Samasya in Gujarati Short Stories by Valibhai Musa books and stories PDF | સમસ્યા

Featured Books
Categories
Share

સમસ્યા

સમસ્યા

મારા પ્રોફેશનલ સમયગાળાનો આ અજીબોગરીબ કેસ હતો. સામાન્ય રીતે મનોવૈજ્ઞાનિક સમસ્યાનો ભોગ બનેલ વ્યક્તિને કાઉન્સેલીંગ માટે કોઈ આપ્તજન લઈ આવે અથવા વ્યક્તિ પોતે સભાનપણે પોતાની સમસ્યાના સમાધાન માટે જાતે દોડી આવે. અહીં મારી સામે સમસ્યાનો ભોગ બનેલ વ્યક્તિ નથી, પણ તેનાં નિકટવર્તી આપ્તજનો છે. પીડિત વ્યક્તિ જે કંઈ વર્તન કરે છે કે કરવાનું ચાલુ રાખે તેના સામે આંગંતુકને કોઈ વાંધો નથી. તેમણે આ પ્રકારની વર્તણૂકને સ્વભાવગત હોવાનું સ્વીકારી લીધું છે. તેઓ ફક્ત મારી પાસેથી એ માર્ગદર્શન મેળવવા માગે છે કે તેમણે તેની સાથે કેવી રીતે અનુકૂલન સાધવું.

સિનીયર સિટીઝન યુગલની આંખોમાંથી નીતરતી વેદનાને હું સમજી ગયો. આગંતુક પીડિત વ્યક્તિનાં સાસુ-સસરા છે; સામા છેડે છે, પુત્રવધૂ. એકમાત્ર દીકરો અને પોતાના પરિવારમાં પ્રવેશ્યાને તેને એકાદ અઠવાડિયું જ થયું છે.

અમારી પ્રથમ બેઠક મેં ટૂંકમાં જ પતાવી લીધી હતી. મેં તેમને સલાહ આપેલી કે વીતેલા અઠવાડિયાની ઘટનાઓને ડાયરી રૂપે યાદ કરીકરીને આવતી કાલે લખી લાવે અને ત્યાર પછી દરરોજ નોંધ કરતાં રહે.

આજની બીજી બેઠકમાં મારે ડાયરી વાંચીને સમસ્યાનો તાગ મેળવવાનો હતો. એક મનોવૈજ્ઞાનિકને કેસ સાથે નિસ્બત હોય છે, નામો સાથે નહિ. આમ છતાંય હું ત્રણેય પાત્રોનાં કાલ્પનિક નામો જ આપીશ. અમારા ક્લાયન્ટ વિષેની ગુપ્તતાઓ જાળવી રાખવાની અમારી નૈતિક અને વ્યાવસાયિક ફરજ હોય છે. તો આપણે વડીલનું નામ રાખીશું મનહરલાલ; અને સવિતાબહેન છે, માજીનું નામ. સમસ્યાના કેન્દ્રસ્થાને છે, સુશીલા. વચ્ચે એક ચોથું પાત્ર પણ આવશે, જે આવશે ત્યારે વાત.

મેં ડાયરી વાંચવી શરૂ કરી. મુદ્દારૂપે જ તારીખવાર ટૂંકી નોંધો હતી. આ કોઈ સાહિત્યિક ડાયરી ન હતી, પણ જે કંઈ હતી તે મારા હેતુ માટે પૂરતી હતી.

પ્રથમ દિવસની નોંધમાં લખ્યું હતું : ”આજે સુશીલાનો ચાનાસ્તા માટેનો ડાઈનીંગ ટેબલ ઉપરનો અમારો પ્રથમ સંગાથ હતો. દીકરો ફક્ત ચા પીને જ પોતાના રૂમમાં જતો રહ્યો, ત્યારે એકાંત મળતાં તેણે અમને સંબોધતાં કહ્યું, ‘મારા તરફથી અસંતોષનું કોઈ કારણ ઉદભવે તો મહેરબાની કરીને મને જ સીધું તડફડ કહી દેવું. જો તમારા દીકરા દ્વારા મારા ઉપર શાસન કરવાની કોશિશ કરશો, તો હું હરગિજ ચલાવી નહિ લઉં. હું રિસાઈને પિયર જતી રહીશ. સમાજમાં તમારી બદનામી થશે કે એકની એક પુત્રવધૂથી તમે લોકો એકાદ અઠવાડિયામાં જ ધરાઈ ગયાં!!! મને કે મારાં માબાપને કોઈ ફરક પડશે નહિ. મારી મોટી બહેન તો વર્ષમાં

પચાસ વખત આવા જ વરઘોડા કાઢે છે!’ આ સાંભળતાં તો અમારા હોઠ જ સિવાઈ ગયા. ‘ભલે’ કહીને અમે વાતને ટૂંકમાં જ પતાવી દીધી. આ નવીનવેલી પુત્રવધૂનું અમારા માટેનું પહેલું નજરાણું છે.”

બીજા દિવસની ડાયરીમાં હતું : “આજે અમે અમારા શયનખંડમાં હતાં. સવિતા મારી મોજડીઓને પૉલીશ કરી રહી હતી. થોડીવારમાં સુશીલા પોતાનાં સેન્ડલ લઈ આવીને મૂકતાં કહ્યું, ‘બા, આ પણ જરા કરી દેજો ને!’ સવિતા માટેનો જ આ ડોઝ મને પણ વસમો લાગ્યો. સમજદારીથી કામ લીધા સિવાય કોઈ આરોચારો ન હતો. મારા આંખના ઈશારાને સમજી જતાં સવિતા શાંત જ રહી. સુશીલાનાં સેન્ડલની પૉલીશ થઈ ગઈ.”

“પછીના દિવસે હવે જાણે કે મારો વારો હોય તેમ સુશીલાએ મને વિનંતી કરતાં કહ્યું :’વડીલ, જો આપને વાંધો ન હોય તો મારા માટે પચીસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી દેશો. મારી માસી તીવ્ર નાણાંકીય કટોકટીમાંથી પસાર થઈ રહી છે. ઉછીનાની જ માગણી કરી છે. જો પરત નહિ આવે, તો મારા પિયરના દાગીના વેચીને પણ ભરપાઈ કરી આપીશ.’ કચવાતા મને પણ મારે સુશીલાની માગણી સ્વીકારવી પડી.”

“આજના દિવસે તો અમારા બંનેનાં માથાં ઉપર વીજળી ત્રાટકી. ‘વડીલો, માફ કરશો. હું બોલ્યા વગર રહી શકતી નથી. આ ઉંમરે તમે તમારી સાડીને પ્રેસ કરો, વડીલની ધોતીને પ્રેસ કરો! નવાઈની વાત કહેવાય! અમે તો રહ્યાં જુવાનિયાં, અમારા વાદ લેવાય ખરા?’ આમ કટાક્ષભર્યું સ્મિત કરતી લટકો કરીને સુશીલા પોતાના રૂમમાં ચાલી ગઈ. હવે અમને લાગવા માંડ્યું કે દરરોજ અમને નિષ્ઠુરતાપૂર્વક તાકીતાકીને એક એક તીર મારતી જાય છે. અમારી લાગણીને ઠેસ પહોંચે છે, તેનું તેને ભાન છે કે નહિ! તેનાં માબાપના આવા જ સંસ્કાર હશે કે પછી આમ કરીને પોતાનો કોઈ ગુપ્ત હેતુ સિદ્ધ કરવા માગે છે! જે હોય તે, ‘ગમ ખાવો અને કમ ખાવું’ જેવું ઉત્તમ બીજું શું હોઈ શકે ?”

“આજે તો વટહૂકમ બહાર પાડતી હોય તેમ શબ્દેશબ્દે ભાર દેતી સત્તાવાહી અવાજે તાડુકી ઊઠી, ‘ખબરદાર, કામવાળીને વધેલી રસોઈ આપી છે તો! કૂતરાં કે ગાયોને ખવડાવી દેવું, પણ એ લોકોને ફટવવાં નહિ, શું કહ્યું?’ અમારું સદભાગ્ય છે કે કામવાળી હાજર ન હતી. આવું અપમાન કોણ સહન કરે?”

“આજનું તેનું પરાક્રમ તો સહેતુક હોય તેમ લાગ્યું. તેની કામચોર દાનત ઊઘાડી પડી ગઈ. તે ઠાવકી થઈને બોલી, ‘સામાન્ય રીતે સાસુમાઓ પુત્રવધૂઓની હથેળીઓમાં મહેંદીનો રંગ હોય ત્યાં સુધી તેમને રસોડામાં પ્રવેશ કરવા દેતી નથી હોતી. પરંતુ હું તો મારા હાથની મહેંદીનો રંગ ઝાંખો પડવા જ નહિ દઉં! તમારા દીકરાને પણ કહી દીધું છે કે મારા માટે મહેંદીના કોન ખૂટવા દે જ નહિ. આ મારો શોખ છે. બીજી એક વાસ્તવિકતા તમારે સ્વીકારી લેવી પડશે કે મને ચા પણ બનાવતાં આવડતું નથી. મારી બાએ તો મને હથેળીઓમાં મોટી કરી છે.’ આજે તો સુશીલાની નફ્ફટાઈ અને બાલિશતાની પરાકાષ્ઠા હતી. આમ છતાંય અમે તો જાણે જીભ જ ગળી ગયાં હોઈએ તેમ ખામોશ જ રહ્યાં.”

“આજે વળી સુશીલાની ઝાપટમાં અમારો ડ્રાઈવર આવી ગયો. ‘જુઓ કાકા, એ ન ભૂલો કે તમે એક ડ્રાઈવર માત્ર છો. તમે તો ગેરેજમાંથી પૉર્ચ આગળ ગાડી ઊભી રાખીને ટેકસી ડ્રાઈવરની જેમ તમારી સીટ ઉપર બેસી જ રહો છો. શું દરવાજા અમારે ખોલવાના? મને લાગે છે કે તમને રિટાયર જ કરી દેવા પડશે.’ ડ્રાઈવર જૂનો વિશ્વાસુ કર્મચારી હતો. મારો ઈશારો સમજીને ચૂપ રહ્યો, પણ તેનો ચહેરો દયાપાત્ર બની ગયો હતો.”

અઠવાડિયાની ડાયરી પૂરી થઈ, પણ આજની નોંધ બાકી હતી. ડાયરી મુજબ નોંધપાત્ર વાત એ હતી કે, જાણે સમયપત્રક મુજબ જ હોય તેમ, દરરોજ નવી હરકત જોવા મળે; વળી સંખ્યામાં પણ રોજની એક જ! મેં આગળ પૂછ્યું, ‘આજે શું બન્યું? જવાબ મળ્યો, ‘આજની નોંધ લખતાં અમે શરમ અનુભવી એટલે લખી નથી. સાહેબજી, માફ કરો તો સારું!’

મેં તેમને વિના સંકોચે આજની ઘટના સંભળાવવા કહ્યું અને હૈયાધારણ આપી કે, ‘હવે તમારે કોઈ ડાયરી લખવાની નથી. આપણે હવે પછીની બેઠકોમાં માત્ર મૌખિક ચર્ચા-વિચારણા જ કરીશું. બોલો, આજે શું થયું હતું?’

“વાત એમ હતી કે અમે બંનેએ વિચાર્યું કે તેમને હનીમૂન માટે મોકલી દેવાં કે જેથી વાતાવરણ બદલાતાં તેના વર્તનમાં કોઈ ફરક પડે તો! વળી અમને ઉપરા ઉપરીના આઘાતમાંથી કળ વળે અને અમે થોડીક હળવાશ અનુભવીએ. અમારી ધારણા ખોટી પડી અને રોકડો જવાબ મળી ગયો, ‘તમારે ડોસાડોશીને જવું હોય તો જાઓ! પોતાના ઓરડામાં એકબીજાનાં મોંઢાં જોઈને બેસી રહો એના કરતાં કોઈ હીલ સ્ટેશને જઈ આવો. અમારી ચિંતા છોડો. અમારે તો હરવાફરવા માટે આખી જિંદગી પડી છે.’

મનહરલાલનું વિધાન પૂરું થતાં જ માજીથી ડૂસકું મુકાઈ ગયું અને માત્ર એટલું જ બોલી શક્યાં કે, ‘બા-બાપુજીના સંબોધનના બદલે ‘ડોસાડોશી’ શબ્દો અમને બહુ ભારે પડી ગયા છે, સાહેબ.’

‘ભલી, શાંત થઈ જા.’ કહેતાં વડીલે મને સંબોધતાં કહેવા માંડ્યું, ’અમે આઠેય દિવસ ચૂપકીદી જ સેવી છે. અમારી આ હાલત છે, તો દીકરાની શી વલે થતી હશે? વળી તે બેવડાં ધોરણો તો નહિ અપનાવતી હોય! ખેર, જે હોય તે; પણ હવે અમને સલાહ આપો કે અમારે શું કરવું?’ આમ બોલતાં તેમનાથી ઊંડો નિસાસો નંખાઈ ગયો.

મેં મારું કાઉન્સેલીંગ શરૂ કર્યું. પ્રથમ તો મેં તેમને તેમની સહનશીલતા અને સમજદારી બદલ ધન્યવાદ આપ્યા અને કહ્યું, ‘તમારે આ જ રીતે વર્તવાનું ચાલુ રાખવું પડશે. વળી સુશીલાથી મોંઢું સંતાડશો નહિ અને જે કંઈ થતું રહે તેનો ‘સારું’, ‘ભલે’ જેવા મિતભાષી શબ્દોથી પ્રતિભાવ આપતાં રહેશો. તમારું આ વર્તન એ જ તમારો વિજય બની રહેશે. આમ કરવાથી તેની અકળામણ એટલી બધી વધી જશે કે કાં તો પોતે શાણી થઈ જશે અથવા પોતે આમ કેમ કરી રહી છે તે ઓકી કાઢશે. આમાંથી આપણે સમસ્યાના મૂળ સુધી પહોંચી શકીશું.’

અમારી બેઠક હજુ તો ચાલી રહી હતી, ત્યાં તો મારો ડોરકીપર મારા ટેબલ ઉપર એક ચિઠ્ઠી મૂકી ગયો. તેમાં લખ્યું હતું : ‘સર, જે વડીલો સાથે આપની બેઠક ચાલી રહી છે, તેમની ‘સમસ્યા’ હું પોતે જ છું. આપ ત્રણેયની હાજરીમાં હું કંઈક કહેવા માગું છું. થોડીકવાર તેમને અન્યત્ર રાહ જોવાનું જણાવી મારા પ્રવેશ પછી જ ફરીવાર તેઓ દાખલ થાય તેમ ગોઠવવા વિનંતી છે.’

અહીં મારા આશ્ચર્ય વચ્ચે ઘટના અચાનક વળાંક લેતી લાગી. સુશીલા વડીલોની જાસુસી કરતી હોય અને અહીં આવી ચઢી હોય તેમ મને લાગ્યું. ઘડીભર મને ત્રણેયને ભેગાં થવા દેવાનું જોખમકારક લાગ્યું હોવા છતાં આ જોખમ ખેડી લેવાના મુડમાં હું આવી ગયો. ચિઠ્ઠીમાંની સૂચના મુજબ બંને વડીલોએ મારી ઑફિસ છોડ્યા પછી સુશીલા પ્રવેશી. માથે પાલવ, સૌભાગ્યનો ચાંદલો અને કલાઈઓમાં ખણખણતી લાલ રંગની ચૂડીઓ સાથે જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી આ એ જ યુવતી હતી કે જેણે પેલાં બિચારાંની છેલ્લા અઠવાડિયાથી ઊંઘ હરામ કરી દીધી હતી. મેં સામેની ખુરશી ઉપર બેસવાનો સંકેત કર્યો, પણ તે ઊભી જ રહી. પળવાર પછી વિવેકપૂર્ણ મૃદુ સ્વરે ઘંટડીની જેમ રણકી, ‘સર, હવે બા-બાપુજીને બોલાવો.’

‘ડોસા-ડોશી’ના બદલે ‘બા-બાપુજી’ના સુશીલાના સંબોધનથી મેં હળવાશ અનુભવી. આમ છતાંય મને ઊંડેઊંડે ડર હતો કે આ કદાચ ઝંઝાવાત પહેલાંની શાંતિ તો નહિ હોય! પણ, આ હું શું જોઈ રહ્યો હતો! જેવાં પેલાં વડીલો અંદર પ્રવેશ્યાં, કે તરત જ માથા ઉપરના સરકતા પાલવને ઠીક કરતી તેમના ચરણસ્પર્શ કરીને ગળગળા અવાજે સુશીલા બોલી પડી, ‘હું આપ વડીલોની માફી માગું છું. દીકરી સમજીને મને માફ કરશો. હવે સાહેબની હાજરીમાં મારે જે કહેવાનું છે, તે હું કહીશ.’

ત્રણેય જણ મારા સામેની ખુરશીઓમાં ગોઠવાયાં, હું તેમના ચહેરા વાંચી રહ્યો હતો. વડીલો દ્વિધા અનુભવી રહ્યાં હતાં, જ્યારે હું સુશીલાના અણધાર્યા પરિવર્તનનો તાગ મેળવવા કોશિશ કરી રહ્યો હતો. આમ છતાંય આવનારી પળોમાં આકાર પામનારી પરાકાષ્ઠાને સ્વીકારી લેવા હું માનસિક રીતે સજ્જ હતો! પરાકાષ્ઠા, કાં તો આ પારની કે પછી પેલે પારની!

સુશીલા પોતાની વાત શરૂ કરે તે પહેલાં મારા ડોરકીપરના અવરોધને અવગણતું મારી સામે ભજવાતા રહસ્યમય નાટકનું એક ચોથું પાત્ર દાખલ થયું. મને સમજતાં વાર ન લાગી કે એ પાત્ર અન્ય કોઈ નહિ, પણ સુશીલાનો પતિ વિનય જ હશે! સૌમ્ય અને પ્રભાવશાળી ચહેરો ધરાવતો એ યુવક વિનય જ હતો!

“વિનયે વિનયપૂર્વક વડીલોને હાથ જોડીને મરક મરક હસતાં વંદન કર્યાં અને મારી સામે જોઈને શરૂ કર્યું, ‘અમારી સુહાગ રાતે મેં સુશીલાને મારાં વડીલો પ્રત્યેની એકના એક પુત્ર તરીકેની મારી ફરજો અને તેમાં તેના સહયોગની વાતનો તેણે પ્રત્યુત્તર વાળ્યો હતો, ‘તું જોજે તો ખરો, તેઓ મને પુત્રવધૂ નહિ; પણ પોતાની દીકરી જ ગણશે! હું એમને મારું એવું વ્યસન પાડી દઈશ કે હું પિયર જઈશ તો તેઓ નાનાં બાળકોની જેમ મારી સાથે આવવાની જીદ પકડશે! હું મારાં માતાપિતાની તો માત્ર લાગણી જ પામી છું, પણ મારામાં સંસ્કારસિંચન તો મારા દાદાજીએ જ કર્યું છે. હું તો એમની ફેન થઈ ગઈ છું અને એટલે જ તો આપણાં બા-બાપુજી સાથે મારે કોઈ જનરેશન ગેપ તો નહિ જ ઉદભવે. તું તેમની ચિંતા કરતો નહિ.’ આવો પ્રતિભાવ મળતાં હું ભાવવિભોર બની ગયો હતો.”

વિનયે વાત આગળ વધારતાં કહ્યું, ‘પણ પછી તો મારાં બા-બાપુજીને સરપ્રાઈઝ આપવાની પોતાની યોજના સમજાવતાં તેણે મને કહ્યું હતું કે મારે તેને સાથ આપવો અથવા મૌન ધારણ કરવું. ભવિષ્યે જીવનભર મારાં માતાપિતાની ઉમદા સેવા થવાના અહેસાન સામે મારે ઝૂકી જવું પડ્યું હતું. પરંતુ સુશીલાએ પ્રથમ જ સોગઠી એવી મારી કે બા-બાપુજીની ફરિયાદ મારા સુધી આવે જ નહિ! આ હું જાણતો હોવા છતાં અજાણ્યો જ હોઉં તેમ બન્યું!’

મેં સુશીલા તરફ સૂચક નજરે જોતાં કહી દીધું. ‘આ તો સરપ્રાઈઝના બદલે ક્રૂર મજાક થઈ ન કહેવાય!’

પરંતુ સુશીલાએ સ્વસ્થતા જાળવી રાખતાં પોતાનું બચાવનામું રજૂ કર્યું કે, “સર, આપ આને ગમે તે રીતે મૂલવો, પણ વિનય સાથેની આગળ થયેલી મારી વાતને પૂરી સાંભળો. મેં કહેલું કે, ‘હું સારી છું અને સારી રહીશ જ. વળી આ નાટક કામચલાઉ છે. પરિસ્થિતિને વાળી લેવાની મારામાં આવડત છે. છેવટે તો હું મારા દાદાની જ શિષ્યા છું ને! મારું સારાપણું દેખાડવા પહેલાં એમને હું એ આંચકો આપવા માગતી હતી કે મેં જે કંઈ હરકતો કરી છે, તેવી સાચે જ હરકતો કરનારી ઝઘડાખોર પુત્રવધૂઓ ઘણે ઠેકાણે હશે જ! મીઠાશનું મૂલ્ય ત્યારે જ અંકાય, જ્યારે જીભને અતિશય કડવા સ્વાદનો અનુભવ કરાવવામાં આવે!’

બા-બાપુજી તરફ ફરતાં વળી સુશીલા બોલી, ‘આટલી હદ સુધીના માનસિક ત્રાસને મૌન અને સહનશીલતા વડે પચાવી જાણવો એ સામાન્ય માનવીનું કામ નથી! આપ વડીલોને હું કોટિ કોટિ વંદન કરું છું. મારા પિયરમાં મારા દાદા જ માત્ર મારા ફેન હતા, પણ અહીં હવે હું બેવડું સુખ પામીશ!’ વળી પાછી સુશીલા રહસ્યોદ્ઘાટન કરતાં બોલી, ‘એક વાત કહી દઉં કે આપ બંને સાવ ભોળિયાં છો! બાકી પહેલા દિવસે જ મારું નાટક કેટલું લાંબુ ચાલશે, તેનો ઈશારો કરી જ દીધો હતો!’ આમ કહેતાં સુશીલા તીરછી અને સૂચક નજરે મારા સામે જોતાં મલકી પડી.

હું પહેલા દિવસની ડાયરીને ફરીવાર ઝડપથી જોઈ વળ્યો. મને આશ્ચર્ય થયું કે ‘એકાદ અઠવાડિયા’ શબ્દો તરફ મારું ધ્યાન કેમ ગયું નહિ! મારે કબૂલ કરવું પડશે કે એક મનોવૈજ્ઞાનિક કે પછી મનોચિકિત્સક પોતાના ક્લાયન્ટની લાગણીઓ સમજે ખરો, પણ પોતે લાગણીશીલ તો ન જ બની જાય! આનું કારણ એ હોય છે કે તેણે તટસ્થભાવે સમસ્યાનાં તારણો અને કારણો શોધી કાઢવાં પડતાં હોય છે. પરંતુ આ કિસ્સામાં તો હું એવો ભાવવિભોર બની ગયો કે મારી આંખોમાં ઝળહળિયાં આવી ગયાં. મને લાગ્યું કે હું જાણે આ પરિવારનો હિસ્સો બની ગયો હોઉં! વળી સાથેસાથે એક પાત્ર કે જે અદૃશ્ય છે, તેને મારી કલ્પના વડે ઉલ્લાસમય સ્મિત સાથે અમારી સાથે ભળતું જોઈ રહ્યો છું! એ છે સુશીલાના દાદા! સુશીલાના ગાલ ઉપર પ્રેમભરી હળવી ટપલી મારતા તે જાણે કે કહી રહ્યા હોય, ‘લુચ્ચી, તેં તો હદ કરી નાખી!’

– વલીભાઈ મુસા