22 Single - 9 in Gujarati Comedy stories by Shah Jay books and stories PDF | ૨૨ સિંગલ - ૯

Featured Books
Categories
Share

૨૨ સિંગલ - ૯

૨૨ સિંગલ

ભાગ ૯

ગુડમોર્નિંગ હર્ષ.... હરરરરર્ષ..... હર્ષ અલાર્મ બંધ કરીને પાછો સુઈ ગયો.

“મમ્મી નો ફોન આવ્યો, મમ્મી, મમ્મીનો ફોન આવ્યો.” રીંગટોને ઉઠાડ્યો ત્યારે ૭:૩૦ થવા આવ્યા હતા. રાત્રે થોડાક મોડા સુઈ જવાને લીધે આજની સવાર મોડી પડી. દરરોજ ૭ વાગ્યે ઉઠી જ જતો. દરરોજ ની ટેવ પ્રમાણે મમ્મી ને ફોન કરીને “જયશ્રીક્રીષ્ણ” કહીને કામે લાગ્યો. રસોડા ની લાઈટ ચાલુ કરી અંદર ગયો ત્યાં પગમાં “પચક પચક” અવાજ આવ્યો. જોયું તો રાત્રે ફ્રીઝે ફરી પી કરી હતી અને આખા રસોડામાં એનું પાણી ધૂળ સાથે રંગરેલિયા મનાવતું હતું.

એક તો એમ પણ મોડું ઉઠયું હતું ને એમાં આ કામ વધ્યું એટલે હર્ષનું મોઢું બગડ્યું. ફટાફટ પોતું લઈને આખું રસોડું સાફ કર્યું. ચાલો, જે થયું એ સારું થયું એ બહાને બે મહીને રસોડું સાફ તો થયું એમ વિચારીને ટોઇલેટમાં ઘુસ્યો. ટોઇલેટમાં જતા જ ૪૪૦ વોલ્ટ નો ઝટકો લાગ્યો હોય એમ હર્ષ કુદીને બહાર આવ્યો. અંદર ખબર નહી ક્યાંથી મોટી ગરોળી ટપકી પડી હતી.

આજ સવાર સવારમાં કોનું મોઢું જોયું એ વિચારતો હર્ષ બે મિનીટ ત્યાં જ ઉભો રહ્યું. ફ્રીઝ નું કામ પૂરું થયું ત્યાં વળી આ બીજું વધ્યું. અને આ તો વળી પછી ગરોળી, હર્ષ ની જાની દુશ્મન. હર્ષ ની પહેલથી જ ગરોળી થી બહુ જ ફાટે. એનો કલર પાછો એકદમ ડાર્ક બ્લેક, માત્ર બે આંખો જ ચકળ-વકળ થતી દેખાય. હર્ષે અત્યાર સુધી જોયેલી સૌથી મોટી ગરોળી હશે. ચાર ઇંચ કરતા વધારે લાંબી તો માત્ર એની પૂછડી જ હતી.

હર્ષે ફટાફટ બ્રશ કર્યું પણ આ શું? હર્ષ ની જૈવિક ઘડિયાળ બરાબર કામ કરતી હતી. દરરોજનો સમય થયો ત્યાં ટોઇલેટ લાગી. આગલા દિવસના ભીંડા બહાર આવું-આવું કરે છે અને ટોઇલેટમાં ગરોળી કૂદા-કૂદ. મોઢામાં બ્રશ લઈને હર્ષ ખુરશી પર એકદમ સ્થિર બેસી ગયો. સવારનો ઉઠ્યો ત્યારથી પાણી નથી પીધું. પાણીની બોટલ સામે છે, તરસ પણ લાગી છે પણ પાણી પી તો પ્રેસર વધે અને ભીંડા ની સાથેસાથે સવારના દાળ-ભાત પણ લાઈન લગાવી દે.

પાંચ મિનિટના અથાગ પ્રયત્ન પછી પ્રેસરને કંટ્રોલ કરવામાં સફળતા મળી. હર્ષે ફટાફટ બ્રશ પતાવ્યું અને ફરી ટોઇલેટ નું બારણું ખોઈને ‘મેડમ’ ગયા કે નહિ એ ચેક કર્યું. પણ ‘મેડમ’ તો હર્ષની સામે જ જીભ બહાર કાઢીને જોતા હતા. હર્ષે ધડામ દઈને બારણું પાછુ બંધ કરી દીધું. પાણીની બહુ જ તરસ લાગી હતી, ગળું સુકાતું હતું એટલે હર્ષે એક જ ગુટડો પાણી પીધુ પણ બંગાળની ખાડીમાં જેમ પ્રેસર બને ને ભારતમાં વરસાદ પડે એમ અહિયાં પેટમાં પ્રેસર બન્યું. માનવજાતનો સ્વભાવ પાછો એવો કે જેમ પ્રેસર વધે એટલે મગજ કામ કરતું બંધ થઇ જાય. બસ માત્ર એના જ વિચારો આવે. હર્ષને પણ એવું જ થયું. શું કરવું એ કઈ સમજ નહોતી પડતી. અંદર ‘મેડમ’ અડ્ડો જમાવીને ચાર ટાંટિયા લાંબા કરીને બેઠી હતી.

હર્ષે થોફું મગજ દોડાવ્યું, તરત જ બાઈક ની ચાવી લીધી. ખિસ્સામાં ૫૦ રૂપિયાની નોટ નાખીને ભાગ્યો. એના રૂમથી એક-દોઢ કિલોમીટર દુર “પે એન્ડ યુઝ” છે જે હર્ષ ને યાદ આવ્યું. મારતી ગાડી એ હર્ષ ત્યાં પહોંચ્યો. ત્યાં જઈને સીધો ટોઇલેટમાં ભરાવવાની કોશિશ કરી. ત્યાં ચાર ટોઇલેટ હતા અને અત્યારે બધા ફૂલ હતા. હર્ષે ચારે-ચાર ટોઇલેટ ના બારણા પર જોર-જોરથી ખખડાવ્યુ. એકે તો અંદરથી બુમ મારી કે “કોણ છે સાલું, મારું તો આવતું અટકી ગયું.” બહાર નીકળીને એ હર્ષને ગાળો દે કહે કે કાલના ખાલી રસગુલ્લા જ બહાર નીકળ્યા, દાળ-ભાત તો હજી અંદર જ છે. સુપરવાઈસર એ ૧૦ રૂપિયા માંગ્યા તો માત્ર પાંચ જ આપ્યા કે અડધું જ નીકળ્યું છે તો અડધા જ આપીશ. હર્ષ આ બધું સાંભળવા ઉભો ના રહ્યો અને સીધો અંદર જઈને ફ્રેશ થયો ત્યારે એને હાશ થઇ.

આવું બીજા દસ-દિવસ ચાલ્યું. દસ દિવસ દરમિયાન હર્ષે એ ગરોળીનું નામકરણ પણ કરી નાખ્યું :’હની’. દરરોજ સવાર-સાંજ બે વખત હર્ષ ધીમે રહીને બારણું ખોલીને ચેક કરે કે ‘હની’ છે કે નહિ. ‘હની’ દેખાય એટલે તરત બોલે “હની, શું લઈશ બકા અહિયાથી જવાનું.? જા ને બેટા. શું કામ હેરાન કરે છે મને.” ‘હની’ પૂછડી હલાવીને ‘ના’ પાડે. આ દસ દીવસ હર્ષે કંપનીમાં જ ટોઇલેટ જવાનું રાખ્યું.

હર્ષ હવે થાક્યો હતો એણે એના મકાન-માલિક ને એ વિષે જણાવ્યું. હર્ષે બીજા જ દિવસથી નવું ઘર શોધવાની શરૂઆત પણ કરી દીધી. મકાનમાલિક ને ઉતાવળમાં કહી તો દીધું કે આવતા જ મહીને રૂમ ખાલી કરી દઈશ પણ ૧૫ તારીખ તો થઇ ગઈ હતી. માત્ર ૧૫ દિવસમાં એકલા રૂમ શોધવાનું કામ હર્ષ માટે લોઢા ના ચણા ચાવવા જેવું હતું. ૮ કલાક જોબ કરવાની, આવીને રૂમ શોધવા અલગ-અલગ એરિયા માં ફરવાનું, આવીને જમવા બનાવવાનું, અને જમીને એય લાંબા પગ કરીને સુઈ જવાનું. આમાં હર્ષ છોકરી ને તદ્દન ભૂલી ગયો હતો. જોકે આ સિંગલ હોવાનો એક ફાયદો હતો. એનું બધું જ ધ્યાન માત્ર ને માત્ર રૂમ શોધવામાં જ હતું.

રૂમ શોધવાના ચક્કરમાં હર્ષ શહેરના એવા એવા એરિયા માં પહોંચી ગયો હતો જે એણે સપના માં પણ નહોતું વિચાર્યું. રૂમ તો નહોતો મળતો પણ દારૂના અડ્ડા, બે નંબરના કામ કરતા દલાલો, એમ બધે હર્ષ પહોંચી ગયો હતો. એક દારૂડિયા એ તો માત્ર ૧૦૦૦ રૂપિયામાં રૂમ આપવાનું કીધુ પણ એની શરત એટલી કે દરરોજ હર્ષે એના માટે દારૂ ની એ કહે ત્યાં હોમ-ડીલીવરી કરી આપવાની. હર્ષે ના પાડી અને ત્યાંથી બાઈક લઈને નીકળવા ગયો ત્યાં પેલા દારૂડિયા અને બીજા ત્રણ-ચાર જણા એ મળીને પહેલા તો એને ઘેરી લીધો અને બાઈક ની ચાવી લઇ લીધી. એ લોકો ને હર્ષનો જવાબ “ના” ગમ્યો નહિ હોય એમણે હર્ષને બહુ હેરાન કર્યો. જો ત્યાંથી હર્ષે સહી-સલામત જવું હોય તો બાઈક ત્યાં જ મુકીને જવું. હર્ષે પોલીસ ને કહેવાની ધમકી આપી તો દારૂડિયો ખુદ પોલીસ ને ફોન ડાયલ કરવા લાગ્યો.

હર્ષ પાસે એમના કહેવા પ્રમાણે કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. હર્ષ ના ઘણા કહેવાથી એમણે આજના એક દિવસનું કામ કરવાના બદલામાં હર્ષ ને છોડવાની તૈયારી બતાવી. હર્ષે હામી ભણી એટલે એમનો એક માણસ એક થેલીમાં દારૂની ત્રણ બોટલ અને એ ક્યાં પહોચાડવાની એનું એડ્રેસ લઈને આવ્યો. હર્ષ એ થેલી એના બેગમાં મુકીને નિકળ્યો અને રસ્તા માં એક એકાંત વળી જગ્યાએ ઉભા રહીને ત્રણે બોટલ ફોડી નાખી અને રૂમ પર જઈને સુઈ ગયો. બધા દારૂડિયાઓ ચિક્કાર પીધેલા હતા એટલે કોઈને હર્ષની બાઈક નંબર કે એવું કઈ યાદ રહે એવો કોઈ ચાન્સ નહોતો.

બીજા દિવસે હર્ષ શહેર ના પૂર્વ ભાગમાં ગયો. ત્યાં એક સિક્યુરીટી વાળાને પૂછ્યું તો એણે ફ્લેટમાં એક ઘર ખાલી હોવાનું કીધું અને મકાન-માલિક નો નંબર આપ્યો. હર્ષે એમની સાથે વાત કરી બીજા દિવસે મીટીંગ નક્કી કરી. હર્ષે એમને પોતે એકલો “સિંગલ” જ રહેવા માંગે છે એવું કહેતા જ એમના હાવ-ભાવ પરથી જ જવાબ “ના” મળી ગયો. પણ આજે તો હર્ષ આ સિંગલ ને “ના” કેમ એ જાણ્યા વગર ત્યાંથી ઉભો થાય એમ નહોતો. મકાનમાલિકે કીધું કે, “એમની એક ‘જુવાન’ છોકરી છે.”

હા હા હા, બોલો. હર્ષને જેટલો વિશ્વાસ પોતાના પર છે એના કરતા મકાનમાલિક ને વધારે છે. હર્ષ મનમાં ને મન માં હસતા હાથ જોડીને બહાર નિકળ્યો. ઈચ્છા તો બહુ થઇ પોતાની સિંગલ લાઈફ વિષે જણાવવાની પણ એ પછી મકાનમાલિક એમની “જુવાન” છોકરીને “બહેન” બનાવી દે એ પણ મંજુર નહોતું.

હવે તો સિંગલ સાંભળીને “ના” સાંભળવાની હર્ષ ને જાણે ટેવ પડી ગઈ. ત્યાર પછી બીજા બે-ત્રણ રૂમ મળ્યા પણ બધા “સિંગલ” ને રાખવાની ના જ પડતા. એક કાકાએ તો સામેથી જ કીધું કે “ તમાર પેઢીના ઈડિયટ્સ રૂમ એટલો ગંદો રાખે અને એને સાફ કરવા બહારથી ગર્લફ્રેન્ડ ને બોલાવે. અમે તો કઈ બુદ્ધુ છે જે અમને ખબર ના પડે. એમનો રૂમ સાફ કરતા તો એવી ગંદી ગંદી વસ્તુ મળે કે અમને શરમ આવે...” હર્ષે કાકાને વચ્ચે થી બોલતા અટકાવવા પડ્યા. કાકાને ક્યાં ખબર કે હર્ષ ને છોકરી સાથે સબંધ એટલે પૃથ્વી અને સૂર્ય જેવું છે, પૃથ્વી સૂર્ય ની આસપાસ આંટા માર્યા જ કરે પણ સૂર્યની ગરમી સામે વિસાત નહિ કે પૃથ્વી નજીક પણ જાય.

હર્ષે પછી એક એપ્લીકેશન નો ઉપયોગ કર્યો ત્યાં પણ મેળ ના પડતા “દલાલો” ને મળ્યો. એમણે ૩૦૦૦ ભાડું શરત સાથે એક રૂમ બતાવ્યો અને એ રૂમ એટલે ૧૨ બાય ૧૨ ની કોટડી. છેલ્લે હર્ષે બજેટ વધારીને ૪૦૦૦ કર્યું ત્યારે એને થોડો ઢંગ નો કહી શકાય એવા રૂમ મળ્યા. ૧૦૦૦૦ ડીપોઝીટ, ૪૦૦૦ પેલા દલાલ ને આપ્યા. ગરોળી નો એક કુદકો હર્ષને પહેલા તો તદ્દન નવો અનુભવ “પે એન્ડ યુઝ” માં લઇ ગયો અને ટોટલ ૧૪૦૦૦ માં પડ્યો.