Murderer's Murder - 7 in Gujarati Crime Stories by Hardik Kaneriya books and stories PDF | મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 7

Featured Books
Categories
Share

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 7

ફોરેન્સિક સાયન્સની ટીમ પાસે હાઈ રિઝોલ્યુશન કૅમેરા, મૅગ્નિફાઇંગ ગ્લાસ, ALS - અલ્ટરનેટ લાઇટ સૉર્સ, કેટલીક ડાઇઝ અને કેમિકલ્સ, તેમજ વસ્તુ પર રહેલી આંગળીઓની છાપને ઉપસાવતો પાઉડર હતો. જોકે, ટીમ પાસે રહેલા સાધનોમાંથી ગુનેગાર માટે સૌથી ઘાતક સાધન હતું ; ‘ટીમનું પુરાવા શોધવાનું ઝનૂન’

ટીમ લીડર સુરપાલે આવતાં વેંત કહ્યું, “સર, આપ તો જાણો જ છો કે ફિંગરપ્રિન્ટ્સ અને ફૂટપ્રિન્ટ્સ બે પ્રકારની હોય છે. એક પેટન્ટ એટલે કે સ્પષ્ટ અને બીજી લેટેન્ટ એટલે કે ગર્ભિત. ગંદા કે લોહીવાળા પગલાં નરી આંખે જોઈ શકાય છે, કલર કે શાહીવાળા હાથે કોઈ કંઈ અડ્યું હોય તો તે પણ દેખાઈ જાય છે, પરંતુ ગુનેગાર માણસના શરીરને સ્પર્શ્યો હોય, ફરસ પર ચોખ્ખા પગે ચાલ્યો હોય, તેણે નોબ કે અન્ય વસ્તુ પકડી હોય તેવી લેટેન્ટ પ્રિન્ટ્સ નરી આંખે દેખાતી નથી. આવી પ્રિન્ટ્સ શોધવા આપે અમને મદદ કરવી પડશે. અત્યાર સુધીમાં આપને જે કંઈ પણ શંકાસ્પદ લાગ્યું છે, જ્યાં જ્યાં પણ આરોપીના જવાની ધારણા બંધાઈ છે તે તમામ જગ્યાઓ વિશે જણાવો.”

આથી, ઝાલાએ ડૉગ સ્કવૉડનું તારણ, આરવીના બાથરૂમમાં બેસી કોઈએ સિગારેટ પીધી છે એ વાત, મહેન્દ્રભાઈ અને વરુણ તે જ બ્રાંડની સિગારેટ પીવે છે તે ખુલાસો, આરવીની જમણા હાથની કોણી પાસે જોવા મળેલું લોહીનું ટીપું અને લલિત તથા આરવીના બેડરૂમના દરવાજા પર જોવા મળેલા એક સરખા ડાઘ વિશે ફોડ પાડ્યો.

ફોરેન્સિક ટીમ, પોતાનો સામાન કાઢી, પૂરી તાકાતથી કામ પર લાગી ગઈ. તેઓ સૌ પ્રથમ આરવીના રૂમમાં ગયા. તેમણે મૃત આરવીની હથેળી, નખ અને ઉઘાડા અંગો પર ALS મારી તેને મૅગ્નિફાઇંગ ગ્લાસથી ચેક કર્યા.

“ઝપાઝપી થઈ હોય એવા કોઈ નિશાન નથી. જમણા હાથની કોણી પાસે કદાચ ઇન્જેકશન મારેલું છે. નસમાં ભોંકેલી સોય પાછી ખેંચ્યા બાદ લોહી બહાર આવે એવું થયું લાગે છે. એ સિવાય, હાથ અને કોણી પાસે આંગળીઓના ઘણાં બધા નિશાન છે.” સુરપાલે કહ્યું.

“ઘરની મહિલાઓ તેને ભેટીને રડતી હતી માટે તેમની આંગળીઓના નિશાન ઊઠ્યા હશે. છતાં, તમામ પ્રિન્ટ્સ ચેક કરજો, કદાચ કોઈ અજાણી ફિંગરપ્રિન્ટ્સ મળી આવે.” ઝાલાએ સંભાવના દર્શાવી.

“સર, ઇન્જેક્શન મારવાની વાત છે તો આરવી ડાબોડી હતી અને ઇન્જેક્શન તેના જમણા હાથની કોણી પાસે મરાયું છે. માટે, આરવીએ જાતે જ તે ઇન્જેક્શન લીધું હોય એવું ન બને ?” ડાભીએ મમરો મૂક્યો. તેમની આ મમરો મૂકવાની આદતના કારણે કેટલાંય કિસ્સામાં કેસની દિશા અને ગુનેગારની દશા બદલાઈ ગયા હતા.

ઝાલા વિચારવા લાગ્યા : ‘માણસ પોતે પોતાના હાથમાં ઇન્જેક્શન ક્યારે મારે ? જો તે ઇન્સ્યુલિન લેતો હોય, નશાકારક દ્રવ્યનો બંધાણી હોય કે પછી તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલો હોય તો... પણ, આરવી કોઈ તબીબ કે નર્સ ન્હોતી. તો શું તેને ડાયાબિટીસ હતો ? કે પછી તે ડ્રગ એડિક્ટ હતી ?’

આ બાજુ સુરપાલ અને તેની ટીમ આખા બેડરૂમમાં ફરી વળ્યા. ફરસ પર ઘણાં લોકોની ફૂટપ્રિન્ટ્સના નિશાન હતા, તેમણે તમામ પ્રિન્ટ્સના ફોટા ખેંચ્યા. આરવીના મૃતદેહની જમણી બાજુના મેજ પરથી, તેમને એક નાનકડો વાળ મળ્યો. સુરપાલે તેને પૉલિથીન બૅગમાં મૂક્યો. તે મેજ પર એક ટેબલ લૅમ્પ પણ હતો.

“અહીં એક વિચિત્ર વસ્તુ જોવા મળે છે.” સુરપાલે આંગળી ચીંધી.

“શું ?”

“ટેબલ લૅમ્પનો વાયર જે પ્લગમાં ભરાવેલો છે તે પ્લગની સ્વિચને કોઈ સ્પર્શ્યું છે, નિશાન છે પણ ફિંગરપ્રિન્ટ્સ નથી. મતલબ, સ્વિચને સ્પર્શનાર માણસે હાથમોજા પહેર્યા હશે !”

“ઘરનો કોઈ માણસ ઘરમાં હાથમોજા પહેરીને ન ફરતો હોય. હું માનું છું ત્યાં સુધી આ કામ ગુનેગારનું છે.”

“જો ગુનેગારે હાથમોજા પહેરી રાખ્યા હશે તો તેની ફિંગરપ્રિન્ટ્સ બીજે ક્યાંયથી નહીં મળે.” સુરપાલે શંકા વ્યક્ત કરી. પછી, ટીમ બાથરૂમમાં જઈ ફૂટપ્રિન્ટ્સ લેવા લાગી.

“સાહેબ, બાથરૂમમાં ઘણાં પગલાં પડ્યા છે. મોટા ભાગના પગલાં શૂઝ પહેરીને ચાલનારના લોકોના છે, એક જ વ્યક્તિ ખુલ્લા પગે ચાલી છે, પણ તે પગલાં પુરુષના નથી. એ સિવાય જાનવરનાં પગલાં પણ છે.” સુરપાલે કહ્યું.

“હું, હેમંત અને ડૉગ સ્કવૉડની ટીમના માણસો બાથરૂમમાં ગયા હતા. અમે દરેકે શૂઝ પહેરી રાખ્યા છે એટલે તે પગલાં અમારા હશે. ડૉગ બાથરૂમમાં ગયો હતો માટે જાનવરના પગલાં પણ હશે. પરંતુ, ખુલ્લા પગે ચાલનાર વ્યક્તિ પુરુષ નથી એ તમે કેવી રીતે જાણ્યું ?” ઝાલાને આશ્ચર્ય થયું.

“પુરુષ અને સ્ત્રીના પગની રચના સહેજ અલગ હોય છે. પુરુષના કિસ્સામાં, પગનો પહોંચાથી એડી સુધીનો આકાર સહેજ ચોરસ બને છે, જયારે સ્ત્રીના કિસ્સામાં તે ત્રિકોણ બને છે. પુરુષના પગના અંગૂઠાથી એડી બાજુ જઈએ તો સામાન્યત: સીધી લીટી અથવા નહિવત કમાન બનતી હોય છે જયારે સ્ત્રીના પગના અંગૂઠાથી એડી સુધી નજરે ચડે એવો આર્ક હોય છે. સ્ત્રીનો અંગૂઠો પુરુષોના અંગૂઠાની સરખામણીએ વધુ સુરૂપ હોય છે. સ્ત્રીના પગના તળિયા બહારની બાજુએ સહેજ ટૂંકા હોય છે. મતલબ, પગની ટચલી આંગળીથી એડી સુધી જઈએ તો પુરુષના પગ લાંબા હોય છે. અહીં, બાથરૂમમાં, પગલાંનાં જે નિશાન મળ્યા છે તેમાં, પહોંચાથી એડી સુધીનો આકાર ત્રિકોણ છે, અંગૂઠાથી એડી સુધી સીધી લીટીના બદલે કમાન બને છે, તળિયાની બહારની લંબાઈ ટૂંકી છે અને અંગૂઠાનો આકાર રફ નથી.” સુરપાલે ફોડ પાડ્યો.

“આ તો ઘણું સહેલું છે.” ડાભીએ કહ્યું.

“જી નહીં, અનુભવ વગર નહીં !”

“સિગારેટ પીનાર માણસે બાથરૂમમાં પોતું કરી પોતાના પગલાં ભૂંસી નાખ્યા હોય તો ?” ઝાલાએ શંકા વ્યક્ત કરી.

“એવું થયું હોય તો સ્ત્રીના પગલાં પણ ભૂંસાઈ જાય. પોતું થઈ ગયા પછી સ્ત્રી અંદર ગઈ હોય તો અલગ વાત છે. કદાચ એવું પણ બને કે સિગારેટ કોઈ સ્ત્રીએ જ પીધી હોય ! આજની સ્ત્રીઓ ફક્ત નોકરી-ધંધા કે સમાજ ઉત્થાનના કાર્યોમાં જ પુરુષ સમોવડી નથી બની ; દુર્ગુણો, વ્યસન અને ફંદના મામલામાં પણ તેમને ટક્કર મારતી થઈ છે.” સુરપાલે સહજતાથી કહ્યું, પણ ઝાલા ચોંક્યા. તેમને કંઈક સૂઝ્યું હોય તેમ તેઓ આરવીના મૃત ચહેરાને જોવા લાગ્યા.

સુરપાલ અને તેની ટીમે, ચીકાશવાળા ડાઘ પર પ્રકાશ ફેંકી તેની પૂરી ચકાસણી કરી. તેમણે આરવીના બેડરૂમ તથા બાથરૂમના દરવાજાના નોબ પરના, તેમજ મહાકાલ જ્યોતિષના કાર્ડ પરના આંગળીઓના નિશાન મેળવ્યા. આરવીના રૂમથી લઈ ઘરની બહાર નીકળતા સુધી, જોવા મળેલા અલગ અલગ પગલાંનાં ફોટાં ખેંચ્યા.

કાર્યવાહી પૂરી કરી સુરપાલે કહ્યું, “સાહેબ, ડૉ. લલિત અને આરવીના બેડરૂમની બહાર જે ડાઘ છે તે બંનેની આસપાસ બે-બે વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ્સ મળી છે. જે રૂમમાં લાશ પડી છે તેના દરવાજાના નોબ પર ઘણી બધી ફિંગરપ્રિન્ટ્સ ઓવરલેપ થઈ છે. ઉપરથી નીચે જતાં પગલાંની છાપ પણ ઘણી જગ્યાએ આચ્છાદન થયેલી છે, પણ એક વ્યક્તિનો જમણો પગ બરાબર પડતો નથી. માણસને પંજામાં ખામી હોય કે તેને ત્યાં વાગ્યું હોય ત્યારે માણસ પંજા પર વજન મૂકતો નથી. આવા કિસ્સામાં શરીરનું આખું વજન એડી પર આવે છે, તેથી માણસના પંજાની છાપ હલકી અથવા અધૂરી ઊપસે છે. અહીં, તેવું જ થયું છે.”

“અહીંયા આવ્યા પછી તેના પગનો પંજો ઘવાયો હોય એવું બને ?” ઝાલાએ પૂછ્યું.

“બની શકે, પણ...” સુરપાલ થોડી વાર વિચારતો રહ્યો, “તેની શક્યતાઓ ઓછી છે. જો તે અહીં આવીને ઘવાયો હોય તો તે ઘામાંથી લોહી નીકળ્યું હોય, જેનો ડાઘ આપણને ક્યાંક ને ક્યાંકથી મળી જાત. હા, તેને મૂઢમાર વાગ્યો હોય તો લોહી ન નીકળે, પણ મૂઢમાર તો જ વાગે જો તેનો પગ કોઈ વસ્તુ સાથે જોરથી ટકરાયો હોય. તે કિસ્સામાં અવાજ ઘણો જોરથી આવે, અને રાતની શાંતિમાં ઊભા થયેલા મોટા અવાજથી કોઈ એક પણ વ્યક્તિ ન જાગે તેવું ન બને.”

“હમ્મ...”

“અમારું કામ પતી ગયું છે, ઘરના બધા સભ્યોની ફિંગરપ્રિન્ટ્સ અને ફૂટપ્રિન્ટ્સ મેળવી લીધી છે, મેચ કરીને ચોવીસ કલાકમાં આપી દઈશું.” સુરપાલે જવા માટે રજા માંગી.

“ઠીક છે.”

સુરપાલ અને તેની ટીમ વિદાય થઈ અને ઍમ્બ્યુલન્સનું સાયરન સંભળાયું.

ક્રમશ :

(રેટિંગ આપવાનું ભૂલશો નહીં. આપને આ નોવેલ વાંચવાની ખૂબ મજા આવતી હોય તો આપના મિત્રો-કુટુંબીઓ અને સંબંધીઓને તે વાંચવાનું કહેજો.)