ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ.
પ્રકરણ : ૧૬
આ એક લેસન હતું
આજનું કામ સમજાવતાં પ્રિયંકા હરહંમેશ કરતાં વધુ ગંભીર હતાં. “પ્રેમદીવાની રાધા”નો આજનો રોલ વાર્તાનો અગત્યનો રોલ હતો. જોકે વાર્તામાં આ ઘટનાના બે જ પેરેગ્રાફ હતા પણ પ્રિયંકા મેમની જિંદગીમાં આ સમયે પદ્મજાએ તેમને શીખવેલ અભિનયજ્ઞાન બહુ જ અગત્યનું હતું.
સેટ પ્રિયંકા મેમે કહ્યું હતું તે રીતે તૈયાર હતો અને સવારે ટ્રેઇનિંગમાં પણ આ વિષયે ઘણી ચર્ચા થઈ હતી. વાતની ગંભીરતા સલામત રાખીને તેમણે શરૂ કર્યું. તમારી જિંદગીમાં આ પરિસ્થિતિ વારંવાર આવશે. એક વસ્તુ તમારે શીખવાની છે અને તે છે મનને સ્વિચ ઓન અને ઑફ કરતાં આવડવું જોઈએ. સંવેદનશીલ છો એટલે જ ભાવો સચોટ આવશે. આ મૂડી પણ છે અને દુર્ગુણ પણ. આ બે ઘટનાને સબળ મનથી જ આપણી તરફેણમાં લાવી શકાય. વળી એ પણ સત્ય છે, આ વિચારોમાં ત્વરિત બદલાવ તમારું કામ કૅમેરા સામે ત્વરિત પરિણામ આપી શકે છે પણ સાચું કારણ મનને નહીં અપાયું હોય તો તે કસરતોનું પરિણામ પદ્મજામાં જોવા મળે છે તેવી ભૂલી જવાની વ્યાધિ પણ આપી જઈ શકે.
અભિનેત્રી તરીકે આપણે આપણા શરીરનો જુદા જુદા વાતાવરણ પ્રમાણે કે વાર્તાની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરતાં હોઈએ છીએ તેમાં અભિનેતા સાથે પ્રેમદૃશ્યો..વિલન સાથે બળાત્કારનાં દૃશ્યો, સંતાનજન્મનાં દૃશ્યો તથા ગમાઅણગમાના ભાવો ચહેરા ઉપર લાવતા હોઈએ છીએ... આ બધી પરિસ્થિતિઓમાં જેના ભાવો ઉત્કટ તે સફળ અભિનેત્રી. આ દરેક અભિનયના તબક્કે એકલું શરીર કામ નથી કરતું, મન પણ તેટલી જ ઉત્કટતાથી ભાગ લે છે. અને શરીર પરથી તેની અસરો ક્ષણવારમાં જતી રહે છે પણ મન ઉપર તે અસરો લાંબા ગાળા સુધી રહે છે.
સફળ અને અસફળ માણસો વચ્ચે મહદ અંશે મન ઘણો ભાગ ભજવે છે. પ્રિયંકા મેમે થોડોક આરામ લઈ ફેસબુક ઉપર વાંચેલી નયના પટેલની વાત વાંચવાની શરૂઆત કરી :
એન્થની રોબિન્સનનું એક પુસ્તક છે “Unlimited power.” આ પુસ્તકમાં એણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અને એના મૃત્યુ માટેની તારીખ પણ નક્કી કરવામાં આવી. મનની શરીર પર થતી અસરો પર સંશોધન કરનાર એક ટીમે કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પર પ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી. કોર્ટે નિષ્ણાતોના અભિપ્રાય બાદ પરવાનગી આપી.
મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને એવું કહેવામાં આવ્યુ કે તને જુદી રીતે મૃત્યુદંડની સજા કરવાની છે. ફાંસી આપીને કે ઇલેક્ટ્રિક શોકથી નહીં પરંતું એક અત્યંત ઝેરી કોબ્રા કરડાવીને તારું મૃત્યુ નિપજાવવામાં આવશે. આ વાત પેલા ગુનેગારને મૃત્યુની તારીખ સુધીમાં વારંવાર કરવામાં આવી. અને નક્કી થયેલી તારીખે એને એક રૂમમાં બેસાડવામાં આવ્યો.
તેની નજર સામે જ અત્યંત ઝેરી સાપ લાવવામાં આવ્યો જેને જોઈને જ ડર લાગે. સાપને એનાથી થોડે દૂર રાખ્યો અને પછી કેદીના હાથ-પગ બાંધીને આંખ પર પણ પટ્ટી બાંધવામાં આવી. આંખ પર પટ્ટી બાંધ્યા પછી સાપને ફરીથી એક ટોપલામાં બંધ કરીને ત્યાંથી પાછો લઈ ગયા. થોડી વાર પછી ગ્લુકોઝના પાણીથી ભરેલા ઇન્જેકશનની નાની સોઈ કેદીના શરીરમાં 2-3 વાર ભોંકવામાં આવી. જ્યારે એના શરીરમાં સોઈ ભોંકાઈ ત્યારે ત્યાં હાજર જવાબદાર અધિકારીએ કહ્યું કે ઝેરી સાપ કરડાવવાની સજા પૂરી થઈ.
થોડીવારમાં એ વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુ પામી. મૃત્યુ બાદ મૃત્યુનું કારણ જાણવા માટે શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ શરીરમાં લોહીની સાથે ભળી ગયેલું ઝેર બતાવવામાં આવ્યું.
કેદીને આ ઝેર બહારથી તો આપેલું નહોતું તો ક્યાંથી આવ્યું ? ગુનેગારની માન્યતાએ ગ્લુકોઝના પાણીને પણ ઝેર બનાવી દીધું હતું. આપણે પણ કેટલીક આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથે જીવન જીવીએ છીએ અને આપણા જીવનમાં ઝેર ઉમેરીએ છીએ. અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ એવું કહેતા કે
“આપણી પરવાનગી વગર દુનિયાની કોઈ તાકાત આપણને દુખી ના કરી શકે.” દુ:ખને આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ નબળા વિચારોથી.
Be positive
સેલ ફોનમાંથી આ વાત વાંચ્યાં પછી પ્રિયંકા મેમ કહે, રૂપા! મેં તારામાં આ નબળાઈ જોઈ છે. તું અક્ષરને ધ્યાનમાં રાખી લવ સીન સરસ કરે છે.. પણ આજે કરવાનું કામ તે રીતે તું નહીં કરી શકે. આજની જરૂરિયાત અલય તને હર્ટ કરે છે. ને તારે ધિક્કારવાનો છે તેને.
“મેમ, હું કરી શકીશ. પણ તમે કહ્યું તેમ લાગણીઓની સ્વિચ બદલતાં વાર લાગશે. એકાદ બે વખત ધિક્કારને ચહેરા પર લાવતાં વાર લાગશે.”
“તે મને નહીં ચાલે. હું કૅમેરા સ્ટાર્ટ કરું અને તારા ચહેરા ઉપર ધિક્કારના ભાવો જોઈએ..હું તો અલયને તને થપ્પડ મારતી બતાવવાની છું.”
“સાચે સાચ?”
“હા. તો જ ધાર્યો ભાવ ચહેરા ઉપર આવે ને?”
“મને થપ્પડ મારે તો તો હું સામે થપ્પડ મારું; થપ્પડ ખાઈને બેસી ના રહું.”
“પણ તેણે આગળના દૃશ્યમાં વિલન સાથે તને પકડી છે અને તેથી ગુસ્સામાં તને થપ્પડ મારે છે...તારા ચહેરા ઉપર એકલી નફરત જોઈએ છે. અને દુઃખના ભાવો ઉભરાવા જોઈએ. પરી તારી પણ આ કસોટી છે. એંગલ અને ભાવોની ફેરબદલી ક્ષણવારમાં થઈ જશે. અલય તો સામે રાધા ઊભી છે તેમ વિચારીને વર્તશે પણ તું સામે અક્ષર ઊભો છે તેમ વિચારીશ તો ચોક્કસ ભાવોમાં મને જોઈએ છે તે નહીં જ આવે.”
“તમારી આ માન્યતા છે. ચામડી ચચરે એટલે તે ભાવ આવે જ.” રૂપા બોલી,
પ્રિયંકા કહે, “મારા આવા પહેલા શૉટમાં ડાયરેક્ટ ઉત્તમદાએ પહેલાં હળવેથી લાફો માર્યો. એમને સંતોષ ના થયો.. પછી મને કશું પૂછ્યા વિના કૅમેરામેનને ઇશારો કરી કચકચાવીને લાફો માર્યો ત્યારે મારી કુદરતી પરાવર્તિત ક્રિયામાં તેમને જોઈતા ભાવો મળ્યા. મારી આંખોમાંથી પાણી નીકળી રહ્યાં હતાં. શૉટ ઓકે થયો પણ ઉત્તમદાએ મમ્મીને થેંક્યૂ કહ્યું ત્યારે મને નવાઈ લાગી.. મને મમ્મી કહે, મેં જ કહ્યું હતું કે બહુ ચર્ચા કર્યા વિના ધાર્યું કામ લો.”
ભલે. આપણે શૂટિંગ શરૂ કરીએ. અલયનો ગુસ્સૈલ ચહેરો થયો. એણે રાડ પાડી “રાધા ! તને ના કહી છતાં તું સમરને કેમ મળી? અને તેણે લાફો માર્યો. રૂપાના ચહેરા ઉપર દુઃખના ભાવો ઊભરાયા અને તે બોલી ઊઠી, “તેં મને મારી? અને ફૂટ ફૂટ તે રડી પડી.. કૅમેરા ચાલુ હતો..અને તે રડતાં રડતાં બોલી, “તારે મને મારવાની નહીં…”
કટ..એક જ વખત પ્રિયંકા બોલી. અને રૂપાને તે ભેટી પડી. તેનો ગાલ સહેલાવા લાગી. અલય પણ સૉરી સૉરી કહેતાં રૂપા પાસે પહોંચ્યો.
પરી પાણી લઈને તેની પાસે પહોંચી ત્યારે રૂપા સાચે જ રડતી હતી. રડતી આંખે જ અલયને કહ્યું, “આટલું જોરથી કેમ માર્યું?”
પ્રિયંકા ત્યારે બોલી, “મેં જ કહ્યું હતું બેટા, આ શૉટ જલદી પતી જાય ને તે માટે…શૂટિંગ તો તેની ગતિએ આગળ વધવા માંડ્યું હતું પણ રહીરહીને પરીને થતું હતું કે ટ્રિક સીનથી કે મ્યુઝિકથી આ ઇફેક્ટ લાવી શક્યાં હોત.
અડધો કલાક સુધી ગાલ પર પડેલા મારનાં નિશાન રહ્યાં. તે નિશાન સાથે જ શૂટિંગ કરવાનું હતું તે થયું. રડતી રાધાને મનાવવાને બદલે અલય તેને કથા મુજબ ખખડાવતો રહ્યો. અને રાધાના ક્લોઝપ ખૂબ જ સુંદર આવ્યા.
રાત્રે પાછા જતાં પરી અને રૂપા દિવસ દરમ્યાન થયેલી ઘટનાને વાગોળતાં હતાં. તેને પણ પરીની જેમ અલયથી અને પ્રિયંકા મેમથી ફરિયાદ હતી પણ તેણે સારી વાત પકડી હતી. Be Positive.. આ એક લેસન હતું. કાયમ લાગણીઓથી નહીં, ક્યારેક બુદ્ધિથી પણ ચાલવું જોઈએ. જે કામ પાછળ કલાકો જતે તે કામ થપ્પડ મારીને અડધો કલાકમાં કરાવી લીધું.
આ બાજુ મુંબઈ હરકિશનદાસ હૉસ્પિટલમાં આશિષ ચૌધરી અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે પદ્મજા ભરેલી આંખે પ્રભુને પ્રાર્થના કરી રહી હતી. પ્રભુ તેમને સદગતિ આપજે, મારા બાપની જગ્યાએ છે.
“પદ્મજા, હવે હું જાઉં છું. મારી બધી મિલ્કત તારા નામે કરી છે. પ્રિયંકાને કહેજે, તે સાચી હતી. પણ બધું મારું તને સોંપી જાઉં છું.”
***