22 Single - 10 in Gujarati Comedy stories by Shah Jay books and stories PDF | ૨૨ સિંગલ - ૧૦

Featured Books
Categories
Share

૨૨ સિંગલ - ૧૦

કોલેજ પત્યાના બે વર્ષ થઇ ગયા પણ હજી બધા એકસાથે મળ્યા નહોતા. બધા પોતાની લાઈફ માં એટલા વ્યસ્ત થઇ ગયા હતા કે દર વર્ષે બે-ત્રણ દિવસનો સાથે બહાર ફરવા જવાનો પ્લાન પણ માત્ર કાગળ પણ જ રહી જવા પામ્યો. એટલે આ વર્ષે હર્ષે બધા મિત્રોને બે દિવસ માટે દમણ ફરવા જવાનો પ્રસ્તાવ રાખ્યો અને દમણ જવાનો બધો ખર્ચો એ પોતે કરશે એ રીતે પ્લાન બનાવ્યો. ઘણી માથાકૂટ પછી, બે ત્રણ વખત પ્લાન કેન્સલ થયા પછી છેલ્લે બધા દમણ આવી પહોચ્યા. અક્ષત, અનુ, તીર્થ, એની ગર્લફ્રેન્ડ કૃપા, મનાલી અને હર્ષ.

ગુજરાતી ફરવા જાય અને થેપલા લીધા વિના નીકળે એવું તો શક્ય જ નહોતું અને એ જ થયું. મનાલી અને તીર્થ ની મમ્મી એ ભરી ભરીને થેપલા મોકલ્યા હતા. બધાએ દાબીને થેપલા સાથે દહીં અને ચા નો નાસ્તો કર્યો. બપોર સુધી કોઈને કઈ ખાવાની જરૂર પડે એટલું ખાઈ જ લીધું હતું. હર્ષ, તીર્થ અને અક્ષત બીચ પર ચાલવા નીકળ્યા. અનુ, કૃપા સાથે બેઠી હતી અને મનાલી ફોન પર એના બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી.

છોકરાઓ ફરીને પાછા આવ્યા પણ હજી મનાલીને ફોન પર જોઈને હર્ષ ગુસ્સે થયો. મનાલીને બે ત્રણ વાર બોલાવ્યા છતા હજી ફોન પર ચાલુ જ રહેતા હર્ષ બોલ્યો : “લવરિયા નો આ જ પ્રોબ્લેમ. આખો દિવસ ફોન પર ચીપકી જ રેહ. ખબર નહિ આખો દિવસ શું વાત કરતા હોય? અહિયાં આટલા વખતે મળવાનું માંડ ગોઠવાયું ત્યાં પેલી ફોન પર વાત કર્યા કરે છે. આવી જ શું કામ તો અહિયાં, રહેવું હતું ને ઘરે જ.”

એને ગુસ્સે થયેલો જોઇને તીર્થ ની ગર્લફ્રેન્ડ કૃપા બોલી: “તમે સિંગલ છો એટલે તમને ખબર નથી. બાકી આવી જગ્યાએ ફરવા આવ્યા હોય તો બોયફ્રેન્ડ તો યાદ આવે જ. તમારી ગર્લફ્રેન્ડને લઈને અમે અહિયાં આવીશું ત્યારે એ પણ આવું જ કરશે.”

હર્ષ હસતા હસતા બોલ્યો : “મારી અને ગર્લફ્રેન્ડ? ઉંમર તો નીકળી ગઈ, હવે ક્યાંથી આવે? અમારા જેવા માટે જ ભગવાને અરેંજ મેરેજ બનાવ્યા છે બાકી વાંઢા જ મરીયે. પણ આ એટલી લાંબી વાતોમાં કરે છે શું?”

અનુએ અક્ષત સામે શરમાઈને જોતા કહ્યું : “એ તો હવે દરરોજ ની જ વાત હોય એમાં ક્યાં સમય નીકળી જાય ખબર ના પડે.”

હર્ષ: “જા યાર. હું મારી મમ્મી સાથે દરરોજ ની બધી વાત કરું તો પણ વધારે માં વધારે 5 મિનીટ થાય.”

તીર્થ ની ગર્લફ્રેન્ડ કૃપાનું આ સાંભળીને મોઢું ખુલ્લું જ રહી ગયું, માંડ ધીમે અવાજે પૂછ્યું “ હર્ષભાઈ, તમે તમારી મમ્મી સાથે બધી જ વાત કરો?”

હર્ષ : “હા, એમાં શું, કેમ ના કરાય?” “અને હા તું મને વારે વારે ભાઈ કરીને કેમ બોલાવે છે. આ શબ્દ થી મને ચીડ છે. આટલું સારું નામ છે હર્ષ તો નામ થી જ બોલાવ.”

“આ તમારા લવરિયા માટે વેલેન્ટાઇન વીક આવે. એમાં હગ ડે, કિસ ડે, ટેડી ડે, પ્રપોસ ડે, વેલેન્ટાઇન ડે...આ બધાનો મતલબ શું? દિવસ ના ૨૪ કલાક તો ફોન પર હોય. ઘર માં બધા હોય તો મેસેજ પર વાત કરે, કોઈ ના હોય તો ફોન પર વાત કરે અને સાંજે પાછુ મળવા જવાનું. આ તો કઈ જીન્દગી છે? બીજા કોઈ કામ હોય કે નહિ તમને? હવે મને ખબર પડી કે આ અક્ષત એનું આધાર લીંક કરવાનું ,એવા ગવર્મેન્ટ બધા કામ માટે મારું માથું કેમ ખાતો હતો. આ અનુમાંથી ઉંચો આવે તો ને.”

“બોલ, આ અક્ષત ને એટલી ખરાબ ટેવ પડી ગઈ છે અનુ સાથે રહીને કે આધાર કાર્ડ માટે ફોટો પડાવા બેઠો ત્યારે પણ અલગ અલગ રીતના મોં બનાવે, પાછળ થી એક લાફો માર્યો ત્યારે ડાચું સીધુ થયું ને ફોટો પડ્યો. શું યાર અનુ, મારો અચ્છો સીધો સાધો મિત્ર હતો તે બગાડી નાખ્યો. પહેલા એકદમ ‘મર્દ’ હતો હવે સાલો ‘બૈરી’ બની ગયો છે. પહેલા બધી છોકરીઓને સાથે લાઈન મારતા કેવી મઝા આવતી. હવે તો અનુ થી પણ બીવે છે.”

અનુ : સીધી સાધો હે ?!! દર બીજા કે ત્રીજા દિવસે નાહવાનું, સાવ લઘર-વગર કપડા પહેરીને ને ફરવાનું, ખાઈ ખાઈ ને બસ પડ્યા રેહવાનું, કોઈ શારીરિક શ્રમ જ નહી જિંદગીમાં. જો તારી કમર ૩૪ ની થઇ ગઈ છે અને હવે એ પણ તારી ઉંમર કરતા વધારે ઝડપથી વધે છે. આ તો સીધો સાદો ફ્રેન્ડ હતો નહિ હર્ષ.!!

હર્ષ : હા યાર, એ તો મારી સુખી જીવનની નિશાની છે. મન ફાવે ત્યારે સુઈ જાઓ, મન ફાવે ત્યારે ગમે એની સાથે ફલર્ટ કરો, જલસા કરો એ જ તો છે સિંગલ ની લાઈફ. આ અક્ષત બિચારો ઊંઘ આવતી હોય તો પણ તારો બકવાસ સાંભળે. કોણ કરે આવું બધું?

અક્ષત (બકવાસ શબ્દ સાંભળીને ) : મરી ગયો તું સાલા. તું તો મરીશ, આજે મને પણ લઇ ને જઈશ. સમજી વિચારીને બોલ.

હર્ષ : તું સમજી વિચારીને બોલવાની વાત જ ના કરતો. લોકો “લવ” માં પડે ને એમને કોઈ સેન્સ જ ના હોય. ખબર નહિ ગમે એટલો ભણેલો માણસ લોજીક, સેન્સ, મેચ્યુરીટી, આ બધું ભૂલી જાય. અને આ તોતડું બોલવા પાછળ નું કારણ મને કોઈ સમજાવશે.

તીર્થ (અત્યાર સુધી શાંતિ થી સાંભળતા બોલ્યો) : “કોણ તોતડું બોલે?”

હર્ષ : “તમે લોકો ને જ વળી. બધા નથી બોલતા કે “માલા દીકું એ ખાના ખા લિયા? માલો દીકું છુઈ ગયો?”

કૃપા :” હવે એ તો પ્રેમ થી બોલાવીએ એટલે.”

હર્ષ : એટલો બધો પ્રેમ કે જીભ વળી જાય, શબ્દો જ ના નીકળે?? જબરજસ્ત લવ યાર. અને હા આ આટલા સારા નામ છે તો પણ આ દીકું, જાનું , જાન, બેટા, બેબી, આ નામ થી કેમ બોલાવે?

અનુ : બે યાર, ચાલુ કર્યું આણે ફરી.

અક્ષત: હર્ષયા, બહુ ફાંકા ના માર. તું સિંગલ છે તો શું ફોડી લીધું?

હર્ષ : ભાઈ, કોઈ દિવસ એકલો મુવી જોવા ગયો છે? પિક્ચર જોતા પોપકોર્ન ખાધો છે? કોલ્ડ-ડ્રીંક લીધું છે? હોટેલ માં જમવા ગયો છે એકલો? ડોમીનોઝના પિઝ્ઝા, મેકડોનાલ્ડ નો બર્ગર એકલો ખાવા ગયો છે? જજે એકવાર. સામે મુકેલો આખો પિઝ્ઝા માત્ર ને માત્ર તારો જ છે એ શબ્દ મારા માટે તારી ગર્લફ્રેન્ડ તને “આઈ લવ યુ” કહે એના કરતા વધારે મહત્વનો છે. બસ બોસ, શાંતી થી બેસો અને પિઝ્ઝા ખાવ. કોઈ ભાગ પડાવવા નહી આવે. આહ, આનાથી વધારે શું જોઈએ જિંદગીમાં. છોકરી હોય તો એની ધારેલી જગ્યા એ લઇ જાવ. એ કહે એ ખાવ, એમાં પણ પછી તમે જે મંગાવો એમાંથી ભાગ તો એ પડાવવાની જ. બીલ પણ આપડે આપવાનું. એકલી ખોટ જ છે આ સંબંધ માં તો.

અક્ષત (હર્ષ ની બોડી સામે જોતા) : “એટલે જો ને આ ૩૪ ની કમર અને ૮૦ કિલો વજન છે.”

હર્ષ : હા છે તો છે. તારા જેવું નહિ ને કોઈની પાછળ બાળું છું. ભાઈ, અમે તો એકદમ સીધા માણસ, કોઈ છોકરીને મેસેજ કરીએ અને એ જવાબ ના આપે તો એને નુકસાન, મને શું. આટલો સારો હસબન્ડ ગુમાવ્યો. મને તો કોઈ બીજી પણ મળી રહેશે. તારા જેવું તો નહિ. અનુ ના એક મેસેજ નો તું જવાબ ના આવે તો પેલી ગાંડી થઇ જય અને તું ય બાવલો બની જાય સાવ. પછી બને મળીને મને હેરાન કરી નાખે.

અક્ષત: બહુ બોલ્યો હા તું હવે. એવું જ છે ને કે હું તને હેરાન કરું છું. તો મને જરાક કહે કે તો પ્રિન્સીએ ના પાડી ત્યારે કેમ રડતો હતો. રડતો હતો એ ઠીક પણ રસ્તામાં બધાની વચ્ચે. હજી એના તારા ફોટા છે એટલે ના પડતો જ નહિ બાકી કાલે જ ફેસબુક પર પોસ્ટ થઇ જશે અને યાદ રાખજે પ્રિન્સી જ સૌથી પહેલા લાઇક કરશે.

હર્ષ: હા ભાઈ ભૂલ થઇ ગઈ હતી ત્યારે. નાનો છોકરો હતો એટલે જીદ કરી નાખી. પણ હવે નહિ. બરાબર છે એ મને પસંદ હતી અને એણે ના પાડી પણ એનો મતલબ એવો નહિ કે હું અત્યારે પબ્લિક જે કરે છે એ કરું.

કૃપા : “કેમ અત્યારે લોકો શું કરે છે?”

હર્ષ : ”ગાંડપણ. હમણાં જ મારી એક દુર ની ફ્રેન્ડની લડાઈ એના બોયફ્રેન્ડ સાથે થઇ તો મેડમ ફીનાઈલ પી ગયા. જરા જ અમથું ૧૦ ml પીધું હશે એમાં આખા ઘર વાળાને હેરાન કરી મુક્યા. હોસ્પિટલ માં દાખલ કરી, વોમિટ કરાવડાવીને ફીનાઈલ તો કાઢ્યું પણ એને આવી હાલતમાં જોઇને એની મમ્મી બેહોશ થઇ ગઈ. એ મેડમ તો એક દિવસ માં ઉભા થઇ ગયા પણ મમ્મી ને જે આઘાત લાગ્યો એનું શું? ત્રણ દીવસે એના મમ્મી ઉભા થયા. આ બધું જેના માટે કર્યું એ બોયફ્રેન્ડ તો પાછો ના જ આવ્યો એ નફામાં. થઇ ગયું પરમેનન્ટ બ્રેકઅપ. સારું થયું, બિચારી છુટી. મને તો ખબર પડી તો મેં તો એવો જ સવાલ પૂછ્યો કે કેવો લાગ્યો ફીનાઈલ નો ટેસ્ટ?

આવા તો કઈ ગાંડાવેળા કરાય? ઘરવાળા ને બ્લેકમેલ કરે, મને કરાવી આપો નહિ તો અમે આવું કૈક કરી નાખીશું.”

અનુ : “હા હો બહુ સારું. પ્રેમ શું છે ને એ થશે પછી જ તું સમજી શકીશ.”

હર્ષ : અક્ષત તને પ્રેમ કરે છે તો ય પેલી બહારવાલી સાથે રંગરેલીયા કેમ મનાવે છે?

અનુ (એકદમ ગુસ્સામાં અક્ષત સામે) : “કોણ છે આ ચીબાવલી?”

હર્ષ : “ચીબાવલી ના કહે, બહુ જ મસ્ત છે. સાલા ને મેં કીધું મારું કરાવી આપ તો ના પાડી અને પોતે એક સેટિંગ હોવા છતા બીજું કરી લીધું.”

અનુ : “અક્ષત, આ હર્ષ શું બોલે છે? કોણ છે એ કહે?”

અક્ષત : “અનુ તું કોની વાત માને છે. આ હર્ષ ની?”

અનુ : “સાચું સાચું બોલ અક્ષત. ક્યાંક પેલી શ્વેતા તો નથી ને જે તારી સાથે જ કામ કરે છે? કે પેલી ફેસબુક વાળી પ્રિયા એન્જલ?”

હર્ષ : ”ઓઓઓઓ, મતલબ તું પ્રિયા એન્જલ માં ફસાઈ જ ગયો એમ ને. બહુ મહેનત કરાવી તે દોસ્ત.”

અક્ષત : “ચુપ બધા ચુપ. અનુ, પહેલા તો કોઈ બીજું છે નહિ. હર્ષ મઝાક કરે છે. તને ચીડવે છે. અને હર્ષ, બહુ મહેનત કરાવી એટલે એ એકાઉન્ટ ક્યાંક તું જ તો નથી ચલાવતો ને?”

હર્ષ : “હાહાહાહા, કરતો હતો. પછી ૧૦૦૦ રૂપિયા માં વેચી માર્યું.”

અક્ષત : “જોયું અનુ, મેં પહેલા જ કહ્યું હતું કે આ ફેક એકાઉન્ટ છે.”

હર્ષ(અનુ સામે જોઇને) : “આ તો રડવા જેવી થઇ ગઈ.”

અનુ (રડતા-રડતા હસતા-હસતા ) : “પ્રિન્સી વખતે તું જેટલો રડ્યો એટલું તો નહિ જ. ગાંડા ની જેમ તું રડતો હતો.”

હર્ષ : હા હવે. બસ થયું પ્રિન્સી વાળું. બસ ત્યારે એવું હતું કે મારે પણ કોઈક હોય જેની સાથે હું પણ મારી કોઈ વાત શેર કરું. કોઈક હોય જેની સાથે ફરવા જાવ. પણ હવે તમને બધા ને જોઇને લાગે છે કે ના આ સિંગલ લાઈફ જ બરાબર છે. તમે બધા આખો દિવસ કોઈક ને કોઈ વાતે લડતા જ હોવ. જો ને આપણે અહિયાં મસ્તી કરવા આવ્યા છે ને પેલી (મનાલી) હજી ફોન પર જ છે. તીર્થ બિચારો કૃપા માટે ઠંડુ લેવા જાય અને કૃપા પી લે પછી વોશરૂમ જવાની થાય એટલે ઝાડ પાછળ જગ્યા શોધવા જાય. એ સિવાય કામ જ શું છે તમારી પાસે.

વાત ચાલતી હતી ત્યાં મનાલી આવી.

મનાલી : આ છોકરાઓ શું સમજે છે એમની જાતને ?

હર્ષ : “કેમ શું થયું? બ્રેકઅપ થઇ ગયું? ચાલો શાંતિ. હવે છોકરો ખુશ રેહશે અને જીન્દગી માં કઈ આગળ આવશે.”

મનાલી : “હર્ષ, તું માર ખાવાનો થયો છે. આ પેલો જોને ક્યારનો મને જ જોયા કરે છે.”

અનુ : “મનાલી, એ આજે માર ખાવાનો જ છે. પણ કોઈક બીજી રીતે.”

હર્ષ : “પેલો છોકરો મઝા કરવો આવ્યો છે એટલે તને જોય છે. તારી પાસે ક્યાં ટાઇમ જ છે. આખો દિવસ ફોન પર ચીપકી......”

અનુ : “બસ હર્ષ બસ. મનાલી, આપણે ત્રણે છોકરીઓ મળીને હર્ષ માટે એક છોકરી શોધી જ કાઢીએ, એને એના સિંગલ હોવા પર બહુ ઘમંડ છે ને બધું ઉતારીએ. પેલી આવીને આને પાછળ લાત મારશે ને ત્યારે જ આને ખબર પડશે. એના એક અવાજ થી હર્ષ ને ઉપર-નીચે કરાવડાવીયે. એકવાર એના વાળી આવે પછી જો અમે કેવી મઝા લિયે છીએ. મારા અક્ષત વિષે બહુ બોલ્યો છે તું. અને મનાલી આજે તો તારા વિષે પણ બહુ બોલ્યો છે.”

મનાલી : “હા એકદમ સાચી વાત. હવે ખરેખર કોઈ એક્સ-ફેક્ટર ની જરૂર છે જ હર્ષ ને.”

( ક્રમશ:)

(તો હવે વાંચો નવા ભાગ માં મનાલી, કૃપા અને અનુ એ હર્ષ માટે શોધેલી છોકરી કયા નવા તાયફા લાવે છે. અને હર્ષ ની દમણમાં જ શું હાલત થાય છે.)