્રમાણે સલોનીને પૂછ્યું. પણ પહેલીવાર સુદેશ સિંહના અવાજમાં સલોનીને હળવો ઉચાટ વર્તાતો લાગ્યો.

‘ઓહ, યેસ.. ઑલ ફાઇન...’સલોનીનો અવાજ જૂઠું બોલતાં જરા કંપ્યો.

‘તો પછી આમ કોઇને કહ્યા વિના ?’ સુદેશ સિંહના અવાજમાં અચરજ છતું થતું હતું :

‘મધરને તમારી ચિંતા થઇ ગઇ...’

‘સૉરી, મારે કહીને નીકળવું જોઇતું હતું, પણ તમે વૉક લઇ રહ્યાં હતાં ને ઘરેથી ફોન આવ્યો. મારી મેઇડનું કોઇક સગું ગુજરી ગયું. ઇમર્જન્સી છૂટ્ટી જોઇતી હતી. પરીને કોને ભરોસે મૂકે ? એટલે...’

સલોની પોતાના સ્વરમાં છતી થઈ પોકળતા સમજી રહી હતી. સુદેશ સિંહને એ સમજતાં એક સેકન્ડ પણ નહીં લાગે એય જાણતી હતી. સાથે સાથે દિલમાં કંઇક ખટક્યું પણ ખરું :

મધરને ચિંતા થઇ એમ કહેવાને બદલે મને ચિંતા થઇ કહેત તો એનું કંઇ બગડી જાત ?

.... આમ છતાં એને મારી પરવા છે એટલી વાત તો નક્કી... આ વિચારથી દિલને ધરપત થતી સલોનીએ અનુભવી.

સાંજના બમ્પર ટુ બમ્પર ટ્રાફિકમાં સલોની ફસાઇ ચૂકી હતી. પોતે સુદેશ કે માતાજીને કહ્યા વિના આમ નીકળી પડી એ બાલિશ હરકત હવે રહી રહીને ક્ષોભ જન્માવી રહી હતી. સુદેશસિંહને તો ખ્યાલ પણ ન આવ્યો કે પોતે એના ઉપેક્ષા ભર્યા વર્તનથી દૂભાઇને નીકળી ગઇ. એણે તો માની લીધું કે શક્ય છે કોઇક ઇમર્જન્સી ઊભી થઇ ગય હોય...

સુદેશ સિંહ અચાનક પોતાની આવી ઉપેક્ષા કરે ?

એ વાત સલોનીના દિલમાં ચચરાટ જગાવતી હતી. સલોનીએ વિન્ડો બહાર નજર નાખી. મંથર ગતિએ વધી રહેલો ટ્રાફિક જાણે પોતાની જિંદગીની સ્થિતિ બયાન કરી રહ્યો હતો. !

માત્ર જિંદગીને નવી ગતિ મળે એટલે પોતે... ?

સલોનીને પોતાના પ્રશ્ને જ લજવી નાખી. સુદેશ સિંહ અલગ પ્રકૃતિનો માણસ હતો. પોતાની આસપાસ રહેલા મહોરાં પહેરીને જીવતા બહુરૂપિયા લોકોથી સાવ જુદો. એણે ક્યાં કોઇ ઉપેક્ષા કરી હતી ? એનું વર્તન તો એટલું જ સાલસ હતું જેટલું પુણેથી આવતાં થયેલા એક્સિડન્ટ સમયે હતું. બદલાઇ ગઇ તો હતી પોતાની દ્રષ્ટિ.

સુદેશ સિંહને સમજવામાં પોતે ક્યાંક ભૂલ તો નહોતી કરી બેઠી ? આ વિચાર જ સલોનીને ગૂંચવતો હતો.

એક નેક, ફરજપરસ્ત ઑફિસર માટે પોતે એવું કેમ વિચારી લીધું હતું કે એ ગૌતમ કે આશુતોષની જેમ પોતાની પાછળ દીવાનો બની જશે ? સુદેશ સિંહ એ ટોળામાંનો એક નથી... સલોની જેમ જેમ વિચારતી ગઇ તેમ એનું મન ગ્લાનિથી ઊભરાતું રહ્યું.

જેને ઉપેક્ષા માને છે તે ઉપેક્ષા નહીં, બલ્કે પોતાની વધી રહેલી અપેક્ષા છે એ સમજતાં સલોનીનું મન વધુ ઉદાસ થઇ ગયું. સુદેશસિંહે પોતાની મદદ માત્ર સજ્જનતાને નાતે કરી હશે ? ના, હરગિજ નહીં. પોતે એવી તો ભૂલ ન જ કરી શકે. સુદેશની આંખોમાં એકલતા અને શુષ્કતા કેટલીય વાર ડોકાતી જોઇ હતી એ બધુ ખોટું ? જો કે પોતાને ખ્યાલ આવતાવેંત સંભાળી લેવાનું હતું. સલોનીનું મન નહીં જેવી વાત પર ઘવાયું હતું : હા, સુદેશ સિંહ તરફ થી કોઇ એવી વર્તણુંક નહોતી થઇ કે પોતે મનફાવે એ અર્થ તારવી શકે, પણ

હાજીઅલી પહોંચતા સુધીમાં તો સલોનીની આંખોમાં ભીનાશ છવાઇ. શું પોતે કાયમ અનવૉન્ટેડ રહેવા જ સર્જાઇ હતી ?

પહેલી જ વાર કંઇક વિચિત્ર અનુભૂતિ થઇ રહી હતી ન સમજાય એવી- રિજેક્શન આને કહેતા હશે ?

સલોનીને લાગ્યું કે જાણે એનું હ્રદય ભીંસાઇ રહ્યું છે. જરૂર હતી એક વાર છૂટ્ટે મોઢે રડી લેવાની. જે ચાહવા છતાં એ ક્યારેક નહોતી કરી શકતી.

આંખની ભીનાશ રસ્તો કરીને સરી જાય એ પહેલાં તો ફોનની રિંગ વાગી. આંસુઓએ પોતાનો રસ્તો કરી લીધો હોય એમ બાષ્પીભવન થઇ ગયાં. દહેશત ફરી છવાઇ રહી :

નક્કી વિક્રમ..

‘હલો સલોની, અનુપમ ચોપરા હિયર..’

ઓહ....

સામે છેડે હતા ગુરુનામ વિરવાનીના વકીલમિત્ર.

‘જી...’ સલોનીએ ટૂંકો જવાબ વાળી દીધો. ક્યાંક પોતાનો અવાજમાં રહેલી આર્જવતા આ કાબો વકીલ પકડી ન પાડે.

‘સલોની, એક કામ હતું. આજે મળી શકાય ?’ ચોપરાએ સીધી કામની જ વાત કરી એ સારું લાગ્યું.

‘અત્યારે તો સાઉથ મુંબઇ છું, ટ્રાફિક ભારે છે... કાલે રાખી શકાય ? ‘સલોનીએ જે સાચું હતું તે જ કહ્યું.

‘નો પ્રોબ્લેમ, કાલે લગભગ પાંચ વાગે કે એ પછી ?’

ચોપરાએ સમય ફિક્સ કરીને ફોન કટ કરીને સામે બેઠેલા ગુરુનામ સામે જોયું.

ગુરુનામના ચહેરા પર હળવુ સ્મિત આવીને અદ્રશ્ય થઇ ગયું :

‘જો મેં કહ્યું ને. આ આખી વાત હજી સમજાતી નથી. પેલા પોલીસ કમિશનર સાથે સલોનીની ઊઠ-બેસ અને ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ મૅચ થતાં નથી...

‘એ તારી વાત સાચી. એ તો ઠીક, પણ આપણે જે આ વચલો માર્ગ કાઢ્યો એ બેસ્ટ છે. તારો શું મત છે ?’

ચોપરાએ પોતાનો ફૂલપ્રુફ પ્લાન આપી જ દીધો હતો, છતાં ફરી એક વાર ગુરુનામના મનની વાત જાણી લેવા માગવાના આશયથી પૂછી લીધું.

‘આ અગ્રીમેન્ટ પ્રમાણે જો ગૌતમે બનાવેલી ફિલ્મ કંપની એની નવી ફિલ્મ બે વર્ષમાં શરૂ કરે તો પછી કોઇપણ પ્રકારની પેનલ્ટી રકમની ચૂકવણી નફીસા ખાનને કરવાની રહેતી નથી.’ ગુરુનામ સામે સ્થિર નજર રાખીને ચોપરાએ કહ્યું.

ચોપરા અને પોતે એક વાત પર પહેલે જ તબ્બકે સહમતી પર આવી શક્યા એ વાત જ ગુરુનામને સંતોષકારક લાગી હતી.

‘ગુરુનામ, એમાં એકસાથે બે કામ થઇ જશે.’ ચોપરાને પોતાના નિર્ણય પાછળના વજૂદ વિશે સ્પષ્ટતા લાગી હતી.

‘એક તો ગૌતમ વિના લાંબા વિચારે કરેલા નફીસા ખાન સાથેના કોન્ટ્રાક્ટ પ્રમાણે જો એની ફિલ્મ બે વર્ષની મુદ્દત દરમિયાન કોઇ પ્રોજેક્ટ ફ્લોર પર ન લાવી શકે તો એ માટે નફીસાએ જતી કરેલી ઑફરો માટે ચૂકવણી કરવી પડે.’

‘પણ એ તો આખી દુનિયાને ખબર છે કે નફીસા પાસે કોઇ ઓફર આવી જ નહોતી કે એણે જતી કરવી પડી હોય...’ ગુરુનામનો તર્ક એકદમ સચોટ હતો.

‘હા, પણ એની સાબિતી શું ? એ તો ગમે તેમ કરી મારી મચડીને જો કશુંક ઊભું કરે તો આપણે લેવાના દેવા થઇ જાય ને !’ ચોપરાની દલીલ પણ એટલી જ દમદાર હતી.

‘હમ્મ, આપણા જ પગ ગારાના હોય તો આ બધું કરવું પડે !’ ગુરુનામે એક ઊંડો નિ:શ્વાસ મૂક્યો. ગૌતમ જીવતો હતો ત્યારે એને વારંવાર ટોકવો પડતો હતો જેને વારંવાર ચોપરાની સલાહ લેવામાં પણ ઇગો આડો આવતો. આજે એ દુનિયા છોડી ગયો, છતાં...

’ગુરુનામ, ગૌતમે એક મોટી ભૂલ એ કરી છે કે બ્લુ બર્ડને પેરેન્ટ કંપની રાખીને આ ફિલ્મ લંપની કરી છે. એટલે ગૌતમ હોય કે ન હોય, આપણે વિના કારણે અડફેટમાં આવ્યા વિના ન રહી શકીએ !’ ચોપરાએ ફરી એક વાર સ્પષ્ટીકરણ કરતો હોય એમ વાત દોહરાવી :

‘હવે માની લો કે આ નફીસા ખાન કોઇ ખોટાં કોન્ટ્રાક્ટ ઊભા કરે ને લાંબી રકમ માગતિ ઊભી રહી જાય તો ?’ ચોપરાએ પોતાના રીડિંગ ગ્લાસીસ એડ્જસ્ટ કરીને ફરી એક વાર હાથમાં રહેલા દસ્તાવેજ જોયા.

બંને દોસ્ત ગંભીર વિચાર પછી એક તારણ પર પહોચ્યાં. ગૌતમની કંપની બંધ કરીને નફીસા ખાનને પૈસા ચૂકવવા એના કરતાં ભલે એ કંપની ચાલુ રહેતી.

‘એને બદલે આપણે નાની તો નાની કોઇ ફિલ્મ કે સિરિયલનું મુહર્ત કરીને આખો મામલો સાચવી શું કામ ન લઇએ ?’

આ સુઝાવ ચોપરાનો હતો.

‘. અને એક પંથ દો કાજ... આમ પણ ગુરુનામ, તને સલોની માટે અંદરખાને ગિલ્ટ લાગ્યા કરે છે તો જ્યાં સુધી દૂધનું દૂધ ને પાણીનું પાણી ન થાય ત્યાં સુધી આપણે એને એક્ઝિક્યુટિવ ડિરેકટર બનાવી વિરવાનીઝ સાથે પ્રોફેશનલી જોડી રાખીશું. બરારબ લાગે છે ને આ આઇડિયા ?’ ગુરુનામ પોતાની વાત સાથે સો ટકા સહમત છે કે નહીં એ જાણી લેવું ચોપરાએ જરૂરી સમજ્યું.

ગ્રીન ટીની ચૂસકી સાથે ચિરૂટનો ઊંડો કશ, ગુરુનામની ચિરૂટમાંથી ઊઠતાં સ્મોક સાથે મનનો ઘૂઘવાટ શમતો રહ્યો આથી વિશેષ આ પરિસ્થિતિમાં બીજું કરી પણ શું શકાય ?

ગુરુનામ વિરવાનીની નજર સમક્ષ પુત્ર ગૌતમનો ચહેરો તરવરી રહ્યો. ગૌતમ મૃત્યુ પછી પહેલી વાર હસતો-ખુશાલ ચહેરો ગુરુનામની નજર સામે આવ્યો :

ચીફ, મને ખબર હતી કે તમે ક્યારેય ગફલત કરો જ નહીં આઇ ઍમ પ્રાઉડ ઓફ યુ માય ડેડ... !

* * *

વિક્રમે હળવેકથી પગલાં માંડ્યાં. મિડલ ડેક પર આવેલી પોતાની તહખાના જેવી કૅબિનથી માલસામાન જ્યાંથી ચઢે-ઊતરે એ તોતિંગ ગેટ સુધી પહોંચવુ જરૂરી હતું. જે માટે બેથી ત્રણ માળ ઉતરવાનું હતું.

વિક્રમે એક ઊંડો શ્વાસ લઈ ઝડપભેર ચાલવાનું શરૂ કર્યું. હાથ પણ ન દેખાય એવા અંધકારે કામ આસાન કરી આપ્યું હતું. પોતાની કૅબિનથી ભારે દૂર લાગતો એ ગેટ એટલો ખાસ દૂર પણ નહોતો. જે રીતે શિપની ગતિ ઘટી રહી હતી અને દરિયાના પાણીનો ઘૂઘવાટ વધી રહ્યો હતો એના પરથી અંદાજ લગાવવો મુશ્કેલ નહોતો કે પોર્ટ એકદમ નજીક આવી પહોંચ્યું છે.

એક જોરથી આંચકો અનુભવ્યો વિક્રમે. શિપ હાર્બરમાં આવી ચૂકી હતી. એક મોટો અવાજ થયો ને એક સાથે બે એન્કરની પૂલીનો અવાજ શરૂ થયો. શિપ લંગાર નાખી રહી હતી.

હવે શરૂ થયો હતો ખેલ ખરાખરીનો.

એક પ્રચંડ ધક્કા સાથે શિપ થંભી અને વિક્રમ ગડથોલિયું ખાતાં બચ્યો. એણે બૅગપૅકને ખભા પર લટકતી રાખવાને બદલે સ્ફૂલ જતાં બાળકો લે એ રીતે બે હાથ પર ગોઠવી પીઠ પર ઝુલાવી. ત્યાં સુધીમાં શિપનાં રિયર ગેટ ખુલવા શરૂ થયા. ૩૦ ફીટ ઊંચા ને ૩૦ ફીટ પહોળા એવા ગેલ્વેનાઈઝ્ડ ગેટ કપડું સંકેલાતું હોય એમ સંકેલાઇ રહ્યા હતા. ગેટ ખસ્યા એ સાથે જ બહાર ઝળહળી રહેલા કેસરી-જાંબલી ઉજાસે આખી શિપને અજવાળી કાઢી. પ્રકાશ જોઇને પહેલી ક્ષણે ગભરાયેલા વિક્રમને અચાનક જ શાંતિ થઇ. આ ઉજાસે ક્રુના યુનિફોર્મ અને પોતાના કપડાંમાં અજબ સામ્યતા સર્જી દીધી હતી.

શિપ એક ધક્કા સાથે સ્થિર થઇ એ સાથે જ જાણે હલ્લો થયો મોટા મોટા કરંડિયા જેવા માલસામાન લઇને શિપ પર પ્રવેશવા ધસી રહેલા લોકોનો. શિપના થોડાં ક્રુને ફોડી સ્થાનિક લોકો કદાચ પોતાનો માલસામાન લઇ ગેરકાયદેસર રીતે ચઢી જતા હશે એવું વિક્રમે વિચાર્યું.

વિક્રમ ઝડપભેર લાંબા લાંબા પગલાં ભરતો ગેટ પાસે આવી ગયો. ગેટની ડાબી ને જમણી બાજુ સ્લોપ્સ જેવા પુલ હતા, જે જેટ્ટી સુધી લંબાતા હતા. દરિયાના મોજાં વારંવાર એને પોતાની થપાટ મારી દેતાં હતાં. સામે છેડેથી લોકોની વણઝાર ચાલુ હતી, ગેટ પર રહેલો કર્મચારી ટિકિટચેકર હોય એમ બધાને કોઇક ચિઠ્ઠી હાથમાં થમાવી રહ્યો હતો. એ ખ્યાલ વિક્રમને ભારે ડરામણો લાગ્યો.

અચાનક જ શિપના સ્પિકરમાંથી થઇ રહેલી સૂચના શરૂ થઇ. સૂચના સ્થાનિક અને અંગ્રેજી ભાષામાં થઇ રહી હતી. સૂચના હતી આવી રહેલા તોફાનની. શિપ બ્લુ મૂનનો સ્ટૉપઓવર સમય હતો એક કલાક દસ મિનિટનો, પરંતુ બગડતાં હવામાનની આગાહી અનુસાર ચાર કલાકમાં હરીકેન-વંટોળ ત્રાટકવાની તૈયારીમાં હતો એટલે રેયોંગ પર એક કલાકના હૉલ્ટને કૅન્સલ કરીને બ્લુ મૂનને સહીસલામત બેંગકોક લોંગતો પોર્ટ ટર્મિનલ પર પહોંચાડવાની સૂચના કૅપ્ટનને મળી હતી....

આ એનાઉન્સમેન્ટ અંગ્રેજીમાં કાને પડતા જ વધુ વિચાર કર્યા વિના વિક્રમે સડસડાટ દોટ મૂકી. દરિયાના ઉછાળતાં મોજાંનો મિજાજ કે પેલા પાકિસ્તાની કૅપ્ટનનો ખોફ જે ગણો તે, પણ હવે આ એક જ વિકલ્પ હતો બંનેથી બચવાનો.

વિક્રમે સ્લોપ પર દોટ મૂકી. દરિયાના ખારાં ભીનાં ઠંડાગાર પાણીની એક જ વાછટે વિક્રમને ઉપરથી નીચે સુધી પલાળી દીધો. સામેથી આવતાં સ્થાનિક પેસેન્જરોનાં ટોળાંને બે હાથે વિખેરતો વિક્રમ આગળ ધસી રહ્યો હતો... અચાનક કાને પડી ચીસ મારતી હોય તેવી તીણી વ્હીસલ. અકારણે જ વિકમનું દિલ જોરથી ધબકી ગયું :

આ વ્હીસલનો અર્થ પોતે સ્પોટ થઇ ગયો હતો એવો તો નથી ને ?

રીતસર છલાંગ મારતો હોય એવી ઝડપે એ દોડતો રહ્યો.

જે ઘડીએ પગ જેટ્ટી પર અડ્યો એ જ સાથે શિપનું એન્જિન એક ઘારઘરાટી કરતું સ્ટાર્ટ થયું ને વિક્રમે શ્વાસ રોકીને જેટ્ટી પર રીતસરની દોટ મૂકી.

એકાદ મિનિટની દોટ પછી એણે હાંફતાં હાંફતાં પાછું વળીને જોયું... અપર ટેક પર થોડાં પડછાયા નજરે ચડ્યા. શક્ય છે કે પેલો પાકિસ્તાની કૅપ્ટન પણ એમાં હોય, પરંતુ હવે એ સેફ હતો. બીજા કોઇથી તો ઠીક,પણ અબ્દુલની જાળમાંથી હવે એ આબાદ છટકી ગયો હતો.

શાંતિથી એક તરફ ઊભા રહીને વિક્રમે બૅગપૅકમાંથી સિગારેટ કાઢી-પેટાવી ઊંડો કશ માર્યો. હવે એ સુલેમાન સરકારની ટેરિટરીમાં હતો.

એટલામાં જ એના ખભા પર કોઇએ હળવેથી બે વાર ટપલી મારી.

***