ટાસ્ક 1.
ન્યાયપ્રતિમા
રાત્રિ વિતતી રહી અને હરીશ પથારીમાં પડખા બદલાતો રહ્યો. આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું. શેરીના કોઈ ખૂણેથી કુતરાઓના રડવાના અવાજો સાંભળી રહ્યો. આંખોની સમક્ષ આજે જે ઘટના બની તે તરવરી રહી.કોર્ટમાં આજે બાબા સુખરામસિંઘ વિરુદ્ધ કેસ લડ્યો તેની દલીલો કાને અથડાઇ.'યોર ઓનર મને પુરાવાઓ અને સાક્ષીઓ લાવવા માટે પૂરતો સમય આપવામાં આવે તેની નમ્ર અપીલ છે.' ....પ્રતિપક્ષના સીનિયર લોયર મિસ્ટર દેસાઇએ દલીલબાજી લંબાવી.'મારા જૂનિયર લોયર મિસ્ટર હરીશને અદાલતનો સમય વેડફવામાં જ રસ છે....તેઓ મારા અસીલ બાબા સુખરામસિંઘને ખોટા આરોપો હેઠળ ફસાવીને જેલભેગા કરવા માંગે છે. મારી આપને વિનંતી છે કે તેઓને સમય આપવો એ સમયની બરબાદી માત્ર છે માટે તેમની અરજી માન્ય રાખવામાં ન આવે.' મિસ્ટર દેસાઇ શહેરના મશહૂર લોયરમાંના એક હતા.એમના હાથમાં કેસ આપતા જ લોકો એ કેસ જીતેલો સમજતા.બાબા સુખરામસિંઘ પર રેવતી નામની એક યુવતી પર બળાત્કાર અને યૌનશોષણનો આરોપ હતો.ધર્મસ્થાને આવા શરમજનક કાર્યો થઇ રહ્યા હતા એ જાણીને લોકોમા બાબા વિરુદ્ધ રોષની લાગણી પ્રચંડ બની રહી.રેવતી અને લોકોની આશા ઉપર ખરું ઊતરવું, દેસાઇ જેવા અક્કલબાજ વકીલને સબક આપવો અને બાબાને જેલભેગા કરી ન્યાયનું રક્ષણ કરવું એ નવોદિત વકીલ હરીશના પડકારો હતા.
હરીશે કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ પ્રેક્ટિસ શરૂ કરી હતી.વકીલાત તેની પસંદગીનું ક્ષેત્ર હતું અને ન્યાય પર ભરોષો બેસે તે માટે ગરીબ તેમજ નિર્બળ લોકોના કેસ લડતો. બાબા સુખરામસિંઘ બાબાના રૂપમાં એક પહોચેલો નર રાક્ષસ હતો જેની આડમાં કોઈ સ્ત્રીનું શિલ સલામત નહોતું લોકો આ વાત જાણવા છતાં બોલવાની હિંમત ન કરતાં. ધર્મની આડમાં દારૂના અડ્ડાઑ ચલાવવા તેમજ ચરસ,ગાંજો અને અફીણની સપ્લાય જેવી પ્રવૃતિઓ ચાલતી.બાબાની પહોંચ અને બળનો પ્રભાવ એટલો જબરો હતો કે નજરે નિહાળેલી પ્રવૃતિઓના સાક્ષી હતા પરંતુ કોર્ટમાં સાક્ષી તરીકે આવતા ડરતા તેમના અનુયાયીઓ અને સમર્થકોની ધાકધમકી હરીશને મળતી. કેસ પાછો ખેચવાં માટે પણ તેના પર દબાણ કરવામાં આવતું. હરિશના કુટુંબમાં હરીશ પોતે અને તેના બિમાર પિતા બસ બે જ હતાં સુખ તેમજ દુ:ખના સાથી કહી શકાય તેવાં.બાબાની સાંઠગાંઠ રાજકારણીઓ સાથે પણ ભયંકર હતી અને કેસ છોડવાનું સમજાવવા માટે હરીશને ઘેર અવારનવાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ આવતી.હરીશ પોતાના નિર્ણય પર અડગ હતો પણ નજાણે કેમ ધીરે ધીરે કોઈ ડરનું સામ્રાજ્ય હૃદયને ઘેરી વળ્યું હોય એવું લાગ્યાં કરતું. બાબાના અનુચરો દિવસ રાત તેનો પીછો કરતાં અને તેની દરેક પ્રવૃતિઓ પર બાજ નજર રાખતાં.
રાત્રિ ધીમે ધીમે પસાર થઈ રહી હતી અને પ્રભાત કોઈ આશાનું કિરણ લઈને પ્રગટશે એવા વિચારો સાથે હરીશની આંખો ઘેરાઈ.રાત્રિનો અંધકાર શમ્યો અને પ્રભાત પાંગર્યું.નાસ્તો કરતાં કરતાં કોર્ટમાં સત્ય પુરવાર કરવા માટેના શબ્દો ગોઠવતો રહ્યો.મિસ્ટર દેસાઇ કઈ દલીલો કરશે પોતે કઈ રીતે તેનો જવાબ આપશે તેવા પ્રશ્નોનું પુનરાવર્તન કરવા લાગ્યો.સ્કૂટરને કીક મારીને રાબેતા મુજબ કોર્ટ જવા નીકળ્યો પરંતુ આજે રસ્તો થોડો લાંબો લાગ્યો.
દરરોજ કરતાં આજે હરીશ અડધી કલાક વહેલો પહોંચ્યો.કોર્ટમાં અકળાવનારી શાંતિ હતી તેને ભંગ કરવા પોતાની બેઠક પર જ બૂટને જમીન સાથે ટપટપાવીને તાલ સાથે કોઈ ગીત ગણગણાતો હતો.સાથે કેસની ફાઇલ પર એક નજર ફેરવી લેતો.કાગળના ફડફડ અવાજો હરીશની મનની એકલતાને દૂર કરતાં.થોડો કંટાળો આવ્યા બાદ હરીશે મુખ ઉચક્યું ને તેનું ધ્યાન એકદમ સામેના ટેબલ પર મુકેલી ન્યાયપ્રતિમા સમક્ષ ગયું.તે અનિમેષ મૂર્તિ સામે જોતો રહ્યો,નિહાળતો રહ્યો.
અચાનક જ એ પ્રતિમા જીવંત બની રહી હોય એમ લાગ્યું.પ્રતિમા માંથી શ્વેત ઝગારા મારતો દેહ બહાર આવ્યો.મૂર્તિની આંખો કાળી પટ્ટીથી ઢાંકી દેવાયેલી અને તેના હાથમાં ત્રાજવું એક તરફ ઢળતું અને બીજી તરફથી ઉચકાયેલું. તે પવનવેગે ઊડીને હરીશ પાસે પહોંચી ગઈ. હરીશ કુતૂહલપૂર્વક તેને જોતો રહ્યો.તે પ્રતિમા વ્યંગભર્યું હસી.હરીશ કંપી ઉઠ્યો ‘આપ ....’બાકીના શબ્દો હવામાં ઓગળી ગયા.મૂર્તિ તેને જોઈને હાહાહા કરીને હસી...’હું ન્યાયપ્રતિમા છું ....ફક્ત પ્રતિમા....ડર નહીં.......હે નવોદિત વકીલ! તને મનમાં કયો ભય સતાવે છે?... બાબા વિરુદ્ધ કેસ લડવાનો કે પછી મનના કોઈ ખૂણેથી પક્ષપલટો કરવાની કોઈ સલાહ મળે તેનો ડર...? શા માટે ભયભીત છે? લાગે છે તે કાયદાનો અભ્યાસ બરાબર કર્યો નથી...ધારાઓ અને કલમો તો તને બહુ યાદ રહી તો પછી શીદને ડરશ? અને હા.... તારી આ અસમંજસભરી પરિસ્થિતી સમજાતી નથી....આ પહેલા આવા ઘણા કેસો લડાઈ ચૂક્યા છે આ અદાલતમાં ...અવિનાશ જેણે બાબાનો મર્ડર કેસ હિંમતપૂર્વક હાર્યો અને એ હારની કિંમત હતી વીસ લાખ ...છે તારામાં આવી હિંમત તો આગળ વધ...વેગપૂર્વક આગળ ધપાવ તારી કારકિર્દી’ હાહાહા કરી મૂર્તિ ફરી હસી અને બોલી, “હે વત્સ! અહીં ન્યાય તોલી તોલીને અપાય છે આ ત્રાજવું તેનું પ્રતિક છે હાહાહા… આ મારી આંખો પર બંધાયેલી કાળી પટ્ટી એ નિષ્પક્ષતા છે કે અંધત્વ એ નક્કી કરવું મુશ્કેલ છે...જ્યારે વ્યક્તિ બળવાન ત્યારે અંધત્વ અને વ્યક્તિ સામાન્ય ત્યારે નિષ્પક્ષતા .... હાહાહા...ન્યાય વ્યક્તિના ચેહરાઓ જોઈને થાય છે..શું એ શીખ્યો નથી...આ દેસાઇ પાસેથી તો કઈ શીખ....હા તારાથી સીનિયર ઘણા છે પણ તારી ઉમરમાં તો તેમણે કારકિર્દીની ભવ્ય શરૂઆત કરેલી… હારી જવાની વીરતા દાખવીને તો જીતવાનું હુન્નર કેળવ્યું તેમણે....હાહાહા હારવું એ આસાન કામ નથી ...પ્રથમતો પોતાના બહિરંતર સાથે લડવું પડે.. આત્મા ડંખે તો તેને મનાવવો પડે… મન અને અસ્તિત્વના ગજગ્રાહમાં અસ્તિત્વને ઢસડવું પડે...છે આવી આવડતો તારામાં..? બોલ…? આવી આવડતો કેળવ તો બનીશ બાહોશ વકીલ ...સત્યતા અને વાસ્તવિકતા બંને અલગ હોય છે એ પણ નથી જાણતો શું…?? બંને ને એક બનાવીને શું સાબિત કરવા માંગે છે? સત્યના પક્ષે રહીને લડવું તો સહેલું છે પેલા વિનય શુકલે ધારાસભ્યના ભત્રીજા વિરુદ્ધ મર્ડર કેસ લડ્યો પરિણામ શું આવ્યું..? માત્ર પત્ની ગુમાવી પડી.… બસ આટલું ગુમાવતાં શીખી જાય પછી લડ સત્યના પક્ષે રહીને..… હાહાહા કરીને મુર્તિ ફરીથી હસવા લાગી....જો શાણા વકીલ ...તમારી પેઢીની મુંઝવણ હું સમજી નથી શકતી દરેક સમસ્યાના બે ઉકેલો હોય છે...શા માટે વચ્ચેનો રસ્તો ખોજવાની જહેમત ઉઠાવો છો? આર યા પારમાં નથી સમજતા?શું કોઈ પ્રશ્નોની પરંપરા તારા મનમાં નથી ઉઠતી ....હે ચતુર એટલોતો સમર્થ બન કે કોઈ ફેસલા પર તો પહોંચી શકે..ન્યાયની કોઈ તો કિંમત નક્કી કર.… .હાહાહાહા “ આટલું બોલીને મુર્તિ ઊડી ગઈ.
થોડો સમય વિત્યો સ્થગિત કોર્ટ ફરી શરૂ થઈ.મિસ્ટર દેસાઇની દલીલબાજીઓ અને હરીશનું અકળવનારું મૌન. રેવતીની ભીની આંખો અને જજ સાહેબની આશાસ્પદ આંખો વચ્ચે લોલકની જેમ ડોલતી હરીશની આંખો..… ફરી એકવાર સાક્ષી અને પુરાવાઓને અભાવે બાબાનો છુટકારો. હરીશ હાર્યો… સાથી વકીલ દિવ્યેશે આંખ મારીને હરીશને કહ્યું,” વાહ તું તો ભારે છુપો રૂસ્તમ હારીને જીત્યો...… બાબાએ કેટલું વજન મૂક્યું?”
હરીશ તેને અવગણીને કોર્ટ બહાર નીકળી ગયો.ઘેર પહોચ્યો તો શેરીમાં બાળકો અંતાક્ષરી રમી રહ્યા હતા....એક બાળકે ગીત ઉપાડયું ....”નાની તેરી મોરની કો મોર લે ગયે...બાકી જો બચા થા કાલે ચોર લે ગયે.....”
***