મોનિકા
મિતલ ઠક્કર
પ્રકરણ-૮
મોનિકા બાળકને જન્મ આપવાની છે એ સમાચાર સાંભળ્યા પછી અવિનાશના મનમાં એક નવા વિચારનો જન્મ થયો હતો. એ વિચાર હતો કે હકીકત હતી એ તેને હજુ સમજાયું ન હતું. પણ તેના મનમાં ચાલતી ગણતરીઓએ તેને એવું માનવા મજબૂર કર્યો કે મોનિકા જે બાળકને જન્મ આપવાની છે એ પોતાનું ના હોઇ શકે. તે બાળક લાવવા માગતો ન હતો અને એ બાબતે સતર્ક હતો. તે આ વિશે વધારે વિચાર કરવા માગતો હોવાથી ઓફિસમાં જવાને બદલે એક હોટલમાં ગયો હતો. ત્યાં પણ તેને મોનિકા પર અવિશ્વાસ માટે કોઇ સબળ કારણ ન હતું. મોનિકા તેને ચાહતી હતી. તેને પોતાને ઘણી વખત થયું કે મોનિકાના ચરિત્ર પર શંકા કરીને તે ખોટું કરી રહ્યો નથી ને? પણ સમય અને સંજોગો એવું સાબિત કરતા હતા કે મોનિકા તેના નહીં રેવાનના બાળકને જન્મ આપી રહી છે. તેણે એ બાબતમાંથી મનને વાળવાનો અનેક વખત પ્રયત્ન કર્યો. તેણે શરાબનો સહારો લીધો. શરાબની અસરથી મન વધારે ચકડોળે ચઢ્યું અને આખરે તેણે એક નિર્ણય લઇ લીધો. તેણે નક્કી કર્યું કે આવનાર બાળકને અપનાવશે નહીં. મોનિકાને તેના પિયર વહેલી મોકલી આપશે અને બાળકના જન્મ પછી તેને પાછી પોતાના ઘરે લાવશે નહીં.
આખો દિવસ હોટલમાં બેસીને મનની ગડમથલમાં અટવાયેલો અવિનાશ રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે મોનિકાએ તેના સવાલને સમજ્યા નહીં. તેણે બે મહિનાની વાત કહી એ પણ મોનિકાએ ઉડાવી દીધી હતી. તે આજે નિર્ણય લઇને આવ્યો હતો કે મોનિકાને તેના પિયર મોકલીને હમણાં તેનાથી અલગ થઇ જશે. હજુ તે પોતાને એક તક આપવા માગતો હતો. મોનિકા સમક્ષ આડકતરી રીતે શંકા વ્યકત કરીને કોઇ જાણકારી મેળવી શક્યો ન હતો.
અચાનક તેને થયું કે જે કારણ છે તેને જ મિટાવી દઇએ તો કેવું? બાળકને આ દુનિયામાં લાવવામાં ના આવે તો? તે કોઇના બાળકને શા માટે જન્મ આપવા દે? ઘરમાં પોતાની શંકા વ્યક્ત કરવાથી તેને જ બધા કોસવાના હતા એ અવિનાશ જાણતો હતો. કોઇને તેની વાત પર વિશ્વાસ બેસવાનો ન હતો. આ બાબતે ખુલીને વાત થઇ શકે એમ ન હતી. બાળકને પડાવી નાખ્યા પછી મોનિકા સાથે વાત કરીને સંબંધનો ફેંસલો લાવી શકાય એમ હતો. તે ફરી એક નવો નિર્ણય લઇને ઊંઘી ગયો.
સવારે જલદી જવાનું છે એમ કહી અવિનાશ ઉતાવળ કરવા લાગ્યો.
"અવિનાશ, ગઇકાલથી તમે ચિંતામાં લાગો છો. રાત્રે ઊંઘમાં પણ બબડતા હતા..." મોનિકાને અવિનાશની ચિંતા થઇ રહી હતી.
"હં..હું બબડતો હતો? શું બોલતો હતો?" જાણે મોનિકા તેના વિચારો જાણી ગઇ હોય એમ અવિનાશને ગભરાટ થયો.
"હા.… હા… હા..." મોનિકાને હસતી જોઇ અવિનાશને નવાઇ લાગી.
"અરે! તમારી કોઇ ચોરી પકડાઇ ગઇ હોય એમ તમે તો ગભરાઇ ગયા.." મોનિકા હસવાનું ખાળતાં બોલી.
"ઓફિસમાં આજકાલ ટેન્શન વધારે છે એટલે કંઇક બોલાઇ ગયું હોય."
"કોઇનો બબડાટ સમજાતો હોત તો કેટલાય સંબંધ વગર કારણે તૂટી જતા હોત. ઊંઘમાં તો વિચિત્ર બબડાટ હોય એનો અર્થ શું કાઢવો. પણ તમને કઇ ચિંતા છે?"
"ઓફિસમાં બીજો એક સહકર્મી છે. મારા પછી આવ્યો હતો. અને હવે પ્રમોશન પોતે લેવા માગે છે. હું કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યો છું..."
"તમારું પ્રમોશન તો પાકું છે..."
"તું કેવી રીતે કહી શકે...?"
"અરે ! હું તો તમારી પિતા બનવાની વાત કરી રહી છું. પતિ પછી પિતાની જવાબદારી આવશે એ પ્રમોશન જ કહેવાય ને?"
અવિનાશને થયું કે આ સરસ મોકો છે. તેણે મોનિકાનો હાથ પકડ્યો અને બેડ પર બેસાડી એક ક્ષણ આંખો બંધ કરી વિચાર કરી કહ્યું: "મોનિકા, પ્રમોશન પછી આપણે પરિવાર વધારીએ તો કેવું રહેશે?"
"તમે કહેવા શું માગો છો અવિનાશ?" મોનિકા ચોંકી ગઇ.
"મારો કહેવાનો મતલબ એ છે કે આપણે હમણાં બાળક ના લાવીએ તો શું વાંધો છે?"
"અવિનાશ, તમે આવું વિચારી શકો જ કેવી રીતે? એક નિર્દોષ બાળકની હત્યાનું પાપ માથે લેવા તૈયાર થયા છો? મારી ખુશીની કોઇ કિંમત જ નહીં? આ તો ભગવાનની દેન છે કે આપણે જલદી મા-બાપ બનવાના છીએ. એવા પણ દંપતીઓ છે કે જે વર્ષોથી દવાઓ કરી રહ્યા છે, અને મંદિરોના ચક્કરો માર્યા પછી પણ આ પરમ ભાગ્ય મેળવી શક્યા નથી. તમે નોકરીમાં પગાર ના વધે કે હોદ્દો નાનો રહે એની ચિંતા ના કરો. હું તમારા પગારમાં ઘર ચલાવીશ. આપણું ફૂલ જેવું બાળક તમને ભારરૂપ નહીં બને. તમને કોઇ તકલીફ નહીં પડવા દઉં..." મોનિકા બોલતાં-બોલતાં હિબકે ચઢી ગઇ.
અવિનાશે તેને જેમતેમ શાંત કરી અને ઓફિસ જવા નીકળી ગયો.
અવિનાશનો વિચાર અત્યારે બાળક લાવવાનો નથી એ જાણ્યા પછી મોનિકાના દિલમાં આઘાત હતો. મોનિકાને લાગ્યું કે તે મા બનવાની છે એ વાતથી અવિનાશ એટલે જ ખુશ દેખાતો ન હતો. તેના ચહેરા પર કાલે જે ખુશી હતી એ બનાવટી હતી. મોનિકાને થયું કે તે મા બનવાનો અવસર પામી છે ત્યારે ખુશીને બદલે અવિનાશ ચિંતા ઊભી કરી રહ્યો છે. મોનિકા વિચારોમાં ગરકાવ થઇ ગઇ હતી. તેને સમજાતું ન હતું કે હવે શું કરવું? સસરાજીને કે રેવાનને વાત કરવી જોઇએ?
મોનિકાને અચાનક "હાઉ..." નો અવાજ સંભળાતા તેં ડરી ગઇ.
રેવાન તેના ચહેરા પરના ડરને જોઇ હસી પડ્યો:"જોયું ભાભી, ડરાવી દીધા ને?"
"આ સ્થિતિમાં ડરાવવા ના જોઇએ..." મોનિકા ગંભીર થઇ બોલી.
"અત્યારથી જ બાળકને બહાદુર બનાવવાનો છે. તે કોઇથી ડરવો ના જોઇએ."
"પણ મને એક વાતનો ડર છે.." મોનિકાથી બોલાઇ ગયું. તેને રેવાન હમદર્દ લાગતો હતો.
મોનિકાના ચહેરા પર ચિંતાની રેખાઓ ખેંચાયેલી જોઇ રેવાનને નવાઇ લાગી.
"ભાભી, શું વાત છે? તમે કોઇ ઉલઝનમાં લાગો છો."
"મને ડર એ વાતનો છે કે મારું બાળક આ દુનિયામાં આવશે કે કેમ?"
"હેં? શું બોલો છો તમે? કોઇ તકલીફ છે?"
"મને તો કોઇ તકલીફ નથી. તમારા ભાઇને..."
"શું કહે છે મારા ભાઇ? એમને કઇ તકલીફ છે?" રેવાને મોનિકાના બંને ખભા પકડી હલબલાવી પૂછ્યું: "ભાભી વાત શું છે એ કહો."
"તમારા ભાઇ... હમણાં બાળક લાવવા ઇચ્છતા નથી."
"મૂર્ખાઇ છે આ તો. બાળક લાવવું જ ન હતું તો..."
"હું મા થઇને પોતાના બાળકને હવે કેવી રીતે અટકાવી શકું?"
"ભાભી, તમે બાળકને જન્મ આપશો જ. હું ભાઇ સાથે લડી લઇશ."
"જુઓ, આ અમારો અંગત મામલો છે. તમે હમણાં કંઇ જ બોલશો નહીં."
"પણ ભાભી, ભાઇનો આ નિર્ણય ખોટો છે. પપ્પા જાણશે તો ખિજવાય જશે."
"તમે હમણાં એમને કહેશો નહીં." કહી મોનિકા પોતાના કામ કરવા લાગી.
પણ રેવાને પોતે જે કહેવું હતું એ કહી જ દીધું. એ સાંભળીને મોનિકા ચોંકી ગઇ.
તે કરગરવા લાગી:"તમે અવિનાશને કશું ના કહેશો..."
રેવાન ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો. મોનિકાને થયું કે રેવાન કેટલો સંવેદનશીલ છે. અવિનાશ કેમ આવો છે?
આખો દિવસ ઘરમાં વાતાવરણ ભારેખમ રહ્યું. મોનિકાનું દિલ લાગતું ન હતું. રેવાનને ભાઇ પર ગુસ્સો આવી રહ્યો હતો.
અવિનાશ રાત્રે ઘરે આવ્યો પછી પણ ઘરની બોઝિલ હવામાં ફેરફાર ના થયો. બળવંતભાઇને નવાઇ લાગી રહી હતી. આજે ત્રણમાંથી કોઇ મજાક-મસ્તી કે કોઇ પ્રકારની વાત કરતું ન હતું. બધાએ મૂંગામૂંગા જમી લીધું. જમ્યાપછી અવિનાશે બળવંતભાઇને કહ્યું: "પપ્પા, જરા બેસોને. મારે એક અગત્યની વાત કરવી છે..."
બળવંતભાઇ તરત જ નાના બાળકની જેમ તેની સામે બેસી ગયા અને ઉત્સુક્તાથી જોઇ રહ્યા. રેવાન પણ તેમની બાજુમાં જઇ બેસી ગયો. મોનિકા દૂર ઊભી રહી અવિનાશ શું કહે છે એ જાણવા અધીરી બની.
"પપ્પા, તમને દાદા બનવાની ઉતાવળ છે..."
"હા બેટા, હું તો દાદા બનીને ધન્ય થવાનો છું..."
"પણ મને પિતા બનવાની ઉતાવળ નથી."
"એટલે...?"
"તમે બરાબર સમજ્યા છો. હું હમણા એક-બે વર્ષ બાળક ઇચ્છતો નથી."
"આ વાતનો તારે પહેલાં જ વિચાર કરવાનો હતો. અને બાળક તો ઇશ્વરની ભેટ છે."
અવિનાશ બે ક્ષણ કંઇ બોલ્યો નહી. પછી સહેજ કડક શબ્દોમાં બોલ્યો: "પપ્પા, આ મારો નિર્ણય છે. અને હું એને વળગી રહું છું. અમારે હમણાં બાળક જોઇતું નથી. કાલે એબોર્શન કરાવીશું."
"પણ અમારે બાળક જોઇએ છે..." ક્યારનોય ચૂપ રહેલો રેવાન અકળાઇને બોલી ઉઠ્યો.
"અમારે એટલે?"
"મારે અને ભાભીને..."
"કેમ?"
"કેમ કે... કેમકે, એ...મારું બાળક છે..."
રેવાનના શબ્દો અવિનાશને દઝાડી ગયા. તેને થયું કે તેની શંકા સાચી પડી. મોનિકાના પેટમાં રેવાનનું જ પાપ છે. પણ એની હિંમત તો જુઓ? મારી ગણતરી ખોટી ના પડી. મોનિકાએ પણ મારી પીઠમાં છરો ભોંક્યો છે. હું ખોટું વિચારતો ન હતો. સારું થયું કે બાળક પડાવી નાખવાની વાત કરી. નહીંતર સાચી હકીકત આટલી જલદી બહાર આવી ન હોત.
વધુ હવે પછી...