Jivansangi - 2 in Gujarati Love Stories by Tarulata Mehta books and stories PDF | જીવનસંગી ભા.2

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

જીવનસંગી ભા.2

જીવનસંગી

ભા - 2

આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી, પણ પોતાની દીકરીને કહી શકતા નથી આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે.આ વાર્તાની નાયિકા રુચિરાના મમ્મી -પપ્પા દીકરીને ભણાવી પગભેર કરે છે,બીજી જ્ઞાતિમાં પરણે તો ય રાજી છે પણ રૂપાળી દીકરી એની જોડે શોભે તેવા જીવનસાથીને પસંદ કરે તેવા અરમાન સેવે છે. 'જીવનસંગી ભા.1માં તમે વાંચ્યું કે રુચિ દીપેશ સાથેની મૈત્રીના મોહપાશમાં સર્વકાંઈ વિસરાતી જાય છે. શું દીપેશ પણ મૈત્રીની સીમાને વટાવી પ્રેમના બંધનને સ્વીકારવા તૈયાર છે? સંપૂર્ણ સોહામણા જમાઈની કલ્પના કરતી એની મમ્મી દીપેશને જોઈ શું કરશે? પ્રેમમાં સુંદરતા કે સોંદર્યમાં પ્રેમ? વાંચો 'જીવનસંગી ભા.2'

તમારા રીવ્યુસ મારા માટે મૂલ્યવાન છે.હું હદય ખોલીને વાર્તા લખું, તમે તમારા મનની વાત રજૂ કરી સર્જક-વાચકના સબંધને મજબૂત રાખશો.

જીવનસંગી ભા. 2

બપોર પછીનો આખો દિવસ રુચિ દીપેશ સાથે અમદાવાદની ત્રાહિમામ ગરમી,વાહનોની ભીડ ભાડ, જાત જાતના હોર્નના ધોંધાટ અને પ્રદૂષણ વચ્ચે સિમલાની ઘાટીઓમાં ફરતી હોય તેમ મસ્તીમાં ઝૂમતી રહી.વર્ષોવર્ષ ધમાલિયું થતું જતું આ શહેર તેને જાણે નવેસરથી ગમવા લાગ્યું ! એકાદ જિદગી તો દીપેશના સંગમાં આ રસ્તાઓ પર પસાર થઈ જશે!

મોડી રાત્રે એ ધેર પહોંચી ત્યારે તેની મોટીબેન રીમાએ 'સરપ્રાઈઝ 'કરી બારણું ખોલ્યું .

રુચિરાને શાંતિથી પોતાના રૂમમાં જઈ રોડ પરની બારીમાંથી અદશ્ય થયેલા દીપેશના ધબકારા સાંભળવા હતા. એના કોલોનથી રોડ પર હજી સુવાસ હશે!

રીમાને જોઈ એ ઝન્ખવાણી પડી ગઈ.

'તું ક્યાંથી ?' તેનાથી અણગમા સાથે પૂછાઈ ગયું.

એની મોટીબેન શું કામ આવી હશે? શું એની દીપેશ સાથેની મૈત્રીની વાત મમ્મીએ રીમાને કરી હશે? બધાં ભેગાં થઈ કઈ ચોકઠું બેસાડવાની વેતરણમાં હશે? આમે ય મોટીબેન માનતી કે મમ્મી-પાપા રુચિને વધારે પડતી સ્વતન્ત્રતા આપે છે.

'તારી બર્થ-ડે માં મોટીબેન તો આવે ને?'

'પણ હજી વાર છે ...'

રીમાએ વ્હાલ ઊભરાયું હોય તેમ રુચિને બાથમાં લેતાં કહ્યું : કેમ બહેનબા નારાજ દેખાય છે?' કોઈ બહાર ઊભું છે ?'

"તું ય શું રીમા નાનીને હેરાન કરે છે?' રાતના સમયે કોણ હોય?' પાપાએ કહ્યું .

રુચિરા સહેજ વાર માટે ચોંકી ગઈ કે દીપેશ જોડે હોત તો ? શરમાવું પડે તેવી નાદાની તેના જેવો બુદ્ધિજીવી ના કરે ! એણે મનોમન 'થેન્ક યુ દીપેશ ' કહ્યું કારણ કે એ એવી લાગણીવશ થઈ ગયેલી કે તેને હાથ ખેંચી પોતાના ધરમાં, રૂમમાં. દિલની ગુફામાં સમાવી લેવો હતો પણ તેણે તો થોડી ક્ષણો પહેલાં હાથ મિલાવી 'ગુડ નાઈટ' કરી જતા દીપેશને જોયો હતો. તેણે તેને ધરે આવવા આગ્રહ કરેલો પણ તે બોલેલો ' સમયના પહેલાં ઇચ્છિત મળવાની આશા ફોગટ છે '.

'તું શું કહે છે દીપેશ ?' રુચિ એને રોકી રહી હતી.

'તું સમજી જઈશ.' કહી દીપેશે એક ફ્લાઈંગ કીસ આપી અને મોડી રાતના અંધારામાં ભળી ગયો.

'હા હું સમજી દીપેશ પણ આપણો સમય એકમેકમાં હાથ મિલાવી મહેકશે તો ખરો ને?' રુચિ એના ખ્યાલમાં ગુલ હતી .

'સવારની ઓફિસના કામે ગયેલી ,થાકી હશે ,એને આરામ કરવા દે " પાપા રુચિને તેના રૂમમાં દોરી ગયા.

રુચિરાને રૂમમાં જઈ સાડી બદલી નાઇટી પહેરતાં મમ્મી અને રીમાની વાત કાને પડે છે.

'રોજ આમ મોડી આવે છે?' રીમાના અવાજમાં શન્કા ઊભરાતી હતી.

'તું રીમા અમથી આડું વિચારે છે, ઓફિસના કામ સિવાય ક્યાંય જતી નથી .' પાપાએ રુચિની તરફેણ કરી.

' એની ગધાપચ્ચીસી તો પૂરી થશે ,આમને આમ ફર્યા કરશે તો કોઈ સારા છોકરા સાથે મેળ નહિ પડે ' રીમા

'એટલે તો બર્થ ડે પાર્ટીને બહાને બધાં આવશે ત્યારે જોઈએ રુચિને કોઈ નજરમાં આવે છે કે નહિ ?' મમ્મી

'એમ તો રોહનનો નાનો ભાઈ બે અઠવાડિયા માટે આવવાનો છે.' રીમા ધીરેથી બોલી.

રુચિ અત્યારે બેડમાં આડા પડી જઈ પોચા ઓશિકામાં માથું ઢાળી પોતાના શરીર પર થયેલા ગમતા પુરુષના જાણ્યે-અજાણ્યે થયેલા સ્પર્શની સ્મૂતિને ઝખતી હતી,

દીપેશ સાથે વીતેલા કલાકોની એક મીઠી ધક ધકમાં તેને ડૂબી જવું હતું . એક શબ્દો વિનાના નીરવ ટાપુમાં સરકી જવું હતું તેમાં બહારના બેઠકની ગપસપ સાંભળી ગુસ્સાથી વિફરેલી પોતાના રૂમમાંથી દોડીને બહાર આવી મોટેથી બોલી :

'પ્લીઝ ,તમે બધાં હવે આરામ કરોં. '

'ઓ કે બેટા, ગુડ નાઈટ ' કહી પાપાએ બઘું શાંત પાડયું .

ઘર શાંત થયું પણ રુચિ રાતના એકાંતમાં ક્યાંક અણજાણ પઁખીઓ તેના મનની એક ઊંચી ડાળ પર એકમેકમાં ચાચ પરોવી ગળું ફૂલાવી ટહુકતાં રહ્યાં .

***

સવારે બધાં ચા-નાસ્તા માટે બેઠાં ત્યારે રીમાએ નાની બહેનને મનાવતાં કહ્યું:

'લે,તને ભાવતા આલુ પરોઠા મેં ખાસ બનાવ્યા છે '

'તારા હાથના પરોઠા ..એકદમ ટેસ્ટી છે હોં ' રુચિ રાતની બહેનની ગરબડ ભૂલી હસતી હતી.મમ્મીએ જોયું આજે રુચિના ચહેરો પર અનેરી તાજગી હતી.

'મમ્મી લંચ બોક્સમાં પરોઠા મૂકજે ' રુચિએ કહ્યું .તેના મનમાં દીપેશ સાથે લંચ શેર કરવાની ઈચ્છા હતી.

'રુચિ તારી ઓફિસ પતે પછી આપણે શોપિંગમાં જઈશું ' રીમાએ હક્કથી કહ્યું .

'હા ,હા,જઇશું પણ સી.જે .રોડ પર સાંજે ટ્રાફિક જબરદસ્ત હશે!'.

***

આજે પપ્પા અને રુચિ એની આશ્રમરોડ પરની ઓફિસમાં કારમાં સાથે નીકળ્યાં ત્યારે મમ્મીએ લંચ બોક્સની સાથે આમંત્રણ પત્રિકાઓ રુચિના ઓફિસના સ્ટાફ માટે આપી.

રુચિ 'સંકેત' બિઝનેસ કોમ્પ્લેક્સની સામે કારમાંથી ઊતરી ત્યારે તેણે ચોથામાળે શાહ એન્ડ મહેતા સન્સની બારી પાસે ઊભેલી આકૃતિ જોઈ. તેણે મીઠો થડકો અનુભવ્યો

'શું દીપેશ મારી રાહ જોતો હશે! '

તે ઊપર જવા અધીરી થઈ હતી ,' દાદરા ચઢી નાખું કે ઊડીને પેલી બારીએ પહોંચું ?'

'હલો ,મિસ ,ગુડ મોર્નીગ ' લિફ્ટને આવેલી જોઈ ઉતાવળા આવેલા શાલીને ખુશ થતા કહ્યું.

શાલીને હાથ લંબાવ્યો પણ રુચિના એક હાથમાં લંચની બેગ અને બીજા હાથમાં મસમોટી પર્સ હતી .તેણે માથું નમાવી તેના બે હાથ બતાવ્યા એટલે શાલીને ગાઢ મિત્રો હોય તેમ તેને 'હગ '

કરી તેના હાથમાંની બેગને લીધી. 'લંચ સ્મેલ ગુડ,આઈ એમ ઓલરેડી હંગરી '.

તેઓ બન્ને સાથે દીપેશની ઓફિસમાં આવ્યાં ત્યારે તે બારી પાસેથી ખસીને ઊભો હતો. 'હજારો ખ્વાહીશે એસી કે ...' ગઝલ ગૂંજતો હતો. એકાંતમાં રુચિએ ઘણીવાર દીપેશને ગઝલો ગણગણતો સાંભળ્યો હતો પણ આજે એ જુદા મૂડમાં હતો. રુચિને કોઈ શાયર જેવો લાગ્યો ..તેના મધ્યમ કદના મજબૂત શરીરના ખભા અને છાતી ગ્રીક સ્થપતિએ ઘડેલા હોય તેવા આકર્ષક હતા ,બુદ્ધિના તેજથી ચમકતા ધઉંવર્ણા ચહેરા પર બીજાને આરપાર જોઈ લેતી ઊડી કાળી ,ઝીણી આંખો અને કાળા ભ્મમર વાળના ઝુલ્ફા એના કપાળ પર ઝૂકી આવતા હતા. હોઠના ઉપલા ભાગ પરની કાળી મૂછ જોઈ રુચિને ખરબચડો રોમાન્સ થયો. એણે કતરાતી નજરે ઊંચા મસ્સલબદ્ધ શાલીનના ક્લીન સેવ્ડ ગોરા -કોમળ ચહેરાને જોયો. બન્ને પુરુષોના ચહેરા કેટકેટલા પ્રતિબિબ ઝીલતાં હતાં ! તેમની અંદરની અને બહારની છબી તે જોતી હતી પણ એ બીજું કંઈક શોધતી હતી. કોણ એને ઝનખે છે ?કોની આંખમાં તેને પામવાની સંવેદના ભીનાશ બની ચમકે છે?

શાલીનની સાથે પ્રવેશતી રુચિને જોઈ દીપેશને એક ક્ષણ થયું રુચિ -શાલીન સાથે શોભે છે. સુંદર યુગલ છે.કોઈને પણ ગમી જાય અને ઈર્ષા આવે તેવું !

' હર ખ્વાહિશ પર દમ નિકલે ' શાલીને પઁક્તિ આગળ વધારી પછી કહે :' યાર ગાલિબ કો છોડો આ મારા કોયડા ઊકેલો .

'હા વિરાણી શેઠનો ફોન હતો કે તમારી બંધ પડેલી ફેક્ટરીની ખોટને એવી રીતે એડજેસ્ટ કરી આપો કે પોર્ટફોલિયો બેલેન્સ થાય.' દીપે શે શાલીન સાથે હાથ મિલાવી પછી રુચિનો

હાથ દબાવી બો લ્યો:

'આ મારી આસીસસ્ટન્ટ રુચિરા દેસાઈ ' આ નવેસરની પોતાની ઓળખાણ રુચિને થરકાટ આપી ગઈ.

'હલો મિસ દેસાઈ ' કહી શાલીને રુચિ સાથે હાથ મિલાવ્યો ત્યારે તેને લાગ્યું કે આ બન્ને પુરુષો તેને રીઝવી રહ્યા છે પણ તેને જાણવું હતું કે દીપેશ શું તેની રાહ જોતો હતો ? કે

ક્લાયન્ટ આવવાની ? તે કોઈ દિવસ નહિ અને આજે જ બારીએ ઊભો હતો ! શાલીન પોર્ટફોલિયોના કોયડા લઈને આવ્યો છે તેમાં તે અમથી જ તે ફુલાતી હતી કે એને મળવા આવ્યો છે?

પુરુષોના મનમાં પહેલું શું આવે ? પ્રેમ કે કેરીઅર ? રુચિને એના પાપાનો સ્વભાવ ખબર હતી કે પ્રુરુષના ઈગોને એની કેરીઅર કે ધન્ધો સંતોષે એટલે એને જ વધુ ગણે ! અત્યારે આ બે પુરુષોના મનમાં પણ તેમનો વ્યવસાય જ કેન્દ્રમાં હશે!

દીપેશે શાલીનને બંધ થયેલી ફેકટરીની ખોટને ક્યાં એન્ટ્રી આપી ગોઠવવી તે અંગે વિગતવાર સમજાવ્યું તે દરમ્યાન રુચિ કંઈક નોટ લખતા મુગ્ધ અવસ્થામાં દીપેશને જોઈ લેતી.

બે કલાકની માથાકૂટ પછી શાલીનને માંડ થોડું ગળે ઊતર્યું ,તેણે કહ્યું :

'બોસ આજના દિવસે મારા માટે આટલી ટ્રેંનિગ બસ ,ટાઈમ કાઢી તમે બન્ને વીક-એન્ડ માં બે કલાક બંગલે આવજો ,'શેઠ ,ડબલ ફી ચુકવશે.'

દીપેશે રુચિરાની સામે પ્રશ્નાર્થ નજરે જોયું કે તારાથી અવાય?'

રુચિએ ડોકું નકારમાં હલાવ્યું પછી અચકાઈને બોલી 'મમ્મીએ બર્થ-ડે પાર્ટી રાખી છે.'

એણે પર્સમાંથી આમંત્રણ-પત્રિકા કાઢી એટલે શાલીને તરત જ મઝાકમાં કહ્યું :

'તમારા લિસ્ટમાં 'માન ન માન મેં તેરા મહેમાન' કહી પેન રુચિ સમક્ષ મૂકી.

'તમે ખરેખર તમારા નામ પ્રમાણે સાલસ છો ' દીપેશને શાલીનનું ઔપચારિક્તા વિનાનું વર્તન ગમી ગયું.

'યાર અપુન તો માલીકે ધરકા ખાના ખાકે બડે હુએ વો નટુ મેરા બેસ્ટ બડી આજ ભી હૈ ' શાલીને દિલ ખોલી વાત કરી.

રુચિએ શાલીનનું નામ લખ્યું એટલે તેણે ખુશ થઈ કહ્યું :' દીપેશ,'આપણે સાથે જઈશું '

રુચિરા ખુશી ,આશા ,નિરાશા કે નામ ન આપાય તેવા એકમેકમાં સેળભેળ થઈ જતા ભાવ આ બન્નેની હાજરીમાં અનુભવતી હતી.

તેણે બીજા કાર્ડ પર દીપેશનું નામ લખવા પેન ઉપાડી એટલે દીપેશ દઢતાથી બોલ્યો :

'પ્લીઝ, મને આમાંથી બાકાત રાખજે હું માણસોની ભીડમાં ખોવાઈ જઈશ.' તે સાંભળી રુચિનો શ્વાસ અટકી ગયો .

'અરે,અમે તને શોધી લઈશું ' કહી શાલીને તેને સામેલ કર્યો તેથી રુચિને 'હાશ ' થઈ .

ઓફિસમાં લંચ સમય થયો હતો ,સો બહારની ઓફિસના કર્મચારીઓ ગયા એટલે દીપેશે ઊભા થઈ શાલીનને કહ્યું :' તમારી અનુકૂળતાએ ફરી મળીશું '.

'લેટ્સ ગો ફોર લંચ ' શાલીને બન્નેને આગ્રહ કર્યો .

'હું થોડું કામ પતાવું છું ,તમે બે જાવ ' કહી દીપેશ કપ્મ્યુટર ખોલી કામે વળગ્યો.

'મારું લંચ બોક્સ છે ,હું અહિઆ જ ખાઈ લઈશ.' રુચિએ શાલીનની વાત ટાળી .

'લાવ ,તારું લંચ હું ખાઈ લઈશ ' કહી દીપેશ બોક્સ ખોલીને બેઠો.આમ તો રુચિ રાજી થઈ કારણ કે સવારથી તેણે પરોઠા ખાતા દીપેશનો વિચાર કરેલો

'પણ આ શુ મને શાલીન જોડે જવા જાણે ધક્કો મારે છે!' રુચિ મૂઝવાયેલી ઊભી રહી .

નીચે રોડ પર શાલીનની સાથે જતી રુચિની નજર ચોથામાળની બારીએ ગઈ .... કોઈ હતું કે શું?

તરૂલતા મહેતા

(જીવનસંગી ભા.3ની રાહ જોજો. રુચિરાની પાર્ટીમાં શું થશે ? કોણ આવશે? એની મોટીબેન અને મમ્મીની યોજના શું હશે? પ્રશ્નોના ઊકેલ માટે..… રીવ્યુસ આપવા માટે આભારી છું )