Virat Vyaktitva in Gujarati Motivational Stories by HINA DASA books and stories PDF | વિરાટ વ્યક્તિત્વ

Featured Books
Categories
Share

વિરાટ વ્યક્તિત્વ

"સમય, કેમ કઈ બોલતો નથી તું તો કંઈક કહે. તારા વિચારો તો કહે અમને તું તો બહુ સરસ વિચારી શકે છે. આ ટોપિક વિશે અમને જણાવ.."

સમય એના મિત્રો સાથે ચર્ચા કરતો હતો. ને ટોપિક આવ્યો આજના યુવાનો, બધા પોતાનો વિચાર રજૂ કરતા હતા બસ એક સમય ચૂપ હતો. બાકી સમય તો બધામાં અવલ્લ એને પૂછવાનું જ ન હોય. સમયથી કઈ અજ્ઞાત હોય! આજે એ કશું ન બોલ્યો એટલે મિત્રોને આશ્ચર્ય થયું. એ કહે હું કાલે આ વિષય પર ચર્ચા કરીશું.

બીજા દિવસે બધા મળ્યા એટલે ફરી એ જ વિષય ચર્ચાયો ને આ વખતે સમય બોલ્યો એકદમ ધારદાર...

              -----------------------------
સવારે મોડું ઉઠવાનું..! ઉઠતા વેંત જ હાથ માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની!

ન દાંત સાફ કરવા! ન નહાવા જવું! ન માતા પિતા સાથે વાત કરવી:! અને આખો સમય મનમાં ખાંડ ખાવી, કે અમે યુવાનો સ્માર્ટ છીએ!

પણ ભઈલા તારો મોબાઈલ જ સ્માર્ટ છે! તું તો નથી જ! તું તો ડોબો જ છે! નથી તને દેશ- દુનિયાની ખબર  કે નથી; પારિવારીક સમ્બંધોની ખબર; તું શાનો સ્માર્ટ છે બકા?

અલ્યા  કાનમાં ઘોંઘાટ વાળું સંગીત સાંભળી સાંભળી ને તું માત્ર કાનથી નહિ; દિમાગથી પણ તું બેરો થઇ ગયો છે!

અલ્યા આખો દાડો મોબાઈલમાં ડાચું નાખી શું જોયા કરે છે! તારા મા બાપ સામે તો જો કોઈ વાર! બિચારા બાપે આખી જુવાની તને જુવાન કરવામાં ખર્ચી નાખી:!

લાટ સાહેબ; 21×3=63 થાય તે કહેવા તારે મોબાઈલનું કેલ્ક્યુલેટર વાપરવું પડે છે :!

તું જેને પછાત સમજે છે; તે તારા મા બાપ સમય આવ્યે મોબાઈલ અને કોમ્પ્યુટર શીખવા પડે તો એ પણ શીખી લેશે:!

કસ્તુરબાને તું ગાંધીજીના બા સમજે છે અને ઈન્દીરા ગાંધીને ગાંધીજીના દીકરી છતાંય તને કોઈ વડીલ સલાહ આપે તો તારી કમાન છટકે છે:!

પણ બકા; મેથી અને કોથમીર કોને કહેવાય:? એ તું  સાત વાર શાક લેવા જાય તો પણ શીખી નહિ શકે:!

મકોડી પહેલવાન; બે માઈલ ચાલવામાં  તને આળસ આવતું હતું અને પોકમોન ગો રમવામાં આખું ગામ મોબાઈલમાં મોં ઘાલીને ઘુમ્યે જાય છે  :!

અક્કલના બારદાન; માતૃભાષામાં “ઘ” અને “ધ” લખવાનો તફાવત તને ખબર નથી “ઘર ને બદલે “ધર” અને “ધજા” ને બદલે “ઘજા” લખે છે અને માં-બાપને અંગ્રેજી આવડતું નથી તેની ફરિયાદ કરે છે:!

અલ્યા ગુગલીયા; “પાટલા સાસુ” કોને કહેવાય તેવું ગૂગલને પૂછવા કરતા કોઈ વડીલને પૂછ બધા સબંધ વાચક નામ તને તુરંતમાં સમજાવશે :!

તારા મા બાપનો ફોન ભલે સ્માર્ટ નહિ હોય; પણ માબાપ પોતે ખૂબજ  સ્માર્ટ છે:!

અને તારો ફોન સ્માર્ટ છે; પણ તું સ્માર્ટ નથી; એટલે બકા તોફાન કરવા રે’વા દે; અને છાનો માનો મા બાપ કહે એમ કર:!

વાતવાતમાં  માબાપને ઉતારી પાડવાથી તું ઉંચો નહિ આવે ભઈલા:!

ઘરમાં જે સગવડો મળે છે એના માટે મા બાપનો આભાર માન:! કારણ કે  તને તારી લાયકાતથી વધારે તેઓ સુખ આપે છે:!

અલ્યા , જરા સ્માર્ટ ફોન માંથી ડાચું બહાર કાઢ; અને જો તારા મા બાપ દિવસ રાત તારા માટે કેટલું લોહીનું પાણી કરે છે:?

તને જનમ આપ્યાની સજા પળે પળે તું એમને આપે છે:!

બકા:! કોઈ પણ મા બાપને કારમી સજા કરવી હોય તો; એક જ રીત છે મા બાપની ઈચ્છા વિરુદ્ધ જવુ:!

ભઈલા:! મા બાપ તને સુખી જોવા કદાચ તારી મુર્ખ વાતોને પણ માની જશે; પણ એની આંતરડી અંદરથી બળતી રહે:!

‘જન્મદાતા’ ‘અન્નદાતા’ ‘જીવનદાતા’ ને દુભાવનાર કોઈ દિ ઠરતો નથી:!

બકા જા; અને તારા સ્માર્ટ ફોનને બાજુમાં મૂકી થોડો વખત મા બાપ સાથ વાતો કર:!

કારણ કે કાલ કોણે જોઈ છે:??
                 ------------------

મિત્રો તો અવાચક વાહ રે તું તો બહુ હોશિયાર થઈ ગયો ને વળી. પણ તારી વાત સાચી છે હો આજના મોટાભાગના યુવાનો આવા જ છે. પણ એ તો કહે આ બધું ક્યાંથી શીખી આવ્યો.

સમય કહે,
"मैं समय हु।।।।।"

હું બધું જ જાણું છું.. હા પણ આ બધું મારા મોટાભાઈએ કહ્યું હતું હો. એ બોવ બધું જાણે છે. મિત્રો કહે, ઓહો તારા મોટાભાઈ વળી કોણ તું તો એક જ ભાઈ છે ને...

હા પણ સહોદર નહિ વડપણમાં મોટાભાઈ છે મારા... કમલેશભાઈ.....

તમને ખબર અમારા બધા પ્રશ્નો ના જવાબ એમની પાસે હોય છે.

અમારા? આ અમારા એટલે બીજા કોના?

મિત્રોએ પૂછ્યું. સમય કહે તમને નહિ સમજાય એ બધું ચાલો હું નીકળું....

સમયે ઘરે પહોંચીને વિચાર્યું કે આટલી વાહ વાહી મળી છે તો જેના શબ્દો હતા એમનો તો આભાર માની લઉં..
સમયે મોબાઈલ કાઢ્યો ને એક મેસેજ મુક્યો

"આભાર મોટાભાઈ, તમારા અવતરણો થકી આજે તો હું મિત્રો મા છવાઈ ગયો.
સામેથી જવાબ આવ્યો,
'અરે ભાઈ એમાં શું આપણે તો બધા એક પરિવાર જેવા હું લખું કે તું શું ફરક પડે છે. ને મારે અમથા તમે બધા જ મારો પરિવાર છો ને..બાકી તો હું ને મારો ભોળો બસ..."

સોશિયલ મીડિયા પર આમ તો લોકો બહુ વિશ્વાસ નથી કરતા પણ અહીં તો એક અનોખો પરિવાર વસ્યો હતો. એક પરિવાર જે શ્વસે છે, હશે છે, રડે છે..પણ ઓનલાઈન.. ને આ બધાના વડીલ હતા મોટાભાઈ કમલેશભાઈ...

કોઈ પણ ટોપિક આપી દો એમના જવાબો હાજર જ હોય એ પણ શુદ્ધ ગુજરાતી મા અને શબ્દોના તો જાણે જુગારી, જેમ નાખે તેમ બાજી સવળી.. કોઈ શબ્દોની રમતમાં તેમને પકડી ન શકે. 
હમેશા વડીલ જેવી જ વાતો કરે. એક વખત એમણે મધર્સ ડે પર કવિ કાગ ની કવિતા મૂકી
આજના દિવસે કવિ કાગની રચના વિશ્વની દરેક માતાને અર્પણ...

ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે;
માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ?

પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા;
માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ?

જમ જડાફા ખાય, મોતે નાળ્યું માંડીયું;
છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે;
છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણાં લગી;
ન કર્યા દુ:ખડા નેણ, કેમ વીસરીએ કાગડા ?

આખર એક જતાં, કોડ્યું ન આખર કામના,
મોઢે બોલું ‘માં’, કોઠાને ટાઢક કાગડા !

મોઢે બોલું ‘માં’, સાચેય નાનક સાંભરે;
મોટપની મજા, મને કડવી લાગે કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !

ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે;
મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયાં;
પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા !

જનની કેરું જોર, રાઘવને રે’તું સદા;
માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

મોટાં કરીને માં, ખોળેથી ખસતાં કર્યાં;
ખોળે ખેલવવાં, કરને બાળક, કાગડા !

સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા !

જનની સામે જોઇ, કપૂત તુંકારા કરે;
જ્યાં જ્યાં જનમે હોય, કડવું જીવન કાગડા !

જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથી છેવટ કાગડા..
            ------------------------- 
ને પછી તો કમેન્ટ પર કમેન્ટો આવવા લાગી..
કોઈએ કહ્યું કે,
 વાહ શુ વાત છે મોટાભાઈ ધન્ય છે તમારી માતા ને કેટલા લકી છે એ બધો પરિવાર કે તમારા જેવા સભ્ય ને દીકરા એમને મળ્યા..

ને કમલેશભાઈએ વળતો જવાબ આપ્યો,

અજીબ ભૂલભૂલૈયા છે આ હાથોની લકીરોમાં...
કોઇ હમસફર નથી આ તનહા સફરમાં...

મિત્રોએ કહ્યું કે કેમ આવું લખ્યું તો રોજની આદત મુજબ કહે, મારા લેખનનો કોઈ એક મતલબ ન હોય, ગર્ભિત અર્થ તો તમારે શોધવો જ રહ્યો...

મિત્રોની જીદ સામે એક વડીલમિત્ર કઈ રીતે ન જુકે, કમલેશભાઈએ પોતાની આપવીતી ચાલુ કરી. એ પણ અનોખા અંદાજ મા કે કઈ રીતે એક વામન મનુષ્ય વિરાટ બની ગયો, પરિસ્થિતિનો દાસ કહેવાતો માણસ કેમ પરિસ્થિતિ સામે લડ્યો. કેમ એ કહે છે કે એનો એકમાત્ર આ ઓનલાઈન ધબકતો જ પરિવાર છે..
તો સાંભળો મારી કથની.......

તમારું માન અપમાન વડીલપણું બધું મેં સ્વીકાર્ય. તમે જે કહો એ મને મંજુર કારણ કે હું રાગ, દ્વેષ, સુખ, દુઃખ, પોતાના, પારકા, બધાંથી પર છું. હું તો કઈ છું જ નહીં બસ મારો ભલોનાથ જેમાં રાખે એમ ખુશ છું. મારું કોઈ ભૂતકાળ છે કે ભવિષ્ય હશે હું એ વિચાર કરતો નથી બસ વર્તમાનમાં જીવું છું. ને બસ મારે જે સેવાકાર્ય કરવાનું છે એમાં સફળ થવા ઈચ્છું છું.

એક 23 વર્ષનો ફૂટડો, આશભર્યો યુવાન એટલો પરિપક્વ કેમ બની ગયો હશે. એની હસવા રમવાની ને મસ્તી કરવાની ઉંમરે એ કેમ આટલું ઉમદા વિચારી શકે છે. એક મોટું સેવાકાર્ય કરી રહ્યો છે..