Asatyana Prayogo - 10 in Gujarati Biography by Deepak Antani books and stories PDF | અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 10

Featured Books
Categories
Share

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 10

આપણા મોઢે “હા” કે “ના” કુદરત બોલાવે છે ?

મને એક ડિટેકટીવ એજન્સી માટે ફિલ્મ બનાવવાનું કામ મળ્યું. શરૂઆતમાં જ કોન્ટ્રાક્ટ કરતી વખતે એમણે પૂછ્યું ..” બધા પૈસા સાથે આપી દઉં ?” હું દોઢ ડાહ્યો થઈને સારો માણસ થવા ગયો, મેં કહ્યું “ ના ના આ તો ત્રણ-ચાર મહિનાની પ્રોસેસ છે. જેમ જેમ જરૂર પડે એમ તબક્કા વાર આપજો.” એકસાથે પૈસા આવે તો વપરાઈ જવાની બીક પણ ખરી.

ખેર .. ફિલ્મ પૂરી થઈ. પણ એ પછી બાકીની પચાસ ટકા રકમના ચેક રીટર્ન થયા. માથાકુતો થઈ. છેવટે કોર્ટ કેસ કર્યો. પણ સામેની પાર્ટી કોઈ મચક આપતી નહોતી. અચાનક એકવાર લીફ્ટમાં ભેગા થઇ ગયા. મેં ગર્ભિત ધમકી આપી કે “મીડિયામાં છું. મને નાનો નહી સમજતા. મારા માટે આ રકમ ઘણી છે અને હું કંઈપણ કરી શકું છું.” ધમકીની અસર ગણો કે જે કહો એ ... થોડાક મહિના પછી, એમની ઓફિસમાંથી ફોન આવ્યો કે, “જે રકમ બાકી છે, એના પચાસ ટકા આપી દઈએ. સમાધાન કરી લો. કેસ પાછો ખેંચી લો ને. “ કોણ જાણે કેમ પણ આ ફોન આવ્યો ત્યારે હું બાઈક ચલાવતો હતો અને કઈ વિચાર્યા વગર મારા મોઢા માંથી “હા ..ઓકે ..” નીકળી ગયું.

સમાધાન માટે મળવા ગયા ત્યારે આ રકમ છ મહિનાના હપ્તે ડર મહીને થોડા એમ છ ચેકમાં આપ્યા. મેં રકઝક કર્યાં વગર ઓકે કરી સ્ટેમ્પ પેપર પર લખાણ કર્યાં. છઠ્ઠા મહિનાનો ચેક ક્લીયર થયો એના અઠવાડિયા પછી જ એ ભાઈનું અકસ્માતમાં અવસાન થયું.

જો મેં સમાધાનની ના પાડીને કેસ ચાલુ રાખ્યો હોત તો ? અથવા છ હપ્તે રકમ લેવાની ના પડી હોત તો ? કદાચ આ પચાસ ટકા પણ ગુમાવત.

હું હજીપણ એ જ વિચારું છું કે, આટલા ગંભીર નિર્ણય માટે મેં સેકન્ડનો પણ વિચાર કર્યાં વગર બાઈક ચલાવતાં જ હા કેમની પાડી દીધી ?

કુદરત કોઈકના મોઢે બોલીને સંકેત આપે છે ?

આવું જ મારી સાથે પણ થયું. ૨૦૧૬ – એક શુટીંગમાં કારના પાસિંગના શોટ્સ લેવાના હતા. કેમેરામેન સાથે ચર્ચા કરી, અને પરફેક્ટ શોટસ મળે એટલે હું જ સ્ટીયરીંગ પર બેઠો જરૂરી શોટસ પત્યા પછી એડીટરનું સૂચન આવ્યું કે કેમેરા ઉપરથી કાર પસાર થાય એવો શોટ લઈએ. થોડું જોખમી હતું, એટલે કેમેરામેનને પૂછ્યું. એણે પણ સંમતિ આપી અને બધું ગોઠવાયું. સ્ટીયરીંગ પર હું તો હતો જ. એકાદ રીહર્સલ થયું. એમાં કેમેરામેને દ્રષ્ટીભ્રમથી ખોટા ઈશારા કર્યાં એટલે કારમાં મારી સાથે બેઠેલા એડિટરે કહ્યું “ લાવો હું લઇ લઉં દીપકભાઈ. તમને ફાવશેને ? કે હું લઇ લઉં ?” . પણ દીપકભાઈ એ વખતે પ્રકૃતિના આ ખેલને ક્યાં સમજતા હતા ? મેં કહ્યું “ના રે ના હવે ...આમાં શું ન ફાવવા જેવું છે ?. હું લઇ લઉં છું.” પણ, ફરી ખોટા ઇશારાથી સામ સામે સમજ ફેર થઈ, કેમેરામેનને એમ કે ગાડી ખોટી દિશામાં જાય છે, કેમેરો ડેમેજ થશે, એટલે એ કેમેરો લેવા વચ્ચે આવ્યો, પાછળથી એડિટરે બુમા બુમ કરી “ બ્રેક મારો, બ્રેક મારો..” અને મારાથી પણ બધી ધમાલમાં કોણ જાણે કેમ બ્રેક ને બદલે એક્સીલેટર દબાઈ ગયું અને ... ભમ્મ.... કેમેરાના રામ રમી ગયા. કેમેરામેનને સહેજ છોલાયું. અને મારું ખાસ્સું પેમેન્ટ કેમેરાના ઈન્શ્યોરન્સના કારણે નિર્માતાએ અટકાવ્યું.

બસ... ત્યારથી નક્કી કર્યું કે કોઈ પૂછે કે, “લાવો હું ડ્રાઈવ કરી લઉં ? ત્યારે એકપળનો ય વિચાર કર્યાં વગર ચાવી આપી જ દેવી. સ્ટીયરીંગ સોંપી જ દેવું.

કોઈ બીજું બોલે છે કે કુદરત બોલાવડાવે છે ?

(૧) ૨૦૧૬ – મને એક ફિલ્મનું દિગ્દર્શન અને પ્રોડક્શન કરી આપવાનું કામ મળ્યું. નિર્માતાએ મારા કહ્યા મુજબ સમયાંતરે નાણાં આપતાં રહેવાની બાહેંધરી આપી. શરૂઆતના રોકાણના બે હપ્તા બરોબર આવ્યા, એટલે બધી તૈયારી થઇ ગઈ. મુહુર્ત થયું. મુહુર્તમાં અન્ય મહાનુભાવો સાથે માં.શ્રી યોગેશ ગઢવી આમંત્રિત હતા. એ શુભેચ્છા પ્રવચનમાં બોલ્યા કે “હું જ્યાં હોઈશ ત્યાંથી આ ફિલ્મ વિશેની ચિંતા કરીશ અને દીપકભાઈને પૂછતો રહીશ.”

થયું એવું કે, ચારેક દિવસના શુટિંગ પછી જે રોકાણની બીજી રકમનો હપ્તો આવવો જોઈએ, એમાં નિર્માતાના ગલ્લાં-તલ્લાં શરુ થયાં. મોડીરાત્રે બારેક વાગ્યા પછી ગઢવીસાહેબનો ફોન આવ્યો

“દીપકભાઈ, બધું બરોબર છે ને ? શુટિંગ કેમ ચાલે છે ?”

મેં પૂછ્યું “શું વાતછે સાહેબ ? આટલી મોડીરાત્રે મારી ખબર પૂછી ?”

“હા, મોગલ માં એ બેઠો હતો ...તમારી યાદઆવી, થયું કે દીપકભાઈના કુશળ પૂછી લઉં.”

અને મારે બીજે દિવસે જે રકમ હતી અને નિર્માતાએ મેનેજ કરી એમાંથી બધાની ચુકવણી કરીને, ફિલ્મ શીડ્યુલ પેક-અપ કરવાનો નિર્ણય લેવો પડ્યો, કારણકે, પૈસાની રાહ જોવામાં બધીજ એજન્સીના પૈસા ચઢતા જાય એમ હતું. આ લખાયછે ત્યાં સુધી, હજી આ ફિલ્મ ફરી શરુ નથી થઈ શકી. થશે એવી આશા છે.

ગઢવીસાહેબ માતાજી પાસે બેઠા અને મને મોડીરાત્રે ફોન આવ્યો એને શું કહીશું ?

(૨) ૨૦૧૭ – વડોદરા – હું મારા મોટાભાઈ કેતનને ત્યાં સહપરિવાર એક સામાજિક પ્રસંગે ગયો હતો. રાત્રે દસેક પછી પરત અમદાવાદ નીકળવાની તૈયારી હતી, ઓલા ટેક્સી બુક કરાવી . સમયમર્યાદામાં પહોંચી નહી, એટલે કેન્સલ કરાવી. દીપ્તિના મોબાઈલથી બીજી બુક કરાવી. એમાં પણ એમ જ થયું. ત્યાં અચાનક વાવાઝોડાંના તોફાન સાથે વરસાદ શરુ થયો.

બીજી ટેક્સી બુક કરાવી. એ આવે એ દરમ્યાન બે-ત્રણ જણ બોલ્યાં “હવે સવારે જ જજો. રાત્રે આવા વરસાદમાં જોખમ શું કામ લેવું?” ટેક્સી ડ્રાયવરનો પણ ફોન આવ્યો કે “હું નડીયાદ એક્સપ્રેસ હાઇવે છું. વરસાદને કારણે મોડું થશે. સવારે એરપોર્ટની વર્દી છે. વહેલી સવારે નીકળીએ તો ચાલે એમ છે?”

આટલા અનુભવો પછી હવે મને પ્રકૃતિના સંદેશ ઓળખવાનું સમજાયું હતું ... કે બે-ત્રણ વાર ટેક્સી જ કેન્સલ થઈ અને વહેલી સવારે જવાનું બોલાવ્યું ...એટલે જીદ કર્યાં વગર સવારે નીકળવાનું નક્કી કર્યું. કદાચ કોઈ મુશ્કેલીમાં મુક્યા હોત, એમાંથી ઉગરી ગયા.

(૩) ૨૦૧૭ જૂન–વિસાવદર – પવન અને વરસાદી વાતાવરણ હતું. યુગપુરુષ નાટકનો શો પતાવીને રાત્રે રોકવાના સ્થળે જવા નિયમ મુજબ બધા બસમાં બેઠા. બે જણા ઓછા હતા. “ક્યાં ગયા?”

“સર..! એ બે જણા બસના છાપરે બેઠા છે. વાતાવરણની મજા લેવા.”

ટીમમાંથી એક જણ બોલ્યું “સર, એમને કહો નીચે ઉતરે. અંધારામાં અજાણ્યા રસ્તે કોઈ વાયર-બાયર વાગી ના જાય.” .... એક સેકન્ડમાં ખ્યાલ આવ્યો કે આ પ્રકૃતિએ બોલાવડાવ્યું છે. બન્નેને નીચે બોલાવવા જ જતો હતો ત્યાં “અસત્યનો પ્રયોગ” કરવાનો વિચાર આવ્યો અને કઈ બોલ્યો નહી.

બસ પહોંચી ત્યારે ખબર પડી કે, રસ્તામાં એક જણને ઉપરથી પસાર થતો કેબલ ઘસાયો અને ચહેરા પર જ ઘસરકો પડી ગયો છે.

મેં કહ્યું “કુદરતે ટપલી મારીને આટલેથી પતાવ્યું. બાકી કાંઈપણ વધારે ગંભીર થઈ શક્યું હોત. આવા જોખમ ન જ લેવાં.” પણ મને થયું આ ‘અસત્યનો પ્રયોગ’ ન કર્યો હોત તો એ જરૂર બચી ગયો હોત. પણ બીજી રીતે જોતાં સારું થયું કે એ બહાને બધાને પાઠ ભણવા મળ્યો. અને મને ખાત્રી થઈ ગઈ કે

“પ્રકૃતિ ચોક્કસથી તમને બચાવવા સંકેત આપે જ છે. પોતે બોલી નથી શકતી પણ કોઈના મોઢે જરૂરથી બોલાવે જ છે.”

***