જીગર કદી આવી પરિસ્થિતિમાં ડરતો નહિ બલ્કે તેને આવા કાંડ કરવાની ટેવ હતી. કોઈની પર્સનલ લાઈફને ડિસ્ટર્બ કરવામાં તેને ખૂબ આનંદ આવતો. રીસેસ પડી અને બકુલભાઈ ઉતાવળે પગે નવમા ધોરણમાં આવી ગયા. તે ક્લાસમાં આવી બોલ્યા, “મને ક્લાસમાં જીગર સિવાય એક પણ વિદ્યાર્થી દેખાવો ન જોઈએ. ચાલો બધા રમવા જાવ.” ત્યાં દિપક બોલ્યો, “પણ સાહેબ અમારે બંનેને આચાર્ય સાહેબ પાસે નથી જવાનું? તો જીગર જ કેમ? મારે પણ આવવાનું છે ને?”
બકુલભાઈ કહે, “એય હરિશ્ચંદ્ર સાહેબ પાસે પછી જઈ આવશું. હજી ઘણો સમય છે. ચાલ બહાર જા.” જીગર કહે, “દિપુ અત્યારે તું રિસેસમાં જા લાગે છે સાહેબને કઈક પર્સનલ કામ લાગે છે.” દિપક તો જીગરની વાત સાંભળી ત્યાંથી નીકળી ગયો.
બકુલભાઈ બોલ્યા, “બોલ જીગલા શિલ્પા મેડમને શુ કીધું તું? મારે એમનું કામ છે? બોલ શુ કામ હતું મારે?” એમ કહી તેમણે જીગરને મારવા હાથ ઊંચો કર્યો કે તેમના મનમાં શુ આવ્યું કે તેમણે જીગરને માર્યો નહિ. જીગરને ખબર પડી ગઈ કે તેણે જે કર્યું એ સાહેબને પણ ગમ્યું લાગે છે. તેથી જ તેમણે મારતા અટકી ગયા.
જીગર બોલ્યો, “સાહેબ શિલ્પા મેડમ મને તમારી સજાને કારણે મેદાનમાં રખડતા જોઈ ગયા હતા. તેમણે મને પૂછ્યું કે હું બહાર શા માટે છું? તો મારે એમને એમ કહેવું કે બકુલસરનો મગજ આજ ઠેંકાણે નથી એટલે મને બહાર કાઢી મુક્યો છે? હવે સાહેબ હું આવું બોલું તો સ્ટાફમાં તમારી ઈજ્જત શુ? રિસેસમાં શિક્ષકો તમને એકલા મૂકી દેત. કારણ કે જ્યારે મગજ ગરમ હોય ત્યારે લોકો એકબીજાને ન બોલાવે એમાં જ ભલાઈ છે. અને શિલ્પા મેડમને તો ગરમ મિજાજવાળા માણસો ગમતા પણ નથી.”
જીગરે પોતાના શબ્દનો એવી રીતે ઉપયોગ કર્યો કે બકુલભાઈ ધીમે ધીમે ઓગળી રહ્યા હતા. બકુલભાઈ બોલ્યા, “પણ તને કેમ ખબર શિલ્પા મેડમને ગરમ મિજાજવાળા માણસો નથી ગમતા?” જીગર બોલ્યો, “સાહેબ તમને ખબર નથી હું અને દિપક શિલ્પા મેડમ પાસે ટ્યુશન જઈએ છીએ. હવે આટલું તો અમને ખબર જ હોઈને કે મેડમનો સ્વભાવ કેવો છે?” બકુલભાઈ કહે, “વાંધો નય આ વખતે જવા દઉં છું. પણ હવે મેડમને જે કે એ મને જાણ કરીને કે જે.” જીગર બોલ્યો, “શુ સાહેબ? શુ જાણ કરું?” બકુલભાઈ બોલ્યા, “મારો કહેવાનો અર્થ એમ છે કે હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી શિલ્પા મેડમને એમ ન કહેતો કે સાહેબ બોલાવા મોકલ્યો છે. સમજ્યો?”
જીગર કહે, “સાહેબ હું તમારો કહેવાનો અર્થ તો હું સમજી ગયો પણ મને ડર એ વાતનો છે કે શિલ્પા મેડમ તમને ખરાબ ન સમજે.” બકુલભાઈ જીગરની વાતમાં રસ લેતા હોય એમ પૂછવા લાગ્યા, “મને ખરાબ સમજે? એ પણ શિલ્પા મેડમ? એવું તો મેં શુ કર્યું છે?” જીગર બોલ્યો, “સાહેબ તમે કર્યું નથી પણ તમે મેડમને ન ગમે એવુ કરવાના છો.”
બકુલભાઈ બોલ્યા, “જીગલા તારી વાત બધી ઉપરથી જાય છે. કઈક સમજાય એમ બોલ.” જીગર બોલ્યો, “સાહેબ હવે મને અને દીપકને આચાર્ય સાહેબ પાસે તમે લઈ જવાના છો. ત્યાં આચાર્ય સાહેબ અમારી આરતી થોડી ઉતારવાના છે? અમને કઈક સજા જ કરશે ને?” બકુલભાઈ બોલ્યા, “હા તો? સજા તો થશે જ. ભૂલ કરી હોય તો ભોગવવી પડે ને? શ્રી કૃષ્ણને પણ તેમના કર્મો ભોગવવા પડ્યા હતા.” જીગર બોલ્યો, “સાહેબ મને કોઈ સજાનો ડર નથી પણ એનાથી તમને ઘણું નુકશાન થઈ શકે છે. ખાસ કરીને તમારી છાપ જોખમમાં આવી શકે છે.”
બકુલભાઈ બોલ્યા, “એ કઈ રીતે. તું ગોળ ગોળ વાતો ન કર. જે હોય એ સીધે સીધુ કહી દે.” જીગર બોલ્યો, “સાહેબ તમે મને અને દીપકને આચાર્ય સાહેબ પાસે લઈ જશો. પછી સાહેબ અમારી દલીલ સાંભળશે અને પછી તમારું શિક્ષકપદનું માન રાખવા આચાર્ય સાહેબ અમને સજા કરશે. પછી એ વાત કોને ખબર પડશે?” બકુલભાઈ કહે, “કોને?” જીગર કહે, “ત્યાં બેઠેલા સ્ટાફને. પછી શિલ્પા મેડમને તો ખબર પડી જશે. જ્યારે અમે ટયુશન જશુ ત્યારે દિપક હકીકત જણાવતા કહેશે કે બકુલસરના ગરમ મિજાજને કારણે અમને વગર વાંકે સાહેબ સજા કરી છે. તો તમારી છાપ મેડમના મનમાં કેવી ઉભી થશે? વિચારો વિચારો.”
બકુલભાઈ હસતા હસતા બોલ્યા, “પણ મૂર્ખા. તમારી સજાને અને શિલ્પા મેડમને શુ લેવા દેવા? એનાથી એમને શુ ફરક પડે?” જીગર કહે, “તમે એમ નહિ સમજો. ધારો કે અમારા ક્લાસનો મોનીટર વિદુર કઈક વાંકમાં આવે અને તમને વિશ્વાસ હોય કે વિદુર નિર્દોષ છે. તેમ છતાં સાહેબ તેને સજા કરે તો તમને કેવું લાગે?”
બકુલભાઈ બોલ્યા, “વિદુર તમારી જેમ નથી. એ કદી વાંકમાં ન આવે . એ હોશિયાર છે. મને વિશ્વાસ છે કે તે કદી ખરાબ કાર્ય નહિ કરે. પણ તું શા માટે એનો દાખલો આપે છે?” જીગર બોલ્યો, “સાહેબ તમને વિશ્વાસ એટલે છે કે તે હોશિયાર છે. તેથી તમે એને નિર્દોષ સાબિત કરવા પ્રયત્ન કરશો અને તેમ છતાંય તેને સજા થશે તો તમને થોડુંક તો દુઃખ થશે.” બકુલભાઈ બોલ્યા, “થાય જ ને મારા વર્ગના હોનહાર સ્ટુડેન્ટને કોઈ વગર વાંકે સજા કરે તો.” જીગર બોલ્યો, “તો સાહેબ જેવી રીતે વિદુર તમારો હોશિયાર અને ફેવરિટ વિદ્યાર્થી છે. એવી રીતે અમે પણ શિલ્પા મેડમના ફેવરિટ અને હોશિયાર વિદ્યાર્થીઓ છીએ. ચાલો મારુ છોડો. દિપક વિશે તો તમને અંદાજો હશે જ. હવે એને સજા થશે અને મેડમને ખબર પડશે કે વાંક તમારો હતો તો પછી આગળ મારે કઈ કહેવાની જરૂર નથી. સમજદાર છો સમજી જશો. ચાલો સાહેબ હું નાસ્તો ચુકી જઈશ. તમારી વાતોમાં ભૂખ લાગી ગઈ.” એમ કહી તે ત્યાંથી નીકળી ગયો.
બકુલભાઈ વિચારમાં પડી ગયા કે જીગર કેટલો ચતુર છે. તે બોલવા લાગ્યા, “સાલા જીગલાએ દુખતી નસ પર પગ મૂક્યો છે. આ છોકરો મને નહિ જીવવા દે.”
જીગર નાસ્તાની કેબિને પહોંચ્યો ત્યાં બધા મિત્રો ટોળું વળી પૂછવા લાગ્યા, “જીગા શુ સાહેબ કહેતા હતા અને આચાર્ય સાહેબે શુ સજા કરી?” જીગર કહે, “મિત્રો નેગેટિવ શુ લેવા વિચારો છો? બી પોઝિટિવ! મને અને દિપુને કઈ નહિ થાય. ચિંતા ન કરો બકુલસરને બાટલીમાં ઉતારી દીધા છે. ખાલી જોયા રાખો શુ થાય છે!” દિપક બોલ્યો, “જીગા તને પૂરો વિશ્વાસ છે કે સાહેબ ખરેખર સજા નહિ કરે?” બબલી કહે, “દિપુ જીગાએ શુ કીધું? બી પોઝિટિવ. આ નોટે કઈક તો કમાલ કરી જ હશે.”
રીસેસ પુરી થઈ અને બધા મિત્રો ક્લાસમાં ગયા. દીપકને લાગ્યું કે હવે સજા થવાની ઘડી આવી ગઈ છે. જીગર તો તેના આનંદમાં જ ખોવાયેલો હતો. એ જોઈ મોનીટર વિદુર બોલ્યો, “આજ કલાસ આટલો શાંત કેમ થઈ ગયો છે? શુ આજ કળતર નથી આવી કે શું?” ત્યાં જીગર છેલ્લી બેન્ચ પરથી અવાજ નાખતા બોલ્યો, “શુ ભાઈ મને ગોતશ? હું ક્યારનો વિચારતો હતો કે સાહેબનો ચમચો ખખડયો કેમ નહિ? તને અવાજની કમી લાગે છે? ચાલ તારી ઈચ્છા પૂરી કરીએ.” મોનીટર વિદુર કહે, “સોરી જીગર યાર જવા દે ને મેં તને જોયો નહતો તેથી ભૂલથી બોલાઈ ગયું.”
જીગર બોલ્યો, “તે મારામાં છુપાયેલા કલાકારનું અપમાન કર્યું છે માટે તને મારી કળા દેખાડવી જ પડશે. ચાલો છોકરીઓ સિવાય બધા બેન્ચ ખખડાવો. જે બેન્ચ નહિ ખખડાવે તેને હું ખખડાવીશ.” ત્યાં બધા જામી પડ્યા અને દેકારો શરૂ કર્યો. અવાજ ઓફિસ સુધી પહોંચતા બકુલભાઈ ત્યાં દોડી આવ્યા.
(ક્રમશ:)