Adhura Armano - 24 in Gujarati Fiction Stories by Ashq Reshammiya books and stories PDF | અધુરા અરમાનો-૨૪

Featured Books
Categories
Share

અધુરા અરમાનો-૨૪

અધુરા અરમાનો-૨૪

પળભર બહાર ખીલી ને સહસા ચમન ઉઝડી ગયું.

ઘેર કાગના ડોળે સૌ રાહ જોઈ રહ્યાં હતાં. સૂરજને ઝટ આવેલો જોઈ સૌ રાજીના રેડ થઈ ઊઠ્યા.

દર્દ દબાવીને બનાવટી હાસ્યથી સૂરજે સૌના શુભ સમાચાર જાણ્યા.

"દીકરા, કામ હેમખેમ પતાવીને આવ્યો?"

પાણીનો ઘુંટડો ભરતા સૂરજે હકારમાં માથું હલાવ્યું.

એ ખાટલે પડ્યો.

સમી સાંજના વરતારા વરતાઈ રહ્યાં હતાં. ઘરની પાછળ જ આવેલ રામદેવ મંદિરમાં મધુર ઝીણી ઝાલર રણઝણી રહી હતી. સૂરજ ઘોર તાણી રહ્યો હતો. રોજ આરતી ટાણે જગાડતી સૂરજની મમ્મી એ વિચારે એને ઊઠાડતી નથી કે એ આજે મુસાફરીથી થાકીને આવ્યો છે. દરમિયાન સૂરજના પિતાજી ખેતરેથી આવ્યા. સૂરજને જોઈ આંખ ઠરી. એમણે ઊંઘતા સૂરજને માથે પ્રેમાળ હાથ ફેરવ્યો. લગભગ નવ વાગી ચૂક્યા હતાં. સૂરજના આવવાના વાવડ સાંભળીને જય ખાધું ન ખાધું કરીને સીધો જ વંડી ઠેકતો આવી પહોચ્યો. એણે ઊંઘતા સૂરજને ઊંચકી લીધો. મહોલ્લામાંથી નાના ટાબરિયા અને કેટલાંક મોટેરાઓ રંગીલા અમદાવાદની અજાયબભરી રંગીન વાતો સાંભળવા અડ્ડો જમાવવા લાગ્યા. સૌની ઉત્સૂકતા જાણી ગયેલ જયે વાત ઉચ્ચારી:" ક્યારે આવ્યો લ્યા સૂરજ?"

"ચાર વાગ્યે." આંખ ચોળતા ઉત્તર વાળ્યો.

"યાર સૂરજ, તારૂ પ્રિય શહેર અમદાવાદ તો ભારે ભવ્ય જહોજલાલીવાળું છે. જરા અમને એની ખૂબસૂરત વાત તો કર! આ બધા તને સાંભળવા આતુર છે."

"અરે યાર, અમદાવાદ તો અમદાવાદ જ છે. એની આગળ મુંબઈ જેવા મુંબઈની કંઈ વિસાત નથી! ગુજરાતનો એ તેજસ્વી અને ઓજસ્વી ચમકતો સિતારો છે. દેશાવરથી લોક હોંશે હોંશે એના દીદાર કરવા આવે છે. એની પોળ જગતની અલાયદી અજાયબીઓ છે. સાબરમતી નદી ભલે એ શહેરના બે ભાગ પાડતી હોય કિન્તું એના પર બાંધેલા પુલ જાણે એકમેકના હાથ ખેંચીને એકમેકમાં સમાઈ જવા તડપતા બે આશિક! અરે, હા! લાલદરવાજાની મીઠી ભીડમાં તો નોખા પડ્યા એટલે આપણે શોધ્યાય ન જડીએ! એટલી ભીડ જાણે કીડીયારું ઊભરાયું! લાલ દરવાજાની ભીડમાં અટવાઈ જવું એ મારા માટે એક મહામૂલો અવસર. મને તો મારા એ અમદાવાદને કાખમાં તેડીને લાડ કરવાના લાખેણા ચળ ઉપડે છે. ઘણીવાર થાય છે કાશ! અમદાવાદ એક માસૂમ યુવતી હોત ને મારા મોહમાં ઓળઘોળ હોત! હું ઘડીયે એનાથી અળગો ન જાત. અને અચાનક એને સેજલ સાંભરી. એ એટક્યો. મનોમન બમડ્યો:" પ્રેમ કરવો ક્યાં સહેલો છે? એમાં તો જીવ આપવાની કે જીવ લેવાની જીવસટોસી બાજી ખેલવી પડે છે."

વળી, પળ રહીને એણે વાત વધારી. "સાંભળ જય, આપણું અમદાવાદ શહેર ભલે જગતમાં વખણાતું હોય પણ આપણા જેવા ગામડિયા લોકો માટે તો પેલા જેસુંગકાકાના ઘેટા-બકરાના વાડા જેવું. અને વળી વાહનો! વાહનો તો જાણે કીડીયારાના ટોળાં જ જોઈ લ્યો! માણસો ઝાંઝાં કે વાહનો કહેવું શક્ય નથી! ચારેબાજું ઘરઘરાટ જ. માણસો, મીલો, વાહનો અને યત્રોના શ્વાસોચ્છવાસથી શહેર ધમણાંની પેઠે ધમધમી રહ્યું છે. ત્યાં સબંધોની તો ખાસ કોઈ કિંમત જ નથી લાગતી. કિંમત છે તો બસ કામની-કાર્યની. કોઈ કોઈનું ભાવ જ નથી પૂછતું. અને વળી ક્યારેક હુલ્લડ કે કોમી તોફાનો ફાટી નીકળે ત્યારે તો જોતજોતામાં લાશોના ઢગલા ખડકાઈ જાય! આપણી બાજુમાં બેઠેલો માણસ આપણો દુશ્મન થઈ હાથમાં તલવાર લઈ ઊભો થઈ જાય!

એવામાં એનો ફોન રણક્યો.

સૌ વિખરાયા.

બાજુના મંદિરમાં ભજનમંડળી ચાલતી હતી, સૌ ત્યાં પહોચ્યા.

સૂરજ એકલો પડ્યો.

એકલતાએ એને ઘેર્યો.

સૂરજના આવવાનો સંદેશ જાણીને સાજી નરવી થઈ ગયેલી અને એને આવેલો જોઈ તિતલીની માફક આનંદવિહાર કરતી સેજલ સૂરજના જવાથી ભાંગીને ભૂક્કો થઈ ગઈ. પોકે-પોકે એ રડવા લાગી. જાણે મરશિયા ગાઈ રહી. સૂરજ આવ...આવ.. કરતા એનો જીવ કપાતો જતો હતો. પણ ઘોર મધરાતે સૂરજ ક્યાંથી આવે! એ તો રજનીના ઘોર ઓળામાં લપાઈને ઉષાનો ઈંતજાર કરીતો બેઠો હતો.

ફળિયામાં રાખેલા ખાડલામાં સૂરજ ફસડાઈ પડ્યો. સારી આલમ આરામ ફરમાવી રહી હતી. ભજનમંડળી વિખરાઈ ચૂકી હતી. કૂતરાઓ અને તમરાઓ શાંત બની ગયા હતાં. રાત્રિના ઘોર એકાંતને રડાવતા નાના ટાબયરિયાઓ માતાની છાતીને ચોંટીને હુંફાળી નીંદ માણી રહ્યાં હતાં. મંદિરની પાછળના ભાગે આવેલા પીલુડીના ઝાડ પર બેઠેલું ઘુવડ ક્યારનુંયે શાંત થઈ ગયું હતું. નજીકના જ જંગલમાં કોઈ વૃક્ષના પાંદડાંનો ખખડાટ છેક ગામમાં ગુંજી જતો હતો. ચોફેર અપાર નીરવતા વ્યાપી રહી હતી. આવી નમણી નીરવતામાં સૂરજ ભીતરના ભયંકર કોલાહલમાં ઘેરાઈ રહ્યો હતો. ક્યાંક કોઈ કૂતરું કાન પટપટાવે ને 'સેજલ' કરતો ઊભો થઈ જતો. મહોબ્બતની દેવી સમી સેજલની વેદનાનો ભમરો એને કોરી ખાતો હતો. પથારીમાંથી બેઠા થતાં એ સ્વગત બબડતો:" સૂરજ, તું શા માટે આવી ભયંકર વિરહની વેદનાને ઉપાડેછોગ ભોગવી રહ્યો છે! ને પેલી બિચારી સેજલનેય શા સારૂં રિબાવી- રિબાવીને કમોતે મોતને ઘાટ ઊતારી રહ્યો છે? એણે તને પ્રેમ કર્યો એનો તું આવો બદલો આપે છે? શા કાજ તું તારી જહોજલાલીવાળી મઝીલથી દૂર ભાગે છે? આખરે એના વિનાની ઝુરતી જીંદગી જીવવી એ કરતા તો લવમેરેજ કરી લે ને શુખી થા. ક્ષણિક બદનામી તને ચિરકાળની અપાર ખુશી આપશે. એકાંતની આવી તરફડતી વિરહરાત નહી ભોગવવી પડે, નહીં જ!

આકાશમા એક તારો ખર્યો.

એ ઝબક્યો.

અનેક વિચારોથી એના મુખ પર હાસ્યનું મોજું ફરી વળ્યું. ફરી જોરથી બોલી પડ્યો:" ધન્ય છે સેજલ તને, કે તું મારી જીંદગીમાં આવી." એણે પાંપણો ઉલેચવા માંડી. તરત જ નજરો જર્જરિત ભવન તરફે મંડાણી. રાત્રિના ઘોર અંધકારસમાં સમંદરમાં જાણે એનું ઘર ડૂબી રહ્યું હતું. હૈયું ભરાઈ આવ્યું. આંખ દુ:ખની મારી છલકી શકી નહીં. અનેક ભયંકર ખયાલો ઘેરી વળ્યા. ઘર, કુંટુંબ તથા પરિવારનો ત્રિવેણી ત્યાગ કરીને શું તું સૌને બરબાદીનો તીક્ષ્ણ મુગુટ પહેરાવીશ? ઉરમાં ખંજર ભોંકાવા લાગ્યા. ઊભો થયો. પ્રિય ઘરની દિવાલને હેતથી ચુમી લીધી. પ્રગઢ નીંદરની પરમ શાંતિમાં વિહરતા માં- બાપ અને ભાઈ પર નજર પડી. ઘડીક પહેલા જે સેજલ તરફે ઢળી પડેલું હૈયું હવે અહીં પ્રચુર પ્રેમ વરસાવવા લાગ્યું. એ લાગણીને લયમાં ઢળ્યો. રાત પૂરપાટે ધસી રહી હતી. સૂના અંધકારમાં એ બબડ્યો:"સૂરજ્યા, શું તું તારા પ્રેમની ખાતર આખા પરિવારની પરમ શાંતિને હણીશ? શું તું તારા પ્રત્યેની તારા માવતરની મમતાભરી લાગણીને આમ સાવ દગાથી જખમાવીશ?? નહીં સૂરજ, હરગિજ નહીં જ! તું આવું કાળું નહીં જ કરી શકે ?" એ ધ્રુજી ઊઠ્યો.

એ ફરી સિતારા ગણવા લાગ્યો.

સમય પેરપાટે વહી રહ્યો. સમયને સાથ આપવા રાત્રિ પ્યારી પરીન પાંખે સવાર થઈને એની પાછળ ઘેલી બની દોડ્યે જતી હતી. લાં...બા વિચાર પછી એણે નક્કી કર્યું કે સેજલને તરછોડીને પરિવાર સાથે મડદાની માફક જીંદગી વેંઢારવી કે પછી પરિવારને નોંધારો મેલીને બરબાદીના રવાડે ચડવું એના કરતા એ બંને પરિસ્થિતિમાંથી પરબારો છૂટકારો કરી લેવો સારો. રાત્રિના ત્રીજા પહરે એણે 'સ્વઘાત' કરવાનો મજબૂત મનસૂબો કર્યો. હૈયું તો એકેય પરિસ્થિતિને છોડવા તૈયાર નહોતું પણ છૂટકો જ ક્યાં હતો.

એક અજાણ્યો ભય ભૂકંપ સર્જી ગયો.

ઘનઘોર નિશાનો ત્રીજો પહર ઊંઘતી સૃષ્ટિને આંચ ન આવે એ માટે સજાગ બની રફ્તારે પહેરો ભરતો વહી રહ્યો હતો. સૂરજના મનમાં ઘર કરી જમાવવા બેઠેલા કુવિચારોને એણે જોયા. રાત્રિના ઊકળાટમાં એણે ઈંદ્ર પાહેથી શીત પવન તેડાવ્યો અને સ્વર્ગમાંથી સ્વપ્નદેવીને તેડાવી. એ બંનેને આંખ મીંચીને પડેલા સૂરજ પર ઢાળી દીધા. સૂરજ તરત જ અતીતના સોનેરી મહેલાતમાં સરી પડ્યો. અતીતવનની જે જહોજલાલી સેજલ થકી જ રોશન- રોશન બની જગમગી રહ્યો હતો. એને પોતાનો ભવ્ય ભૂતકાળને વાગોળતો જોઈને ત્રીજો પહર ધીરે રહી આગળ વધી ગયો. જ્યારે સૂરજ ત્યાં જ રહ્યો રહ્યો એના સેજલ સાથેના સંસ્મરણોને વાગોળી રહ્યો હતો. એવામાં એક અજીબ ઘટના એની નજરે પડી. જેમાં જેલના સળિયા ગણતા સૂરજને જનમટીપની સજામાંથી સેજલે નિર્દોષ છોડાવ્યો હતો.

ક્રમશ:

ક્યાં ગુના સબબ સૂરજને જેલ થઈ હતી ને કંઈ જેલમાં સજા ભોગવી હતી. એ વાંચો આવતા અંકે...!