Redlite Bunglow - 28 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૨૮

Featured Books
Categories
Share

રેડલાઇટ બંગલો ૨૮

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૮

અર્પિતા પડી ગઇ. ચહેરા પર કાચ વાગ્યો અને પગમાં મોચ આવી ગઇ. એ જોઇ રાજીબહેન નિરાશ થયા હતા એ અર્પિતાની નજર બહાર રહ્યું ન હતું. રચના પણ નિરાશ થઇ હતી. અર્પિતાને થયું કે બધું યોજના મુજબ પાર પડી રહ્યું છે. બેડ પર આડી પડીને અર્પિતા ખુશ થઇ રહી હતી. થોડીવાર પછી તે ઊભી થઇ અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. પછી રૂમમાં જ ટહેલવા લાગી. તે નાટક કરવામાં સફળ રહી હતી. એકસાથે ત્રણ ઝટકા રાજીબહેનને આપવાની હતી. પોતે કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ ના લઇ શકી એટલે રાજીબહેન તેનો વધારે ભાવ લઇ શકવાના ન હતા. રચના પણ આ સ્પર્ધામાં જીતી ના શકે એટલે રાજીબહેન પાસે પોતાના માટે ગ્રાહક માંગીને તેણે રચનાને મોકલી હતી. અને ગ્રાહક માટે તેની જાણ બહાર વાયગ્રાની ગોળી આપી હતી. એ કારણે ગ્રાહકે તેને થકવી દીધી હતી. રચના થાક અને ઉજાગરાને કારણે સ્પર્ધામાં સારો દેખાવ કરી શકશે નહીં એવી તેની ગણતરી હતી. અને સૌથી મોટો દાવ તેણે કોલેજક્વીન સ્પર્ધાની વિજેતા માટે ખેલ્યો હતો. તેને પરિણામ જાણવાની તાલાવેલી હતી. રચનાના ફોનની તે રાહ જોવા લાગી. રચના ઉપરાંત તેને બીજા એક જણના ફોનનો પણ ઇંતજાર હતો.

અર્પિતાએ પર્સમાંથી નાનો અરીસો કાઢ્યો અને ચહેરા પર નજર નાખી. પોતાના જ નખથી ગાલ પર કરેલો ઉઝરડો રાજીબહેનના દિલ પર ઉઝરડા કરી ગયો તેનો અર્પિતાને આનંદ હતો. રાજીબહેનની બધી મહેનતને તેણે એક જ મિનિટમાં ધૂળધાણી કરી નાખી હતી. પોતાના પગમાં મોચ આવી હોવાનું નાટક હજુ બે દિવસ ચાલુ રાખવાનું હતું. આદમકદ અરીસો નીચે પાડતા પહેલાં ગાલ પર નખથી લોહી કાઢી લીધા પછી તેણે પગને સહેજ વાંકો કરવાની પ્રેક્ટિસ કરી લીધી હતી. અરીસો એટલો જોરથી પડ્યો અને ધડાકો એટલો મોટો થયો કે એક ક્ષણ તો અર્પિતા પોતે ડરી ગઇ હતી. સારું થયું કે તેના પર કાચના ટુકડા ઉડ્યા નહીં. અરીસો પાડ્યા પછી તે તરત જ કાચના ટુકડાની બાજુમાં પગ વાંકો કરી બેસી ગઇ હતી. તેને અંદાજ હતો એ મુજબ જ રચના દોડી આવી હતી. રાજીબહેન આટલા જલદી દોડી આવશે એની તેને કલ્પના ન હતી. હવે કોલેજક્વીન સ્પર્ધાનું પરિણામ પણ રાજીબહેનની કલ્પના બહાર જ આવવાનું છે એની તેમને ખબર નથી.

***

ચાર કલાકથી રાહ જોઇને બેઠેલી અર્પિતાના મોબાઇલની રીંગ વાગી. મોબાઇલના સ્ક્રિન પર રચનાનું નામ જોઇ અર્પિતા ખુશ થઇ ગઇ. "હા, રચના, કોલેજક્વીન! બોલ બોલ... ફર્સ્ટ આવીને?!"

સામે છેડે એક ક્ષણ માટે મૌન છવાયું. રચના રડમસ અવાજે બોલી:"અર્પિ, આપણે હારી ગયા. હું તો ટોપ પાંચમાં માંડ આવી."

અર્પિતા મનમાં જ બોલી:"રાજીબહેન તો ક્યાંયનીય ના રહીને!"

"શું વાત કરે છે? એટલી મુશ્કેલ સ્પર્ધા હતી?" અર્પિતાએ ખુશી છુપાવી આશ્ચર્ય વ્યક્ત કર્યું.

"અરે શું વાત કરું તને? ખેર, હું ઘરે આવીને બધી વાત કરું છું..." કહી રચના ફોન મૂકવા જતી હતી ત્યારે અર્પિતાએ તેને પૂછી લીધું:"તો કોલેજક્વીનનો તાજ કોને મળ્યો?"

"પેલી ધરણીને...ચાલ અમે નીકળીએ જ છીએ...બાય." રચનાએ ફોન કટ કરી દીધો.

અર્પિતા ખુશીથી નાચવા લાગી. તેના બધા જ પાસા બરાબર પડ્યા હતા. તેણે રાજીબહેનને માત આપીને પોતાનો ફાયદો કરી લીધો હતો. ધરણીની જીત તેની ગણતરી મુજબની જ હતી. રાજીબહેન અને રવિકુમાર એમ સમજતા હતા કે તેમણે આ સ્પર્ધા ફિક્સ કરી દીધી છે. પહેલા નંબર પર અર્પિતા અને બીજા પર રચના આવશે. પણ આ અર્પિતા કંઇ કમ નથી. મારી ગોઠવણ મુજબ જ બધું થયું છે. પણ હવે ચેતવું પડશે. રાજીબહેન આ હારને ખમી શકશે નહીં.

થોડીવાર પછી રચના આવી. તે ઢીલી પડી ગઇ હતી. અર્પિતાને ભેટીને રડી પડી. અર્પિતાએ તેના ખભા પર હાથ પસવારી કહ્યું:"ચાલ હવે બહુ નિરાશ થવાની જરૂર નથી. તેં પૂરી મહેનત કરી હતી. પહેલાં તું કપડાં બદલી ફ્રેશ થઇને આવ. પછી બધી વાત કર."

રચના પોતાની રૂમ પર ગઇ. અર્પિતા લંગડાતી ચાલવાનો અભિનય કરતી પોતાના બેડ પર બેસી ગઇ. તેણે મોબાઇલ સાઇલન્ટ મોડ પર મૂકી દીધો. તેને ખબર હતી કે ગમે ત્યારે ધરણીનો ફોન આવશે. રચનાની સામે તેની સાથે વાત થઇ શકવાની નથી.

રચના આવી ત્યારે થોડી ફ્રેશ દેખાતી હતી.

"રચના, રાજીબહેનનું આટલું બધું આયોજન હોવા છતાં બીજી છોકરીઓ કેવી રીતે તારાથી આગળ નીકળી ગઇ? માન્યું કે ધરણી તારાથી સુંદર હતી પણ તારો બીજો નંબર તો આવવો જ જોઇતો હતો. રવિકુમાર સાહેબ ક્યાં કાચા પડ્યા?" અર્પિતાએ એકસાથે અનેક સવાલ કર્યા.

"અર્પિ, બીજી છોકરીઓ વધારે હોંશિયાર નીકળી. મેં બધા સવાલોના જવાબ બરાબર આપ્યા. પણ ડાન્સમાં જોઇએ એવું કરી શકી નહીં. ડાન્સના સ્ટેપ તો બરાબર કર્યા પણ થાક અને દર્દને કારણે જે ભાવ અને સેક્સીનેસ હોવી જોઇએ તે લાવી શકી નહીં. અને આ વખતે કોલેજ મેનેજમેન્ટ દ્વારા બહારના એક જજ નિમવામાં આવ્યા હતા. તેમણે મારા માર્ક્સ કાપી લીધા. રવિકુમાર સાહેબ પણ વધારાના દસ માર્ક્સ આપી શકે એ નિયમ રદ કરવામાં આવ્યો હતો. રાજીબહેન કહેતા હતા કે બે છોકરીઓએ રજૂઆત કર્યા પછી મેનેજમેન્ટ કમિટિએ ફોર્મેટમાં બધો ફેરફાર કરવો પડ્યો હતો."

"રચના, બીજી છોકરીઓનો બધામાં પર્ફોર્મન્સ સારો કેવી રીતે રહ્યો? જવાબો તો તને જ આવડે એવા હતા."

"ખબર નહીં પણ બધી જ છોકરીઓ બહુ વાંચીને આવી હશે. ધરણીએ તો દરેક સવાલના જવાબ બરાબર આપ્યા. એક-બે જવાબમાં પહેલાં અટવાઇ પણ પછી આવડી ગયા. ડાન્સ પણ સરસ કર્યો. સાચું કહું તો ધરણી મોડેલ બનવાને લાયક છે. હું તેની મહેનત જોઇ પ્રભાવિત થઇ છું."

"સાહેબનો શું પ્રતિભાવ હતો?"

"એ તો આઘાતમાં હતા. તું ભાગ લઇ શકવાની નથી એ જાણીને જ નિરાશ થઇ ગયા હતા. એ તને ફોન કરવાના હતા. રાજીબહેને તેમને ના પાડી અને તારી તબિયત બરાબર ન હોવાનું કહ્યું. રવિકુમારને તારી તબિયતની ચિંતા થતી હતી! પછી તું ફોન કરજે!"

"તબિયતની ચિંતા તો રાજીબહેને પોતાની કરવી પડશે. તેને તો પોતાનો ગરાસ લૂંટાઇ ગયો હોય એવું લાગ્યું હશે." એમ મનોમન બોલી અર્પિતાએ રચનાને કહ્યું:"રવિકુમારે મારા માટે ઘણી મહેનત કરી હતી. હું પછીથી તેમને ફોન કરીશ. રાજીબહેનને પણ નિરાશા થઇ હશે?"

"હા, એ તો કંઇ બોલવાની સ્થિતિમાં જ ન હતા. પરિણામ જાણ્યા પછી મૂગામંતર થઇ ગયા હતા. આવતી વખતે પણ કંઇ બોલ્યા નહીં. કોઇ વિચારમાં જ ડૂબેલા લાગ્યા."

અર્પિતાને ખ્યાલ આવી ગયો કે રાજીબહેન આ હારના કારણોનું મનોમંથન કરશે. તેમને પોતાના પર શંકા થઇ શકે છે.

રચના આગળ બોલી:"કારમાંથી ઊતર્યા પછી મારી સાથે ચાલતાં તેમણે એમ કહ્યું કે તમે બંનેએ ઘણી મહેનત કરી હતી. વાંધો નહીં સ્પર્ધામાં હાર-જીત તો થતી જ રહે છે. તમારા બંને માટે હું એક નાનો પ્રવાસ ગોઠવી આપું છું. અર્પિતા એક-બે દિવસમાં સારી થઇ જાય પછી તમે બંને ક્યાંક ફરી આવો."

"વાહ! સારું કહેવાય. પણ હું વિચારું છું કે આપણે મારા ઘરે જઇ આવીએ તો કેવું? ગામડાનો પ્રવાસ થઇ જશે. ઘણા સમયથી ઘરે ગઇ નથી..."

"હા, તારી આ વાત ગમી. આપણે એવું જ કરીશું. હું રાજીબહેનને આપણી ઇચ્છા બતાવી દઇશ."

અર્પિતાનું મગજ એકસાથે અનેક વિચાર કરી રહ્યું હતું.

રચના ગઇ એ પછી અર્પિતાએ રૂમનો દરવાજો બંધ કરી ધરણીને ફોન કર્યો.

સામેથી ઉમળકા સાથે પ્રતિભાવ આવ્યો. "થેન્કયુ સો મચ અર્પિતા! તેં મારું સપનું સાકાર કરી દીધું. તારી મીઠાઇનું પેકેટ તૈયાર છે. તું કહે ત્યાં આપી દઇશ."

"અભિનંદન! કોલેજક્વીન! હવે તારો મોડેલ બનવાનો રસ્તો બની ગયો છે. મારી શુભેચ્છા તારી સાથે છે!"

"અર્પિતા, મને હજુ પણ એ વાત સમજાતી નથી કે તેં આટલો સરસ મોકો કેમ ગુમાવ્યો? તું આરામથી કોલેજક્વીન સ્પર્ધા જીતી ગઇ હોત. તું મારાથી સુંદર, સેક્સી, બુધ્ધિશાળી અને કાબેલ છે."

"ધરણી, જીવનમાં કેટલાક નિર્ણય એવા પણ લેવા પડે છે જેના વિશે કોઇને કંઇ કહી શકાતું નથી. પણ મેં તને મદદ કરી હતી એ વાત તારે કોઇને કહેવાની નથી એ ભૂલતી નહીં. મારું મીઠાઇનું પેકેટ હું તને ફોન કરીને મેળવી લઇશ."

"અર્પિતા, મારા મમ્મી-પપ્પા તો બહુ ખુશ છે. તેમને કલ્પના જ ન હતી કે મારા જેવી ઠોઠ સુંદરી બધા સવાલના જવાબ સાચા આપી શકશે! ચાલ, મારી શુભેચ્છા છે કે તું જલદી સાજી થઇ જાય!"

ધરણી સાથે વાત થયા પછી અર્પિતાને તેની સાથેની પહેલી મુલાકાત યાદ આવી ગઇ. અર્પિતાનું નામ કોલેજક્વીન સ્પર્ધામાં લખાયા પછી તેણે રવિકુમાર સાથેની મુલાકાતોમાં અન્ય સ્પર્ધક છોકરીઓના નામ જાણી લીધા હતા. તેમાં સુંદર દેખાતી ધરણી વધુ પૈસાદાર હતી. અને તે મોડેલ બનવા માગતી હોવાથી આ સ્પર્ધામાં ભાગ લઇ રહી હોવાનું જાણ્યા પછી તેને મળી હતી. પોતાનો પરિચય આપ્યા પછી અર્પિતાએ તેને જીતાડવાની કિંમત નક્કી કરી હતી. ધરણીએ એક લાખ રૂપિયા સુધી તેને આપવાની તૈયારી બતાવ્યા પછી અર્પિતાએ પોતાની પાસે આવેલા બધા જ સવાલોના જવાબ તેને આપી દીધા હતા. અને પોતે કોઇ બહાનું કરીને આ સ્પર્ધામાં ભાગ નહીં લે એમ કહી દીધું હતું. અર્પિતા દરરોજ ધરણીને ફોન કરીને સ્પર્ધાને લગતી જે માહિતી મળે તે આપતી રહેતી હતી. અર્પિતા કોલેજક્વીન બનીને શરીર વેચવાના ધંધામાં આગળ જવા માગતી ન હતી. તે પોતાનો ભાવ ઓછો થાય અને રાજીબહેનને નુકસાન થાય એવું કરવા ઇચ્છતી હતી. અર્પિતા ભાગ નહીં લઇ શકે એ સ્થિતિમાં રાજીબહેનને વધારે આંચકો લાગે એમ હતું. એટલે અર્પિતાએ રચનાને પણ ભાગ લેવા તૈયાર કરી હતી. પછી રચના બરાબર પર્ફોર્મન્સ ના કરી શકે એ માટે ચાલ ચાલીને તેને સ્પર્ધાના બે દિવસ પહેલાં ગ્રાહક પાસે મોકલી હતી. એ કારણે રચના સારો દેખાવ કરી શકી નહીં. અને પોતે બતાવેલી બધી ટ્રીકથી ધરણી કોલેજક્વીનનો તાજ જીતી ગઇ.

અર્પિતાએ જ ધરણી અને બીજી છોકરીઓના કાનમાં ફૂંક મારીને બહારના એક જજની માગણી મૂકાવી હતી. કોલેજ કમિટિની મીટીંગમાં રવિકુમાર અને રાજીબહેને બહારના જજની જરૂર ન હોવાનું કહ્યું પણ બધાએ સ્પર્ધા તટસ્થ રીતે થાય એ માટે અન્ય કોલેજના એક પ્રોફેસરની પસંદગી કરી લીધી હતી. અર્પિતાનું બધું જ આયોજન પાર પડ્યું હતું. પોતે કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ ના લઇ શકી. રચના જીતી ના શકી. અને ધરણીને જીતાડીને એક લાખ રૂપિયા મેળવી લીધા હતા.

અર્પિતા હવે બે દિવસ પછી રચના સાથે પોતાના ગામ જવા તૈયારી કરવા લાગી. ત્યારે તેને ખબર ન હતી કે બે દિવસ બંનેને બહાર ફરવા મોકલવા પાછળ રાજીબહેનનું કાવતરું શું હતું!

***

રચના અને અર્પિતાને બે દિવસ બહાર મોકલવા પાછળ રાજીબહેનનો મલિન ઇરાદો શું હતો? અર્પિતાને રાજીબહેનના ઇરાદાની જાણ થશે? ? હરેશભાઇ વિનયનો સાથ લઇ હેમંતભાઇ વિરુધ્ધ કંઇ કરી કરશે? એ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.