Hu Tari rah ma - 17 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - 17

Featured Books
Categories
Share

હું તારી રાહ માં - 17

આગળ જોયું ...જયે મોકલેલા ફોટામાં રાહી-ધ્રુવ સામે એક એવો ચહેરો સામે આવે છે જે રાહી-ધ્રુવની ઘણા સમયની શોધનો અંત લાવે છે. ફોટામાં જોયેલો ચહેરો રિદ્ધિનો જ હોવાનું જણાતા તેઓ કશ્મીર જઈ રિદ્ધિને રૂબરૂ મળવાનું નક્કી કરે છે. આથી આ વાત તેઓ રિદ્ધિના મમ્મી ભારતીબહેનને અને મેહુલના ખાસ મિત્ર મિલનને જણાવે છે. આઠ વર્ષથી દૂર ગયેલી પુત્રીના આમ અચાનક ખબર મળતા રિદ્ધિના માતા-પિતા ખુશ થઈ જાય છે. આથી બધા કશ્મીર રિદ્ધિને લેવા સાથે જાય છે. હવે આગળ...

મુસાફરીના થાકના લીધે બધા આરામ કરતાં હતા. બસ એક ભારતીબહેનનું મન બેચેન હતું. મુસાફરીના થાક કરતાં પોતાની વ્હાલી પુત્રીના વિરહમાં વિતાવેલા સમયનો થાક તેમના ચહેરા પર વધારે હતો. બધા આરામ કરતાં હતા પણ ભારતીબહેનનું આરામ કરવાનું જરાય મન નહોતું. તેમનું મન દોડીને રિદ્ધિ પાસે જઈને તેને ગળે લગાવવાનું હતું. રિદ્ધિ સાથે બેસીને ઘણી બધી વાતો કરવાનું મન હતું. તેમને ખબર હતી કે તેનો થાક આરામ કરવાથી નહીં પણ રિદ્ધિને મળવાથી ઉતરશે. ભાતીબહેન સૂતા હતા પણ તેમનું મન ક્યાય લાગતું નહોતું.

આથી તે પોતે રૂમની બહાર નીકળી હોટેલની ગાર્ડન લોનમાં આવી ગયા. તે બધાના ઉઠવાની રાહ જોવા લાગ્યા. તેમનું મન વધારેને વધારે બેચેન થતું હતું. આજ જાણે સમય થંભી ગયો હોય તેવું તેમને લાગતું હતું. તે લોનમાં આમ-તેમ ચક્કર લગાવતા હતા ત્યાં રિદ્ધિના પિતા નરેશભાઇ ત્યાં આવી પહોચ્યા.

પોતાની પત્નીને આમ બેચેન બની આમ-તેમ ફરતા જોઈ નરેશભાઇ બોલ્યા, “ ભારતી શું થયું ?કેમ આટલી બેચેન જણાય છે ? તારી તબિયત તો ઠીક છે ને ?

હું એકદમ ઠીક છું પણ મનમાં રિદ્ધિને મળવાની તલબ જાગી છે. આઠ વર્ષ તો મારા તે આશામાં નીકળી ગયા કે રિદ્ધિ એક દિવસ તો મળશે જ પણ જ્યારે હવે તે મળી ગઈ છે ત્યારે મારાથી રાહ જોવી અશક્ય છે. મારુ મન હવે મારી દીકરીને ગળે લગાવવા તડપી રહ્યું છે. મારી આંખો હવે રિદ્ધિની રાહ જોઈ રહી છે .” ભારતીબહેને મનની વેદના નરેશભાઈને જણાવતા કહ્યું.

“ ભારતી હું તારી તકલીફ સારી રીતે સમજી શકું છું. પોતાના સંતાનથી કોઈ આટલા વર્ષ દૂર ન જ રહી શકે. આટલા વર્ષોની તારી વેદના હું ખુબ સારી રીતે જાણું છું પણ આટલા વર્ષ રાહ જોઈ તો હવે થોડીવાર વધારે રાહ જોઈ લે. બસ થોડીવારની જ તો વાત છે. પછી તું તારી લાડકીને મન ભરીને નિહાળી લેજે. જેટલી વાતો કરવી હોય જેટલા લાડ કરવા હોય પેટ ભરીને કરી લેજે.” નરેશભાઇ

“ હા અને તમારા મનની વેદના પણ હું સારી રીતે સમજુ છું. તમારી વેદના કઈ ઓછી નથી. મને યાદ છે રિદ્ધિ વગર તમે કોઈ દિવસ મીઠાઇ પણ નહોતી ચાખી. તમે બંને બાપ-દીકરી તો મિત્રો હતા એકબીજાના. તમે પણ તો દીકરી સાથે સાથે એક સારી મિત્ર ખોઈ હતી. હું કમજોર ન પડું એટલા માટે મારી સામે કમજોર ન હોવાનું નાટક કરતાં. પરંતુ મને ખબર છે જ્યારે હું રાત્રે સૂઈ જતી ત્યારબાદ તમે રિદ્ધિના રૂમમાં જઈ તેની તસવીરોને હાથમાં લઈને મારાથી છુપાઈને રડતાં રહેતા. દરેક આદત બદલી નાખી તમે તમારી જે તમારા જીવનમાં રિદ્ધિ સાથે જોડાયેલી હતી.” ભારતીબહેનથી બોલતા રડી જવાયું.

નરેશભાઇની આંખ પણ આ સાંભળી ભરાઈ આવી. મિલન, રાહી ,ધ્રુવ આ બધી વાતો સાંભળી રહ્યા હતા. તે લોકો પણ ત્યાં આવ્યા. મિલન નરેશભાઇ અને ભારતીબહેનને સાંત્વના આપવા લાગ્યો.

“ અંકલ-આંટી મહેરબાની કરી આમ દુખી ન થાઓ. આ સમય દુખી થવાનો નથી. આ સમયે તો તમારે વધારે હિંમત રાખવી જોશે. જો તમે હિંમત નહીં રાખો તો રિદ્ધિનો સામનો કેવી રીતે કરી શકશો? આપણે રિદ્ધિને અહિયાથી ખુશી-ખુશી લઈ જવા આવ્યા છીએ. તમે હિંમત રાખો અને હવે જલ્દીથી તૈયાર થઈ જાઓ. આપણે હવે રિદ્ધિ પાસે જવા નીકળવું જોઈએ. રાહી-ધ્રુવ તમે પણ જવાની તૈયારી કરો.” મિલન

પંદર મિનિટ પછી ફરી બધા હોટલની બહાર મળ્યા અને બીજી અડધી કલાકમાં બધા જયે આપેલ એડ્રેસ પર પહોચી ગયા. બધા મેરેજ બ્યુરોની ઓફીસમાં પ્રવેશ્યા. ઓફીસમાં પ્રવેશતાની સાથે જ ભારતીબહેનના દિલના ધબકારા વધી ગયા. રિસેપ્શન પર એક છોકરી ઊભી હતી જેને જઈને પોતે પોતાની ઓળખાણ રિદ્ધિના સંબંધી હોવાની આપી અને રિદ્ધિ સાથે મળવા માટેની વિનંતી કરી.

***

બીજી તરફ મેહુલ વિચારમાં હતો કે શા માટે ધ્રુવે તેને ખોટું બોલ્યું ? આ પહેલા તો તેણે આવું ક્યારેય કર્યું નહોતું. અચાનક મેહુલને એક ફોન આવ્યો.

“ હા બોલો , કોઈ માહિતી મળી ?” મેહુલ

“ હા, તે લોકો કશ્મીર જ આવ્યા છે અને અત્યારે તે મેરેજ રેજિસ્ટાર ઓફિસ પર આવ્યા છે. તેમની સાથે એક મોટી ઉમરનું કપલ અને તમારી ઉંમરના એક ભાઈ પણ છે.” અજાણ્યો માણસ

“ ઠીક છે, આભાર. આગળની માહિતી આપતા રહેજો. “ મેહુલ

સામે છેડેથી ફોન મુકાય જાય છે અને તેની સાથે જ મેહુલના વિચારો શરૂ થઈ જાય છે કે ધ્રુવ- રાહીને મેરેજ રેજિસ્ટાર ઓફિસ જવાની શા માટે જરૂર પડી? શું તે બંને લગ્ન કરવાના હશે ? જો લગ્ન કરવા જ હતા તો મને વાત કરાયને !! શું તેમને આટલો જ વિશ્વાસ હતો મારા પર ? હું તે બંનેની જોડે એક બોસ કરતાં સારા મિત્રની જેમ રહ્યો છું. હું તેમના માતા-પિતાને મનાવી લેત આ વાત માટે. શા માટે તેઓએ મારાથી અને તેમના માતા-પિતાથી આ વાત છુપાવી હશે? જ્યારે તેઓ આવશે અને પછી તેઓ આ હકીકત જણાવશે તો તેમનો પરિવાર આ વાત સ્વીકારી શકશે? મેહુલ અસમંજસમાં હતો કે શું તે જણાવે બંનેના પરિવારને આ વાત વિષે? પછી મેહુલને વિચાર આવ્યો કે આ માહિતીની ક્યાક કોઈ પર ઉલ્ટી અસર થશે તો ? આથી આખી પરિસ્થિતી જાણવા માટે મેહુલે રાહીને અને ધ્રુવને વારાફરતી ફોન જોડ્યા પણ બંનેના ફોન બંધ આવતા હતા. હવે મેહુલનો શક પાક્કો થઈ ગયો હતો. આથી મેહુલે હાલ ચૂપ રહેવાનો જ નિર્ણય કર્યો. જે થશે તે જોયું જશે આમ વિચારી મેહુલે હાલ તેઓના પરિવારને આ વાત જણાવવાનો વિચાર પડતો મૂક્યો.

***

રિસેપ્સ્નિસ્ટે જણાવ્યુ કે, “ આજ રિદ્ધિમેમ આવ્યા નથી. તેમની તબિયત ખરાબ હોવાથી તે આજ રજા પર છે.”

ધ્રુવે રિદ્ધિના ફોન નંબર અને સરનામું માગ્યા. પરંતુ તે છોકરીએ રિદ્ધિની અંગત માહિતી આપવાની ના કહી દીધી. ઘણું સમજાવવા છતાં તે છોકરીએ માહિતી આપવા માટે ના જ માની. મિલને ત્યાનાં બીજા ઉપરી વ્યક્તિ જોડે વાત કરી જોઈ. પણ તેમણે પણ તે જ જવાબ આપ્યો. આથી ફરીથી બીજા દિવસે આવવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો બચ્યો. આથી બધા હોટેલ તરફ જવા નીકળ્યા.

રિસેપ્સ્નિસ્ટે છોકરીએ રિદ્ધિને ફોન લગાવ્યો પણ ફોન બંધ આવતો હતો. આથી તે રિદ્ધિને આ વિષે કોઈ માહિતી શકી નહીં.

***

“ કાલે આપણે થોડા વહેલા જઈને ત્યાં રિદ્ધિની રાહ જોવી જોશે. કારણકે જો રિદ્ધિ આપણી પહેલા પહોંચી ગઈ અને તેને કોઈએ માહિતી આપી આપણાં વિષે તો ગડબડ થઈ શકે છે. આથી બધા વહેલા તૈયાર થઈ જજો .” મિલન

“ પણ આ પહેલા કોઈ મેમને આ વાત જણાવી દેશે તો ?” રાહી

“ તો પણ રિદ્ધિ એકવાર તેની ઓફિસે તો અવશે જ તેવું વિચારીને કે , “ જે કોઈ પણ આવ્યું હશે તે કાલ આવી જતું રહ્યું હશે.” મિલન

મિલન સાચું કહે છે. તેવું પણ બની શકે જે થશે તે જોયું જશે. હવે કોઈ આ બાબતે ચિંતા નહીં કરે. ઈશ્વરે રિદ્ધિ સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો છે તો પછી રિદ્ધિને મળવાનું કામ પણ ઈશ્વર પર જ છોડી દો.” નરેશભાઇ

બધા હોટેલ પર આવી ગયા. જમવાનું પતાવી બધા પોતપોતાના રૂમમાં ગયા. બધાના મન બેચેન હતા...કાલે શું થશે તેની ચિંતામાં ..આખરે બીજી સવાર પણ થઈ ગઈ. આગલા દિવસના પ્લાન મુજબ બધા તૈયાર થઈ ગયા મેરેજ રેજિસ્ટર ઓફિસે જવા માટે. થોડીવારમાં બધા ત્યાં પહોચી ગયા. હજુ સુધી રિદ્ધિ આવી નહોતી. ઘડિયાળમાં ૮:૪૫ નો સમય થઈ રહ્યો હતો. રિસેપ્સ્નિસટના કહેવા મુજબ રિદ્ધિનો આવવાનો સમય ૧૦:૦૦ વાગ્યાનો હતો. હજુ સવા કલાક જેવો સમય વિતાવવાનો હતો.

રિસેપ્સ્નિસ્ટે બધાએ ચા-કોફી માટે પૂછ્યું. પણ બધાએ ના કહી. રિશેપ્સ્નિસ્ટને બધા થોડા બેચેન જણાતા તેણે પૂછ્યું ,” તમે કહો તો હું રિદ્ધિમેમને ફોન કરીને વહેલા આવવા જણાવી દઉં. કાલ પણ મે તેમને ફોન કર્યો હતો પણ તેમનો ફોન બંધ આવતો હતો.”

“ અરે ના-ના અમે રાહ જોશું. તમે ચિંતા ન કરો.” નરેશભાઇ

“ લો રિદ્ધિમેમ આવી ગયા. “ રિસેપ્સ્નિસ્ટ

બધાને રિદ્ધિની ઓફિસમાં જવા કહે છે.

ભારતીબહેન રિદ્ધિને ગળે લગાવીને રડવા લાગ્યા. રિદ્ધિ પણ આમ ઘણા વર્ષો પછી પોતાની માતાને જોઈને ગળગળી થઈ ગઈ. થોડીવાર માટે માં-દીકરી બંને એકબીજાને વળગીને રડતાં રહ્યા. થોડીવાર પછી લાગણીનો ઊભરો શાંત થતાં માં-દીકરી છૂટા પડ્યા પણ હજુ ઘણી બધી વાતો ઘણા બધા પ્રશ્નો બધાના મનમાં હતા.

“ મમ્મી-પપ્પા તમે અહિયાં ? તમને કેવી રીતે ખબર પડી કે હું અહિયાં છું?” રિદ્ધિ

આથી ભારતીબહેને વિગતવાર બધી વાત જણાવી કે કેવી રીતે તે રાહી-ધ્રુવની મદદથી એક ફોટાના સહારે તેના સુધી પહોંચ્યા.. ભારતીબહેને રિદ્ધિની ઓળખાણ રાહી અને ધ્રુવ જોડે કરવી. રિદ્ધિ પોતાના પિતાને જોતાં તેની આંખમાં આંશું રોકવાનું નામ લેતા નહોતા અને નરેશભાઇ પણ જિંદગીમાં પ્રથમ વખત રિદ્ધિ સામે રડ્યા હશે.

“ રિદ્ધિ બેટા ક્યાં જતી રહી હતી? શા માટે આમ આટલા વર્ષ તે અમને તારાથી દૂર રાખ્યા? તને ખબર છે તારા વગર હું અને તારા મમ્મી કેટલા એકલા થઈ ગયા હતા? હસવાનું જ ભૂલી ગઈ હતી તારી મમ્મી તો.” નરેશભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું.

“ મને માફ કરી દો મમ્મી-પપ્પા. હું મારા દુખમાં બધુ જ ભૂલી ગઈ હતી. હું ભૂલી ગઈ હતી કે મારી તકલીફ કરતાં પણ તમારી વધારે છે. હું સ્વાર્થી બની ગઈ હતી.મારા મનની શાંતિ માટે ક્યાયને ક્યાય તમને આટલા સમય સુધી તકલીફ આપતી રહી. પણ હું જે તકલીફમાં હતી તેમાથી નીકળવા માટે એકલતા જ એક મને યોગ્ય રસ્તો લાગ્યો.” રિદ્ધિ

“ પણ બેટા શું તને વિશ્વાસ નહોતો કે અમે તને તકલીફમાં નહીં રહેવા દઈએ? આમ બધાથી દૂર જતું રહેવું કે પછી એકલતા તકલીફનું નિરાકરણ નથી હોતું. પરેશાની તો પોતાનાઓ સાથે મળીને દૂર કરાય છે. એકલતાનો રસ્તો પસંદ કરીને તું તો હેરાન થઈ જ છો પણ ક્યાયને ક્યાય તે બીજા બધા લોકોને પણ તકલીફ પહોચાડી છે.” ભારતીબહેને ફરિયાદ કરતાં કહ્યું.

“ મમ્મી હું સમજુ છું કે મે તમારાથી દૂર રહીને ખૂબ જ મોટી ભૂલ કરી છે. મારે પણ આવવું હતું તમારી પાસે. તમારી સાથે રહેવું હતું. મારી તકલીફ કેહવી હતી. રડવું હતું તમારા ખોળામાં માથું રાખીને. પણ હું ક્યાં મોઢે આવતી તમારી પાસે ? પહલેથી જ મે ઘણી તકલીફ તમને આપી દીધી હતી. હું તમને વધારે તકલીફ આપવા નહોતી માંગતી આથી શ્રેયાને ત્યાંથી હું સીધી કશ્મીર આવી ગઈ.” રિદ્ધિ

“ પણ અહિયાં આવવા કરતાં તું ઘરે જ આવી હોત તો સીધી. તને જાણ છે તારા વગર એક-એક દિવસ અમે કેમ વિતાવ્યો છે ?અમે તો આશા જ ખોઈ દીધી હતી કે તું ફરી મળીશ. આ તો રાહી-ધ્રુવની કોશિશના પરિણામે આજ તું અમારી સામે છો.” ભારતીબહેન

“ હા, રિદ્ધિમેમ મેહુલસરે પણ હજુ સુધી લગ્ન નથી કર્યા. તે પણ આઠ વર્ષથી તમારી ‘રાહમાં’ છે. તમને ખબર નહીં હોય પણ તેમની તકલીફ અમે જ જાણીએ છીએ. તે મનથી ખૂબ જ હારી ગયા હતા. આ તો એક દિવસ અમારી જીદના લીધે તેમણે પોતાનો ભૂતકાળ જણાવ્યો. આથી અમે તેમને વિશ્વાસ અપાવ્યો કે જીવનમાં કોઈ પરિસ્થિતિમાં આશા છોડવી નહીં. અમે બંને છેલ્લા ઘણા સમયથી તમને શોધતા હતા અને આખરે અમારી શોધ પૂરી થઈ.” રાહી

“ જીવનમાં મુશ્કેલીઓથી ભાગવાનુ ન હોય પણ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય. તકલીફ થશે થોડો સમય પણ આપને પછીથી જીતતા કોઈ નહીં રોકી શકે અને મને ખબર છે રિદ્ધિ કે તું કાયર તો નથી જ.” ભારતીબહેન

“ મમ્મી હું આજ પણ કાયર નથી. પણ પરિસ્થિતિએ મને કમજોર બનાવી દીધી હતી.” રિદ્ધિ

“ પણ રિદ્ધિમેમ તમે જે હકીકત જાણો છો તે એકદમ ખોટી છે. હકીકત મેહુલસરે અમને જણાવી છે. તે જ હકીકત અમે તમને આજ અહી જણાવવા માટે અહી આવીયા છીએ.” ધ્રુવ

“ ધ્રુવ હું બધુ જ જાણું છું અને બધી જ હકીકત મને ખબર છે પણ એક હકીકત છે તે તમે કોઈ નથી જાણતા. ખુદ મેહુલ પણ આ વાત નથી જાણતો . તે હકીકત જ છે મારુ અહી રહેવાનુ કારણ. મને પહેલા તેવું લાગતું કે પરિસ્તીથી મોઢું ફેરવી લેવાથી મુશ્કેલી હલ થઈ જાય છે. પણ હું ખોટી હતી. જેમ હું પરિસ્થિતીથી ભાગતી ફરી તેમ મુશ્કેલીએ મારો વધારે પીછો કર્યો. પણ હવે હું નહીં ભાગું. હવે હું મુશ્કેલીઓનો સામનો કરીશ.” રિદ્ધિ

“ એવી તે વળી કઈ વાત છે જેની જાણ કોઈને નથી?” ભારતીબહેન

“ બધુ જ કહીશ મમ્મી પણ અત્યારે નહીં મેહુલની સામે જઈને. બસ થોડીવાર વધારે રાહ જોઈ લો.” રિદ્ધિ

“ અમે તને લેવા આવ્યા છીએ. ચાલ જવાની તૈયારી કર. હવે અમે તને અહી નહીં રહેવા દઈએ.” નરેશભાઇ

“ હા હું પણ હવે અહી એકલા રહી જિંદગી વિતાવવા નથી માંગતી. ઘણો બોજ છે મન પર. ઘણી બધી એવી વાતો છે જે પોતાનાઓથી હાજરીમાં જ જણાવી શકાય તેમ છે. હવે હું આ બોજમાથી હંમેશા માટે મુક્ત થવા માંગુ છું.” રિદ્ધિ

રિદ્ધિ પોતાનું રાજીનામું આપી ત્યાંથી બધા સાથે જાય છે. આઠ વર્ષથી સાથે કામ કરતાં કર્મચારીઓ અને કશ્મીરની ઘણી યાદો સાથે લઈ રિદ્ધિ ત્યાંથી વિદાય લે છે. ત્યાંના કર્મચારીઓ પણ રિદ્ધિને ભાવભીની વિદાય આપે છે.

***

શું હશે રિદ્ધિના મનમાં? હવે એવી કઈ વાત છે જે કોઈ નથી જાણતું રિદ્ધિ સિવાય? શું આ વાત રિદ્ધિ-મેહુલના સંબંધો સુધારી શકશે? જોઈશું આગળના અંકમાં… ત્યાં સુધી વાંચતાં રહો ‘ હું તારી રાહમાં...’

જય શ્રી કૃષ્ણ .