એક ચાલ તારી
એક ચાલ મારી
- લેખક -
પિન્કી દલાલ
( 24 )
‘રિલેક્સ, મિસ્ટર સિંહ, રિલેક્સ... થોડાં દિવસ કમ્પ્લિટ આરામ લેવો પડશે. તમે માનો છો એવી હળવી ઇન્જરી નથી આ...’
ડૉ. દેશપાંડે ગર્ભિત રીતે સુદેશ સિંહને એની ઇજાનો ખ્યાલ આપવા જઇ રહ્યા હતા. હવે આઉટ ઑફ ડેન્જર હોવાથી સુદેશ સિંહને કહી દેવામાં કોઇ વાંધો પણ નહોતો કે બૉડીમાંથી ત્રણ બુલેટ કાઢી છે, છતાં ઇન્જરી જેવી તેવી નથી... પણ ડૉ. દેશપાંડેના શબ્દ એમના મોઢામાં જ રહી ગયા. રૂમમાં કરમચંદ પ્રવેશી રહ્યો હતો એક જાજરમાન મહિલાને સાથે લઇને.
રૂઢિચુસ્ત પંજાબી સ્ત્રીઓ પહેરે એવા ગુલાબી રંગના ઢીલા આરામદાયક પંજાબી સુટમાં વયસ્ક મહિલાના દમામદાર મજબૂત બાંધા પરથી અટકળ તો એક લગાવી શકાય તેમ હતું. ડૉ. દેશપાંડે અટકળ કરી જોઇ, પણ મૂંગા રહેવું મુનાસિબ હતું.
સુદેશ સિંહની નજર સ્થિર થઇ રહી ગઇ. આંખમાં આશ્ર્ચર્ય હતું કે આનંદ એ કોઇને ન સમજાયું.
‘સાહેબ, માતાજી પણ આવી ગયા છે...’ કરમચંદ ધીમા અવાજે બોલ્યો.
‘કરમચંદ,એમને શું કામ છેક હિમાચલથી દોડધામ કરાવી ?’
સુદેશને ઘણી વાર કરમચંદ દોઢડહાપણ પર ચીડ ચડતી, પણ એનો સંવેદનશીલ સ્વભાવ જોઇને પછી આગળ કંઇ બોલવાપણું રહેતું નહીં. હતો તો વીસ વર્ષનો સાથી. પૂર્વીના આગમન પહેલાં પણ અને પૂર્વીના ગયા પછી સુદેશસિંહની નાનામાં નાની વાતો અને કામની દેખભાળ માત્ર ને માત્ર કરમચંદ કરતો.
‘સાહેબ, ખબર છે આ વખતે તમે તમારા બધા રેકોર્ડ તોડી નાખ્યા એટલે મારે નાછૂટકે માતાજીને ફોન કરવો પડ્યો...’ કરમચંદ ડૉકટરની ઉપસ્થિતિ વીસરી ગયો હોય એમ વર્તી રહ્યો હતો.
‘યેસ મિસ્ટર સિંહ, હી ઇઝ રાઇટ, અમને હતું બોતેર કલાકમાં તમને ભાન આવવું જોઇએ, પણ પરિસ્થિતિ વધુ વણસતાં અમે પણ ચિંતામાં પડ્યા હતા.’ ડૉ. દેશપાંડે હળવા સ્મિત સાથે પોતાના વીવીઆઇપી પેશન્ટને શાંતિ થાય એવો ખુલાસો કરી રહ્યા હતા.
ત્યાં સુધીમાં તો માએ સુદેશના માથા પાસે આવીને સુદેશ સિંહનું માથું પસવારી ચૂમી લીધુ :
‘હજી અબોલા નહીં તોડે મા સાથે ?’
સુદેશે માથા પર ફરી રહેલા માનો હાથ લઇ એની હથેળી ચૂમી લીધી, પણ જવાબ આપવાનું ટાળ્યું :
એ શું બોલે ? એમ કહે કે અબોલા તો તમે ને તાઉજીએ લઇ લીધા હતા ને મા, તમારી મરજીની જટ્ટ કુડી ને બદલે પૂર્વીને પસંદ કરવા માટે થઇ ને ! પણ હવે એ બધું યાદ કરીને શું ફાયદો ?
ડૉ. દેશપાંડે હળવેકથી ખસી ગયા સમયની નજાકત જોઇને. એમના માટે પ્રેસ્ટિજ ઈશ્યુ બની ગયેલા કેસમાં સફળ રહ્યા હતા ને હવે બાકી હોય તો એ વાત વહેંચવી હતી બહાર ચાર દિવસથી છાવણી બનાવીને બેસી ગયેલા પત્રકારો સાથે. જો ચીફ મિનિસ્ટર મંજૂરી આપે તો !
પૂરાં પંદર વર્ષ પછી થઇ રહેલું મા-દીકરાનું મિલન જોઇને કરમચંદની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા :
હે માતારાની, મોડે મોડે પણ મારી વાત તો સાંભળી...
‘માં, હું તો અઠિયાડિયા-દસ દિવસમાં ઠીક થઇ જવાનો ને પછી કામે ચઢી જઇશ. તમને અહીં આ મૅડ સિટીમાં હરગિજ નહીં ગોઠે....’ સુદેશે કહ્યું હતું કોઇ જુદા જ આશયથી, પણ મા પાસે એનો જવાબ નક્કી હોય એમ લાગ્યું.
‘સુદેશ, માને ક્યારેય માફ નહીં કરે ?’ એટલું બોલતાં તો પ્રેમાદેવીની આંખો સજળ થઇ ગઇ.
‘અરે ! મા, પ્લીઝ...’ સુદેશને થયું, મા ફરી જૂની વાતો ખોલીને બેસી જશે, જ્યારે હવે મા-દીકરા વચ્ચે અબોલાનું કારણ બનનારી પૂર્વી જ હયાત નથી તો...
જાટ સરદાર કુટુંબનો દીકરો એક પંજાબી નહીં ને કોઇ અજાણ્યા ગુજરાતી કુંટુંબની છોકરીને પસંદ કરે ? આ વાત પર સુદેશને દીકરો માનવાનો ઇન્કાર કરનારાં સરદાર મા-બાપને હતું કે પોતાના જડબેસલાક અબોલા સામે દીકરો તૂટી પડશે, પણ એવું ન બન્યું. પૂર્વીને ત્યાં પરિસ્થિતિ જૂદી નહોતી, મરજાદી કુટુંબની દીકરી આ ચિકન-મટન ખાનારા પોલીસને પરણે ? વૈષ્ણવ વાણિયા પિતાને મન તો આઇપીએસ અધિકારી કે હવાલદાર, બધું એક જ સરખું.. ખાખી વર્દીધારી ગુંડા !
દીકરો જાય તો જાય... દીકરી જાય તો જાય, પણ કુટુંબનું નામ નહીં એવા મદમાં બંને કુટુંબે સુદેશ-પૂર્વીને જાણે તડીપારની સજા ફરમાવી હતી. બંને કુટુંબને પોતાની સખ્તી બહુ પાછળથી સમજાઇ, પણ ત્યારે તો પૂર્વી જતી રહી હતી.
‘સુદેશ, મને માફ કર, બેટા.... અમે ખોટા હતાં એ વાતનો અહેસાસ મને ને તારા તાઉજીને થઇ ગયેલો, પણ તું તો જાણે છે ને એમને ? સામે ચાલીને બોલતા આવવું રાશ ન આવ્યું. જ્યારે એ માટે હિંમત કેળવાઈ ત્યારે તાઉજી જતા રહ્યા ને ફરી મન બનાવ્યું ત્યારે પૂર્વી જતી રહી. પછી તો થયું કે હવે તું ક્યારેય માફ નહીં કરે..’ પ્રેમાદેવીની આંખોમાંથી વહી રહેલા આંસુએ સુદેશના મનમાં રહેલી થોડીઘણી કડવાશ ધોઇ નાખી.
પ્રેમાદેવીની આંખમાંથી વહી જતાં ખારાં આંસુ મા-દીકરા વચ્ચે વર્ષોથી જામેલા હિમને ઓગાળી રહ્યા હતાં.
તાઉજી જતા રહ્યા, પૂર્વી જતી રહી, મા વૃદ્ધ થઇ રહી હતી, એની તરફ પણ પોતાની કોઇ જવાબદારી બનતી હતી. સુદેશના મનમાં ફરજનો ભાવ હાવી થવા લાગ્યો.
પણ ના, મા જો અહીં રહી તો ?....
... તો શક્ય છે એ સૉફ્ટ ટાર્ગેટ બની જાય...
સુદેશ સિંહનું મગજ હવે બીજી જ દિશામાં કામ કરી રહ્યું હતું, એને સમજતાં વાર નહોતી લાગી પોતાને માટે આપવામાં આવેલી સોપારીવાળા મિશનની. એનો સીધો અર્થ થતો હતો કે હજી પોતે એ લોકોની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યો છે. જો આ આજે થયું તો ફરી પાછું થઇ જ શકે છે. એવા સંજોગોમાં માનું અહીં રહેવું... !
આંખો બંધ કરી. માથા પર હળવે હળવે ફરી રહેલા માના હાથની હૂંફ દિલમાં અજબ શાંતિ આપતી રહી. સમયને સંજોગોએ સર્જેલી ખાઇ પૂરી રહી હોય એમ મા-દીકરા વચ્ચે તૂટેલી કડી સંધાતી રહી : ‘સુદેશ, હવે કોઇ દિવસ તારી પંસદને નામંજૂર કરવાની ગુસ્તાખી નહીં કરું. ફરી દીકરો ગુમાવવાની હિંમત નથી મારામાં.’
પ્રેમાદેવીએ ઋજુ અવાજે કહેલી આ વાત સુદેશને ચમકાવી દીધો હોય એમ તેની બંધ આંખો ખુલી ગઇ.
સુદેશના ચહેરા પર ઉપસી આવેલા આશ્ચર્યના ભાવ જોઇને મા હસી પડી :
‘ના, સાચું કહું છું, મને તો ગમી, છોકરી ભારે મળતાવડી છે, ‘
‘કોની વાત કરો છો, મા ?’ સુદેશના અવાજમાં વિસ્મય બેવડાયું.
‘લે, કેવો અજાણ્યો થાય છે.. જાણે હું ઘાસની રોટી ખાતી હોઉં... ‘પ્રેમાદેવી મીઠું હસતાં જ રહ્યા:
‘અરે, ત્યારે જેવો હતો એવો ને એવો જ રહ્યો,પણ આ તારી મા સમય અને સંજોગ સાથે સમજૂતી કરતાં શીખી ગઇ છે... કરમચંદ, જા એને બોલાવી લાવ...’
તોય સુદેશના મનમાં બત્તી ન પેટી ત્યારે કરમચંદે હળવા સ્વરે કહેવું પડ્યું :
‘સાહેબ, પેલા મેડમ રોજ અહીં આવીને બેસે છે. માતાજી સાથે તો બહુ હળીમળી ગયાં છે.’
ઓહ !
સુદેશ સિંહનો ચહેરો લાલાશ પકડી રહ્યો. એ લાલાશ જે હતી થોડી ક્ષોભની- થોડી અચરજની, પણ પ્રેમાદેવી સમજ્યા એ કોઇ વાત હતી, જે સુદેશ પોતાનાથી છૂપાવવા માગતો હતો. કદાચ પૂર્વીવાળા પ્રકરણનું પુનરાવર્તન થાય તો ?
એટલી વારમાં કરમચંદ સલોનીને અંદર રૂમમાં દોરી લાવ્યો.
સુદેશ સ્તબ્ધ થઇને આ પરિસ્થિતિનો સાક્ષી બની રહ્યો : કોને શું કહેવું ? માને રોકવી કે સલોનીને ટોકવી ? પોતાના જ ઘરમાં આવી અસહાયતા તો ક્યારેય મહેસૂસ નહોતી થઇ.
‘ફરજિયાત આરામ અને આ ફિઝિયોથેરાપી, એ બે પણ કોઇ ખતરનાક કિલરથી જરાય ઊતરતાં નથી..’ સુદેશ સિંહે સામે બેસીને ફ્રૂટ્સ કાપીને આપતી માને કહ્યું. સલોનીની હાજરીમાં કોઇ અંગત વાતો ન કરવી હોય એમ.
‘જો થોડો આરામ કરવાની ટેવ પડે તો આવી નોબત જ ન આવે.’ પ્રેમાદેવી એ દીકરાની ફરિયાદ ગણકારવી જ ન હોય એમ વાતને હળવાશથી લીધી.
મા - દીકરા વચ્ચે ચાલી રહેલી મીઠી ચર્ચામાં સલોની મૂક પ્રેક્ષક બની રહી. હવે તો આ રૂટિન થઇ પડ્યું હતું.
આટલો બધો આરામ સુદેશ સિંહ જેવા વર્કોહોલિક માણસને તોડી નાખવા પૂરતો હતો, પણ થાય શું ? મને-કમને પણ ડૉકટરના આદેશને આધીન થયા વિના છૂટકો નહોતો.
સુદેશ સિંહને વાગેલી બુલેટ પાંસળીને ઇજા કરી ગઇ હતી. બાકી હોય એમ બાવડામાં વાગેલી બુલેટનો ઊંડો ઘા રૂઝાઇ ચૂક્યો તો હતો, પરંતુ મસલ્સ મુવમૅન્ટ નોર્મલ કરવા ફિઝિયોથેરાપીના લાંબા સેશન જરૂરી હતા.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી પણ ફરજિયાત આરામ અને ફિઝિયોથેરાપીએ સુદેશ સિંહના દિવસ-રાત બદલી નાખ્યા હતા. કદાચ પહેલી વાર એવું બન્યું હતું કે ઘરમાં કિચન આટલું ધમધમતું રહ્યું હોય. પ્રેમાદેવી પહેલી વાર દીકરા સાથે રહેવા આવ્યા હતાં એની કસર પૂરી કરી માગતા હોય તેમ કિચન પર દેખરેખનો કારભાર પોતાને હસ્તક લઇ લીધો હતો. કદાચ પહેલી વાર એવું બન્યું કે એડિશનલ સીપી સુદેશ સિંહના ઓફિશિયલ રેસિડન્સ પર આટલી ચહલપહલ વર્તાઇ રહી હોય. રોજ સવારે ને સાંજે સાથે કામ કરતા ઑફિસમિત્રો મળવા આવતાં રહેતા ને બપોરે સુદેશ સિંહના ખાસ કહી શકાય એવા થોડાં પત્રકાર મિત્રો... પણ એ લોકો સાથે પ્રેમાદેવી વધુ વાત કરી શકતાં નહીં. એ તો રાહ જોઇ રહેતાં મોડી સાંજની. બે-ચાર દિવસના અંતરે જ્યારે સલોની અચૂકપણે આવી જતી.
જિંદગીમાં એકલા પડી ગયેલા દીકરાનું ઘર વસાવવા માટેનો માનો પ્રયાસ કોઇનાથી છૂપો રહ્યો નહોતો.
સલોનીને ક્યારેક લાગતું કે સુદેશને પોતાનું આવવું ગમે પણ છે ને ક્યારેક એની આંખોમાં સ્પષ્ટ નિર્લેપતા પણ વંચાય છે.
‘તમારે મારું અહીં આવવું નહીં ગમતું હોય તો પ્લીઝ, નિ:સંકોચ કહી દેજો. માતાજીને એ જણાવ્યા વિના હું એ સિચ્યુએશન સાચવી લઇશ.’ એક દિવસ સુદેશની આંખોમાં અંજાયેલા ઠંડા આવકાર પછી સલોનીએ દિલ પર પથ્થર રાખીને પૂછી લેવું જરૂરી સમજ્યું હતું.
સુદેશ સિંહે જવાબ મૌનથી વાળ્યો હતો ને સલોનીથી એ ઉપેક્ષા સહન ન થઇ હોય એમ એ પ્રેમાદેવીને મળવા બીજા રૂમમાં જતી રહી હતી.
સુદેશે સાઇડટૅબલ પર રાખેલી ફોટોફ્રેમ હાથમાં લીધી. જાણે પૂર્વી એકટશે સુદેશના ચહેરાને જોઇને પૂછી રહી હતી :
સુદ, તમને એ થોડી થોડી ગમવા લાગી છે ને ? સાચ્ચું બોલજો.
‘ઓહ પૂર્વી, શું સમજાવું તને હું ?’
સુદેશના દિલમાંથી ઊઠેલો ગરમ નિ:શ્વાસ પૂર્વીને સ્પર્શી ગયો હોય એમ પૂર્વી જ સમજાવટ આદરતી હોય એમ બોલી :
સુદ, જનારની પાછળ કોઇથી જવાતું નથી. એમને જીવવાનું છે.. જાણે એ અટકી અટકીને સમજાવતી રહી :
સુદ, મેં દેહ છોડ્યો છે, તમારો સાથ નહીં, પણ તમને આ રીતે જોઉં છું તો ગુનેગાર મહેસૂસ કરું છું પોતાની જાતને... તમને દુ:ખી જોઇને હું શાંતિ કઇ રીતે પામી શકીશ ? હું તમને નહીં મળું જો આમ કરશો તો... હવે તો જ હું આવીશ જો તમે ખુશ હશો.
પૂર્વી સમજાવટના સ્વરે બોલતી રહી ને સુદેશ સામે દલીલ કરવા જતો તો ચૂપ કરી દેતી રહી.
‘પૂર્વી, તું પણ સાંભળ, મારા માટે તું ક્યારેય ગઇ જ નથી. તું અહીં જ છે, મારી પાસે, મારી સાથે, મારી યાદોમાં, મારાં સ્મરણમાંથી તારું જવું શક્ય જ નથી..’
માને પોતાના રૂમમાં પ્રેવેશતાં જોઇને હાથમાં રહેલી ફ્રેમ સુદેશે બાજૂના ટેબલ પર મૂકી દીધી એ વાત કદાચ પ્રેમાદેવીના ધ્યાનમાં ન આવી, પણ રૂમમાં પ્રવેશ્યા વિના બહાર સુદેશને દેખાય એ રીતે ઊભી રહેલી સલોનીના ધ્યાન બહાર એ દૅશ્ય નહોતું ગયું.
‘ચલ, બહાર આવ. જરા ખુલ્લી હવામાં શ્વાસ લે, સારું લાગશે....’
પ્રેમાદેવીએ જીદ્દ કરીને ના પાડ્યા કરતા સુદેશને ગાર્ડનમાં લઇ જઇને છૂટકો કર્યો.
સાંજ ઢળવા આવી હતી, પણ બીજે દિવસે આવવાનો વાયદો કરીને ગયેલા સૂર્યનારાયણના હોવાપણાની નિશાનીઓ આકાશમાં હતી. કેસરી રંગનાં આકાશમાં હળવે હળવે નીલો ભૂરો રંગ છવાતો જતો હતો.
સલોની મહેસૂસ કરી રહી હતી કે સુદેશ સિંહ પહેલાં કરતાં પણ વધુ ગંભીર રહે છે : પોતાની હાજરીની અસર કે પછી ?
અચાનક જ સલોનીને વાતાવરણમાં કશુંક ભારેખમ લાગવા માડ્યું. વિના કોઇ નિમંત્રણ પહોંચી જતાં મહેમાન જેવી પોતે અહીં આવે છે એ શક્ય છે કે સુદેશ સિંહને અરુચિકર લાગતું હોય અને સજ્જનતા એ વાત છતી ન થવા દેતી હોય...
સુદેશ અને પ્રેમાદેવી લૉનમાં હળવે હળવે ટહેલી રહ્યાં હતાં. તો પોતે અહીં શું કરે છે ? મનમાં ઊઠેલો પોતાનો જ પ્રશ્ર્ન સલોનીને ક્ષોભિત કરી રહ્યો.
પ્રેમાદેવીને કહેવા પણ સલોની ન રોકાઇ. સડસડાટ લિવિંગરૂમમાં આવીને એણે પોતાની હૅંન્ડબૅગ લીધી ને ઝડપભેર બહાર નીકળી ગઇ.
પાર્કિંગ લોટમાં કાર પાર્ક કરીને ફોન પર વાતે વળગેલા બહાદૂરને જરા નવાઇ તો લાગી, પણ મૅડમને જોઇને એણે પોતાની ડ્યૂટી સંભાળી લીધી.
હાજીઅલી પહોંચતા સુધીમાં સલોનીની આંખો ડબડબી ગઇ :
પોતે કાયમ અનવૉન્ટેડ રહેવા સર્જાઇ હતી ?
સલોનીને લાગ્યું કે જાણે એનું હ્રદય ભીંસાઇ રહ્યું છે. જરૂર હતી એક વાર છૂટ્ટે મોઢે રડી લેવાની. જે ચાહવા છતાં એ ક્યારેય કરી નહોતી શકતી.
આંખની ભીનાશ રસ્તો કરીને સરી જાય એ પહેલાં તો ફોનની રીંગ વાગી, દહેશત ફરી છવાઇ રહી :
નક્કી વિક્રમ....
* * *
ઠક.... ઠક
કૅબિનના પોલાદી ડોર પર કોઇક સંકેતની ભાષા હોય એ રીતે પડેલા ટકોરાએ વિક્રમને સાબદો કરી દીધો.
સંદાકાનથી શિપ બોર્ડ કરી ત્યારે જ પાકિસ્તાની કૅપ્ટને તાકીદ કરી હતી :
‘ટકોરા હું મારું તો જ ડોર ખોલવાનું, અન્યથા નહીં.... શું સમજ્યો ?’
‘અરે, પણ મને કઇ રીતે ખબર પડે કે આ ટકોરા તમે મારી રહ્યા છો કે કોઇ બીજું ? ‘વિક્રમને ચીડ જતી હતી આ કૅપ્ટ્ન પર. નોકરિયાત માણસ હતો, પણ રુઆબ તો એવો કરતો કે જાણે આખેઆખી શિપ એના બાપની હોય.
‘હેય યુ, તું વિના કારણ જબાન ન લડાવ..’ જેમ વિક્રમને એ માણસ દીઠે ન ગમ્યો એ જ રીતે કૅપ્ટનને પણ વિક્રમ પસંદ નહોતો આવ્યો, પરંતુ સુલેમાન સરકારનો પડ્યો બોલ ઝીલનાર પાસે ગમાઅણગમાના વિકલ્પ હોતા નથી એ પણ જાણતો હતો.
ચાર દિવસથી આઠ બાય આઠની બેસ્કેમાં વિક્રમ લગભગ કેદખાનામાં પડેલા બંધ કેદીની જેમ પડ્યો હતો. બંક બેડની થોડી ઉપરની બાજુએ બે ફૂટ પરિઘની એક ગોળાકાર બારીને એની પર જડેલું બે વોટરપ્રૂફ કાચનું આવરણ. એ કાચમાંથી બહાર નજરે ચઢતી દુનિયા એ જ માત્ર એક રાહત હતી. જોકે કાચની સફાઇ વર્ષોથી નહીં થઇ હોય એમ કાચ પર દરિયાનાં પાણી અને ખારી હવાના મારથી ક્ષારનું એક આવરણ જામી ગયું હતું, જે દેખાઇ રહેલા નઝારાને ધૂંધળો કરી નાખતું હતું. એ વાત સાચી કે વાત માત્ર અઠવાડિયાની છે, પણ એ અઠવાડિયું ભવ જેવું લાગ્યું વિક્રમને. એમાં વળી આ બદમિજાજ કૅપ્ટનની તુમાખી...
‘આ જોઇ લેજે.... ; કૅપ્ટને નાની ચબરખી જેવી કાપલી વિક્રમ તરફ ફેંકી.
સંદેશો જરૂર સુલેમાન સરકાર તરફથી હશે, નહીંતર આ આડો અહીં સુધી આપવા લાંબો ન થાય.
વિક્રમે કાપલી ખોલી. નાના, ગરબડિયા અસ્પષ્ટ અક્ષરોમાં એક સંદેશ લખાયેલો હતો એ પ્રમાણે બેંગકોકમાં પોર્ટ પર જેની સાથે ઇમિગ્રેશન માટે જે ગોઠવણ થઇ હતી એ ઘોંચમાં પડી હતી એટલે બેંગકોકના લોંગ નામના પોર્ટ પર જહાજ લાંગરે એ પહેલા અધવચ્ચે જ શિપમાંથી પાસે આવનારી સ્પીડ બોટમાં ચઢી બેસવાનું હતું. એ વિશેની વધુ માહિતી કૅપ્ટન પાસેથી જ લેવાની હતી. એ સંદેશ વાંચીને વિક્રમના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. એક ચૂક થઇ તો ખલાસ.. એવા સંજોગોમાં કૅપ્ટનને હાથમાં રાખવો સારો, ન જાણે કોની ક્યારે શું મદદ લેવી પડે ?
અચાનક જ બે દિવસ પછી વાતાવરણ બદલાતું હોય એમ લાગ્યું. મલેશિયાના સંદાકાનથી ઊપડેલી શિપ ઇન્ડોનેશિયા, કમ્બોડિયા થઇ બેંગકોક પહોંચતી હતી. જ્યારે સુલેમાન સરકારનો આવો મૂંઝવી નાખે એવો સંદેશ મળ્યો ત્યારે શિપ ઇન્ડોનેશિયાના રિયાઉ આઇલેન્ડ પહોંચવાની તૈયારીમાં હતી. બાર કલાકના રોકાણમાં કોઇ ચમત્કાર થવાની શક્યતા તો નહિવત હતી, પણ ચમત્કાર થયો.
સંદાકાનવાળા વાતે વાતે નડી જતા પાકિસ્તાની કૅપ્ટનની તબિયત ખરાબ હતી એટલે એ પોતાની કૅબિનમાં આરામ કરતો હતો. મનાઇ હોવા છતાં કૅબિન બહાર નીકળવાનું જોખમ વિક્રમે ઉઠાવી લીધું.
પોતાની કૅબિનમાંથી બહાર નીકળ્યો ત્યારે ચહેરા પર અથડાયેલી તાજી ભીની ખારી હવાની લહેરખીથી લાગ્યું કે કબરમાંથી બહાર નીકળ્યો છે. પાસે જ એક સેલર ડેક પર ઊભો ઊભો મોબાઇલ ફોન પર વાત કરી રહ્યો હતો. અચાનલ વિક્રમના મનમાં ચામકારો થયો : અરે, પોતે સુલેમાન સરકારને આ પરિસ્થિતિની જાણ તો કરી જ શકે ને,પછી ભલે જે થવું હોય તે થાય.
‘અબ્દુલભાઇ, સરકાર સાથે વાત કરાવો, અરજન્ટ...’
વિક્રમે ફોન તો લગાવુઓ હતો સુલેમાનને, પણ સુલેમાને ફોન ન લીધો. રિંગ વાગતિ રહી એટલે અબ્દુલને ફોન લગાવ્યા વિના છૂટકો નહોતો.
‘હા, મુઝે બતાઓ, હું સરકારને પહોંચાડી દઇશ.’ આબ્દુલે કહ્યું તો ખરું, પણ સામે રહેલા વિક્રમને પહેલી વાર અબ્દુલના કથન પર વિશ્વાસ ન બેઠો.
‘કોઇ ખાસ વાત નથી, ત્યાં આવીને કરીશ...’ વિક્રમે વાત ટુંકાવવા કહી તો દીધું, પણ ન જાણે કેમ કોઇક અંદરથી કહીં રહ્યું| હતું કે ક્યાંક કંઇક ગરબડ થઇ રહી હતી.
અબ્દુલે ફોન કટ કરી આસપાસ નજર ફેરવી લીધી : કોઇકે પોતાને આ વાત કરતાં જોઇ તો નથી લીધો ને ?
ચોવીસ કલાક સુલેમાન સરકાર સાથે રહેતા અબ્દુલને ખબર નહોતી કે વૉલ પર સજવવામાં આવેલા પિકાસોના પેન્ટિંગમાં રહેલી પાંચ માનુનીની કીકીના સ્થાને ગોઠવાયેલા સ્પાય કૅમેરા આખા રૂમના ખૂણે ખૂણે નજર રાખી શકે એ રીતે ગોઠવવામાં આવ્યા હતા, જેમાં અબ્દુલની આ ચાલબાજી પણ કેદ થઇ ચૂકી હતી.
અફાટ દરિયાબાજુ પડતાં બેડરૂમમાં બેઠાં બેઠાં સુલેમાન સરકારની નજર પોતાના આવાસનાં ખૂણેખાંચરે રહેતી. આ સિક્રેટ કેમેરા જ સુલેમાન સરકારના ખરાં આંખ અને કાન હતા. સુલેમાન સરકાર પોતે પોતાની જાતને બેવકૂફ ખપાવવા તરેહ તરેહની વાતો ચલાવતો. એમાંની એક એ હતી કે સુલેમાન સરકાર એટલો ડફોળ છે કે એને સ્માર્ટ મોબાઇલ ફોન કે કમ્પ્યુટર વાપરતા આવડતું નથી, જ્યારે હકીકત બિલફૂલ વિપરિત હતી.
અબ્દુલ ફોન મૂકીને જાણે કંઇ બન્યું જ નથી એમ આટાં મારવા શરૂ કર્યા, જે તમામ હિલચાલ સુલેમાન સરકાર પોતાના રૂમમાં ક્લોઝ્ડ સર્કિટ મોનિટર પર જોઇ રહ્યો હતો. સુલેમાન સરકારના ચહેરા પર એક સંતોષનું સ્મિત ફરક્યું. એના શક સાચો હતો : વિક્રમને બેંગકોક આવવા પહેલાં જ ગૂલ કરી દેવાનો પ્લાન અબ્દુલે બનાવી લીધો હતો.
વિક્રમ ડેક પર જ ઊભો હતો ને મોબાઇલ ફોનની રિંગ વાગી રહી.
વિક્રમને અચરજ થયું. નંબર જાણીતો ન લાગ્યો. બે જ રિંગમાં વિક્રમે ફોન રિસીવ કર્યો ને સામે છેડે સુલેમાન સરકાર પોતે હતો.
‘ઓહ, સરકાર, હમણાં જ અબ્દુલભાઇ સાથે વાત થઇ...’ વિક્રમ આગળ વધુ બોલે એ પહેલાં જ સુલેમાન સરકારે એની વાત આંતરી :
‘વિક્રમ, તું મોબાઇલ નેટવર્ક રિચમાં છે એટલે કોઇક પોર્ટ આવ્યું હશે...’
‘જી, જી... રિયાઉ આઇલૅન્ડ, હજી તો ઇન્ડોનેશિયા પહોંચ્યો છું... પણ સરકાર.. આ અધવચ્ચે મધદરિયે ચાલુ શિપે સ્પીડ બોટમાં... સરાકર, તમે જાણો છો મને.. હું કાયર નથી, પણ આ તો દેખીતી હારાકીરી છે, પોસિબલ જ નથી, પણ પેલો તમારો કૅપ્ટન કંઇ સાંભળવા તૈયાર જ નથી ને !’ વિક્રમ ઉતાવળે બોલી રહ્યો. અબ્દુલની જેમ સુલેમાન સરકાર પણ સાવ નાખી દેવા જેવો ટાઢોબોળ રિસ્પોન્સ ન આપે તો સારું.
‘વિક્રમ, હવે મારી વાત સાંભળ... અને હા, આ વાત કોઇ સાથે ચર્ચવી જરૂરી નથી, સમજ્યો ?’
સુલેમાન સરકાર દ્વારા બોલાયેલા શબ્દોનું મહત્વ અને ન બોલાયેલી- ગર્ભિત રીતે કહેવાયેલી વાતનું મહત્વ વિક્રમ સમજી ચૂક્યો હતો.
એ પછી પંદર મિનિટ સુધી ફોન પર વારચીત ચાલી. સુલેમાન સરકાર બોલતો રહ્યો ને વિક્રમ સાંભળતો રહ્યો.
‘વિક્રમ, હવે તું શિપ આ પોર્ટ છોડે પછી તારી કૅબિનમાં જશે... અને કોઇ પણ સાથે વધુ કંઇ પણ ચર્ચ્યા વિના જે રીતે વર્તે છે એમ જ વર્તશે.. બરાબર ?’
‘હમ્મ..’ વિક્રમે હોંકારો ભણ્યો. એના મગજમાં પિક્ચર હવે કંઇક ક્લિયર થવા લાગ્યું હતું.
‘તેં અત્યારે કહ્યું કે તું રિયાઉ આઇલૅન્ડઝ પહોંચ્યો છે એ હિસાબે લગભગ ત્રણ-ચાર દિવસમાં તું ક્મ્બોડિયા પહોંચીશ અને લગભગ તો આ શિપ ત્યાં રોકાણ નહીં કરે, પણ કરે તો ચાર કલાકથી વધુ નહીં હોય, જે તારા માટે ફર્સ્ટ બેલ, પરંતુ એ પછી લગભગ કલાક-દોઢ કલાકપછી શરૂ થશે થાઇલૅંન્ડની સીમા, ત્યાં પેટ્રોલિંગ કરતી બોટ્સ દેખાશે એને તારો બીજો કૉલ સમજજે અને એ પછી આવશે પોર્ટ રેયોંગ, ત્યાં શિપ જરૂર હોલ્ટ કરશે, ત્યાંથી ચડાવવામાં આવતાં ફ્રુટ્સ બેંગકોકનાં અને ઇન્ટનેશનલ બજારમાં ઠલવાય છે એ ફાઇનલ કૉલ... આટલી વાત સમજી લીધી ?’ સુલેમાને ચોક્ક્સાઇ કરતો હોય એમ ફરી ફરીને પૂછયું.
વિક્રમ વાત તો સમજી ચૂક્યો હતો અને સાથે સાથે સુલેમાનની ગરજને પણ.
‘વિક્રમ, ધ્યાનથી સમજી લે, રેયોંગ પર શિપ સ્ટોપઓવર કરશે ત્યારે ચપળતાથી ત્યાં ઊતરી જજે. બાકીની ત્યાંની બધી વ્યવસ્થા અહીંથી હું કરીશ અને હા, આ વાત કોઇ સાથે ચર્ચવી જરૂરી નથી. એમ સમજી લે કે આપણા વચ્ચે કોઇ વાત થઇ જ નથી... ઓકે ?’
સુલેમાને તો કૉલ કટ કરી નાખ્યો, પણ મનમાં ઊઠેલા એક વિચારથી વિક્રમ સહેમી ઊઠયો :
હવે એકએક પગલું વિચારીને ભરવાનું... એક નાનીસરખી ગફલત અને એનું અસ્તિત્વ ગુમનામીના અફાટ સાગરમાં હંમેશને માટે ગરક થઇ જશે... !
***